હાઇવે રોબરી - 21 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાઇવે રોબરી - 21

હાઇવે રોબરી 21

રાતના સવા ચાર વાગે બીજી ટીમ જવાનસિંહના ઘર તરફ જવા રવાના થઈ. દિલાવરની એક ટીમ એમની પાછળ રવાના થઈ. કોઈ શહેર કે ગામ એવું નહોતું જ્યાં દિલાવર કોઈ ઓળખાણ ના કાઢી શકે.
સવા પાંચની આસપાસ જવાનસિંહના ગામની બહાર પોલીસની ત્રણ ગાડી ઉભી રહી. રાઠોડ સાહેબ ખુદ આ ટીમનું નેતૃત્વ કરતા હતા. સરપંચ , રોય સાહેબનો ઓળખીતો જ હતો. એને ગામના પાદરે બોલાવ્યો હતો. અને જવાનસિંહના ઘરની આખી ભૂગોળ સમજી લીધી હતી.રાઠોડ સાહેબે જવાનસિંહના ઘરની ભૂગોળ સમજી લઈ આખી ટીમને જરૂરી સૂચનાઓ આપી. સરપંચને સાથે લઈને રાઠોડ સાહેબ ગામમાં પ્રવેશ્યા. રાઠોડ સાહેબ સરપંચને પણ એવો કોઈ મોકો આપવા માંગતા નહોતા કે કોઈ વાત લીક થાય.
જવાનસિંહના ઘરને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યું. રાઠોડ સાહેબ પાંચ પોલીસ જવાનોની સાથે જવાનસિંહના ઘર આગળ પહોંચ્યા. ઘર ગામના છેડા ઉપર વસંતની મહેરબાનીથી બાંધેલું હતું. પતરાવાળા ઘરની બહાર બે બાળકો સુતા હતા. સવિતા દાતણ લઈ હજુ ઘરની બહાર નીકળતી હતી અને બહાર પોલીસનો કાફલો જોઈ ગભરાઈ ગઈ. એ મનોમન માતાજીને યાદ કરી ગઈ.. ' હે મા , પાછી કોઈ આફત ના આપતી. '
' જવાનસિંહ ક્યાં છે ? '
' એ એમના મિત્રના ઘરે ગયા છે. '
' ક્યારનો ગયો છે ? '
' કાલે રાતના ગયા છે. '
' ક્યા દોસ્તના ઘરે ગયા છે? '
જવાનસિંહ કોઈ દોસ્તનું નામ આપ્યા વગર ગયો હતો. પોલીસની તોછડાઈ સવિતા અનુભવી રહી હતી.પણ પોલીસ પણ કોઈ ધર્મધુરંધરને મળવા નહતી આવી.
' એ કહ્યું નથી. '
' એને ફોન કર , અને પૂછ એ ક્યાં છે. '
સવિતા એ ફોન કર્યો. પણ જવાનસિંહનો ફોન બંધ આવતો હતો.
' સાહેબ , ફોન બંધ આવે છે. '
' ઠીક છે. બરકત આખા ઘરની તલાશી લો. '
એ નાનકડા ઘરમાં કાંઈ તલાશી લેવા જેવું ન હતું. જવાનસિંહના મળ્યો. પણ અડધા કલાકની મહેનત પછી , માળિયામાં બધા સામાનની પાછળ છુપાવેલી બેગ મળી. લૂંટ ના માલનો બીજો ભાગ પકડાઈ ગયો.
સવિતા પાસેથી જવાનસિંહના બધા મિત્રોના નામ અને એડ્રેસ લઈ લેવામાં આવ્યા. પણ કોઈના ફોન નમ્બર સવિતા પાસે ન હતા. ગામમાં જવાનસિંહના જે મિત્રો હતા એમને બોલાવ્યા. પણ કંઈ માહિતી ના મળી.
પંચનામું કરી લૂંટનો જપ્ત કરેલો માલ લઈ પોલીસ રવાના થઈ. જતા જતા રાઠોડ સાહેબ ત્રણ વિશ્વાસુ પોલીસને સરપંચના ઘરે મુકતા ગયા.
*************************
રાઠોડસાહેબ માટે જવાનસિંહ અને પેલો સરદારજી એક ચેલેન્જ સાબિત થયા હતા . જવાનસિંહ તો આઇડેન્ટીફાઈ થઈ ગયો હતો . એ વહેલોમોડો જરૂર પકડાશે . પણ સરદારજી કોણ . રઘુ , જીવણ, જવાનસિંહ અને પ્રહલાદના ઘરેથી લૂંટનો માલ પકડાઈ ગયો હતો .અલબત્ત કેટલી રકમ આ લોકોએ વાપરી નાંખી હશે એ હજુ નક્કી થાય તેમ નહતું . કેમકે હજુ કોણ કોણ નથી પકડાયા અને એમની પાસે કેટલો માલ છે , એ રહસ્ય જ હતું. રઘુ અને રતનસિંહ મૃત્યુ હતા . જીવણ અને પ્રહલાદ પકડાઈ ગયા હતા . એ બધાના ગામ પોલીસની ચહલપહલથી ધમધમી ઉઠ્યા હતા. નાથુસિંહ કેટલાક અંદાજ લગાવી શકતો હતો. પણ એનું મુખ્ય કામ દિલાવરના હીરા અંગે માહિતી મેળવવાનું હતું. અને રાઠોડ સાહેબને એ એક મેસેજ પણ આપવા માગતો હતો. સવારના આઠ વાગ્યા સુધીમાં દિલાવર અને નાથુસિંહ પાસે મેસેજ હતા કે જીવણ અને પ્રહલાદની ધરપકડ થઈ ગઈ છે. અને પોતે જેને શોધતા હતા તે રઘુનું ખૂન થઈ ગયું છે. અને આ ત્રણ ઉપરાંત એક જવાનસિંહના ઘરેથી લૂંટનો માલ જપ્ત થયો છે પણ હજુ એ પકડાયો નથી. પણ હજુ એમને એ ખબર નહતી પડી કે બધા આરોપી પકડાઈ ગયા કે હજુ કોઈ બાકી છે. નાથુસિંહના મગજમાં એક વિચાર આવ્યો. અને એણે દિલાવર સાથે વાત કરી. નાથુસિંહ ક્યાંય ડાયરેકટ પિક્ચરમાં ના અવાય તેનું ધ્યાન રાખતો હતો. દિલાવરે ફોન હાથમાં લીધો.
************************
સવિતાનું મન ગભરાતું હતું. એક વાર તો જવાનસિંહ જેલમાં ગયો ત્યારે પરાણે જીવન વ્યતિત કર્યું હતું. પાછી કોઈ નવી આફત તો નહિ આવે ને ? દુઃખમાં એક આશરો ભગવાનનો જ હોય છે. એ ઘરમાં માતાજીના ફોટા આગળ જઇને ઉભી રહી. એની આંખમાં આંસુ હતા.
' હે મા , પાછી જીવનનૈયા ખરાબે ચડાવીશ કે શું ? ના મા , ના. સાચવી લે જે. એમણે કંઇક કર્યું હશે , નહિ તો પોલીસ ના આવે. કદાચ બીજાનો દોષ આમના ઉપર તો નહિ નાખતા હોય , મા એમની રક્ષા કરજે. '
એને વસંત અને રાધા ભાભી યાદ આવ્યાં. એ ના હોત તો પોતાનું શું થાત ? વસંત ભાઈએ એમને કિટલી કરી આપી , એમને લાઈન પર ચડાવ્યા. કદાચ એમને ખબર હશે કે એ ક્યાં છે ? હા , લાવ ભાભી ને ફોન કરું.
સવિતા એ રાધા ભાભીને ફોન કર્યો.
