હાઇવે રોબરી - 12 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાઇવે રોબરી - 12

હાઇવે રોબરી 12

ડી.વાય.એસ.પી. રાઠોડ સાહેબની ચેમ્બરમાં વિડીયો કલીપો પ્લે થતી રહી. આંગડીયા પેઢીની બહારના અને ઘનશ્યામ નાસ્તા હાઉસના સી.સી.ટી.વી. ફૂટેજ ચાલતા રહ્યા. કોઈને એમાં કંઈ ખાસ સમજમાં નહોતું આવતું. પટેલ સાહેબ, રાઠોડ સાહેબને ધ્યાનથી જોઈ રહ્યા હતા. પટેલને રાઠોડ સાહેબની કાર્ય પદ્ધતિ પર અજબ વિશ્વાસ હતો. નાથુસિંહ કંઇક કંટાળા સાથે જોઈ રહ્યો હતો. એ એવું માનતો હતો કે શકમંદોને પકડી લાવી થર્ડ ડિગ્રી અજમાવો. આ એરિયાનો કોઈક તો ગુનેગારોને ઓળખતા જ હશે. આવું માનનારો એ સંકુચિત મગજનો પોલીસકર્મી હતો.રાઠોડ સાહેબ કંઇક ઊંડા વિચારોમાં ખોવાયેલ હતા.
' પટેલ તમને આ વીડિયોમાં કંઈ વિચિત્રતા દેખાય છે? '
' સર , કંઈ સમજાતું નથી. '
રાઠોડ સાહેબે નાથુસિંહ સામે જોયું. કંટાળાના ભાવ ને છુપાવવાની કોશિશ કરતા નાથુસિંહે નકાર માં માથું ધુણાવ્યું. '
' નાથુસિંહ , દેવધર ક્યાં છે. '
' સર , ડ્યુટી પર જ છે '
' બોલાવી લાવો. '
નાથુસિંહે એક કોન્સ્ટેબલને ઈશારો કર્યો.
ચાર મિનિટમાં દેવધર રાઠોડ સાહેબને સેલ્યુટ કરી ઉભો રહ્યો. રાઠોડ સાહેબ દેવધર સામે જોઈને હસ્યા. 25 વર્ષનો યુવાન કોન્સ્ટેબલ.આંખોમાં અવિરત સ્વપ્ન સાથે આમથી તેમ ઉડતા પતંગિયા જેવો તરવરતો યુવાન. ઉજળી સ્કીન , વાંકડિયા વાળ , સાહેબના કારણે આંખો પરથી ઉતારી ગજવામાં ભરાવેલા ગોગલ્સ , મજબૂત બાંધો. કોઈ કોલેજીયન જેવી પર્સનાલિટી ધરાવતો યુવાન.
' ઓર દેવધર , શુ ચાલે છે? '
સાહેબથી ગભરાતા એ યુવાને પોતાની ગભરામણ છુપાવતા બોલ્યો.. ' સર , આઇ એમ ઓકે. '
' કેવું ચાલે છે તારું ચેટ. '
સાહેબે બે વખત ફેસબુક પર ચેટ કરતા પકડ્યો હતો તે યાદ કરતા તે મુંઝાયો. ' સર , સોરી . '
રાઠોડ સાહેબ એની મુંઝવણ સમજી ગયા. હસી ને બોલ્યા. ' કમઓન યંગ બોય , આ તો તમારી ઉંમર છે. '
રાઠોડ સાહેબે પોતાની ખુરશી સાઈડમાં ખસેડી , ' દેવધર , કમઓન. ટેઈક ચેર એન્ડ સીટ ડાઉન. '
દેવધરે પટેલ સાહેબ સામે જોયું.પટેલ સાહેબે આંખો થી સાંત્વન આપ્યું. દેવધર ખુરશી લઈ રાઠોડ સાહેબની બાજુમાં બેઠો.
