MOJISTAN - 26 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 26

મોજીસ્તાન (26)

"તો વાત જાણે એમ છે કે આ ગામની જમીન હવે લોહિયાળ થઈ ગઈ છે.
એકવાર લોહી ચાખી ગયેલી જમીન હવે વારંવાર લોહી પીવા માંગશે તો શું થશે એ પ્રશ્ન મને કાલનો સતાવી રહ્યો છે..."
તભાભાભાએ ફેંસલો આગળ ચલાવતા કહ્યું.

"પણ ધોળીડોશીનું માથું તો આજ ફૂટ્યું...
શું ગોળા ગબડાવ્યે જાવ છો." તખુભાએ ફરી ગોરનો ઝભ્ભો ખેંચ્યો. એ જોઈ ટોળામાં થોડી હસાહસ થઈ.
તભાગોર ગર્જયા, "તખુભા, તમે શાંતિ રાખો. મારી વિદ્યાના પ્રતાપે મને ભવિષ્ય પણ દેખાતું હોય છે. હવે અમંગળ ઘટનાઓ બનવાની છે. એનું નિવારણ કરવું જરૂરી છે. 108 કુંડીનો મહાયજ્ઞ કરવો પડશે. જેને પોતાના પાપમાંથી મુક્તિ મેળવવી હોય એ યજમાન બનીને આ લાભ લઈ શકે છે, મુખ્ય પાટલા માટે બોલી બોલવાની શરૂ કરો."

"પણ અત્યારે તો આ નગીનદાસનો ન્યાય કરવાનો છે. એમાં તમે વચ્ચે આ હવનનું ક્યાં લાવ્યા...?" ક્યારના ચૂપ બેઠેલાં રવજીએ ઊભા થઈને કહ્યું.

"તભાભાભા સાચું કહે છે. મુખ્ય પાટલા પર તો સરપંચ હુકમચંદ સિવાય બીજું કોણ બેસી શકવાનું છે..હું એકાવનસોની બોલી બોલું છું." હુકમચંદે તભાભાભા સામે અને પછી નગીનની વહુ સામે જોઈને મીઠું સ્મિત વેર્યું.

નયનાએ પણ સરપંચને જરાક સ્માઇલ આપીને કહ્યું, "સરપંચ સાહેબ, તમે તો બહુ સારા માણસ છો... પહેલા મારા ઘરવાળાનો ન્યાય કરોને વળી...! આ ધોળીડોશી સાવ કારણ વગરની વાંહે પડી છે...હો..."

"નયનાવહુની વાત સાચી છે. ધોળીડોશીનું માથું નગીનદાસે જાણી જોઈને ફોડ્યું નથી, છતાં એક પાટલો નગીનદાસ નોંધાવે તો એને અજાણતા થયેલા આ પાપમાંથી મુક્તિ મળી જશે. નાના પાટલાના અગિયાર સોને એક રૂપિયો થશે.બોલ ભઈ નગીન, મંજુર છે કે આ મહાપાતક તારે તારા માથેથી નથી ઉતારવું...?" તભાભાભાએ નગીનના ગળામાં પણ ગાળિયો નાંખ્યો.

મોં વકાસીને ઊભેલો નગીન એકાએક ભાનમાં આવ્યો હોય એમ બોલ્યો, "પણ આમાં મારો કોઈ વાંક જ નથી."

"દશરથ રાજાએ શું જાણીજોઈને શ્રાવણના માતપિતાને માર્યા'તા ? એમણે તો કોઈ મૃગલું પાણી પીવા આવ્યું હશે, એમ ઘારીને બાણ છોડ્યું હતું. તો પણ એમને શ્રાપ મલ્યો'તો કે નહીં? પાંડુરાજાને પણ બિચારાને એવું જ થયેલું ને. તેં રામલાને મારેલો પાણકો કર્મ સંજોગે ધોળીડોશીના કપાળમાં ટીચાયો.
ધોળીડોશીએ પણ કર્મનું ફળ ભોગવ્યું છે. એટલે તારે પાપનું નિવારણ કરવું જ પડે. પંચાયત તને દંડ કરે અને આ ધમુ દીકરી પોલીસકેસ કરશે તો તું વધુ ઊંડો ઉતરી જઈશ..ઇના કરતા અગિયારસો એકાવનનો એક પાટલો નોંધાવી દે...અને જે વહેલા નોંધાવશે એમના કુંડ મુખ્ય કુંડની નજીક જ ફાળવવામાં આવશે એટલે તને મુખ્ય કુંડની આહુતિનો અગ્નિ વધુ પવિત્ર કરશે...લે ઝટ હા પાડી દે હવે."
તભાભાભાએ નગીનને ના પાડવાનો કોઈ રસ્તો રહેવા દીધો નહીં.

"તો લખો ભઈ...એક પાટલો મારો."
નગીનદાસે મોળા પડતા કહ્યું.

"પણ ગોરદાદા..અમારું શું..? અમે તો નિયાય માગવા આયા સવી.. અને તમી આ પાટલા પુરાણ વાંસવા માંડ્યા. મારી માનું માથું ફૂટ્યું ને મારા ધણી ધરમશીને આણે ધોકાવ્યો." ધમૂડીએ નગીનદાસ તરફ હાથ લાંબો કરીને કહ્યું.

''તો તું પણ એક પાટલો લખાવી દે. ધરમના કામમાં કોઈ નાતજાતનો ભેદ રાખવાનો નથી..તમારા પાપ પણ ઓછા નથી. સીમમાં તમે જનાવર મારો છો એનું મહાપાતક તમારી માથે ઘુમી રહ્યું છે.
એટલે પાપ તો ધોવું જ પડે નહીંતર નરકમાં પડશો." તભાભાભાએ કેસને ગૂંચવીને ગામમાં હવનનું ગોઠવી રહ્યા હતા.

"પણ બાપા એક તો મારી હાહુનું માથું ફૂટ્યું સે અને અમે ચયાંથી આટલા બધા રૂપિયા દેવી..અમને તો કાંઈક દેવડાવો..નકર અમે પોલીસટેશનમાં જાવી." ધરમશીએ કહ્યું.

"તો વેતા પડો.. નગીન નિર્દોષ છે, તોય એણે પાટલો નોંધાવીને પાપ ધોવાનું નક્કી કર્યું છે..હાલો હવે મુખ્ય પાટલાની બોલી આગળ વધારો. આંય ઘણા માલદાર માણસો બેઠા છે. હુકમચંદ પાંચ હજાર એકસોને એકાવનની બોલી બોલ્યા છે.
બોલો હવે તખુભા.. તમે હાજરીમાં મુખ્ય પાટલા પર બીજું કોઈ બેહશે ? સરપંચની ખુરશી તો તમે ખોઈ..હવે આ મુખ્ય પાટલા પર કોક બીજું બેહશે તો નાક કપાશે. કોણ પછી તમને મોટા ગણશે..એ વિચાર કરી લેજો." ભાભાએ બુમરાણ મચાવ્યું હતું.

તખુભા વિચારમાં પડી ગયા...
"સાલું આંય આવવા જેવું નહોતું. હવે પાટલાની બોલી બોલવી પડશે.
નગીનદાસનો કેસ એકબાજુ પડ્યો રહ્યો અને હું કારણ વગરનો સલવાઈ ગયો."

"શું વિચાર કરો છો..હિંમત નથી હાલતી ને...? જોવો આને કળજુગ કહેવાય.
ગામધણી આજ ધરમના કામમાં પાછા પડી રહ્યા છે. જોવો છો ને વજુશેઠ....?
જોવો છો ને રવજી સવજી....? આજ બધાનું પારખું થઈ જાવાનું." તભાભાભાએ કહ્યું.

"મુખ્ય પાટલે મારો ભાઈ રવજી બેહશે..હું છ હજાર એકસો એકાવનની બોલી બોલું છું." સવજીએ ઊભા થઈને કહ્યું.

"ચાલો ભાઈ..ખેડુનો દીકરો આગળ વધ્યો..પણ..." તભાભાભાએ ફરીવાર તખુભા સામે જોયું. એક દિવસના લાડવાનો મેળ કરતા કરતા એમના હાથમાં આખો હવન આવી પડ્યો હતો. લાડવા સાથે ઘીના ઘાડવાનો પણ ઘાટ એમણે ઘડયો હતો!

"અગિયાર હજાર અગિયારસોને અગિયાર..." તખુભાએ નાછૂટકે બોલી બોલવી પડી.

તભાભાભાએ તાળીઓ પાડી. એ જોઈ ગામલોકોએ પણ તાળીઓ પાડી.
નગીનદાસનો કેસ એકબાજુ પડ્યો રહ્યો અને હવનનું આયોજન ભાભાએ ઠોકી બેસાડયું.

"શાબાશ..મને વિશ્વાસ હતો જ... તખુભા કોણ કહેવાય! ગમે તેમ તો ગામનું નાક... ભૂતપૂર્વ સરપંચ..."

"પંદર હજાર પાંચસો એકાવન."
હુકમચંદે હાથ ઊંચો કર્યો.

"મારા સત્તર હજાર સાતસો એકાવન." રવજીએ ફરી બોલી લગાવી.
"વીસ હજાર એકસો ને એક."
વજુશેઠ પણ એકાએક તાનમાં આવ્યા. તભાભાભાને હવે બોલવાની જરૂર નહોતી. આગ બરાબર લાગી ચૂકી હતી.
હવે મુખ્ય પાટલો મેદાનમાં હતો.

તખુભાને આ જરાય પસંદ નહોતું પડ્યું,
પણ હવે એમને પણ છૂટકો નહોતો.
છેલ્લી બોલી બોલાઈ જાય અને પછી કોઈ આગળ ન બોલે તો પાટલો માથે આવી પડે.

"બોલો તખુભા..વજુશેઠ વીસ હજાર કહે છે. તમારાથી ચલાય એમ ન હોય તો હુકમચંદ તૈયાર છે...બોલો હુકમચંદ..." તભાભાભા હવે રંગમાં આવવા લાગ્યા હતા.

"એકવીસ હજાર એકસો એક." તખુભાએ અવાજ કર્યો.

"પચ્ચીસ હજાર ને માથે એકસો એક રૂપિયો." હુકમચંદે ઊભા થઈને કહ્યું.

તભાભાભાએ તાળીઓના ગડગડાટથી આ વધાવો વધાવી લીધો.
"છે કોઈ મરદનું ફાડીયું...! મુખ્ય પાટલે બેસનારની તમામ મનોકામના પણ પૂરી થાય છે. યજ્ઞ ફળ આપ્યા વગર નથી રહેતો...માટે સગવડ હોય તો પાછું નો પડવું."

તખુભા ગુસ્સે થઈને હુકમચંદને તાકી રહ્યા..ત્યાં સવજી ઊભો થયો.

બધા સવજી સામે જોઈ રહ્યા. હવે સવજી ત્રીસ હજાર કહેશે એમ બધાને લાગ્યું. તભાભાભા "શાબાશ, સવજી!'' કહીને એની તરફ ફર્યા.

"મને ઈમ લાગે છે કે અત્યારે આવી નાની વાતમાં હવનબવન કરવાની જરૂર નથી.
આવું તો ગામમાં બનતું જ રહેવાનું..કોકને કાંક વાગી જાય એમાં હવન કરવાનો...? અત્યારે ખેતીનું કામ એટલું છે કે ઘડીકનીય નવરાશ નથી. ઈમાં આ ત્રણ દી'નો હવન પોસાય એમ નથી ભાઈ..
જેને હવન કરવો હોય એ કરો. મારે નવરાશ નથી..ચાલ ભાઈ રવજી ખેતરે ઘણા કામ પડ્યા છે. આ ગોર તો નવરા છે."

રવજી તરત ઊભો થયો.
"હું પણ ચયારનો એમ જ વિચારતો હતો કે કયું આભ તૂટી પડવાનું છે તે આ તભાભાભા લઈ દઈને લાગી પડ્યા છે.
અલ્યા લાડવા ખાવા હોય તો આવી જાજો અમારા ઘેર..હાલો ભાઈ આપણે..."

રવજી અને સવજીને તભાભાભાના હવનની હવા કાઢીને જતા જોઈ તખુભા ઊભા થયા.

"આ બેઉની વાત એકદમ સાચી છે.
આવી વાતમાં જમીન લોહી ચાખી ગઈ છે..ને અમંગળ ઘટનાયું બનશે..એવા એવા ગોળા ઠોકીને ગામને ગધેડે ચડાવવાની આ બધી વાતું છે..જાવ બધા પોતપોતાના ઘેર...સરપંચને હવન કરાવવો હોય તો ભલે કરાવે."

વજુશેઠ પણ ઉઠ્યા, "મા'રાજ, તમે તો હવનનું બેહતું કરી જ દેત હો..સાવ આમ નો હોય ભલા માણસ..તમારા સ્વાર્થ ખાતર આમ ગામને ગોળ ગોળ શુંકામ ફેરવો છો...ચાલો ભાઈ..."

તભાભાભાના મોં પર કાળુંમશ વાદળ ધસી આવ્યું. હાથમાં આવેલું ધન લૂંટાઈ ગયું હોય એમ નિરાશ થઈને હુકમચંદ સામે એમણે જોયું.

હુકમચંદ પણ હસી રહ્યો હતો.
"ભાભા, આ સવલાએ તમારી બાજી બગાડી..નકર હું તો તખુભાને એકાવન હજાર સુધી ખેંચી જાત..ભલે ને આહુતિયું આપે આખો દિવસ..જે થયું એ..પણ આમાં તમે ઉઘાડા પડી ગયા છો, એ પાક્કું છે."

હુકમચંદે નગીનની નયના સાથે નયન મિલાવીને બાજુમાં ઊભેલા નગીનને કહ્યું.

"સારું..નગીન તને અમે નિર્દોષ જાહેર કરીએ છીએ..ધમુ અને ધરમશીને જ્યાં ભડાકા કરવા હોય ત્યાં ભલે કરી લેતા..
પણ મારા ધોતિયા ઉપર એંઠવાડ નાખ્યો એનું કાંઈક સમજવું જોવે હો..કમ સે કમ ચાપાણી તો પાવ."

"તે હાલોને અમારા ઘેર..તમારી જેવા મોટા માણસો અમારે ઘેર થોડા આવે... ચાપાણી શું તમે કે'શો તો ભોજન પણ કરાવશું..કેમ ન બોલ્યા નગીન તમે..." નયના સરપંચની નજરમાં રહેલો સંદેશ વાંચીને હસી પડી.
પંચાયતમાંથી હળવે હળવે બધા વીંખાયા.
ધમુ અને ધરમશી, ધોળીડોશીને લઈ ઘર તરફ રવાના થયા.

શિકાર હાથમાંથી છટકી જતા સાવ ઓશિયાળું થઈ ઊભા રહેતા પ્રાણીની જેમ તભાભાભા ખુરશીમાં બેસી પડ્યા. એને જોઈને નગીનદાસે કહ્યું,

"ભાભા, તમારો ખેલ ખાલી ભલે ગીયો,
પણ આ નગીનદાસ તમારો પાડ નહીં ભૂલે. સરપંચ મારા ઘેર આવે છે ચા પીવા...તો સાથે સાથે તમેય પધારો."

"મારો કોઈ સ્વાર્થ નહોતો..હું તો આ ગામનું હમેશાં સારું કરીશ. ભલે આજ કોઈને મારી વાત ગળે ઉતરતી નથી પણ જે દિવસે કળિયુગનો પ્રકોપ ફાટી નીકળશે તે દિવસે બધાને આ તરભાશંકરના શબ્દો યાદ ન આવે તો ફટ કે'જો મને..નગીન તેં મારા પ્રત્યે પ્રેમભાવ રાખ્યો એનું ફળ તને મળશે. ચાલ તારા ઘરે આવીને તારું ફળિયું પાવન કરું." કહી તભાભાભા ઉઠ્યા.

* * *

"થેંક્યું યાર..તેં મારો ફોન સાચવી રાખ્યો..પણ તારી પાસે મારો ફોન આવ્યો કેવી રીતે?" નીનાએ ટેમુની દુકાનના કાઉન્ટર પર આવીને કહ્યું. એ સાથે જ ટેમુએ નળમાંથી પાણી વહેવા માંડે એમ મોંમાંથી હાસ્ય વ્હાવ્યું.

"અરે યાર, તું ફોન તારી પાસે રાખતી હોય તો..પાછી લોક પણ મારતી નથી..મેં તને મેસેજ કર્યો એ તારા પપ્પા વાંચી ગયા'તા. પછી સવાર સવારમાં અહીં મને વઢવા આવ્યા તારો ફોન લઈને..પણ અહીં ડખો થઈ ગયો..તારા પપ્પાએ પેલી
ધોળીડોશીનું માથું ફોડી નાખ્યું..બોલ..."

"માય પાપા ઇઝ માય હીરો..કોઈ મારું નામ લે તો ટાંટિયા તોડી નાખે..પણ હેં ટેમુ તે મને શું મેસેજ કર્યો હતો..? કાંઈ બાફ્યુ તો નહોતુંને...?" નીનાએ હસીને કહ્યું.

"હજી બાફવા સુધી ક્યાં પહોંચ્યા છીએ, યાર.." એમ મનમાં બોલી ટેમુએ એના મોબાઇલમાં નીના સાથે થયેલી ચેટ બતાવી.

નીના એ ચેટ વાંચીને હસી પડી.
"મારા ડેડીને તેં ગુસ્સે કરી દીધા હો..તું પણ બહુ ટીખળી છો."

"તું પણ ક્યાં ઓછી નટખટ છો...તારું નામ તો નટખટ નીના રાખવું જોઈએ.
હીહીહી..." ટેમુએ આંખો પટપટાવી.

"લુચ્ચા..તો તારું નામ પણ ટાઢિયો ટેમુડો જ છે..પણ તું મને તો કોઈ દિવસ ટાઢિયો નથી લાગ્યો." નીનાએ લાંબા થઈને ટેમુના ખભે ટપલી મારી.

"અરે! કોણ કહે છે...? હું ટાઢિયો નથી.. આઈ એમ હોટકેક..ટેમુ એટલે ટાઇમસર.. જે કામ જે સમયે કરવાનું હોય એ હું કરી જ નાખું..પણ અમુક નંગ આ ગામમાં એવા છે ને..એવા લોકોને પજવવાની મારી એ ટ્રીક છે યુ નો.." ટેમુએ ચૉકલેટની બરણી ખોલીને ચારપાંચ ચૉકલેટ નીનાને આપી અને ઉમેર્યું, "તું બહાર કેમ ઊભી છો...? (મારી)અંદર આવી જા
કાઉન્ટર કૂદીને...ત્યાં તો કસ્ટમર ઊભા રહે છે."

"અરે! આટલી બધી ન હોય..." નીનાએ ચૉકલેટ જોઈને કહ્યું.

"લે ને હવે..તું મારી (ગર્લ)ફ્રેન્ડ જ છો ને..! ચાલ આજા મેરી દુકાનમેં...(બાંહો મેં)" ટેમુ કૌંસમાં રહેલા શબ્દો મનમાં બોલીને નીનાને અંદર બોલાવતો હતો.

નીનાને પણ ટેમુનો હસમુખો સ્વભાવ પસંદ પડ્યો. એણે ચંપલ કાઢીને ટેમુને આપ્યા. ટેમુએ પ્રેમથી એ ચંપલ લઈને દુકાનમાં મૂક્યા અને નીનાનો હાથ પકડીને એને ખેંચી.
કાઉન્ટર પર ચડેલી નીના ટેમુએ મારેલા એકદમ હળવા આંચકાથી
એકાએક ટેમુ પર ઢળી પડી. ટેમુ નીનાના ધક્કાથી કોથળો પાથરીને બનાવેલી ગાદી પર ફેલાયો, અને એ વખતે ટેમુએ નીના ફરતે એના બંને હાથ વીંટાળી દીધા..નીના ઘડીભર ટેમુ પર પડી પડી એની આંખોમાં તાકી રહી..
ઘણા હિન્દી પિક્ચરોમાં હીરો અને હીરોઇનના આવી રીતે સીન હોય છે એવો જ સીન ટેમુની દુકાનમાં રચાયો.

"દેખા હે પહેલી બાર..સાજન કી આંખોમાં પ્યાર.. ટૂંગ ટૂંગા ટૂંગ..
ટૂંગ ટૂંગા ટૂંગ..." ટેમુની દુકાનના પોર્ટેબલ ટીવીમાં એ જ વખતે યોગાનુયોગ આ સોંગ પણ બજી ઉઠ્યું.

પંચાયતમાં થયેલો ડખો પતી જતા મીઠાલાલ દુકાને આવી પહોંચ્યો હતો.
દુકાનના થડા પર રચાયેલું દ્રશ્ય જોઈને મીઠાલાલનો બાટલો ફાટ્યો..અને નગીન પણ સરપંચ અને તભાભાભાને પોતાના ઘરે મોકલીને નીનાનો ખોવાયેલો ફોન શોધવા ટેમુની દુકાને આવી રહ્યો હતો.

"ટેમુડા..આ...આ...આ..." મીઠાલાલે રાડ પાડી.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED