અધૂરપ. - ૯ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરપ. - ૯


અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૯

અમૃતા રૂમમાં પ્રવેશતા જ ક્યારેય માફી શબ્દ રાજેશના મુખે સાંભળ્યો નહીં અને આજે પહેલી વખત એ શબ્દ સાંભળી રહી હતી આથી અડધી તો એમનેમ જ એ પીગળી ગઈ હતી. દરેક પરણેલી સ્ત્રી ફક્ત પોતાના પતિ દ્વારા જરા પણ લાગણી સભર વાતનો ટહુકો સાંભળે એટલે એમનું મન ખૂબ જ પ્રફુલિત થઈ જ જાય! અને અમૃતા એ તો આટલા વર્ષો સુધી માત્ર અબોલા અથવા તો કટાક્ષ જ સાંભળ્યા હતા. આજે અમૃતાને પણ જાણે કંઈક વધુ જ આકર્ષણ રાજેશ તરફ થઈ રહ્યું હતું, પણ હંમેશા પોતાની લાગણીઓને એક ખૂણે જ દબાવી રાખી હોવાથી કદાચ અમૃતા લાગણીઓને વ્યક્ત કરવાનું જ ભૂલી ગઈ હતી. અમૃતાએ કોઈ જ પ્રશ્ન કે સંવાદ વગર જ કઈ વાંધો નહીં કહીને વાતને વિરામ આપ્યો.

રાજેશને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો. એ પશ્ચાત્તાપ ની આગમાં સળગી રહ્યો હતો. વળી, પ્રેમ પણ ખુબ હતો પણ પોતાની મમ્મી થોડી કોઈ ખોટી વાત કરે? એ જે ખોટી વાત મનમાં ઘર કરી ગઈ હતી એ વાતે સબંધ ખોખલો કરી નાખ્યો. માતાના અંધ પ્રેમની પટ્ટી જે રાજેશની આંખોમાં બંધાયેલી હતી એ કદાચ હવે ખુલવા લાગી હતી. રાજેશને અનુલક્ષીને અમૃતા રહેવા લાગી હતી આથી રાજેશ વધુ ગફલત માં રહ્યો કે, અમૃતા ખોટું જ બોલી પણ ભૂલ મમ્મીએ પકડી આથી હવે ચેતી ગઈ અને હવે પોતે ભોળી થવાનું નાટક કરે છે. જેમણે એક વાર બહાર મોઢું માર્યું હોય એ જિંદગીમાં ક્યારેય ન સુધરે! આવા બધા ખોટા વિચારે રાજેશ અમૃતાથી એટલો બધો દૂર થઈ ગયો હતો કે પ્રેમનું સ્થાન એમના જીવનમાં એક શબ્દથી વિશેષ કંઈ જ નહોતું રહ્યું. પણ અમૃતા સાચી હતી આથી કુદરતે એને ન્યાય કરવો જ પડ્યો, ભલે ૧૨ વર્ષે પણ આજ રાજેશ જાણે અમૃતા માટે ખુબ માન અને લાગણી અનુભવતો હતો. રાજેશ બોલ્યો, 'અમૃતા કાલે ભાર્ગવીના બદલે હું જ હોસ્પિટલ તારી સાથે આવીશ.'

અમૃતાએ માથું હલાવી ઓકે કહ્યું.

રાજેશ અમૃતાની સમીપ ગયો અને બોલ્યો, હું ખરેખર દિલથી માફી માંગુ છું, મેં ખુબ મોટી ભૂલ કરી મેં તારી અને ગાયત્રીની કાલ સવારની વાત સાંભળી લીધી છે. અમૃતાની આંખો થોડી મોટી થઈ ગઈ. હવે એને રાજેશના બદલાયેલ વર્તનનું રહસ્ય સમજાણું... અમૃતા કઈ કહે એ પહેલા જ રાજેશ એને ભેટી પડ્યો, અમૃતાના કાનમાં ધીરેથી આઈ લવ યુ બોલ્યો અને અમૃતા સાવ પીગળી જ ગઈ. રાજેશ અને અમૃતા વચ્ચે જે અણસમજની દીવાલ હતી એ આજે સંપૂર્ણ તૂટી ગઈ. આજે માતા દ્વારા જે કપટ રચાયું હતું એની સામે સત્ય પ્રેમની જીત થઈ હતી.

આ તરફ માનસકુમારના દિવસો જેમ તેમ કરતા માંડ જઈ રહ્યા હતા. બીજા ૩ દિવસ પણ નીકળી ગયા કે, ગાયત્રી કોલ ન કરે તો હું કેમ કરું? અને ગાયત્રીને અમૃતાભાભીએ કોલ કરવાની ના પાડી હતી આથી એ તો કોલ કરવાની જ નહોતી.

આજે પણ રાત્રે સોનાલી એના પપ્પાને ખુબ યાદ કરી રહી હતી. અમૃતાના કહેવાથી ગાયત્રીએ માનસને કોલ કર્યો હતો.

માનસે ગાયત્રીનો કોલ જોયો કે બધો જ ગુસ્સો, અહમ અને ખીજ તરત જ ગાયબ થઈ ગયા. માનસે કોલ ઉપાડ્યો અને કહ્યું, " હેલો...!"

ગાયત્રી અવાજ પરથી જ અનુમાન લગાવી ચુકી હતી કે, માનસનો ગુસ્સો ઉતરી ગયો છે. પ્રત્યુત્તર આપતા એ બોલી, 'હેલો, સોનાલી તમને ખુબ જ યાદ કરતી હતી આજે એ જીદ કરીને બેસી કે પપ્પા જોડે વાત કરું પછી જ હું ઉંઘીશ, આથી કોલ કર્યો.

માનસે સામુ અધીરાઈ દાખવતા પૂછી જ લીધું, નહીં તો તને મન નહોતું કોલ કરવાનું??

ગાયત્રી બોલી ખુબ મન હતું, પણ....

પણ... શું? ગાયત્રી? તને મારા વગર ગમે છે? રોજ તારાથી ચા ગળે ઉતરે છે મારા વગર?

ગાયત્રી એ માનસકુમારની વાત વચ્ચેથી જ કાપી નાખી અને ટૂંકમાં જ જવાબ આપ્યો, ના.

માનસકુમાર બોલ્યા, "તો એવો શું વટ કે કોલ ન કર્યો?"

ગાયત્રીને શું થયું કે ખડખડાટ હસવું જ આવી ગયું...

માનસકુમાર પણ તેનું હાસ્ય સાંભળી હાસ્ય વિના રહી ન શક્યા અને એ પણ ખડખડાટ હસી પડ્યા... સોનાલીએ મોબાઇલ લીધો અને જેમ કાયમ વાત કરતી એમ તેના પપ્પા જોડે વાત કરવા લાગી.. ફક્ત ૬ જ દિવસમાં સંબંધ પેલા જેવો નહીં પણ એથી વધુ મજબૂત અને લાગણી સભર થઈ ગયો...

સંપૂર્ણ દેખાતા જીવનમાં પણ હોય છે જ અધૂરપ,
દોસ્ત! પુરુષના જીવનમાં સ્ત્રી વિના છે જ અધૂરપ,