પુનર્જન્મ - 20 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુનર્જન્મ - 20

પુનર્જન્મ 20


લિસ્સા ગાલ પરની ચામડી બળીને ખરબચડી અને કદરૂપી થઈ ગઈ હતી. ગાલથી શરૂ થયેલી એ બદસુરતી મોનિકાના પગ સુધી જતી હતી.
એવું નથી કે દુનિયામાં બદસુરત લોકો જીવતા નથી. પણ એક સુંદર વ્યક્તિત્વના માલિકે 25 કે 27 વર્ષની ઉંમર પછી બદસુરતી સાથે જીવવું કેટલું મુશ્કેલ હોય છે એ સમજવું અઘરું છે.

અને સુધીર. સુધીર એને બદસુરત ચહેરા સાથે અપનાવતો ? મોનિકાનું સમગ્ર અસ્તિત્વ હલબલી ઉઠ્યું.

મોનિકાને પેટમાં કંઇક થતું હતું. જીવ ચૂંથાતો હતો. ગભરામણ થતી હતી. કેરટેકર મોસંબીનો જ્યુસ લઈને આવી હતી. મોનિકાને ઉબકા આવતા હતા. મોનિકા હજુ ઉભી થઇ ને બાથરૂમમાં જાય એ પહેલાં વોમિટ થઈ ગઈ.

કેરટેકરે મોસંબીનો જ્યુસ બાજુમાં મૂકી દીધો. દોડીને એક ટબ અને પાણી લઈ આવી. મોનિકાનો ચહેરો અને હાથ સાફ કર્યા. મોનિકા થોડીવાર બેસી રહી. ફરી વોમિટ ના થઇ. મોનિકા ઉઠીને બાથરૂમમાં ગઈ. કપડાં બદલી એ પાછી આવી. કેરટેકરે રૂમ સાફ કરી નાંખ્યો હતો. મોનિકા ને ચક્કર આવતા હતા. એ બેડ નજીક આવતા પહેલાં ફસડાઈ પડી.

કેરટેકરે દોડીને મોનિકાને પકડી લીધી અને બેડ પર સુવડાવી. કેરટેકરે ફેમિલી ડોકટર , સચદેવા અને સુધીરને ફોન કર્યો.

************************

' બી.પી. , પલ્સ બધું જ નોર્મલ છે. પણ આઘાત લાગ્યો લાગે છે. થોડા દિવસ આરામ કરવા દો. ઇચ્છા હોય તો થોડા દિવસ ક્યાંક હવાફેર કરી આવો. '
સુધીર ડોકટર સામે જોઈ રહ્યો.
' હું દવા આપુ છું. રાત્રે બરાબર સુવે એ જરૂરી છે. રોજ રાત્રે મોનિકાજીને દવા નિયમિત આપતા રહેજો. '
સચદેવા ડોકટરને મુકવા ગયો. સુધીર મોનિકાની બાજુમાં બેઠો. મોનિકા છતને તાકતી કોઈ વિચારોમાં ખોવાયેલી હતી. કોઈ શૂન્યાવકાશમાં એ પહોંચી ગઈ હતી. એક જ દિવસમાં કેટલું બધું બદલાઈ ગયું હતું. સુધીરે મોનિકાનો હાથ પોતાના હાથમાં લીધો.
' બહુ વિચારો ના કરીશ. જીવનમાં ક્યારેક ખરાબ સમય આવે. પણ જરૂરી નથી કે ભવિષ્યમાં એનું રિપીટેશન થશે. '
મોનિકા સુધીર સામે જોઈ રહી.

' થોડા દિવસ ક્યાંક ફરી આવીએ. સ્વિત્ઝર્લેન્ડ. '
' ના , મારે ક્યાંય જવું નથી. હું એક બે દિવસમાં ઠીક થઈ જઈશ. '
' ઓ.કે. એઝ યુ વીશ. સચદેવા કહેતો હતો કે તારી સાથે એક અલગ ગાડીમાં ચાર બોડીગાર્ડની વ્યવસ્થા કરીએ. '
' ઓ.કે. '

****************************

એ દિવસથી મોનિકાને રાત્રે બે ગોળી ચાલુ થઈ. મોનિકા ગાઢ નીંદરમાં સરી જતી. વિચારહીન ઉંઘ માટે શાંતી જોઈએ. પણ આધુનિક વિજ્ઞાન શાંતિ વગર પણ ગાઢ નીંદરની વ્યવસ્થા માટે સક્ષમ બની ગયું છે.
સવારે મોનિકા ઉઠી ત્યારે એ ઘણી જ સ્વસ્થ હતી. એને ખબર હતી કે નવરા બેઠે વિચારો વધારે આવશે. એણે એની સેક્રેટરી ફાલ્ગુનીને ફોન કરી જરૂરી ફાઈલો લઈ ઘરે બોલાવી.

મોનિકાએ છાપું હાથમાં લીધું. ટી.વી.ઓન કર્યું. ટી.વી. પર મોનિકા પર થયેલ હુમલાના ન્યુઝ આવતા હતા. સમાચારમાં મંદિરના સી.સી.ટી.વી.ની કલીપ રિલે થતી હતી. મોનિકાએ પહેલી વાર એ કલીપ જોઈ.
રવિને જોઈને દોડતી પોતે , પાછળ દોડેલો રવિ , રવિના હાથમાં ની બોટલ. અને જીપ પાછળથી અચાનક દોડીને આવેલો એ શખ્સ. અને એ શખ્સના ધક્કાથી રોડ પર પડવાથી સેંકડોમાં બચી ગયેલી એ પોતે.

મોનિકાનું મન વિચારે ચડ્યું. કોણ હતો એ શખ્સ. જે પોતાના માટે દેવદૂત બનીને આવ્યો હતો. અને જો રવિની બોટલ એ માણસ પર પડી હોત તો ? એ માણસે એ પણ વિચાર ના કર્યો ?

મોનિકા એ મોબાઈલ ઉઠાવ્યો. પોલીસ કમિશનરને ફોન જોડ્યો.

**************************

પંદર મિનિટ પછી મોનિકાના મોબાઈલ પર નોટિફિકેશન આવ્યું. મોનિકા એ મોબાઈલ જોયો. એને બચાવનાર શખ્સ નો ફોટો , એનું એડ્રેસ આવ્યું હતું. મોનિકાએ એડ્રેસને ધ્યાનથી વાંચી રહી. ક્યાંક આ ગામનું નામ સાંભળ્યું હોય એવું લાગ્યું.

દરવાજા પર નોક થયું. મોનિકાએ મોબાઈલ બાજુમાં મુક્યો. દરવાજામાં સેક્રેટરી ફાલ્ગુની ઉભી હતી. 24 વર્ષની , ઉત્સાહ થી તરોતાજા , ખૂબ જ એમ્બેએસિયશ , ખૂબ જ હોશિયાર. ક્યાં કેટલું હસવું અને ક્યાં કેટલું કડક થવું એ બધું જ એને પૂરતું આવડતું હતું.
સ્હેજ ભરાવદાર પરંતુ ખૂબ જ આકર્ષક અને ક્યારેક બોલ્ડ તો ક્યારેક રિઝિડ લાગતી. આછી ડાર્ક પ્રિન્ટવાલી લાઈટ ગુલાબી મિડી માં એ એક પ્રોફેશનલ સ્માઈલ સાથે દરવાજામાં ઉભી હતી. મોનિકા સાથે એ ખૂબ જ જવાબદાર મેચ્યોર્ડ વ્યક્તિ તરીકે વર્તન કરતી. માટે જ મોનિકાને એ ગમતી.

મોનિકાએ એને અંદર બોલાવી અને કેટલીક ફાઈલો ચેક કરી એને કેટલીક સૂચના આપી. એટલામાં સુધીર આવ્યો. ફાલ્ગુની સામે એણે જોયું અને નજર ફેરવી લીધી.
' મોનિકા , કેમ છે હવે તને ? '
' આઈ એમ ફિલ વેરી બેટર. '
' નાઇસ ડાર્લીગ , હું સાંજે વહેલો આવી જઈશ. ટેઈક કેર. '
' ઓ.કે. '
સુધીર ચાલ્યો ગયો. ફાલ્ગુની ફાઈલો લઈ બાજુની લાઈબ્રેરી વાળા રૂમમાં ચાલી ગઈ. મોનિકાએ મોબાઈલમાં ફરી પેલા શખ્સનું એડ્રેસ જોયું અને ચાર પાંચ ફોન કર્યા.

*****************************

દિવાળીના બે દિવસ બાકી હતા. અનિકેતે ઘરનું કામ બંધ કરાવી દીધું હતું. આગળની ઓસરી, આંગણું તથા ખડકી અને એનો દરવાજો અને ગામડામાં ખડકી બહાર બેસવાનો નાનો ઓટલો. આટલું કામ પતી ગયું હતું. સરસ મઝાનો કલર પણ થઈ ગયો હતો. અનિકેતે આંગણામાં બન્ને બાજુ એક સરસ મઝાના ફૂલો વાવ્યા હતા.
ઓસરીમાં એક સરસ મઝાનો હીંચકો લગાવ્યો હતો. એની બહેનને હીંચકો બહુ ગમતો હતો. આજે હીંચકો હતો પણ એ હીંચકે ઝૂલનાર પોતાની બહેન વગર આંગણું સુનું હતું. હા... એટલી ખબર હતી કે એ ખૂબ સુખી છે. પણ સુખની વ્યાખ્યા શું હોય છે ? પોતાના હદયમાં બહેનની જે યાદ સતાવે છે એ કદાચ બહેનને પણ સતાવતી હોય.

હજુ અંધારું થવાની ખાસ્સી વાર હતી. અનિકેતે આંગણામાં સરસ રંગોળી કરી હતી. ઘણા દીવા તૈયાર કરી ને રાખ્યા હતા. ઘરની બહાર અને દિવાલો પર સરસ લાઇટિંગ કર્યું હતું.

માણસ બધું જ કરી લે. પણ માણસો વગર બધું સુનું હોય છે. માણસો વગર મકાન ઘર નથી બનતું.

ઓસરીમાં એક વિશાળ અરીસો લગાવ્યો હતો. અનિકેત અરીસા સામે જઇને ઉભો રહ્યો. અરીસામાં એ પોતાને જોઈ રહ્યો. શું પોતે ખુશ હતો ? મન કહેતું હતું કે જીવન એક સંઘર્ષ નું નામ છે. અને પોતે જરૂર સફળ થશે. અરીસામાં પાછળ સ્નેહા અનિતાની સાથે આવીને ઉભી હતી. અનિકેતની બહેન સાથે એ બન્ને વાતો કરતી હતી. સ્નેહા એ હાથ ઊંચો કરી કપાળે સટાઇલથી મુક્યો. અને હાથે મુકેલી મહેંદી માં લખેલ શબ્દ અનિકેતને વંચાવ્યો. અનિકેત...

અને અનિકેતને મનમાં ફાળ પડી. આ છોકરી મને મરાવી નાંખશે....
બહાર હોર્ન સંભળાયું. કંઇક ઘોંઘાટ થઈ રહ્યો હતો. અનિકેત ને કંઈક અજુગતું લાગ્યું.

( ક્રમશ : )

29 ઓગસ્ટ 2020