MAADE VAGH NI THAVU..! books and stories free download online pdf in Gujarati

માડે વાઘ ની ઠવું..!

માડે વાઘ ની ઠવું..!
1990 માં હું અમદાવાદ B Sc
પતાવીને સુરત આવ્યો હતો. જીવનની લડાઈમાં આ સાયન્સ ગ્રેજ્યુએશનની ડિગ્રીનું બુઠ્ઠું હથિયાર લઈને મારે લડવાનું હતું.શિક્ષક બનવાનું ધ્યેય હોવાથી મારે આ B Sc નામની ઠુંઠી તલવાર પર B Ed નામનું મ્યાન ચડાવવું જરૂરી હતું.પણ કર્મ સંજોગે T Y માં પરીક્ષાથી ન બીવાય એવું મોટીવાય કોઈ કરી ગયેલું.એટલે ડરતા ડરતા પરીક્ષા આપવાને બદલે બંદાએ ફરતા ફરતા પરીક્ષા આપેલી.ગુજરાત યુનિવર્સિટી બહુ કડક હતી એટલે ચોરી કરવામાં ફડક હતી.અને એમ ન હોત તો પણ હું પરીક્ષામાં ચોરી અને જીવનમાં સીનાજોરી કરવામાં પહેલેથી બહુ માનતો નથી.
અને આમેય B Edમાં આગળના વર્ષે 45-46 પર્સન્ટેજ વાળા પર્સનોને એડમિશન મળી ગયેલું એટલે મારુ મિશન પણ સફળ થવાની ખાતરી હતી.
કહે છે ને કે રાંકાના નસીબ હોય વાંકા ! અમે રાંકા તો ન્હોતા પણ ફાંકા મારવામાં અને ગમે ત્યાં ફાંકા પાડવામાં જ અમારો અમૂલ્ય સમય સરી જવા દીધો હોઈ TY
માં અમારી દ્રષ્ટિએ પેપર બહુ જ અઘરા નીકળેલા.આટલા વર્ષોના યુનિ.ના ઇતિહાસમાં સૌથી વધુ અઘરા પેપર અમારી વખતે જ નીકળેલા એમ હજી અમે માની રહ્યા છીએ.અને આ વાતની સાબિતી સ્વરૂપે અમારો દોસ્ત જગો, પ્રોફેસરોને પણ પેપર તપાસવામાં પરસેવો વળી ગયો હોવાનું જાણી લાવેલો !!
ઉનાળાની ગરમી અમદાવાદમાં બેશરમીની બધી હદો વટાવી જતી હતી. કોર્સ બહારનું પેપરમાં પૂછયું હોવાનું લાગતા અમને ફોર્સ વધી રહ્યો હતો.આપણે ચોરી કરવી તો નથી પણ કદાચ કામમા આવે એમ સમજીને કેટલીક કાપલીઓમાં માત્ર અમને જ ઉકલે એવા અક્ષરો પાડીને શરીરના દુર્ગમ સ્થાનોમાં અમે સંતાડી હતી. જગો, શરીરમાં દક્ષિણના પહાડી પ્રદેશો વચ્ચેની ખીણમાં ગમે તેવો ખજાનો છુપાવી શકાય છે એમ કહેતો. અને હજી સુધી જગા સિવાય ત્યાં કોઈનો હાથ પહોંચ્યો ન્હોતો.દરેક પરીક્ષામાં જગો, જગ્ગા ડાકુ બનીને નોટબુકમાં ઝીણી નજરે લુક કરીને જ્ઞાનના ખજાનાને એકદમ સુક્ષ્મ અક્ષરદેહ આપીને કાપલીઓમાં છાપી લેતો.
જગો કોપી કરવામાં એ સમયે ઉસ્તાદ નંબરવન કહેવાતો. એકવાર SYમાં અમે તાજા તાજા જ આવેલા.FY સુધી ગુજરાતી મીડિયમમાં ભણેલા અમેં SYના પહેલા દિવસે જ ક્લાસમાં અંગ્રેજીનો સામનો કર્યો. પ્રોફેસર આવીને ઈંગ્લીશમાં મંડ્યા ઝીંકવા
અને અમે સૌ ભાગવત કથા સાંભળતી વખતે માથા હલાવતા ભાભાઓની જેમ અમને બધું જ સમજાતું હોવાના હાવભાવ સાથે ફાટી આંખે સાહેબને તાકી રહેલા.
જગાએ તો કાન પાસે હથેળી રાખેલી. મેં પૂછ્યું તો કહે કે સાહેબના શબ્દો કાન પાસે તો આવતા'તા પણ અંદર જવાને બદલે સીધા જ પસાર થઈ જાતા'તા અટલે મેં આડો હાથ રાખેલો..!
"સારું થયું જગલા, તેં હાથ રાખ્યો તોય સાહેબના શબ્દો તારા કાનમાં ન ઘુસ્યા. નકર અમારા ભાગમાં તો કાંઈ આવત જ નહીં."
અમારા દોસ્ત ભુવાએ કહ્યું.
"અરે ભુવા, ઇસમે કયા હુવા ? જગો તો સંત માણસ છે.એ તો એક કાને સાંભળીને બીજા કાને બહાર કાઢી નાખે છે.એણે ક્યાં કોઈદી' કાંઈ મનમાં રાખ્યું છે ?"
મેં કહ્યું.
"હા..ઈ સાચું.કારણ કે એને મગજ હોય તો માલીપા રાખે ને.." જગો ડોળા કાઢીને એને મારવા ધસે એ પહેલાં ભુવો સલામત જગ્યાએ સિધાવી ગયેલો.
મેં સહેબનું લેક્ચર મને ફાવે એવું નોટબુકમાં ઉતારેલું. એમાં વળી નોટબુકના પેઇઝમાં વચ્ચેના ફકરામાં બહુ ભૂલો હોવાનું ભૂલથી હું જોઈ ગયેલો એટલે એ ફકરાને ચોરસ બોર્ડર કરીને મેં ચોરસના સામસામેના ખૂણાઓને દુભાગતા વિકર્ણ દોરીને એ ફકરો કેન્સલ કરવા વચ્ચે મોટા અક્ષરે ક્રોસમાં cancle લખેલું.
જગો લખવા ભુંસવામાં બહુ હોશિયાર ન્હોતો પણ પાક્કો કોપીકિંગ હતો.મને લખતો જોઈ, સેનાપતિને લડતો જોઈ રાજા આરામથી અંબાડીમાં આરામ ફરમાવે એમ એણે સાહેબના હાવભાવ જોવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.કારણ કે પછીથી સાહેબની એક્ટિંગ કરી શકાય !
હોસ્ટેલ પર આવીને એ મારી નોટબુક લઈને લેક્ચર કોપી કરવા બેઠો.હું બહાર જઈને પાછો આવ્યો ત્યાં સુધીમાં જગાએ કામ પતાવી નાખ્યું હતું.
એના અક્ષરો સ્વાભાવિક રીતે સારા થયેલા કારણ કે મેં ચાલુ લેકચરે લખેલું એટલે ઉતાવળમાં અક્ષરો મને એકલાને જ ઉકલે એવા હું કાઢી શકેલો. પણ જગાને તો અક્ષરો ઉકેલવાની જરૂર જ નહોતી. જેવું લખાણ હોય એવી કોપી એ કરી નાખતો. અને કાપલીમાં પણ એવું જ કોપી કરીને પેપરમાં પણ લખી આવતો. શું લખ્યું છે એ સમજવાની ક્યારેય એણે તસ્દી લીધી ન્હોતી. છતાં એ પાસ થઈ જતો.શું પૂછાયું અને શું લખ્યું એ તો મારો, અરે સોરી જગાનો રામ જાણે !
હું રૂમ પર આવ્યો એટલે જગો ખૂબ જ ઉત્સાહથી એના સારા અક્ષર બતાવવા લાગ્યો.
હવે મારે તો એ ફકરામાં ભૂલ પડેલી એટલે મેં એ ફકરા ફરતે કરેલા ચોરસમાં ચોકડો મારીને કેન્સલ લખેલું પણ જગો એવું કંઈ જાણતો ન્હોતો.એણે પણ એવો જ ચોરસ કરીને વિકર્ણ રચ્યા હતા. અને એ જ રીતે cancle પણ જગાએ કરેલું ! કોપી એટલે કોપી બોસ, અમથા કંઈ કોપી કિંગ કહેવાતો હશે !!
"અલ્યા આંટા વગરના,મારે ભૂલ પડેલી એટલે મેં એ ફકરો છેકીને કેન્સલ લખ્યુતું..ડોબીના તેં આવું શું કામ કર્યું..?" મેં હસતા હસતા કહ્યું.
"કેમ તેં ભૂલ સાથે લગ્ન કરી લીધા છે ? તે ભૂલ તારી એકલાની જ થઈ જાય ? અલ્યા ડોબીના, તારે ભૂલ પડે તો મારે નો પડે ? આંટા વગરનો હું નહીં પણ તું છો.." કહી જગો પણ હસ્યો.
આવો જગો કોપી અને કાપલીઓના સહારે TYમાં પણ ફર્સ્ટ કલાસ લાવ્યો એ જોઈને અમારા સૌના મોં સિવાઈ ગયેલા.
ટોપોલોજીમાં ટોપા જેવો જગો ટોપ સ્કોર લાવેલો.મારે માત્ર 46 ટકા આવ્યા હોવાથી હું વધુ શોરબકોર કર્યા વગર B Edમાં મળી જવાની ઠગારી આશા લઈને અમદાવવાદથી સુરત આવી ગયેલો.અને જગો M Sc માં ઘુસ્યો હતો.
મારા કમનસીબે મારી ઉપર વારી જઈને યારી ન આપી એટલે એ વર્ષે યુનિવર્સિટીએ 47 ટકાએ B Ed માં પ્રવેશ અટકાવીને મને એક ટકો ઓછો હોવાથી લટકાવી દીધો.
એટલે મારે 'અનટ્રેઇન' ની ટ્રેઇનમાં બેસીને પ્રાઇવેટ શાળામાં ઓછા નહીં પણ એકદમ ઓછા પગારની નોકરી શોધવાનો કપરો સમય આવ્યો.
તેરમાં વર્ષે અજ્ઞાતવાસમાં છુપાયેલા પાંડવોને શોધી કાઢવાનો દુર્યોધનને જેટલો આત્મવિશ્વાસ હતો એના કરતાં મને 46 ટકાએ B Ed માં મળી જવાનો આત્મવિશ્વાસ ત્રણ ગણો હતો..!
પણ હું અને દુર્યોધન બેઉ ખોટા પડ્યા એટલે હું 'સારી' નોકરી શોધવા લાગ્યો.
નાલંદા વિદ્યાપીઠ અને નાલંદા વિદ્યાલયમાં ખાલી પીઠ અને લયનો જ તફાવત હતો.મારી પીઠ પર સતત આઠ પિરિયડનો બોઝ
મહિને સાતસો રૂપિયાના ભાવે નાખવામાં આવ્યો ત્યારે હું રાજીનો રેડ થવાને બદલે યલો થઈને થોડો ઘેલો પણ થઈ ગયેલો.
આમ તો આપણી આ વાર્તા હવે જ શરૂ થઈ રહી છે.આગળનું વર્ણન તો હું કઈ રીતે નાલંદા વિદ્યાલયમાં વિદ્યા આપવા આવી પહોંચ્યો એ જણાવવા માટે કર્યું છે.
B.edમાં મળવાની અભિલાષા અંતરમાં દબાવી દઈને આવક ઉભી કરવાના અરમાનો સાથે ગાળાટાઈપ મકાનમાં ચાલતી નાલંદા વિદ્યાલયના આચાર્ય સમક્ષ હું ઉપસ્થિત થયો.
મને પગથી માથા સુધી ચશ્માની આરપાર તાકીને માપી રહ્યા પછી સાહેબે જણાવ્યું કે એક બે તાસ અમારે જોવા પડશે.
એમનો જવાબ સાંભળી મારા કાર્યક્ષેત્રની તપાસ અહીં પુરી થશે એવી આશ લઈને હું ધોરણ છના વર્ગમાં ગણિતનો પિરિયડ લેવા ગયો.
એ કલાસ 11× 30 નો ગાળો હતો જેમાં આગળ અને પાછળ સામસામે દરવાજા અને ત્રણ ત્રણ ફૂટ પહોળી ગેલેરી હતી.
આગળના દરવાજાની જમણી બાજુએ ખૂણામાં 6×4 નું કાળુ પાટિયું લટકતું હતું અને ખૂણામાં એક નાનકડા સ્ટેન્ડ પર ચોકના ટુકડાઓ ઘરના આંગણામાં છોકરા રમતા હોય એમ રમી રહ્યા હતા.
કલાસ ભરચક હતો.બંને બાજુ ગોઠવેલી સાડા ચાર ફૂટ લાંબી બેન્ચ વચ્ચે માંડ દોઢેક ફૂટની જગ્યામાં ચાલીને પાછળ સુધી જઇ શકાતું હતું.પાછળની સાઈડ દરવાજાની બાજુમાં બારી હતી.
હું જેવો વર્ગમાં પ્રવેશ્યો કે તરત બાળકો ગુડ મોર્નિંગ સ..ર...ર... કહી ઉભા થઇ ગયા.મને જીવનમાં આવું માન પહેલી જ વાર મળ્યું હોઈ હું અત્યંત ખુશ થઈ ગયેલો.
પણ પછી તરત મારી પાછળ જ મને મુકવા આવેલા આચાર્ય સાહેબને જોઈ મારી ખુશી ઓલવાઈ ગઈ.કારણ કે બાળકો તો આચાર્ય સાહેબને જોઈ ઉભા થયેલા..!
સાહેબે મારો પરિચય કરાવતા બાળકોને કહ્યું કે કદાચ આ સર હવે તમને ગણિત ભણાવશે.તમે લોકો એક પિરિયડ ભણો પછી જો તમને આ સર ગમે તો મને જણાવજો..!
એમ કહી તેઓ ચાલ્યા ગયા. બાળકોની અનેક નજરો મારી સામે નવાઈથી તાકી રહી હતી.
જાણે કીડીઓના ઝુંડમાં મકોડો આવી ચડ્યો હોય એવું મને લાગી રહ્યું હતું.
તો આ બાળકો મારુ ભવિષ્ય નક્કી કરવાના હતા. મેં ટ્યુશન કરાવેલા એટલે છઠ્ઠા ધોરણના ગણિતમાં શુ ભણાવવાનું આવે છે એ મને થોડી ઘણી ખબર હતી.
કયું ચેપટર ચાલે છે એ પૂછીને મેં 'કૌંસ' નામનું ચેપટર ભણાવવાનું શરૂ કર્યું. વાતો કરતા છોકરાઓ શાંત થઈને ભણવા લાગ્યા.મને નવાઈ લાગી પણ એકાએક મારુ ધ્યાન પાછળની બારીમાં ગયું. ત્યાં આચાર્ય સાહેબ બારીની ગ્રીલ સાથે ટીંગાઈને ઉભા હતા..!
એ તાસ સાથે જ હું બાળકોની પરીક્ષામાં પાસ થઈ ગયો અને મને સ્કૂલમાં 'રાખી' લેવામાં આવ્યો !
પગાર કેટલો મળશે એ પૂછવાનું જોખમ હું લેવા માંગતો ન્હોતો.થોડા દિવસ પછી મેં એક શિક્ષકને મિત્ર જાણીને એને એનો પગાર પૂછ્યો.એ બિચારો પીટીસી થઈને અહીં પીસાઈ રહ્યો હતો.એણે સાવ નિરાશા ભર્યા સુરમાં ખાલી પાંચસો રૂપિયા મળતા હોવાની વાત કરી. મને પણ ધ્રાસકો પડ્યો કે મહિને માત્ર પાંચ સો રૂપિયામાં મારૂ ગુજરાન ચલાવવા જતા ક્યાંક હું ગુજરી તો નહીં જાઉં ને !
જ્યાં સુધી સ્થિર આસન ન મળે ત્યાં સુધી ડગમગતું આસન પણ છોડવું નહીં, અને શક્ય હોય તો ડગમગતા આસનને જ સ્થિર કરી દેવું એવું જ્ઞાન મને હોવાથી હું મગજ અસ્થિર થાય એ પહેલાં સ્થિરતા કેળવીને કલાસમાં ચાલ્યો ગયો.
PTCવાળા કરતા BSC વાળો ઉંચો તો કહેવાય જ ને યાર. એ લોકો તો 10મું ભણીને ( એ વખતે 10 પછી PTC થતું) બે વરસ આડા ને ઉભા લીટા તાણીને તરત શિક્ષક બની ગયા હોય.જયારે અમેં તો બાર સાયન્સનો ઊંચું શિખર સર કરીને ડોકટર કે એન્જીનીયર બનવા જતા હતા પણ શિખર ચડતી વખતે ધ્યાન બરાબર નહી રહ્યું હોય એટલે પગ ખસક્યો અને BSCની ડાળી હાથમાં આવી ગયેલી એટલે ત્યાં લટકી પડેલા. છતાં અમને ગણિત વિજ્ઞાનનું નોલેજ જબરજસ્ત હતું એટલે મહિનાને અંતે હું અનેક અપેક્ષાઓને લઈને ક્લાર્ક પાસે પગાર લેવા પહોંચ્યો ત્યારે મારા મનમાં આનંદના ઉભરા આવતા હતા.
ક્લાર્ક મને જોઈને મારુ નામ બોલ્યો એટલે મેં હકારમાં માથું હલાવ્યું. મને સાતસો રૂપિયા પગાર આપવામાં આવ્યો..! જીવનની એ પહેલી કમાઈ હતી.મારૂ પોતાનું પહેલું ઉપાર્જન હતું. એ સાતસો રૂપિયા હાથમાં લેતા થયેલો આનંદ ત્યાર પછી ક્યારેય થયો નથી.ત્યાર પછી જીવનમાં હજારો અને લાખો રૂપિયા આવ્યા હોવા છતાં એ સાતસોએ જે ખુશી આપેલી એવી ખુશી ક્યારેય અનુભવી નથી..!
થોડા દિવસોમાં તો હું જામી ગયો.વિધાર્થીઓનો પ્રિય શિક્ષક બની ગયો અને ઘણા બધા બાળકો મારી પાસે ટ્યુશન રાખવાનું પણ પૂછવા લાગ્યા.
મારા ટ્યુશન વિશેની વાત ફરી કોઈવાર માંડીશું, અત્યારે વાર્તાના શીર્ષકની વાત કરીએ.
નાલંદા વિધાયલયમાં મોટાભાગનો સ્ટાફ વલસાડ બાજુથી આવતો. એમાં એક અજીત પટેલ નામનો (M.A.B. ED.)પાકી ગયેલો શિક્ષક કોઈપણ જાતના સામાજિક જ્ઞાન વગર સમજવિધા ભણાવતો.
મોટા માથામાં પાછળ પડેલી ટાલ ,કાનની ઉપર બધીબાજુ ફેલાયેલા કાળા અને ધોળા વાળ..
મોટા કપાળ નીચે ઘાસ ચોટયું હોય એવા નેણ નીચે પીળી ધમરક આંખો..લાંબુ નાક અને મોટી મોં ફાડ..! બહુ ઊંચો પણ નહીં અને બહુ નીચો પણ નહીં એવો અજીત જીવનમાં ક્યારેય જીત્યો હોય એમ લાગતું ન્હોતું. એની ફાંદ થોડી મોટી હતી અને પગ પ્રમાણમાં પાતળા હતા.
દિલનો ભોળિયો એટલે મારો ભાઈબંધ થઈ ગયેલો.સ્ટાફરૂમમાં મારા સ્વભાવ મુજબ હું એની મશ્કરી કર્યા કરતો.છતાં ક્યારેય ગરમ થતો નહીં. પણ બીજા શિક્ષકો મને કહેતા ખરા કે ચકલાસિયાભાઈ જોજો હો એ અજિતીયો એકવાર ગુસ્સે થશે પછી એને કંટ્રોલ કરવો અઘરો છે..! પણ મને તો એવું લાગતું ન્હોતું.
તે દિવસે મારો અને અજીતનો ફ્રી પિરિયડ સાથે આવ્યો. અમેં બંને સ્ટાફ રૂમમાં બેઠા બેઠા વાતો કરતા હતા. મારા હાથમાં ચોક હતો એટલે વાતો કરતા કરતા મેં ટેબલ પર વાઘનું ચિત્ર દોર્યું.
અજીત એ ચિત્ર જોઈ રહ્યો હતો.હું ગણિત ભણાવતો એટલે મેં જે પ્રાણી દોરેલું એની નીચે વાઘ લખવું જરૂરી હતું.
એ ચિત્ર અજીત તરફ હોવાથી મેં નીચે વલસાડનો વાઘ એમ લખ્યું. અજીતના ચહેરા પર ખુશી હું જોઈ શક્યો.એટલે મને થયું કે ભાઈને વાઘ કહ્યું એ ગમ્યું છે.
મને વાઘના પાછળના બે પગ વચ્ચેના વાઘના અંગો દોરવાનું બહુ યોગ્ય લાગેલું નહી પણ અજીત ખુશ થયો એ જોઈ મેં વલસાડનો વાઘ અજીત એમ લખ્યું એટલે એની ખુશી વધી ગઈ અને રાજી થઈને એણે મને ધબ્બો પણ માર્યો.
હવે વાઘને બિચારાને એના જરૂરી અંગો આપી દેવા જોઈએ એમ સમજી મેં યોગ્ય જગ્યાએ યોગ્ય અંગો મને અવડ્યા એવા રચી દીધા..યાર આખરે એ વાઘ મારો મિત્ર અજીત હતો એટલે મારે કંજૂસાઈ તો ન જ કરાયને !
પણ બીજી જ ક્ષણે ન થવાનું થઈ ગયું. અત્યાર સુધી ખુશી ખુશીથી વાઘ હોવાનું સ્વીકારીને સ્માઈલ ફરકાવતો અજીત વિફર્યો હતો..
" ટું છે ને ટે બો હોશીયાડી માડતો છે.જા ને જટો હોય ટાં .માડે વાઘ ની ઠવુ..મને ખબડ, તું બો હોશીયાડી માડતો ફડતો છે. બઢાની બોવ ફડીયાડ છે..ની જોયો હોય ટો મોટો ચિટ્રકાડ ઠેઈને ફડટો છે. જે કડટો હોય એ કડની.. મેં વાઘની મલું.. માનસ છું ટે બોવ હારો જ છું હમજ્યો કે ?
ટારે છે ને બો હોશીયાડી ની માડવાની માડી જોડે. કાઠયાવાડી હોય તો ભલે હોય..મેં કંઈ બીટ્ટો નઠ્ઠી.જાં ભડાકા કડવા હોય ટાં કડી લેજે..હમજ્યો કે ની ? બો હોશીયાડી માડયા ની કર..મને વાઘ કેવાની શુ જડુંડ હટી ટારે...
નહિ ઠવું માડે વાઘબાઘ..ટુ જાટે જ ઠેઈ જા ને..બો હોશીયાડી માડતો છે ટો.. ટાડા મનમાં હું હમજે છે..? એક ઝાપટ ચડાઈ ડેવ તો પાની હો ની માંગે..આવ્યો મોટો..ની જોયો હોય ટો.. આ કેય દવ છું..આજ પછી કોય ડીવસ નામ ની લેતો માડું.. હું હમજ્યો ?
વલસાડનો હોય કે ગમે ટાનો હોય ટાડે કેવાની જડુંડ ની મલે.. અમે બી અમાડી રીતે હોશીયાડ જ છીએ..તને એમ ઓહે કે અમને ની હમજ પડે..પન અમે બી હમજીએ જ છીએ..ની જોયો હોય ટો..."
અજીતીયો ખિજાઈ ગયો.અને એકધારો માંડ્યો બોલવા.એ જોઈ મેં કહ્યું કે યાર અજીત એવું કંઈ નથી..આતો મજાક હતી.યાર તને વાઘમાં તો કંઈ તકલીફ ન્હોતી..
પણ વાઘને કંઈ પેન્ટ શર્ટ તો પહેરાવતા નથીને ! આ તો કુદરતી રીતે જે આવતું હોય એ તો મારે તને આપવું કે નહીં..હવે તું મારો દોસ્ત છો એટલે જરા મોટું મન રાખીને હાથ થોડો છુટ્ટો રાખેલો એમાં તું આટલો ખીજાય છે કેમ ?" મેં અજીતને રીઝવવા કહ્યું.
પણ એ તો ડોળા કાઢીને વાઘના અંગો જ જોઈ રહ્યો હતો અને એકધારો બોલ્યે જતો હતો.
સ્ટાફરૂમમાં એ વખતે અમે બે જણ જ હતા.પણ દેકારો સાંભળીને કાર્યાલયમાંથી આચાર્ય સાહેબે અમને બેઉને શાંતિ રાખવાનું કહેવા પટ્ટાવાળાને મોકલ્યો.એટલે અજીત તરત જ મારી ફરિયાદ કરવા આચાર્ય સાહેબ પાસે પહોંચ્યો..
"પેલા ભડટાને કેય ડેવ કે બો હોશિયાડી ની માડે.. મને મશકડી બિલકુલ પસંડ ની મલે.. મેં કેય ડેટો છું..એને બોલાવીને કેય ડો...
નહિટડ મેં નોકરી હો છોડી ડેવ છું.
મને વાઘ કેટો ફડતો છે..ટેબલ પડ વાઘ ડોરીને નીચે માડું નામ કેમ લખાય એનાઠી.. એ હું હમજે છે એના મનમાં. એને કેય ડો.."
સાહેબ અજીતની વાત સાંભળીને અત્યંત ગંભીર થઈ ગયા.નોકરી છોડવા સુધી આવી જવું પડે એટલી હદે મેં અજીતને સતાવ્યો હોવાનું સમજીને આચાર્ય સાહેબ આગ બબુલા થઈ ગયા..
"ક્યાં ગયો...અલ્યા ભરત.અહીં આવ..શું કામ અહીં વાંદરાના વાઘ બનાવે છે.તને કેમ સખ થતું નથી અહીં આવ જલ્દી.." સાહેબે રાડ પાડી.
હું હસતો હસતો અંદર ગયો.સાહેબે અજીતને વાંદરો કહ્યો હતો એટલે મને હસવું આવતું હતું. હું અદબ વાળીને અજીતની બાજુમાં ઉભો રહ્યો.
" શુ કામ આને ચિડવે છે ?" સાહેબે ખિજાઈને મને કહ્યું.પણ મેં અજીતને વલસાડનો વાઘ કહ્યો એમાં નાના છોકરાની જેમ ફરિયાદ કરવા આવેલા અજીતને જોઈને સાહેબને ગુસ્સા સાથે હસવું પણ આવતું હતું.
"અરે સાહેબ, મેં આખો વાઘ દોર્યો ત્યાં સુધી એ કંઈ બોલ્યો ન્હોતો.
વાઘ દોરાઈ રહ્યો પછી મેં નીચે વલસાડનો વાઘ લખ્યું એટલે એ હસ્યો હતો..પૂછો એને ન હસ્યો હોય તો.." મેં અજીત તરફ આંગળી ચીંધીને કહ્યું.
"તું એ વખતે હસેલો ભાઈ ? "
"કોઈ એવું વિચીટ્ર ચીટ્ર ડોડે ટો હસવું ટો આવે જ ને વડી.." અજીત હજી ગુસ્સામાં હતો.
"પછી મેં 'વલસાડનો વાઘ અજીત' એમ લખ્યું ત્યારે પણ એ ખુશ થયેલો.. પૂછો ન ખુશ થયો હોય તો.." મેં કહ્યું.
" તું તારું નામ વાંચીને ખુશ થયેલો ભાઈ અજીત..?" સાહેબને પણ હવે આ કેસમાં મજા આવતી હતી.
" એ ટો જડાવાડ ( થોડીવાર) ગામેલું, ટો મને થોડું હસવું આવેલું ઉટુ.. એનો મટબલ એ નઠ્ઠી કે હું વાઘ ઠેઈ ગેલો છું.." અજીત હજી મોળો પડતો ન્હોતો.
" તો તને તકલીફ ક્યાં પડી એ કહે..તને વલસાડનો વાઘ થવું તો ગમ્યું જ હતું ને ?" સાહેબે પૂછ્યું.
"એ આને જ પૂછો ની..વાઘ હોય તો કંઈ બઢઢું જ ની દોડી કાઢવાનું ઓહે.." અજીતને જ્યાં વાંધો હતો એની રજુઆત કરતા એણે કહ્યું.
"સાહેબ, હવે તમે ઘટના સ્થળ પર આવો તો જ તમને ખ્યાલ આવશે કે આ કેમ ખિજાયો છે. મારો વાંક હોય તો મને જે સજા કરશો એ મને મંજુર છે..મેં. કંઈ ખોટું કર્યું છે કે નહીં એ તમે જાતે જ નક્કી કરો.." કહી મેં સાહેબને સ્ટાફરૂમમાં આવવા કહીને ઉમેર્યું
"વાઘ હજી ટેબલ પર જ છે..
આપ જોઈ લો પછી મને જે કહેવું હોય એ કહેજો.." કહી હું આગળ થયો.
મારી પાછળ અજીત અને સાહેબ બેઉ સ્ટાફ રૂમમાં આવ્યા.
ટેબલ પર ચોકથી દોરેલું વાઘનું ચિત્ર જોઈને સાહેબ હસવું રોકી શક્યા નહીં.
"સાલ્લા તું સંખણો રહેતો જ નથી." કહી સાહેબે અજીતને કહ્યું, " આમ તો ભાઈ અજીત આ વાઘના ચિત્રમાં મને કોઈ વાંધો લાગતો નથી..જોનારને ખ્યાલ આવે કે આ વાઘ દોરેલો છે એટલે નીચે વાઘ લખીને એની ઓળખાણ ચિત્રકારે આપી છે.."
"મારે ની ઠવું.. મારુ નામ કાઢી નાખ.." અજીતે મને કહ્યું.
"અરે ભાઈ નામ જ શુકામ આખો વાઘ જ ભૂંસી નાખું.પણ તને તકલીફ ક્યાં પડી એ કહેને."
મેં પૂછ્યું.
"ભરત, હવે તું આ વાઘ ભૂંસી નાખ ભાઈ.અને વાઘના બધા અંગો દોરવા જરૂરી નથી. છતાં વાઘના શરીર પ્રમાણે માપસરના હોય તો હજી અજીતને વાંધો ન હોય કેમ બરાબરને અજીત ?" સાહેબ અજીતને પૂછતાં પૂછતાં એમની ઓફિસમાં જવા લાગ્યા.
"ટો હો માડે વાઘ ની ઠવું..! મેં માનસ છું એ જ બડાબડ છે..."
અજીતે વાઘપદેથી આપેલું રાજીનામુ પાછું ન જ સ્વીકાર્યું !

"હું થોડો ચિત્રનો શિક્ષક છું ? મને આવડ્યો એવો દોર્યો.. અજીતને ગમેલો એટલે મારુ ચિત્ર મેં એને અર્પણ કર્યું..મને આવી ખબર હોત કે ભાઈને મૂળભૂત અંગો વગરનો પ્લેન વાઘ જોઈએ છે તો હું પાછળનું એડિશન હટાવી લેત." કહી મેં વાઘ ભૂંસી નાંખ્યો.

સાહેબ હસતા હસતા એમની ઓફિસમાં ગયા અને અમારો ફ્રી પિરિયડ પૂરો થતાં અજીત બબડતો બબડતો એના ક્લાસમાં ગયો અને હું મારા ક્લાસમાં..!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED