MOJISTAN - 16 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 16


ડો.લાભુ રામાણી ભાનમાં આવ્યા ત્યારે રાત્રિનો દોઢ વાગ્યો હતો. ગામના ચોરા તરફ જતી બજારમાં કોઈકની દુકાનના ઓટલા આગળ પોતે પડ્યા હતા. કોઈ બે જણ પાછળથી આવીને ઢીકા અને પાટુનો માર મારીને જતા રહ્યા હતા.
"નક્કી પેલા દારૂડિયાના ઘરના લોકોને ખબર પડી ગઈ હોવી જોઈએ.
સાલાઓએ મારી મારીને ખોખરો કરી નાખ્યો.." ડોકટર બબડતા બબડતા હળવેથી બેઠા થયા. એમનું આખું શરીર દુઃખતું હતું. મહાપરાણે તેઓ ઊભા થઈને ઓટલા પર બેઠા. હવે ક્યાં જવું એ નક્કી થઈ શકતું નહોતું.
ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને ડોક્ટરે સમય જોયો.
"દોઢ વાગ્યે દરબારને ફોન કરવો વ્યાજબી ન કહેવાય.બિચારા એ પણ ઘાયલ થયેલા છે. નિરાંતે સૂતાં હશે. બૂટમાં ઘૂસેલો કાદવ હવે ચટકા ભરતો હતો. ડોકટરના ચશ્માં પણ ફોરી રહ્યા હતા.
"આવા ગામમાં હું શું કામ આવ્યો...? ગામની બહાર તો કાદવ કીચડની નદી વહે છે અને કૂતરાઓ ભંહે છે. હવે પાછું ક્વાર્ટર પર જવા માટે ફરી એ કીચડ ખૂંદવો પડશે. અહીં આ ઓટલે તો કેમ બેસી રહેવાય. શું કરવું એ સાલું સમજાતું નથી."
ડોકટર મનોમન એમ વિચારીને બેસી રહ્યા હતા. તેઓ જે ઓટલા પર બેઠા હતા ત્યાં ત્રણ બજાર ભેગી થતી હતી. એક બજાર સીધી ગામની મેઇન બજાર બની જતી હતી. બીજી બજાર તખુભાની ડેલી પાસે થઈને ગામના બીજા ભાગમાં જતી હતી. ત્રીજી બજાર ગામની બહાર નીકળતી હતી, જ્યાંથી ડોકટર આવ્યાં હતાં. એમની
પાછળ ભીમા અને ખેમાએ આવીને ડોક્ટરને ધુડો સમજી 'લોથારી'ને ધૂળ ચાટતા કરી મૂક્યાં હતાં.
ગામની મુખ્ય બજારમાં સ્ટ્રીટ લાઇટ ચાલુ હતી એટલે દૂર સુધી જોઈ શકાતું હતું. તખુભાની ડેલી તરફની બજારમાં પણ સ્ટ્રીટ લાઇટનું અજવાળું પડતું હતું.
ઘણી જગ્યાએ થાંભલા પરનો લેમ્પ ઉડી ગયો હોઈ અંધારું પણ હતું. ડોકટર હજુ માથે શાલ ઓઢીને બેઠા બેઠા કણસતા હતા.
તખુભાની ડેલી જે ખાંચામાં હતી તે તરફના અંધારામાં ડોક્ટરને કંઈક હિલચાલ થતી હોય એમ લાગ્યું. કાદવવાળાં ધૂંધળા ચશ્માંમાંથી અંધારામાં થતી હિલચાલ દેખાતી હોવાથી ડોક્ટરના અચરજનો પાર રહ્યો નહીં, કારણ કે દિવસે પણ એ જાડા કાચમાંથી એમને ચોખ્ખું જોવામાં તકલીફ પડતી હતી...!
ડોક્ટરે આંખ ઝીણી કરીને જોયું તો કોઈક જનાવર ઊભું હોય એમ લાગ્યું. દૂર બળતી લાઇટનું અજવાળું એ અંધારામાં આછો અજવાશ કરી રહ્યું હતું.