' ભાભી હું સવિતા બોલું , તમારા ભાઈ રાતના ગયા છે તે આવ્યા નથી. પોલીસ એમને શોધતી ઘરે આવી હતી. મને બહુ ચિંતા થાય છે.વસંત ભાઈને પૂછોને , કદાચ એમને ખબર હશે. '
' એ ઘરે નથી , હું તેમને ફોન કરી પછી તને વાત કરું. '
***************************
રાધા એ વસંતને ફોન કર્યો. વસંત અને જવાનસિંહ ખેતરેથી નીકળવાની તૈયારી કરતા હતા.
' હેલો , બોલ રાધા. '
' સવિતા ભાભી નો ફોન હતો , જવાનભાઈ ક્યાં છે તમને ખબર છે ? '
' ના મને ખબર નથી , કેમ શું થયું ? '
' સવિતા ભાભીના ઘરે પોલીસ આવી હતી. જવાનભાઈને શોધતી હતી. '
વસંતના પગ નીચેથી જમીન ખસી ગઈ. એને તરત તો એ પણ ના સમજાયું કે હવે શું કરવું. પણ એ નક્કી હતું કે કંઇક કરવું પડશે. હાલ તો જવાનસિંહ ઘરે જઈ શકે તેમ ન હતો.
' ના મને ખબર નથી. '
' સારું , તમે ક્યારે આવો છો ? '
' હું એક ટ્રેકટરની સર્વીસ માટે જાઉં છું. આવતાં આવતાં બપોર થશે. '
' જલ્દી કરજો. મને ચિંતા થાય છે. '
' હા મુક ફોન. '
વસંતે તાળું પાછું ખોલ્યું અને અંદર ખાટલો ઢાળી તેમાં બેસી ગયો. જવાનસિંહનું મન આમ પણ ખિન્ન હતું. પણ હવે લાગ્યું કે કંઈક અજુગતું થયું છે.
' ગુરુ , શું થયું ? '
' જવાન , જે નહોતા ઇચ્છતા એ જ થયું લાગે છે. '
' શું થયું ? '
' પોલીસ તારા ઘરે ગઈ હતી. '
' કોણે કહ્યું ? '
' સવિતાભાભી એ રાધાને ફોન કર્યો હતો. '
જવાનસિંહ ફસડાઈ પડ્યો. એ વસંતની બાજુમાં બેસી ગયો. બન્ને વચ્ચે પાછું એક મૌનનું આવરણ વીંટળાઇ વળ્યું. થોડી વાર પછી જવાનસિંહ કંઇક સ્વસ્થ થયો. મૌન બેસી રહેવાથી કંઈ નહીં થાય. ગળામાં શોષ પડતો હતો. જવાનસિંહ ઉભો થયો. માટલા માંથી પાણીના બે ગ્લાસ ભરી. એક ગ્લાસ વસંતને આપ્યો. અને એક ગ્લાસ લઈ એ ખાટલામાં બેઠો.
' ગુરુ , આયોજન સરસ હતું. તો આવું કેવી રીતે બને ? '
' કદાચ ગુનો હંમેશા સજાને પાત્ર જ રહેતો હશે. પણ સજા આટલી જલ્દી આવશે એ ખબર ન હતી. '
' ગુરુ , પણ મને વિશ્વાસ થતો નથી. કદાચ રઘુ ના મૃત્યુ માટેની તપાસ માટે પણ આવી હોય , અને આપણે કદાચ વધારે વિચારતા હોઈએ. '
' બની શકે. '
' હું સવિતાને ફોન કરું અથવા પ્રહલાદને ફોન કરું. '
વસંતની વિચારશક્તિ ખતમ થઈ ગઈ હતી. એણે કહ્યું. ' તને યોગ્ય લાગે તે કર. '
અને જવાનસિંહે એનો ફોન ઓન કર્યો...



( ક્રમશ : )


04 જૂન 2020