પ્રત્યંચા - 8 DR KINJAL KAPADIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રત્યંચા - 8

પ્રહર એ દિવસે હું ઘરે ગઈ પછી જે થયુ એ મે તમને ક્યારેય કહયું નથી. હું નથી ઇચ્છતી મારી ફેમીલી વિશે કોઈ કઈ ખરાબ બોલે. હું જેવી ઘરે ગઈ હિયાન મને એક રૂમમા લઈ ગયો. અને મને ઢોરમાર માર્યો. હિયાન જેને હું મારો મોટો ભાઈ માનતી હતી. એને ક્યારે પણ મને એની બહેન નથી માની. એ હંમેશા મારી પર ખરાબ નજર રાખતો હતો. એ કહેતો હતો આપણુ કોઈ લોહીનું સગપણ નથી. તું અલગ મા બાપની છોકરી છે, હું પણ અલગ મા બાપનો છોકરો છુ. મને બહુ વિચિત્ર લાગતી એની વાત. હું ક્યારેય એને સામે જવાબ નહોતી આપતી. બને એટલું હું દૂર જ રહેતી હતી એનાથી. હું પોળમા જ વધુ રહેતી. એ દિવસે હિયાને આપણે બંનેને સાથે જોયા હતા. મને ખબર નહોતી આ વાતની. હું મમ્મીને મળવા ત્યાં ગઈ. મમ્મી તો હતી નહી. પણ હિયાન હતો. જાણે મારી રાહ જોઈને જ બેઠો હતો. હું જેવી ગઈ તરત જ એને મને ખેંચીને એક રૂમમા લઈ ગયો. અને મને બહુ જ મારી. મને ધમકી આપી કે હું ફરી ક્યારેય કોઈ છોકરા સાથે દેખાઈશ તો એ મને અને એ છોકરાને જાનથી મારી દેશે. હું સહમી ગઈ હતી. મારી હાલત નહોતી કે હું ઉભી થઈ બહાર નીકળી શકું એટલી મને મારી હતી. હું ત્યાંજ પડી રહી. આવું રૂપ મે પહેલી વાર હિયાનનું જોયુ હતું. બહુ જ ગુસ્સો હતો એની આંખોમા. હું થોડી વાર પછી પોળમા જવા નીકળી. હિયાન બહાર જ હતો. એને તરત કહયું, હું મૂકી જાઉં. હું ડરના લીધે ના પાડી શકી નહી. રસ્તામા કાર ચલાવતા ચલાવતા એને એક હાથ મારા હાથ પર મુક્યો. મે મારો હાથ હટાવવા કોશિશ કરી પણ એની પકડ એટલી મજબૂત હતી હું મારો હાથ હટાવી ના શકી. એને મારી સામે જોઈ કહયું, બહુ જ પ્રેમ કરૂં છુ તને. ફીયાઝ ખાનનો છોકરો છુ. જમીન આસમાન એક કરી દઈશ તને પામવા માટે. સીધી રીતે મારી થઈ જા. બીજા છોકરા જોડે લફરા કરવાનું છોડી દે. નહીતો કોઈના હાથમા કશુ નહી આવે.
જયારે હિયાન મને મુકવા આવતો પોળમા તો બધાને લાગતું એ એક મોટા ભાઈ તરીકે આવે છે. એટલે એને ત્યાં સારૂ માન સન્માન મળતું. મારી ક્યારેય હિમ્મત નહોતી ચાલી કે, હું કોઈને કશુ કહી શકું. મારી આ હાલત જોઈ દાદીએ તરત પૂછ્યું કે, શુ થયુ ? તો હિયાને બહાનું બતાવી દીધું કે હું ઉતાવળમા સીડીમાથી લપસી ગઈ. મારી પાસે બોલવા કોઈ શબ્દ નહોતા. હું મારા રૂમમા જતી રહી. તમારા વિશે વિચારવા લાગી. સમજ નહોતી પડતી તમને હા પાડું કે ના. તમારા કોઈ ફોન ઉઠાવતા પણ મને ડર લાગતો હતો. ક્યાંક હિયાનને ખબર પડી જશે તો. કોઈ થી ના ડરનારી પ્રત્યંચા આજે ડરવા લાગી હતી, કેમ ? મારા મનમાં કોના માટે ડર હતો ? મારા માટે કે તમારા માટે ? મારૂં મન વારેઘડીયે વિચલિત થઈ રહ્યું હતું. રાતે ઊંઘ આવતી નહોતી. મન કહેતું હતું તમને આજ પછી ક્યારે પણ ના મળું. દિલ મને પૂછતું હતું કેમ તમને ના મળું હું ? મારા જીવનમા આવેલા તમે એક એવા પુરુષ હતા જેમની સાથે હું સુરક્ષા અનુભવતી હતી. જયારે હું તમારી સાથે હોતી ત્યારે મને એક સ્ત્રી હોવાનો અહેસાસ થતો હતો. મને તમારી સાથે પોતીકાપણું લાગતું હતું. તમારી જોડે મને એમ લાગતું હતું જાણે દુનિયાની બધી ખુશી મારી જ પાસે છે. મારૂં એક અલગ વ્યક્તિત્વ નિખરી આવતું હતું. ક્યાંક મારૂં દિલ કહેતું હતું, તમે જ એ વ્યક્તિ છો જેમની સાથે હું જીવવા માંગુ છુ. હા, પ્રહર હું પણ તમને પ્રેમ કરવા લાગી હતી. ક્યારથી એ મને નથી ખબર પણ મારા દરેક શ્વાસમાં તમારું નામ વસી ચૂક્યું હતું. બસ ડર હતો મને હિયાનનો. સાત દિવસ સુધી હું વિચારતી રહી, જે અહેસાસ મને છે તમારા માટે એ કહું કે નહી. હિયાનની ધમકીઓ અને હિયાને મારેલો માર વારેઘડીયે મને રોક્યા કરતા હતા. મન મક્કમ કરી હું તમને મળવા નીકળી પડી. તમારી હોસ્પિટલમા જયારે પગ મુક્યો ત્યારે જાણે આખી કાયનાત મને રોકી રહી હતી તમારી પાસે આવવા માટે. હું સમજી નહોતી શકતી કે શુ થઈ રહ્યું છે ! એટલામા જ તમે મારી સામે આવી ઉભા રહી ગયા. તમે મને અચાનક જ બોલવા લાગ્યા. ક્યાં હતી પ્રત્યંચા ? કેટલા ફોન, કેટલા મેસેજ ? એક રિપ્લાય નહી. આમ કેમ ચાલે ? પહેલા જ કહયું હતું મે કઈ પણ હોય તારો જે પણ જવાબ હોય. મને મંજુર છે. તો પછી આ રીતે મને ઈગનોર કરવાનું કારણ શુ ? એક કામ કર ચાલ અહીં નજીક કોઈ કોફી પીવા જઈએ. ત્યાં બેસીને વાત કરીએ. તમારા કોફીના પ્રસ્તાવથી જાણે મારા આખા શરીરમા ધ્રુજારી છૂટી ગઈ. હું જે તમને કહેવાની હતી. જે શબ્દો મે ગોઠવી રાખ્યા હતા. એ બધું વિખરાઈ ગયું. મારામાં હિમ્મત જ ના થઈ, તમને કંઈક કહેવાની. કોફી પીવા માટે હા તો પાડી દીધી મે પછી પણ મને કંઈક ખટકતું હતું. અને સાચે એ ભૂલ હતી મારી કે મે તમને કોફી પીવા માટે હા પાડી. એ વાત મને બહુ મોડા સમજાઈ.
કોફી શોપમા મે તમને હિંમત કરી કહેલું. પ્રહર, તમને હું કંઈક કહેવા માંગુ છુ. હા બોલ ને પ્રત્યંચા. પ્રહર, હું પણ તમને પ્રેમ કરૂં છુ. હું પણ એ જ ફીલ કરૂં છુ જે તમે મારા માટે ફીલ કરો છો. હું બહુ જ ખુશનસીબ છુ કે તમે મારા જીવનમા આવ્યા. તમારા આવવાથી મને એક નવી દિશા મળી છે. મારા જીવનમા નવા રંગ ઉમેરાયા છે. પ્રત્યંચા, ખુશનસીબ તો હું છુ કે તું મને મળી. પ્રત્યંચા હું ઈચ્છું છુ કે આજથી આપણી આ નવી સફર બહુ જ યાદગાર બને. હા, પ્રહર હવે પછીની બધી જ પલ આપણા માટે એક નવું સંભારણું બનશે. પ્રહર, મને યાદ છે એ દિવસે તમારા ચહેરા પર એક નવી જ ચમક હતી. એક નવો અહેસાહ થઈ રહયો હતો. ખુશીઓ આપણે એક થઈએ જાણે એની રાહ જોઈને બેઠી હોય એમ લાગતું હતું. એ પછીની દરેક પલ આપણે કેટલું સરસ જીવ્યા હતા. આપણી મુલાકાત જેમ વધતી હતી એમ પ્રેમ વધુને વધુ ગાઢ બનતો જતો હતો. એ દિવસે જયારે આપણે ગાંધીનગર સાઈડ ગાર્ડનમા ગયા હતાને પાછા ફરતા હિયાન જોઈ ગયો હતો.
હિયાન પોળમા આવી મને એની સાથે ઘરે લઈ ગયો. મને સહેજ પણ અંદાઝો નહોતો કે એ શુ કરવાનો છે. એના મનમા શુ ચાલી રહ્યું હશે. મને બહુ જ ડર લાગી રહયો હતો. એની સાથે ના જવા કહેવાની હિંમત હું કરી નહોતી શકી. એ દિવસે ફરી એને મને બહુ મારી. એટલું જ નહી, એને ગોડાઉનના રૂમમા આખો દિવસ મને પુરી રાખી. હું ડરી ગઈ હતી પ્રહર . તમે મને લગ્ન કરવા માટે પૂછેલું, એ વાત મને હચમચાવી રહી હતી. છતા મે નક્કી કર્યુ એ દિવસે હું હવે જલ્દીથી જ તમારી જોડે લગ્ન કરી હિયાનથી છૂટકો મેળવી લઈશ.
શુ પ્રત્યંચાનો નિર્ણય સાચો હશે ? પ્રહર સાથે લગ્ન કરવાથી હિયાનથી છૂટકારો મળશે ?