એક ચુટકી સિંદૂર કી કિંમત - 35 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચુટકી સિંદૂર કી કિંમત - 35

પ્રકરણ- પાંત્રીસમું/૩૫

એટલે સોફા પરથી ઊભા થઇ. જગનની સામું જોયાં કર્યા પછી વૃંદા તેની આંખો સ્હેજ ઝીણી કરી હસતાં હસતાં બોલી..

‘અંકલ, જો આ તસ્વીર માનસીની નથી તો.. તો આપ માનસીના પપ્પા પણ નથી.’

હવે આ સંવાદના વાર્તાલાપની શરુઆત પૂર્વાર્ધથી કરીએ..

ઠીક સાંજના સાત અને પચાસ મીનીટે જગન સાથે આવેલાં જશવંતલાલે તેની કાર વૃંદાના ટાઉનશીપની અંદર એન્ટર કરી એ પછી સિક્યોરીટી ગાર્ડે જગનનું નામ અને નંબર વૃંદા સાથે કન્ફર્મ કર્યા પછી એન્ટ્રીની અનુમતિ મળતાં જશવંતલાલે કાર પાર્ક કરી, પછી બન્ને લીફ્ટ મારફતે આવ્યાં વૃંદાના ફ્લેટ પર.

ઠીક આઠ વાગ્યાના સમયે જગને વૃંદાના ઘરની ડોરબેલ દબાવી.
થોડીવારમાં સસ્મિત ડોર ઓપન કરતાં આદર સાથે વૃંદા બોલી...
‘નમસ્તે.. વેલકમ... વેલકમ.. પધારો અંકલ. આવો આવો.’

‘નમસ્તે દીકરા.’ બોલતાં જગન, જશવંતલાલ સાથે બેઠકરૂમમાં એન્ટર થયાં.
‘આવો બેસો.’
સોફા તરફ હાથ લંબાવી બોલ્યાં પછી વૃંદાએ સર્વન્ટને પાણી લાવવાનો ઈશારો કર્યો.

‘આ મારા મિત્ર છે, જશવંતલાલ ઠક્કર અહીં, દાદરમાં રહે છે.’
બન્ને સોફા પર બેસતાં જગન બોલ્યો..

એટલે જશવંતલાલે બે હાથ જોડી ‘ નમસ્તે’ કહી અભિવાદન કર્યું. સામે વૃંદાએ પણ.


‘આપ પણ ત્યાં દાદરમાં જ રહો છો ? સામેના સોફા પર બેસતાં વૃંદાએ પૂછ્યું

‘અરે..ના ના, હું તો સૌરાષ્ટ્રમાં રહું છું. અને જશવંતલાલનું ઘર એટલે મારું મુંબઈનું કાયમી સરનામું એવું છે.’ જગન બોલ્યો..

‘તમને મુંબઈ કેવું લાગ્યું, અંકલ ? વૃંદાએ પુછ્યું
‘સાચું કહું, તો કયાંય મહેલ મોટા તો મન નાના અને કયાંક મઢુલી નાની તો મન મોટા, આવું છે મુંબઈ. પણ એમાં આ મારા જશવંતલાલ અને તારા જેવા અપવાદ પણ નિકળે ખરા હો.’ બોલતાં જગન ધીમેકથી હસવાં લાગ્યો.

‘તમારી વાત સાથે એગ્રી, હવે અંકલ, વાતોની વચ્ચે વચ્ચે કંઇક ગરમ કે ઠંડા પીણાની ચુસ્કીઓ માણતાં રહીએ તો ચર્ચાની લિજ્જત કંઇક ઔર જ આવશે. બોલો શું લેવાનું પસંદ કરશો.’ ઊભા થતાં વૃંદા બોલી..

જગન બોલે એ પહેલાં જશવંતલાલ બોલ્યાં..
‘આ સૌરષ્ટ્રવાસીઓ માટે ચા થી ઉત્તમ કોઈ પીણું જ નથી..એટલે ચાઈ પે ચર્ચા કરીશું.’
‘જી, ઠીક છે.’
એમ કહી વૃંદાએ સર્વન્ટને ચાઈ લાવવાની સુચના આપ્યાં પછી જગને પૂછ્યું..
‘તારા મમ્મી પપ્પા નથી ઘરે ?

‘જી, મમ્મી તેમની કોઈ સહેલીની બર્થ ડે સેલિબ્રેશનની પાર્ટીમાં ગઈ છે, અને.. પપ્પા તેમના મલબાર હિલમાં આવેલાં બંગલા પર રહે છે.’ કંઇક કામ હતું એમનું ? આપ ઓળખો છો પપ્પાને ? વૃંદાએ જવાબ આપતાં પૂછ્યું.

‘મલબાર હિલ.’ શબ્દ સંભાળતા જગને દિમાગમાં ગોઠવેલાં પાસા ફીટ બેસવાં લાગ્યાં. પછી બોલ્યો..
‘ના, પણ નામ સાંભળ્યું છે. હા મળવું તો હતું તેમને પણ કંઇક નહીં, મારો સંદેશો તેમને આપી દેજે.’
‘જી, જરૂર, પણ પહેલાં આપણી મુલાકાતની કોઈ પૂર્વભૂમિકા આપો તો.. સંવાદ સાંધવામાં સરળતા સાથે પારદર્શિતા રહે.’
કયારની ઉચક જીવે ભરેલા નાળીયેર જેવી મુલાકાતનું મનોમંથન કરતાં રાહ જોઈ રહેલી વૃંદાએ વાર્તાલાપને મુખ્ય મુદ્દા તરફ વણાંક આપવાની કોશિષ કરતાં કહ્યું.

એટલે જગન અને જશવંતલાલ બન્ને એકબીજાની સામું જોવાં લાગ્યાં.. જગનએ અસમંજસમાં હતો કે, ગુંચ જેવી ગૂંચવાયેલી ગુત્થીનો કઈ છેડો જાલીને મથામણનો અંત લાવું. ? સ્હેજ વિચાર કર્યા પછી ગોળ ગોળ વાત કરવાને બદલે ચર્ચાને મૂળ વાત પર લાવતાં જગન બોલ્યો..

‘જી, હું મિલિન્દ વિષે વાત કરવાં આવ્યો છું.’
બે પાંચ પળ માટે સ્તબ્ધ થઇ જગન સામું જોઈ દેવલ બોલી

‘એ તો તમે આપના મિત્રનો પરિચય આપતાં કહ્યું કે..આ જશવંતલાલ ઠક્કર અહીં, દાદરમાં રહે છે. ત્યાં જ મને અટકળનું અનુસંધાન મળી ગયું હતું. પણ.. આપ આ નામ વિષે કંઈ રીતે જાણો છો ? તમને કોણે કીધું ?
‘કહીશ બધું જ કહીશ.. જે તું, તારું ફેમીલી, માનસી કે.. મિલિન્દ અને તેની પત્ની દેવલ અને આ મારો જીગરજાન દોસ્ત પણ નથી જાણતું એ બધુ જ કહીશ.’

જગનના આ એક વાક્યથી વૃંદાના દિમાગમાં અસંખ્ય વિચારવમળ ઊઠવા લાગ્યાં એટલે વૃંદાને લાગ્યું કે, આજે નક્કી કોઈ ગૂઢ રહસ્યનો પર્દાફાશ થવાનો છે.. એટલે..
થોડી ધીરજ ધરવી જ યોગ્ય રહેશે. બે પાંચ સેકંડ ચિંતન કર્યા પછી વૃંદા બોલી..

‘પણ મને એ નથી સમજાતું કે, આપ નવું શું કહેશો ? પોસ્ટમોર્ટમ નિષ્પ્રાણ દેહનું થાય..આત્મા કે અસ્થિનું નહી. અને મારા અંગત અતીત વિશે ચર્ચાનો અધિકાર મેં મારા મોમ ડેડને પણ નથી આપ્યો. પણ, માફ કરજો અંકલ, એ ભારેલાઅગ્નિ જેવા રાખના ઢગલાંને ફંફોસવાની મારામાં કોઈ હિંમત નથી. મારે કશું જાણવું, કે મેળવવું પણ નથી, બસ,મારી સહનશક્તિની સીમા સુધી હું એ પળોને મમળાવું છું. કદાચ તમારી જોડે આ વાત શેર કરીને માનસીએ ભૂલ જ કરી છે.’

સાવ સરળ ભાષા અને સ્પષ્ટ શબ્દોમાં મહદ્દઅંશે વૃંદાએ ગંભીર ચર્ચાનું હળવું ચિત્ર રજુ કરી દીધું, એ વાત તડ ને ફડ મિજાજના પ્રકૃતિના જશવંતલાલને ગમી.એટલે વૃંદાને સંબોધતા ધીમેકથી બોલ્યાં..

‘તમારી વાત રજૂઆત કરવાનો અંદાજ મને પસંદ પડ્યો, હવે હું કંઇક કહું ?’
‘જી, જરૂર પણ પણ પહેલાં ચા લ્યો.. ચર્ચા ભલે ઠંડી પડે પણ, ચા તો ગરમ જોઈએ.’
વાતાવરણ હળવું કરતાં વૃંદા બોલી..
હાસ્ય સાથે જશવંતલાલ ચા નો કપ ઉઠાવતાં બોલ્યાં..

‘આ જગન મારું જગત છે.. આ એક વાક્ય તેના સમગ્ર પરિચય અને પહોંચ માટે પુરતું છે. અત્યારે તમને ફક્ત માનસીના પિતા તરીકેની સામાન્ય ઓળખ છે. જગનને કોઈ લાંબીલચક ચર્ચા, દલીલ યા આરોપ-પ્રત્યારોપણની વાત નથી કરવી. કે તમારા અંગત ભૂતકાળ વિષે પણ કોઈ પશ્ન નથી પૂછવો. તમે હમણાં પૂછ્યું ને કે, આપ નવું શું કહેશો ? પણ એ એક એવી વાત લઈને આવ્યો છે, કે કદાચ જગન અને જગત નારાયણ ફક્ત બે જ આ રહસ્યથી અવગત છે. અને એ આજ સુધી અકબંધ રહેલું રાઝ પણ તમારું અંગત છે. બોલો હવે શું કહેવું છે તમારું ?

કશું જ ન જાણતાં હોવા છતાં અનુભવી જશવંતલાલે તેની આગવી અદામાં ચર્ચા માટે મસ્ત મજાનો મંચ ઊભો કરી વૃંદાને વિચારતી કરી દીધી .
‘મારી જાણ બહાર આજ સુધી મારું અકબંધ અંગત રહસ્ય..? અને એ પણ માત્ર માનસીના પિતા જાણતાં હોય ? ઇન્ટરેસ્ટીંગ. હવે વૃંદાને લાગ્યું કે, એકવાર માનસીના પપ્પાને સાંભળી લેવામાં કંઈ ખોટું નથી. પણ સૌ પહેલાં વૃંદાને તેનો પરિચય જાણવાની ઈચ્છા થઇ. એટલે જગન તરફ જોઈ તેને સંબોધતા બોલી..

‘આ જગન મારું જગત છે.’ પહેલાં આ વાક્યને વિસ્તારથી સમજાવો પછી આપણે રહસ્યમય વાર્તાલાપનો દોર આગળ ચલાવીએ.

‘અચ્છા.’
એમ કહી જગને તેની બચપણથી લઈને અત્યાર સુધીની સફળ જીનસંઘર્ષના ચડાવ-ઉતારની કહાની ટૂંકમાં વૃંદાને કહી સંભળાવી. દંતકથા જેવી લાગતી જગનની કથની સાંભળી વૃંદાને લાગ્યું કે, સાવ સીધા,સરળ અને સામાન્ય ખાદી ધારી વસ્ત્રમાં દેખાતા વ્યક્તિનું વ્યક્તિત્વ આટલું વિરાટ અને વિનમ્ર હશે એ હકીકત વૃંદાને કલ્પના બહારની લાગી. હવે માનસી કરતાં તેના પિતા જગનના પારદર્શક પરિચયનો પ્રભાવ વૃંદાના ચિત્ત પર વધુ પ્રભાવ પડવા લાગ્યો. એ પછી જગન, વૃંદા અને જશવંતલાલ વચ્ચે પરસ્પર સૌની જિંદગીના આરોહ-અવરોહના વાતચીતનો દોર ખુબ લાંબો ચાલ્યો... મિલિન્દના ટોપીકને બાદ કરતાં.

આશરે સાડા દસ વાગ્યાની આસપાસ.. જગને સળંગ અઢી કલાક ચાલેલા અતિ ગહન વાર્તાલાપને અંત તરફ લઇ જતાં વૃંદાને એક તસ્વીર બતાવતાં પૂછ્યું,
‘આને ઓળખો છો, કોણ છે ?
તસ્વીર જોઇ આશ્ચય સાથે હસતાં હસતાં વૃંદાએ જવાબ આપ્યો..
‘હાસ્તો... આ તો માનસીની તસ્વીર છે.’

જગન બોલ્યો..
‘ના.. આ માનસીની તસ્વીર નથી.’
એટલે સોફા પરથી ઊભા થઇ.. જગનની સામું જોયાં કર્યા પછી વૃંદા તેની આંખો સ્હેજ ઝીણી કરી હસતાં હસતાં બોલી..
‘અંકલ, જો આ તસ્વીર માનસીની નથી તો.. તો આપ માનસીના પપ્પા પણ નથી.’

‘તો...આપ માનસીના પપ્પા પણ નથી.’ એ.કે ફિફ્ટી સિક્સના પ્રહાર સામે વૃંદાનો તોપ જેવો પ્રતિકારરૂપી પ્રત્યુતર સાંભળીને જગન અને જશવંતલાલ બન્ને થોડી ક્ષ્રણો માટે સ્તબ્ધ થઇ ગયાં.

થોડીવાર પછી જગનને વાતની કળ વળતાં ફરી બોલ્યો..
‘ફરી એકવાર જરા ધ્યાનથી જુઓ.. અને પછી કહો કે, આ તસ્વીર કોની છે ?
‘તસ્વીરને સ્હેજ ધ્યાનથી જોતાં બોલી.. તસ્વીર માનસીની જ છે, શાયદ તેના સ્કૂલના દિવસોની છે. લૂકીગ ટુ યંગ.’

‘ના... આ તસ્વીર માનસીની નથી.. તેના મમ્મીની છે.મારી પત્ની કેસરની.’
અતિ આશ્ચર્ય સાથે વૃંદા બોલી..
‘ઓહ્હ... કોઈ માની જ ન શકે. અનબિલીવેબલ. અદ્દલ માનસી જ જોઈ લ્યો. પણ.. આ તસ્વીર મને શા માટે બતાવી રહ્યા છો ? આ તસ્વીર સાથે મારા અંગત રહસ્યનું શું અનુસંધાન જોડાયેલું છે ?

જવાબ આપતાં જગન બોલ્યો..
‘તમે થોડીવાર પહેલાં એમ કહ્યું, ને કે, તમારી જોડે આ વાત શેર કરીને માનસીએ ભૂલ કરી છે. હા, કબૂલ ભૂલ કરી પણ, ખૂબ મોડી કરી, આ ભૂલ માનસીએ ચાર મહિના પહેલાં કરવાની જરૂર હતી.. તો શાયદ આજે આ ચર્ચાનો છેદ જ ઉડી ગયો હોત.’

‘મતલબ..? હું કંઈ સમજી નહીં.’ આટલું બોલતાં વૃંદાના ધબકારા વધી ગયાં.

‘માનસીએ તને પૂછ્યું હતું, અને આજે હું પૂછું છું કે, તું મિલિન્દને માફ ન કરી શકે ? તેની પત્ની દેવલને માફ ન કરી શકે ?’
એક સેંકડ ચુપ રહી વૃંદા બોલી..
‘પણ, હું ક્યા કારણથી મિલિન્દને માફ કરું, અને ક્યા અધિકારથી ? અને તેની પત્ની સાથે મારે શું સંબંધ ? તેની પત્ની તો આ ચિત્રમાં ક્યાંય છે જ નહીં.

‘અને હું તને એ અધિકારનો અધિકારી બનાવું તો ? જગન બોલ્યો..
‘અંકલ.. પ્લીઝ હવે આપ પઝલની ભાષામાં વાત કરો.. મારા ધબકારા વધી જશે.’ વૃંદા બોલી..

જશવંતલાલ સામું જોઈ, એક ઊંડો શ્વાસ લઇ, જગને એક બીજી તસ્વીર વૃંદાના હાથમાં આપી...

તસ્વીર જોતાં... બીજી જ ક્ષ્રણે વૃંદાનું શરીર ઠંડું પડી ગયું.. શરીરમાં કંપારી છુટી ગઈ. હાથ પગ ધ્રુજવા લાગ્યાં, આંખો સામે અંધારા આવવાં લાગ્યાં.. ગળું સૂકાઈ ગયું. જાણે પળમાં શરીરમાંથી કોઈએ પ્રાણ હરી લીધાં હોય એવી દશા વૃંદાની થઇ ગઈ...

માંડ માંડ ધ્રૂજતાં હાથે સામેની ટીપોઈ પરથી પૂરો પાણીથી ભરેલો ગ્લાસ ઉઠાવી..એક જ શ્વાસે ગટગટાવી સોફાનો ટેકો લઇ આંખો મીંચી પડી રહી. અને તરત જ તસ્વીર તેના હાથમાંથી પડી ગઈ. નીચે પડેલી તસ્વીર જશવંતલાલે ઉઠાવીને જોતાં, આંચકા સાથે અધકચરું અર્ધસત્ય સમજાયું છતાં તેણે આ વિકટ દશામાં મૌન રહેવું ઉચિત લાગ્યું.
બેઠકરૂમમાં સન્નાટાની સૂનામી પ્રસરી ગઈ. બે મિનીટ પછી મુશ્કિલથી વૃંદા એટલું બોલી..

‘અંકલ.. હવે છેલ્લું હુકમના પાના જેવું મારા અધિકારનું પાનું ઓપન કરી અને ગેમ ઓવર કરો,, પ્લીઝ.’

એ પછી જગન ધડાકા જેવું એક જ વાક્ય બોલ્યો ત્યાં તો.... વૃંદાના કાન સૂન થઇ ગયાં.. આંખો પહોળી થઇ ગઈ..પેટમાંમાં જાણે કે કોઈ વિસ્ફોટક ગોળો ફૂટ્યો હોય એમ સોફામાં જ ફસડાઈ પડી.... જશવંતલાલના ડોળા પણ લીંબુની ફાડની જેમ ફાટી ગયાં..
મનોમન બોલ્યો... જગન આ શું બોલી રહ્યો છે ?

‘આથી વિશેષાધિકાર તો ઈશ્વર પણ નહીં આપી શકે, બોલ હવે શું કહેવું છે તારું..’
જગન બોલ્યો...

બે મિનીટ બાદ માંડ માંડ માનસિક કળ વળતાં વૃંદા બોલી..

‘સોરી અંકલ..અત્યારે હવે હું આગળ વાત કરી શકું એવી હાલત અને હિંમત પણ નથી. માટે પ્લીઝ.. હાલ મને એકાંતની જરૂર છે.. તો આપ.. સોરી..’
આગળ બોલતાં વૃંદા અટકી ગઈ.. એટલે બન્ને સમજી ગયાં કે, શાયદ આ રાઝના ઘાવની રૂઝ આવતાં વૃંદાને સમય લાગશે એટલે હાલ આ અતિક્રમણ જેવી અનુમંત્રણાને અહીં જ અલ્પવિરામ આપવો યોગ્ય રહેશે..

એટલે બન્ને ઉભાં થતાં બોલ્યાં..

‘અરે.. સોરી એ એમાં સોરી ન કહેવાનું હોય દીકરા..તું આરામ કર. પછી તું કહીશ ત્યારે આપણે ફરી મળીશું. તો હવે અમે રજા લઈએ.. તને હેરાન કરી માટે અમારે સોરી કહેવું જોઈએ. આભાર.’

‘પ્લીઝ અંકલ આવું ન બોલો.. આપણે ફરી મળીશું... મને આ સત્ય પચાવવા માટે થોડો સમય જોઇશે.. હું તમે કોલ કરીશ. આવજો. અને એક ખાસ વાત.. રીક્વેસ્ટ કરીને કહું છું... પ્લીઝ આપણી આ મુલાકાત અને ચર્ચાની કોઈ ચોથી વ્યક્તિને જાણ ન થાય તેનું ધ્યાન રાખજો. પ્લીઝ ’

‘જી, જરૂર. આવજો.. તમારું ધ્યાન રાખજો..’ જશવંતલાલ એવું બોલતાં બંને બહાર આવ્યાં અને તરત જ વૃંદા ડોર ક્લોઝ કરી.. રીતસર દોડીને તેના બેડરૂમમાં જઈ ધડામ કરી બેડરૂમનો દરવાજો બંધ કરી.. ફસડાઈ પડી બેડ પર.. સતત ચક્કર આવવાં લાગ્યા..
પૂરા બદનની રગેરગમાં એક અનોખી જલન થવાં લાગી. ગળું એકધારું સૂકાવાં લાગ્યું. દિમાગની નસો ફાટવાં લાગી. જાણે ચારે તરફથી કોઈ ચિત્ર- વિચિત્ર અવાજો કરી વૃંદા પર અટ્ટહાસ્ય કરી રહ્યું હોય એવાં ભણકારા સંભળાવવા લાગ્યાં..

જગને બતાવેલી તકદીરના પ્રતિનિધિ જેવી એક તસ્વીરે તમાશાના રંગ-રૂપ બદલી નાખ્યાં. તંગ વૃંદા હવે દંગ રહી ગઈ. એક કાંકરે જગને કંઇક પ્રશ્નોના નિરાકણને ઠાર કર્યા હતાં. પણ હવે એ કાંકરો જ વૃંદાના ગળાનું હાડકું બની ગયો હતો. વૃંદાના ધબકારા અનિયંત્રિત થવાં લાગ્યાં.. છાતી પર એવું ભારણ લાગ્યું જાણે કોઈએ મસ મોટી શિલા તેની છાતી પર મૂકી દીધી હોય..


ઘરે આવતાં.. જશવંતલાલે પૂછ્યું...
‘હવે એ તસ્વીરનું અર્ધ સત્ય મને કહીશ ?’
‘હા, કહીશ પણ, એ પહેલાં મને વૃંદાને જણાવેલાં અંતિમ અને સંપૂર્ણ સત્યના પ્રત્યાઘાતનું પરિણામ અને પ્રત્યુતરની પ્રતિક્ષા છે.’

‘તને શું લાગી રહ્યું છે ? જશવંતલાલે પૂછ્યું.
‘આ એક સત્ય સાથે કંઇકની જિંદગીની ડોર જોડાયેલી છે. દરેક પર તેની પ્રકૃતિ મુજબ તેની અસર થશે. સકારાત્મક અથવા નકારાત્મક પરિણામ આવી શકે. અંતે જશવંત કોઈપણ પરિસ્થતિમાં મારી તો હાર જ છે.’ નિરાસા સાથે જગન બોલ્યો..

‘તારી હાર ? પણ એ કઈ રીતે ? તું તો આ શતરંજ જેવી રમતમાં કયાંય જોડાયો જ નથી તો, તારી હાર કઈ રીતે શક્ય છે ? અચરજ સાથે જશવંતલાલે પૂછ્યું

‘જીવથી વધુ જતન કરીને ઉછેરલા ફૂલો.. સ્હેજ અમથાં તેજ ગતિમાં આવેલાં પવનના સુસવાટાના કારણે ડાળી પરથી ખરી પડે તો, અંતે કોનો દોષ. ? પવન, પુષ્પ કે માળીનો ? બસ કંઇક આવું જ છે, દોસ્ત.’

અંતે બન્ને બેડરૂમમાં આવીને આડા પડતાં,ચોતરફથી ચિંતા આવી પણ નિંદ્રા ન આવી.


‘વૃંદાદાદાઆઆ......આ.’

એક જીણી ચીસ સાથે..ભરનિદ્રા માંથી દેવલ સફાળી જાગી ગઈ. એરકન્ડીશન મહતમ તાપમાન પર હોવાં છતાં દેવલ પરસેવેથી નીતરતી રહી.
ઝબકીને જાગી ગયેલાં મિલિન્દએ આંખો ચોળતાં લાઈટ ઓન કરી..ગભરાતાં પૂછ્યું..

‘શું થયું દેવલ ? કેમ ચીસ પાડી ?
‘ઓહ્હ...’ આટલું બોલી બેડની બાજુમાં મૂકેલો પાણી ભરેલો ગ્લાસ ઉઠાવી પાણી પીધાં પછી, રાહતનો શ્વાસ લેતાં બોલી..
‘ગાઢ નિદ્રામાં સરતાં સુધીમાં સતત વૃંદાના વિચારે ચડી ગઈ હતી.. અને પછી અચાનક એક દુ:સ્વપ્ન આવ્યું તો... ચીસ નીકળી ગઈ.’ સામેની વોલ ક્લોક પર દેવલની નજર પડી તો મધ્યરાત્રીના સાડા ત્રણ વાગ્યાં હતા.

‘ચલ. હવે સૂઈ જા, તે તો મને ડરાવી દીધો.’ મિલિન્દ બોલ્યો.
દેવલે સુવાનો પ્રયત્ન કર્યો પણ તેનો જીવ ઉચક હતો..કંઇક અમંગળ થવાના અણસારથી દેવલનો જીવ બળતો હતો. છેક વહેલી પરોઢે આંખ મીંચાઈ..

અને ઠીક સવારના સાડા સાત વાગ્યે...
દેવલનો સેલ રણક્યો. આજે પહેલીવાર દેવલ તેના રોજિંદા સમય મુજબ ઉઠી નહતી શકી..એટલે બેડ પર જ હતી. માંડ માંડ આંખો ઉઘાડી સ્ક્રીન પર જોયું તો.. અનનોન નંબર પરથી કોલ હતો.. રીસીવ કરતાં સામા છેડેથી ભારેખમ, ગમગીન અવાજમાં એક પુરુષ બોલ્યો.. ત્યાં મિલિન્દ પણ જાગી ગયો..

‘આપ માનસી દોશી બોલી રહ્યાં છો ?
‘જી, આપ કોણ ? સ્હેજ ગભારતા દેવલે પૂછ્યું..
આટલું સાંભળતા પેલો પુરુષ રડવાં લાગ્યો..
એટલે દેવલ વધુ ગભરાઈ ગઈ...
‘હેલ્લો.. હેલ્લો...આપ કેમ રડો છો..? કોણ બોલી રહ્યાં છો..? આઆ..આપનું નામ જાણવશો.’ આટલું બોલતાં તો દેવલનું ગળું ભરાઈ આવ્યું..
‘જી, હુંહું...હું એએ...એડવોકેટ શશ..શશાંક સંઘવી બો..બોલી રહ્યો છું. વૃંદાના ફા..ફાધર, અત્યારે... વૃ..વૃંદા.... અત્યંત ક્રીટીકલ સિચ્યુએશનમાં લીલાવતી હોસ્પિટલના... વી.આઈ.પી. આઈસીયુ વોર્ડમાં છે. સૌ પહેલાં વૃંદાએ તમને જાણ કરવાનું.... કહ્યું એટલે ...’ આટલું બોલતાં તો શશાંક ધ્રૂસકે ધ્રૂસકે રડવાં લાગ્યો..

‘વૃંદાદાદાદાઆઆઆ....’

દેવલની ચીસ નીકળી ગઈ.
‘અ....અઅંકલ હું હું,, હમણાં જ પહોચું છું.. હું.. આઆ..આવું છું.’
‘મિલિન્દ....’ જોશથી ચીસ સાથે પોક મૂકી દેવલ મિલિન્દને વળગી પડી..
‘વૃંદા... વૃંદા આઈ.સી.યુમાં છે, મિલિન્દ..’
બીજી જ સેકન્ડે બેડ પરથી ઉઠી દેવલ રીતસર દોડી વોશરૂમ તરફ.

‘કોનો કોલ હતો ? શું થયું ? સફાળો બેડ પરથી ઉઠતાં ગભરાયેલા મિલિન્દે પૂછ્યું..
વોશરૂમમાંથી જ દેવલે ઉતાવળે જવાબ આપ્યો..
‘પ્લીઝ.. મિલિન્દ તમે ફટાફટ ફ્રેશ થઇ જાઓ..આપણે હમણાં જ લીલાવતી નીકળવાનું છે.’
‘જી,’ મિલિન્દ ઝડપથી ફ્રેશ થવા નીકળ્યો..

પાંચથી સાત મીનીટમાં બંને... હજુ કારમાં ગોઠવાયાં ત્યાં જ મિલિન્દનો કોલ રણક્યો.. એ પણ અનનોન નંબર પરથી જ હતો.. મિલિન્દે રીસીવ કર્યો..
‘મિલિન્દ ?
‘યસ.. આપ કોણ ?
‘શક્ય હોય એટલી ઝડપથી લીલાવતી વી.આઈ.પી. આઈ.સી.યુ. વોર્ડમાં પહોંચો. ચિત્રા બોલું છું, અને આ વૃંદાની રીક્વેસ્ટ છે.’
મિલિન્દના પ્રત્યુતરની પરવા કર્યા વગર ચિત્રાએ કોલ કટ કરી નાખ્યો ...

અતિ આશ્ચર્ય અને પ્રશ્નાર્થ ભાવે મિલિન્દ દેવલની સામું જોઈ રહ્યો.. એટલે દેવલે પૂછ્યું
‘શું થયું ?’ કોણ હતું ?
‘તને આવ્યો એ જ મેસેજ મને આવ્યો.’
‘હા.. પણ કોલ કોનો હતો.. ? ઉતાવળે દેવલે પૂછ્યું..
‘ચિત્રાનો,’
દેવલ મનોમન બોલી.
‘ઓહ..માય ગોડ..’
‘કંઈ નહીં, જે થશે તે જોયું જશે.. અત્યારે વૃંદાના જીવ સિવાય કંઇક જ મહત્વનું નથી.’
દેવલ આટલું બોલતાં મિલિન્દે કાર તેજ ગતિમાં દોડાવી લીલાવતી હોસ્પિટલ તરફ.
હોસ્પિટલ આવે ત્યાં સુધી કારના બળતણ કરતાં સતત રુદન સાથે દેવલનો જીવ વધુ બળતો હતો.

સિક્યોરીટી પાસ કરી હાંફળા ફાંફળા ઉતાવળા પગલે દેવલ અને મિલિન્દ આવી પહોચ્યાં..વી.આઈ.પી. આઈ.સી.યુ. વોર્ડની બહાર. ત્યાં હાજર રહેલા એટેન્ડટે નામ પૂછતાં બન્નેને ડો. પવન બંસલની ચેમ્બર તરફ જવાનું કહેવામાં આવ્યું.

એટલે ત્યાંથી રીતસર દોડતાં બન્ને આવ્યાં ડો. પવન બંસલની ચેમબર તરફ. ત્યાંથી બન્નેને અંદર જવાનું કહ્યું.. એટલે ફટાક કરતાં ડોર હડસેલીને બન્ને અંદર દાખલ થતાં..
ડો.પવન બંસલની સામેની ચેરમાં ચિત્રા અને શશાંક ઉદાસ અને રડમસ ચહેરે બેઠાં હતાં. દેવલને જોઈ શશાંક ચેર પરથી ઊભા થઇ ગયાં.. શશાંક એકધારું દેવલ તરફ જોતાં જ રહ્યાં. અને ચિત્રા મિલિન્દ તરફ..બન્નેને સાથે આવતાં ચિત્રાની આંશિક શંકા દ્રઢ થવાં લાગી.’

‘આવો.. પ્લીઝ સીટ ડાઉન..’ શશાંકને દેવલની ઓળખ આપતાં ડોકટર બોલ્યાં..
‘આ છે માનસી દોશી.. જેની મેં તમને વાત કરી.’

અને આ છે તેમના નીકટના સંબંધી.. મિ.મિલિન્દ માધવાણી.’
દાઝ કાઢતાં દાઢમાંથી ચિત્રા બોલી.

શશાંક અત્યંત ગ્લાનિના ભાવ સાથે દેવલ અને મિલિન્દને ચુપચાપ જોઈ જ રહ્યાં.

‘અમે આપ બન્નેની જ વેઇટ કરી રહ્યાં હતાં’ એમ કહી ડોક્ટર બંસલ આગળ બોલ્યાં
‘લિસન ફર્સ્ટ...હવે અત્યાર સુધી... કેમ, ક્યારે અને શું બન્યું એ વાતની તમને કરું.’

એટલે.. ડોક્ટર પવન બંસલ ઘાતકી ઘાત જેવી ઘટી ગયેલી ઘટનાના ઘટનાચક્રની ગહન ચર્ચાની શરૂઆત કરતાં બોલ્યાં..

આશરે સવારના પાંચેક વાગ્યાની આસપાસ જયારે હું મોર્નિંગ વોક માટે રેડી થઈને મારા ગાર્ડન તરફ નીકળવા જતો હતો ત્યાં જ.. મારા મોબાઈલમાં રીંગ વાગી.. વૃંદાનું નામ વાંચતા જ સમથીંગ રોંગનો અણસાર આવી ગયો.. કોલ રીસીવ કરતાં..

‘અંઅંઅં....અંકલ....પ્લીઝ સેસે,,ન્ડ એએ...એમ્બ્યુલંસ..’

વૃંદાના ટોન પરથી તે કેટલી પીડાથી પીડાઈ રહી હતી..તે વાતનો અંદાજ મને આવી ગયો એટલે એકપણ સેકન્ડ વેડફ્યા વગર.. શક્ય એટલાં ઝડપી સમયમર્યાદામાં વૃંદાને તેના ઘરેથી લીલાવતી પહોચાડવાની વ્યવસ્થા કરી, અને હું રવાના થયો લીલાવતી હોસ્પિટલ આવવાં.

લીલાવતી પહોંચતા પહેલાં શશાંકને તાત્કાલિક લીલાવતી આવવાંનો ટૂંકો આદેશ આપી દીધો. અને હોસ્પિટલ આવતાં સુધીમાં શશાંકે એ મેસેજ પાસ કર્યો ચિત્રાને.

રાત્રે બર્થ ડે પાર્ટીમાં ખુબ મોડું થઇ ગયું હોવાથી વિદ્યાએ તેની ફ્રેન્ડના ઘરે જ રાત્રી રોકાણ કર્યું હતું. અને વૃંદાને મેસેજ સેન્ડ કરી દીધો હતો..જે વૃંદાએ વાંચ્યો નહતો.

ફાસ્ટ ફોરવર્ડની ગતિવિધિ અને સમયસુચકતાથી પચાસ મીનીટમાં વૃંદાને આઈ.સી.યુ.માં લઇ જવાઈ. હું અને મારા જુનિયર સાથે બેઝીક ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી અને મેડીકલ ઇક્વિપમેન્ટ પરથી મળતાં સંકેત મુજબ જેની બીક હતી એ જ થઈને રહ્યું, વૃંદા સિવિયર હાર્ટ એટેકનું પેઈન સફર કરી રહી હતી.

વૃંદાએ હજુ તેનું કોન્સીયસ ગુમાવ્યું નહતું..એક યા બે સેંકડ માટે તેની આંખો ઉઘાડીને બંધ કરી દેતી. અચનાક વૃંદા મારો હાથ પકડીને કંઇક કહેવા માંગતી એવો ઈશારો કરવાં લાગી..એ પછી સતત અડધો કલાક આંખો મીંચીને પડી રહી અને અમારી સારવાર શરુ રહી..

ઠીક સાત વાગ્યાની આસપાસ આંખો મીચેલી હાલતમાં વૃંદા બોલી ‘ ડોડો....ડોક્ટર...મામા...મારી વા..વાત સાંભળો.. પ્લી.....ઝ.’

‘પ્લીઝ.. વૃંદા ડોન્ટ ટોક નાઉ પ્લીઝ.’
‘ડોડ....ડોકટર, મમ..મને બો...બોલવાં દો.. ન..નહીં તો હું...’
વૃંદા આગળ ન બોલી શકી

એટલે મને એવું લાગ્યું કે, કદાચ કોઈ એવી વાત હોય કે, જે કહી દેવાથી વૃંદાને મેન્ટલી રીલીફ મળી શકે એમ હોય તો.. તેનું બોલવું જ ઉત્તમ સારવાર સાબિત થશે.
એટલે આંખો મીચીને પડેલી વૃંદાને કહ્યું...
‘અચ્છા ઠીક છે.. ઊંચા અવાજે બોલવાની કોશિષ ન કરીશ.. જે કહેવું હોય એ ધીમેકથી મારા કાનમાં કહી દે.. તો તને આટલું સ્ટ્રેસ નહીં પડે.’

એટલે મારો ચહેરો તેની નજીક લઇ જતાં... ધીમેં ધીમે ત્રુટક ત્રુટક અવાજમાં મને કહ્યું કે,...

‘પહેલાં પપ્પાને બોલવો..મારે તેમને કંઇક કહેવું છે. અને મારા મોબાઈલમાં ત્રણ નામ છે..ચિત્રા, માનસી અને મિ...મિલિન્દ.. તેમને પણ બોલવો... પણ મારી એક રીક્વેસ્ટ છે. આજે ફક્ત હું જ બોલીશ. મને કોઈ પ્રશ્ન નહીં પૂછે.. જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી. અને....’
એ પછી અસહ્ય પીડાથી વૃંદા આગળ કશું ન બોલી શકી અને ફરી આંખો મીચી ગઈ..

જુનિયર્સને ઇન્સ્ટ્રકશ્ન્સ આપી જેવો હું આઈ.સી.યુ.ની બહાર આવ્યો ત્યાં સામે જ ગમગીન ચહેરા સાથે શશાંક અને ચિત્રા ઊંભા હતા. મને જોતાં જ શશાંક મને વળગીને રડી પડ્યો..
એકદમ ગળગળા અવાજમાં રુદન સાથે રીક્વેસ્ટ કરતાં શશાંક બોલ્યો..
‘ડોકટર પ્લીઝ..મને એક મિનીટ માટે વૃંદાને મળવા દો.. પ્લીઝ.. ડોકટર.’
એટલે શશાંક.. કાંપતા શરીર સાથે આઈ.સી.યુ.માં દાખલ થયાં.

અદ્યતન મેડીકલ ઇક્વિપમેન્ટ સાથે જોડાયને આંખ મીચીને પડેલી વૃંદાના માથા પર અશ્રુધારા સાથે હાથ ફેરવતાં શશાંક માંડ માંડ જાત પર કાબૂ કરી શકયાં..ત્યાં અચનાક વૃંદાની આંખો ઉઘડી ગઈ...છલકાઈ ગયેલી આંખોની પાંપણથી વૃંદાએ ઈશારો કરી નજીક આવવાનું કહ્યું... શશાંક તેનો ચહેરો વૃંદાના ચહેરા પાસે લઇ જતાં.. વૃંદા એક જ વાક્ય બોલી... અને ત્યાં તો...

શશાંકને કંપારી છૂટી ગઈ.. આંખના ડોળા ફાટી ગયાં.. શરીર ધૂજવા લાગ્યું.. પરસેવો છૂટી ગયો... ક્યાં ? ક્યારે ? કોણે ? આવાં કંઇક સવાલો શશાંકના ગળામાં થીજી ગયાં, અને શશાંક પણ. વૃંદા, શશાંકને અકલ્પનીય અસમંજસમાં જોઈ શશાંકના સવાલો સમજી ગઈ. એટલે સ્હેજ સ્માઈલ સાથે પાંપણો પટપટાવી સાંત્વના આપવાની ચેષ્ઠા કરતાં ફરી આંખો મીચી ગઈ.

શક્તિહીન દશામાં જાણે મણ એકનો ભાર લઈને માંડ માંડ ચરણ ઉપાડતાં શશાંક આઈ.સી.યુ.ની બહાર આવી લાચારીની હાલતમાં ફરી મને ભેટી રુદન કરવાં લાગ્યાં..

એ પછી મેં બધી વાતથી શશાંકને વાકેફ કર્યો. અને.. ત્યારબાદ શશાંકે કોલ જોડ્યો.. માનસીને અને ચિત્રાએ મિલિન્દને.

ડોકટરે વાર્તાલાપ પૂરો કર્યો ત્યાં સૂધી સતત શશાંકની નજર દેવલ પર જ હતી... એ જોઈ, દેવલને પણ નવાઈ લાગી કે, કેમ અવિરત જોયાં કરે છે ?’

‘હાલની કંડીશન જોતાં તમારું મેડીકલ સાયન્સ શું કહે છે ?’
ઉચક જીવે દેવલે ડોકટરને પૂછ્યું..

‘સાચું કહું તો, વૃંદાના કેસમાં મેડીકલ સાયન્સના ગણિતની ગણતરી ખોટી પડવાના ચાન્સીસ ખરા.’

‘એ કઈ રીતે ? શશાંકે પૂછ્યું..
‘હું જ્યાં સુધી વૃંદાને ઓળખું છું, ત્યાં સુધી..શી ઈઝ ટુ મચ ઈમોશનલ. હવે, એવી કઈ વાતને કારણે વૃંદાના હાર્ટ પર આટલો મોટો ધક્કો લાગ્યો છે, તે વાતનો ખુલાશો વૃંદા કંઇક કહે તો જ ખ્યાલ આવે. અને તેના જીવવાની જિજીવિષા ખૂટી ગઈ હતી.. એ તો આપ સૌ જાણો છો.. એ તો થેંક ગોડ કે, આ માનસી દોશી સાથે અચનાક સપર્ક થયો અને છેલ્લાં એક વીકથી માંડ આટલી ખુલી અને ખીલી હતી.. અને ફરી પાછુ અચનાક શું થઇ ગયું કે...’
ડોકટરે વાત અધુરી મૂકી દીધી.

‘સર, આપનો શું ઓપીનીયન છે ? નોટ એઝ એ પેશન્ટ બટ એઝ એ વૃંદા.’
દેવલે પૂછ્યું..
‘સાચું કહું.. ? તો વૃંદાને બોલવા દો...જે કોઈને, જે કંઈ પણ કહેવું હોય તે કહેવા દો. આ જ અંતિમ ઉપાય છે, બાકી... મેડીકલ સાયન્સ તરફથી તો... નો હોપ, આઈ એમ સોરી.. વૃંદા પાસે સમય નથી. સિવાય કે કોઈ મિરેકલ થાય તો વાત જૂદી છે.’

આટલું સાંભળતાં તો.. સૌની આંખે જાણે ચોમાસું બેઠું હોય એમ સૌ ચોધાર આંસુએ રડવાં લાગ્યાં.. કાળજે કટારી ઉતરી ગઈ હોય એવી પીડા સાથે સૌના છુપા સિસકારા નીકળી ગયાં..

નિયતિએ સૌને એવી વિષમસ્થિતિ પર લાવીને મૂકી દીધાં હતાં કે, હવે
શંકા-કુશંકા,વાદ-વિવાદ, આરોપ-પ્રત્યારોપ, તર્ક-વિતર્ક માટે કોઈ સ્થાન કે સમય નહતો. સૌને મૂક બધિર થઈને વૃંદાના વ્યક્તવ્ય પર મૂક સમંતિ સાથે, સબંધોના સમીકરણ પર મહોર મારવાની હતી.. હસતાં મોઢે.

સૌ તેના મનમાં પોતપોતાના મનોમાનિત ઘૂંટાયેલા રહસ્યના ઘૂઘવાટથી ધૂંધવાયેલા હતાં. લાગણી સાથે ભારોભાર ગ્લાનિ પણ હતી. સવાલોના ષટ્કોણ રાચવા લાગ્યાં. દરેકના સંતાપના પરિતાપની સમાનતા સમાંતર હતી.
સૌના શ્વાસ એ વાત પર અધ્ધર હતાં...કે, વૃંદા શું કહેશે ?

કડવી પણ વરવી વાસ્તવિકતા જણાવી ડોકટર ફરી આઈ.સી.યુ. તરફ જવા રવાના થવાં ઊભા થયાં.. ત્યાં ચિત્રા બોલી..
‘પ્લીઝ, ડોકટર વન મિનીટ.’

એમ બોલી..ડોકટરના ટેબલ પરથી એક કાગળની નાની ચબરખી અને પેન લઈ, ગઈકાલ રાતથી ચિત્રાના દિમાગમાં માનસી અને મિલિન્દના સગપણને લઈને ઘોળાતી શંકાની સ્યાહીને કલમ દ્વારા કાગળ પર ચાર-પાંચ શબ્દોમાં ચીતરી,
એ ચિઠ્ઠી ડોકટરના હાથમાં આપતાં બોલી..

‘પ્લીઝ, સર આ વૃંદાને આપી દેજો ઇટ્સ, અરજન્ટ એન્ડ સિક્રેટ.’
‘જી શ્યોર.’ એમ કહી બંસલ આઈ.સી.યુ. તરફ જવાં રવાના થયાં.


ઠીક પચાસ મિનીટ પછી.. વૃંદાએ ધીમે ધીમે આંખો ઉઘાડી. પાંચ-સાત મિનીટ પછી યોગ્ય લાગતાં ડોક્ટર બોલ્યાં..
‘વૃંદા, સૌ આવી ગયાં છે, પહેલાં કોને મળવું છે ?
સાવ ધીમા સ્વરમાં વૃંદા બોલી..
‘બધાને બોલવો... અને ડોક્ટર પ્લીઝ... આજે મને રો..રોકશો નહીં... મારી બક બકના કારણે મરી જઈશ તો પપ્પાને કહીશ એ તમને ડબલ ફીસ આપશે બસ..’
એમ કહી આંસુ સાથે સ્મિત કરવાં લાગી.

બંસલ આંખો મીચી ગયાં.. શ્વાસની મોહલત નથી છતાં મોત સામે કેવી મજાક સૂજે છે આ છોકરીને ? એવું ડો. મનોમન બોલ્યાં પછી..પેન્ટના પોકેટમાંથી ચિત્રાની ચબરખી વૃંદાના હાથમાં આપી..
બે લીટીની ચિઠ્ઠી વાંચી. હસતાં હસતાં ચિઠ્ઠીનો ડૂચો વાળીને ફેંકી દીધી
એ પછી ડો. એ બાજુમાં ઊભા રહેલાં આસીસ્ટન્ટને ઇશારાથી કહ્યું કે,
‘સૌને અંદર લઇ આવો.’

સૌએ કાળજું કઠણ કરી, મન પર મક્કમતાની ગાંઠ અને પાંપણ પર પાળ બાંધી ડરતાં ડરતાં એક પછી એક દરેકે આઈ.સી.યુ.માં દાખલ થવાં ડગ માંડ્યા.
શશાંક, મિલિન્દ, દેવલ અને ચિત્રાની દશા અત્યારે એવી હતી જાણે કે, સૌ એવાં સુષુપ્ત જલાલામુખીની ટોચ પર બેઠાં હતાં, જે ગમે તે ઘડીએ સક્રિય થઈને ફૂટી નીકળશે.

સૌ ને જોતાં... વૃંદાની નજર મિલિન્દ પર સ્થિર થઈને ચોંટી ગઈ. અસીમિત અશ્રુથી સૌના ગાલ ભીનાં અને આંખો લાલ હતી..

પાંચ સાત સેકન્ડ માટે વૃંદા આંખો મીચી ગઈ..વૃંદાની આંખે સરવાણી ફૂંટી..એ પછી આંખો ઉઘાડી.. ઊંડા શ્વાસ લેવાની કોશિષ કર્યા પછી... બોલી..

‘માનસી..હું તને પરિચય કરાવું... આઆ..આ મિમિમિ....મિલિન્દ છે. મારો દોસ્ત મિ..મિલિન્દ માધવાણી. આઆ...આજે પુરા એ..એકસો ને......સાડત્રીસ દિવસ પછી દેખાયો બોલ. અને એ પણ રડતો. સાંભળ્યું છે કે, બહુ મોમો...મોટો માણસ થઇ ગયો છે.’

દેવલ અને મિલિન્દ બન્ને એ હથેળીએથી તેમનું મોં દાબી દીધું..

વૃંદા આગળ બોલી..
‘પપ...પણ હજુએ એવો જ શરમાળ છે. કાયમ દૂર જ ઊઊ...ઊભો રેતો. ને આજે પણ. માનસી.. તું પૂછતી હતી ને કે, ડીડી...ડીસ્ટર્બ કરવાના કો..કોપીરાઈટ કોને આપ્યાં હતાં.. લે જોઈ લે, અંધારામાં રાખીને એવો અધિકાર જમાવ્યો કે, ડીડી..ડીસ્ટર્બ કરવામાં કોઈ કસર બાકી ન રાખી મારા દોસ્તએ.’

મિલિન્દ વૃંદા તરફ પીઠ ફેરવી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. શશાંક અને ચિત્રા પણ હિબકે ચડ્યા..

આટલું બોલતા તો વૃંદાને શ્વાસ ચડી ગયો... એટલે માનસીએ બે હાથ જોડી.. રુદન કરતાં વૃંદાને કહ્યું...

‘ફોર ગોડ સે પ્લીઝ.... સ્ટોપ ઈટ વૃંદા.. પ્લીઝ..પ્લીઝ..પ્લીઝ.. હું તારા પગે પડું છું.’
બે મિનીટ પછી ફરી હસતાં હસતાં. વૃંદા બોલી

‘પપપ....પણ યાર હવે મારી પાપા...પાસે સમય જ ક્યાં છે. ? અને ઉપર જઈને હું કો...કોને સંભળાવીશ.. ? પ..પણ માનસી તે મારી જોડે પણ દગાબાજી કેમ કરી ?

ગાલ લૂછતાં ગભરાઈને દેવલ બોલી..
‘દગાબાજી ? મેં... મેં તારી જોડે શું દગાબાજી કરી, વૃંદા ?

ચિત્રા સામું જોઈ વૃંદા બોલી...
‘આઆ...આ ચિત્રાનું એએ..એવું કહેવું છે કે, તારા મિમિ...મિલિન્દ જોડે કોઈ છુપા સંબંધ છે, આઆ...આ વાત સાચી છે ? તું ઓળખે છે મિલિન્દને ? ક્યારથી ? મામા..માનશી સાચું કહેજે.. તું.. તું... મારી પીઠ પાપા...પાછળ કોઈ ગે..ગેમ તો નથી રમી રહી ને ? તો શું મિ..મિલિન્દ ના કહેવાથી તું મારી જોડે... ?

આટલું સાંભળીને સૌ દંગ રહી ગયાં..

હવે દેવલ ફસાઈ ગઈ. આ કટોકટીની ઘડીમાં સત્ય બોલે તો.. વૃંદા પર શું અસર થાય અને ના બોલે તો.. ચિત્રા સામે જ ઊભી હતી એટલે.. હવે દેવલ માટે ધારદાર ધર્મસંકટ ઊંભું થયું.. ઉત્તર શું આપવો ? એ વિચારવા માટે પણ સમય નહતો. એટલે સ્હેજ થોથવાતાં બોલી કે..

‘નાના..ના એવું કંઈ નથી.. એએ...એ તો હું અને મિલિન્દ, હજુ ગઈકાલે પહેલીવાર જ મળ્યાં અને.. આઆ..આ ચિત્રા મેડમે અમને એક સાથે જોયા એ..એટલે એમને એવું લાગ્યું હશે કે.. અને મિલિન્દ તમને ઓળખે છે, એ તો મને ખ્યાલ જ નથી.. અને વૃંદા હું તારી જોડે દગાબાજી કરું ?

‘પ્લીઝ...વન મિનીટ તમને યાદ હોય તો, મિલિન્દએ મને એવો જવાબ આપેલો કે, શી ઈઝ માય કઝીન. હવે બોલો શું રમત છે ? સ્હેજ ઉશ્કેરાઈને ચિત્રા બોલી.

‘હા હા.. કઝીન છીએ, પણ મળ્યાં હતાં ફર્સ્ટ ટાઈમ, એ તો હું કહું છું.’
પરિસ્થતિ સાંભળતા દેવલ બોલી..

હવે ચિત્રાએ તેની શંકાને સચોટ સાબિત કરવાં અંતિમ ભ્રહ્માસ્ત્ર છોડવાનું નક્કી કરતાં ચિત્રા બોલી...
‘અચ્છા તો એક કામ કરીએ...મિલિન્દ તમે તમારી પત્નીને કોલ લગાવો એટલે હમણાં સત્ય સામે આવી જશે.’

એટલે મિલિન્દ અને દેવલ બન્ને ગભરાઈને મનોમન બોલ્યાં..
‘હવે કોને કોલ લગાવવો ?’

‘એટલે વૃંદા બોલી..
‘પ્લીઝ મા..મારે કોઈની પર્સનલ લાઈફ સાથે કંશું જ લેવા દેવા નથી. અને ચિત્રા તત...તને શું પ્રોબ્લેમ છે આઆ..આ બન્ને સાથે ? કેમ આટલી અકળાઈ જાય છે ?
શું છે તને ?
એટલે સ્હેજ ઊંચા અવાજે ચિત્રા બોલી....

‘એ એટલા માટે કે, આ લેડી તને અને આપણા સૌને છેલ્લાં એક વીકથી ઉલ્લુ બનાવી રહી છે , ડફોળ.. આ માનસી દોશી નથી.. નથી..ને નથી..જ ’

‘તો...તોતો.. કોણ છે ? વૃંદાએ પૂછ્યું..
‘આ.... હન્ડ્રેડપર્સન્ટ મિલિન્દની પત્ની દેવલ છે યાર...’ ચિત્રા બરાડી ઉઠી.. હોસ્પીટલમાં હોવા છતાં..
બે-પાંચ સેકંડ માટે આઈ.સી.યુ.માં સન્નાટો છવાઈ ગયો.. ત્યારબાદ વૃંદા બોલી..
‘નોટ હન્ડ્રેડ પર્સન્ટ, બટ હન્ડ્રેડ એન્ડ પર્સન્ટ કે, મને ખબર છે કે, આ દેવલ રાણા છે.. પણ...


આટલું સાંભળતા સૌના હોંશ ઉડી ગયાં....મૂંગા બહેરા પૂતળા બની ગયાં..

‘પણ.. શું દીકરા.. ? શશાંકે પૂછ્યું..

‘આ દેવલ રાણા નથી... એ વાતની હજુ આ દેવલને પણ ખબર નથી.’

-વધુ આવતાં અંકે.