MOJISTAN - 23 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 23

મોજીસ્તાન (23)
"બાબા...શુ થયું..? કેમ તું ઉલટી કરે છે..? ચાલ આપણે ઘેર જતા રહીએ.આ જગ્યા અપશુકનિયાળ છે.અહીં માણસોના દિલમાં દયાનો છાંટો નથી.અવળા કામ કરવા છે ને સવળા કરવાનું કહીએ તો સવાલ કરે છે..પણ તને શું થયું..?"

તખુભાની ડેલી બહાર નીકળીને તભાભાભાએ ચોટલીને વળ દઈને
રાડો પાડી. લાડવાનો ઘા ખાલી ગયો એટલે એમની ચોટલી ખીંતો થઈ ગઈ હતી. એમાં બાબો ઉલટી કરવા લાગ્યો એટલે એમનો ગુસ્સો બેવડાયો હતો.

"તમે આ કેવી તમાકુ ખાવ છો.મને ફેર ચડી ગ્યા.. સવારે કરેલો નાસ્તો બધો નીકળી જ્યો..હાલો હવે મને જલ્દી લાડવા ખવડાવો.." બાબાએ મોં ઝભ્ભાની બાંય સાથે લૂછતા કહ્યું.

"પણ તું તો પવિત્ર ખોળિયું છો...
શુકામ તેં તમાકુ ખાધી ? તારે તમાકુ ન ખવાય...દીકરા તેં તો તારું ખોળિયું અભડાવ્યું.. હે ભગવાન હવે શું થશે આ ગામનું.."
તભાભાએ આકાશમાં જોઈને ભગવાનને ફરિયાદ કરી..

ડેલા બહાર દેકારો સાંભળીને તખુભા બહાર આવ્યા..

"ગામનું જે થવું હશે ઈ થાશે મા'રાજ..પણ આ ઓટલા આગળ ઓકીને બધું ભરી મુક્યું છે..ઈ સાફ કોણ કરશે.. પવિત્ર ખોળિયું આંય આવીને ઓક્યું.."

"હોય ઈતો.. શરીર છે તો ક્યારેક ભૂલ થઈ જાય..લે હાલ્ય હવે ઉઠ અહીંથી..મારાથી એક ક્ષણ પણ અહીં ઉભું નહી રહેવાય.." કહી તભાભાભાએ બાબાનું બાવડું પકડ્યું..

"તમારાથી એક ક્ષણ ઉભું નથી રે'વાતું..તો અમારે તો આંય જ રે'વાનું છે..લ્યો હું પાણીની ડોલ અને સાવરણો લાવી આપું.તમારા આ બાબલાનો એંઠવાડ સાફ કરતા જાવ.." તખુભાએ ડોળા કાઢયા.

એ જ વખતે ખેમો અને ભીમો આવીને ઊભા રહ્યાં.બાબાએ કરેલો ગંદવાડ જોઈને એ બેઉએ મોં આડા હાથ દીધા..

''અલ્યા શું ખઈને આયો સ.કૂતરાં ઓકે એવું ઓક્યો સ..આ તો અઠવાડિયા હુંધી ગંધાશે...તખુભા
ડેલું બંધ કરો નકર ઘરમાં વાસ ગરી જાશે તો તમને કહુમ્બો ગળે નઈ ઉતરે.." ભીમાએ મોઢું બગાડીને કહ્યું..

"લે હાલ્ય ઝટ.. ઉભો થા દીકરા..
ઝટ ઘર ભેગો થા..આજ તેં તમાકું
ભૂલ ભૂલમાં ખાધી છે.. એક ભૂલ તો ભગવાન માફ કરે.."

તભાભાભાએ બાબાનું બાવડું પકડીને ઉભો કર્યો. તખુભા સામે લાલ લોચન કરીને મૂંગા મૂંગા શ્રાપ વરસાવ્યો.

"ભગવાન ભૂલ માફ કરતા હશે પણ હું તો માણહ છું..મારા ડેલા મોર્ય આ કળા કરીને હું તમને જાવા નહીં દઉં.." કહી તખુભાએ ખીમાને કહ્યું, "જા ઝટ, પાણીની ડોલ અને સાવરણો લઈ આવ્ય અલ્યા માલિપાથી.."

એ સાંભળીને બાબો ઉઠ્યો. અને લાંબા પગલે શેરીમાં ભાગ્યો.
તમાકુ એને બરાબરની ચડી ગઈ હોવાથી એને ચક્કર આવતા હતા. ભાભા પણ, "મારો દીકરો..
મારો દીકરો" કરતા બાબા પાછળ ઉપડ્યા..

"તખુભા, ભાભા ભાગે સ.ઈમને ઈમ લાગે સ કે તમે જાવા દેશો..
જો જો હો જાવા દેશો તો આજ ઓકી જ્યો સ..કાલ આવીને હ..હ..." ભીમાએ આગળનું વાક્ય હાથની પહેલી બે આંગળી બતાવીને સાનમાં સમજાવી દીધું

ખીમો ડેલીમાં ડોલ લેવા દોડ્યો..
આજ તભાભાભાને સાવરણો પકડાવ્યે જ પાર હતો..!

"અલ્યા,ઉભા રો કવ છું.આમ કોકના ઓટલા બગાડીને વેતા થાવ ઈ નો હાલે.."કહેતો ભીમો ભાભાની પાછળ દોડ્યો..

બાબો અને ભાભા ભાગ્યા.ભીમો પણ પાછળ દોડ્યો.ત્યાં જ તખુભા બોલ્યા,

"રહેવા દે હવે..ઈમની જેવું કોણ થાય..છોકરું છે તે ઓક્યું.ઈમાં આપણે એવું ન કરીએ..ખીમો અને તું બેય જરીક પાણી નાખીને વાળી નાખજો.." તખુભાને આખરે તભાભાભાની દયા આવી.

ભાભા પાછળ દોડતા ભીમાએ "તું અને ખીમો બેય વાળી નાંખજો'' એ વાક્ય સાંભળ્યું કે તરત જ સ્પીડ વધારી.અને પાછું વળીને પણ જોયું નહીં.

ભાભાની સાઈડ કાપતા કાપતા એ બોલ્યો,

"હવાર હવારમાં શું ધોડ્યા આવો સો..કહુમ્બાની આશાએ અમે તખુભાની ડેલીએ આયા'તા.. તમારો એંઠવાડ વાળવા નહીં. બિચારો ખીમો હલવાણો.."

"એ ખીમજીનો અવતાર સુધરી ગયો સમજ..તારા પાપ તને દૂર લઈ જઈ રહ્યા છે.. સાત જન્મનું પાપ આજ બળીને ભસ્મ થઈ જશે..જ્યારે તું તો રૌ રૌ નર્કનો અધિકારી છો..તખુભા અને તું આવતા સાત ભવ સુધી નરકમાં પડશો.." ભાભાએ ભાગતા ભીમાને પાપ અને પુણ્યની વ્યાખ્યા સમજાવી.

"ભલે મારો અવતાર એળે જાય..
આવતા ભવની વાત આવતા ભવે
હમજશું..ઈમ કાંય તમારો એંઠવાડ નો વાળવી અટલે નરકમાં પડવી એવું કોને હમજાવો સો તમે.. ભલે ખીમલો સરગાપર (સ્વર્ગ)માં જલસા કરતો.." કહી ભીમો ઉતાવળા પગે ઉપડી ગયો.

તભાભાભા પણ બાબાનો હાથ પકડીને ઉતાવળા ઉતાવળા ચાલવા લાગ્યા..એમણે પાછું વળીને જોયું તો તખુભા ખીમાં પાસે ઓટલો ધોવડાવી રહ્યા હતા...!

ઓટલો વળતો ખીમો પેટ ભરીને બાબા અને તભાભાભાની ગાળો દઈ રહ્યો હતો..

