MOJISTAN - 25 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 25

મોજીસ્તાન (25)

પંચાયત ઓફિસમાં હકડેઠઠ માણસોની મેદની ઉમટી છે.ધોળા દિવસે એક બ્લાઉઝ સિવનારાએ ગામની દીકરીનું બ્લાઉઝ ખેંચીને ધોળી ડોશીને અને એના જમાઈ ધરમશીને ધૂળ ચાટતા કરી મુક્યાં હોવાની અફવા ઉડીને ઘરેઘરમાં પહોંચી હતી..!

હુકમચંદ સરપંચની ખુરશીમાં ગોઠવાઈને આરોપી નગીનદાસ સામે જોઈ રહ્યા હતા. એમના સફેદ ધોતિયાં પર એંઠવાડ નાંખીને આ નગીનદાસની ઘરવાળી નયનાએ જે વિતાડી હતી એનો બદલો લેવાનો સમય આજ આવી ગયેલો જાણી એ મૂછમાં હસી રહ્યાં હતાં. તખુભાને તો આ બાબતની ભયંકર ચીડ હતી એટલે એ પણ નગીનદાસની ખાઈ જતી નજરે તાકી રહ્યા હતા..તભાભાભા તખુભા સામે જોઇને મો બગાડી રહ્યા હતા.

ધોળી ડોશીના કપાળે પાટો બાંધ્યો હતો.અને એ ધમૂડી સાથે પંચાયતના ફળિયામાં બેસી પડી હતી..

હુકમચંદે ધમૂડીના બ્લાઉઝ પર નજર નાખીને હોઠ ઉપર જીભ ફેરવી...

"તો..હેં ધમુ...ઉ...આવડું આ જ બ્લાઉઝ નગીનીયાએ ખેહ્યું...? "

"હા..સર્પસ શાબ..મારા બેય હાથ પકડી રાયખા...પસી ધરમશી ધોડ્યા અટલે મને મુકીન ઈને સોટ્યો...મારી માનું માથું પાણકો
મારીન ફોડી નાયખું.તમી નિયાય કરો નકર હું તો પોલીસ કેસ જ કરવાની છવ..." ધમુએ પોતે જ પોતાનો કેસ લડવા દલીલ કરી..

"હે..બાપલીયા...હું તો મીઠીયાની દુકાને લોટ લેવા ગુડાણી'તી નયાં આ નગીનીયો ઓલ્યા રામલા હાર્યે બાજતો'તો..ઈમાં પાણકો લઈને છૂટો ઘા કર્યો..તે મારા કપાળમાં આયો..હવે દાગતરે મને ખોરાક લેવાનું કીધું સે..ઈના દહ હજાર દેવા આને વહમાં લાગે સ.. હોય હોય બાપલીયા..." કહીને ધોળી ડોશીએ કપાળે હાથ દબાવ્યો..
"તો પાણકો મીઠાલાલની દુકાને માર્યો..અને ધરમશી તો દવાખાને હતો..અને ધમૂડી ત્યાં હતી નહી..
આ વાતમાં કાંઈ ભલીવાર નથી.
નગીનદાસ બિચારો સજ્જન માણસ છે.ઉપરવાળાની બીક રાખીને ચાલનારો માણસ છે.એમ આવો ભયંકર આરોપ નાખીને બિચારાને ફસાવીને રૂપિયા પડાવવાની વાત હોય એમ મને તો લાગે છે..આ છોડીનું પોલકું કોઈએ ખેંચ્યું હોય એમ લાગતું નથી કારણ કે પોલકું અને આ છોડી સહી સલામત જણાઈ રહ્યા છે.જ્યારે બિચારો નગીન ઘાયલ થયેલો જણાય છે..'' તભાભાભાએ નગીનનો પક્ષ લીધો.

"તારે આ બાબતમાં શુ કહેવાનું છે..તું મીઠાલાલની દુકાને શા માટે ગયો હતો..'' હુકમચંદે નગીનને પૂછ્યું.

