Punjanm - 23 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 23

પુનર્જન્મ 23

સ્નેહા કલાસ માંથી બહાર નીકળી અને કેન્ટિંનમાં ગઈ. ત્યાં અનિકેત ન હતો. એનું મન બાવરુ થઈ ગયું. સમજમાં નહતું આવતું કે ક્યાં જાઉં , શું કરું ,કોને કહું ?એક પળ વિચાર આવ્યો બાજુના પાર્કમાં જોઉં, કદાચ ત્યાં હોય.
ઉતાવળા પગલે સ્નેહા પાર્કમાં આવી અને પાર્કમાં ફરી વળી. દૂર એક બાંકડા પર અનિકેત બેઠો હતો. આંખો બંધ કરી ને....સ્નેહા એની પાસે ગઈ. સ્નેહાના શરીરની સુગંધ અનિકેત દૂરથી પણ અનુભવી શકતો હતો. અનિકેતે આંખો ખોલી. સ્નેહાના મનને હાશ થઈ . એ આગળ વધી.
સ્નેહાના સ્નેહે ગુસ્સાનું સ્વરૂપ ધારણ કર્યું.
' આવી રીતે કોઈ દૂર થઈ આઘાત આપે છે ? આવો જ પ્રેમ છે તમારો ? '
' મેં શું કર્યું ? સાત દિવસથી મ્હો તો તે ચડાવ્યું છે. '
' મેં મ્હો ચડાવ્યું હશે. પણ તમારી નજરોથી દુર થઇ તમને ટેન્શનમાં નહોતા નાખ્યા. '
સ્નેહાની ચિંતા હવે એની આંખમાં આંસુ રૂપે દેખાવા લાગી. અનિકેતને હવે સમજાયું કે કોલેજમાં એની ગેરહાજરીથી એ ચિંતિત થઈ હતી.
' સોરી સ્નેહા , સાત દિવસથી તારા વગર તડપુ છું. સ્નેહા , મેં મઝાક જ કરી હતી. તારા વગર જીવનમાં કોઈને સ્થાન નથી. '
' અનિકેત , મારી પણ ભૂલ છે. મારે તારી મઝાક સમજવી જોઈતી હતી. '
અનિકેતે સ્નેહાનો હાથ પોતાના હાથમાં લીધો. સ્નેહાનો હાથ બિલકુલ ઠન્ડો પડી ગયો હતો. અનિકેતે સ્નેહાની આંખના આંસુ લૂછયા.
' એક મઝાકમાં આટલું ખોટું લાગ્યું ? '
' હા. '
' બાપ રે... બળેતરી. '
' હું બળેતરી નથી. તમે કોઈ છોકરી સામે મુશકુરાવ એનું ખોટું નથી લાગ્યું. '
' તો શેનું ખોટું લાગ્યું ? '
' તમે મને ચોકીદાર કહી એનું ખોટું લાગ્યું. હું કાંઈ તમારી ચોકી કરવાની નથી. '
' સરસ... તો તો મને ફાવતું જડશે. '
' હા , મારી આંખમાં આંસુ જોવા હોય તો મન થાય એ કરજો. '
' હા , કરીશ ને. પણ તારી આંખમાં આંસુ આપવા નહિ પણ લુછવા માટે , અને કદાચ તારી આંખમાં ક્યારેય આંસુ ના આવે એ માટે. '
સ્નેહા એ આંખો બંધ કરી લીધી અને અનિકેતના ખભા પર માથું મૂકી દીધું...

*******************************

કોલેજનો એ છેલ્લો દિવસ હતો. કોલેજ તો ક્યારનીય પતી ગઈ હતી. આજે છેલ્લી પરીક્ષા હતી. સવા ત્રણ વાગે સ્નેહા અને અનિકેત બહાર આવ્યા. સ્નેહા ઘણા સમયથી થોડી ઉદાસ રહેતી હતી. એનું તોફાન ઓછું થઈ ગયું હતું. અનિકેતે માન્યું કે પરીક્ષાના કારણે એ સિરિયસ થઈ છે. પણ કારણ કંઇક અલગ હતું.
' સ્નેહા , શું વિચારે છે ? સરસ રિઝલ્ટ આવશે. '
' રિઝલ્ટની મને ચિંતા નથી. '
' કેમ આગળ ભણવું નથી ? '
' હવે ભણવાનો મોકો નહિ મળે. બાપુ કદાચ લગ્ન નું કહેશે. '
' ઓહ , તો સારી વાત છે ને. '
' અનિકેત મઝાક નહિ , તેં લગ્ન વિશે કંઈ વિચાર્યું છે ? '
' તું કહે છે એવું હોય તો હું જોબ શોધી લઈશ. ખેતીની થોડી આવક છે. જોબ પણ સેટ થઈ જાય તો થોડી લોન લઈ ઘર સરસ બનાવી લઉં. '
' આગળ ભણવું નથી ? '
' એ પછી , પહેલાં તું. તું મારા ગરીબ ઘરમાં આવીશ ? કાયમ માટે ? '
અનિકેતની આંખોમાં એક વિવશતાના ભાવ હતા. સ્નેહાએ અનિકેતના હાથ પર પોતાનો હાથ મુક્યો.
' અનિકેત તારા આ આમંત્રણ માટે મારા કાન તરસતા હતા. '
' સ્નેહા તારા આગમન માટે મારું ઘર તરસે છે. તારા પગલાં મારા ઘરને અજવાળશે. '
' એ મારી ખુશનસીબી હશે કે મને તારા ઘરમાં સ્થાન મળે . '
' સ્નેહા , પણ હું તારા બાપુ જેટલો સધ્ધર નથી. એ સુખ સાહ્યબી હું તને નહિ આપી શકું. '
' ચાલશે. અનિકેત બે ટાઈમ ખવડાવીશ તો ખરો ને ? '
' સ્નેહા , મારા કરતાં તને વધુ સાચવીશ. પણ તારા ઘરવાળા માનશે ? '
' ભાગી જઈશું. મને બીજા કોઈનો ડર નથી. પણ બાપુનો બહુ ડર છે. એમના મનની વાત જાણવી મુશ્કેલ છે. '
અનિકેત નું મન એક આશંકા થી ફફડી ઉઠ્યું...

