નીલગગનની સ્વપ્નપરી ... સોપાન - 1 Mahendra R. Amin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન - 1

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 01.

હર્ષ આજે ઑફિસથી વહેલો ઘેર આવી ગયો હતો.
ઑફિસમાં ખાસ કામ કંઈ હતું નહીં. બહાર વાતાવરણ વાદળછાયું હતું અને ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી હતી. તેથી તે ઑફિસથી
આવી ગયો. જો કે પરિતા હજુ આવી ન હતી અને ઘરમાં તે એકલો જ હતો. આમ તે પોતે રસોડામાં જાય છે, ચાય બનાવે છે અને ચાયના મીઠા ઘૂંટડા માણવા તે બાલ્કનીમાં હીંચકા પર બેઠો. તે સમયે આકાશમાં વાદળોનો પકડદાવ ચાલી રહ્યો હતો.
ચાય પીતો પીતો તે એકાએક વાદળીમાં ખોવાયો.
તે હર્ષોલ્લાસ ભરી વાદળીને અહોભાવથી નિરખી રહ્યો છે. વાદળીમાં તેનો નાજુક નમણો એ ચહેરો,
નાજુક ગુલાબી હોઠ અને નયન તો મૃગનયની જ માની લો. એક હૈયું ઉલાળતી પરી, દેખતાં જ ગમી જાય તેવી નીલ પરી.
હા, આજથી વીસેક વર્ષ પહેલાંની યાદમાં હર્ષ... એજ રૂપપરી, અરે એમ જ કહોને કે રૂપની રાણી. એજ નજુક નમણો ચહેરો, મૃગનયની જેવી આંખો, રતુંમડા હોઠ. હસે તો ગાલે ખંજન પડે અને બોલે તો રસમધુર શબ્દોરૂપી ફૂલ વરસે. એવી સુહાની સ્વપ્ન પરી હરિતાના અતીતમાં તે ડૂબી ગયો.
હર્ષ 12 વર્ષનો હતો અને તે સુરતના એ.કે.રોડ પર આવેલી ઉન્નતિ વિદ્યાલયના સાતમા ધોરણમાં ભણતો હતો. હરિતા પણ 12 વરસની હતી અને તે પણ એ જ શાળાના સાતમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. બંન્નેનો પરિવાર પણ ઉમિયાધામ મંદિર પાછળ આવેલા આમ્રપાલી ફ્લેટમાં ચોથા માળે રહેતાં હતાં. આમ હર્ષ અને હરિતા એક શાળામાં અને એક જ ફ્લેટમાં રહેતા હતા. તેમાં પણ ફ્લેટમાં બંન્નેનાં મકાન પણ એક જ માળ પર સામસામે હતાં.
હર્ષના માતા-પિતા ખેડા જિલ્લાના ઉચ્ચ પરિવારના પટેલ કુટુંબમાંથી હતા. તેના પિતા હરેશભાઈ કાપડ
માર્કેટમાં મોટા વેપારી હતા. તેનાં માતા ચેતનાબેન વરાછા રોડ પર સ્થિત અર્પણ વિદ્યાલયના માધ્યમિક વિભાગમાં શિક્ષિકા હતાં. હર્ષ તેમનો એકનો એક
પુત્ર હતો.
હરિતાનાં માતા-પિતા અમરેલી જિલ્લાના કુંડલા તાલુકાના નાનકડા ગામના બ્રાહ્મણ કુટુંબમાંથી હતા. તેમને એક દીકરી અને એક દીકરો છે. હરિતા સૌથી મોટી દીકરી છે. તેના પિતા હરસુખભાઈ ઉમિયાધામ રોડ પર આવેલી શ્રી નંદન સોસાયટીમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા. જ્યારે માતા સરસ્વતીબહેન ધર સંભાળે છે.
આ બંને પરિવારનાં બાળકો સાથે રમે અને ભણે.
હર્ષ ભણવામાં ઘણો જ તેજસ્વી તો હરિતા પણ એટલીજ હોશિયાર. બંને સાથે જ શાળાનું ઘરકામ કરે. ટયુશન માં પણ સાથે જ હોય. બંને એકબીજાને
એવાં હળી ગયાં કે તેમને એકબીજા વિના ગમે નહીં.
ઉત્તરાયણના દિવસો હતા. હર્ષને પતંગનો બહુ શોખ. હર્ષ પતંગ ચગાવતો હોય ત્યારે ફિરકી તો હરિતાની પાસે જ હોય. હર્ષની ફિરકી હરિતા સંધ જ હોય, એના પર બીજા કોઈનો અધિકાર નહીં. આમ જ સમય પસાર થઈ ગયો ને બંને ધોરણ10 માં પણ આવી ગયા. આ વર્ષની ઉત્તરાયણ માટે બંને નિરસ હતા. તેનાં કારણોમાં એવું હતું કે ... એક તો બોર્ડની પરીક્ષા તો બીજી તરફ હરિતાનાં મમ્મીને બીમાર હોવાથી હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. બંનેના દિલે ઉત્તરાયણનો આનંદ ઓગળી ગયો હતો. હરિતાએ હર્ષને આ માટે ઘણું સમજાવ્યો પણ તે ના માન્યો.
આ સમય દરમ્યાન હરિતાના પિતરાઈ ભાઈ હરિતાના ઘરે આવ્યા. હરિતાનાં કાકી સ્વભાવે સરળ હતાં અને આવતાની સાથે જ ઘરનું તમામ કામકાજ સંભાળી લીધી. તેમને બે દીકરીઓ હતી. એક પરિતા અને બીજી સરિતા. પરિતા અમરેલીમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી. હવે આ પરિવાર અહીં કાયમ માટે સ્થાયી થવાનો હતો. થોડા દિવસ પછી હરિતાના મમ્મીને સારું થતાં રજા મળી અને ઘરે આવી ગયાં.
હરિતાના કાકા થોડા દિવસ અહીં રોકાયા પછી વૈશાલી રોડ પર આવેલા મારુતિનંદન ઍપાર્ટમેન્ટમાં પરિવાર સહ રહેવા ગયા. તેમના ઘરે સત્યનારાયણ કથા અને જમણવાર રાખેલો, હર્ષના ઘરનાને પણ નિમંત્રણ હતું. તેઓ પણ ત્યાં ગયા. હવે તો પરિતાને પણ ઉન્નતિ વિદ્યાલયમાં પ્રવેશ મળી ગયો હતો. હર્ષને હરિતાની સાથે સાથે પરિતા સાથે પણ રહેવાની મઝા પડી ગઈ. હવે તો ત્રણેય પોતપોતાની સાઈકલો પર આનંદ માણતા શાળામાં જતા અને આવતા.
આમ ને આમ હર્ષ અને હરિતાએ ધોરણ 10 પરીક્ષા ઉચ્ચ ગુણવત્તા સાથે પાસ કરી ધોરણ 11 માં આવ્યા. હર્ષ એ. કે. રોડ પર મૂળ શાળાથી થોડી આગળ આવેલી સંકેત વિદ્યાલયના ધોરણ 11 માં વિજ્ઞાન પ્રવાહમાં દાખલ થયો. હરિતાએ તો એની ઉન્નતિ વિદ્યાલયના જ ધોરણ 11માં વાણિજય પ્રવાહમાં દાખલ થઈ. પરિતા ધોરણ 10 માં આવી ગઈ. બધા ખૂબ જ મહેનત કરતાં હતાં. સાથે જ રમતાં રમતાં સાથે હરતાં ફરતાં.
આવતીકાલે 27 ઑગષ્ટ, હરિતાનો જન્મદિવસ હોવાથી હર્ષ જન્મદિવસ ઉજવવા ખૂબ ઉત્સુક હતો. તે હરિતાને જન્મદિવસની સરપ્રાઈઝ આપવા માગતો હતો. તે શાળાએથી ઘેર આવી પોતાના રૂમમાં જઈ હરિતાની ગીફ્ટ બાબતે વિચારે છે. ત્યાંજ હરિતા ચુપચાપ રૂમમાં પ્રવેશે છે. પરંતુ તે જ સમયે ઉપરની છત પરથી ગરોળી તેની પર પડતાં તે એકદમ ચીસ પાડે છે. આ જોઈ હર્પ ઊભો થાયો તો હરિતા જઈને એકદમ હર્ષને બાઝી પડી.
આજ સમયે બહાર ઘનઘોર વાદળ આવ્યું અને વીજળીના કડાકા થવા લાગ્યા. આ બાજુ હર્ષને વીંટળાયેલી હરિતા તેને છોડવા તૈયાર ન હતી. હર્ષ જેમ તેને દૂર કરવા પ્રયત્ન કરે તેમ તે પોતાની પકક મજબૂત બનાવતી. તે ખૂબ ગભરાયેલી હતી. અંતે હર્ષે તેને સમજાવીને પલંગ પર બેસાડીને પાણી આપ્યું અને તેને રિલેક્સ થવા જણાવ્યું. હજુ પણ હરિતા ભયભીત હતી. તેણે હર્ષને પોતાની નજીક પલંગ પર બેસવા જણાવ્યું. હર્ષ તેની બાજુમાં બેઠો અને તને શાંત્વના મળે તે હેતુથી અવારનવાર તેને હાથ ફેરવી રહ્યો હતો. હવે તે નોર્મલ લાગતાં હર્ષ તેને સામે તેને ઘેર મૂકી આવ્યો.

💐💐💐💐💐💐💐💐💐💐

મહેન્દ્ર રમણભાઈ અમીન 'મૃદુ'

સુરત (વીરસદ/આણંદ)

19 ફેબ્રુઆરી, 2021ને શુક્રવાર.

💐💐💐💐💐💐💐💐💐💐