મોજીસ્તાન - 15 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોજીસ્તાન - 15


જાદવને હવે રાહત થઈ ગઈ હતી. બાબા પાછળ દોટ મૂકનારું કોઈ સલામત ઘરે પહોંચ્યું નહોતું, એ જાદવને ગામના બે ચાર જણાએ કહ્યું હતું.
"હબલો ઇની વાંહે ધોડ્યો તે ઇના આગળના દાંત બે દાંત ગુમાવી બેઠો, ચંચો સ્હોતે કારણ વગરનો બાબાના હાથે ઢીબય જીયો સ અને બાકી હતું તે તું અકોણાં બાબલાની હડફેટે સડી જ્યો. ઈને વતાવવા જેવો નથી ભૂંડા."
જાદવ એ લોકોની વાત સાંભળી નવાઈ પામ્યો. એ પોતે તખુભાનો ખાસ આદમી હોવાથી એને એક છોકરું આમ ભેંસના ગોથે ચડાવી દે એ વાતનો અફસોસ થઈ રહ્યો હતો.એટલે એણે કહેલું,
" એકવાર મને હાજો થાવા દ્યો.પસી જોવો ઈ બાબાલાને હું ચેવો બાબલો બનાવું સુ."
ધુડો, જ્યારથી જાદવો ખાટલે પડ્યો ત્યારથી પડોશીને નાતે એના ઘેર ધામા નાખીને પડ્યો હતો.
એનો પડોશી ધર્મ, જડીને છાતીએ જડી તે દિવસથી એકાએક ઉભરાઈ જવા લાગ્યો હતો. જાદવને માવા ચોળીને ખવડાવવા, એને ટોઇલેટમાં લઈ જવો વગેરે સેવાચાકરી એ હોંશે હોંશે કરતો.
જાદવની વહુ જડી પણ ઘાટા દૂધની ચા આદું નાખીને બનાવતી. ધુડો રસોડામાં ચા લેવા જતો ત્યારે જડીને ઘડીક બાથ ભરી લેતો...અને જડી પણ જાણે એ ઘડીની જ રાહ જોતી હોય એમ ધુડાને વળગી પડતી. આમ જાદવના ઘરમાં જ ધુડો માખી વગરનો મધપૂડો મેળવીને અવતારને રૂડો કરી રહ્યો હતો.
જાદવને મૂકવા આવેલા એના બે ભાઈબંધો પણ ધુડા સાથે હરીફાઈમાં ઉતર્યા હતા, પણ એ લોકોએ જ્યારે જાણ્યું કે ધુડો તો રેસમાં આગળ છે અને જડી હવે આપણને જડવાની નથી ત્યારે એ બેઉ જણે જાદવને જાગૃત કરી દેવાનું મન બનાવી લીધું હતું.
જાદવે આ કારનામું જાણ્યું ત્યારે એ લગભગ સાજો થઈ ગયો હતો. ધુડીયાને એ ત્રણેય જણે એક દિવસ એના છાનગપતીયા કરવા બદલ કડક વોર્નીંગ આપીને મારી નાખવાની ધમકી પણ આપી.
પણ રે...પ્યારનો મારગ..! માખણ ચાખી ગયેલો મીંદડો જેમ દંડાનો ડર રાખતો નથી, એમ ધુડો અને જડી હવે એકબીજા વગર રહી શકે એમ નહોતા.
જે રાત્રે ડો.લાભુ રામાણી ગટરના ગંધાતા પાણીમાં ગોથું ખાઈ ગયા તે જ રાત્રે ધુડો જડીને મળવા જાદવના ઘરની પાછળના વાડામાં શાલ માથે વિંટાળીને ઘૂસ્યો હતો. ઊંઘી જવાનો ડોળ કરીને સૂતેલો જાદવો પોતાની ભાર્યાંના ભારેખમ પગલાં દબાવતો એની પાછળ વાડામાં ગયો. ભીમા અને ખેમાને પણ જાદવાએ ફોન કરી દીધો.
પોતાનું લક્ષ સ્થાન ભેદી ગયેલા ધુડીયાને ધૂળ ચાટતો કરવા અધીરા થયેલા ભીમો અને ખેમો લાકડીઓ લઈને જાદવાના ઘરની પછીતે ઊભા રહી ગયા.
પ્રેમની આગમાં સળગીને એ આગ બુઝાવવા એકમેકને વળગીને ