Neelgaganni Swapnpari - 19 books and stories free download online pdf in Gujarati

નીલગગનની સ્વપ્નપરી ... - 19

નીલગગનની સ્વપ્નપરી ...!!
સોપાન 19.

મિત્રો, સોપાન 18માં જોયું કે પરિતા ખૂબ ઝડપથી પોતાના ધ્યેય તરફ આગળ વધી રહી છે. કદાચ તે
એસ. એસ. સી. બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ સ્થાન પર પહોંચે તો એક વાત સ્પષ્ટ છે આ ત્રિપુટી કંઈ પણ નવી દિશાનું નિર્માણ કરી સમાજને યોગ્ય માર્ગે લઈ જવા પ્રયત્ન આદરશે. હર્ષ અને હરિતાનો ધ્યેયમાર્ગ ગોઠવાઈ ગયો પરિતાનો ધ્યેયપથ પરિણામ બાદ જ નક્કી થશે. જો કે હર્ષનો ઈશારો સાયન્સ તરફ છે અને પરિતા એ માટે capable પણ છે. તો હવે રાહ કોની જોવાની. આગળ વધીએ ભાગ ... 19 પર.
***************************************************

નીલગગનની સ્વપ્નપરી ...!!
ભાગ 19

નવા આયોજન મુજબ 06/05 થી 08/05 સુધી સાપુતારા જવાનો પ્લાન તૈયાર થઈ ગયો છે. આજે 05/05 ને શુક્રવાર છે. આવતીકાલે સાપુતારા ફરવા જવાનું ગોઠવાયું છે. ત્રણે ઘરનો સ્ત્રીઓ નાસ્તો તૈયાર કરવામાં પડયો છે. હર્ષને પોતે એકલતાનો અનુભવતો પોતાના રૂમમાં પલંગ પર બેઠો છે. તેના મનમાં સતત હરિતાનો જ પ્રશ્ન માનસપટ પર આવી સતાવ્યા કરે છે. તે વિચારે છે કે હરિતા માતૃત્વથી વંચિત રહે તે કેમ સ્વીકારી શકાય ? આમ અટવાયેલો હર્ષ આડો પડતાં જ ઘસઘસાટ ઊંઘી જાય છે. સાંજના ચારેક વાગ્યે હરિતા ચા અને નાસ્તો લઈને આવી. તેણે હર્ષના માથે હાથ ફેરવી ...

"તારી રાધા જુએ જો કાના તારી વાટ રે,
વાંસળીના સૂર છેડો તમે યમુનાના ધાટ રે,
દલડાં ચોર્યાની એ રાત મને હજુ યાદ આવે.
ઊઠો ઊઠોને કાન ભીતરથી હવે મને થાક લાગે."

આ સાંભળતાં જ હર્ષ તરત જ બેઠો થઈ એક આછેરું સ્મિત તેની રાધાને દઈ તે મોઢું ધોવા ચાલ્યો ગયો. ત્યાં તો પરિતા પણ ઘેરથી નાસ્તો લઈ આવી. ત્રણે જણે ભેગા મળી નાસ્તો કર્યો. હર્ષ ઘણો ખુશ થયો. તે મજાક કરતાં પૂછે છે કોને પ્રથમ સ્થાન દેવું તેની અવઢવ છે ? તો તરત જ હાજરજવાબી એવી પરિતા જણાવે છે કે, "જે પહેલું જીવનમાં આવ્યું હોય તે પહેલું એટલે કે દીદી પહેલા નંબર પર.. હું તો ઘણી જ મોડી તારી પાસે આવી અને જીવનમાં આમ પણ મોડી પડી છું. આમેય દીદી કરતાં હું નાની એટલે હું બીજા નંબર પર જ રહીશ. અરે ! પણ આ નંબર શેના અને શા માટે ? ગોઠવણી શેની કરાય છે તેમજ આ શેનું સંશોધન ચાલે છે !"

હરિતા ખડખડાટ હસી પડે છે અને પરિતાની સાથે એક મીઠો સંવાદ કરે છે.

હરિતા : કૃષ્ણને કેટલી રાણીઓ હતી?
પરિતા : 16108
હરિતઃ : એમાં વહાલી કેટલી ?
પરિતા : 09. પ્રેમિકા રાધા સાથે. એમાં ખાસ ત્રણ.
હરિતા : એ ખાસ રાણીઓ કઈ કઈ ?
પરિતા : રુક્મિણી, જામવતી અને સત્યભામા.
હરિતઃ : શ્રીકૃષ્ણને પારિજાતનાં પુષ્પ કોણે આપેલાં ?
પરિતા : નારદજીએ
હરિતા : આ પરિજાત પુષ્પ શ્રીકૃષ્ણે કોને આપ્યું ?
પરિતા : સૌથી વહાલી એવી રાણી રુક્મિણીને.
હરિતઃ : આનાથી કઈ રાણી મધુસુદનથી રિસાઈ ?
પરિતા : રાણી સત્યભામા.
હરિતા : શામળિયાએ તેને કેવી રીતે મનાવી ?
પરિતઃ : ઈન્દ્ર સાથે યુદ્ધ કરી તેના બગીચામાંથી આખું
પારિજાત વૃક્ષ લાવી સત્યભામાની વાટિકામાં
લગાવ્યું.

બસ, આપણા આ કાનજીનો એવો જ કંઈક પ્લાન હોય એવું લાગે છે. અગાઉ રાધા અને મીરાં તો આપણાં બન્નેનાં અલગ રૂપ હતાં. પણ હવે હુ રુક્મિણી અને તું સત્યભામા. બોલ કેવું લાગ્યું ? આ છે આપણા દિલના દ્વારના શ્રેષ્ઠ અધિપતિની ચાલ. આપણે બન્ને સાથે મળી તેની સાથે રમીશું કે સતાવીશું એટલે એ એની ચાલથી બન્નેને ખુશ પણ કરશે. મને તો ઘણી ખુશ કરી દીધી છે, હવે તો તારી વારી આવી લાગે છે સત્યભામા!
આમ જ આજે આનંદ પ્રમોદ કરતાં કરતાં સાંજ પણ પડી ગઈ. કેટલીક જરુરી વાતો કરીને આ ત્રિપુટી અહીં છુટી પડી. સૌ પોતપોતાના ફ્લેટમાં ગયા. સવારે વહેલા ઊઠીને સાપુતારા જવા માટે નીકળવાનું હોવાથી બધા જમી-પરવારીને વહેલા જ સૂઈ ગયા.
સવારે સૌ વહેલા ઊઠી ગયા. નાહી-ધોઈને ચા અને નાસ્તો પણ કરી લીધો. તૈયાર થઈને સૌ નીચે આવ્યા. હરેશભાઈની ગાડીમાં હર્ષ આગળ તેમની બાજુની સીટ પર બેઠો તથા ચેતનાબહેન અને હરિતા પાછળની સીટ પર બેઠા. રવિન્દ્રભાઈ સાથે આગળ હરસુખભાઈ બેઠા, પાછળ સરસ્વતીબહેન અને સોનલબહેન તથા એની પાછળ પરિતા, કવિતા અને રુદ્ર બેઠા. બંને ગાડીઓ રવાના થઈ.
તેઓ બારડોલી, વ્યારા થઈને પ્રથમ ઉનાઈ ગામમાં આવેલા ઉનાઈ માતાના મંદિર પહોંચ્યા. અહીં સૌ પ્રથમ બધાએ ઉનાઈ માતાના દર્શન કર્યા. કુંડના પાણીથી હાથ, પગ અને મોંઢું પણ ધોઈ લીધું. ત્યાં સૌ ચા-નાસ્તો કરવા બેઠા હતા ત્યારે હર્ષે આ મંદિર વિષે જાણવાની ઉત્સુકતા દર્શાવી. આ સમયે ગામની શાળાના એક નિવૃત્ત શિક્ષક ત્યાં જ બેઠા હતા. તેમણે આ વાત સાંભળી અને તેઓ ઊભા થઈને આવ્યા. તે આવીને રવિન્દ્રભાઈની બાજુમાં જ બેઠા અને વાત શરૂ કરી ...
આ મંદિર ખરેખર તો ઉષ્ણ અંબા માતાજીનું મદિર છે. આ જગ્યા તો રામાવતારના સમયથી જ નૈસર્ગિક ગરમ પાણીના કૂંડ તરીકે જાણીતી છે. આ પણીથી જો સ્નાન કરવામાં આવે તો ચામડીને લગતા રોગ થતા નથી અને થયા હોય તો મટે છે.
આ મંદિર પૌરાણિક કાળથી ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ મંદિર વિષે એક દંતકથા પ્રચલિત છે કે, શ્રી રામચંદ્રજી ભગવાન વનવાસ દરમિયાન ફરતા ફરતા શરતભંગ ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ત્યારે શરતભંગ ઋષિએ તેમનો ભક્તિભાવપૂર્વક આદર-સત્કાર કર્યો. પરંતું ઋષિ પોતે કૂષ્ઠરોગથી પીડાતા હતા. તેમના શરીરમાંથી રક્ત અને પરું વહી જતું હતું અને તેમનું શરીર ધ્રુજતું હોવાથી શરતભંગ ઋષિ ભગવાન શ્રી રામચંદ્રની સેવા કરવામાં ક્ષોભ અનુભવતા હતા.
ઋષિએ પોતાનું આખું શરીર યોગબળથી બદલી નાખ્યું અને પ્રભુની સેવા કરવા લાગ્યા. પૂજા દરમ્યાન લક્ષ્મણજીને ઋષિના દુઃખની ખબર પડી ગઈ હતી. પૂજા પૂરી થઈ જતાં લક્ષ્મણજીએ સઘળી હકીકત ઋષિ પાસેથી મેળવી અને ઋષિની આ અસહ્ય વેદનાની વાત ભગવાન શ્રી રામચંદ્રજીને કરી.
