જીતુભાએ મોબાઇલ ખીસામાં મુક્યો અને નજર ઉંચી કરી સામે એક સાડા પાંચ ફૂટ હાઈટની અત્યંત સ્વરૂપવાન યુવતી ઉભી હતી. દેખાવ અને કપડાં પરથી એ કોઈ પૈસાદાર ઘરની હોય એમ લાગતું હતું. ડેનિમ જીન્સ અને સ્ટ્રિપ સ્પેગેટી ટોપ પહેરેલી અને હાથમાં જેકેટ લઇની ઉભેલી એ યુવતીએ કપડાં પર છાંટેલા પરફ્યુમની સુગંધ હવામાં લહેરાતી હતી. કોઈપણ યુવકને ઘાયલ કરી દે એવી આ રૂપસુંદરી જીતુભાને પૂછતી હતી કે "તમે ... તમારું નામ જીતુભા?"
"હા જી તમે કોણ? ઓહ્હ તો તમે મોહિની ના ક્લાસના સી એલ છો.?" જીતુભાએ પૂછ્યું.
" નારે મને એવા સી એલ, ફી એલ બનવામાં જરાય રસ નથી. હું જીગ્ના" જીગ્નાએ કહ્યું.
"જીગ્ના .... ઓહ તો તમે જીગ્ના?” જીતુભાનાં મોઢામાંથી શબ્દો ન નીકળતા હતા. આ જીગ્ના તો સોનલ સાથે હતી એજ હોય તો. તો એનો મતલબ સોનલ અહીં આવી ગઈ છે એ સલામત છે. એક હાશકારો એના મોં માંથી નીકળ્યો.
"એ એ મિસ્ટર શું આવા વિચિત્ર અવાજ કાઢો છો? કોઈ દિવસ કોઈ છોકરીનું નામ જીગ્ના સાંભળ્યું નથી કે પછી કોઈ દિવસ મારી જેવી છોકરી જોઈ નથી લાગતી." જીગ્નાને જીતુભાને ચીડવવાનો મોકો મળી ગયો હતો.
"અરે બહેન છોકરીઓ પણ જોઈ છે, અને જીગ્ના નામ પણ સાંભળ્યું છે. પહેલા તમે એ કહો કે સોનલ ક્યાં છે?"
"આ તમારું દિમાગ કેમ ફરફર કરે છે પહેલા મોહિની હવે સોનલ ક્યાં છે. પહેલા એ નક્કી કરો કે તમે ફંક્શન માટે આવ્યા છો કે મોહિનીને મળવાનું બહાનું હતું. કે પછી તમારે પહેલા સોનલનું કામ છે." જીગ્નાએ જિતુભા ને વધારે ચીઢવતા કહ્યું. અને ઉમેર્યું. " બાકી તમે પણ કઈ ઓછા હેન્ડસમ નથી. મારી સાથે કોફી પીવા આવશો?
"અરે મારી માં સોનલ મારી બહેન છે. અને મને તારી સાથે કોફી પીવામાં કોઈ રસ નથી. હવે મહેરબાની કરીને મને પાસ આપી દો તો હું અંદર જાઉં" જીતુભાએ અકળાઈને કહ્યું. અને જીગ્ના હસી પડી.
'"ઓકે. સોરી સોરી. લો આ તમારો પાસ અને હું જીગ્ના, સોનલ અને મોહિનીની ખાસ બહેનપણી અને તમે મને માત્ર નામથી બોલાવો તો ગમશે. બાકી ખરેખર હેન્ડસમ છો. મોહિનીને છોડતા હો તો હું રેડી છું તમારી સાથે ભાગી જવા. બોલો છે હિંમત."
"યુ આર નોટ માય ટાઈપ " જીતુભા એ કહ્યું.
"યુ ઓલ્સો નોટ માય ટાઈપ. આવતા ભવે મારવાડી તરીકે જનમજો તો કંઈક આપણો મેળ પડે. બાકી મને મોહિનીએ તમારાં વિશે બધું કહ્યું છે. બેસ્ટ વિસીસ ફોર યોર ફ્યુચર સોનલની ફ્રેન્ડ છું પણ સાથે સાથે મોહિનીની પણ ફ્રેન્ડ છું. સમજોને કે બહેનજ એ હિસાબે સાળી થઈશ તમારી, અને સાળીઓ તો મજાક કરે જ."
"અમારામાં એક કહેવત છે સાળી અડધી ઘરવાળી." તમે એ કહેવતમાં કૈક માનો તો આ ભવમાં જ આપણો મેળ પડી શકે. ખોટી આવતા ભવની રાહ જોવી." જીતુભાએ પણ મજાક કરી.
" ના હો મારા પપ્પા મારી નાખે મને, અને આમ પણ હમણાં હું જઈને મોહિનીને તમારી આ ઈચ્છા જણાવું છું પછી પુરી ઘરવાળીથીય હાથ ધોઈ બેસશો" જીગ્ના એ અટ્ટહાસ્ય કરતા કહ્યું.
“જોજો હો એવું ન કરતા મારુ ઘર વસતા પહેલા જ બરબાદ થઇ જશે. એની વે સોનલ અને મોહિની ક્યાં છે? અને મોહિનીતો મને કહેતી હતી કે કોઈને જણાવ્યું નથી તો તમને કેમ ખબર પડી અમારા વિશે." જીતુભાએ પૂછ્યું"
"અરે મેં કહ્યું ને કે હું એ બેયની પાક્કી બહેનપણી છું. છતાં મને ખબર નહતી બોલો,પણ આજે મેં કંઈ સાંભળ્યું એટલે એને કહેવું પડ્યું.” કહીને જીગ્નાએ આખી વાત કહી. પછી ઉમેર્યું કે "હું કોઈને કઈ નહીં કહું. જયારે તમારા બંનેના ઘરવાળા એનાઉન્સ કરશે ત્યારે જ જાણે મને ખબર પડી એવું રાખીશ." પછી પોતાનો જમણો હાથ આગળ કરીને ગંભીર મોઢે કહ્યું."વીલ યુ બી માય ફ્રેન્ડ
"વી વીલબી બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર" જીતુભાએ પોતાના મજબૂત પંજામાં એના હાથને હળવેકથી દબાવ્યો પછી ઉમેર્યું "જીવનમાં ક્યારે પણ તને એમ થાય કે તારે મારી જરૂરત છે તો તારો આ ફ્રેન્ડ હંમેશા હાજર થઇ જશે." ચાલ હવે આ બેય ક્યાં છે હજી મારે સોનલની લેફ્ટ-રાઈટ લેવાની છે કાલે મને ફોન કરીને પછી દાદરની જગ્યાએ ક્યાંય ઉતરી ગઈ એના માટે. બાય ધ વે તમે લોકો ક્યાં ઉતર્યા હતા. તમારા ઘરે?" જીતુભાએ અજાણ્યા બની ને પૂછ્યું. હવે એની અંદરનો ડિટેક્ટિવ જાગ્રત થઈ ગયો હતો.
" ના હું તો તારદેવ રહું છું અમે તો સરલાબેનના ઘરે રોકાયા હતા. એમાં થયું એવુંને કે કલ્યાણ આવવાને થોડી વાર હતી અને અચાનક એમની તબિયત બગડી. એમને સાતમો મહિનો ચાલે છે. એટલે જ આજથી મેટરનિટી લીવ પર જાય છે. " જીગ્ના એ બધુજ કહ્યું જેના વિશે જીતુભા જાણતો હતો.
" ઓહ્હ તો સરલાબેન કલ્યાણ રહે છે એમને.પણ ત્યાંથી તો અહીં રોજ કોલેજ.."
જીતુભાની વાત વચ્ચેથી કાપીને જીગ્નાએ કહ્યું "ના એ તો સાંતાક્રુઝમાં રહે છે. કલ્યાણમાં તો એમનો ભાઈ રહે છે એટલે કે એમના ભાઈનો એક બંગલો છે. એક્ચ્યુઅલમાં એમનાં ઘણા બધા બંગલા - ઘર દેશભરમાં છે. બહુ પૈસાવાળા છે. રાજકુમાર છે. "
ઓકે પણ તો સરલાબેનની સરનેમ તો જોશી છે શું એમના લવ મેરેજ છે.?"
એ તો મને બહુ ખબર નથી પણ એ બેઉ સગ્ગા ભાઈ બહેન હોઈ અથવા ન પણ હોય. તો એ સરલાબેનના માનપાન બહુ જ છે એના ઘરના બધા નોકરો બ્હેનબા બ્હેનબા કહીને જ બોલાવતા હતા."
“ચાલ હવે હોલમાં આવે છે ને.?' જીતુભાએ પૂછ્યું
"ના હું સામેના રૂમમાં સરલાબેનના સી ઓફ નો નાનકડો પ્રોગ્રામ છે ત્યાં જાઉં છું સોનલ અને મોહિની ત્યાં જ છે. અત્યારે ત્યાં બધા સ્ટુડન્ટજ છે. નહીં તો તમને સરલાબેન ને મળાવત "
"મારે એમને તો ખાસ મળવું છે." જીતુભાએ કહ્યું.
"તો એક કામ કરો તમે થોડીવાર હોલમાં પ્રોગ્રામ જોવો. જેવા સરલાબેન બહાર આવશે કે તરત જ હું હોલમાં અંદર આવીને તમને બોલાવી જઈશ તમે એમને મળી લેજો."
"ઠીક છે તો હું હોલમાં જાઉં છું પણ ચોક્કસ મને બોલાવવા આવજે "
"હું ચોક્કસ આવીશ કહીને જીગ્ના સરલાબેન વાળા રૂમમાં ઘુસી તો બીજી બાજુ જીતુભા હોલમાં પ્રવેશ્યો.
xxx
જે વખતે જીતુભા હોલમાં પ્રવેશ્યો એ જ વખતે પૃથ્વી સેન્ચ્યુરી બજાર પાસે આવેલી હોટલ ગાર્ડનમાં 3જે માળે આવેલ રૂમ નંબર 304 ના બારણે પહોંચ્યો હતો. હળવેકથી ધક્કો મારતા બારણું ખુલી ગયું કેમ કે નીચે રિસેપ્શન પરથી રિસેપ્શનિસ્ટ કોલ કરેલો કે તમારા મહેમાન આવી ગયા છે ત્યારે રૂમમાંથી જણાવ્યું હતું કે ઉપર મોકલો એમને. રૂમમાં અંદર જઈ પૃથ્વીએ પહેલું કામ રૂમ લોક કરવાનું કર્યું. પછી પાછળ ફર્યો સામેના પલંગ પર એક 30-32ની ઉંમરનો પાતળો યુવાન બેઠો હતો. તેણે ગંજી અને પેન્ટ પહેર્યા હતા અને હાથમાં રહેલા કાગળના એન્વેલપમાં કઈ જોઈ રહ્યો હતો. એનું ધ્યાન પૃથ્વી પર ન હતું. એક્ચ્યુલીમાં એને મળવા કોઈ બીજી વ્યક્તિ આવવાની હતી.પૃથ્વીએ કમરાની અંદર નજર મારી પલંગથી 6-7 ફૂટ દૂર એક ડ્રેસિંગ ટેબલ હતું એની બાજુમાં એક સૂટકેસ પડી હતી.
" તો મનસુખ આખરે તું મળી ગયો કા. તને જીવતો જોઈને મને બહુ આનંદ થયો." પૃથ્વીએ પલંગની બાજુમાં પહેલી એક ખુરશી પર બેસી સાથે સાથે પોતાનો ડાબો પગ ઉંચો કરી એના મોજામાં ભરાવેલી લીલીપુટ બહાર કાઢતાં કહ્યું. એનો અવાજ સાંભળીને મનસુખ ચોંક્યો એના હાથમાંથી એન્વેલપ પડી ગયું. અને તેણે પોતાની સૂટકેસ પર નજર નાખીને પલંગ પરથી ઉતરવાનું કર્યું.
" હા હા. મનસુખ આ જો"કહીને પૃથ્વીએ લીલીપુટ બતાવી.'તું સુટકેસ સુધી પહોંચતા પહેલા ઉપર પહોંચી જઈશ, તને મારા નિશાન પર તો કોઈ શક નહીં જ હોય" સાંભળીને મનસુખ માથા પર હાથ દઈને બેસી ગયો. હવે તે હલવાનો પ્રયાસ ન કરતો હતો. લગભગ રડતા અવાજે એને કહ્યું. "પૃથ્વી તું ઉંમરમાં મારાથી નાનો છે પણ મારો ગુરુ છે. પ્લીઝ મને માફ કરી દે."
તારું શું કરવું એ તો શેઠ કહેશે.પણ એ તો કહે કે તું તો દોઢ વર્ષ પહેલા મરી ગયો હતો તો આ હોટલમાં ક્યાંથી પહોંચ્યો અને એ પણ જીવતો? પૃથ્વીએ હસતા હસતા કહ્યું અને બીજા હાથે મોબાઈલ કાઢીને એક નંબર ડાયલ કર્યો. સામેથી એક રિંગ વાગતા જ ફોન ઉંચકાયો પૃથ્વીએ સ્પીકર ચાલુ કર્યું અને કહ્યું. "શેઠ આ આપણો મનસુખ જીરાવાળો તો જીવતો મારી સામે બેઠો છે. બોલો શું કરું."
સ્પીકરમાં એક ખૂંખાર અવાજ આવ્યો. "પૃથ્વી હું હમણાં મિટિંગમાં છું. અને આમેય એ દોઢ વર્ષ પહેલા મરી જ ગયો છે. કંપનીમાં એણે કામ કર્યું છે એટલે એને એક મોકો આપ, પછી તને યોગ્ય લાગે એ કર એને અહીં "અનોપચંદ એન્ડ કુ." માં લઇ આવ અથવા એને જીવતો જવા દે કે ગોળી મારી દે તારી મરજી પડે એ કર. ‘ઓલા મિશનમાં’ કઈ ડેવલપ હોય તો જ અથવા બહુ અર્જન્ટ હોય તો જ હવે ફોન કરજે. બાકી આખી દુનિયા ભાંગી પડે તો પણ મને રસ નથી. તને બધાજ અધિકાર મેં આપ્યા છે. મરજી પડે એ કર. બાકી સાંજે વાત કરીશ" કહીને સામેવાળાએ ફોન મૂકી દીધો.
"સાંભળ્યું મનસુખ શેઠે એક મોકો આપ્યો છે. તો ફટાફટ બોલવા મંડ તારી પાસે 3 મિનિટ છે. મને લાગશે કે તને જીવતા જવા દેવો તો હું ચાલ્યો જઈશ. તારા માટે ખાસ હું બેલ્જીયમથી અહીં આવ્યો છું. જલ્દી અને જો તું મને સમજાવી શકીશ કે તે દગો શું કામ કર્યો તો તું જીવતો રહી શકીશ. મારે બીજા ઘણા કામ છે." કહી ને પૃથ્વીએ પલંગ પર પડેલું એન્વેલપ ઉપાડ્યું અને મનસુખ ને પરસેવો છૂટવા માંડ્યો.
" હું... હું... મારે મારે પૈસાની જરૂર હતી. અને મને એ લોકોએ એક છોકરીમાં ફસાવ્યો હતો મારો ઈરાદો તને હાનિ પહોંચાડવાનો ન હતો. મેં તારા વિશે કોઈને કંઈ કહ્યું નથી." લગભગ રડતા રડતા મનસુખે કહ્યું.
" લે, પૈસા કઈ વેલીડ કારણ ન ગણાય અને શેઠ તને તારી જરૂરિયાતથી અનેકગણા પૈસા આપતાજ હતાં જલ્દીથી કૈક બીજું અને સાચું કારણ વિચારીને કહે. દોઢ મિનિટ થઇ ગઈ તારા પાસે 2 વાક્ય બોલી શકાય એટલો સમય છે."
"હું... હું... હું મૂર્ખ હતો. મને માફ કરી દે પૃથ્વી હું તારો ગુલામ બનીને રહીશ આખી જિંદગી. "
"તારો સમય પૂરો થયો. અને કંપની તને દીકરાની જેમ સાચવતી હતી. તું ઘરે હોય કે બહારગામ તારા ઘરનાને દૂધની થેલી કે કોથમીર લેવા બહાર જવું નહોતું પડતું. પણ તું ભૂલી ગયો એ બધું. ખેર કોઈ આખરી ઈચ્છા. હોય તો બોલ એક વાક્યમાં."
"મારે મારા માં-બાપ માટે જીવવું છે. પ્લીઝ માફી. માફી આપી દે પૃથ્વી"
"સોરી એ હું નહીં આપી શકું હા એક વચન આપું છું રાજપુતનુ વચન તારા માં-બાપ જીવશે ત્યાં સુધી એમની બધી જવાબદારી કંપની ઉઠાવશે આજ સાંજ પહેલા એમની સારસંભાળ લેવા માણસો પહોંચી જશે આરામથી એ એમનું આયખું પૂરું કરશે. બસ."
"આપણે સાથે લગભગ 2 વર્ષ કામ કર્યું છે કૈક દયા..."
"ઠીક છે તને હું ગોળી નહીં મારુ બસ." સાંભળતા મનસુખ ની આંખ ચમકી.
ક્રમશ: કોણ છે આ શેઠજી.? એવો તો શું દગો કર્યો હતો મનસુખે કે એને પાઠ ભણાવવા છેક બેલ્જીયમથી પૃથ્વી આવ્યો હતો.? શું પૃથ્વી મનસુખ ને જીવનદાન આપશે? જાણવા માટે વાંચો તલાશ -9