ડૉ. વિરેન મહેતા ખૂબજ નિરાશ થઈ ગયા અને ભાંગી પડ્યા. શું કરવું ? કંઈજ તેમને સૂઝતું ન હતું. હવે તો ઈશ્વર કરે તે જ ખરું...!! તેમ વિચારી રહ્યાં હતાં.
એટલામાં તેમના સેલફોનમાં રીંગ વાગી જોયું તો મોનિકા બેનનો ફોન હતો. શું કરવું ? શું જવાબ આપવો મોનિકાને ? શું કહેવું ? ડૉ. વિરેન મહેતાની હિંમત ચાલતી નહોતી.
તેમણે બે વખત તો ફોન ઉઠાવ્યો જ નહીં પરંતુ મોનિકા તો ઉપરાછાપરી ફોન ઉપર ફોન કરી રહી હતી એટલે ફોન ઉઠાવ્યા વગર છૂટકો પણ ન હતો.
ડૉ. વિરેન મહેતા: (મોનિકાનો ફોન ઉઠાવે છે.) મોના, આપણી આન્યા.... આપણી આન્યા....
એમનો દર્દનાક અવાજ સાંભળીને જ મોનિકા બેનના હોશકોશ ઉડી ગયા અને નક્કી કંઈક ખોટું થયું હોવાનો અહેસાસ તેમને થવા લાગ્યો.
મોનિકા બેન: વિરેન, શું થયું આપણી આન્યાને, કંઈક બરાબર બોલો તો ખબર પડે. મારા તો ધબકારા જ વધી ગયા છે.
ડૉ. વિરેન મહેતા: મોના, આપણી આન્યા જે ફ્લાઇટમાં આવતી હતી તે ક્રેશ થઈ ગયું અને ક્યાં થયું ? કેવી રીતે થયું ? તેમાં બેઠેલા પેસેન્જર્સની શું હાલત થઈ હજી સુધી કોઈ સમાચાર નથી.
મોનિકા બેન: (મોનિકા બેનના હાથમાંથી ફોન પડી જાય છે અને તે જમીન ઉપર ફસડાઈ પડે છે. ડૉક્ટર વિરેન મહેતા બૂમો પાડ્યા કરે છે પણ મોનિકા બેન કંઈજ જવાબ આપી શકતા નથી.
ડૉ. વિરેન મહેતા પોતાના કમ્પાઉન્ડર રાજુને પોતાની સાથે લઈને ઘરે આવે છે.
આવીને જુએ છે તો મોનિકા બેન જમીન ઉપર ફસડાઈ પડેલા હતાં. રાજુ તેમના મોં ઉપર પાણી છાંટે છે અને તેમને ઉઠાડવાની કોશિશ કરે છે પરંતુ તે ભાનમાં આવી શકતા નથી તેથી વિરેન મહેતા અને રાજુ બંને તેમને ઉંચકીને પલંગ ઉપર સુવડાવે છે અને વિરેન મહેતા તેમને પોતાની પાસે રહેલું ઈજેક્શન આપે છે ત્યારબાદ મોનિકા બેન ભાનમાં આવે છે અને ડૉ.વિરેન મહેતાને પૂછવા લાગે છે કે, આન્યાને શું થયું ?
વિરેન મહેતા મોનિકા બેનને સમજાવતાં કહે છે કે, "આન્યાનું પ્લેન ક્રેશ થઈ ગયું છે આન્યાના હજી કોઈ પાક્કા સમાચાર નથી પણ મને મારા ભગવાન ઉપર વિશ્વાસ છે કે આપણી આન્યા હેમખેમ હશે અને આપણને જલ્દીથી મળી જશે.
"અને તેની સાથે તેનાં ફ્રેન્ડસ હતાં, સંયમ,સીમોલી અને કંદર્પ તેમના કંઈ સમાચાર મળ્યાં ?" મોનિકા બેન પૂછે છે.
ડૉ. વિરેન મહેતા એક ઉંડો નિસાસો નાંખે છે અને બોલે છે, "ના, કોઈના પણ કોઈ જ સમાચાર મળ્યાં નથી. જે સમાચાર ઈન્ડિયન એરલાઇન્સને મળશે તે આપણને જણાવવામાં આવશે અને આપણે હવે ટીવીમાં અને ન્યૂઝ પેપરમાં સમાચાર જોતાં અને વાંચતાં રહેવાનું અને ઉપરવાળા ઉપર ભરોસો રાખવાનો બીજું તો શું ?"
અને આન્યાના મમ્મી-પપ્પા બંનેના જીવથી પણ વધારે વ્હાલી આન્યા આજે તેમનાથી જાણે ઘણેબધે દૂર ચાલી ગઈ હતી... જીવીત પણ છે કે નહિ તે ઉપરવાળો જાણે ?
***********
એક શાનદાર રૂમમાં જ્યાં આન્યાને રાખવામાં આવી છે, દિપેન તેની બાજુમાં બેઠો છે અને ડૉક્ટરને પૂછી રહ્યો છે કે આન્યાને ક્યારે ભાન આવશે ?
ડૉક્ટર સાહેબના જણાવ્યા પ્રમાણે આન્યાનું માથું સખત રીતે પથ્થરને ટકરાઈ જવાથી તેને માથામાં ગંભીર ઈજા પહોંચી છે.તેને ક્યારે ભાન આવશે ? એક દિવસ,બે દિવસ ત્રણ દિવસ કે પછી અઠવાડિયું કે મહિનો કે એક વર્ષ પણ થઈ શકે છે. કંઈ કહી શકાય નહીં અને ભાનમાં આવ્યા પછી પણ તેને પોતાનો ભૂતકાળ યાદ છે કે નહીં કંઈજ કહી શકાય નહીં.
"ઑહ નૉ" દિપેનથી અચાનક જ બોલી જવાય છે. "તો આ નાદાન, જુવાન અને આટલી બધી રૂપાળી છોકરીને મારે ક્યાં સુધી ઘરમાં રાખવી પડશે અને સાચવવી પડશે ?"
ડૉક્ટર સાહેબ દિપેનને સમજાવતાં કહે છે કે, "તમારે તેની જવાબદારીમાંથી મુક્ત થવું હોય તો તમે પોલીસમાં કમ્પલેઈન લખાઈ શકો છો અને તેને તમે સરકારી હોસ્પિટલમાં દાખલ કરી શકો છો."
દિપેન કંઈક ઉંડા વિચારમાં ડૂબી જાય છે કે શું કરવું કંઈ ખબર પડતી નથી ?
દિપેન આન્યાને પોલીસને સોંપી દેશે કે પછી પોતાની પાસે પોતાના ઘરે રાખશે ? જાણવા માટે વાંચતાં રહો....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
14/6/2021