મિત્રો, વાર્તાના પ્રથમ ભાગમાં આપણે હર્ષ અને હરિતાના અભ્યાસની વાતો કરતા હતા. એમ જ લડતાં-ઝગડતાં, રમતાં-રમતાં નિર્દોષ એવું બાળપણ છોડી કિશોરાવસ્થામાં પ્રવેશી ચૂકેલાં બંને હૈયામાં રહેલા ભાવનું પ્રકટીકરણ ભયના ઓથાર હેઠળ થયું. આ બંનેની મિત્રતામાં ત્રીજું પાત્ર એવી પરિતાનો પણ પ્રવેશ થયો. હજુ તેઓ જિજ્ઞાસામાં રાચે છે અને આપ સૌ પણ વાર્તા આગળ વધે તેના ઇન્તેજારમાં છો, તો ચાલો આપણે એ ત્રિપુટીની આગળ વધી રહેલી ગતિવિધને મનોવૈજ્ઞાનિક રીતે નિહાળીએ.
💐💐💐💐💐💐💐💐💐💐
સોપાન 02.
હરિતા ખૂબ સંકોચ અનુભવે છે. તે હર્ષ પાસે પોતાના કાન પકડી માફી માગવાનો પ્રયત્ન કરે છે. હર્ષને પણ હરિતાની આ પ્રતિક્રિયા ગમી છે અને તેહરિતાને આવું કાંઈ મનમાં ન લાવવા સમજાવે છે.
તે હરિતાને પોતાની પાસે બેસાડીને વાતો કરવા સમજાવે છે. બહાર વરસાદ પણ ચાલું છે અને માટીની ભીની ભીની સોડમ બંને હૈયાંને પુલકિત કરી રહી છે. એટલામાં તો હરિતાની મમ્મી તેને બોલાવવા આવે છે. તેની જવાની ઈચ્છા ન હોવા છતાં હર્ષની આંખોમાં આંખ મિલાવી કાંઈક ઉત્સુકતા સાથે Good Night કહી વિદાય થાય છે.
હર્ષ હવે આવતીકાલના હરિતાના જન્મદિવસની ઉજવણી કરવા બાબતે વિચારમાં રાચે છે. તે ઉજવણીના આયોજન બાબતે પરિતાને મોબાઈલ ફોન કરે છે. પરિતા હર્ષના આવેલા મોબાઇલ ફોનને ઉપાડે છે.
પરિતા : Hi, હર્ષ.
હર્ષ : ફાઈન, પરિતા આવતીકાલે હરિતાનો જન્મદિન
છે તે તો તું જાણતી જ હશે ને ?
પરિતા : Sorry હર્ષ, આ વાત તો હું ભૂલી જ ગઈ
હતી. સારૂ થયું તે યાદ કરાવ્યું. બોલ, આ
માટે તું શું વિચારે છે ?
હર્ષ : આપણે બંનેએ સાથે મળીને હરિતાને આ
જન્મદિવસની સરપ્રાઈઝ આપવાની છે. આ
વાત આપણા બે વચ્ચે ગુપ્ત રહેશે. તારે આ
બાબતે કોઈ ફોન હરિતાને કરવાનો નથી કે કાંઈ
જણાવવાનું નથી. આમ પણ કાલે રવિવાર છે.
તું ગણિત / વિજ્ઞાન શીખવા માટે આવે જ છે.
પ્લાનિંગ કરી લઈશું.
પરિતા : Ok, સવારે 9:00 વાગે આવી જઈશ.
આમ, હર્ષ અને પરિતા વચ્ચે ટેલિફોનિક વાતો થયા પછી હર્ષ જમીને પોતાના રૂમમાં આવે છે. વાંચવા બેસે છે પણ દિલમાં હરિતાનું નામ રમે છે. હરિતા તેને બાઝી પડી હતી એ દૃશ્ય નજર સમક્ષ આવતા રોમાંચ અનુભવે છે. તે હરિતાની સતત ઝંખના અનુભવે છે અને ઊંઘી જાય છે
હરિતાના દિલમાં પણ એક અનેરો રોમાંચક આનંદનો ભાવ વાગોળતાં વાગળતાં સૂઈ જાય છે.
દિલની રોમાંચિત ધડકનોમાં કાલે તે 17મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે તે પણ યાદ નથી આવતું. તે તેની મસ્તીની સ્વપ્ન સૃષ્ટિમાં ગરકાવ છે.
તો આ બાજુ પરિતા પણ તેના પર હર્ષના આવેલા ફોનથી ખૂબ આનંદમાં છે. હર્ષે તેની સાથે આ રીતે ફોન પર કરેલી વાતથી તે પણ રોમાંચિત છે તેના મનમાં પણ ઊંડે ઊંડે હર્ષ નામનું બિંદુ રચાઈ રહ્યું છે. તે હર્ષના વિચારોના વમળમાં અટવાયેલી છે. તેને પણ હર્ષ ખૂબ ગમે છે.
આજે એક સોનેરી સવારનું આગમન ત્રણે હૈયાં માટે મનમોહક હતું. દિલની દિલરૂબાના અદૃશ્ય તાર આહલાદક ગુંજારવ કરી રહ્યા હતા. હર્ષના દિલની સ્વપ્નપરી હેતના હિડોળે હીંચતી હતી. હર્ષ તેને હિચોળતો હતો. આમ ચાલતું હતું ત્યાં પરિતા આવી, પણ હર્ષને તો તેની ખબર જ ના પડી.
ત્યાં તો પરિતા કહે છે ... હે મારા કૃષ્ણ, રાધાના સપનામાંથી ફ્રી થયા હોય તો હું મીરાં હાજર છું. હું પરિતા, વિજ્ઞાન શીખવા આવી છું.
આજ સમયે હર્ષના મુખેથી ઘીમા સ્વરે શબ્દો સરી પડે છે ...
મોરલીના સૂરમાં રાધા સંઘ મીરાં બંધાણી,
એક પ્રેમ દિવાની તો બીજી વૈરાગી વાણી.
હર્ષના આ શબ્દો સાંભળી પરિતા આશ્ચર્ય અનુભવે છે. તે વિચારે છે કે કોણ રાધા, કોણ મીરાં, કઈ મોરલી, એને કાંઈ સમજાયું નહીં. એને થયું આ મનોમંથન નહિ, આજે વિજ્ઞાનના પ્રકરણ 10, કાર્બનનાં સ્વરૂપોનો સ્વાધ્યાય વિહંગાવલોકન કરી લખવાનો છે. પણ એના દિલમાં તે ન સમજાય તેવી અસમંજસતા અનુભવતી હતી.
હર્ષ પરિતાને જોતાં જ તેને Sorry કહે છે. તે તેની સાથે હરિતાની 'Birthday' ઉજવવા બાબતે ચર્ચા કરે છે. હર્ષનાં મમ્મી ચા-નાસ્તો લઈને આવે છે. તેઓ પરિતાને તેના મમ્મી-પપ્પાની ખબર-અંતર પૂછે છે. એટલામાં ફોનની રિંગ નો અવાજ આવતાં તે રૂમમાં જાય છે. બંને ચા-નાસ્તાને ન્યાય આપે છે.
ફોન પરિતાની મમ્મીનો હતો અને તે બધા તેની માસીને ઘરે મોટા વરાછા જવાનાં હોવાથી પરિતાને સાંજ સુધી અહીં જ રહેવા જણાવ્યું. હર્ષના મમ્મીએ આ વાત પરિતાને જણાવી. આ વાતથી પરિતાને ઘણો આનંદ થયો. તેને થયું કે આજે દિવસભર હર્ષ અને હરિતા સાથે રહેવાની મજા આવશે.
હર્ષ અને પરિતા હરિતા માટે બર્થ ડે ગિફ્ટ લેવા માર્કેટમાં જાય છે. અનેક ગિફ્ટ જોયા પછી તે બંનેને મોરલીઘરની મૂર્તિ ગમી જાય છે. હર્ષ કૃષ્ણની ખરીદે છે અને પરિતા પણ એક સુંદર વસ્તુ ભેટ માટે લે છે.
હર્ષે ખરીદેલી મૂર્તિ પણ એટલી મનમોહક છે કે તેની મોહિની મીરાંને તો લાગી જ પણ હવે રાધાને પણ લાગશે. કારણ આ શ્યામ હવે એકલી રાધાનો ન રહેતાં મીરાંનો પણ બન્યો. કૃષ્ણના રાધાના પરના હેતભાવની પસંદગી તો મીરાંના વિચારોમાં જ થઈ હતી. એટલે જ તો પરિતાના મનમાં ભાવ રચાતા જોવા મળ્યા ...
શ્યામ તેરી બંસી, શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ
તુ હી તો માન ગયા, રાધા કે સાથ મીરાં કા હી નામ.
બંને ઘેર આવ્યા, જમીને ઊઠ્યા ત્યાં તો હરિતા આવી, પરિતાને જોતાં જ તે એકદમ બોલી,
હરિતા : 'પરિતા તું અહીં ? ક્યારે આવી ?'
પરિતા : 'આજે રવિવાર છે. હું નવ વાગ્યાની વિજ્ઞાન
શીખવા આવી છું. મારા ધરેથી બધા મોટા
વરાછા માસીને ઘેર ગયા છે.'
હરિતા : Sorry, બાબા માન ગયે. માફ કરી દે.
હર્ષ : હરિતા એમ નહિ, કાન પકડીને માફી માગ.
હરિતા : હર્ષ, તારે અમારી વાતમાં નહીં બોલવાનું
અમે બે બહેનો છીએ.
હર્ષ : સારું, મારી ભૂલ થઈ, હવે આ હર્ષ તમારી
વાતોમાં વચ્ચે નહિ આવે અને વાત પણ નહિ
કરે. મને ખબર છે, તું મારથી નારાજ છે.
પરિતા : હર્ષ, આમ ખોટું ન લગાડ, મને તારી સાથે
ગમ્મત કરવાનો પણ અધિકાર નહીં આપે.
મને તારાથી કોઈ નારાજગી નથી. તારી
મિત્રતા તો મારો મનભાવન સાથ છે.
આમ ત્રણે જણ વાતો કરતાં જાયછે, પરિતા પણ વિજ્ઞાનનો સ્વાધ્યાય બંનેની મદદથી લખતી જાય છે. એટલામાં હર્ષ હરિતા ને આજે કઈ તારીખ એમ પૂછે છે. આજની તારીખનું મહત્વ શું ? હરિતાને આજે તેનો જન્મદિવસ છે તેવું એકાએક યાદ આવે છે. તે તરત બોલી કે અરે, હું તો ભૂલી જ ગઈ હતી. આ વાત સાથે ત્રણે એકબીજાને તાલી આપે છે. સાંજે સાત વાગે આ દિવસની ઉજવણી ત્રણે સાથે મળીને ઉજવવા માટે સાંજે ચાર વાગે તૈયારી માટે મળવું એમ નક્કી કરી છૂટા પડે છે.
હરિતા પરિતાને લઈને પોતાના ઘેર જવા તૈયાર થાય છે. તે હર્ષની નજરમાં નજર મેળવવા પ્રયત્ન કરે છે કારણ કે તેના દિલને પણ હર્ષના સાથની ઝંખના છે. આમેય પરિતા હરિતા કરતાં લગભગ આઠેક માસ જ નાની છે. તેથી તેની ઝંખના સમજી શકાય તેવી છે. આ ઉંમરની અવસ્થામાં આવું થાય તે પણ સ્વાભાવિક પક્રિયા છે. પણ હર્ષનું ધ્યાન અત્યારે પરિતા પર છે.
હરિતા પરિતાને પોતાના ઘરે લઈને જાય છે. હરિતાના મમ્મીએ તેના મમ્મી-પપ્પાની ખબર પૂછી. હરિતા તેની મમ્મીને આજે સાંજે સાત વાગે બર્થ ડે ઉજવવાનો છે તેની વાત કરે છે. આથી પરિતા તેનાં મમ્મીને સીધા હરિતાને ઘેર જ આવવાનું તથા બીજુ જે કહેવાનું તે કહી ફોન મૂકયો.હર્ષના ઘરે પણ નિમંત્રણ આપી દીધું. આ પછી બંને હરિતાની રૂમમાં જઈને વાતોએ વળગે છે. બંને ચાર વાગે તેની રાહ જુએ છે.
💐💐💐💐💐💐💐💐💐💐
હરિતાના જન્મદિનની ઉજવણી માટે સૌ આતુર,
પરિતા પણ ઉત્સુક, પરંતું આ ઉજવણીથી આ ત્રણેય ટીનએજરો પર શું પ્રતિભાવ અંકિત થશે ? હા, આ મનોવિશ્લેષણ જાણવા એક સપ્તાહ થંભી જાવ. આ માટે આપણે સોપાન 03 ની રાહ જોઈશું
હું માનું છું કે આપને આ સોપાન ગમ્યું જ હશે. આપના પ્રતિભાવ જરૂર આપજો જેથી કરીને મારામાં આગળ વધવાની પ્રેરણા અને બળરૂપી ઊર્જાનું નિરૂપણ થાય.