કોલેજની પરીક્ષાના એ છેલ્લા દિવસે બન્ને પહેલી વાર ફિલ્મ જોવા ગયા. સ્નેહા આખા પિક્ચરમાં અનિકેતના હાથને પકડીને બેસી રહી અને અનિકેતના હદયના ધબકારામાં ધબકતું પોતાનું નામ અનુભવી રહી.

ફિલ્મ જોઈ એક સરસ રેસ્ટોરન્ટમાં સાથે જમવા ગયા. આટલા વર્ષોમાં પહેલી વાર, સ્નેહા ખૂબ રોમાંચિત હતી. રેસ્ટોરન્ટના એક ટેબલ પર બન્ને ગોઠવાયા હતા. સ્નેહાના બન્ને હાથ ટેબલ પર હતા. બન્ને હાથે મહેંદી હતી. અનિકેતે સ્નેહાના હાથ હાથમાં લીધા.
' મારા ઘરે આવ્યા પછી આ શોખ છોડવો પડશે. '
' કેમ ? '
' તારે જાતે કામ કરવું પડશે. મહેંદી રહેશે નહિ. '
' ચાલશે. '
' આ તું મારું નામ હાથ પર લખાવે છે એનો તને ડર નથી લાગતો ? '
' જુઓ , અક્ષર ઉલ્ટા લખાવ્યા છે. દર્પણમાં સીધા દેખાય. મહેંદી મુકનારને પણ ખબર નથી કે એણે શું લખ્યું છે. '
' તોફાની. '
અનિકેતને ખબર ન હતી કે તોફાન તો હવે આવવાનું હતું...
********************************

બે દિવસ સ્નેહાનો કોઈ કોન્ટેકટ ના થયો. ત્રીજા દિવસે સવારે બે પોલીસની જીપ અનિકેતના ઘર આગળ આવીને ઉભી રહી. ચાર પોલીસ ઉતરીને ખડકીમાં આવ્યા.
મા પૂજા કરતી હતી. બહેન રસોડામાં કંઇક કામ કરતી હતી. અનિકેત મોબાઈલ જોતો હતો.
' મી.અનિકેત. '
અનિકેતને પોલીસ જોઈને આશ્ચર્ય થયું. એ ઉભો થઇ ને આગળ ગયો.
' યુ આર અન્ડર એરેસ્ટ. '
મા અને બહેન ઉભા થઇને આગળ આવ્યા. કોઈ કંઈ સમજે એ પહેલાં બે કોન્સ્ટેબલે અનિકેતના બન્ને હાથ માં હાથકડી પહેરાવી દીધી.
' પણ મારો ગુન્હો શું છે ? '
' તમારી ઉપર સ્નેહાને બ્લેકમેઇલ કરી શારીરિક શોષણ કરવાનો આરોપ છે. '
એ ફફડી ઉઠ્યો. એણે બુમો પાડી કે એ નિર્દોષ છે. મા વચ્ચે આવીને ઉભી રહી. સુરભિ ગભરાઈ ગઈ હતી. કોન્સ્ટેબલ એને ખેંચીને બહાર લઈ ગયા. એ બુમો પાડતો રહ્યો.
' હું નિર્દોષ છું... હું નિર્દોષ છું.. '
પણ કોઈ સાંભળતું ન હતું. એની આંખો ખુલી ગઈ. એ બબડતો રહ્યો. ' હું નિર્દોષ છું.. '
પણ હવે બબડવાનો કોઈ અર્થ ન હતો. પોતે સાત વર્ષ જેલની સજા ભોગવીને આવ્યો હતો. આકાશમાં એ જ તારા ટમટમતા હતા જે સાત વર્ષ પહેલાં ટમટમતા હતા...

( ક્રમશ )

5 સપ્ટેમ્બર 2020


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED