ઉર્મિ કાવ્ય સંગ્રહ Urmi Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉર્મિ કાવ્ય સંગ્રહ



જય શ્રીકૃષ્ણ !


સાહિત્ય ક્ષેત્ર એક અનોખી ભેટ છે. આપણો ધર્મ, તહેવાર, વ્યવહાર, જીવનશૈલી, કલા, સંગીત, ઇતિહાસ દરેક ને જો કોઈ એક માં સમાવી શકીએ તો એ છે સાહિત્ય.

મને નાનપણથી જ સાહિત્ય લેખ નવલકથાઓ અને કાવ્ય ના વિવિધ સ્વરૂપો પર અઢળક પ્રેમ રહ્યો છે. આ મારા પ્રેમ ને પાંખો આપી એક નાનકડો અમથો પ્રયાસ કરી રહી છું. આશા રાખું કે આપ સૌને મારી રચના ગમશે.

સાથે જ મને મારા જીવનમાં દરેક પગથિયે પ્રેરણા આપવા , સહકાર આપવા સૌપ્રથમ મારા માતા-પિતા , મારો પરિવાર , મારા દોસ્તો અને શુભેચ્છકો નો અઢળક આભાર !


- ઉર્મિ ચૌહાણ





=========================================================

1. જાણે અજાણે

ખરતા એ પાન ની વેદના ઉગતી કળી કેમ જાણે ?
જાણે તો એ ધરતી સૌ સમાવતા એ જાણે..

ચૌ દિશાએ વિહરતા દિન રાત ને જે મળે એ ખાતા,
ઓલી પિંજરામાં કેદ બેઠું આરોગે પકવાન કેવા જાણે!

ભૂલો ન જાણી બીજાને દોષો આરોપો કરતા અમે,
થોડા ઓછાસુખથી દુઃખી-દુઃખી રહેતા નકામા જાણે!

થાકેલો હારેલો હું યુવાન એ તો વેદના ઠાલવતો,
કરે કેટલું ને સરવાળે બાદ થતું મારું અસ્તિત્વ જાણે !

તવસમીપે આવી જાણ્યું તારો છું અને તું જ માટે આવ્યો પ્રભુ,
છતાં શું દોડી રહ્યો મીથ્યા જગ કાજ આમ અજાણે !!


=========================================================

2. માનવી ભૂલ્યો ભાન


એક વાર કહું કે બે વાર કે પછી હજારવાર,
મનને સમજાવવું એટલે જાણે ડબલ દુશ્મન પર વાર

લાઇટ ડીમ લાઇટ ચાલતી અને ઉરમા અંધાર,
કહેવાતા દોસ્તોને સગાઓ, પણ બન્યો એકલતા નો શિકાર

થાક્યો એ માણસ નિભાવીને અઢળક કિરદાર,
સફળતા પામી ને કેમ ના ખુશ થતો? રહેતો માત્ર અસંતોષ

ભાગીને હારીને મનથી મરેલા નો કોણ કરશે ઉદ્ધાર ?
ઈશ્વરને પાડે ત્યારે સાદ જ્યારે આવી પડે દુઃખ અપરંપાર !!


=========================================================

3. આબરૂના ધજાગરા



હુકમ જે આવ્યો વડીલનો ત્યા મંતવ્ય જરાક આપ્યો,
એના સ્વતંત્ર વિચારો રજૂ કરવામાં થયા આબરૂના ધજાગરા !

પેલી કન્યા બટકબોલી, ના વાતો કરતી છાની છપનિ,
ગામ વચ્ચે ચાલતી ને ડોલતી રમતી, તો થયા આબરૂના ધજાગરા !

આવ્યો નવપરણિત બેટો, લાવ્યો મનગમતી વહુ,
એની વારે દોડ્યો નદીએ લઈ ઠામ ધોવા, ત્યાં થયા આબરૂના ધજાગરા !

વહુ તો વળી બહુ શાણી ને પટ પટ કરતી કામ,
જેવી ભાળી કોઈએ ઉઘાડા માથે ત્યાં થયા આબરૂના ધજાગરા !

ત્રાસ ખૂબ સહી સહી ને રહીને એ બાપડી,
આવી જેવી પિયરના આશરે ત્યાં થયા આબરૂના ધજાગરા !

આવા કેવા રિવાજો જ્યાં ના થાય કોઈનો ગણપા્ટ‌ !
બારણા અંદર જુલમ કરે ને બહાઑર બનતા મોભાદાર !

જીવવાથી એ રોકે ને સુખી થી મરવાના પામતા,
આ જીવતર ની દશા બગાડતા ખોટા આબરૂના ધજાગરા !!


=========================================================

4. મન મોકળું



કેટલાયે દિવસો ભરેલો ડૂમો હતો,
જાણે આંખોને વરસવું અઘરું હતું
ને મન મોકળાશ ગોતતુ હતું!

આયખો આખો કાચો છતાંયે
ન ભાળ્યું કોઈ ખોળિયું જ્યાં,
મનના દરવાજા ઉઘાડી રહસ્ય ખોલું !

આમ તો દુનિયા માટે ખુલ્લી કિતાબ સમાન હું,
પ્રકરણ બધાએ સાંભળતાં પણ
વાત કોઈ ક્યાં સમજતું!

પડતી આવેને સફાળા આવી ઉઠતા
ભલા માણસ! ખોટું થયું!
જાજો તો સાથ નહીં દેવાય એમ પણ કહી જતું !

સાલી અપેક્ષાઓમાં અડધી જિંદગી વિતાવી,
ઉકાળ્યું શું આજ સુધીમાં ઘૂટતા ઘુંટાતા
ઠંડી બોળ હું ઉરમાં સઘળું ઉકળતું‌ ;

કેમ કરી ખુદ ને મનાવુ ન માને એ મન,
રોજ અણધાર્યા મેહ માં પલળતી
આજે મન મૂકીને ભીંજાય જ ગઈ!!


=========================================================

5. મારો ક્હાન



તને ખબર છે કાન્હા? આ દુનિયાની નિરર્થક વાતો,
ને મારા મનનો માળો સુકાતો,
વિટંબણાઓ ના સથવારે મારી વ્હારે તું જ તો એક આવતો !

ઘડીક મારુ મન ચારેકોર દોડતું, સાચું કહું તો જીવનથી આળસ આવે, થાકી-હારીને દશા થઈ મારી ભુંડી, હૃદય અંતમા પ્રભુ તને જ પોકારે !

પ્રેમના પંથ મેં ખોળ્યા, પણ શીખી મર્મ ખરો તુજ સંગાથે,
કોઈ ન દીઠું જે જાણે વેદના મારી,
વાંસળી સુની હૈયું બોલે રણછોડરાય રે !


અવઢવ થયો આ અતરંગી દુનિયામાં, કેમ કરીને જીવાશે !
એથી સારું નાસી છૂટવું,
સતત તું સાથે તોયે ખુદ પર ઉઠ્યો સવાલ,
ગીતા મેં જો જાણી હોત તો કદી મન કાયર સમુ ના વિચારે !

ડગમગે જો નૈયા કર્મ કેરી,
શ્રદ્ધા વિખુટી ના પડે મારી,
કૃષ્ણને ગમતી બનું એ આશા ઉરમાં રાખી,
ભલેને દુનિયા મુજ ઘેલી ને ના સ્વીકારે !

ફરી ફરી પાછી આવી છું તમ દ્વારે,
તારી માયા થી ના કોઈ અજાણ્યું,
ઓલી ગોપીઓ હોય કે રાધા,
કણેકણમાં નિહાળી નિશદિન તને જ સંભારે !


=========================================================

6. ખપ


મોસમ ખુશનુમા બને , જો સંગ શીતળતાનો મળે
પણ તાપનોયે ખપ પડે !

મન ચારેકોર દોડે ,માયાના હીચકે હિલોળે ,
હૃદય તો માત્ર એક જ નામ બોલે !

મહાદેવ હર વાત સુણે , જગ જેને ભોલેનાથ કહે ,
શિવશક્તિ જ સંસાર પૂર્ણ કરે !

ખળખળ ઝરણું જ્યાં વહે , સૌની તૃષ્ણા સરિતા પોષે ,
છતાંય સંગ સાગરનો ઝંખે !

ક્ષતિ બધી ભાંગી પડે ,જો શ્રદ્ધા ઇશ પર ટકે ,
પણ ધીરજનો સિક્કો ક્ષણભરમાં તૂટે !

રંગ અનોખા બદલે લોક ,બોલ પલે પલ ફરે ,
'ને આશા નો સથવારો ફરી એકવાર છૂટે !!


=========================================================

7. અર્થ


જેમ જુદા જુદા પ્રેમનો મર્મ એક છે ઈશ્વર; ‌
એમ આ અનેક શબ્દો નો અર્થ એક પ્રેમ જ છે!

ક્યારેક લાગે મારા બધા દુઃખ નો પ્રિયતમા તે આપેલો સધિયારો ,
જે મને હાથ જોડીને મંદિરમાં પ્રભુ સમક્ષ પણ ન મળે!

તો ક્યારેક લાગે મારી બધી જ ફરિયાદોનો તારી સમક્ષ એક જ ઉપાય,
એક ક્ષણ તારા હૃદય સમી મને ચાંપી લે!

તું ક્યારેક લાગે તો સાવ પથ્થર દિલ જે લાગણીઓ ના જાણે, પણ તારી આંખોમાં મારા પ્રત્યે નિર્મળ પ્રેમ દેખાય!

હવે લાગે છે તું મન મનાવી લે છે ,
છતાંય ખાતરી છે કો'ક દિવસ મને સંભારીશ !!


=========================================================

8. પ્રીત


પ્રીત છે આ નથી કોઇ રીત કે નથી એનો અંત નિશ્ચિત
પલ માં ના વિખરાઈ કે પલ મા ના બંધાય !

નજરોમાં તારી હું બની બેઠું ઝાકળ,
સાગાર પણ ના પોષ એવી આ પ્રેમની તરસ !

ધૂનમાં તારી ગાયા કરુ સ્નેહનું ગીત,
બંસી, વીણા પણ ના મોહે એવું અનહદ આ પ્રેમ નું સંગીત

ઝરમર છાંટા જરીક સ્પર્શે જો અધૂરો ને
કેમ ના ભીંજાઉ તારા ગરજતા લાગણીઓના મેઘમા

બંધ આંખે થી નિહાળું એ સ્વપ્ન છે તું,
અંતરની આંખો મા રચેલી છબી તારી ના કદી ભૂંસાય!

મન મારું હરખાય તારા સ્મિતથી,
છલકે તોયે બસ એક જ તારા વિરહમાં

વ્હાલી તારી વાતો ને હૈયામાં ના સમાય એટલી યાદો,
ધીમે-ધીમે પીગળતી જાઉં એવી તારી અનોખી પ્રીત



=========================================================

9. બહુ થયું


પ્રીત, પ્રેમ, પ્રિયતમ આ બધું કહેવા ખાતર લાગે સારું,
ખરી દુનિયા જ્યારે ભાળો ત્યારે ભાખે સઘળું કડવું ખારું !

સ્થિતિ ઘટના સમય અને સાથે ચાર લોકોની વાતો,
કોણ શું કહેશે ને આમ કેમ થશે જેવી હજાર ઝંઝાવાતો!

મધદરિયે જો નાવ હાલકડોલક થઈ ગઈ તો અધવચ્ચે ક્યાં જવું! સંબંધો સાવ અધકચર હોય તો ત્યાં વિખરવુ કે રોકાવું!

ફરક ક્યાં પડે એમને જેને મન આ બધી રમત,
લાગણીઓ મૂકીને નેવે, ચાલી હું મારા પંથે, છોડી આશ ભ્રામક !


=========================================================

10. જિંદગાની


યાદોના વહેણમાં વહેતી તો થઈ ગઈ પાણીમાં ,
પણ જળ આખું ડહોળું ને તરતી મૃત માછલીઓ ની દશા જો !

પીડા ના જાણી એકબીજાને કો'દી પંચાતે પહોળુ જગ ,
દ્રવી ઉઠ્યું હ્રદય પણ ઢંઢોળુ કા? જાત પૂછે સો વાર !

હજાર નહીં ને લાખો ભવ બળ્યા ,
કેવળ એક બુંદ માંગે ઠરતા ઉર ને ભરે એ ડંખ જો !

અરે ! એ ડંખના ઉઝરડા પડ્યા જે ભાળ્યા ના કોઈ આંખે ,
હવે નિરાળી પ્રીત શું કામની ન રૂઝે અંતરના ઘાવ !

ચાર દાડા બસ ગુલાબી અત્તરનું સુગંધી નઝરાણું ,
છતાં વીતી કણસતી પીડાતી જિંદગાની આખી જો !!!


=========================================================

11. અડચણો


અણધારી આ સ્થિતિ એવી કે પળમાં વિખેરતી સઘળું ,
રાજાને રંક બનાવે છીનવી લે જીવનભરની માયા મૂડી‌‌

હોય ભલે નિષ્પાપ આદમી એને ‌ન કોઈ પરવા‌‌ ,
મહેમાન બનીને આવી,‌ટકે ક્યારેક તો પૂરી જિંદગાની

ઢીલા મન બેસે રો'વા ભાળી દુઃખના દહાડા ,
કઠણ કાળજું હોય છતાં એક ખૂણે બીક‌ જીવતી

આળ્યો ઘોળ્યો છેલ્લે તો મારા રામ પર ઢોળ્યો ,
પોતાનું બાળક દુઃખી દેખી એને પણ ક્યાં મજા આવતી ?

કર્મના આ લેખ છે અને અનુભવનું ભરવું ભાથું ,
આમાંથી થઈ ગયા પાર તો અસલ મજા તે માણી

સગાંવહાલાં‌ કોણ પોતાના સમય કરાવે બધી ભાન ,
વ્યવહાર સાચો નીતિમત્તાનો માણસાઈ શીખવે ખરી

હારી નહીં થાકી નહીં, કરવો સામનો ખુલ્લી છાતીએ લડીને‌ ,
સમજો તો એમાં પણ સુખ છે એનું નામ જ ખાટી મીઠી મુશ્કેલી !!


=========================================================

12. વ્હાલમની વાતો


મનના પાના પર લખી વ્હાલમ કેરી વાત ,
લાગણીઓ અણધારી હ્રદયમાં ચિતરાય

પ્રેમથી રચેલી હસ્તરેખાઓ ગઈ ક્યારની ભુંસાઈ ,
નસીબના લેખ ફરી અણગમતા લખાય

હૈયાના બગીચે ખીલે અવનવા પુષ્પ અનેક,
નજર તો કાંટાળા ગુલાબમાં અટકાય

રેતીના દરિયામાં ભલે કેટલી એ બને પ્રતિમા ,
આવે જરા ભરતી ને આકાંક્ષાઓ સાથે સર્વસ્વ રેળાય !!


=========================================================

13. કાફી છે


જાતજાતના રંગબેરંગી ફૂલો ના ગુલદસ્તા ની સુંદરતા લાગે ઝાંખી,
તારા હાથે કોમળ સજાવેલી એક વેણી છે કાફી !

ના કર કોઈ વિવાદ પડી જશે વિખવાદ,
આંખોથી કરેલો એકમેકનો સંવાદ છે કાફી !

બહુ લખેલા પ્રેમપત્રો હવે કાગળ કલમ મૂકો બાજુએ ,
એ વિરહની તડપન માં વંચાતો સ્નેહ છે કાફી !

ખૂબ કર્યો શણગાર બનવા સાજન કેરી પ્રિયતમા ,
નજર બસ માત્ર એની ન દૂર થાય એટલું છે કાફી !

સાત જનમ ને સાત વચનો ખૂબ છે મોંઘા ,
આ જીવનભર તારી પ્રીત નો સંગાથ છે કાફી !!


=========================================================

14. ગણિત પ્રેમનું


અંતરમાં રચ્યો આલેખ 'ને કર્યો લાગણીભર્યો હિસાબ ,
સરવાળો કર્યો સંબંધોનો છતાંયે પરિણામ શૂન્ય ‌!

પ્રેમના નામે આવ્યા અનેક આકડા જેનો કર્યો ભાગાકાર ,
શોધવા નીકળી ભાગફળ તો જડ્યો નકારાત્મક જવાબ !

તોયે આ હ્દય નું ગણિત છે સાહેબ ,
જવાબ ભલેને જે મળે દાખલો હંમેશા પૂર્ણ ગણી લેવો !


=========================================================

15. ઉર્મિ


જળ વિના સુકી મુજ આશા પડી ભાંગી ,
દિવસ આખો કરી મહેનત સાંજે ખૂણામાં બેઠી છાનીમાની !

ક્યારેક શોર-બકોર મા‌ વીખૂટી થઇ ન જડ્યો ઘર નો મારગ ,
કોક દિ' વળી એકલી ઘરમાં પાંદડું લાગે ગાજતું !

નિરાશ થઈ અસમંજસમાં , ન પડખે એક પણ દોસ્ત‌‌ ,
નસીબે વળી મળે , એ ચીંધે રાહ જ્યાં મારો ન કોઈ પનારો !

મનથી તો છે હરેક ખોળીયા ગરીબ ભલે ધનનો ન કોઈ પાર ,
ભુલકણી ભૂલી ગઈ, હૃદયમાં છે કૃષ્ણ અને પીડામાં જ તો લીલા લહેર !

ચાહું તો ચારેકોર ઉર્મિની રેલમછેલ ,
ચાહું તો હું ખુદ જ બનુ મારા હરખ નું કારણ !

સવાલ શાને જગને કરૂ, ને મૂંઝાતી રિસાતી ફરૂ ?!
બસ હવે સંકેલુ ભાંગેલી આશાઓ અને હૈયામાં પ્રેમની રંગોળી પુરુ !!



=========================================================


Thank you for reading.


For any queries or concerns please reach out to me :
chauhanurmi2@gmail.com

Follow me for more updates :

Instagram : urmi_wording