પૈડાં ફરતાં રહે - 22 - છેલ્લો ભાગ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૈડાં ફરતાં રહે - 22 - છેલ્લો ભાગ

22

તો મારે બદલાવું પડે. હું બદલાયો જ.

મને એસટીનો સ્ટાર્ચ કરેલો ઇસ્ત્રીટાઈટ ખાખી યુનિફોર્મ તો ગમતો જ. પછી ટેરીકોટન અને પોલીએસ્ટરનાં કાપડ આવ્યાં એમાં તો હું વધારે ચુસ્ત દેખાતો. ગામડાંની સ્કૂલમાં ભણવા જતો ત્યારે સરકારી સાહેબને ચમકતાં કપડામાં ફરતા જોઈ અંજાઈ જતો.

આજે મેં ખાખી યુનિફોર્મને બદલે ચેકસ વાળું ફૂલસ્લીવ ક્રીમ શર્ટ અને મરૂન પેન્ટ પહેર્યાં છે. પોલિશ કરેલો બ્રાઉન લેધર બેલ્ટ, એ જ ટેન બ્રાઉન શૂઝ જે પહેલેથી હું પોલિશ તો કરતો જ. આજે બ્રશ ઘસી, ક્રીમથી ચમકાવેલા. કાંડે ગોલ્ડન ડાયલ અને બ્રાઉન લેધરના પટ્ટાવાળી રિસ્ટવૉચ. એકદમ ક્લીન શેવ. ટ્રીમ કરેલી મૂછો.

મારી ભાષા તો જીવણ મહારાજે કીધું ત્યારથી સુધારી જ નાખી છે. હાથે કરી હું ગામડીયો છું એવું શું કામ બતાવવું? ગામડાંની સંસ્કૃતિ મારી રગેરગમાં છે અને રહેશે. પણ દુનિયા સાથે પનારો પાડવા આ રીતે મારી જાતને પાલીસ કરી. શું કામ? કહું.

આવો, આજે ઉદ્ઘાટન છે મારી ટ્રાવેલ કંપની 'પરિભ્રમણ'નું. મારી ઊંચી પીઠવાળી લેધરની ચમકીલી સીટની પાછળ મોટો લોગો છે. જેમાં એક વર્તુળમાં પેલા સાપૂતારાના ઘાટની વનરાજી અને નીચે કોસ્ટલ હાઇવેના સમુદ્રની સાથે જતા રસ્તાનો ફોટો છે. મોટી ગોલ્ડન પટ્ટી એ વર્તુળને ફરતે સૂર્યની આભા જેવી શોભે છે. એમાં લાલ અક્ષરે લખ્યું છે - 'પરિભ્રમણ.'

નીચે પટ્ટીમાં લોગો તરીકે લખ્યું છે મારૂં પ્રિય સ્લોગન- 'પૈડાં ફરતાં રહે'.

સોના એના સોનેરી વાળની ઘટા ઝુલાવતી રુપેરી ચણીયા ચોળીમાં આમથી તેમ દોડી રહી છે. અંદર આઈસ્ક્રીમનું બોક્સ છે એમાંથી મારા ગામ સાળા, એના તખતસિંહ મામા સાથે મહેમાનો માટેના કપ્સમાં સ્ફુપ નાખી રહી છે.

ખૂણામાં અમારાં કુળદેવી રાંદલમાતાનું લાકડાનું મંદિર છે ત્યાં નાની ચેર પર બેઠો બહાદુર તાજું જ છપાએલું રંગીન બ્રોચર જોતો ડાહ્યો થઈને બેઠો છે.

ઠકરાણાં તો આજે ગુલાબી સાડી ને ચોટલામાં ગુલાબી ફૂલ નાખી મઘમઘતાં ફરી રહ્યાં છે. બધા મિત્રો, સગાંઓને બે હાથ જોડી કોઈને 'આવો … ભાઈ' કહે તો કોઈને લાજ કાઢી પગે લાગે. અજાણ્યાને 'વેલકમ સર' પણ સ્ટાઈલથી કહે છે.

મારી બસમાં વગાડતો એ પેનડ્રાઈવમાં મધુર સંગીત વાગી રહ્યું છે.

આ સપનું નથી મારા ભાઈ! અમારી જમીન અમને પાછી મળી. પછી જ્યાં કોઈ ગોડાઉન કે કારખાના કે વાડી થઈ ગયેલી એ લોકોએ બાપાને કહયું કે અમે તમને બજારભાવથી થોડા ઓછા આપી એ જમીન અમારે નામે સાચી રીતે કરાવી લઈએ. બાપજીને આપવામાં ગયા તે ગયા. બાપા કબૂલ થઈ ગયા અને એ જમીન જે તે પાર્ટીને વેંચી. તે પછી પણ સારી એવી ખેતી થાય એટલી જમીન અમારી પાસે હતી.

