પુનર્જન્મ 25
અનિકેત મોનિકાની સામે જોઈ રહ્યો. મોનિકાના હાથમાં કોફીનો કપ હતો. એ અદ્વિતીય સુંદરી અનિકેતને કોઈ દેવી જેવી લાગી. એના સુંદર ગળામાંથી બોલાયેલ એ વાક્ય કોઈ અમિવર્ષા જેવું લાગ્યું. સાત સાત વર્ષના દુકાળ પછી ધરતીના ઉકળતા ચરુ પર અમિછાંટણા થયા હતા.
' શું કહ્યું તમે ? '
' એ જ કે મને ખબર છે કે તું નિર્દોષ છે. '
' કોણે કહ્યું તમને? '
' જેણે કહ્યું એણે. '
' મારે જાણવું છે કે કોણે કહ્યું ? '
' એણે કહ્યું જેણે તને જેલ કરાવી. '
' સ્નેહા એ? '
' ના. '
' તો કોણ. એના બાપુ? '
' કેમ ? નામ જાણી બદલો લેવો છે ? '
અનિકેત મૌન થઈ ગયો. એના મનમાં વિચાર આવતો હતો જેલ કરાવનારને તો એ ખબર જ હોય કે હું નિર્દોષ છું.
' મોનિકાજી, તમારા કહેવાનો અર્થ એ થાય કે મને જેલમાં મોકલવામાં સ્નેહાનો હાથ નથી? મને હતું જ કે સ્નેહા મને જેલ ના કરાવી શકે. '
' એ મને ખબર નથી. મને તો એટલી ખબર છે કે તું નિર્દોષ છે.'
' મને એનું નામ આપો. '
' ના, એ વ્યક્તિ માટે હું કોઈ જોખમ ઉભું કરવા નથી માંગતી. અને તને પણ એ વેરના વમળમાં નાખવા નથી માંગતી. '
અનિકેત મોનિકા સામે જોઈ રહ્યો. મોનિકાની આંખોમાં એક વિશેષ ભાવ દેખાતો હતો.
મોનિકાની કોફી પૂરી થઈ ગઈ હતી. એણે કોફીનો કપ સાઈડમાં ટેબલ પર મુક્યો. અને ઉભી થઇ ડ્રેસિંગ ટેબલની સામે એ ગોઠવાઈ. ડ્રેસિંગ ટેબલની બાજુની દોરી ખેંચી. ડ્રેસિંગ ટેબલના કાચ પરનો પડદો હટી ગયો. વિશાળ અરીસામાં મોનિકા પોતાને જોઈ રહી.
મોનિકાએ પોતાના વાળ છુટ્ટા કર્યા. અનિકેત એના કાળા ભમ્મર, લાંબા, ઘટાદાર વાળને જોઈ રહ્યો. એના વાળ ખૂબ લાંબા હતા....
' મોનિકાજી, વેર થી વેર નું શમન થતું નથી. મારા મનમાં વેરનો કોઈ ભાવ નથી. પણ મારી નિર્દોષતાનું કોઈ પ્રમાણ મળે તો મારે જોઈએ છે. અને મને ખાત્રી છે કે સ્નેહા મને દગો ના દે. મારે મારી જીત જોઈએ છે. '
મોનિકા એ એની ચેર અનિકેત તરફ ફેરવી...
' મોનિકાજી, મને વેરમાં રસ નથી. હું એના હાથ ચૂમી લઈશ જે મને મારી નિર્દોષતાનું પ્રમાણ આપશે. '
' બોલવું સહેલું છે. નજર સમક્ષ આવ્યા પછી માફ કરવું અઘરું છે. '
' મારા પર વિશ્વાસ કરો.મેં તમને તકલીફમાં જોઈ દોટ મૂકી હતી. આજે હું તકલીફ માં છું. પ્લીઝ.. '
મોનિકા થોડીવાર અનિકેત તરફ જોઈ રહી. જાણે એ અનિકેતના શબ્દોને અનિકેતના હદયના ભાવ સાથે ચેક કરી રહી હોય..
' પ્રોમિસ. '
' હા , પ્રોમિસ. મારા તરફથી એને દુઃખ થાય એવો શબ્દ પણ નહિ નીકળે. '
' ઓ.કે.. , હું એને પૂછી લઉં. '
મોનિકા એ કોઈને ફોન લગાવ્યો અને આજે જમવા આમંત્રણ આપ્યું.
' અનિકેત જમી ને જજે. એ પણ જમવા આવશે.. '
******************************
અંધકારના ઓળા પૃથ્વી પર ઉતરી ગયા હતા. અનિકેત મોનિકાના રૂમની બાજુમાં લાયબ્રેરીમાં બેઠો હતો. આ રૂમમાં એ બીજી વાર બેઠો હતો. બન્ને વખતે એ કોઈ અગત્યના કામની રાહ જોતો હતો. પણ આજે એવું લાગતું હતું કે એ જાણે વર્ષોથી કોઈની રાહ જોતો હતો. અને હવે એ આતુરતાનો અંત નજીક છે. પણ એ અંત સમયની વ્યાકુળતા અજબ હતી.
એ ઉભો થઇ બહાર ગેલેરીમાં આવ્યો. મોનિકાના મકાનને એક માત્ર આગળ અને પાછળના દરવાજા સિવાય તમામ બારીઓ અને ગેલેરીઓને ગ્રીલથી કવર કરવામાં આવ્યું હતું. આગળ પાછળ બન્ને દરવાજા બાજુ સિક્યુરિટીની વ્યવસ્થા કરી હતી.
બહાર પુરા ફાર્મ હાઉસમાં સન્નાટો હતો. મોટા ઘરના ફાયદાની સાથે ગેરફાયદા પણ હતા. બહાર મુકેલા હીંચકા પર એ બેઠો. બગીચાના એ બાંકડા યાદ આવ્યાં, જ્યારે એ સ્નેહાની સાથે બાંકડે બેસતો અને સ્નેહાના મુલાયમ હાથોની મહેંદીને જોઈ રહેતો હતો. એ કહેતી હતી...
' લગ્ન પછી મહેંદી નહિ રહે એમ તમે કહો છો ને.. '
' હા. '
' તો હું તમારા નામનું ટેટુ બનાવડાવીશ. ક્યારેય ના જાય.. '
' પાગલ થઈ છે કે શું. કોઈ જુએ તો શું કહે. '
એ તોફાની ક્યારેય માનતી નહિ.
' મને શું ફરક પડે છે કે કોઈ શું કહે છે. હું ચોરી થોડી કરું છું કે ડરું. '
' અરે પણ ટેટુ દોરાવતા દર્દ કેટલું થાય છે એ તને ખબર છે. '
' ભલે થાય , મને થશે ને. '
આ શબ્દો હતા એના. એ છેલ્લી મુલાકાતનો ભાગ હતો. દર્દ તો તું મને આપી ગઈ સ્નેહા. મને આપી ગઈ...
કેરટેકરના શબ્દો એ એને તંદ્રામાંથી જગાડ્યો.
' મેમ આપની રાહ જુએ છે. '
' ઓહ, હું આવ્યો. '
અનિકેતે ઘડિયાળમાં જોયું. રાતના આઠ વાગી ગયા હતા. એ લાયબ્રેરીના દરવાજેથી બહાર આવ્યો. એનું હદય ધડકતું હતું. કોની સાથે મુલાકાત થશે. પહોળી સિડીઓના પગથિયાં ઉતરી એ નીચે આવ્યો. વિશાળ હોલની લાઇટો ચાલુ હતી. એક બાજુના વિશાળ ડાઈનીંગ ટેબલ પર મોનિકા બેઠી હતી.
સ્નાન કરીને અને વાળને વ્યવસ્થિત ઓળીને એ બેઠી હતી. વ્હાઇટ કુર્તામાં એ વધારે સુંદર દેખાતી હતી.
' સોરી મેં આપને રાહ જોવડાવી. '
' નો સોરી અનિકેત, હું પણ હમણાં જ આવી. '
કેરટેકર બધી વાનગીઓ મૂકી ગયો. હલકું સંગીત વાતાવરણને આલ્હાદક બનાવતું હતું. મોનિકાએ ઘડિયાળમાં જોયું. આઠ અને પાંચ. મોબાઈલમાં રીંગ વાગી. મોનિકા એ કોલ રિસીવ કર્યો. એની આંખોમાં એક ચમક આવી.
દરવાજો અનિકેતની પીઠ તરફ હતો. મોનિકા એ તરફ જોઈ હસી. અનિકેતને લાગ્યું કે પાછળ કોઈ આવી ને ઉભું છે. એને દરવાજા તરફ પીઠ રાખી બેસવા બદલ અફસોસ થયો.
' વેલકમ વૃંદા.. '
અને એક મધુર અવાજ અનિકેતના કાનમાં ધોળાયો. સ્નેહા જેવો જ અવાજ હતો. પણ સ્નેહા તો નથી જ. અને મોનિકા એ કયા નામે બોલાવી. વૃંદા.. યસ વૃંદા.
' થેન્ક્સ મેમ. '
' આજે મેં એક કામથી તને બોલાવી છે. પ્લિઝ , ના ના પાડતી. '
' મેમ, હું તમારી ફેન છું અને તમે મારા આઇડલ છો, હું તમારા એક નહિ દસ કામ કરવામાં મારું અહોભાગ્ય સમજીશ. '
' તો આવ , અને બેસ મારી પાસે. '
' થેન્ક્સ મેમ ફોર ડિનર.'
અનિકેતનું હદય ધડકતું હતું.કોણ હશે એ, જે પોતાની નિર્દોષતાનું પ્રમાણપત્ર આપશે ?
( ક્રમશ : )
10 સપ્ટેમ્બર 2020