બંધન માનવીએ પોતે સ્વીકારેલું.. સ્નેહનું વિશ્વાસનું અને સાથે જવાબદારીઓનું.... ઘરના દરેક સભ્યો જો એકબીજાના મનને મોકળાશ આપવાની જવાબદારી સ્વીકારી લે તો બધું જ એક દિશામાં વહેતું થઈ જાય અને અલગ-અલગ સુરના ટહુકાઓ સાથે મળી મધુર પ્રેમના સંગીત માં ફેરવાઈ જાય.
આવી જ મોકળાશ ઇચ્છતા આલય અને લેખા...
ધીમે ધીમે ખીલતા જાય છે... બાલ્કની મા વિવિધ ફૂલો ને જોઈ આલયને વાત શરુ કરવાનો વિષય મળી જાય છે....
આલય :-"તો તમને ફૂલો અને પુસ્તકો ગમે એમ ને?"
લેખા :-"હા ફક્ત ફૂલો અને પુસ્તકો જ નહીં મારા સ્વજનો અને પ્રિયજનો ને ગમે તે બધું જ મને ગમે...
તમને શું ગમે?"
આલય :-"આ બાબતમાં હું પણ તમારા જેવો જ છે સાચું કહું મે કોઈ દિવસ નિરાંતે મારા વિશે વિચાર્યું નથી. મારી પસંદ-નાપસંદ મારા મમ્મી વધારે વિચારે મારા વિશે અને તેમાં હું ખુશ પણ છું.
લેખા:-"લગ્નની બાબતમાં પણ તમારી મમ્મી ની પસંદગી વિશે વિચાર્યું હશે?
આલય :-"હા અને ના પણ...."મેં ખાસ કંઈ વિચાર્યું જ નથી તમે પહેલા છો જેને હું જોવા આવ્યો છું... સવારથી તો હજી એ વિચાર આવતો કે તમારી સાથે શું વાત કરીશ? પરંતુ તમારા ઘરનું વાતાવરણ અને તમારા પરિવારના સભ્યો ખુબ જ સહજ છો જેથી હું સરળતાથી વાત કરી શકું છું. હું પણ એવું માનું કે લગ્ન અંગેના નિર્ણયમાં બંને પાત્રોની સરખી ઈચ્છા હોવી જોઈએ અને સાથે જવાબદારી લેવાની તૈયારી પણ..... તો જ એક સરસ લગ્નજીવન સફળ રૂપમાં પરિપૂર્ણ થાય...
લેખા :-"સારા વિચારો છે તમારા..તમને શેનો શોખ છે?"
આલય:-" એક જ શોખ...કલાકો સુધી સંગીત સાંભળું તો પણ એકલું ન લાગે જાણે જીવનના બધા જ પ્રશ્નો હલ થઇ જાય.....
💕 હું અને સાથે વાગતું મારું સંગીત
નિત નવા પ્રશ્નો લઈ આવે સાથે પોતાના વાદ્યો
અને ઉત્તરમાં આપી જાય સુમધુર ગીત 💕
અને લેખા ને સંગીતની શોખીન મૌસમ યાદ આવતા હસવું આવી ગયું.....
આલય :-' શું થયું? કેમ હસ્યા?"
લેખા:-" કંઈ નહીં, કેવું સંગીત ગમે?
આલય :-"જે મનને આનંદિત કરે."
લેખા :-"એક પ્રશ્ન પૂછું?"
આલય :-" ચોક્કસ પ્રશ્નો પૂછવા તો તમે મને અહીં સુધી લઈ આવ્યા...(હસતા હસતા)
લેખા :-"સ્ત્રીઓએ લગ્ન પછી પોતાની કારકિર્દી બનાવવી જોઈએ કે નહીં?"
આલય :-"તે ખુદ તે વ્યક્તિ પર આધાર રાખે છે જેમ કે મારા મમ્મી પોતાની કારકિર્દી નથી બનાવી પરંતુ કાંઈ પણ અધૂરું નથી રહ્યું...."
લેખા :-"એમ તો મારી મમ્મીએ પણ અમને સંપૂર્ણ જ આપ્યું છે પણ તેમાં સ્ત્રીની સ્વતંત્રતા હોવી જોઈએ ભવિષ્યની પસંદગી કરવામાં પણ..
આલય :-"પસંદગી હોય પરંતુ પસંદગી એવી જ હોવી જોઈએ જેમાં બધાનું શ્રેય હોય."
લેખા ને આલયની આ વાત સાંભળી થોડીવાર કૈક ખૂંચ્યું પણ તરત જ વિચારો ખંખેરી વાત માં જોડાઈ..
લેખા:-"એ તો દરેકને પોતાની વિચારસરણી હોય છે તમારે કંઈ પૂછવું છે હવે?
આલય :-"તમે શું વિચારો લગ્નની બાબતમાં?
લેખા :-"મારા માટે પણ આ બધું પહેલી વખતનું અને નવું જ છે.... તમારી સાથેની વાતચીત મમ્મી-પપ્પા સાથે બેસીને ફરી એક વખત વિચારીશ તેમની દૃષ્ટિએ...
આલય :-"એવું જ હોવું જોઈએ આમ છતાં કોઈ પણ પ્રશ્ન થાય તો પૂછી લેવું....હું સારો નહીં સાચો જવાબ આપવામાં માનું છું....
લેખા:-"હું પણ."
અને બંને એકબીજાના નિર્ણય વિશે તો અજાણ હતા પરંતુ સારા મિત્રો જરૂર બની ગયા..... તો ઉર્વીશભાઈ અને અનંત ભાઈ બહેન અને વિરાજ બહેન બંને પણ એકબીજાના સ્વભાવ અને ઘર નો પરિચય કેળવવા લાગ્યા...
અનંતભાઈ :-"મેં લેખા ને એવું જ વાતાવરણ આપ્યું છે સ્વતંત્રતાનું પણ તેમાં સ્વચ્છંદતા ને છૂટ નથી..."
ઉર્વીશભાઈ:-"હા એવી સ્વતંત્રતા માં જ બાળકો યોગ્ય નિર્ણય લઈ શકે."
અનંતભાઈ મારા મતે તો આ બાબતમાં પણ છોકરાઓને જ પોતાના મનની વાત કરવા દઈએ તમારું શું કહેવું છે?"
અનંતભાઈ:-"હું પણ તેવો જ મત ધરાવું છું ઘણી વખત આપણી અત્યારની ઉતાવળ બાળકોને જિંદગીભર નિરાંત નથી લેવા દેતી તેના કરતા બંને ને થોડો સમય આપીએ."
વિરાજ બેન:-"આમ છતાં અનંતભાઈ મારી તો એવી ઈચ્છા છે કે જો બંને એક બીજાને પસંદ કરી લે તો સ્નેહના બંધન ની સાથે નાની-મોટી વિધિ પણ કરી લઈએ તો?
અનંતભાઈ:-"હા બેન તમારી ભાવના હું સમજુ છું પણ આ બાબતમાં હું લેખાની કારકિર્દીને પણ એટલું જ મહત્વ આપું છું આગળ તેનું ભવિષ્ય....
કુસુમબેન:-"ભવિષ્ય તો ઈશ્વર જ નિશ્ચિત કરી શકે."
ઉર્વીશભાઈ:-"આપણે આપણા મનના ઘોડા તો દોડાવીએ છીએ પણ પહેલા તે બંનેનુ મન તો જાણી લઈએ., હા અને આમ છતાં છોકરાઓ નો નિર્ણય તેમના ભવિષ્યને જે દિશામાં લઈ જાય તેને સહર્ષ સ્વીકારી લઈએ."
અનંતભાઈ:-"સો ટકા સહમત."આપણે આલય અને લેખાને અને એક અઠવાડિયાનો સમય આપીએ... પછી જોઈએ તેવું શું વિચારે છે?
ઉર્વીશભાઈ:-" ચોક્કસ અનંતભાઈ... તો ચાલો હવે અમે રજા લઇએ..?આલય અહી બેસીને જ વિચારવું છે કે ઘરે જઈને?
આલય જાણે સંકોચાઇ ગયો... અને તેને જોઈને લેખા શરમાઈ ગઈ....
(આપણે પણ આવતા ભાગમાં જઈશું કે બંનેના નિર્ણયો તેમને કઈ દિશામાં લઈ જાય છે.)
(ક્રમશ)