એ પૈસા આવ્યા પછી અમે માનતા પુરી કરવા માતાને મઢ ગયાં અને ત્યાંથી નારાયણ સરોવર, વળતાં સફેદ રણ અને કાળો ડુંગર બતાવવા ફેમિલી સાથે બાપાને લઈ ગયો. એણે કીધું પણ ખરું કે માતાજીની જાત્રા કરવાથી તો પુન મળે જ. આ ગુર્જરી માતાનું ચારે તરફ પરિભ્રમણ કરીને ઈ ભૂમિ માતાની જાત્રાનું પુન પણ લેવું જ જોઈએ.

એ પુણ્ય મેં તમને પણ કરાવ્યું. અંબાજી, હરસિદ્ધ, વડોદરા, નવસારી, સુરત, સાપુતારા, ભાવનગર, રાજકોટ, દ્વારકા, તાલાલા અને જૂનાગઢ, કોસ્ટલ હાઇવે - આખી ગરવી ગુજરાતની જાત્રા ભોમિયો બની કરાવી. પણ એનું મને અભિમાન નથી. ગુજરાત એસટી સહુને ફેરવે છે. હું તો એનો ડ્રાઈવર અને બસમાં બેસે ઈ મારા મોંઘેરા મહેમાન.

પણ આજે હું એસટીનો ડ્રાઈવર નહીં, પરિભ્રમણ ટ્રાવેલનો માલિક છું.

મેં છેલ્લેછેલ્લે એલટીસી લઈ કચ્છ ફરવા ટેક્ષી જ કરેલી. અમારા ડ્રાઇવર છોકરાએ વાત કરી કે એનો મોબાઈલ નંબર લઈ મારે લોકોને એની ભલામણ કરવી. બદલામાં એના ચાર્જના વીસ ટકા એ ટ્રાવેલ એજન્ટોને આપે છે એ મને આપે. મેં વીસ નહીં, એથી અડધા ભાવે દસ ટકાએ બીડું ઝડપ્યું. આમેય રાજસ્થાન કે દિલ્હી બેસી ગુજરાતમાં ટૂર બુક કરતા એજન્ટોને અહીંનો કોઈ સાચો ખ્યાલ નથી હોતો. મેં તો ગુજરાતની ધરતી એસટીનાં ફરતાં પૈડાં તળે ઘમરોળી નાખેલી. મને હરવાફરવા કે જાત્રા કે કામકાજ માટે જવાની જગ્યાઓની ખબર હોય એટલી બીજાને ન હોય.

હોટલોની મને ક્યાંથી ખબર હોય? હું તો ડોરમીટરીમાં સુનારો. પણ જે સારી હોટલ દેખાઈ એને, બીજી જાહેરાતો જોઈને ફોનો કર્યા કે તમે મને કમિશન આપો, હું તમને ગેસ્ટ આપીશ.

તો મેં ઓલા જમીનના પૈસાનો અમુક ભાગ લઈ ટ્રાવેલ એજન્સી શરૂ કરી. બાપાએ કીધું ઈ વાક્ય 'ગુર્જરી માતાનું ચારે તરફ પરિભ્રમણ' વાક્ય મને ગમી ગયું. મને અઘરો લાગતો પણ રૂપાળો શબ્દ 'પરિભ્રમણ' મેં અનેક વાર બોલીને અને લખીને પાક્કો કર્યો.

 

મારી ભાષા તો- ભલું થાજો જીવણ મહારાજનું. અહીં સુધરેલી જ બોલવી પડે ને હું બોલતો હતો.

મેં કોઈ પર્સનાલિટી ડેવલપમેન્ટના કલાસ પણ કર્યા. મારી બોડી લેંગ્વેજ (ઢબ છબ હવે!), ડ્રેસ સેન્સ (સારાં કપડાંલત્તા) સુધારી. એ સાથે થોડું અંગ્રેજી શીખવું પડ્યું. જલ્દીથી આવડી ગયું. મન હોય તો માળવે જવાય.

એટલે હું બહારથી અને કેટલીક વસ્તુઓમાં અંદરથી પણ બદલાઈ ગયો. હા. મારી ખુમારી, હિમ્મત, સહુ ગ્રાહકોને મારા અતિથિ દેવ ગણી સેવા આપવાની ભાવના, પોતા કરતાં બીજાનો પહેલો વિચાર કરવો - એ બધી ગ્રામ્ય અને રાજપૂત સંસ્કૃતિની ભાવનાઓ તો એ ની એ જ છે.

તો આવો, જુઓ. મારા ટેબલ પર સામે લેપટોપ છે. રેડબસ એપ તો ખરી જ, ઓથોરાઈઝડ એજન્ટ તરીકે જીએસ આરટીસીનું આઈકન (બચુકડું ચિત્ર હવે!) પણ હતું.

કોરોના કાળ પતતાં જ સરકારે આત્મનિર્ભર યોજના માટે લોન આપવી શરૂ કરી એનું ફોર્મ બે કલાક લાઈનમાં ઉભી લીધું. લોન પર આ ફર્નિચર, પ્રીન્ટર અને બે એસી ટેક્ષી લીધી. મારા વગર 1212ને ન સોરવ્યું. એને બાર વરસ ને એક લાખ નજીક કિલોમીટર પૂરાં થતાં સ્ક્રેપમાં વેંચવા કાઢે છે. એની કાયાપલટ કરી મારા જ ફલીટમાં હું લઈ લેવાનો છું.

લ્યો, આઠ ને પાંચ થઈ. આજે સોનેરી કોર વાળાં પીતાંબર અને લાલ ખેસમાં ગરવા લાગતા જીવણ મહારાજે 'શુભમ્ કરોતુ કલ્યાણમ' શ્લોક બોલી 'નમો પાર્વતી પતે, હર.. હર.. મહાદેવ.. હર!' કહેતાં જળ, કંકુ ચોખા અને ફૂલ પાંખડીઓ ઉડાડયાં. પહેલાં બાપા અને પછી એક સાથે હું અને ઠકરાણાં પ્રવેશ્યાં.

મેં પૂજા કરાવી લેપટોપ ઓન કર્યું.

ફોન રણક્યો. મીઠા અવાજે ઠકરાણાં રણક્યાં, 'વેલકમ. પરિભ્રમણ ટ્રાવેલ'.

મેં કોઈને ગીરનાર ચડવા અને સોમનાથ જવા ટેક્ષી બુક કરી. એક કંપનીના એક્ઝિક્યુટિવ સાહેબે એના સ્ટાફને લેવા મૂકી જવા બસનો રેઈટ પૂછ્યો. મેં ડિસ્ટન્સ જોઈ કહ્યો. એમણે તરત સાઇનીંગ એમાઉન્ટ આપી પોતાનું કાર્ડ આપ્યું અને સોના ટ્રે લાવી એમાંથી આઈસ્ક્રીમ લીધો.

હઉં ત્યારે. ચાલો. એ વખતે હું સ્ટિયરિંગ પાછળ બેસું એટલે દુનિયા ભૂલી સામે રસ્તા ઉપર જ આંખો ચોંટાડી દેતો એમ હવે મારા લેપટોપમાં ખોવાઈ જાઉં.

તમે બે પ્લેટ આઈસ્ક્રીમ ખાઈને જાજો હોં! ને રોટલા ખાઈને જાવા હોય તો ઠકરાણાંને કે'તા જાજો. થઈ રે'શે. રસોયો નથી પણ ઈ બધે પહોંચી વળે એવી છે.

કાલથી તો મારી સાથે ઓફિસમાં જ બેસશે. નવ ધોરણ પાસ છે. મારી દેખાવડી ને સ્માર્ટ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ છે.

લ્યો. કોઈ ફોન આવ્યો. 'વેલકમ સર. પરિભ્રમણ ટ્રાવેલ. પંદર દિવસ પછી અંબાજી જવા આખી બસ બુક કરવી છે? વહેલી સવારે? અરે ચિંતા શું કામ કરો છો? ડ્રાઇવિંગ હું જ કરી લઈશ. બસ નંબર લખી રાખો- GJ01 PO 1212!

***

વીસ વર્ષ પછી. મોરેશિયસથી મુંબઇ જતી ફ્લાઇટ ઉપડે છે. અમે ભારતનાં બાર જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં. મોરિશીઅસમાં તેરમું જ્યોતિર્લિંગ છે એ ખબર છે? અમે જોયું.

હું અને 'ઠકરાણાં' બે સીટ વચ્ચેનો રેસ્ટ ઊંચો કરી અડકીને બેઠાં છીએ.

ફ્લાઈટમાંથી અવાજ - 'વેલકમ ટુ એર ઇન્ડિયા. અવર જર્ની ટુ મુંબઇ શેલ ટેઈક એઇટ અવર્સ. અવર ક્રુ ઓન બોર્ડ ઇઝ માર્ગારેટ, ગીથા, રજની એન્ડ મી, કેપ્ટન બહાદુરસિંહ. આઈ કેન ટોક વિથ યુ ઈન ઈંગ્લીશ, હિન્દી, ગુજરાતી.

મેં કહ્યું, 'અને ગામઠી કાઠિયાવાડી.'

બાજુવાળો પેસેન્જર જોઈ રહ્યો. ઠકરાણાં હળવેથી કહે 'અવર સન'.

અમારો ફ્લાઇટ નંબર હતો- AI 1212!

અમારો ખાનદાની નંબર!

(સમાપ્ત)

*****