' દેવધર, આ વીડિયોમાં એક પોલિસવાન દેખાય છે. વિડીયો પરથી એનો એક સારો ફોટો લઈ લે. અને એ ફોટાને એડિટ કરી, એ ગાડી પરથી પોલીસ લાઈટ અને પોલીસના સ્ટીકર કાઢી નાખ. '
રાઠોડ સાહેબ ઉભા થઇ ફ્રેશ થવા જતા રહ્યા. દેવધર ને કંઈક હાશ થઈ.10 મિનિટ થઈ ગઈ. રાઠોડ સાહેબ પાછા આવ્યા. સ્ટાફમાં પાછી એલર્ટનેસ આવી ગઈ.
' સર , જુઓ. બરાબર છે. '
રાઠોડ સાહેબ ફોટા સામે જોઈ રહ્યા.
' ફેન્ટાસ્ટિક. પટેલ જુઓ આંગડિયા પેઢીની ગાડીની પાછળની ગાડીનો ફોટો જેને એડિટ કર્યો છે. અને આ ઘનશ્યામ નાસ્તા હાઉસ સામેનો ફોટો. બન્ને માં જે ટાટા સુમો છે. તે એક જ લાગે છે. એક શકયતા એ લાગે છે કે લૂંટ પછી ગાડી પરથી લાઈટ અને સ્ટીકરો કાઢી લૂંટારા માંથી કોઈ એક નાસ્તો લેવા ગયો હોય. દેવધર , ઘનશ્યામ નાસ્તા હાઉસની કલીપ ચેક કર. અને આ ગાડી માંથી નાસ્તો લેવા કોઈ ઉતર્યું હોય તો એના ફોટાની પ્રિન્ટ આઉટ કાઢ. પટેલ મેં કહ્યું એ જુઓ. '
પટેલ અને નાથુસિંહ ફોટાઓને જોઈ રહ્યા. રાઠોડ સાહેબે બન્ને ગાડીઓની કેટલાક નિશાનીઓ પર માર્કિંગ કર્યું હતું. એ પ્રમાણે બન્ને ગાડીઓ એક હોવાની શક્યતા વધારે હતી. અને જો બન્ને ગાડી એક જ હોય તો નાસ્તો લેવા આવનાર લૂંટારાઓમાંનો એક હોવાની પૂરી શકયતા હતી.
**************************

ઘનશ્યામ નાસ્તા હાઉસમાં સુમો લઈ નાસ્તો લેવા આવનારના ફોટાની પાંચ કોપી બનાવી દેવધરે રાઠોડ સાહેબને આપી. રાઠોડ સાહેબને દેવધર એટલે જ ગમતો હતો કે તે નવા યુગ સાથે નવી ટેકનોલોજીનો જાણકાર હતો.
રાઠોડ સાહેબે એક એક ફોટો પટેલ અને નાથુસિંહ ને આપ્યો અને એક ફોટો હાથમાં લઇ ધ્યાનથી જોવા લાગ્યા.. ફોટો ઝાખો હતો. સ્પષ્ટ ન હતો. પણ એકવાર કલુ મળે તો માણસ ઓળખવા કામ લાગે એમ હતો.
************************
ચાર દિવસ થઈ ગયા. વસંત રોજ સવાર સાંજ ટી.વી. પર ધ્યાનથી સમાચાર જોતો હતો. રોજ છાપું વાંચતો. પોલીસ તપાસમાં કોઈ ખાસ પ્રગતિ થઈ લાગતી ન હતી. વસંતને એટલી ખબર હતી કે પોલીસનું ફેલિયર એ એમની સલામતી સાબિત થવાનું હતું. કોઈની જોડે આ બાબતે વાત કરવી હતી. પણ કોની જોડે કરવી? બધાથી તો આ વાત છુપાવેલ હતી. એક જ રસ્તો હતો. જવાનસિંહ.
આમ તો એવું નકકી કર્યું હતું કે હવે બધા માંથી કોઈ કોઈને મળશે નહીં. પણ આખરે વસંત થાક્યો. મન ને મનાવવું ખરેખર આટલું મુશ્કેલ હશે? ગુનો કરવા કરતાં છુપાવવો અઘરો સાબિત થતો હશે. આખરે એ સાંજે વસંત જવાનસિંહની કિટલી પર ગયો. જવાનસિંહ કિટલી બંધ કરવાની તૈયારી કરતો હતો. અંધારું થવાની તૈયારી હતી. વસંત ત્યાં પહોંચ્યો.જવાનસિંહના મનમાં થડકો થયો. છતાં એણે હસીને આવકાર આપ્યો.
' ગુરુ , કેમ છો ? બધું બરાબર?
' જવાન , હું તો મઝામાં છું. પણ હું ય એ જ પૂછવા આવ્યો છું કે બધું બરાબર છે ? '
' ગુરુ , હજુ તો બધું બરાબર જ છે. અને કંઈક લોચો થશે તોય તમારા સુધી કોઈ પહોંચી નહિ શકે. કેમકે તમારા સુધી પહોંચવા મારી જુબાન ખોલાવવી પડશે. અને વિશ્વાસ રાખજો. હું મરી જઈશ પણ જુબાન નહિ ખોલું. '

' જવાન એ તો મને વિશ્વાસ છે. પણ મનમાં એક બોજ થઈ ગયો છે. ખબર નથી કેમ પણ મન અશાંત થઈ ગયું છે. '
' ગુરુ , ગુનો ક્યારેય શાંતિ આપતો નથી. એ માટે તદ્દન નફ્ફટ થવું પડે. અને એટલે જ હું તમને કહેતો હતો કે તમે આનાથી દૂર રહો. પણ જવા દો ગુરુ એ વાત. તમે ચિંતા કેમ કરો છો ? હું છું ને ? હું બધું સંભાળી લઈશ. '
' જવાન , કોઈ વિગત મળે તો મને તરત જ જાણ કરજે. '
*******************************
વસંત રાત્રે ઘરે ગયો. બધા સાથે જમવા બેઠા.
લાલો રાધાના ખોળામાં ધમાલ કરતો હતો. તેને સાચવી ખાવાનું પીરસતા રાધા બોલી,
' આજકાલ તમે ક્યાં ખોવાયેલા રહો છો. કંઈ ખબર જ નથી પડતી. '
' ક્યાંય નહીં.બોલ ને શું કામ હતું? '
' આજે છગનમામા આવ્યા હતા. '
વસંતે રાધા સામે પ્રશ્નસુચક નજરે જોયું.
' નંદિની માટે એક વાત લઈને આવ્યા હતા , ઘર અને છોકરો સારા છે. છોકરાના બાપાનો પોતાનો વ્યવસાય છે. '
વસંતે નંદિનીની સામે જોયું. નંદિનીના ચહેરા પર પળ વાર પહેલાની ચમક જતી રહી હતી.વસંતે રાધાની સામે જોયું. અને બોલ્યો,
' હમણાં નહિ , હજુ વાર છે. '
' કેટલી વાર છે? તમે શેની રાહ જુઓ છો. બહેન ગમે તેટલી વ્હાલી હોય પણ સાસરે જ શોભે. એક ઉંમર વીતી ગયા પછી સારો છોકરો મળવો મુશ્કેલ થઈ જાય છે. '
વસંત એક પળ મન મક્કમ કરી બેઠો. અને અન્નદેવતાને નમન કરી હાથ ધોઈ ઉભો થઇ ગયો. રાધાને અફસોસ થયો કે પોતાને કારણે એ આજે અધૂરું જમીને ઉભા થઇ ગયા. પણ રાધાને એ ના સમજાયું કે પોતાની વાત માં ખોટું શું હતું? કદાચ નંદિનીને અળગી કરવાનો એમનો જીવ ચાલતો નહિ હોય.
( ક્રમશ : )