એ જ વખતે નગીનને યાદ આવ્યું કે ટેમુડાની ફરિયાદ કરવા એની દુકાને નીનાનો ફોન લઈને એ ગયેલો.નગીનદાસે પેન્ટના ખીસા તપસ્યા.એને ખ્યાલ આવ્યો કે નીનાનો ફોન ક્યાંક પડી ગયો છે અને નવી જ ઉપાધી આ ધોળીડોશીને કારણે થઈ હતી..!

"તું મીઠાલાલની દુકાને શુ કામ ગયો અને રામલા સાથે શુકામ બાઝતો'તો..અને આ ધોળીડોશીનું માથું શુકામ તેં ફોડી નાખ્યું..?'' તખુભાએ હવે કેસ હાથમાં લીધો.

"મારે મીઠાલાલનું અંગત કામ હતું.
મારો મોબાઈલ ક્યાંક પડી જ્યો છે..આ ડોશીએ મને આવતા ભવે ખહુરીયો કૂતરો થશ એમ કીધું..
ઈમાં રામલો વચ્ચે પડ્યો.હું રામલાને મારવા જ્યો ઈમાં આ ડોશી ઘાએ ચડી ગઈ.છાનીમાની લોટ લઈને ઘરભેગી થઈ ગઈ હોત તો કંઈ નો થાત..હવે ઈ દસ હજાર રૂપિયા માંગે છે..આ ડોશીને દસ હજારનો ખોરાક કરવો છે..હાલી જ નીકળ્યા છે..''

"મીઠાલાલને બોલાવો..'' હુકમચંદે આખી ઘટનાના મુખ્ય સાક્ષીને હાજર કરવા ફરમાન કર્યું.

ટોળામાં ઉભેલો મીઠાલાલ આગળ આવ્યો.

''નગીનદાસ આજ કોણ જાણે શુ ખાઈને ઘરેથી નીકળ્યો હશે..મારી દુકાને આવીને કાઉન્ટર ઉપર હાથ પછાડતો હતો..મારા છોકરા પર ખિજાતો હતો..અને અમારા પાળેલા કૂતરાને પાટુ મારતો હતો..
તે ધોળી ડોશીએ કૂતરાને મારવાની ના પાડી..ઈમાં ડખો થયો..''

'' તો મૂળ વાત ઈમ છે કે નગીનદાસે સવાર સવારમાં કંઈક એવું ખાધું કે જે એને મીઠાલાલની દુકાને લઈ ગયું.. ભાઈ નગીન તેં આજે સવારે શુ ખાધું તું..?'' હુકમચંદે મૂછને વળ ચડાવીને કહ્યું.

''હવે મેં જે ખાધું હોય ઈ.. મારો કાંય વાંક છે જ નહીં.. આ ડોશી મૂંગી મરી હોત તો કંઈ ન થાત.."

''ઈ મારી મા સે.ઈ મૂંગી તો આજય નય મરે ને કાલય નય મરે.જીભ ભગવાને બોલવા હાટુ જ દીધી સે..અને તું કાંય બાદશાનો દીકરો નથ તે તને ભાળીને મારી મા મૂંગી મરે..'' ધમૂડીએ પોતાની મા શુકામ મૂંગી નહીં મરે એના કારણો રજૂ કર્યા.

"ચાલો ભાય..મૂળ વાત જાણવા માટે નગીનદાસે સવાર સવારમાં શુ ખાધું એની તપાસ કરવી જરૂરી હોય એમ મને લાગે છે.નગીનદાસ સાચું કહેવા માંગતો ન હોવાથી એની ઘરવાળીને બોલાવીને પૂછો..
કે સવારમાં નગીનને શુ ખવડાવી દીધું..'' હુકમચંદ ગમે તેમ કરીને નગીનદાસની પત્ની નયનાને આ કેસમાં સંડોવવા માંગતો હતો..

''અલ્યા આમ તે કંઈ હોતા હશે..
ધોળીડોશી અને ધમુને નગીનદાસ સાથે માથાકૂટ થઈ એમાં એની બયરીને શુકામ પંચાયતમાં બોલાવવી પડે..આવો નિયાય કરનારો મેં તો પેલીવાર જોયો..'' તખુભા ખિજાયા.

