અધૂરપ. - ૮ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરપ. - ૮

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૮

અમૃતાને અચાનક ચક્કર આવી ગયા અને એ પડી જાય એ પહેલા રાજેશે એને પોતાના બાહુપાશમાં પકડી લીધી. આજ સુધી ક્યારેય એને અમૃતા માટે ચિંતા નહોતી થતી, કારણ માત્ર એક જ હતું કે અમૃતા મારી લાગણીઓ સાથે રમત રમી અને ઘરના સદસ્યો સામે સારી બનવાનો પ્રયત્ન કરી રહી છે.. પણ તેની આંખ આગળનો પડદો કુદરતે ગાયત્રીના માધ્યમથી ખોલી દીધો હતો. રાજેશને એક તો પોતે જે દીવાલ અમૃતા અને પોતાના સબંધ વચ્ચે ઉભી કરી હતી એનો ખુબ પસ્તાવો હતો અને આમ અચાનક અમૃતાને ચક્કર આવ્યા આથી એ રીતસર ગભરાઈ જ ગયો. રાજેશના ચહેરો પરસેવાથી રેબઝેબ થઈ ગયો.

ક્યારેય પાણીનું પણ ન પૂછનાર રાજેશ આજે એકદમ બેબાકળો બની ગયો હતો.

જોને કુદરતે કર્યો ખુલાસોને પ્રેમ ફરી દિલને સ્પર્શી ગયો.
થઈ બધી કસોટીઓ પૂરી અને સમય સાથ આપી ગયો.
દોસ્ત! આજે સત્ય સામે જાણે સમય પણ હારી ગયો હતો.

ભાર્ગવી તરત જ પાણીનો ગ્લાસ ભરી લાવી અને રાજેશભાઈને આપ્યો હતો. રાજેશે થોડું પાણી અમૃતા પર છાંટ્યું અને અમૃતા ભાનમાં આવી. અમૃતાની આંખો સહેજ સળવળી. એણે આંખો ખોલી ને આંખ ખૂલતાં જ એની નજર રાજેશ પર પડી. એની અને રાજેશની નજર મળી. અને અમૃતાને પોતાનું પ્રતિબિંબ રાજેશની આંખમાં દેખાયું.

તારા નયનનું આ કેવું પ્યારું છે દર્પણ!
મારુ જીવન તો છે સદા તને જ અર્પણ!

થોડી ક્ષણો એ પોતાના પતિની આંખમાં રહેલ પોતાના ચહેરાને એકીટશે જોઈ રહી હતી. અમૃતા કંઈક અલગ અનુભૂતિ અનુભવી રહી હતી. કદાચ એ વર્ષો બાદનો રાજેશનો પોતાને થયેલ સ્પર્શ હતો.

જોને લાગણી હજુ અકબંધ જ હતી,
દોસ્ત! પ્રેમની જીત નિશ્ચિત જ હતી!

અમૃતા સંપૂર્ણ ભાનમાં આવતા જે બેઘડી આખા પરિવાર વચ્ચે રાજેશને એકીટશે જોઈ રહી તેથી થોડી શરમિંદગી અનુભવવા લાગી અને તેની શરમની લાલાશના શેરડા છુપાવતી તરત રાજેશના બાહુપાશ માંથી છૂટીને બોલી, "મને ૨/૪ દિવસથી ચક્કર આવે છે પણ આજ પહેલી વાર હું સંતુલન ગુમાવી બેઠી.

રાજેશ તરત બોલી ઉઠ્યો કે, "તો એટલા વખતથી તે કેમ મને કીધું નહીં?"

રમેશભાઈ પણ તરત જ બોલ્યા, "હા બેટા તારે જાણ કરવી જોઈતી હતી."

અમૃતા બોલી, "મને થયું કે થાકના લીધે હશે આથી આરામ થશે તો ઠીક થઈ જશે."

શોભાબહેન કટાક્ષ કરતા બોલ્યા કે, "અમૃતા એવો શેનો તને થાક લાગ્યો?"

રાજેશ આજે પહેલીવાર પોતાના મમ્મી સામે બોલ્યો, "ઘણી વાર થાક કામનો જ ન હોય મનનો પણ હોય ને! આજે લગ્નના આટલાં બધાં વર્ષો પછી પહેલી વાર રાજેશની આંખમાં શોભાબહેનને અમૃતા માટેની લાગણી દેખાઈ હતી જે શોભાબહેનને પગથી માથા સુધી દઝાડી ગઈ..

ક્યારેક વિચાર આવે કે, આવા પણ માવતર હોય ખરા કે જે પોતાના અહમ માટે પોતાના બાળકની ખુશી પણ સહન ન કરી શકે?

અમૃતાએ વાતાવરણ સામાન્ય કરતા તરત કહ્યું કે,"આવતીકાલે હું ભાર્ગવી જોડે જઈને ડૉક્ટર પાસેથી દવા લઈ આવીશ."

રાજેશ તરત બોલ્યો, "નાહકનું મોડું શું કામ કરવું? ચાલ ને અત્યારે જ જઈ આવીએ." અમૃતાને આજે રાજેશ ખૂબ બદલાયેલો લાગ્યો. એ રાજેશના આવા વર્તનને સમજી શકતી નહોતી. એને ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું હતું અને એનું મન પ્રશ્નાર્થ હોવા છતાં એ સાવ સામાન્ય રહેવા પ્રયત્ન કરી હતી. એ બોલી, " રાત પડી ગઈ છે જમવાનું બનાવી લઉં. બાળકો પણ ભૂખ્યા થયા હશે, આપણે કાલે જઈશું." રાજેશે હકારમાં માથું ધુણાવ્યું.

****
આ તરફ માનસ બ્રેડ બટર ખાઈ ચા પીને ઊંઘવાના વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો. જરા ઊંઘ ચડે અને પોતાને ગાયત્રી એને ભેટીને સૂતી હોય એવો ભાસ થતો અને એની આંખો ખૂલી જતી હતી. ક્યારેક સોનાલીનો પપ્પા શબ્દનો સાદ એના કાનમાં ગુંજતો હતો. દીકરી કાયમ પોતાના હાથને તકીયો બનાવી ઊંઘતી હતી એ વાત માનસને વિચારવા મજબુર કરી રહી હતી કે, સોનાલી મારા વગર કેમ ઊંઘી હશે? માનસને ઘડીક તો થયું કે, ગાયત્રીને કોલ કરી પૂછું? એણે ફોન હાથમાં લીધો. ગાયત્રીનો નંબર કાઢ્યો અને થોડીવાર એ ડાયલના લીલા બટન સામે જોઈ રહ્યો અને પછી એણે અચાનક જ ડાયલ કર્યા વિના જ ફોન બંધ કરીને મૂકી દીધો. એટલી હિમ્મત એનામાં ક્યાં હતી કે, એ અડધી રાત્રે પોતાની પત્નીને કોલ કરે?

મન પસ્તાવાથી બળે છે આજે મારુ!
તારા વિનાનું જીવનમાં કેવું છે અંધારું!
તારા થકી જ હતું ઘર મારુ અજવાળું.
સપનામાં પણ હવે તો છું તને જ ભાળું.

આખી રાત એના મનમાં ખુબ વલોપાત ભભૂકતો રહ્યો. એ સુવાની વ્યર્થ કોશિશ કરી રહ્યો પણ એમ એને ઊંઘ ક્યાં આવવાની હતી આજે!

***
અને અહીં અમૃતા પોતાના રૂમમાં જેવી આવી કે તરત રાજેશે એને માફી માંગતા સ્વરે કહ્યું, "મને માફ કરી દે, હું તારો ગુનેગાર છું."