તલાશ - 6 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ - 6

બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરીને જીતુભા પોતાની વિંગ તરફ આગળ વધ્યો. 10-12 કદમ દૂર જ તેના ફ્લેટમાં જવાનો દાદરો હતો પોતાના વિચારોમાં મશગુલ જીતુભા દાદરા પાસે પહોંચ્યો ત્યાંજ એક ચીસ એને સંભળાઈ, "ચોર, ચોર, પકડો, પકડો." અને એ ચીસનો અર્થ સમજે એ પહેલાજ એ દાદરમાં પહોંચ્યો હતો અને અચાનક સામે જ એક મજબૂત યુવાન હાથમાં છરો લઈને પડતો આખડતો દાદરા ઉતરતો હાંફતો એની નજરે પડ્યો જીતુભાની સમાજમાં કઈ આવે એ પહેલાજ એનો છરા વાળો હાથ ઉંચો થયો અને "ખચ્ચાક" કરતો જીતુભાને ભોંકી દીધો. આ તરફ જીતુભાની આંખે નોંધ્યું કે એનો છરાવાળો હાથ ઉંચો થયો છે એ સાથેજ એના મગજે એના શરીરને આદેશ આપ્યો ઝૂકી જવાનો અને મિલિટરીની ટ્રેનિંગમાં શીખેલો પાઠ યાદ કરીને એના શરીરે ઝુકવાની સાથે જ જમણા હાથે પેલાના ડાબા ગોઠણમાં જોરથી અથડાવ્યો, પેલાનું બેલેન્સ ગયું અને " ઓ બાપરે કરતા એ પટકાયો આ બધું ગણતરીની સેકન્ડોમાં બન્યું પણ એણે જે વાર કર્યો હતો એ એનું કામ કરી ગયો હતો. ઝૂકેલા જીતુભાનાં ડાબા હાથ પર એક 3-4 ઈચ નો લસરકો છરી એ મારી દીધો હતો. ઓરીજીનલ રામપુરી અને તાકાતથી ઝીકાયેલો ઘાવ જો જીતુભા 1-2 સેકન્ડ મોડો પડ્યો હોત તો છરી એના ગળાની આરપાર થઇ હોત, પણ તોય એણે જીતુભાને ઘાયલ તો કર્યો જ હતો. પણ હવે જીતુભાની સ્થિતિ મજબૂત હતી હુમલાખોર નીચે પટકાયો હતો એના ગોઠણમાં પણ હજી જોરના ઝટકા લગતા હતા અને સામે આવેલો જીતુભા બેસી ગયો હતો એટલે એના શરીરને રૉકનારું કોઈ ન હોવાથી એ મોઢાભેર જમીનદોસ્ત થયો હતો જીતુભાએ પોતાને લાગેલા ઘાની પરવા કર્યા વગર પાછળ ફરીને એક જોરદારની લાત પેલાના ઢગરા પર મારી "ઓ માડી રે" એવી ચીસ પાડીને એ બેઠો થવાનો પ્રયાસ કરવા લાગ્યો એનો છૂરો એના હાથમાંથી છટકી અને 3-4 ફૂટ દૂર પડ્યો હતો .જીતુભાએ તુરત પાછળ જોયું કદાચ એનો કોઈ સાથી પાછળ હોય તો પણ ત્યાં કોઈ ન હતું. 3જે માળે રહેતા એમના પાડોશી મિસિસ બક્ષી એને એમની દીકરી હાંફતા હાંફતા દાદરો ઉતરીને આવી રહ્યા. હતા. 10-12 સેકન્ડમાં આ બધું બની ગયું પેલો હુમલાખોર હજી કણસતો ઉભો થવાનો પ્રયાસ કરતો હતો હવે જીતુભાએ એની સામે જઈને 2 જોરદાર તમાચા એના બન્ને ગાલ પર માર્યા. તમાચા એવા જોરદાર હતા કે પેલાના હોઠના ખૂણેથી લોહી ટપકવાનું શરું થઈ ગયું હતું અને એ કણસતો હાથ જોડતો ઉભા થવાની નાકામ કોશિશ કરતો હતો.

"થેંક્યુ ભાણુભા," મિસિસ બક્ષીએ કહ્યું (જીતુભાને એમના પાડોશીઓ ભાણુભા કહીને જ બોલાવતા હતા.સુરેન્દ્રસિંહનો ભાણેજ હોવાને લીધે.) અને એમણે પણ એક જોરદાર તમાચો પેલાને મારી દીધો પાછળથી આવેલી એમની દીકરીએ એક લાત પેલાની કમર પર મારી.

" અમે નાસ્તો કરતા હતા ત્યાં અચાનક આણે ડોરબેલ મારી અને દરવાજો ખોલાવ્યો કહે કે સામેના (જીતુભાનાં) ફ્લેટમાં તાળું માર્યું છે અને એમનું કુરિયર છે. મને થયું કે તમારું કૈક કામનું કુરિયર હશે એટલે મેં દરવાજાની સાકળ ખોલીને એને અંદર લીધો તો એણે આવડું મોટું ચાકુ કાઢ્યું હવે બક્ષીબાબુ તો બહારગામ ગયા છે. અમે માં-દીકરી જ ઘરે હતા તો તિજોરી ખોલાવી અને રોકડ અને ઘરેણાં એણે છીનવી લીધી અને ભાગ્યો એટલે અમે માં દીકરી બૂમો પાડતા એની પાછળ દોડ્યા".હાંફતા હાંફતા મિસિસ બક્ષીએ વાત પુરી કરી હવે જીતુભાએ પેલાનો કાંઠલો પકડી ઉભો કર્યો અને પોતાનો જમણો ઘૂંટણ પેલાના 2 પગનીવચ્ચે જોરથી માર્યો એ સાથેજ પેલાંના મોઢામાંથી થુંક -લાંળ અને એક ચીસ બહાર નીકળી. અને એ ફરીથી બેસી પડ્યો. જીતુભાએ પોલીસને ફોન કરવાની સૂચના આપી ત્યાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા પાડોશીઓ પણ જમા થઇ ગયા.ગ્રાઉન્ડફ્લોરમાંથી જ કોકના ઘરમાંથી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો. જીતુભાએ હાથ લંબાવ્યો અને પેલાએ ગભરાતા ગભરાતા એની સામે જોયું પછી કૈક વિચારીને મિસિસ બક્ષીના ઘરમાંથી તડફાવેલો સામાન ખિસ્સામાંથી કાઢીને જીતુભા તરફ લંબાવ્યો. જીતુભાએ એ દાગીના અને રુપિયા મિસિસ બક્ષીને આપ્યા અને ચેક કરવાનું કહ્યું બધું પાછું મળી ગયું છે કે નહીં?. ત્યાંજ કોકનું ધ્યાન જીતુભાનાં ડાબા હાથ પર ગયું "અરે ભાણુભા તમને તો લોહી નીકળે છે. બાપરે" એણે બુમ પાડી, હવે બધાનું ધ્યાન ખેંચાયું "તમારે તો અર્જન્ટ ડોક્ટર પાસે જવું જોઈએ છરીનો ઘા છે સેપ્ટિક થઈ જશે." એવા એવા સૂચનોનો કોલાહલ થવા લાગ્યો ત્યાં પેલા હુમલાખોરે પરિસ્થિતિ જોઈને ફરીથી ભાગવાની કોશિશ કરી પણ 2 પગ વચ્ચે પડેલી જોરદાર લાતના કારણે એ માંડ 2-3 ડગલાં ભાગીને બેસી પડ્યો.

ત્યાંતો પોલીસ કંટ્રોલમાંથી મળેલી સૂચના પ્રમાણે નજીકના થાણામાંથી એક પોલીસ જીપ આવી. 3 હવાલદાર અને એક હેડ કોન્સ્ટેબલ એમાંથી ઉતર્યા અને પ્રાથમિક પૂછપરછ કરીને પછી જીતુભાને તુરંત ડોક્ટરની સલાહ લેવાનું કહીને એ લોકો પેલા ઉઠાવગીરને લઈને વિદાય થયા. જીતુભાએ ફરીથી ઘરે જઈ ને ફસ્ટએઇડ થી પટ્ટી બાંધી લઈશ એવી વાત કરી પણ પાડોશીઓ ન માન્યા 2 બિલ્ડીંગ છોડીને રહેતા ડોક્ટરને ત્યાં 2 પાડોશીઓ સાથે આવ્યા. ડોકટરે ઘા તપાસીને સ્ટિચિંગ કરવાની જરૂરિયાત છે એમ કહી ને સ્ટિચિંગ કરી ઉપર પટ્ટી મારી દીધી પછી જીતુભા પોતાના ઘરે પહોંચ્યો ત્યારે સવા દશ વાગ્યા હતા.

XXX

જયારે જીતુભા રેસ્ટોરન્ટમાં નાસ્તો કરીને બહાર નીકળ્યો એ જ વખતે. પૃથ્વી સરલાબેન જીગ્ના અને સોનલ નાસ્તો કરીને કારમા ગોઠવાયા હતા. પણ, એ 20 25 મિનિટમાં નાસ્તો કરતા કરતા પૃથ્વી એ નોંધ્યું હતું કે જેમ પોતે સોનલ તરફ પહેલી નજરમાં આકર્ષાયો હતો એવી જ રીતે સોનલ પણ ચોરી છુપી રીતે એના તરફ લગાતાર જોઈ રહી હતી. પૃથ્વી હતો જ એવો. 6 ફિટ 2 ઇંચ ની હાઈટ મજબૂત બાંધો કસાયેલું શરીર અને આ બધા ઉપરાંત કૂદરતી રીતે ચહેરા પર રમતી નાના બાળક જેવી મુસ્કુરાહટ જાણે મહાભારત કાળમાંથી પ્રગટીને નકુલ આવીને ઉભો રહ્યો હોય એવો દેખાવ. પણ આ ભોળા ચહેરાને ખુંખાર કાતિલ બનવામાં એક સેકન્ડ પણ લગતી ન હતી. પૃથ્વીએ એના જીવનમાં અનેક યુદ્ધો લડ્યા હતા છુટ્ટા હાથની મારામારીથી લઈને ગન ફાયરિંગ સુધીના અને લગભગ એ બધામાં એણે વિજય મેળવ્યો હતો. આમ તો રિયાસતો હવે રહી ન હતી પણ છતાં એના ગામ- શહેરમાં એનો માન-મરતબો એક ટીલાટ રાજકુમાર જેવો જ હતો. એના પિતા ખડકસિંહ નામ પ્રમાણે જ ખડક જેવા સશક્ત અને મજબૂત હતા. અને આ સરલાબેન એની સગી બહેન ન હતી પણ પૃથ્વીના ગામમાં એના પિતા એક માસ્તર હતા જે સ્કૂલમાં પૃથ્વી ભણ્યો હતો ત્યાં જ, અને આ સરલાએ સ્કૂલમાં લગાતાર 7 વર્ષ સુધી પૃથ્વી ને રાખડી બાંધી હતી અને એનું માન ખડકસિંહના ગામમાં એમની દીકરી જેવું જ હતું સરલાએ ભણ્યું ત્યાં સુધી, અને પછી એના લગ્ન જનક નામના એક સ્કૂલ પ્રિન્સિપાલ સાથે થયા ત્યારે બધો જ ખર્ચ ખડકસિંહે ઉપાડ્યો હતો. અને જ્યાં ગઈ રાત્રે એમણે રાતવાસો કરેલો એ બંગલો પણ ખડકસિંહનો એટલેકે પૃથ્વીનો હતો. ત્યાંનો બધો સ્ટાફ પણ સરલાને ઓળખતો હતો. એટલેજ જેમ સાસરેથી આવેલ દીકરીના પિયરમાં માનપાન હોય એવી જ રીતે તેમને બંગલાના સ્ટાફે આવકાર્ય હતા. અને એક પરણેલી રાજકુમારી પિયરમાં આવે અને નોકર-ચાકર એની જેવી આગતા સ્વાગત કરે એમ, એ લોકો પહોંચ્યા કે તરત જ એમને માટે ચા- પાણી તૈયાર થયા હતા. અને એ લોકો ફ્રેશ થયા ત્યાં સુધીમાં ગરમ ગરમ જમવાનું અને પછી બંગલાના પહેલા મળે એક મોટા રૂમમાં એમની સુવા માટેની વ્યવસ્થા થઈ હતી. 2 નોકરાણીઓ ((કાંતા અને ચંપા) સતત સરલાબેનનો હુકમ ઉઠાવવા ખડે પગે હતી. એક મિડલક્લાસનાં પ્રોફેસરનો આવો અદભુત બંગલો અને એક રાજકુમારીની થાય એવી સરભરા જોઈને સોનલ અને જીગ્ના મંત્રમુગ્ધ થઈ ગયા હતાં એટલે જ સરલાબેન એમને ફોન કરવાનું (જીતુભાને અને જીગ્નાના ઘરવાળાને) ભુલવાડવામાં કામિયાબ રહ્યા હતા. સરલાબેને એમને સોંપાયેલું કામ સુપેરે પાર પડ્યું હતું કે એની હાઉ સોનલ જીતુભાનો કોન્ટેક્ટ ન કરી શકે સવારે 11 વાગ્યા સુધી. એમને સોંપાયેલ ટાસ્ક પૂર્ણ થયો હતો એટલે જ આજે જ એ મુંબઈ માંથી વિદાય લઇ રહ્યા હતા. કદાચ હમ્મેશા માટે.

"તો ટીલાંટ રાજકુમારજી હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ”

"પૃથ્વીસિંહ છે મારુ નામ પણ તમે મને પૃથ્વી કહેશો તો ગમશે આ ટીલાંટ રાજકુમારનું પૂછડું છોડી દો. અને અત્યારે તો આપણે સંમુખનંદ હોલ પર જઇયે છીએ. ત્યાં સરલાબેનના વિદાય સમારંભનું નાનકડું આયોજન કરેલું છે. પછી એકાદ કલાકમાં હું સરલાબેનને મુકવા એરપોર્ટ જઈશ જો તમારો ઈરાદો કંપની આપવાનો હોય તો મને આનંદ થશે."

"ના હો મારા પપ્પા મને ખીજાશે. આમેય મેં રાત્રે ઘરે ફોન નથી કર્યો કે હું મુંબઈ આવી ગઈ છું એ જાણશે તો ગુસ્સો કરશે આ સોનલે તો એના ભાઈને કહી દીધું હતું. કે અમે મુંબઈ પહોંચી રહ્યા છીએ. પણ મારા પપ્પા તો .." જીગ્નાએ કહ્યું.

અરે બાપરે મેતો જીતુને કીધું હતું કે રાત્રે દાદર સ્ટેશન પર મને લેવા આવી જજે, પછી આ સરલમેમની તબિયત અચાનક બગડી અને અમે તમારા કલ્યાણના બંગલે પહોંચ્યા ત્યારે એને ફોન કરવાનો હતો. એ તો હું સાવ ભૂલી જ ગઈ.હવે એ જીતુડો મને ખાઈ જશે" સોનલે રોતલ અવાજમાં કહ્યું.

"આ જીતુડો એટલે કે જીતુ એટલે તમારો ભાઈ?' પૃથ્વી એ વાત બદલવા પ્રશ્ન પૂછ્યો હકીકતમાં તો એ જીતુભાને જાણતો હતો અને એના કહેવાથી જ આ ટ્રેપ ગોઠવાયો હતો. એને જીતુભાનું કામ હતું. ખાસ કામ, પણ અત્યારે વાતો કરતા કરતા એ અકળાતો હતો. એને જીતુભાની સામે આવવું ન હતું એટલે જ રાત્રે એણે જીતુભાને ડરાવવા ફોન કર્યો હતો. અને સવારે જીતુભા જયારે સાકરચંદ સુધી પહોંચી ગયો ત્યારે એણે પોતાના સોર્સ દ્વારા સુરેન્દ્રસિંહને પોલીસની તપાસમાં ફસાવ્યા હતા. "ઓ બાપરે સોનલ ને આ ખબર પડશે તો.... તો તો.જીવનમાં એ એણે કલ્પેલી સ્વપ્નસુંદરી એના જીવનમાં આવતાની સાથે જ દૂર થઇ જશે." એણે માથું ધુણાવ્યું "નો આવું ન બનવું જોઈએ. જીતુભા કોઈ પણ સંજોગમાં સામે ન આવવો જોઈએ.આજે તો નહીં જ, આજ સાંજ સુધી તો નહીં જ." સારું થયું કે જીતુભાને પોતે સુરેન્દ્રસિંહને ફોન કરવા ઉશ્કેર્યો હતો. હજી એ એના મામાની અટકાયતના આઘાતથી બહાર નહીં આવ્યો હોય, અને એને પોલીસના સકંજામાંથી છોડાવવામાં પડ્યો હશે." પણ જીતુભાને એણે ઓછો આંક્યો હતો મામાને છોડાવવાનું કામ જીતુભાએ ભારદ્વાજ ને સોંપી દીધું હતું. પણ છતાંયે કુદરત પૃથ્વી પર મહેરબાન હતી કે જીતુભા ઓલા ઉઠાવગીર સાથે અથડાયો હતો અને પછી પાટાપિંડીમાં લગભગ પોણો કલાક પસાર થઇ ગયો હતો.

xxx

ઘરમાં પહોંચી જીતુભા ફટાફટ ન્હાઈને તૈયાર થયો આમતો જીન્સ એનું ફેવરિટ હતું પણ આજે પોતાની બહેનના કોલેજના ફંક્શનમાં જવાનું હોવાથી એણે એક બ્લેક કલરનું ફોર્મલ ટ્રાઉઝર પસંદ કર્યું એના ઉપર એક સ્કાઈ બ્લુ શર્ટ પહેર્યો પછી પરફ્યુમ છાંટીને ગોગલ્સ ચડાવી આયનામાં જોયું ડાબા હાથ પર લગાવેલી પટ્ટી દેખાતી તો નથી ને એ ચેક કરીને એણે કારની ચાવી લઇ ફ્લેટ લોક કર્યો. ત્યાં સામે રહેતા મિસિસ બક્ષીએ બારણું ઉઘાડ્યું. " બહાર જાવ છો ભાણુભા? " એણે પૂછ્યું. "અને હવે હાથમાં કેમ છે. ડોકટરે શું કહ્યું? કઈ ચિંતા જેવું તો નથીને " એવી પૂછપરછ કરવા માંડી. જીતુભાને મોડું થતું હતું મોહિનીનો સીએલ એના માટે પાસ લઈને બહાર ઉભો હતો. માંડ એણે મિસિસ બક્ષીના સવાલોના જવાબ ટૂંકમાં કહ્યા. "કઈ ચિંતા જેવું નથી મામૂલી ઘા છે 4 દિવસમાં ભરાઈ જશે" કહીને તેને ચાલતી પકડી. ત્યાં મિસિસ બક્ષીની દીકરીએ ડોકિયું કરીને કહ્યું સોનલ કયારે આવવાની છે? "લગભગ સાંજ સુધીમા આવી જશે" જીતુભાએ દાદરો ઉતરતા ઉતરતા જવાબ આપ્યો. પણ અચાનક પાછો સોનલનો ઉલ્લેખ થતા એને સોનલની યાદ આવી ગઈ. ક્યાં હશે એ. કેવા હાલમાં હશે. સલામત તો હશેને? પોતાની પ્રાણપ્યારી બહેન માટે આવતા અમંગળ વિચારોને ખંખેરીને કારમાં ગોઠવાયો. થોડેક દૂર જ એક ફૂલની દુકાન જોઈને એને યાદ આવ્યું કે મોહિનીને એને બુકે અને ચોકલેટ આપવાની વાત કરી હતી એણે કારમાં બેઠાબેઠા જ એક મસ્ત ગુલદસ્તો તૈયાર કરવાનું કહ્યું. પછી નજીકની એક દુકાનમાંથી આઠ-દસ મોટી ચોકલેટ ખરીદી. પણ આ ગુલદસ્તો તૈયાર થવામાં અને ચોકલેટ ખરીદવામાં એણે લગભગ 20 મિનિટ બગાડી હતી.. એ જો ન બગાડી હોત તો... તો કદાચ એની મુલાકાત પૃથ્વી સાથે થઇ હોત

ક્રમશ:

એવું તો શું કામ હતું પૃથ્વીને જીતુભાનું. એ જીતુભાને કેવી રીતે જાણતો હતો અને જાણતો હોવા છતાં સોનલને પોતે અલમોસ્ટ કિડનેપ કરી છે એવી ધમકી આપવી પડી? શા માટે એ સાંજ સુધી જીતુભાની સામે નથી આવવા માંગતો.? શું ભારદ્વાજ સુરેન્દ્રસિંહને પોલીસના છોડાવી શકશે. જાણવા માટે વાંચો તલાશ -7