"તમે હજી ઘણુંય પેલીવાર જોશો.
જમાનો બદલાઈ ગયો છે.વાતનું મૂળ ક્યાંથી શરૂ થયુ એ જાણ્યા વગર ન્યાય ન થાય.સાચી વાત સમજવી પડે..જાવ..જઈને કોક નગીનદાસના ઘરનાને બોલાવી લાવો..'' હુકમચંદે કહ્યું..

થોડીવાર પંચાયતમાં ગોકીરો થયો..ઉંચી અને પાતળી,ઝીણી આંખો પર જાડા કાચના વારે વારે લસરી જતા ચશ્મા,લાંબી ડોક અને પાતળી કમર..ઊંચી નીચી ભમર કરતી નયના ટોળામાંથી માર્ગ કરતી આવીને નગીનદાસ પાસે ઉભી રહી.બેઉ હોઠ એણે દાંતમાં દબાવી રાખ્યા હતા.

"લ્યો, નયનવહુ તો આવ્યા. સરપંચ તમે બહુ ખોટું કર્યું.એક અબળાને પંચાયતમાં વગર વાંકે બોલાવી..બિચારો નગીનદાસ સાવ નિર્દોષ જણાઈ રહ્યો છે.."
તભાભાભાએ ઉભા થઈને કહ્યું..

''હું કાંઈ અબળા નથી.મારા ધણી પણ નબળા નથી.. બોલો શુકામ છે..? શુકામ અમને ગામની પંચાતમાં બોલાવીને પત્તર ખાંડવા ભેગા થ્યા છો..લ્યો બોલો." નાક પર લસરી પડેલા ચશ્માં ઊંચા ચડાવીને નયનાએ નેણ નચાવ્યા.

"હું ઈમ પૂછું છું કે કાલે સવારે તમે આ નગીનદાસને શુ ખવડાવેલું ?
અને એંઠવાડ રસ્તા ઉપર કેમ નાખો છો..? ગામના જાહેર રસ્તા પર ગંદકી કરવાનો દંડ ભરવો પડશે..અને આ ધોળી ડોશીનું માથું ફૂટ્યું છે એનો ખોરાક દેવો પડશે.." હુકમચંદે તભાભાભા સામે જોઇને આંખ મારી..

"હવે ઈ વાતને ને આ વાતને કોઈ સબંધ નથી..ઈ વાત પતી ગઈ છે.
હવે અમે રસ્તા પર એંઠવાડ નાખતાય નથી. ઈ તો તમે ધોળું ધોતીયુ પેરીને મારી ખડકી સામા ઉભા ઉભા મારી સામું જોતાતા એટલે મને દાઝ ચડીતી.સરપંચ થઈને કોકના બયરા કામ કરતા હોય નયાં ઉભા રયને ચાળા કરતા શરમ નથી આવતી..પૂછો આ તભાભાભાય હતા.." નયનાએ સરપંચને સલવાડ્યા..

"અલી એય..મૂંગી મર્ય મૂંગી.. હું હુકમચંદ સરપંચ છું.મારી આબરૂ છે ગામમાં..બોલતા પેલા વિચાર કરજે..આ તભાભાભા અને ધોળી ડોશી પણ એ વખતે હાજર હતી..હબલાની દુકાને કંઈક ડખો થ્યોતો એ વખતે હું ત્યાંથી નીકળેલો..અને આ તભાભાભાએ મને ઉભો રાખ્યો એટલે હું ઉભો રહ્યો. મને તો ખબર પણ ન્હોતી કે તું તારી ખડકીમાં વાસણ ઉટકતીતી..હાલી શુ નીકળી છો.." હુકમચંદે બરાડો પાડ્યો. પછી તભાભાભા સામે જોઇને કહ્યું, "બોલો ગોર..મેં આ નગીનદાસની બયરી સામુય જોયું તું..?"

તભાભાભાને લાડવાનો મેળ થતો દેખાયો..પંચાયતમાં સોપો પડી ગયો.નયનાએ હુકમચંદનું ધોતિયું બગાડ્યું હતું એનો બદલો લેવાની ચાલ એ ચાલેલો.પણ નયનાએ તો આખા ગામની હાજરીમાં એનું ધોતિયું ખેંચ્યું..! આબરૂ બચાવવા હવે તભાભાભાના શરણે ગયા વગર હુકમચંદનો છૂટકો ન્હોતો..

"હું તો જે સાચું હશે એ જ કહીશ..આપણે હમણાં બજારે વાત થઈતી એનું શું કરવાનું છે એ પહેલાં નક્કી કરો.. એટલે ફેંસલો આવી જાય.."

હુકમચંદને ભાભાએ બજારે મળ્યા ત્યારે કરેલી લાડવાવાળી વાત યાદ આવી.પોતાની આબરૂ બચાવવા લાડવાનો ભોગ ધરાવવો પડશે એમ ભાભા કહી રહ્યા હતા.

"હુકમચંદ ધરમ ધ્યાનમાં કોઈ દી પાછો પડ્યો નથી ને પડશે પણ નહીં..પણ જે તમે નજરે જોયું છે ઈ આ ગામને કહી બતાવો.." કહી હુકમચંદે માથું હલાવીને તભાભાભાને લાડવાની હા પાડી.
એ જોઈ તભાભાભા ઉભા થઈને ઓચર્યા..

"ભાઈઓ અને બહેનો..બાળકો અને યુવાનો, ડોશીઓ અને ડોસાઓ..આપ સૌ આજ પંચાયતમાં ભેગા થયા છો એ જોઈને આ ગામ સંપીલુ હોવાનું સિદ્ધ થાય છે.આજે અહીં ઘોડી ખેલવી જાણનાર અને ગરીબીના બેલી પણ બ્રાહ્મણો પ્રત્યે મન બદલાવી ચુકેલા ભૂતપૂર્વ સરપંચ તખુભા, વાંકા વળીને પણ સીધા ચાલવાની કોશિશ કરતા સીધા માણસ એવા વજુશેઠ, રાડો પાડતો રવજી,સામો થતો સવજી,
ગામમાં ગંભીર કામ છાનામાનું પતાવી દેતો ગંભુ, સૌને શરીરમાં લાભ થાય એવા ડોકટર લાભુ રામાણી..અને જેમનો હુકમ આખા ગામમાં હાલી રહ્યો છે એવા આપણા લોક લાડીલા સરપંચ હુકમચંદજી..

આ ઉપરાંત પરચુરણમાં ગણાય એવા આઠ દસ ખાટસવાદીયા
અને ગામમાં નકામી ગડદી કરનારા અને મરવા વાંકે જીવતા હોય એવા નાગરિકો..આપ સૌનું હું આ ગામનો આબરુદર આગેવાન અને પ્રતાપી પુણ્યશાળી તથા ચાર વેદ,
નવ ઉપનિષદ,ભગવત ગીતા તથા
શ્રીમદ ભાગવત, દેવી ભાગવત,
રામાયણ,મહાભારત ઉપરાંત તમામ પુરાણો અને અનેક શાસ્ત્રો જેને કંઠસ્થ છે એવો મહાન તથા એકદમ શુદ્ધ અને પવિત્ર બ્રહ્મશ્રેષ્ઠ પ્રતાપી પુરુષ હું તરભાશંકર એટલે જેને તમે સૌ મુમુક્ષજનો તભાભાભા તરીકે જાણો છો..અને સત્યનારાયણ ભગવાનના આશીર્વાદથી જેને આંગણે દેવતાએ ખુદ અવતાર ધર્યો છે એ બાબો જેમનો પુત્ર છે એવા પરમ પૂજ્ય બ્રહ્મણનો અવાજ સાંભળીને તમે સૌ પાવન થઈ ગયા છો..!" તભાભાભાએ મો ફાડીને પોતાને તાકી રહેલી મેદની સામે જોઇને શ્વાસ ખાધો..

"બહુ થિયું..મારાજ..હવે મુદ્દાની વાત કરો.."તખુભાએ તભાભાભા
નો ઝભ્ભો ખેંચીને કહ્યું.

તભાભાભાએ એક નજર તખુભા તરફ ફેંકીને આગળ ચલાવ્યું..

"આજે આપણા આ ગામમાં ન બનવાનું બન્યું છે..હે ગ્રામજનો જ્યારે ઘોર કળીયુગ સમરા કાઢવા લાગે ત્યારે જ આવું બને છે.ગામની એક વૃદ્ધ અને અબળા નારીનું મસ્તક આજે એક પાષાણ જેવા નિર્દય અને નિષ્ઠુર માણસે પાષાણનો ઘા મારીને ફોડી નાખ્યું છે..અને એના રક્તથી આ ગામની ધરા અપવિત્ર બની છે.આટલું ઓછું હોય એમ કળિયુગે એની કાળી છાયાનો વધુ એક પરચો બતાવીને ગામમાં વસ્ત્રસંધાન કરીને રોજી રોટી કમાઈ રહેલા એક પામર માનવી જે નગીન નામનું શરીર ધારણ કરીને એને મળેલો આ મનુષ્ય અવતાર વ્યતીત કરી રહ્યો છે એના મનમાં ઘોર અપરાધની ભાવના ઉતપન્ન કરી છે. આ જ ગામમાં જન્મ લઈને મોટી થયેલી..આ ગામની શેરીઓમાં રમેલી, આ ગામની બજારે હરેલી ફરેલી એવી કન્યા કે જે ધમુ નામધારી શરીરની માલિકણ છે..અને સુંદર પણ છે..
આવી કન્યાના લગ્ન સંજોગો વશાત એક બીજા એક અતિ પામર અને તુચ્છ માનવી કે જે ધરમશી નામ ધારણ કરેલું એક શરીર છે એની સાથે થવા પામ્યા..પણ જે ગામમાં મારી જેવા અતિ પૂજનીય અને પ્રતાપી બ્રાહ્મણ વસતા હોય એ જ ગામમાં એ ધરમશી નામધારી શરીર ઘરજમાઈ તરીકે આવીને વસ્યુ છે..તો હે ગ્રામજનો જમાઈ તો આપણું માનવંતુ પાત્ર ગણાય..
પછી ભલે એ તુચ્છ અને પામર મનુષ્ય હોય પણ ગામની દિકરીના માથાનું સિંદૂર એ ગણાય.."

"તભાભાભા.. તમે ટૂંકમાં પતાવો..
આ શુ ભરડવા માંડ્યું છે.." વજુશેઠે કંટાળીને તભાભાભાને રોક્યા.

તભાભાભા થોડા ગુસ્સે થઈને એમને તાકી રહ્યા. નગીન ધમુડી સામે ડોળા કાઢતો હતો.અને હુકમચંદ નયનનાં લસરી જતા ચશ્મા પાછળની આંખોમાં આંખો પરોવી રહ્યો હતો..એ જોઈ નયના જરીક હસીને આડું જોઈ જતી હતી..!
રવજી, સવજી, ગંભુ અને બીજાઓ પણ કંટાળ્યા હતા.ડો.લાભુ રામણીને દવાખાનેથી ફોન આવતા એ પણ ચાલતા થયા..

તભાભાભાનું ભાષણ સાંભળીને ટોળામાં ગણગણાટ ચાલુ થયો..
એક બે થોડું ભણેલા હતા એ બોલ્યા, " અલ્યા આ ભાભો તો ભૂરાંટો થયો લાગે છે.આપણને સૌને તુચ્છ ગણે છે..."

એ ગણગણાટ પર ધ્યાન આપ્યા વગર તભાભાભાએ ન્યાયનો ફેંસલો આગળ ચલાવ્યો..

(ક્રમશ:)




બીજા રસપ્રદ વિકલ્પો