વેધ ભરમ-60 (અંતિમ પ્રકરણ) hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેધ ભરમ-60 (અંતિમ પ્રકરણ)

PART-60 (અંતિમ પ્રકરણ)

મિત્રો આજે આ નોવેલ પૂર્ણ થઇ રહી છે ત્યારે તમારી સાથે થોડી વાતો શેર કરવાનુ મન થાય છે. આ નોવેલ લખતી વખતે પણ દરેક નોવેલની જેમ અદ્ભૂત અનુભવમાંથી પસાર થયો છું. તમારી સમક્ષ એકદમ નિખાલસ કબૂલાત કરુ છુ કે આ નોવેલ ભલે હું લખતો હોય પણ મને ઘણી વખત એવો અહેસાસ થાય છે કે કોઇ મારી પાસે આ નોવેલ લખાવે છે. નોવેલના પાત્રો જ જાણે તેની પોતાની સ્ટોરી મને લખાવતા હોય તેવો અનુભવ મને થયો છે. હું કોઇ મોટો લેખક નથી પણ મારી આ નોવેલની યાત્રા દરમીયાન એવુ ઘણીવાર થયુ છે કે વચ્ચે વચ્ચે સ્ટોરી લખતી વખતે અચાનક એવા વિચારો આવે કે નોવેલની દિશામાં ફેરફાર થઇ જાય અને ધારેલી સ્ટોરી કરતા કંઇક જુદી અને સારી સ્ટોરી લખાય આમ છતા હું મારી નોવેલના પ્લોટને વળગી રહું છું. મિત્રો આ મારી ત્રીજી નોવેલ પૂર્ણ થઇ રહી છે ત્યારે આની પાછળનુ શ્રેય તમારા જેવા વાચકોને ફાળે જાય છે કેમકે તમારા તરફથી મળતા પોઝીટીવ અને નેગેટીવ ફીડબેક જ મને લખવા માટે પ્રેરણા આપે છે. આ નોવેલના અત્યાર સુધીમાં 2 લાખ ડાઉનલોડ થઇ ચુક્યા છે અને આ નોવેલને લીધે હું માતૃભારતી પર નંબર 1 લેખક સુધી પહોંચી શક્યો છું તે માટે હું આપ સૌ વાચકોનો દિલથી આભાર માનુ છું. મિત્રો આ નોવેલ લખવા માટે જો સૌથી વધુ શ્રેય કોઇને આપવાનો હોય તો તે મારી પત્ની અમીને આપી શકાય કે જેણે મને આ માટે પૂરો સમય અને સાથ આપ્યો. આ ઉપરાંત મારી મિત્ર પૂનમનો આ તબક્કે આભાર માનુ છું કે જેણે મારી જોડણી ભૂલને દરેક પ્રકરણમાં સુધારી આપી છે અને તેના અમુક સજેશન પણ મને ઘણા કામ લાગ્યા છે.

મિત્રો આ નોવેલ આજે પૂરી થઇ રહી છે ત્યારે મારી તમને બધા વાચકોને વિનંતિ છે કે તમે બધા મને વોટ્સએપ પર અથવા માતૃભારતી પર આ નોવેલ તમને કેવી લાગી તેનો અભિપ્રાય લખી મોકલાવજો જેથી હવે પછીની મારી નોવેલ લખવામાં મને તે ઉપયોગી થઇ રહે.

ફરીથી આપ સૌ વાચકોનો ખૂબ ખૂબ આભાર.

-------------------------------------------------------------------------------------------------

અનેરી તેના ભૂતકાળના વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ તેના ખભ્ભા પર કોઇએ હાથ મૂકુયો જેને લીધે અનેરીની વિચારયાત્રા રોકાઇ ગઇ. અનેરીએ પાછળ જોયુ તો રિષભ હસતો હસતો ઊભો હતો. અનેરીને નવાઇ લાગી કે આમ રિષભ અંદર કઇ રીતે આવી ગયો.

“મેડમ કઇ દુનિયામાં ખોવાઇ ગયા છો? અને તે પણ ઘરના દરવાજા ખુલ્લા રાખીને. મે તને કેટલી બૂમ પાડી પણ પછી ખ્યાલ આવ્યો કે દરવાજો તો લોક કરેલો જ નથી. કોઇ ચોર આવી જશે તો બધુ લુટીને જતો રહેશે.” રિષભે મજાક કરતા કહ્યું.

“મારી જિંદગીમાં તારાથી મોટો ચોર ક્યાં કોઇ આવવાનો છે.” અનેરીએ પણ મજાક કરતા કહ્યું.

રિષભ અનેરીનો કહેવાનો મતલબ સમજી ગયો પણ તે કંઇ બોલ્યો નહી. માત્ર હસતા હસતા અનેરીની બાજુમાં બેસી ગયો.

“યાર ભૂતકાળની યાદોમાં ખોવાઇ ગઇ હતી. કેટકેટલા અપરાધ કરવા પડ્યા છે.” અનેરીએ દુઃખી થતા કહ્યું.

આ સાંભળી રિષભ અનેરીની નજીક આવ્યો અને અનેરીનો હાથ તેના હાથમાં લેતા બોલ્યો “અનેરી તે રાત્રે જ્યારે તે મને બધી વાત કરી ત્યારે હું પણ આ જ રીતે કન્ફ્યુઝ થઇ ગયો હતો.” રિષભ હજુ આગળ બોલવા જતો હતો ત્યાં અનેરી બોલી “યાર, તુ મને પહેલેથી છેલ્લે આખી સ્ટોરી કહે કે તે કઇ રીતે આ બધુ કર્યુ?”

આ સાંભળી રિષભ થોડીવાર રોકાયો અને પછી બોલ્યો “ઓકે, આજે આ વિષે આપણે પહેલી અને છેલ્લી વાર વાત કરી લઇએ છીએ. હવે પછી આ વિષે ક્યારેય કોઇ વાત થશે નહીં.” આટલુ બોલી તેણે વાતની શરુઆત કરી

“તારા બર્થ ડેના દિવસે તારા માસીએ તને આપેલા કાર્ડમાં તારુ નામ પરી લખેલુ હતુ તેના પરથી જ મને સમજાઇ ગયુ હતુ કે આ બધુ તે જ કરેલુ છે. એટલે મે તને હોટલમાં જમતી વખતે તને પૂછેલુ અને તે મને બધુ જ કહી દીધુ હતુ. આખી વાત સાંભળી હું તો એકદમ કન્ફ્યુઝ થઇ ગયો હતો કે હવે શું કરવુ. એક બાજુ તુ જે કરી રહી હતી તે સાચુ હતુ આવા ગુનેગારોને સજા અપાવવી તે સમાજ માટે જરૂરી હતી અને બીજી બાજુ મારી ડ્યુટી કહેતી હતી કે તને રોકુ. આ જ મનોદશામાં હું મારા ક્વાર્ટર પર પહોંચ્યો. મારી મનોદશા એટલી ખરાબ હતી કે હવે ઉંઘ તો આવે એમ જ નહોતી. હું તે દિવસોમાં ટીવી પર નવુ મહાભારત સિરિયલ જોતો હતો એટલે ટીવી ચાલુ કર્યુ અને મહાભારત જોવા લાગ્યો. અચાનક ટીવી પર એવો સીન આવ્યો જેણે મારા મનની મૂંઝવણ દૂર કરી દીધી. મહાભારતમાં ત્યારે ભીષ્મને મારવા માટે કૃષ્ણ રથનુ પૈડુ હાથમાં લઇને દોડે છે તે સીન આવતો હતો. પણ ત્યારબાદ શ્રી કૃષ્ણ સમયને રોકી દે છે અને ભીષ્મ સાથે સંવાદ કરે છે. આ સંવાદમાં જયારે ભીષ્મ કૃષ્ણને પૂછે છે કે કૃષ્ણ મારો ગુનો શું છે તો કૃષ્ણ તેને જવાબ આપે છે કે તમારો ગુનો એ છે કે સમાજ પ્રત્યેના તમારા કર્તવ્ય કરતા તમે તમારા વ્યક્તિગત ધર્મને, તમારી પ્રતિજ્ઞાને વધુ મહત્વ આપ્યુ. ધર્મ તો જીવન છે અને જીવન પ્રતિ પળ બદલાઇ છે અને તેની સાથે તમારો ધર્મ પણ બદલાઇ છે. જે ધર્મ સમાજને નુક્શાન કરે તેને તે જ ક્ષણે છોડી દેવો જોઇએ. આ કૃષ્ણનો સંવાદ સાંભળતા જ મને મારા મનમાં રહેલી બધી જ ગડમથલનો જવાબ મળી ગયો. તે જ ક્ષણે મે નક્કી કરી નાખ્યુ કે હું આ ત્રણેય અપરાધીને સજા અપાવવામાં તારો સાથ ચોક્કસ આપીશ. ત્યારબાદ મે આખો પ્લાન બનાવ્યો. તેના માટે પહેલા મે મારા બંને સાથીઓ હેમલ અને અભયને બોલાવ્યા અને તેને કહ્યું કે હવે હું આ કેસમાં કાયદા વિરુધ કામ કરવા માગુ છું એટલે જો તમે ઇચ્છતા હોય તો આ કેસ છોડી શકો છો. કેમકે આ કેસમા હવે જોખમ રહેલુ છે. આ સાંભળી તે બંને બોલ્યા “સર અમે ગમે તે હાલતમાં તમારી સાથે જ છીએ. અમને વિશ્વાસ છે કે તમે જે પણ કરશો તે સાચુ જ હશે.” ત્યારબાદ મે તેને આખો પ્લાન સમજાવ્યો. શ્રીકાન્તનો ઉપયોગ કરવાનો હતો એટલે મે તને કહી તેનો કોન્ટેક્ટ કરી લીધો અને પછી શ્રીકાન્તને વિકાસને છોડી મૂકવા કહી દીધુ. વિકાસ છુટ્યો એ સાથે જ અમે શ્રીકાન્તના એક માણસ આલોકને તેની પાછળ મૂકી દીધો. આ એ જ માણસ હતો જે વિકાસનુ ધ્યાન રાખતો હતો. વિકાસને તે લોકોએ જે જગ્યાએ પૂરી રાખ્યો હતો ત્યાં નીચેની બારીમાંથી વિકાસને આલોકના માત્ર બુટ જ દેખાતા હતા. એટલે અમને ખબર હતી કે વિકાસ આ આલોકને તેના બુટ પરથી ઓળખી જશે. આલોકને અમે કહ્યું હતુ કે તારે એ રીતે તેનો પીછો કરવાનો છે કે વિકાસને ખબર પડી જાય કે કોઇ તેનો પીછો કરી રહ્યુ છે. અને ત્યારબાદ અમે જે ધાર્યુ હતુ તે જ થયુ. વિકાસને ખબર પડી ગઇ કે કોઇ તેનો પીછો કરી રહ્યુ છે એટલે તેણે મદદ માટે બહાદૂરસિંહને ફોન કર્યો. બહાદૂરસિંહે આપણને વાત કરી એટલે આપણે બહાદૂરસિંહને પણ પ્લાનમાં સામેલ કરી લીધો. હવે બાજીમાં બંને બાજુ આપણે જ રમવાનુ હતુ. બહાદુરની મદદથી વિકાસે શ્રીકાન્તના માણસ આલોકને પકડી લીધો. જો કે આ બધુ અમારા પ્લાન મુજબ જ ચાલતુ હતુ. આની સાથે અમે પેરેલેલ બીજો પ્લાન પણ બનાવ્યો હતો. જે પોલીસ ઓફિસરે કાવ્યાના બળાત્કારની ફરીયાદ નોંધવાની ના પાડી હતી અને દર્શનને જાણ કરી દીધી હતી તે સંજય મહેતા ત્યારે એડીશનલ કમિશ્નર બની ગયો હતો. અમે નક્કી કરેલુ કે તેને પણ તેના ગુનાની સજા થવી જોઇએ. આ માટે અમે તેના ઓડીસી (ઘરકામ માટે રાખેલો માણસ)ને પહેલેથી જ ફોડી નાહ્યો હતો. ઓડીસી દ્વારા અમે સંજય મહેતાની સર્વિસ રીવોલ્વોર મેળવી લીધી હતી અને તેની જગ્યાએ તેવી જ બીજી રીવોલ્વોર મૂકી દીધી હતી. આ ઉપરાંત ઓડીસીએ જ્યારે સંજય મેહતાનો મોબાઇલ ફ્રી હોય ત્યારે વિકાસના નંબર પર ફોન કરતો અને પછી બહાદુરસિંહ વિકાસના ફોન પરથી સંજય મેહતાના ફોન પર કોલ કરી પંદર મિનિટ વાતો કરતો. આ બધા પ્રુફ સંજય મહેતા અને વિકાસ વચ્ચેના સંબંધને સાબિત કરવા માટે જરૂરી હતા. આ બાજુ વિકાસે આલોકને ખુબ માર્યો અને તેની પાસેથી બધી માહિતી કઢાવી. શું માહિતી આપવી તે બધુ જ અમે પહેલેથી જ નક્કી કરી લીધુ હતુ. તેની પાસેથી માહિતી કઢાવી વિકાસ આલોકને લઇને અમે તેને કહી હતી તે જગ્યા પર પહોંચ્યો ત્યાં તેને શ્રીકાન્ત મળ્યો. પણ વિકાસ શ્રીકાન્તને શરણદાસ નામથી જાણતો હતો આ નામ આલોકે જ તેને આપ્યુ હતુ. શરણદાસ પાસેથી વિકાસે એ જાણવા પ્રયત્ન કર્યો કે તેનુ અપહરણ કોણે કરાવ્યુ હતું. આજ તો અમે ઇચ્છતા હતા અમે તારી પાસેથી લીધેલો કબીરનો ચેક અને બહાદુર સિંહ પાસેથી કબીરની સ્ટાઇલમાં કરાવેલુ વોઇઝ રેકોર્ડીગ તેને આપી દીધુ. આ જોઇ વિકાસને કબીર પર ગુસ્સો આવ્યો. વિકાસના હાથમા શ્રીકાન્તની ગન આવી ગઇ હતી. આ ગન જો કે સંજય મહેતાની જ હતી અને વિકાસ માટે જ અહી રાખી હતી. પણ તે શ્રીકાન્ત પર ગન ચલાવે તો પ્રોબ્લેમ થઇ જાય એટલે જ્યારે વિકાસ ચેક અને રેકોર્ડીગ જોઇ રહ્યો હતો ત્યારે શ્રીકાન્ત અને આલોક બારીમાંથી કુદીને ભાગી ગયા. હવે અમારે એક જ કામ કરવાનુ બાકી હતુ કે વિકાસને એટલો ગુસ્સો અપાવવો કે તે કબીરને તેની પાસે રહેલી ગનથી શૂટ કરી નાખે આ માટે અમારે એક એવી વાત તેના સુધી પહોંચાડવી પડે એમ હતી કે જે સાંભળતા જ વિકાસનો ગુસ્સો તેના કન્ટ્રોલ બહાર જતો રહે. આ માટે અમે તેના સુધી બહાદૂરસિંહ દ્વારા એવી વાત પહોંચાડી કે તારા અને કબીર વચ્ચે સંબંધ છે તેને લીધે જ કબીરે વિકાસને કિડનેપ કરાવ્યો હતો. આ વાત સાંભળતા જ તે ખૂબ ગુસ્સે થઇ ગયો હતો. હવે અમારુ કામ સહેલુ હતુ. આગળના પ્લાન માટે અમે શિવાનીનો ઉપયોગ કર્યો. શિવાની જ્યારે લોકઅપમાં હતી ત્યારે મે તેને કબીરની અસલીયતની જણાવી હતી. તે સાંભળી શિવાનીએ અમને કહેલુ કે તે અમને મદદ કરશે. આ પ્લાનમાં અમે શિવાનીની મદદ લેવાનુ વિચારી લીધુ હતુ. તે કબીરને મળવા હોટલમાં જાય અને તેના ફોટો દૂરથી એ રીતે પાડવામાં આવે કે તેનો ચહેરો ના દેખાય. અને પછી આ ફોટા વિકાસને દેખાડી એવુ સાબિત કરી શકાય કે આ અનેરી જ છે. આ જોઇ વિકાસનો ગુસ્સો હદ બહાર જતો રહે. આ અમારો પ્લાન વ્યવસ્થિત ચાલતો હતો પણ છેલ્લી ઘડીએ તેણે બહાદુરસિંહ પાસેથી ફેસ સાથેના તારા ફોટાની માંગ કરી હતી એટલે જ મારે તે દિવસે તને હોટલ પર બોલાવવી પડી હતી.”

રિષભ બોલતા બોલતા થાકી ગયો એટલે અનેરી ઊભી થઇ અને તેના માટે પાણી ભરી લાવી રિષભે પાણી પીધુ એટલે અનેરી બોલી “હા મને તો કંઇ ખબર જ નહોતી પડી કે આ શિવાનીનો ડ્રેસ મને કેમ પહેરવાનુ કહી રહ્યા છે. પણ મને તારા પર વિશ્વાસ હતો.” અનેરી આટલુ બોલી ભાવુક થઇ ગઇ પણ રિષભે વાતને આગળ વધારવાનુ જ યોગ્ય માન્યું અને તે બોલ્યો “હા એટલે જ તે દિવસે તને બોલાવી હતી. તારા ફોટા પાડીને બહાદુરે વિકાસને મોકલી આપ્યા. તારા ફોટા જોઇને વિકાસનો ગુસ્સો હવે કાબુ બહાર જતો રહ્યો હતો. તે તરત જ તેની હોટલ પરથી કબીરની હોટલ પર આવવા નીકળી ગયો. મને ત્યાં બહાર ઉભેલા અમારા માણસ પાસેથી આ માહિતી મળી એટલે તરત જ મે હેમલ અને અભયને સાવચેત કરી દીધા. તે બંને પણ કબીરની હોટલ પર જ હતા. ત્યારબાદ તો આખી ઘટના પ્લાન મુજબ જ બની. વિકાસે કબીરને જોઇને સીધુ જ ફાયરીંગ કરી દીધુ. એકદમ નજીકથી મારેલી ગોળી કબીર માટે જીવલેણ નીકળી અને વિકાસ રંગે હાથ ઝડપાઇ ગયો. ત્યારબાદ અમે સંજય મહેતાને આપેલી ડુપ્લીકેટ ગન તેના ઓડીસીને દ્વારા પાછી મંગાવી લીધી હતી. ત્યારબાદ તો અમારી પાસે એટલા બધા પ્રુફ હતા કે અમારે કંઇ કરવાની જરૂર નહોતી.

રિષભે આખી વાત પૂરી કરી એ સાથે જ અનેરી રિષભને ભેટી પડી અને બોલી “યાર તે મારા માટે કેટલુ રીસ્ક લીધુ જો આમા કંઇ પણ આડાઅવળુ થયુ હોત તો તારે જેલમાં જવુ પડ્યુ હોત. સોરી રિષભ મે તારી સાથે જે પણ કર્યુ તે માટે મને ખૂબજ પસ્તાવો છે. રિષભે અનેરીને તેના બાહુપાસમાં જકડી લીધી તે બંને આ જ પરીસ્થિતિમાં કયાંય સુધી બેઠા રહ્યા. અચાનક અનેરી રિષભથી જુદી થઇ ગઇ અને બોલી “નહી રિષભ હું તારા જેવા વ્યક્તિ માટે લાયક નથી. તુ તો મારા કરતા ક્યાંય સારી છોકરી ડીઝર્વ કરે છે અને મારૂ શરીર તો અભડાઇ ચુક્યુ છે. એમ કહી અનેરી રિષભથી દૂર જવા માંગતી હતી પણ રિષભે અનેરીનો હાથ પકડી લીધો અને બોલ્યો “તુ મારા માટે આજે પણ એજ અનેરી છે જે વિદ્યાનગરમાં હતી. પ્રેમમાં હંમેશા આત્મા અને શરીર બંનેનુ મહત્વ હોય છે. માત્ર શરીરને પામતો પુરુષ સ્ત્રીને પૂર્ણ રીતે પામી શકતો નથી એજ રીતે ખાલી આત્માનો પ્રેમ તો માત્ર ફિલ્મી વાતો છે. તેવો પ્રેમ ક્યાંય હોતો જ નથી. તમારી લાગણીઓને વાચા આપવા માટે શરીરની જરૂર પડે જ છે. હું પણ તને બંને રીતે પામવા માંગુ છું. તુ મારા માટે આજે પણ એટલી જ જરૂરી છે જેટલી પહેલા હતી. શું તુ મારી સાથે લગ્ન કરીશ?”

આ સાંભળી અનેરી એકદમ ભાવુક થઇ ગઇ અને બોલી “રિષભ હું તો હંમેશા તારી જ છું અને તારી જ રહીશ. પણ લગ્ન માટે તો આપણે રાહ જોવી પડશે. કેમકે મારે વિકાસ સાથે ડીવોર્સ લેવા પડશે અને પછી જ હું તારી સાથે લગ્ન કરી શકીશ. અને આમપણ હમણાં આપણે લગ્ન કરીશું તો ખોટા શક ઊભા થશે તેના કરતા આ કેસને શાંત પડી જવા દઇએ પછી લગ્ન કરી લઇશું.” આ સાંભળી રિષભે કહ્યું “પણ મારી જોબ તો કોઇ પણ સીટીમાં હોઇ શકે અને તુ અહી બિઝનેશ કરે છે તેનુ શું કરીશું.”

આ સાંભળી અનેરી રિષભનો હાથ હાથમાં લઇને બોલી

“અરે આપણા પ્રેમને એવા અંતર તો ક્યાં હવે નડે તેમ છે તુ ગમે ત્યાં હશે હું તને પ્રોમિશ આપુ છું કે તારા અને મારા વચ્ચે એક વિકથી વધારે કયારેય દૂરી નહી રહે.”

આ સાંભળી રિષભે અનેરીને નજીક ખેંચી અને અનેરીના હોઠ પર તેના હોઠ મૂકી દીધા. વર્ષોથી તરસ્યા હોય તેમ બંને એકબીજાના અધરોનુ પાન કરવા લાગ્યા. થોડીવાર બાદ રિષભે અનેરીને ઉંચકી લીધી અને બેડરુમમાં લઇ ગયો. બેડરૂમમાં એક અદભૂત સાયુજ્ય રચાયુ જે માત્ર શરીરના જ નહી પણ આત્માના મિલનના જીવંત ઉદાહરણ સમાન હતું.

----------**************------------**************---------------*************--------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM