મોજીસ્તાન - 24 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોજીસ્તાન - 24

મોજીસ્તાન (24)

" નીનાના મગજમાં પ્રેમના અંકુર ફૂટીને તરત ઊગી નીકળે અને બને તેટલી ઝડપે એ મોટું ઝાડ થઈ જાય.. પછી એ ઝાડનો છાંયડો, ફળ અને ફૂલ બધું જ મને મળે એવી કોઈ કલીપ મોકલવા દે...તે દિવસે રઘલાએ આવીને બાજી બગાડી ન હોત તો મેં આગ લગાડી જ હોત. અત્યાર સુધીમાં તો એ નીના મારા પ્રેમમાં પલળીને સાવ ભીની થઈ ગઈ હોત..આ વચ્ચે થોડાક દી' વ્યા ગ્યા એમાં સાલી સૂકાઇ ગઈ લાગે છે. નોવેલમાં રસ નથી..વાતોમાં
રસ નથી..એમ ચાલે ડિયર નીનું...દિલ મારું છે ભીનું ભીનું..."

વોટ્સએપ કોન્ટેક્ટ અને ગ્રુપમાં આંખો ફેરવતો ટેમુ દુકાનના થડા પર બેઠો હતો.
મોબાઇલમાં ખૂંપેલી એની નજરમાં કાઉન્ટર પર એક ઓળો ઊભેલો દેખાયો. મોબાઇલમાંથી નજર હટાવીને ટેમુએ ઉપર જોયું તો નગીનદાસ લાલઘૂમ લોચન કરીને ઊભો હતો.
કાઉન્ટર પર એણે નીનાનો મોબાઇલ મૂક્યો હતો.

"હેહેહે..." ટેમુ પળવારમાં મામલો પામી ગયો એટલે એના મોં પર કાળુંમશ વાદળ રચાઈ ગયું.

"શું હેહેહે...કરછ... શું કરતો'તો...?"
નગીનદાસે બોલિંગ ચાલુ કરી.

ટેમુ પાસે ટાઢા થઈ જવાનું એક શસ્ત્ર હતું. એ આવે વખતે કામ આવતું.
નગીનદાસ નાગ બનીને કરડવા આવ્યો હોવાનું એ તરત સમજી ગયો.

"હેહેહે...આવો..ને કાકા..."કહી મોબાઇલ ટેબલ નીચે મૂકી દીધો અને નીના સાથેની ચેટ ક્લિયર કરીને નીનાનું એકાઉન્ટ બોટમમાં નાખી દીધું.

"તારો બાપ મીઠો ક્યાં છે..? બોલાવ ઈને." નગીનદાસે કાઉન્ટર પર હાથ પછડાયો.

ટેમુ નગીનદાસને તાકી રહ્યો. એના જીવનમાં આવો પ્રસંગ પહેલી જ વાર આવ્યો હતો. પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવું જ થયું હતું ટેમુને..!

"આમ તાકી શું રીયો છે...નાલાયક...
બોલાવ તારા બાપને..આંય બેઠો બેઠો ગામની બેન દીકરીયુંને ગંદા મેસેજ કરછ..શરમ જેવો છાંટો છે કે નહીં.." નગીનદાસે ગુગલી ફેંકી.

ટેમુ ફસાયો હતો. નગીનદાસની રાડ સાંભળીને રસ્તે જતા લોકો ઊભા રહીને આ તરફ જોતા હતા. મીઠાલાલ પણ એ જ ઘરમાં જ હતા. એમણે પણ દુકાનમાં થયેલો દેકારો સાંભળ્યો એટલે એ તરત બહાર આવ્યા.

ટેમુના ચહેરા પર હેહેહેવાળું હાસ્ય વિલીન થઈ ગયું હતું. દુકાન આગળ
"શું થ્યું....શું થ્યું...?" કરતા મફતનો તમાશો જોવા લોકો ભેગા થવા લાગ્યા હતા.
આજ ટેમુની ઈજ્જતનો ફાલુદો ફાઇનલ હતો...!