"આ ગામમાં કોઈ હિંસક પ્રાણીઓ હોવાનું સાંભળ્યું તો નથી...કદાચ ગધેડું હોઈ શકે. તો તો ડરવાની કોઈ જરૂર નથી."
ડોક્ટરે ઘડીભર આવેલી ધ્રૂજારીને સમાવી લીધી, ત્યાં તો પેલા અંધારામાંથી એક પથ્થર ગબડીને ડોકટરના પગ પાસે આવી પડ્યો...!
"ક..કક..ક..કોણ છે...? કકકક....''
ડોક્ટરને એકાએક ટાઢ ચડી ગઈ. નક્કી ત્યાં કોઈ ઊભું હતું. એ જનાવર જેવું લાગતું હતું પણ કદાચ કોઈ માણસ પણ હોય. કોઈ ચોર હોઈ શકે. સાલું બોલવા જેવું નહોતું. એમ વિચારીને ડોક્ટરે માથું શાલમાં ઢાંકી દીધું અને ઓટલા પર ટૂંટિયું વળીને સૂઈ ગયા.
થોડીવાર સુધી શાંતિ પથરાયેલી રહી.
શાલમાંથી ડોક્ટરે હિંમત ભેગી કરીને પેલા ખાંચામાં જોયું તો ડોકટર સૂતાં સૂતાં જ ધ્રૂજવા લાગ્યા.
એ અંધારામાં બે જણ બેઠા હતા. બંનેએ
સફેદ કપડાં પહેર્યા હતા. એમની આંખોની જગ્યાએ ઊંડા ગોખલા હતા, જેમાં અંગારા સળગતા હતા. દૂર બળતા બલ્બના આછા અજવાળામાં ડોક્ટરે જોયું તો એ બંનેના મોઢામાંથી લોહી નીકળતું હતું...!
"ભુ... ઉ...ઉ...ઉ...ત...!" ડોકટરના ગળામાંથી ફાટેલા સ્પીકર જેવો અવાજ નીકળ્યો. પેટમાં એકાએક ગોળો ચડ્યો હોય એવું લાગવા લાગ્યું. ડોક્ટરે ફરી શાલ માથા પર નાખી દીધી.
વિજ્ઞાન આવી ભૂતપ્રેતની વાતોમાં વિશ્વાસ ધરાવતું નથી, તો પછી આ શું હશે? પહેલા મારી તરફ પથ્થરનો ઘા આવ્યો. હવે એ થાંભલા પાસે જે મને દેખાય છે એ શું હશે...? ખરેખર એ ભૂત હશે કે મારી આંખોનો આ ભ્રમ હશે...? મારી જેવો ડોકટર આ ઘટના લોકોના ગળે કેમ કરીને ઉતારશે...? મારે આમ ડરી જવું જોઈએ નહીં. આ જે કાંઈ છે એની ખરાઈ મારે કરવી જ જોઈએ. કદાચ એ ભૂત હોય તો પણ મને શું કામ એ નુકશાન કરશે? કદાચ બીમાર હોય તો હું એ લોકોની સારવાર કરી શકીશ.
હેં...? શું ભૂતની સારવાર થઈ શકે...? પણ ભૂત બીમાર પણ પડતા હોય...? ભૂતને શરીર થોડા હોય...? હું પણ ખરો છું ને...! ભૂત લોકોથી એક ડોક્ટરને ડરવાની જરૂર નથી.
એકાએક ડોક્ટરને હિંમત આવી. માથા પરથી શાલ ફગાવીને સવારે પોતાની પથારીમાંથી ઉઠતા હોય એમ જ ડોકટર ઓટલા પર બેઠા થયા.
ડોકટરની બંને બાજુએ પેલા સફેદ કપડાંધારી અને લાલ અંગારા જેવી આંખોવાળા એ બે જણ બેઠા હતા. એક જણનું મોં કોઈ અકસ્માતમાં છૂંદાઈ ગયું હોય એવું હતું. એક આંખનો ગોળો લાલ બનીને પાંપણ પાસે લટકતો હતો. બંનેના મોંમાંથી લોહી ટપકતું હતું.
ડોક્ટરે બંને સામે વારાફરતી જોયું. આવા ભયાનક ચહેરા જોઈને અંદરથી તો ડોકટર હલબલી ગયા હોવા છતાં ડર્યા વગર બોલ્યા,
"અલ્યા કોણ છો તમે બેય...? શું ખરેખર તમે બેઉ ભૂત છો...? કે પછી આટલી રાતે ગામની બજારે આવા વેશ કાઢીને લોકોને બીવડાવવાનો ધંધો કરો છો...પણ હું તો ડોકટર છું, ડો.લાભુ રામાણી...હું કોઈ ભૂતબુતથી ડરતો નથી. બોલો જલદી..."
ડોક્ટરની વાત સાંભળીને એક જણનું મોં સહેજ ખૂલ્યું. જાણે ઊંડી ગુફામાંથી આવતો હોય એવા ઘોઘરા અવાજે એ બોલ્યો,
"હું રઘો અને આ મઘો સ. હું મોટો અન ઇવડો ઈ સોટો સ. અમ બેય ભૂત સઇ. તું દાગતર સો અટલે બીતો નથ..અમને ખબર્ય હતી ક તું નય બી. પણ પેલા તો તું બી જ્યો'તો. પસ બીક વય જય. અટલે અમ તારી કન આયી ન બેઠાસ. હવ આગળની વાર્તા મઘો કેયસે." કહીને રઘાએ એનું માથું ધડ પરથી ઉતારીને મઘાને આપ્યું.
મઘાએ એ ડોકું પોતાના ખોળામાં મૂકીને પોતાનું છૂંદાઈ ગયેલું ડોકું ઉતારીને રઘાને આપ્યું. પછી રઘાનું ડોકું પોતાના ધડ પર મૂકીને એ બોલ્યો,
"કાં.. આ...આ...દાગતર...હવે ફાટી રઈ ને...?''
ડો.લાભુ રામાણી માથાની આ
અદલાબદલી જોઈને પથ્થરની મૂર્તિ જેવા થઈ ગયા. જીભ તાળવે ચોંટી ગઈ હતી.
થોડીવાર પહેલા જે હિંમત આવેલી એ હવે પ્રવાહી થઈને પેન્ટ પલાળવા તત્પર થઈ હતી...!
"અલ્યા..ચીમ પૂતળું થઈ જ્યો..ઈમાં
સુ સે કે અમારા બેય ભાય વસાળે બોલી હકે એવું આ એક જ ડોકું સ..અટલે અંમે બેય હંપીન વારાફરતી વાપરવી સઈ..
હવે જો તું ભાનમાં હોય તો તારું ડોકું જરીક હલાવ્ય...તો આગળની વારતા સાલું કરું." રઘાએ એના મોઢામાંથી ધુમાડો કાઢ્યો અને આંખના ગોખલામાંથી આગની જ્વાળા બહાર કાઢી.
ડોકટર સાવ ચેતનહીન બનીને ઓટલાની દીવાલે જડાઈ ગયા. એમણે જિંદગીમાં ક્યારેય આવા ભૂત જોયા નહોતા. ન જ જોયા હોયને...! આજની રાત ડો.લાભુ રામાણીનાં જીવનની ભયાનક રાત પુરવાર થવાની હતી.
ડોક્ટરે કંઈ જવાબ આપ્યો નહીં એટલે મઘાએ એની જીભ બહાર કાઢી. સાપની જીભ જેવી વચ્ચેથી ફાટેલી લાંબી જીભે મઘાએ ડોક્ટરનું મોઢું ચાટયું. રઘાએ ગરમ પાણીની પિચકારી ડોકટરના શરીર પર મારી. ડોકટર થરથર ધ્રૂજવા લાગ્યા.
એ જોઈ મઘાએ જીભ પાછી ખેંચીને કહેવા માંડ્યું,
"ખબર્ય સે ને...તું અમદાવાદ હતો તાર અમારા બેય ભાયનું એક્સિડન થિયુ'તું..
પસ અમને તારી પાંહે લાવેલા. મારું ડોકું તો ટરક હેઠે જ સદગાઈ જયું'તું. અમે થોડાક થોડાક જીવતા'તા..પસ તેં ઓપરેશન કરીન અમારા પેટમાંથી કેસે કે કિડનીયું કાઢી લીધી'તી. પસ અમે મરી જ્યા'તા તોય તેં જીવતા સે ઈમ કયન અમારી બાયડીયું પાંહેથી રૂપિયા પડાવ્યા'તા..પસ અમને બસાવી નો હકયો ઈમ કયને તે અમારી કિડનીયું અને બીજું જે કાંઈ કામમાં આવે ઈમ હતું ઈ બીજા દાગતરને વેસી દીધું'તું. તું રૂપિયા ગણતો'તો ઈ વખતે તારી હોફિસના એક ખૂણામાં અમે બેય ભાય ઊભા ઊભા આ હંધુય જોતતા. પણ ઈ વખતે અમારાથી કાંય બોલાય ઈમ નોતું કારણ કે અમે મરી જ્યાતા અટલે અમારી બાયડીયું બોકાહા નાખી નાખીને માથા પસાડતી'તી..હવ આગળની વારતા રઘો કેયસે. '' કહીને મઘાએ ડોકું ઉતારીને રઘાને આપ્યું.
ફરી ડોકની અદલાબદલી થઈ. ડોક્ટરની આંખો ફાટી રહી હતી. એમના મગજ પર હથોડા પડી રહ્યા હતા. શરીર પર રઘાએ જે ગરમ પિચકારી મારી હતી એને કારણે ડોક્ટરની ચામડી પર બળતરા થઈ રહી હતી. ડોક્ટરને આ રઘા અને મઘાનો અકસ્માતવાળો કેસ યાદ આવી રહ્યો હતો...!
પોતે આ બેઉની માફી માગવા માટે બોલવા માંગતા હતા પણ જીભ તાળવે ચોંટી ગઈ હતી.
રઘાએ ફરી પેલી સાપની જીભ જેવી જીભ કાઢીને લાંબી કરી અને ડોકટરનો ચહેરો ચાટયો. આ વખતે મઘાએ ગરમ પાણીની પિચકારી મારી.
"બસ ઈ ઘડીથી અમે બેય ભાય ભૂત થઈન ભટકવી સવી. અમારી કિડનીયું, હૃદય અને કેસે કે ફેફડા પણ અમારા શરીરમાંથી તેં કાઢી લીધા અટલે અમારા જીવ અવગતે જ્યા સ..." કહીને રઘા મઘાએ તેમણે પહેરેલા પેલા સફેદ પહેરણ ઊંચા કર્યા. એમના કપાયેલા શરીરમાંથી લોહી નીકળતું હતું, કારણ કે બેઉની છાતી અને પેટ ચિરાયેલા હતા. હૃદયની જગ્યાએ મોટું બાકોરું હતું...!
"હુ..ઈ... ડ..હુ..ઈ.. ડ...અલ્યા આ કૂતરું કોકનું ડાસુ સાટે સે ચ્યારનું..અને બે વાર તો ટાંગો ઊંચો કરીને બીસાડા ઉપર મુતર્યું...કોણ આંય ધાબળો ઓઢીન હુતુ સે." એકાએક કોઈનો હાકલો સાંભળીને ડોક્ટરની આંખ ઉઘડી ગઈ.
એ રતનશી હતો. જે ઓટલા ઉપર ડોકટર રાત્રે ભીમા અને ખેમાના હાથે ખોખરા થઈને ઊંઘી ગયા હતા એ ઓટલો એ રતનશીની દુકાનનો ઓટલો હતો.
સવારના સાત વાગી ગયા હતા.
ડોક્ટરની પાછળ પેલી કાદવ કીચડવાળી નદીના કિનારે વસતા બે કૂતરાં કાળુ અને એનો દોસ્ત ભુરિયો રાત્રે ગામમાં પ્રવેશેલા ધાબળા ધારી માણસની તપાસ કરવા વહેલી સવારે ડોક્ટરની પાછળ આવ્યાં હતાં. એ બેઉને ભૂખ પણ લાગી હતી.
ઓટલા પર સૂતેલા એ માણસને પારખીને બેઉએ તપાસ કરવા માંડી ત્યારે ડોકટર લાભુ રામાણી ભયાનક સ્વપ્ન જોઈ રહ્યા હતા.
સ્વપ્નમાં જે સાપની જીભ જેવી જ જીભ વડે રઘો અને મઘો ડોક્ટરનું મોં ચાટી રહ્યા હતા એ હકીકતમાં કાળુ અને ભૂરાની જીભો હતી અને ગરમ પાણીની જે પિચકારીઓએ ડોક્ટરને પલાળી રહી હતી, એ શું હતું એ કાંઈ તમારા જેવા સમજું વાચક ન સમજે એમ હું સમજતો નથી !!
રતનશીના હાંકલાથી કાળિયો અને ભુરિયો ડોક્ટરનું ઇન્સ્પેકશન પડતું મૂકીને નાસી ગયાં. ડોકટરે બેઠા થઈને આળસ મરડી. એમને ખ્યાલ આવ્યો કે પોતે જે ભયાનક ઘટનામાંથી પસાર થઈ રહ્યા હતા, એ હકીકત નહોતી. એમણે મનોમન રતનશીનો આભાર માની એમની ચકળવકળ થતી આંખોને રતનશી પર સ્થિર કરી.
"લે આલે.. આ તો દાગતર સકળવકળ..! અલ્યા ભઈ ચીમ આંય રાતવાહો કરવો પડ્યો સ...?" રતનશીને થયેલું આશ્ચર્ય એટલું બધું હતું કે એનું મોં ખુલ્લું જ રહી ગયું.
ડોક્ટરે કંઈ જવાબ આપવાને બદલે ઊભા થઈને ચાલવા માંડ્યું.
શરીર પર પડેલા મારને કારણે એ સરખી રીતે ચાલી પણ શકતા નહોતા.
ડોકટર તખુભાની ડેલી તરફના ખાંચામાં વળી ગયા ત્યાં સુધી રતનશી હજી ખુલ્લા મોંએ લંગડાતી ચાલે જઈ રહેલા ડોકટરને
તાકી રહ્યો...!
તખુભાની ડેલી આગળ આવીને ડોક્ટરે સાંકળ ખખડાવી.
થોડીવારે બહાદુરભાઈએ બારી ખોલી.
લઘરવઘર વેશે સવારના પહોરમાં ડોક્ટરને પોતાને ત્યાં આવેલા જોઈને બહાદુરભાઈ પણ ચમક્યા.
"ડોક્ટરશાબ તમે ? ચીમ અત્યારના પોરમાં..? અને આ શું વેહ કાઢ્યો સે..? કોકે ઢીબ્યા લાગે સે." બહાદુરભાઈએ અચરજથી પૂછ્યું.
"ભાઈ મને ઘરમાં આવવા દો. મારે તખુબાપુને મળવું છે. રાતે હું તમારે ત્યાં આવતો હતો ત્યારે કોક બે જણાએ મને માર માર્યો છે." ડોક્ટર લોચા વળતી જીભે માંડ માંડ આટલું બોલીને ડેલીમાં પ્રવેશ્યા.
"બાપુ શિરાવવા બેઠા સે..તમે બેહો..કોણ આ ગામમાં કપાતર પાક્યા સે ? હાળાવ ડોક્ટરને મારે અટલે ઇમના મનમાં સ્હું હમજે સે ? કોણ હતા ઈ મને નામ દ્યો..
પણ તમને માર્યા સુ કામ...? અને તમે રાતે સુ લેવા આંય આવતા'તા ?" બહાદુરભાઈની નવાઈનો પાર નહોતો.
"એ કહેવા જ હું આવ્યો છું ભાઈ.." ડોક્ટરે ડેલીમાં જઈ ખાટલામાં પડતું મૂકતા કહ્યું.
બહાદુરભાઈ ડેલી બંધ કરીને ડોકટર પાસે આવ્યા.
તખુબાપુ જમતી વખતે મૌન વ્રત પાળતા હતા એટલે ઓસરીમાં શિરામણ (સવારનો નાસ્તો) કરતા કરતા એમણે આંખોથી ડોક્ટરને આવકાર આપ્યો અને ઇશારાથી સમજાવ્યું કે થોડીવાર બેસો, હું આવું છું.
તખુબાપુ શિરામણ કરી રહ્યા એટલે ડોક્ટરે ગઈકાલે રાતે પોતાની સાથે બનેલી આખી ઘટના એમને આવેલા સ્વપ્નને બાદ કરીને કહી સંભળાવી.
તખુભાએ ડોકટર માટે ગરમ પાણી મંગાવીને હાથ મોં ધોવડાવ્યા. શિરામણ કરાવીને આશ્વાસન આપતા કહ્યું.
"આમાં તમારો કાંઈ વાંક નથી. હું બેઠો સુ. તમતમારે તમારો વાળ પણ કોઈ વાંકો નહીં કરે..આજ સાંજે આપણે કથા રાખી સે. તમે હવે જઈને દવાખાનું ઉઘાડો અને નિરાંતે ગામના લોકોની સારવાર કરવા માંડો. હાંજે કથા હાંભળવા આવતા
રે'જો. બીવાની જરૂર નથી. હું દવાખાને બે માણહ મોકલું સુ..અને માનસંગની ખબર કઢાવું સુ..જાવ તમતમારે...!"
બહાદુરભાઈ એમના બુલેટ પર બેસાડીને ડોક્ટરને ક્વાર્ટર પર મૂકી ગયા. ડોક્ટરે ઘેર આવીને નાહી ધોઈને પથારીમાં લંબાવ્યું. આજ એમને દવાખાનું ખોલવાની જરાય ઈચ્છા નહોતી...!

*

બાબો આગળના દિવસે આખા ગામમાં કથા સાંભળવા આવવાનું નોતરું દઈ આવ્યો હતો. તભાભાભાને મોડે મોડે પણ પોતાની તબિયત સુધારા પર આવી જાય એવું લાગતું હતું. પોતાના દીકરાની પહેલી કથામાં પોતે હાજર રહેવા માંગતા હતા, પણ પેટમાં કોણ જાણે ક્યાંથી વારે વારે હડુડાટ થતો હતો. ડોકટર લાભુ રામાણી શનિરવિમાં અમદાવાદ જતા રહેતા હતા, પણ આજે સોમવારે તો એ આવી જ ગયા હોવા જોઈએ એમ સમજીને તભાભાભાએ બાબાને ડોક્ટરને લેવા મોકલ્યો.
અડબંગ બાબો સવારે દસ વાગ્યે સરકારી દવાખાને પહોંચ્યો ત્યારે ડોકટર ગઈકાલે બનેલી બિહામણી ઘટનાના માર અને આવેલા ભયાનક સ્વપ્નના ખોફથી થાકીને એમના કવાર્ટરમાં ઘસઘસાટ ઊંઘતા હતા. એમણે નર્સને બોલાવીને પોતે આજે તબિયત સારી ન હોવાથી હાજર રહેવાના નથી એમ જણાવી દીધું હતું. છતાં કોઈ ઇમરજન્સી આવી પડે તો પણ પોતાને જાણ ન કરવાની સૂચના તેઓ આપી શક્યા નહોતા.
બાબાને મન પિતાશ્રીને થયેલા ઝાડા ઉલટી એ ઘણો જ ઇમરજન્સીનો કેસ હતો.....બાબાએ જ્યારે જાણ્યું કે ડોકટરની તબિયત પણ ખરાબ છે અને તેઓ તેમના ક્વાર્ટર પર આરામ ફરમાવી રહ્યા છે ત્યારે એ તરત ડોકટરના ક્વાર્ટર ઉપર જવા ઉપડ્યો હતો.
થોડીવારમાં જ ડો.લાભુ રામાણી
બાબલાના ઘાએ ચડવાના હતા..!

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED