હાઇવે રોબરી 17
પ્રહલાદે જવાનસિંહને એની કિટલીએ ઉતર્યો. કિટલીની પાછળના ખેતરમાં પાણીનો બોર હતો. બોરમાંથી પાણી એક ટાંકીમાં ભરાતું અને ત્યાંથી એ પાણી ખેતરમાં જરૂર મુજબ જવા દેવામાં આવતું. જવાનસિંહે પ્રહલાદને કિટલી પાસે અંધારામાં ઉભો રાખ્યો. અને એ ખેતરમાં ગયો. ખેતર માં કોઈ નહતું. ટાંકીમાં પાણી ઓછું હતું. પણ કામ ચાલે એમ હતું. જવાનસિંહે સિટી વગાડી. પ્રહલાદ ખેતરમાં આવ્યો. બન્નેએ સારી રીતે સ્નાન કર્યું. બન્ને છરીઓ ને માટીથી ઘસીને સારી રીતે સાફ કરી. પ્રહલાદના કપડાં પર લોહીના ડાઘા હતા. પ્રહલાદે નક્કી કર્યું કે ઘરે જઈ બીજા કપડાં પહેરી આ કપડાંનો નાશ કરી દેશે. જવાનસિંહના કપડાં પર લોહીના કોઈ નિશાન ન હતા.
જવાનસિંહે બન્ને છરી કિટલીના કબાટમાં મૂકી દીધી. પ્રહલાદ મોટરસાઇકલ લઈ એના ઘર તરફ ગયો. જવાનસિંહ હતાશ થઈ કિટલીની બાજુમાં મુકેલ બાંકડા પર બેસી ગયો. જે રસ્તો છોડી દીધો હતો. એ રસ્તે એ પહેલાં કરતાં પણ વધારે આગળ નીકળી ગયો હતો. છ ખૂન... ઓહ. જ્યારે લૂંટનો પ્લાન કર્યો ત્યારે ક્યાંય ખૂન ખરાબાનો અંશ માત્ર ન હતો. પણ ગુન્હાની શરૂઆતનો અંત કઈ તરફ જશે એ ગુનેગારના હાથમાં નથી હોતું. હવે આ સત્ય સમજાયું. પણ હવે જ્યારે આ સત્ય સમજાયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. હવે કોઈ રસ્તો ન હતો.
જવાનસિંહની નજર સમક્ષ સવિતા અને બે ભૂલકાનો ચહેરો તરી આવ્યો. માંડ જીવનની ગાડી પાટા પર ચડી હતી. પણ પાછી પાટા પરથી ઉતરી ગઈ. અટવાઈ ગઈ.
શા માટે પોતે આ લૂંટનો હિસ્સો બન્યો ? કદાચ અજાગ્રત મનમાં ઘર કરી ગયેલ ગુનાખોરીનું વ્યસન સક્રિય હતું. હા... નહિ તો પોતે શા માટે આમાં જોડાત ?
પોલીસનો પતાની તરફ આવતો હાથ હાલ તો અટકાવ્યો હતો. પણ શું ખરેખર પોતે બચી શકશે ?
લૂંટના આયોજન સમયે બનાવેલ ફુલપૃફ પ્લાન ફેલ ગયો હતો. લૂંટ પહેલાનો આનન્દ ગાયબ થઈ ગયો હતો. અને એ સમયના આત્મવિશ્વાસની જગ્યા એક અજ્ઞાત ભય સ્થાન લઈ રહ્યો હતો.
ભારે હદયે એ ઉભો થયો. અને પોતાની જાતને ઘસડીને લઈ જતો હોય તેમ એ સાયકલ લઈ ઘરે ચાલ્યો....
************************
વસંતને મોડી રાત સુધી ઉંઘ ના આવી. અણધાર્યા સમાચાર અને ઘટનાએ એને હચમચાવી નાખ્યો હતો. એને સમજાતું નહતું કે રઘુનો ફોટો જો લૂંટ કેસમાં બહાર આવ્યો હોય તો કેવી રીતે આવે. અશક્ય વાત હતી. ખૂબ જ આડા અવળા વિચારોના ઘમસાણ વચ્ચે એના મગજમાં એક વિચાર ચમક્યો. બધા માટે અલગ સીમકાર્ડ ખરીદવામાં આવ્યા હતા. કદાચ રઘુએ તે ખરીદયા હોય અને એના ચક્કરમાં એનું નામ આવ્યું હોય. પણ જો લૂંટ કેસમાં રઘુનું નામ આવ્યું હોય તો પોલીસ શોધે. દિલાવરના માણસો કેમ શોધતા હશે ? કદાચ એ વાત લીક થઈ હોય અને દિલાવર એના ભાઈના ખૂનનો બદલો લેવા માંગતો હોય. કદાચ... ઘડિયાળમાં જોયું. રાતના સાડા બાર થયા હતા. ઈચ્છા થઈ કે જવાનસિંહને ફોન કરે. પણ ખૂબ મોડું થયું હતું. સવારે જ હવે મલાશે.
બધું આયોજન બરાબર હતું. જો રતનસિંહ ગફલત ના કરતો તો કોઈનું ખૂન ના થાત. અને જો કોઈ ખૂન ના થાત તો પકડાયા પછીની સજા પણ ઓછી થાત. કમ સે કમ ફાંસીની શક્યતા તો ના જ રહેત.
************************
સવારે વસંત વહેલો ઉઠી ગયો. ફટાફટ તૈયાર થઈ રાધાને સમજાવી એ મોટરસાઇકલ લઈ નીકળી ગયો. ગામ બહાર જઇ એણે જવાનસિંહને ફોન કર્યો. જવાનસિંહે એને કિટલી પર મળવા કહ્યું. વસંત કિટલી પર પહોંચ્યો. ત્યાં કોઈ ન હતું. વસંતે મોટરસાઇકલ સાઈડમાં પાર્ક કરી. અને સિગારેટ સળગાવી બાંકડા પર બેઠો.
લગભગ 35 કે 40 મિનિટ પછી જવાનસિંહ આવ્યો. જવાનસિંહની આંખોમાં ઉજાગરો વ્યક્ત થતો હતો. રોજનો તરોતાજા જવાનસિંહ આજે થાકેલો લાગતો હતો. બન્ને એકબીજા સામે હસ્યાં. પણ બન્ને અનુભવી શકતા હતા કે એમના હાસ્ય માંથી ઉમગ અને ઉત્સાહ ગાયબ હતો.
જવાનસિંહે સાયકલ સાઈડમાં મૂકી કિટલી ચાલુ કરી. ખેતર માંથી પાણી ભરી લાવ્યો. વસંતને પાણી આપ્યું અને બન્ને માટે ચ્હા બનાવી અને પછી દૂધ ગરમ કરવા મુક્યું. હમેશની આદત પ્રમાણે થોડી ચ્હા અને પાણી રોડ પર રેડી આવ્યો. ચ્હાનો એક કપ વસંતને આપ્યો અને એક કપ પોતે લઈ વસંતની પાસે બેઠો. થોડી વાર બન્ને વચ્ચે મૌનનું એક આવરણ આવી ગયું. બન્નેને એવું લાગ્યું કે એક દિવસમાં એમનું આખું જગત બદલાઈ ગયું હતું. દૂધ ઉભરાવા લાગ્યું. જવાનસિંહે સ્ટવ બંધ કર્યો. ચ્હા પતી ગઈ હતી. જવાનસિંહે ચ્હાના કપ સાઈડમાં મુકયા. બે સિગારેટ સળગાવી. એક સિગારેટ વસંતને આપી.
' રઘુ ને કહ્યું હાલ એ ક્યાંક ભાગી જાય. પણ એ તૈયાર ન હતો. એ એમ માનતો હતો કે લૂંટ કેસમાં કોઈ એની તપાસ કરે એ શક્ય જ ન હતું. '
' એને સમજાવવું હતું ને કે કશું અશક્ય નથી. '
' ખૂબ સમજાવ્યો. પ્રહલાદનું કહેવું એમ હતું કે રઘુ પકડાશે તો આપણી ફાંસી લગભગ નક્કી છે. '
' પછી. '
જવાનસિંહ વસંત સામે જોઈ રહ્યો.
' પછી... '
' હવે રઘુ આપણી વચ્ચે નથી.'
વસંતના હાથ માંથી સિગારેટ પડી ગઈ. એ ઉભો થઇ ગયો. એણે જવાનસિંહના ખભા પકડી લીધા.
' શું કહ્યું તે ? '
' આપણે ફાંસીથી બચવાનો કોઈ રસ્તો ન હતો. '
' એટલે આ છઠ્ઠું. '
' પાંચ અને છની સજા સરખી જ હોય છે. '
વસંત બાંકડા પર બેસી ગયો. એણે આંખો બંધ કરી દીધી. જવાનસિંહ એને જોઈ રહ્યો. કોણ કોને આશ્વાસન આપે ?
થોડી વારે વસંત સ્વસ્થ થયો.
' આપણા માટે મોલાઈલના સીમકાર્ડ લેવા રઘુ ગયો હતો ? '
' કદાચ '
' કદાચ નહિ , ચોક્કસ બોલ. પોલીસ કે દિલાવરના હાથમાં કોઈ કલુ જરૂર છે. એવું પણ બને કે રઘુ સિવાય બીજા કોઈની માહિતી પણ એ લોકો પાસે હોય.'
જવાનસિંહને વસંતની વાત સાચી લાગી. જવાનસિંહે વસંતને કોઈના કોન્ટેકટમાં આવવા દીધો ન હતો. પણ એ તો પ્રહલાદ ના કોન્ટેકટ માં હતો જ. એણે પ્રહલાદને ફોન લગાવ્યો.
' હેલો પ્રહલાદ , હું જવાનસિંહ. આપણા માટે સીમકાર્ડ કોણ લેવા ગયું હતું. રઘુ ? '
' ના , જીવણ એના ફ્રેન્ડની દુકાન પરથી લાવ્યો હતો. '
' દુકાનવાળો જીવણનો મિત્ર હતો. '
' હા , એટલે જ એણે બીજાના નામે સીમકાર્ડ આપ્યા હતા. '
' દુકાન નું નામ ખબર છે. '
' હા , સ્નેહ મોબાઈલ સેન્ટર. ' અને પ્રહલાદે જવાનસિંહને એડ્રેસ આપ્યું. '
જવાનસિંહે આખી વાત વસંતને કરી. વસંતે સ્નેહ મોબાઈલ સેન્ટર પર તપાસ કરવા જવાનું નક્કી કર્યું. પણ જવાનસિંહે વસંતને પરાણે ઘરે મોકલ્યો.
અને પ્રહલાદ જોડે વાત કરી એને અને જીવણ ને બોલાવ્યા.
( ક્રમશ : )
30 મેં 2020