મીઠાલાલે દુકાનમાં આવીને કાઉન્ટર પર કકળાટ કરતા નગીનને જોયો. મીઠાલાલ એના નામ મુજબ બધા સાથે મીઠાશથી કામ લેતો.

"આવ..આવ...આવ...નગીન....આવ..
આવ..આવ...કેમ બોકાસા પાડછ.."
મીઠાલાલે મીઠું હસીને કહ્યું.

મીઠાલાલનું આવ આવ સાંભળીને દુકાનના ઓટલા આગળ ખાડો કરીને સૂતેલું એક ખહુરિયું કૂતરું કંઇક ખાવાનું મળશે એમ જાણી ઊભું થયું. અવાજ દુકાનમાંથી આવ્યો હોવાથી પૂંછડી પટપટાવીને એ દુકાનના ઓટલા પર ચડ્યું. એ ઓટલા પર ઊભેલા નગીનદાસના પગ પાસે આગળના બે પગ કાઉન્ટર પર ઠેરવીને ઊંચું થયું.

હવે કૂતરું અને નગીનદાસ બેઉ બાજુબાજુમાં ઊભા હતા. કૂતરું પૂંછડી હલાવીને કાંવકારા કરતું હતું અને પૂંછડી નગીનદાસના પગ સાથે ભટકાઈને નગીનદાસના પેન્ટ પર ડિઝાઇન બનાવી રહી હતી; કારણ કે એ ખહુરિયું હોવાથી કાદવમાં સ્નાન કરીને આવ્યું હતું.

"લે તારી હાટુ રોટલો લઈ આવું..બિચારું ભૂખ્યું લાગે છે" ટેમુ તક સાધીને ઘરમાં ભાગ્યો.

નગીનદાસ એકાએક પોતાની બાજુમાં ઊભેલા ખહુરિયા કૂતરાને જોઈ ભડક્યો...

"અલ્યા..નગીનદાહ..તારું પાટલુન આ કૂતરાએ બગાડ્યું." કહીને એક પ્રેક્ષક ખખડ્યો. એ જોઈને બીજા પણ હસ્યાં.

"તારી જાતનું ખહુરિયું..." કહીને નગીનદાસે કાઉન્ટર પર આગળના પગ ટેકવીને પૂંછડી હલાવતા ખહુરિયાને પાટુ માર્યું..કૂતરું વાંઉ વાંઉ કરતું ગલોટિયું ખાઈને ઓટલા પરથી નીચે પડ્યું.

"એલા...શીદને બસાડાને પાટા મારછ..
ઈને ભગવાને સરાપ દઈને ખહુરિયું તો કરી નાખ્યું..હવે તું ઈને પાટુ શુંકામ મારછ... આવતા ભવે તનેય આ ખહુરિયા કૂતરાનો અવતાર મળશે..અને ઈ ખહુરિયું નગીનદાસ થઈને તને પાટુ મારશે. કરમના ફળ તો ભોગવવા જ પડે. જેવું વાવો એવું લણો." બજારમાં ચાલી જતી ધોળી ડોશીએ ઊભા રહીને કહ્યું.

"અલ્યા નગીન..તું અમારું ઘરાક છો ઈમ ઈ કૂતરુંય મારું ઘરાક છે હો..મારે મન તો ઈ ખહુરિયું અને તું બેય સરખા જ છો,
ભઈ... ઘરાકમાં વારોતારો કરીએ તો ઉપરવાળો માફ નો કરે..આંય તો કાઉન્ટર ઉપર આવીને ઊભા રે ઈ હંધાય સરખા હો..ભાઈ નગીન...બોલ્યને ચીમ ગાભા પડતા મૂકીને આંય આવ્યો..."

"આ ખહુરિયા હાર્યે તેં મને સરખાવ્યો...? અલ્યા મીઠીયા તને કંઈ ભાન છે? ક્યાં ગયો તારો છોકરો.. બોલાવ્ય ઈને..." નગીનદાસનો ગુસ્સો વધતો જતો હતો.

"તે શું ઈને જીવ નથી...? જો ભઈ જીવ માતર હરખા જ ગણાય. તેં ઈને પાટુ માર્યું અટલે ઈ તને કાંતો કયડી જાય..નકર આવતા ભવે નગીન થઈને તને પાટુ મારશે...કારણ કે આવતા ભવે તું આના કરતાંય ભૂંડું ખહુરિયું થાશ..." ધોળી ડોશીએ ઓટલા પાસે આવીને નગીનદાસની જન્મજન્માંતરના ફેરાનું જ્ઞાન આપ્યું. એ સાંભળી ત્યાં ઊભેલા બધા હસી પડ્યા.

"તો તો નગીનદાસના ઘરના નયનાભાભીએ આવતા ભવે આ કૂતરાં હાર્યે લગન કરશે..માજી...? ઈ બચાડાને હોતન આ કરમનો બડલો દેવો પડશે." એક જણે કહ્યું એટલે વળી બધા ખખડ્યા.

"અલ્યા જાને જાતો હો ન્યા..બવ વાયડીનો થ્યા વગર..તારી બાયડીને પૈણાવને આ ખહુરિયા હાર્યે...આમ વે'તીનો પડ્ય નકર ખાઈશ મારા હાથનો.'' નગીનદાસે પેલા તરફ ફરીને રાડ પાડી. ઓટલા પર આવીને બેસી ગયેલી ધોળી ડોશીને ધ્યાનમાં લઈને બોલ્યો.
"ઓલ્યા હબલાની દુકાને મફતનું તેલ લેવા બપોર હૂંધી બેઠી'તી ઈ ભૂલી ગઈ..બવ વા'લું લાગતું હોય તો તારા ઘરે લઈ જા ઈ ખહુરિયાને."

"કોને કેશ હેં.. તું કોને કેશ...તારા મનમાં તું હમજશ હૂં..હેં..? એક તો અમારી શેરીના કૂતરાને પાટુ માર્યું..અન પાછો આ ગયઢા ડોશીમાં હાર્યે લબરકી કરછ." નગીનદાસ જેની પર ખીજાયો હતો એ ઓટલા પર ચડીને નગીનદાસની સામો ઊભો રહ્યો.

નગીનદાસ પોતે શા માટે મીઠાલાલને મળવા આવ્યો હતો એ ભૂલી ગયો..અને આ નવી ઉપાધી વ્હોરાઈ ગઈ.

"જા ને ભાઈ જતો હોય ન્યા." કહી નગીનદાસે મીઠાલાલ સામે જોયું.

"નકર તું હૂં તોડી લેવાનો સો..? તેં મારા બયરાનું નામ ચીમ લીધું..? હેં.. હેં...
હેં...?" કહીને પેલાએ નગીનદાસનો કોલર પકડ્યો.

"અલ્યા..તેં મારી બયરીનું નામ લીઘું'તું પેલા..આમ હાલતીનો થા ને મૂક મારો કોલર." કહી નગીનદાસે પેલાને મારવા હાથ ઉગામ્યો.

"તારી જાતના..@#%.." કહી પેલાએ નગીનદાસની ધક્કો મારીને ઓટલા પરથી નીચે ગબડાવી દીધો. નગીનદાસ માંડ માંડ પડતો બચ્યો. વાંકો વળી ગયેલો નગીનદાસ ઊભો થાય એ પહેલાં તો પેલાએ ઓટલા પરથી કૂદીને નગીનદાસને એક પાટુ મારી દીધું.
નગીનદાસે આજુબાજુ નજર કરીને એક પથ્થર ઉઠાવ્યો અને જોરથી પેલાને મારવા ઘા કર્યો.

"અલ્યા..અલ્યા..છોડાવો આ બેયને..
નકામા નાની વાતમાં બાખડી પડ્યા." મીઠાલાલે મોટેથી બહાર ઊભેલા લોકોને કહ્યું. બે ત્રણ જણ પેલાને અને નગીનદાસને લડતા અટકાવવા આગળ વધ્યા ત્યાં તો ધોળી ડોશીની પોક સંભળાઈ.

"એ...એ....મને મારી નાખી..હોય હોય બાપલીયા... મારું માથું ફોડી નાયખું...
અરે..રે...મારા કપાળમાં આ નગીનીયાએ પાણો માર્યો. મેં ઇના બાપનું શું બગાડ્યું'તું.
હવે હું ચાંલ્લો ચીમ કરીશ...કોક મને દવાખાને લઈ જાવ..નકર હું આંય ને આંય મરી જશ...હોય હોય બાપલીયા...આ...આ..આ...''
મીઠાલાલ કાઉન્ટર કૂદીને બહાર આવ્યો. ભેગા થયેલા લોકો ધોળીડોશી ફરતા ઊભા રહી ગયા.નગીનદાસ સાથે લડતો પેલો માણસ એકાએક ગાયબ થઈ ગયો. એ વખતે દુકાનમાં આવેલા ટેમુએ નીનાનો ફોન કાઉન્ટર પરથી લઈને ખિસ્સામાં સરકાવી દીધો.

"હાલ્ય એ નગીન..આ ડોશીને દવાખાને લઈ જાવી પડશે.. ઇનો ખરસો અને ખોરાકી તારે દેવી પડશે." મીઠાલાલે નગીનનો હાથ પકડ્યો.

"પણ મેં ક્યાં ઈને આંય આવીને મરવાનું કીધું તું..ઘરે ગુડાતા હોય તો..આવા ને આવા કેટલાક હાલી નીકળ્યા છે." કહી નગીનદાસ જવા લાગ્યો પણ ભેગા થઈ ગયેલા લોકોએ એને પકડી લીધો.
ધોળી ડોશી અને નગીનને લઈ આખું ટોળું સરકારી દવાખાને પહોંચ્યું ત્યારે ડો.લાભુ રામાણી એક નર્સ સાથે કેવી રીતે જીવનનો આનંદ લૂંટી શકાય એ વિષય પર ચર્ચા કરી રહ્યાં હતાં..!

ધોળીડોશીને કપાળમાં દસ ટાંકા લેવા પડ્યા હતા. નર્સ અને ડોક્ટરે ધનુરનું ઇન્જેક્શન આપીને ડ્રેસિંગ કરી આપ્યું. દવાખાનું સરકારી હોવાથી નગીનદાસની કોઈ ચાર્જ તો આપવો ન પડ્યો પણ પોતાની માને ઘાયલ દવાખાને લઈ ગયા હોવાના સમાચાર સાંભળીને ત્યાં ધસી આવેલી ધમૂડી અને એના જમાઈ ધરમશીએ ધોળી ડોશીની ખોરાકીના દસ હજાર રૂપિયા માંગ્યા.. અને જો સાંજ સુધીમાં નહીં આપે તો પોલીસકેસ કરવાની ધમકી પણ આપી.

નગીનદાસ નિમાણો થઈને બોલ્યો, "અલ્યા ભઈ.. એમાં કંઈ દસ હજારનો ખોરાક નો કરવાનો હોય..સો બસો જોતા હોય તો લઈ જજે.. નકર જા કર્ય કેસ..હું કાંય બીતો નથ..મેં કાંઈ જાણી જોઈન થોડોક પાણો તારી માને મર્યો તો..? બવ એવું હોય તો એક બે બ્લાઉઝ સીવી દઈશ મફતમાં. માપ આપી જાજે.'' નગીનદાસે ધમૂડીની છાતી પર નજર ઠેરવતા કહ્યું.

"મર્ય મુવા...હવે તો કેસ જ કરવાનો સે.
હાલો પેલા પંચાયતમાં સર્પસ પાંહે..એક તો પાણકો મારીને મારી માનું માથું ફોડી નાયખું..ને હજી મારા બ્લાઉઝનું માપ લેવું સે કાં..તારે..."

ધમૂડીએ ગુસ્સે થઈને રાડ પાડી એટલે એનો ઘરવાળો ધરમશી ધસી આવ્યો.
નગીનદાસનો કાંઠલો પકડીને એણે એક તમાચો નગીનદાસને ચડાવી દઈને ગાંગર્યો.

"તારી જાતનો ટેભો મારું...મારી બયરી તમારા ગામની છોડી છે. ઇના બ્લાઉઝનું તું બોલ્યો જ ચીમ."

નગીનદાસ પણ સાવ ગાંજ્યો જાય એમ નહોતો. સુકલકડી ધરમશીનો હાથ પકડીને એણે મરડી નાંખ્યો. એની પીઠમાં જોરથી કોણી મારી. ધરમશી રાડ પાડી ઉઠ્યો.એ જોઈ ધમૂડી દોડી. ધરમશીને મારતા નગીનદાસના બરડામાં ધમૂડીએ ઢીકો માર્યો.

નગીનદાસે ધરમશીને પડતો મૂકીને ધમૂડીના બેઉ હાથ પકડી લીધા. ધમૂડી હાથ છોડાવવા જોર કરવા લાગી.

''મારી નાખશે...અમને મારી નાખશે.. હોય હોય બાપલીયા...અમને કોક બસાવો..." ધોળી ડોશીએ દવાખાનાના ઓટલે બેઠા બેઠા રાડ પાડી.
આખરે ભેગા થયેલા લોકોએ નગીનદાસ અને ધમૂડી-ધરમશીને લડતા અટકાવ્યા.
આખું ટોળું પંચાયતમાં ન્યાય કરાવવા ઉપડ્યું.
ગામમાં પણ આ દંગલના સમાચાર દાવાનળની જેમ ફરી વળ્યાં.

"નગીનદાસે ધમૂડીનું બ્લાઉઝ બજાર વચ્ચે ખેંચ્યું.ધોળી ડોશી આડી ફરી એટલે એનું માથું ફોડી નાખ્યું...અને ધરમશી જમાઈને ઢોરમાર માર્યો..." એ સમાચાર આખા ગામમાં ફરી વળ્યાં. ધોળી ડોશીના કુટુંબીઓ લાકડીઓ લઈને નગીનદાસનું નામોનિશાન મિટાવી દેવા પંચાયત તરફ ધસી ગયા.

સમાચાર સાંભળીને તખુભા, તભાભાભા,
હુકમચંદ, વજુશેઠ, રવજી સવજી વગેરે મહાનુભાવો સાતેય કામ પડતા મૂકીને પંચાયતમાં દોડ્યા.

પંચાયતમાં હવે નગીનદાસ પર ખટલો ચાલવાનો હતો.
પોતાની દીકરીને મેસેજ કરી રહેલા ટેમુને બે શબ્દો કહેવા નીકળેલો બિચારા નગીનદાસને ગંભીર આરોપમાં ફસાઈને વણજોઇતી ઉપાધિ ગળે વળગાડવી પડી..!

*

ટેમુએ નીનાનો ફોન ફેરવી ફેરવીને જોયો.
એના વોટ્સએપમાં, એની ગૅલરીમાં...
ફેસબુકમાં...એ ખૂણે ખૂણે ફર્યો... કેટલીયવાર ગાલે અડાડયો. સ્ક્રીન પર હોઠ મૂકીને છાપ પાડી.

મીઠાલાલ ધોળીડોશી અને નગીનદાસને લઈને દવાખાને ગયેલા ટોળા સાથે ગયા હતા. એ તકનો લાભ લઈ ટેમુએ નીનાના ફોનમાંથી નીનાની મમ્મીને ફોન લગાડીને નીનાનો ફોન એના પપ્પા અહીં ભૂલી ગયા હોવાના સમાચાર આપ્યા અને નીનાને ફોન લઈ જવા જણાવ્યું.
નીના તો ખુશ થઈને તરત જ ફોન લેવા નીકળી પડી.

(ક્રમશ :)