"ભીમલો હાળો.. ના પાડી'તી તોય હાલ્ય કહુંબો મળશે ઈમ કયને મને પરાણે આંય ખેંહી લાયો..ઈ તો ભાગી ગીયો.. મારે આ બાબલાનો એંઠવાડ વાળવો પડ્યો..નખ્ખોદ જાજો હાળાનું..''

*

ધારાસભ્ય ધરમશી ધંધુકિયાએ
પાણીની લાઈનમાં થઈ રહેલી ગોબચારી અંગેની તપાસ આડે પાણો મૂકીને હુકમચંદને બચાવી લીધો.પણ ન નખાયેલી ગટરલાઈન અંગે તપાસ ઉભી હતી. વજુશેઠે અરજી કરી હોવાનું ધ્યાનમાં આવતા ધરમશી ધંધુકીયાએ હુકમચંદને વજુશેઠને સમજાવી દેવાની સૂચના આપી હતી.

તભાભાભા બગડેલા મોં વાળા બાબાને લઈને તખુભાની ડેલીએથી પોતાના ઘેર ઉતાવળા ઉતાવળા જઈ રહ્યા હતા.બાબો મોં ઝભ્ભા સાથે મોં લૂછતો હતો અને બજારમાં જ્યાં હોય ત્યાં થુંકતો હતો.તમાકુંની અસરને કારણે એને ચક્કર આવતા હતા..

એ વખતે વજુશેઠની દુકાને જઈ રહેલા હુકમચંદે ભાભા અને બાબાને જોયા..

"લ્યો..આજ તો બ્રહ્મદર્શન થઈ ગયા..એ જેશી કર્ષણ ભાભા..
કેમ બેઉ બાપ દીકરો કઈ બાજુ જઈ આવ્યા.."હુકમચંદે કહ્યું.

પોતાના સગા સબંધી અને મિત્રોને લાડવા ખવડાવવાનો વાયદો કર્યા પછી શિકાર હાથમાંથી છટકી ગયો હતો.હવે એ લોકોને શુ જવાબ આપવો એ વિચારતા વિચારતા ભાભા બાબાએ ઉભી કરેલી ઉપાધિથી મૂંઝાઈને ઘર તરફ જઈ રહ્યા હતા..એમાં હુકમચંદનો હાંકલો સાંભળીને ભાભાની આંખો ચમકી..!

"બેટા, બાબા તું ઘેર જઈને સ્નાન કરી લેજે..અને થોડીવાર સુઈ જજે.." કહી ભાભાએ હુકમચંદ તરફ ડગલું માંડ્યું..

"શું વાત કરું..હુકમચંદજી.ક્યારેક અમારી જેવા વિદ્વાન માણસો પણ માણસને ઓળખવામાં થાપ ખાઈ જતા હોય છે.જુઓને આ તખુભા..સાવ આવા માણસ નીકળશે એવું મેં તો સ્વપ્નમાં પણ વિચાર્યું ન્હોતું..ગટરના રૂપિયામાં મોઢું નાખવું એ તો ગટરમાં મોઢું નાખ્યા બરાબર છે..પાછું પશ્ચાતાપ પણ કરવો નથી. સાંભળ્યું છે કે સૂકા ભેગું લીલું બળે એમ તમને'ય મામલતદારે બોલાવ્યા'તા..?"

"તે ભલે ને બોલાવે..આપડે ક્યાં કંઈ ખોટું કરવું છે તે ડરવું..હું તો એકદમ ચોખ્ખો માણહ..કાંઈ એમનીમ તો ધારાસભ્ય સાથે બેઠક ઉઠક નહીં હોય ને..! " હુકમચંદે એકબાજુ ઉભા રહેતા કહ્યું..

"તે હું એમ કહું છું કે થોડું દાન ધરમ પણ કરવું..ભલે તમે તો સાવ ચોખ્ખા માણસ છો...પણ શું છે કે જાહેરકામમાં તો ભાઈ ગમે એટલા છેટા રો તોય છાંટા તો ઉડે ઉડે ને ઉડે જ..રાજકારણ એટલે તો ભાઈ લપસણી ભોં કહેવાય..
ક્યારે થાપ ખવાઈ જાય ને પાપમાં પડાઈ જાય ઈનું નક્કી નહીં..તે હું ઈમ કહું છું કે..."

ભાભાએ લાડુના જમણની પૂર્વભૂમિકા બાંધવા માંડી ત્યાં જ હુકમચંદના ખિસ્સામાં મોબાઈલ રણક્યો..હુકમચંદે "હા હા..સાવ સાચું કીધું તમે.." કહી ફોન ખિસ્સામાંથી કાઢીને રિસીવ કર્યો..

"હા..બોલો બોલો સાહેબ..હા એને તો હું સમજાવી દઈશ.મને પેલા ખબર હોત તો તો આંય ને આંય મામલો રદે ફદે કરી નાખત..
તમે ચિંતા ન કરતા..કામ થઈ જશે.. આ હુકમચંદ બોલે છે શુ સમજ્યા..? કંઈ કાયમ સરપંચ જ નથી રેવાનું..આ તો પેલું પગથીયું છે..હેં..? હા હા..ઈ તો એમ જ હોય..કોઈ હરિચંદરનો દીકરો નથી..હેહેહે."

હુકમચંદે ફોન મૂકીને ભાભા સામે જોયું.."તો ચાલો, મારે એક કામ છે, પછી આવો એક દિવસ..
ક્યારેક મારું આંગણુ પણ પાવન કરો..તખુભાની ડેલીએ બહુ ગયા.
પવન હોય એ બાજુ ઘોડી મુકાય ઈ તો તમને ખબર જ હોય ને.."

"હા..હા..ચોક્કસ. એ તો મારી જેવા વિદ્વાન માણસને તમારે થોડું કહેવું પડે..? પણ હું શું કહું છું..?
થોડું ધરમ ધ્યાન..."

તભાભાભાને હુકમચંદની વાત સાંભળીને લાડુના જમણવારનો
મેળ પડવાની સંભાવના દેખાઈ.
વાત આગળ ચાલે એ પહેલાં જ હુકમચંદનો ફોન ફરીવાર રણક્યો.."

"એક મિનિટ હો..." કહી હુકમચંદે ફોન કાઢીને લીલું બટન દબાવ્યું..

"હેં..? ક્યારે..? નો હોય..શું વાત કરછ.."
ફોનમાં થઈ રહેલી વાત સાંભળીને હુકમચંદના મોં પર ચિંતાઓનું વાદળ છવાઈ ગયું.
થોડીવાર ફોનમાં વાત સાંભળીને બોલ્યો,

"પણ એમ કેવી રીતે થાય.ના ભઈ મને માન્ય નથી..તપાસ આવી તે શું થઈ ગયું..અલ્યા ભઈ આવું બધું તો હાલ્યા કરે..મારે ઠેઠ સુધી છેડા અડે છે..આ તો મામલદાર છે બાકી કલેકટર આવેને તોય આપડું કામ નો અટકે.."

વળી થોડીવાર સામેવાળાએ જે કહ્યું એ સાંભળીને હુકમચંદ ખીજાયો..

"એવી ધમકી મને નહીં દેવાની શું..
જા તારે થાય એ ભડકા કરી લેજે તો પછી..અલ્યા એમ તમે નચાવો એમ મારે નાચવાનું..? હું કાયમ સરપંચ જ નથી રે'વાનો..આજ તમે અમારું ધ્યાન રાખ્યું હશે તો આગળ ઉપર અમે પણ તમારું ધ્યાન રાખશું. ડેલીગેટની ચૂંટણી હમણે આવશે..મારી ટિકિટનું ફાઇનલ છે..એટલામાં હમજી જા.."

સામે છેડેથી હજી પણ વાત શરૂ હતી.હુકમચંદ ભાભાની સામે જોઈને વાત સાંભળતો હતો.વાત જેમ જેમ ગરમ થઈ તેમ તેમ એ ભભાથી દૂર જવા લાગ્યો.ભાભા પોતાનો લાડવો દૂર જઈ રહ્યો હોય એમ હુકમચંદ પાછળ જવા લાગ્યા..એ જોઈ હુકમચંદ બગડ્યો..

"ઉભો રહે એક મિનિટ.." ફોનમાં એમ કહી હુકમચંદે ભાભાને કહ્યું
"સારું ત્યારે..તભાભાભા.આવો ક્યારેક. મારે અગત્યનું કામ છે..
ચાલો મલીએ.." કહી એ ઉતાવળે ચાલવા લાગ્યો..

"તારી જાતનો હુકમચંદ..! લાડવા તો તારે જ ખવડાવવા પડશે.મારે બધાને કહેવાઈ ગયું છે એનું શું..!
શું બ્રહ્મવાક્ય નિશ્ફળ જશે..? ન બને..કદાપિ ન બને.." એમ બબડતા બબડતા ઘર તરફ ચાલવા લાગ્યા..!

*

ટેમુ આજ સવારથી વીજળીને મેસેજ કરી રહ્યો હતો.પણ વીજળી કોઈ રીપ્લાય આપતી ન્હોતી. એટલે કંટાળીને એણે નગીનદાસની નીનાને મેસેજ કર્યો.
એ વખતે નીનાનો ફોન નગીનદાસના સંચા પર પડ્યો હતો.. મોબાઈલમાં 'ટૂંણક ટુંણક'
ટોન વાગ્યો અને સ્ક્રીન પર ' hi '
ઉપસી આવ્યું એટલે નગીનદાસે મોબાઈલ હાથમાં લઈને વોટ્સએપ ખોલ્યું..નીના એનો ફોન લોક કરતી નહીં એટલે ટેમુએ કરેલો મેસેજ નગીનદાસના વાંચવામાં આવી ગયો.

નગીનદાસ પણ બાર કોમર્સ સુધી ભણેલો હતો.અને સમય મુજબ અપડેટ રહેવામાં પણ માનતો હતો..મીઠાલાલનો ટેમુ પોતાની દીકરીને 'hi' કરે તો નગીનદાસનો મગજ ન ફરે ?

નગીનદાસે જોયું તો નીનાએ ટેમુ સાથે કોઈ ચેટ કરી નહોતી.

"ઠીક, આ ટેમુડો મારી દીકરીને લંગર નાખે છે એમ ને..લાવ ને જોઉં તો ખરો.." એમ વિચારીને નગીનદાસે પણ સામો hi નો રીપ્લાય કર્યો.

"Aav ne dukan pr... ek novel aavi 6.." ટેમુએ બીજો મેસેજ મોકલ્યો..

"Naa..'' નગીનદાસે ના પાડી.

"Kem..? -ટેમુ

"Mne ras nthi ' -નગીનદાસ

"Pn te divse to tu ketiti ke koi sari novel hoy to keje''
Aav ne yaar.. vaato krishu
Mjaa aavshe.." -ટેમુ..

"Mne vaato ma ras nthi"
-નગીનદાસ

"To shema ras 6 ? 😆😆"
-ટેમુ

"Maar khaavo 6 ?" 😠😠
- નગીનદાસ

"Tara haath no mar pn mitho laagshe mne😋😋"
-ટેમુ

નગીનદાસ હવે અકળાયો.સાલા આ ટેમુડાને સીધો કરવો પડશે..
કહી એ મોબાઈલ લઈને ટેમુની દુકાને જવા ઉપડ્યો..

નીના ઓફલાઇન થઈ ગઈ એ જોઈ ટેમુએ બીજો મેસેજ નાખ્યો..

"To aav.. mne maarva.. tne ras pde ema mne pn ras pde.."

નગીનદાસે એ મેસેજ જોયો.અને દીકરીનો એ બાપ સળગી ઉઠ્યો..


(ક્રમશ :)





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED