Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

એક ચુટકી સિંદૂર કી કિંમત - 36 - છેલ્લો ભાગ

અંતિમ પ્રકરણ-છત્રીસમું/૩૬

‘આ દેવલ રાણા નથી... એ વાતની હજુ આ દેવલને પણ ખબર નથી.’

આ વાક્ય કહીને વૃંદાએ જાણે એવો ધમાકેદાર ધડાકો કર્યો કે, જાણે થોડીવાર માટે સૌ પોતાનું અસ્તિત્વ મહેસૂસ નહતા કરી શકતાં. દેવલ તો જાણે પત્થરની મૂરત બની વૃંદાને જોતી જ રહી..દેવલની તો જાણે બોલવાની શક્તિ જ હણાઈ ગઈ હોય એવું લાગ્યું, માંડ માંડ હસતાં હસતાં વૃંદાને પૂછ્યું..

‘વૃંદા...આ તું શું બોલી રહી છે..? આ શું ચાલી રહ્યું છે ? અને હું દેવલ રાણા છું..અને નથી, એ...એ વાતની શું સાબિતી છે, તારી પાસે ?

એટલે વૃંદાએ દેવલને ઇશારાથી તેની નજીક આવવાનું કહેતા દેવલ બેડની બાજુની ચેરમાં બેસતાં વૃંદા દેવલની હથેળી તેની હથેળીમાં લઇ.. થોડીવાર દેવલ સામું જોઈ..અશ્રુ નીતરતી આંખે દેવલને તેની જ આંગળીની વીંટી બતાવતાં બોલી..

‘આ છે.. સાબિતી, ઈશ્વર.’

આટલું સાંભળતા મિલિન્દ તેની અશ્રુધારા ન રોકી શક્યો..

અને દેવલને ફાળ પડતાં તેની આંખો પહોળીને પહોળી જ રહી ગઈ.. ‘ઓમ’ ચિન્હ વાળી જે વીંટી વૃંદાએ મિલિન્દને તેના જન્મદિનના ત્રણ દિવસ અગાઉ આપી હતી, એ જ વીંટી દેવલની આંગળીમાં હતી..અને એ વીંટી મિલિન્દે દેવલને તેના સાથે રજીસ્ટર મેરેજના દિવસે મિલિન્દે એમ કહીને દેવલને પહેરાવી હતી..કે, તેની પાસે આ અનમોલ અમાનત જેવી આ એક જ મિલકત છે, જે આજે તને અધિકાર સાથે પહેરાવું છું.

વૃંદા, દેવલ અને મિલિન્દ ત્રણેયના કાળજા ચિરાઈ ગયાં.
થોડી ક્ષ્રણો બાદ વૃંદા બોલી...

‘અને સારું થયું, મિલિન્દ આમ પણ તારા કરતાં દેવલ પાસે મારા વ્હાલ અને વીંટી વધુ સુરક્ષિત છે. મેં શું કહ્યું હતું મિલિન્દ... કે કોઈ તો આપણા અજાણ્યાં અનુબંધનો સાક્ષી છે.. જો આજે સાબિત થઈ ગયું ને ? દેવલ... જે દીવસે તું મને પહેલીવાર મોલમાં મળી અને મારી તરફ તે શેકહેન્ડ માટે તારો હાથ લંબાવ્યો, ત્યારે મારી પહેલી નજર આ વીંટી પર ગઈ અને... તે ક્ષણ મને વીંધી ગઈ. તે ઘડીથી મને ખબર છે કે, તું મિલિન્દની પત્ની દેવલ રાણા છે.’
પણ....’

અને વૃંદાનો અશ્રુબાંધ તૂટી પડ્યો..
દેવલ, વૃંદાના સમર્પણથી એટલી શર્મસાર હતી કે, તેને એમ થયું કે ધરતી મારગ આપે તો સમાઈ જાઉં. અને મિલિન્દ કોઈની જોડે આંખ નહતો મિલાવી શકતો.

‘પણ.... યાર માનસીના કિરદારમાં તે દેવલના નિસંદેહ અને નિસ્વાર્થ બલિદાનનું નાટક આબાદ ભજવી જાણ્યું. મિલિન્દ, દેવલે માત્ર તને નહીં પણ, તારા પ્રેમને પણ પ્રેમ કર્યો છે. આ સ્નેહના સર્વોત્તમ સમર્પણ સામે હું મારી જાતને ખુબ પામર સમજુ છું.’ પીડાની પરમ સીમા પર કરતાં વૃંદા બોલી..

‘બસ,,બસ,,બસ,,, વૃંદા બસ... હવે મારાથી સહન નહીં થાય,, પ્લીઝ..’
આટલું બોલતા દેવલ ભાંગી પડી.

આજે સૌ માટે શબ્દો અને અશ્રુ ઓછા પડતાં હતાં..

‘દેવલ, આમ તો મારી અને મિલિન્દની પ્રથમ મુલાકાતમાં જ અયોગ્ય સ્થાનનું સંકેત મળી ગયું હતું... પહેલી મુલાકાતમાં મારું બાઈક સમજીને હું તેના બાઈક પર બેસી ગઈ હતી.. એ ઈશ્વરનું પહેલું ઇન્ડીકેશન હતું કે, તે મારું સ્થાન નથી. અને જો ને વાસ્તવિકતામાં પણ એ જ થયુંને.. ભૂલથી હું તારી જગ્યા લેવા માંગતી હતી.’

‘અને.. આ મિલિન્દ તો પહેલેથી વાયદાનો જુઠો છે, મને સંગીત શીખવાડવાનું વચન આપ્યું ખરું, પણ પાળ્યું નહીં, લગ્ન કર્યા.. પણ મને જાણ સુદ્ધાં ન કરી... અને એક વચન હજુ આપ્યું હતું... જો તેને યાદ હોય તો..? મિલિન્દ યાદ છે મારું વચન..’

શર્મના માર્યા મિલિન્દે રડતા રડતાં ફક્ત માથું ધુણાવીને હા પાડી..

‘તો... મરતાં પહેલાં પૂરું કરીશ કે.. દેવલને કરું ફરિયાદ.. ?

તરત જ એક કોર્નરમાં જઈને મિલિન્દે કેશવને કોલ લગાવ્યો..

હૈયાંફાટ રુદનને ડામી, ચુપચાપ વૃંદાના અપ્રતિમ પ્રેમને સાંભળી રહેલાં શશાંક બોલ્યાં...
‘વૃંદા દીકરા પ્લીઝ.. હજુ બધાને કેટલું રડાવીશ...? પ્લીઝ હવે શાંત થઇ જા દીકરા..’

‘પપ્પા.. એકસોને સાડત્રીસ દિવસ મેં માત્ર જાત સાથે જ વાત કરી છે. આજે એકસો સાડત્રીસ મિનીટ પણ વાત નહીં કરવા દયો ? પપ્પા, મમ્મીએ મને એકવાર કહ્યું હતું કે, જ્યાં સૂધી મરનારની આખરી ઈચ્છા પૂર્ણ ન થાય ત્યાં સૂધી તેની આત્મા પુનર્જન્મ નથી લેતી. એટલે શક્ય હોય ત્યાં સૂધી અંતિમ શ્વાસ લેતાં વ્યક્તિની દરેક ઈચ્છા પરિપૂર્ણ કરવી જોઈએ, પણ એ ઈચ્છાઓનું શું, જે તેને કોઈને કહી જ ન હોય ? સ્વયંને પણ નહીં.

‘દેવલ.. મને એક વાત કહે, તું દેવલ થઈને મારી સામે કેમ ન આવી ? મારા પર વિશ્વાસ નહતો..?’

ડુસકા ભરતી દેવલ બોલી..

‘જે દિવસે પહેલીવાર કેશવભાઈએ મોલમાં તારા ચાર મહિના પહેલાંના ફોટોગ્રાફ્સ બતાવીને દૂરથી ઓળખ કરાવી તે જોઇને જ હું સમસમી ગઈ કે, આ મિલિન્દને કેટલુ જીવે છે ? પ્રેમની એ તપ જેવી તપસ્યા જોઈને મારી ઓળખ આપવાની હિંમત ન થઇ. મને એમ કે, હું કોઈપણ કાળે તમને બન્નેને સામસામે લાવીને આ કુદરતે કરેલી અન્યાયની લીલાનો પર્દાફાશ કરીને રહીશ. પણ... જયારે તને મળું કે સાંભળું ત્યારે એક એક ક્ષ્રણમાં મિલિન્દ.. મિલિન્દ અને મિલિન્દ... જ હતો.. પછી એ દાદ હોય કે ફરિયાદ... અને એ પણ નામ લીધાં વિના.. એકસો સાડત્રીસ દિવસ તે હરપળ રીતસર મિલિન્દનું ક્ષણ ક્ષણ સ્મરણ કરી, તેના નામની માળા જપી છે. અને આ બાજુ..હકીકત જાણ્યાં પછી મિલિન્દ પણ તત્પર હતો, તારી માફી માગવા માટે. આ કઈ જાતનો પ્રેમ છે તમારા બંનેનો ? એ પીડાતો પ્રયાસ્ચિતની પીડામાં.. પણ તેની ગ્લાનિ, લાગણી પર ભારે પડી જતી. કેશવભાઈએ ન કહેવાના શબ્દોમાં મિલિન્દને તેની અશ્રમ્ય ભૂલ માટે લોહીની સગાઈથી વિશેષ કહી શકાય એવાં સંબંધ તૂટી જવાની દરકાર કર્યા વગર આકરાં શબ્દો કહ્યા છે. મેં તો ત્યાં સૂધી કહ્યું કે, લાનત છે, મને તારી લાલસા પર. આજે એક ભૂલ માટે સૌ હદ બહારની સજા ભોગવી રહ્યાં છે. નિમિત કોણ ? મિલિન્દ જ ને ?’

શક્ય હોય ત્યાં સૂધી ગૂઢ રહસ્ય અને મતભેદ સાથેના મનભેદનો ઉકેલ લાવવાની દેવલે કોશિષ કરી..


‘ના..જરા પણ નહીં.. મિલિન્દને મોહરું બનાવવામાં આવ્યો છે, નિમિત તો નિયતિ છે.
કોઈકના પાપની સજા કોઈક ભોગવી રહ્યું છે. આ અનન્ય અન્યાય સાથે એક ચુટકી સિંદૂરની આશમાં દમ તોડેલી પ્રેમ કહાનીનો કરુણ અંજામના વ્યથાની વ્યવસ્થા વિધિની છે. જે એક ચુટકી સિંદૂર માટે પામર ઇન્સાને તેની લાચારી આગળ ધરી તો, અંતે ઈશ્વર તેનો હક્ક તેની પાસે છીનવીને જ રહી. જયારે તમે કોઈ પ્રેમાળ અને નિર્દોષ સ્ત્રીના એક ચુટકી સિંદૂરનો હક્ક છીનવો છો, ત્યારે તમારું બધું જ છિન્નભિન્ન થઇ જાય એ વાત તો આજે ઈશ્વરે મિલિન્દના માધ્યમથી સાબિત કરી બતાવી.’

‘મતલબ ? કોણે, કોનું સિંદૂર છીનવી લીધું ? કોની પ્રેમ કહાનીનો કરુણ અંજામ ? આઆ..આ તું કોની વાત કરે છે ? આશ્ચર્ય સાથે દેવલે પૂછ્યું..

‘તું નહીં સમજે, કારણ કે, તું દેવલ રાણા નથી.’ સ્હેજ હસતાં વૃંદા બોલી..
દેવલ માથું પકડીને ચેર પર બેસતા બોલી...
‘વૃંદા.. આઆ..આ તું બોલે છે ? હું દેવલ રાણા નથી ? આ...આ તારું કઈ જાતનું નિવેદન છે ?
સૌના ધબકારા અનિયંત્રિત થઇ ગયાં... વૃંદા કહેવા શું માગે છે ?

એટલે વૃંદાએ તેના મોબાઈલમાંથી એક નંબર સર્ચ કરી, ડોકટર બંસલને બતાવીને કહ્યું કે,
’આ વ્યક્તિને અરજન્ટ અહીં આવવાનું કહો.. એઝ સૂન એઝ.’
એટલે ડોકટરે આઈ.સી.યુ.ની બહાર જઈ વૃંદાના કહ્યા મુજબ તે સંદેશો પેલી વ્યક્તિને કહી સંભળાવ્યો.

ત્યાં અચનાક વૃંદાના મોબાઈલની રીંગ વાગી...તે વિદ્યાનો કોલ હતો..એટલે વૃંદાએ ફોન શશાંકને આપતાં કહ્યું,
‘તમે જ વાત કરી લો.’
અને શશાંકે ધીમા રુદન સાથે વિદ્યાને ટૂંકમાં ઘટનાથી વાકેફ કરી કોલ કટ કર્યો.

એ પછી વૃંદા બોલી..

‘દેવલ.. ગઈકાલ સૂધી તું મારા માટે ફક્ત દેવલ રાણા, મિલિન્દની પત્ની હતી એટલે મારું મનોબળ મક્કમ અને મજબૂત હતું. પણ જયારે ખબર પડી કે તું હવે માત્ર દેવલ રાણા નથી...પણ તું તો..કોઈના અન્યાયની ઉતરાધિકારી બનીને આવી છો.. તો ઈશ્વરે
કોઈએ ચૂકવેલી એક ચુટકી સિંદૂરની કિંમતની અવેજીના દંડ રૂપે મારા શ્વાસ ટૂંકાવી દીધા.’

‘વૃંદા...પ્લીઝ.. હવે તું બોલવાનું બંધ નહીં કરે તો...’ ડોકટર બંસલ બોલ્યાં..
‘શું થશે ? મરી જઈશને ? કબૂલ, જો મારા નશ્વર દેહથી કોઈને ન્યાય મળતો હોય તો મને મંજૂર છે.’

હવે મિલિન્દ ભીતરના ભભૂકતાં આક્રંદથી અકળાઈ જતાં... રીતસર વૃંદાના પગ પકડી.. બે હાથ જોડી.. નીતરતી આંખે બોલ્યો..

‘હું તને પગે પડું... હાથ જોડું.. પ્લીઝ ..પ્લીઝ..પ્લીઝ.. વૃંદા સ્ટોપ સ્ટોપ સ્ટોપ ઈટ નાઉ પ્લીઝ.’

એટલે છલકાઈ ગયેલી આંખો સાથે વૃંદા બોલી..
‘જો દેવલ, મિલિન્દ મારું નામ બોલ્યો.. તેને મારું નામ પણ યાદ છે, જો. મિલિન્દ, જેની સાથે હૈયું જોડાયું હોય તેને હાથ ન જોડાય...શક્ય હોય તો તેનો હાથ પકડાય.’

વૃંદાનો હાથ પકડી દેવલ બોલી..
‘વૃંદા..હું દેવલ રાણા નથી તો કોણ છું ?

‘તું.. તું એ છો, જેણે એક જ ક્ષણમાં કંઇક સંબંધ અને સંબોધનના સમીકરણ બદલી નાખ્યાં. ગઈકાલ સુધી તું મારા માટે મિલિન્દની અર્ધાંગિનીના સ્વરૂપમાં એક સ્ત્રી હતી. દિલના એક ખૂણામાં રજ માત્રનો રંજ હતો કે, તે મારા મુકદ્દરમાંથી મિલિન્દને છીનવી લીધો પણ.. આજે મને મારી એ સહજ ઈર્ષ્યાનો સ્હેજે રંજ નથી પણ, તારી અસલી ઓળખથી તારા કદમ ચૂમવાનું મન થાય છે.. તું દેવલ રાણા નથી પણ...’

હજુ વૃંદા આગળ બોલે એ પહેલાં તેનું રુદન શરુ થયું અને...ત્યાં જ આઈ.સી.યુ.માં જગન અને જશવંતલાલ દાખલ થયાં...
એ બન્નેને જોઈ શશાંક બોલ્યાં...
‘જી, આપ કોણ છો ? કોને મળવું છે તમારે ?

જગનને જોતાં વ્હેત જ દેવલ દોડીને.. ‘પપ્પા...’
બોલી જગનને વળગી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી..
ચિત્રા અને શશાંક આશ્ચર્ય ચકિત થઈ આં દ્રશ્ય જોતાં જ રહ્યાં..
કોઈ કંઇક બોલે.. કંઈ સમજે એ પહેલાં જગનની ઓળખાણ આપતાં વૃંદા બોલી..

‘આ એ હસ્તી છે કે, જો કેસરને આમના દિલ અને દુનિયામાં સ્થાન મળ્યું હોત તો.. આજે આપણે સૌ આ એક સ્થાન પર ન હોત.. અને પપ્પા એ કોઈને મળવા નહીં સૌને મેળવવા આવ્યાં છે.’

કેસરનું નામ પડતાં શશાંક ધ્રૂજી ઉઠ્યો..તેના ડોળા ચકળ વકળ થવા લાગ્યા..

અને દેવલ પણ સૌને બાઘાની જેમ જોતી જ રહી.. ‘કેસર’ મારી મમ્મીના નામની વૃંદાને કઈ રીતે જાણ થઇ ?

અચનાક દેવલને શંકા ગઈ કે, કદાચ ગઈકાલે પપ્પા અને વૃંદા વચ્ચે મુલાકાત હોય અને... પપ્પા કોઈ એવી વાત વૃંદાને કહી કે જેના કારણે વૃંદાને એટેક....’

એટલે ગભારતાં ગભરાતાં દેવલે.. જગનને પૂછ્યું..
‘પપ્પા... આઆ..આ મારી ફ્રેન્ડ વૃંદા એવું કહે છે કે, હું દેવલ રાણા નથી.. પપ્પા એ એવું કેમ કહે છે ? તમે વૃંદાને કશું કહ્યું છે, બોલોને પપ્પા ? આટલું બોલતાં દેવળનું ગળું સૂકાઈ ગયું.

હવે જગન આ ભેદી સંજોગ અને સત્યનો સામનો કરવાને સમર્થ નહતો.. જગનની આંખો ભરાઈ આવી.. જશવંતલાલના પણ ધબકારા વધી ગયાં..જગન ચૂપ રહ્યો
એટલે વૃંદા દેવલને સંબોધીને બોલી..

‘અહીં આવ.’
પછી શશાંકને સંબોધીને બોલી..
‘પપ્પા તમે પણ અહીં આવો..

દેવલ અને શશાંક બન્ને વૃંદાના બેડની નજીક જઈ ઊભા રહ્યાં.. એટલે વૃંદાએ જગનને ઈશારો કર્યો...

ધીમે ધીમે વૃંદાના બેડની નજીક આવી..જગને ગઈકાલે વૃંદાને બતાવેલી તસ્વીર.. શશાંક અને દેવલને બતાવી...

બન્નેના પગ તળેથી જમીન સરકી ગઈ...આંખે અંશત અંધારા આવવાં લાગ્યાં..
મન, મસ્તિષ્ક શિથિલ થઇ થીજી ગયાં... બાકી સૌના જીવ તાળવે ચોંટી ગયાં... શું થયું ?

ત્યાં જ અચનાક આઈ.સી.યુ.નું ડોર હડસેલીને વિદ્યા દાખલ થઈ...
હૈયાંફાટ રુદન કરતાં બોલી....’શું થયું...શું થયું મારી લાડલીને શું થયું ?’

એટલે પીડાને પંપાળતા હસતાં હસતાં વૃંદા બોલી...

‘જે થયું એ સારું થયું મમ્મી, જેના કારણે તું આખી જિંદગી પપ્પાને કોસતી રહી, તે કારણનું નિરાકરણ થયું. અને દેવલ રાણાનું, દેવલ સંઘવી થયું..’

વૃંદાનું વિસ્ફોટ જેવું વિસ્ફોટક નિવેદન સાંભળીને સૌ સ્તબ્ધ થઇ ગયાં..
દેવલ સંઘવી ? મતલબ.. દેવલ, શશાંક સંઘવીનું સંતાન ?
અને.. એ પછી જગન, શશાંક અને દેવલ ત્રણેવ એકબીજાને ભેટીને ખૂબ રડ્યા..

અને વિદ્યા બૂત બનીને જોતી રહી..

પાંચ સાત મિનીટ સૂધી આઈ.સી.યુ.માં માત્ર ડૂસકાં અને સિસકારા સંભળાતા રહ્યાં..
ત્યાં.. કેશવ આઈ.સી.યુ.માં દાખલ થયો.. મિલિન્દે તેણે કોલ કરીને આવવાનું કહ્યું હતું.

એ પછી હીબકાં ભરતી દેવલે જગનને પૂછ્યું..

‘પપ્પા... આટલી મોટી વાત તમે આજ સૂધી મનમાં ધરબી રાખી બધું એકલાં સહન કરતાં રહ્યાં... અને જયારે આજે સૌએ સાથે મળીને જીવવાનો સમય આવ્યો તો.. મને અળગી કરી દીધી.. કેમ પપ્પા કેમ... કેમ.. કેમ.. ??

‘નિયતિ... કેવળ નિયતિ આ નિયતિની નિષ્ઠુર અંચઇ છે.’ એમ બોલી દેવલ તરફ જોઈ.. વૃંદા તેના બન્ને હાથ ફેલાવી ડૂસકું ભરતાં બોલી...

‘દીદી.....’
અને બન્ને એકબીજાને ગર્મજોશીથી વળગીને અનહદ રડતાં રહ્યાં.. આ જોઈ ડોક્ટર પણ આઈ.સી.યુ.ની બહાર આવી રડવા લાગ્યાં.

પછી શશાંકને સંબોધતા વૃંદા બોલી..
‘પપ્પા આજે તમે કુદરતની કોર્ટમાં એકપણ દલીલ કર્યા વગર કેસ જીતી ગયાં અને હું આટલું બકબક કરીને પણ કેસ હારી ગઈ.તમે બધું ગૂમાંવીને પણ ફરી પાછુ બધું મેળવી લીધું ..અને મારી જેમ જગન અંકલે પારકાને પોતાના કર્યા પછી પણ બધું ગૂમાવી દીધું. આ ક્યાંનો ન્યાય ? જગન અંકલ આવું કેમ થયું ? કોણે, કોના માટે, કેમ અને કેટલી કિંમત ચૂકવી, એક ચુટકી સિંદૂરની, એ કહો..’


આંસુ લૂંછતાં અને ગળું ખંખેરતા જગન બોલ્યો..
અઢી દાયકા પહેલાં અને ગઈકાલ સૂધી મને એડવોકેટ શશાંક જુગલદાસ સંઘવી. મલબાર હિલ,મુંબઈ... આ એક વાક્યની માહિતી સિવાય કંઇક જ ખબર નહતી...હવે કેમ, કયારે અને કોના કારણે આજની આ પરિસ્થતિનું નિર્માણ થયું એ તો શશાંક સંઘવી કશું કહેશે તો જ બાકીના રહસ્ય પરથી પડદો ઊંચકાશે.’
બાજુમાં પડેલી વોટર બોટલ ઉઠાવી પાણી પીધાં પછી.. રૂમાલથી આંખો સાફ કરતાં શશાંક બોલ્યાં...
‘પ્લીઝ.. સૌ બેસી જાઓ..’
બેડ સામેના નાના સોફા પર કેશવ, મિલિન્દ અને જગન બેઠાં.. વૃંદાના બેડ પર તેની પડખે દેવલ, બાજુની ચેરમાં વિદ્યા, અને થોડે દૂર બે અલગ અગલ ચેર પર ચિત્રા અને શશાંક ગોઠવાયાં.
વિદ્યાની સામું જોઈ, વાતની શરૂઆત કરતાં બોલ્યાં...

‘હું અને કેસર એક જ કોલેજના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતાં હતાં. કેન્ટીન અને લાયબ્રેરીમાં એકાદ બે વખતની અલપઝલપ મળેલી નજરો પછી ‘હાઈ’ ‘હેલ્લો’ના આપ-લેની શરૂઆત થઇ. અભ્યાસ પ્રત્યેની મારી રુચિ અને અન્ય સ્ટુડન્ટની સરખામણીમાં મારી ક્લીન ઈમેજ, અને મને તેની તરફ ખેંચતી તેનો મૃદુભાષી સ્વભાવ અને તેના સાદગીનો શણગાર અમારા વચ્ચેની નિકટતાનું કારણ બન્યું, પારદર્શક મિત્રતા, પછી ગાઢ મિત્રતા ધીમે ધીમે ક્યારે પ્રેમ સંબધમાં પરિણમી તેનો અમને પણ ખ્યાલ ન રહ્યો...એ સમય પ્રેમપત્રોનો હતો.. અને કેસર અમારા અનન્ય અનુબંધના અપ્રતિમ અનુભૂતિનો નીચોડ પ્રેમપત્રોમાં શ્રુંગારરસના વર્ણન સાથે અલંકારિક ભાષામાં તેના મરોડદાર અક્ષરો થકી એટલું હ્રદય સ્પર્શી નિરૂપણ કરતી કે, એ પત્રો મારી માટે દુનિયાની સર્વશ્રેષ્ઠ સંપતિ અને સંભારણું બની ગયાં હતાં...
અંતે વાત લગ્નજીવનમાં બંધાઈ જવા સૂધી પહોંચી. અને બન્ને સમંત થયાં.


એ દિવસોમાં મારા પપ્પા જુગલદાસ ન્યાયાધીશ બન્યાંને એકાદ મહિનો થયો હશે.. એક દિવસ પપ્પાને બે દિવસ માટે બહારગામ જવાનું થયું.. તે દિવસે હું કેસરને મારા બંગલે, મલબાર હિલ લઈને આવ્યો.. અઢળક ઐશ્વર્ય જોઇને કેસરની આંખોમાં સ્હેજે તેનો અણસાર ન આવ્યો.. અમારો પ્રેમ સાતમાં આસમાને હતો. વાતવાતમાં બન્ને ખૂબ ધમાલ મસ્તીએ ચડ્યાં.. અને દોડતાં દોડતાં દેવલ ગાર્ડનના સ્વીમીંગ પૂલમાં પડી ગઈ. પછી નીતરતી હાલતમાં તેને હું બેડરૂમમાં લાવ્યો..તે રાત્રે અમે બન્નેએ એકબીજાની આંખમાં એક યૌવનના તોફાનનું તાંડવ જોયું.. અને પછી એક નબળી ક્ષણે આવેગમાં બધી સરહદો પાર કરી નાખી...’

કંઇક ગલત થયાંનો ભાવ બન્નેને થવાં લાગ્યો..

બીજા દિવસે સાંજે પપ્પા ઘરે આવી ગયેલાં.. ડીનર પત્યાં પછી ડ્રોઈંગરૂમમાં તેના કોઈ કેસની સ્ટડી કરી રહેલાં પપ્પાને કહ્યું,
‘મારે તમારી જોડે એક ખાસ વાત કરવી છે.’
મારી સામું જોયાં વગર જ તેના દમદાર અવાજમાં બોલ્યાં.
‘હા...બોલ.’
એ પછી મેં હિમત એકઠી કરી, કેસર અને મારા સંબધ વિશે વાત કરી અને લગ્નની અનુમતિ માગી..તેણે કેસરની ફેમીલી વિશે પૂછતાં મેં કહ્યું..
‘સૌરાષ્ટ્રમાં ક્યાંક રહે છે....મને વધુ ખબર નથી.’
અત્યાર સુધીની વાર્તાલાપમાં પપ્પાના ચહેરા પર પ્રતિભાવના કોઈ જ ચિન્હો નહતા.. જવાબમાં માત્ર એ.. ‘હમમમ..’ સિવાય કશું જ નહતા બોલ્યાં..

એક મિનીટ પછી ઊભા થઇ મારી નજીક આવી..મારી આંખોમાં જોઈ કડક અવાજમાં પૂછ્યું..
‘તો રાજકુમારને લગ્ન કરવાં છે એમ ?
‘હા.. પણ...’

હજુ મારો જવાબ પૂરો થાય એ પહેલાં તેમણે મારા ગાલ પર એક હથોડા છાપ એવો તસતસતો તમાચો ઠોકી દીધો કે..મારી આંખે તમ્મર આવી ગયાં. હું કંઈ સમજુ કે, બોલું એ પહેલાં તો..
ગુસ્સામાં લાલચોળ પપ્પા મારી સામું જોઇને બોલ્યાં..

‘જો શશાંક... બન્ને કાન ખોલીને સાંભળી લે.. તું મારો દીકરો છે, એટલે તને હું બે ઓપ્શન આપું છું... નહીં તો સીધો ફેસલો જ સંભળાવી દીધો હોત.. સમજી લેજે.

‘પહેલું ઓપ્શન.’

‘હમણાં ને હમણાં તું મારા પરિવાર, માલ-મિલકત અને
હક્ક- હિસ્સામાંથી હંમેશને માટે બેદખલ.... હમણાં જ પહેરેલ કપડે ઘરની બહાર તગેડી મૂકીશ... અથવા..’

‘બીજું ઓપ્શન’

બે દિવસમાં આગળના અભ્યાસ માટે તારે વિદેશ નીકળી જવાનું છે.’
‘મને પાંચ જ મિનીટમાં તારા જવાબમાં ફક્ત ઓપ્શન નંબર જોઈએ ..વન યા ટુ.’

આટલું બોલી.. ફરી તેના ટેબલ પર બેસી ગયાં મારા જવાબની રાહ જોતાં..

એક જ થપ્પડમાં તો દુનિયાના બધા જ રંગ દેખાઈ ગયાં. અરમાન સળગી ગયાં. આંસુ થીજી ગયાં. પહેરેલ કપડામાં કેસરને લઈને ક્યાં જઈશ ? કેમ રહીશ ? શું કરીશ ? એક જ પળમાં રંગીન કલ્પનાઓ એ કલ્પાંતનું રૂપ લઇ લીધું. ક્ષણમાં શમણાંઓ સળગી ગયાં. અનુબંધ અગનજવાળા બની ગયો. હજુ મહોબ્બતનો માતમ મનાવું ત્યાં, ફરી પપ્પાનો કરડાકી ભર્યો અવાજ આવ્યો..

‘ફાઈવ મિનીટ ઓવર..’
થોડી વાર માટે એમ થયું કે, બાપ છે કે, જલ્લાદ. ?

આંસુને ગમના ઘૂંટડા સાથે ગળેથી ઉતારી ગયો..પછી હું માંડ માંડ બોલ્યો
‘જી.. ઓપ્શન નંબર ટુ.’
‘વેરી ગૂડ.. દીકરા દૌલતની ગરમીથી સારા સારાના માથેથી પ્રેમનું ભૂત ચપટી વગાડતાં ઉતારી જાય.’

‘હવે અત્યારે એ છોકરીને કોલ લગાવ...’
‘પણ.. કેમ પપ્પા.. ?
‘તને કીધું એટલું કર, સમજ્યો.’ ફરી પપ્પા ઊંચા અવાજે બરાડ્યા..
એટલે કેસર તેની ફ્રેન્ડનો જે ફ્લેટ શેર કરી રહી હતી, ત્યાંનો લેન્ડલાઈન નંબર મેં ડાયલ કર્યો.. ...

‘એને કહે કે, મારા પપ્પા ન્યાયાધીશ જુગલદાસ સંઘવી વાત કરશે.’ એવું પપ્પા બોલ્યાં

કેસરે કોલ ઉઠાવ્યો..
‘હેલ્લો...’
‘જી....જીજી શશાંક બોલું છું, મારા પપ્પા તારી જોડે વાત કરવાં માંગે છે... આપું છું તેમને..’
હજુ મારું વાક્ય પૂરું થાય એ પહેલાં રીતસર રીસીવર માર હાથ માંથી ઝુંટવી, તેના આકરાં મિજાજ અને ઘેરા અવાજમાં બોલ્યાં..

‘મા-બાપે કોઈ સંસ્કાર આપ્યાં છે ? કે સીધી હાલી નીકળી છો, ભણવાના બહાને પ્રેમના નાટક કરવાં ? એ.... છોકરી કાન ખોલીને સાંભળી લે, આજ પછી તારા મોઢે શશાંક સંઘવીનું નામ ન આવવું જોઈએ... નહીંતર તારી સાત પેઢી જેલની હવા ખાતી થઇ જશે ધ્યાન રાખજે..’

જગન અને દેવલનું તો લોહી ઉકળી ગયું... વૃંદાને બોલવું હતું પણ ચુપ રહી.

‘એ કેસર જોડેનો મારો અંતિમ વાર્તાલાપ હતો.. પપ્પાએ તેના સામ, દામ, દંડ અને ભેદ દરેક બ્રહ્માસ્ત્ર જેવા શસ્ત્રોનો ઉપયોગ કરી, મને અડતાળીસ કલાકમાં ઇંગ્લેન્ડ ભેગો કરી દીધો.. ત્યાં જઈ મારા સંપર્ક દ્રારા તપાસ કરતાં માલૂમ પડ્યું કે, તે જ રાત્રે કેસર શહેર છોડીને જતી રહી હતી. કોઈ સરનામું કોઈ કોટેકટ નંબર કશું જ હાથ ન લાગ્યું.. અને સંપર્ક થયો હોત તો પણ હું શું કરી શકવાનો હતો ?’

‘જયારે ત્રણ વર્ષ પછી અભ્યાસ ખત્મ કરી ઇન્ડિયા પરત આવ્યો, તેના એક અઠવાડિયા બાદ તેની રૂમ પાર્ટનરનો અચાનક ભેટો થઇ ગયો...ત્યારે તેણે માત્ર એટલું જ કહ્યું કે...’

‘શશાંક...તે રાત્રે કોનો કોલ હતો, શું વાત થઇ કંઈ ખબર નથી પણ.. અત્યંત અકલ્પનીય આઘાત સાથેની દુર્દશામાં એકપણ શબ્દ બોલ્યા વગર ચુપચાપ જતી રહી હતી. એક મહિના પછી જયારે મને કોલ આવ્યો, ત્યારે જાણ થઇ કે.તારા એક ચુટકી સિંદૂરની આશના બદલામાં કેસર તમારા ભારોભાર તિરસ્કારની સાથે તેના પંડમાં તારો અંશ લઈને અહીંથી ગઈ હતી. એ પછી બે વર્ષ પહેલાં તેનો છેલ્લો કોલ આવ્યો હતો...ત્યારે કદાચ તેની પ્રસુતિના અંતિમ દિવસો હતાં.. રડતાં રડતાં મને ખુશખબર આપતાં બોલી... કદાચ આ આપણી વચ્ચેનો અંતિમ વાર્તાલાપ હશે.. બસ, શશાંકના સંતાનને જન્મ આપી શકું ત્યાં સૂધી મારા શ્વાસ ટકી જાય એવી ઈશ્વરને પ્રાથના કરજે.. અને આ ચર્ચા પર અહીં જ પૂર્ણવિરામ મૂકી દેજે.. જીવતી રહીશ તો ફરી કોલ કરીશ.’
ફરી એકવાર સૌના ચહેરા પર અશ્રુનો સૈલાબ ફરી વળ્યો.

શશાંક આગળ બોલ્યો...
‘હજુ મને કેસરના આઘાતની કળ વળે ત્યાં બીજા દિવસે પપ્પાએ મને અભિનંદન આપતાં કહ્યું કે, સાત દિવસ બાદ ખ્યાતનામ કાયદાશાસ્ત્રી અને મારા પરમ મિત્ર શશીધર ગાંગુલીની પુત્રી વિદ્યા સાથે તારા લગ્ન થઇ રહ્યાં છે. આ રીતે હું અને વિદ્યા દાંપત્યજીવનમાં જોડાઈ ગયાં પણ ક્યારેય દિલથી ન જોડાઈ શકયાં... અને ખીલતાં પહેલાં કચડી દેવાયેલાં મારા નિર્દોષ, માસૂમ અને કુમળા પ્રેમાંકુરને વિદ્યાએ શંકાની આડમાં લફરાનું લેબલ લગાડી, લગ્નજીવનની સોનાની લંકામાં એવી આગ ચાપી કે, આજ સૂધી દાઝતાં આવ્યાં.’

અશ્રુભીની આંખે શશાંકને સંબોધતા વૃંદા બોલી..
‘પપ્પા.. હવે સમજાય છે, કે હોઠ સૂધી આવેલો તમારી દીકરીનો એક ચુટકી સિંદૂરનો કોળીયો કેમ ઝુંટવાઈ ગયો ? અને તેનું નિમિત મિલિન્દ અને દેવલ જ કેમ બન્યાં..?

‘આ આજે મારી જે હાલત છે.. એ
‘તમારા ન્યાયાધીશ પિતા સ્વ. જુગલદાસ સંઘવીએ દેવલની નિર્દોષ મમ્મીને જે કાળજું ચીરી નાખે તેવો સવાલ કર્યો હતો ને કે....
‘મા-બાપે કોઈ સંસ્કાર આપ્યાં છે ? કે સીધી હાલી નીકળી છો, ભણવાના બહાને પ્રેમના નાટક કરવાં ? આ ઈશ્વર તરફથી તેનો સણસણતો અને સચોટ જવાબ છે.’

‘ન્યાયાધીશ જેવા સન્માનનીય પદ પર આરૂઢ હોવા છતાં ફક્ત અને ફક્ત સત્તા અને સંપતિના ઘમંડથી છકી જઈને આપેલા બફાટ જેવા આંધળા ચુકાદાથી, ઈશ્વરના સૃષ્ટિ પરના શ્રેષ્ઠ સર્જન અને ઉપહાર જેવી સ્ત્રી જાતિ પર કઈ હદનો અત્યાચાર સાથે ઉપહાસ થયો તેનો લેશમાત્ર અંદાજ તેમને નહીં હોય. તેમના અભિશાપ જેવાં એક વાક્યથી કેટલાંની જિંદગીને દાગ લાગ્યાં ? સ્ત્રી જીવનની સર્વશ્રેષ્ઠ સંપતિ જેવી એક ચુટકી સિંદૂરની કિંમત કોણે કોણે ચૂકવી... દેવલની મમ્મીએ, દેવલે, મારી મમ્મીએ અને હું, હું... તો મેળવવાની આશમાં જ ચુકવતી રહી... કેટલી ? હવે એ પૂછો સૌને પપ્પા.’

વર્ષોથી ચાલી આવતી સંઘવી પરિવારની ખોખલી આબરૂના સામે ધરબી રાખેલો આક્રોશ આક્રંદ સાથે ઓક્યા પછી માંડ વૃંદા શાંત પડી.. પણ શ્વાસ અદ્ધર ચડી ગયાં.

ચુપચાપ રડતાં જગન તરફ જોઈ.... ગળગળા સ્વરમાં દેવલ બોલી..
‘પપ્પા...શું થયું હતું મમ્મીને ?

થોડું પાણી પીધાં પછી જગન બોલ્યો..
‘ચંચળ સ્વભાવની કેસર અચાનક શહેરથી અભ્યાસ પડતો મૂકીને જે રીતે આવીને બૂત બની ગઈ... એ અકળ આપદાએ પંદર જ દીવસમાં તેના મામાનો જીવ લઇ લીધો. મેં પણ તેની ખામોશી તોડવામાં કોઈ કસર નહતી રાખી. જવાબમાં તેણે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો..જે મારા જેવા મામૂલી માણસ માટે સુખદ આઘાતથી ઓછો નહતો.’

‘આઠ મહિના અને અઠ્યાવીસ દિવસના દાંપત્યજીવનમાં દરમિયાન ધીમે ધીમે જેમ તેનો ગર્ભ પાંગરતો રહ્યો અને તેની જીવવાની જીજીવિષા ખુટતી રહી. કાયમ મન પર જાણે કોઈ બોજ લઈને ફરતી હતી એવું લાગતું હતું....સ્મિત પણ અપ્રાકૃતિક.’

‘એક અમાસની કાળી રાત્રે..જયારે દેવલ અવતરી...ત્યારે અંતિમ વીસ મીનીટ ખત્મ થઈ એ પહેલાં છેલ્લાં નવ મહિનાથી મન પર જે મણ એકની ગ્લાનિનો ભાર લઈને ફરતી હતી તે ઉતારતાં શ્વાસ ખૂટી ગયાં.’

પડખામાં સફેદ રૂના પૂમડા જેવી કોમળ દેવલ... અને લાલચોળ ઊંડી ઉતરી ગયેલી આંખોમાંથી છલકાતી અશ્રુધારા સાથે કેસર મારી સામું બે હાથ જોડીને બોલી..

‘જગન... મને માફ કરી દેજો... કારણ, ઈશ્વર તો મને માફ નહીં જ કરે. કેમ કે, માત્ર એક ચુટકી સિંદૂરની અવેજીમાં મેં તમને છેતર્યા છે....આ બાળક તમારું નથી...એ પછી એ ડૂસકે ડૂસકે રડતી રહી..

‘થોડી જ પળોમાં હું કેસરને ગુમાવી દઈશ એ આઘાત સામે કેસરનું આ વિસ્ફોટક નિવેદન મારા પર બેઅસર હતું.’

અંતિમ.. મીનીટોમાં પારાવાર નીતરતાં પસ્ચ્યાતાપના અશ્રું સાથે બોલી..

‘શશાંક જુગલદાસ સંઘવી, મલબાર હિલ મુંબઈ. તેના પિતા જુગલદાસ સંઘવી ન્યાયાધીશ છે. કદાચ શશાંક પણ એડવોકેટ બની જશે... આ રાઝ તમારા પુરતું જ સીમિત રાખજો... અને મારી દીકરીને તમારા જેવી બનાવજો..અને મોટી થાય ત્યારે તેને કહેજો કેસર એક સારી મા ન બની શકી ... અને....’

‘બસ... આંખો ઉઘાડી રહી ગઈ અને... ધબકારા શમી ગયાં.’

એ પછી જગન તેની બંને હથેળીમાં મોં દબાવીને ખુબ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો.. અને સૌ હિબકે ચડ્યાં.. દેવલ ઊભી થઇ જગનના પગ પાસે બેસી જગનના ખોળામાં માથું નાખીને બસ.. રડ્યાં જ કરી.. અને જગન વ્હાલથી તેના માથે હાથ ફેરવતો રહ્યો..
આ દ્રશ્ય જોઇને વૃંદા મનોમન બોલી..

‘મા-બાપ હોવાં છતાં બસ આ વ્હાલની બે ઘડી માટે જિંદગીભર તરસતી રહી..
દેવલે બધું જ ગુમાવી અને આજે બધું જ પાછુ મેળવી લીધું.’

એ પછી મિલિન્દની સામું જોઈને દેવલ બોલી...
‘અહીં આવ મારી પાસે બેસ... દેવલ તું પણ આવ.’
એટલે દેવલ અને મિલિન્દ વૃંદાના બેડની બન્ને સાઈડની ચેર પર ગોઠવાયાં..
‘જો મિલિન્દ..આ મારા પપ્પા, મારા મમ્મી, ચિત્રા, જગન અંકલ, અને જશવંત અંકલ આ સૌ પૈસાપાત્ર છે, છતાં ઊભા છે, પ્રેમપાત્રની પ્રતીક્ષામાં. તારે હજુ કેટલું દોડવું છે, પૈસા પાછળ ?
ગળગળા સ્વરમાં જવાબ આપતાં મિલિન્દ બોલ્યો..
‘વૃંદા, એકવાર તે, કહ્યું હતું કે. મારે તારા જેવું બનવું છે. પણ આજે હું એમ કહું છું કે. મારે તારા જેવું બનવું છે.’

પછી આછુ સ્મિત કરી દેવલને સંબોધતાં વૃંદા બોલી.
‘દેવલ..તે મિલિન્દને પૈસો તો પુષ્કળ આપ્યો પણ, પ્રેમ કરતાં કયારે શીખવાડીશ.?

પછી ચિત્રા સામું જોઇને વૃંદા બોલી..

‘સોરી દોસ્ત.. તારી એક સાંજ મારી પર ઉધાર રહી ગઈ. કંઇ નહીં, મને યાદ કરીને એક કપ કોફી વધુ પી લે જે. તારી જોડે મળીને મારે દેવલ જોડે નાટક કરવાનો પ્લાન હતો પણ, સમય પહેલાં પ્રારબ્ધે પડદો પાડી દીધો યાર.’
જવાબમાં ચિત્રા માત્ર આંસુ સરતાં વૃંદા સામે બે હાથ જોડી રડતી રહી.


કેશવ તરફ જોઈ વૃંદા બોલી..
‘કેશવભાઈ... તમારા જેવો ભાઈ સાત જન્મોમાં નહીં મળે. બસ, કાયમ તમે સૌને હસતાં મોઢે આપ્યું જ છે, કયારેય કશું માંગ્યું નથી. ખરેખર તેમ રીલ નહીં પણ રીયલ લાઈફના હીરો છો. મારાથી ભૂલમાં કંઇક બોલાઈ ગયું હોય તો માફ કરી દેજો.’

આંસુ લૂછી.. બે હાથ જોડી..વૃંદાને કહ્યું..

‘આટલી ઉમરમાં જિંદગીના કંઇક રંગો જોઈ લીધાં બેન. જિંદગીમાં કયારેય રડ્યો નહતો.. અને અને મને જલ્દી રડવું આવે પણ નહીં..પણ તમે અને મિલિન્દ મને રડાવીને રહ્યાં. જિંદગીની કૈક કડવી વાસ્તવિકતાના ઘૂંટડા ઉતારી, ખુદ માટે લગભગ જડ થઈ ગયેલા કેશવમાં તમે ચેતના જગાવી. આજે સમજાયું કે લાઈફમાં સહજ માનવ સંબંધના મુલ્યો સિવાય બધું જ વ્યર્થ છે.’

ક્યારના એક ખૂણે ચુપચાપ ગ્લાનિના બોજ અને શર્મિન્દગી સાથે નીચી નજર કરી, છાનાં ડૂસકાં ભરતાં શશાંક અને તેની બાજુમાં મનોમન મનમાં પ્રયાસ્ચિતના પાઠ ગણગણતી વિદ્યા, બન્નેને વૃંદાએ તેની નજીક બોલાવ્યાં પછી વૃંદા બોલી..

‘મમ્મી..મને માફ નહીં કરે તો ચાલશે પણ પપ્પાને માફ કરી દેજે. મારી એક જ અંતિમ ઈચ્છા છે, તમે બન્ને ખુશી ખુશી સાથે રહો બસ.’

અને એ પછી હૈયાંફાટ રુદન કરતાં વિદ્યા, વૃંદાને વળગી પડી.

‘પપ્પા..આ દેવલ ખૂબ ડાહી છે. તમારા જેવી. એ તમારી બધી વાત માનશે.. મારા જેવી કોઈ જિદ્દ નહીં કરે. અને જુઓને પપ્પા કેવો જોગાનુજોગ..મારી ઈચ્છા પૂરી ન થઇ શકી છતાં અંતે મિલિન્દ તમારો જમાઈ થઈને જ રહ્યોને ?

વૃંદા એક એક શબ્દો શૂળની માફક સૌને ખૂંચતા હતાં.

પછી મજાક કરતાં બોલી..
‘એ... દેવલ..એ સંબંધથી તો હું મિલિન્દની સાળી થઇ... મતલબ આધી ઘરવાલી...’
ચલો ઈશ્વરે મારી કંઇક તો ઈજ્જત રાખી.’

‘મિલિન્દ.. તારું વચન કયારે પૂરું કરીશ ?’ વૃંદાએ પૂછ્યું..
‘ક્યુ વચન વૃંદા ?’ દેવલે પૂછ્યું..
‘વાયોલિન પર મારું મોસ્ટ ફેવરીટ સોંગ સંભળાવવાનું.’
‘જી.. હમણાં જ..’ એમ કહી મિલિન્દે કેશવને ઈશારો કર્યો.. એટલે કેશવ આઈ.સી.યુ.ની બહાર સાંચવીને મૂકેલું વાયોલીન લઈ, મિલિન્દને આપ્યું..મિલિન્દે જયારે કોલ કર્યો ત્યારે લઇ આવવાનું કહ્યું હતું.

મિલિન્દે વાયોલીન વગાડવા પોઝીશન લીધી.. એટલે..વૃંદા બોલી..

‘એક મિનીટ..પણ સોંગ ફક્ત આપણા બંનેની હાજરીમાં સંભળાવવાની શર્ત હતી..એટલે સૌ બે મીનીટ માટે આંખો બંધ કરી જાઓ પ્લીઝ..’

સૌ એ છલકાતી આંખો મીંચી...
વાયોલીનના સ્ટ્રીંગ સ્ટ્રોગ હતાં, પણ મિલિન્દનો સ્વર અને સૂર સાવ ઢીલાં હતાં.. છતાં દર્દને ગાવાનું હતું.. રોયાં વિના.

‘કુછ પાકર ખોના હૈ
કુછ ખોકર પાના હૈ
જીવન કા મતલબ તો
આના ઔર જાના હૈ
દો પલ કે જીવન સે
એક ઉમ્ર ચુરાની હૈ..
જિંદગી ઔર...’

અને મિલિન્દ.. રડી પડ્યો...
આંસુ સાથે ગદ્દ્ગદિત થઈ તાળીઓ પાડતાં વૃંદા બોલી..
‘થેંક યુ મિલિન્દ.’ હવે હું એક ગીત સંભળાવું..’
વૃંદાનો પરિચય આપતી તકિયા કલામ જેવી તેની પંચલાઇન સાંભળી સૌ રડતાં રહ્યાં...

ગળું ખંખેરી..વૃંદાએ દેવલને કહ્યું દીદી..
‘મને થોડું પાણી પિવડાવને.’
દેવલે પાણી પીવડાવ્યાં પછી.. મિલિન્દ સામું જોઈ.. વૃંદાએ ત્રુટક ત્રુટક અવાજમાં ગાવાનું શરુ કર્યું...


‘સપનો કા દર્પણ દેખા થા
સપનો કા દર્પણ તોડ દિયા
યે પ્યાર કા આંચલ હમને તો
દામન સે તુમ્હારે બાંધ લિયા
યે ઐસી ગાંઠ હૈ ઉલ્ફત કી
જિસ કો ન કોઈ ખોલ શકા
તું આન બસે જબ ઇસ દિલ મેં
દિલ ફિર તો કહીં ન ડોલ સકા
ઓ પ્યાર કે સાગર, હમ તેરી લહેરોં મેં નાવ ડૂબો બૈઠે
તું કહેતે હો કિ ઐસે પ્યાર કો ભૂ.....

હોઠ પરના અંતિમ શબ્દો સાથે વૃંદાના શ્વાસ થીજી ગયાં... ને દેવલની નજર તેની ખુલ્લી રહી ગયેલી નિષ્પ્રાણ આંખો પર જતાં...
‘વૃંદાદાદાદાદાદાઆઆઆ.......................આ.’ ગળું ચિરાઈ જાય એવી કારમી ચીસ દેવલના ગળામાંથી નીકળી ગઈ....

આખરે... વૃંદાએ કાળજું ચીરી નાખે એવી વસમી વિદાઈ લઇ લીધી.
અંતિમ શ્વાસ લેતી કેસરના દ્રશ્યો જગનની આંખો સામે તરવાં લાગ્યાં... પછી મનોમન જગન બોલ્યો..

‘વૃંદા તેની માંગના હિસ્સાનો એક ચુટકી સિંદૂરનો ખાલીપો એટલી મોટી કિંમત ચૂકવીને ભરતી ગઈ કે, જેનો શૂન્યઅવકાશ, દાયકાઓ સુધી કોઈ ભૂલી કે ભૂંસી નહીં શકે.’

સૌની આંખોનો તારો બની ગયેલી વૃંદા થોડા કલાકો બાદ રાખ થઇ ગઈ.

દેવલની ઈચ્છા અને સર્વસંમતીથી નક્કી કર્યા મુજબ વૃંદાના અસ્થિ વિસર્જન માટે મિલિન્દ અને દેવલ બન્ને આવ્યાં બનારસની પાવન નદી ગંગા કિનારાના મણિકર્ણિકા ઘાટ પર.

બંને શ્વેત ખાદીના વસ્ત્ર પરિધાનમાં બેઠાં નાની નાવડીમાં....નાવિકે નાવડી આગળ જતાં જ્યાં સ્વચ્છ અને ઊંડું જળ હતું ત્યાં નાવ થંભાવી, દેવલે તેના ખોળામાં રાખેલો ફૂલો સાથેનો અસ્થિ કળશ ઉઠાવી આંખો બંધ કરી કપાળે સ્પર્શ કરી હળવેકથી જળમાં પ્રવાહિત કર્યો...

અને મિલિન્દને ભાસ થયો કે...
પાછળથી વૃંદાનો અવાજ સંભળાયો....હસતાં હસતાં વૃંદા બોલી..
‘એક ગીત સંભાળવું...’



‘તુજે ગંગા મેં સમજુંગા
તુજે જમુના મેં સમજૂંગા
તું દિલ કે પાસ હૈ ઇતની
તુજે અપના મેં સમજૂંગા
અગર મર જાઉં રૂહ ભટકેગી
તેરે ઇન્તઝાર મેં..
કિ તુમ મેરી જિંદગી હો..
કિ તુમ મેરી બંદગી હો...


સમાપ્ત..
વિજય રાવલ
vijayaraval1011@yahoo.com
૯૮૨૫૩ ૬૪૪૮૪