મોજીસ્તાન (27)
મીઠાલાલ ટેમુ અને નીનાને દુકાનના થડા પર એકબીજાને વળગીને પડેલા જોઈને લાલ પીળા થઈ ગયા.
નીના ઝડપથી ઉઠીને એના ચંપલ પહેરીને દુકાનમાંથી ટેમુના ઘરમાં ભાગી. ટેમુ બાધાની જેમ મીઠાલાલને તાકી રહ્યો.
"અક્કલના ઓથમીર..મારું દેવાળું કાઢવા ઊભો થ્યો છો..? બજાર વસાળે ઉઘાડી દુકાનમાં આમ બધા ભાળે ઈમ આ કરવાનું હતું? તારું ડોહુ આ દુકાન આપણી રોજીરોટી છે. આ તો ઠીક છે કે હું ભાળી ગ્યો...કોક ગરાગ ભાળી ગ્યો હોત તો ગામ આખામાં ફજેતો થાત. મારી આબરૂના કાંકરા થાત. ઈ છોડી ઓલ્યા નગીનદાસની હતીને..? બવ ઉભરા આવતા હોય તો બીજે ક્યાંક લઈ જાને..આંય આવા ભવાડા શીદને કરછ." કહી મીઠાલાલ કાઉન્ટર પર બેસીને અવળું ફરી દુકાનમાં ઉતર્યો અને ટેમુને એક તમાચો મારી દીધો.
"બરોબર છે...મારો હજી બીજો એક.
આને લીધે જ આ બધું થયું. મારો ફોન આ કાઉન્ટર ઉપર મેં મૂક્યો'તો. મારી છોડીને તારો આ છોકરો મૅસેજ કર્યા કરે છે. હું ઈને ઠપકો આપવા જ આંય આવ્યો'તો, ઈમાં નકામી લપ થઈ." મીઠાલાલની પાછળ પાછળ જ આવેલો નગીનદાસ તાડુક્યો.
ટેમુ અને નીનાના નસીબજોગે "દેખા હે પહેલી બાર..." વાળી ઘટના નગીનદાસે જોઈ નહોતી...!
"મારો છોકરો તારી છોડીને કંઈ એમનીમ તો મૅસેજ કરતો નઈ હોય ને? જો ભાઈ નગીન તું હજી એક કેસમાંથી માંડ બાર્ય નીકળ્યો છો. બવ વાઈડાઈ નો કરતો.તારી છોડીનેય સમજાવી દેજે..એક હાથે કંઈ તાળી નો પડે સમજ્યો...?" મીઠાલાલે નગીનદાસ તરફ ફરીને કહ્યું.
"એક હાથે તાળી ભલે નો પડે પણ થપાટ તો પડે જ..તારા છોકરાને તું હજી બે બીજી થપાટ માર્ય અને મારો ફોન લાવ્ય અટલે હું વેતો પડું. મારે ઘેર સર્પસ અને તભાભાભા ચા પીવા આયા છે."
"આંય તારો ફોન બોન નથી..તું જા તારા ઘરે અને તારી છોડીને પૂછજે કે ટેમુડાની દુકાને શું લેવા ગુડાણી'તી...જા તારી જેવા હલકટ હાર્યે મારે માથાકૂટ નથી કરવી." મીઠાલાલે ગુસ્સે થઈને કહ્યું.
"હલકટ તો તું ને તારો છોકરો બેય..અરે તારું આખું ખાનદાન હલકટ..જોઈ લેજે હવે તું..." નગીનદાસ પણ પાછો પડે એમ નહોતો.
"કાકા..તમે નીનાના બાપ ન હોત તો આંય ને આંય તમારું ઢીમ હું ઢાળી દેત..હવે એક શબ્દ પણ જો આગળ બોલશો તો હું તમને ટીપીને રોટલો કરી નાખીશ..અને આ ખહુરિયા કૂતરાને ખવડાવી દશ..
નીનાની ફ્રેન્ડશીપે મારા હાથ બાંધી રાખ્યા છે. મહેરબાની કરીને હાલતીના થઈ જાવ.
તમારો ફોન નીના આવીને લઈ ગઈ છે...
અને એ મારી ખાસ દોસ્ત છે. દોસ્તી કરવી એ કંઈ ગુનો નથી."
ટેમુએ ગાલ ચોળતા ચોળતા નગીનદાસને કહ્યું અને મીઠાલાલ સામે ડોળા કાઢ્યા.
"હવે દોસ્તીનું દીકરું થ્યા વગર જા આંયથી...'', કહી મીઠાલાલે ટેમુને મારવા ફરી હાથ ઉગામ્યો.
"મારો માને...કાઉન્ટર ઠેકવા ગઈ ઈમાં ઈ મારી ઉપર પડી ગઈ'તી. મેં કાંઈ આમ ઉઘાડી દુકાને થડા પર ભેગી નો'તી સુવડાવી. બરોબર ઈ વખતે જ તમે આવી ગયા. ઘડીક મોડું નહોતું અવાતું...? આવીને સીધી રાડ્ય પડવાની શું જરૂર હતી, તમારે...બિચારી નીના ગભરાઇ ગઈ." ટેમુએ મીઠાલાલનો ઊંચો થયેલો હાથ પકડી લઈ હકીકત બયાન કરી.
નગીનદાસ હજી કાઉન્ટર આગળ જ ઊભો હતો. ટેમુના છેલ્લું વાક્ય સાંભળીને એના કાન ચમક્યા.
"કોની વાત કરછ તું...મારી નીના આંય તારી દુકાનમાં આવી'તી..? તેં ઈને દુકાનમાં....?" નગીનદાસે બરાડો પાડ્યો.
બજાર વચ્ચે આ દેકારો ક્યારનો ચાલતો હતો. બજારે અવરજવર કરતા ગામના લોકોને તો આવું મફતનું મનોરંજન મળે તો બધાં કામ પડતા મૂકીને ગોઠવાઈ જતા વાર લાગે.....?
ગોળના દડબા પર માખીઓ બમણવા લાગે એમ મીઠાલાલની દુકાને લોકો ટોળે વળવા લાગ્યા. દરેક નવો આવતો માણસ આગળ ઊભેલાને પૂછતો હતો.
"અલ્યા... શું થ્યું.. શું થ્યું...?"
"આ નગીનદાસની છોકરી અને ટેમુને મીઠાલાલે દુકાનમાં રંગે હાથે પકડી લીધા. અલ્યા ભાઈ અતારની પરજાને શરમ જેવો છાંટો નથી લ્યો...આ કાંઈ વિદેશ થોડું છે? શહેરનું પાદર હોય તોય ઠીક..
મોઢામાં મોઢું નાખીને બેય સુતાં'તાં ઈમ જાણવા મળ્યું છે...અને આ નગીનદાસ ઇની છોડીનું ઉપરાણું લઈને આવ્યો છે.
આજ સવારમાં ઈ સારું જ આવ્યો હશે. મને તો લાગે છે કે છોડીને મહિના બહિના રય જ્યા હશે.. તભાભાભા અમથા નથી રાડ્યું પાડતા..ઘોર કળજગ આયો છે, ભાય..."
"અલ્યા શું વાત કરછ.. નગીનદાસની સોડી કાયમ આ ટેમુડાને મળવા આંય દુકાને આવે સ. એક દી' રઘલો કાંક લેવા આયો તે દી' હોતન આંય જ ઊભી ઊભી અંગ્રેજીમાં ટેમુડા હાર્યે વાતું કરતી'તી..મેં તો ઈ બેયને બરવાળે ટોકીઝમાં પિક્ચર જોતા પકડેલા સે..એક દી' બપોર વસાળે તખુભાની વાડીએ હોત મેં ભાળ્યા'તા.
આતો કેદુનું હાલે સે..પણ આપડા બાપનું શું જાય સ..આ સોડીયુંને બવ ભણાવો અટલે આવું જ થાય."
ટોળું પોતાને ફાવે એવી કહાનીઓ ઘડવા લાગ્યું. તમાશો આગળ વધે એમાં સૌને રસ હતો. મીઠાલાલે ટોળુ ભેગું થતું જોઈ સૂર બદલ્યો.
"જો ભાઈ નગીન, આ વાતનો ફેંસલો આપણે નિરાંતે ઘરે બેહીને કરીશું. તારે તો આબરૂ જેવું કાંય છે નહીં..પણ મારે છે.
નકામો વધુ ફજેતો થાય ઈ પેલા તું ઘર ભેગો થઈ જા, મહેરબાની કરીને."
"આબરૂ તો તારે નથી. હું તમને બેય બાપદીકરાને જોય લેશ." કહીને નગીન પણ ઓટલો ઉતરી ગયો.
ટોળું નગીન ફરતે ફરી વળ્યું.
"નગીનભાઈ, સોકરીયુંનું ધિયાન રાખવું જોવે..બવ અંગરેજીની સવાદણીયું કરવી ઈમાં આમ જ થાય..અંગરેજીમાં તો સંસ્કાર સાવ હોતા જ નથી..ઈ ધોળીયા તો સાવ શરમ વગરના..ઈનું ભણતર ભણાવો અટલે આપડી પરજા પણ બગડે..અને સહન તો સોડીના માવતરને જ કરવાનું આવે..ભાવનગર મારા જાણીતા દાગતર સે..આમ જો નગીનભાઈ, કોઈને કાનોકાન ખબરય નહીં પડે..અને સોડી સોખ્ખી થઈ જાશે..આ બાબતમાં બવ મોડું કરવું હારું નઈ." એક જણે નગીનદાસ સાથે થઈ એના કાન પાસે મોઢું લઈ જઈને હળવેથી કહ્યું.
નગીનદાસના રોમેરોમમાં આગ લાગી ગઈ. લોકો કેવી કેવી વાતો કરવા લાગ્યા છે એ એને ખયાલ આવ્યો. હવે આ ગામમાં રહેવું ભારે થઈ પડવાનું હતું.
"અલ્યા ભાઈ... શું જોઈને તમે મારી વાંહે પડ્યા છો..તમે બધા સમજો છો એવું કાંઈ નથી. મહેરબાની કરો મારા બાપ." નગીને પેલાને બે હાથ જોડ્યા અને ઝડપથી ચાલવા લાગ્યો.
"આવું થાય સે ત્યારે દીકરીનો બાપ છેલ્લે હુંધી અંધારામાં જ હોય સે..નગીનભાઈ તમારી આંખ ઉઘાડો..આ તો મારા લૂગડાં તમે હારા સિવો સો અટલે મને તમારું દાઝ્યું..બાકી મારે શું લેવા કજીયાનું મો કાળું કરવું જોવે."
ટોળું ભાતભાતની વાતો કરતું વીંખાયું.
ટેમુ, મીઠાલાલ નગીનને સમજાવી રહ્યા હતા ત્યારે હળવે રહીને દુકાનમાંથી ઘરમાં સરકી ગયો.
નીના તો ક્યારની ટેમુના ઘરની ડેલી ખોલીને જતી રહી હતી. ટેમુની માએ એને જતા જોઈ હતી પણ એ રસોડામાંથી બહાર આવે એ પહેલાં તો નીના નીકળી ગઈ હતી.
"ઓલી નગીનદાસની છોડી દુકાનમાં શું કરતી'તી..બટા...?" ટેમુ ઘરમાં આવ્યો એટલે ટેમુની મા કડવીએ પૂછ્યું.
"બા, ઈ બિચારી એનો ફોન લેવા આવી'તી.
મારી દોસ્ત છે..તો મેં ઘડીક દુકાનમાં બેસાડી'તી. અમે બેય વાતું કર્તા'તા..મારા બાપા આવીને હમજયા વગર રાડ્યું પાડવા માંડ્યા અટલે માણસો ભેગું થ્યું. નગીનકાકા હોતન આવ્યા છે. મારા બાપા કારણ વગરના નગીનકાકા હાર્યે બાજે છે...બધા ઊંધું હમજે છે બા..." કહી ટેમુ પણ બહાર ચાલ્યો ગયો.
મીઠાલાલ સ્વભાવે મીઠો માણસ હતો અને કડવી એના નામ પ્રમાણે કડવી જબાન ધરાવતી હતી. પોતાના દીકરાને અમથો અમથો એનો બાપ પણ ઘસકાવી
શકતો નહીં.
"આવવા દે ઘરે ઈમને હવે. આજ વાત સે ઇમની. કાંઈ ભાન તો પડતી નથી અને જારે હોય તારે નકરી રાડ્યું જ પાડવી સે."
લગ્ન પછી અમુક સમયે દરેક સ્ત્રીને એમ જ લાગતું હોય છે કે એના પતિને કંઈ ભાન પડતી નથી...! એ મુજબ કડવીએ મીઠાલાલ માટે ક્રોધ ભેગો કરવા માંડ્યો.
* * * *
તખુભા પંચાયતમાંથી ઘેર આવ્યા ત્યારે જાદવો ડેલીમાં બેઠો હતો.
"બાપુ, જોયું ને પંચાતમાં..આ તભાગોરે તો હવે ડાટ વાળ્યો સે...માળા ગમે ઈમ કરીને લાડવાનો મેળ કર્યા વગર નઈ રેય.. કે' સે કે હુકમસંદ ઈમને લાડવા ખવાડવાનો સે. પસી ડેલીગેટની સૂટણીમાં ફરતા ગામના બધાય ગોર મા'રાજ ઈનો પરસાર કરશે એટલે હંધાય મત ઈને જ મલસે..તે હું ઈમ કવ સુ કે આપડે કાંયક કરવું જોશે... નકર આ હુકમસંદ હાથમાં નય રેય..હજી તો સર્પસ થિયો સ તાં તો જોવો... તમારે ઉઠીને ગામની પંસાતમાં જવાબ દેવા જાવું પડ્યું..અને ઈ માળો ધારાસભ્યને સાધીને બેઠો સે..આપડેય ધારાસભ્યને મળી લેવું જોવે." જાદવે ડેલીમાં ખાટલો ઢાળીને તકિયા ગોઠવતા ગોઠવતા કહ્યું.
"પણ મારે ખાસ ઓળખાણ નથી. હું કોઈની ચમચાગીરી કરવામાં માનતો નથી. આપડે કાંય ખોટું કરવું નથી.. પસી શુંકામ ધારાસભ્યના લાળા સાવવા જોવે." તખુભાએ ખાટલામાં તકિયાનો ટેકો લીધો.
"પણ આ ગટરલાઇનનો ગોટાળો બાર્ય પડ્યો સ ઈનું સું..? કે' સે કે તમારી ઉપર મામલતદાર કેસ કરવાના સ. બાપુ જેલ પડે હોં..? આ વાત તમી જીમતીમ નો હમજતા.. તમે આ હુકમસંદને ઓળખતા નથી..ઈનું ભીનું હંકેલાવી લેશે અને તમારું સુકય જીયેલું હશે તોય ગોબરું સાબિત કરીને તમને હલવાડી દેશે..મોઢે બવ મીઠો સે..."
જાદવો ગામના રાજકારણમાં ઘણો રસ ધરાવતો હતો અને તખુભાનો ખાસ વિશ્વાસુ માણસ હતો. તખુભા વિરુદ્ધ જે કાંઈ જાણવા મળતું એ તરત જ આવીને તખુભાને કહી દેતો. પોતાની વિરુદ્ધ આવેલી તપાસમાં કોનો હાથ હતો એ હજી જાણવાનું બાકી હતું. ત્યાં આ કેસવાળી નવી વાત આવી એટલે તખુભા ગભરાયા હતા.
"તો જાદવ, આપડે ધારાસભ્યને મળવા જાવું એમ તારું કહેવાનું થાય સે?" તખુભાએ કહ્યું.
"હા..જાવું જ જોશે..અને આ તભાભાભાને નારાજ કરવા આપડને પોહાય ઈમ નથી. માગી માગીને ઇમણે મૂળ તો લાડવા જ માયગા સે ને? ભામણને લાડવા અંતરમાં વા'લા હોય.. ને તમારું ઘર એટલે એમને માંગવાનું ઠેકાણું કે'વાય..તમે આમ ઘંહીને ના પાડી દ્યો ઈ ચીમ હાલે." જાદવને આજ મહાજ્ઞાન આવેલું જોઈ તખુભા નવાઈ પામ્યા.
"વાત તો તારી સાચી છે જાદવ. પણ હવે થવાનું હતું ઈ થઈ ગ્યું. હવે તભાગોર હાથમાંથી છટકી ગ્યા સે...આગળ ઉપર જોયું જાય છે...!" તખુભાને તભાભાભાને હડધૂત કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો હતો.
આજ દિન સુધી તભાભાભા તખુભાના પક્ષમાં જ રહ્યા હતા. ચૂંટણી પ્રચારમાં પણ એમણે ખૂબ મદદ કરેલી. લોકોમાં એમનું માન પણ હતું. જો આ છેલ્લી ચૂંટણીમાં તભાભાભાની મદદ ન મળી હોત તો કદાચ ડિપોઝીટ પણ ડૂલ થઈ ગઈ હોત અને પોતાને અપમાનજનક હારનો સામનો કરવો પડત...તખુભાને એ બધું યાદ આવ્યું. પોતાની ડેલીમાંથી ક્યારેય કોઈ નિરાશ થઈને ગયું નથી, પણ આજે તભાભાભા જેવા માણસને પોતે નિરાશ કર્યા હતા. કદાચ બે-પાંચ હજારનો ખર્ચ થાત...પણ વર્ષોનો સંબંધ તૂટતો અટકી જાત.
"તભાગોરે જે રીતે મને બીક બતાવી હતી, પાપ અને પુણ્યના હિસાબો બતાવ્યા હતા, એને લીધે મારો મગજ ગયો..બાકી આવીને એમણે ઈમ કીધું હોત કે બાપુ લાડવા ખવડાવો..તો હું ક્યાં ના પાડવાનો હતો..! પણ બનાવટ કરવાની વાત કરી એટલે..." તખુભાએ મનોમન વિચાર કર્યો.
"શું વિચારો છો બાપુ? ગોરબાપાને
ઠેકાણે લાવવાનો મારી પાસે એક આડીયા સે..કે'તા હોય તો ગોઠવી દઉં." જાદવાએ ખાટલાની બાજુમાં બેસીને હસતા હસતા કહ્યું.
"શું આડિયા છે તારી પાસે..? ઈ પેલા મને હમજાવ્ય."
"જોવો..ગાયને વાળવી હોય તો વાસડું વાળી લ્યો એટલે ગાવડી વાંહે વાંહે આવ્યા વગર નો રે....હેહેહે...."
"પણ આ ગાવડીનો વાછડો બળુકો છે...ઈને વાળવાની ચ્યાં કરછ..પકડવોય અઘરો પડશે." તખુભાએ કહ્યું.
"તમે એકવાર મારી વાત સાંભળો. ઠીક લાગે તો અમલમાં મેલજો..નકર ચ્યાં આપડે કાંઈ કરાર કરવો સ." કહી જાદવાએ એની યોજના તખુબાપુને કહી સંભળાવી.
"વાહ જાદવા વાહ..તું પણ મારી હાર્યે રઈ રઈને બુદ્ધિશાળી થઈ જ્યો હો." તખુભા ખડખડાટ હસી પડ્યા.
ત્યારે જાદવો મનમાં બોલ્યો, "બાપુ, બુદ્ધિ તો અમારામાંય સે..પણ અમારી કોઈ સિકણી લેતું નથ..નકર આ ગામનો સર્પસ આ જાદવો કણજરીયો જ હોય ઈ વાતમાં કોઈ ફેર નો પડે..!!"
બીજા દિવસે જાદવાએ એની યોજના 'ઑપરેશન બાબલો' અમલમાં મૂકી...!
(ક્રમશઃ)