ઋષિની સેવાથી સંતૃપ્ત થઈ શ્રી રામચંદ્રજી, માતા સીતાજી અને લક્ષ્મણજી વિદાય માટે આગળ વધ્યા ત્યારે તેમને વળાવવા ઋષિ પણ સાથે ચાલ્યા. બે-ત્રણ માઈલ ચાલ્યા બાદ ઋષિને પોતના રોગની કષ્ટ પીડા થવા લાગી અને તે ઘ્રુજવા લાગ્યા.
ઋષિની આ સ્થિતિ જોઈ ભગવાન શ્રી રામજીએ તરત જ ધનુષ્ત પર બાણ ચઢાવ્યું અને પૃથ્વીના પેટાળમાં માર્યું. આ બાણ પૃથ્વીના પેટાળને ચીરીને પાતાળે પહોંચતાની સાથે જ પૃથ્વીના પેટાળમાંથી અત્યંત ઉષ્ણ ઓષધ યુક્ત પાણીના અનેક ઝરાઓ બહાર આવ્યા. આ સમયે એક દેવીની પ્રતિમા (મૂર્તિ) પણ બહાર આવી.
આ સમયે ભગવાન શ્રી રામચંદ્રજીએ સીતાજીને કહ્યું કે ... "આ ઉષ્ણ અંબાની તમે અહીં પ્રાણપ્રતિષ્ઠા કરો અને શક્તિ સ્વરૂપે અહીં જ નિવાસ કરો. હું પણ મારા અંશ રૂપે અહીં જ નિવાસ કરીશ." શરતભંગ ઋષિને આ પાણીમાં સ્નાન કરાવી તેમને રોગમુક્ત કર્યા તથા જે કોઈ આ ઉષ્મ અંબાનાં દર્શન કરી આ ઉષ્ણ જળમાં સ્નાન કરશે તેનાં સર્વ પ્રકારનાં દુઃખ અને રોગો દૂર થશે તેવા આશિર્વાદ આપ્યા. ત્યારથી આ કુંડમાં લોકો શ્રદ્ધાપૂર્વક સ્નાન કરી પોતાનાં દુઃખ અને દર્દનું નિવારણ કરે છે.
શરતભંગ ઋષિની વિદાય બાદ સીતાજીએ પણ ઉષ્ણ પાણીમાં સ્નાન કર્યું. ત્યાબાદ શ્રી રામચંદ્રજીએ સીતાજીને પૂછ્યું ..."તું નાઈ." ત્યારે જવાબમાં તેમણે જણાવ્યું ...
"હું નાઈ." આમ "હું નાઈ" નું અપભ્રંશ થઈને 'ઉનાઈ ' શબ્દની ઉત્પત્તિ થઈ અને ગામનું નામ ઉનાઈ થયું. આજ રીતે ઉષ્ણ અંબાનું નામ પણ આ ગામના નામ સાથે જોડાઈ જતાં 'ઉનાઈ માતાજી' તરીકે ઓળખાય છે. ચૈત્ર સુદ પૂનમ અને મકરસંક્રાંતિના દિવસે અહીં મોટા મેળા ભરાય છે.
રવિન્દ્રભાઈએ તેમનું નામ પૂછતાં તેમણે જણાવ્યું કે મારું નામ શૈલેશભાઈ ભટ્ટ છે. હું વડોદરા જીલ્લાના કાયાવરોહણનો વતની છું. શિક્ષક તરીકેની નિવૃત્તિ બાદ આ મંદિરમાં જ રહીને મા અંબાની સેવા કરું છું. સૌએ શૈલેશભાઈ સાથે ભેગા મળી ચા નાસ્તો કર્યો અને તેમનો આભાર માન્યો. લગભગ 10:30 સમય થયો હતો. સૌ આ પ્રવાસને આગળના સ્થાન પર પહોંચવાની તૈયારીમાં જોડાયા.

To be continued ...!!
***************************************************
મિત્રો, પારિજાત વૃક્ષ (રાતરાણી)ના રહસ્યની વાત સાથે ઉનાઈના ઉષ્ણ જળની વાર્તા પણ મન ભરીને માણી. હવે પ્રવાસ આગળની ગતિ પર છે. હવે તે પૂર્ણા વન્યજીવ અભ્યારણ્ય તથા સાતપુડાની રમ્ય પહાડીઓમાં આવેલા ગિરાધોધને પણ માણશે. સમય થોડો છે જોવાનું અને માણવાનું ઘણું છે.
આગળના પ્રવાસને માણવા મળીએ સોપાન 20 પર.
***************************************************
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'. સુરત (વીરસદ)
માત્ર વૉટ્સ ઍપ સંદેશ માટે : 87804 20985
***************************************************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED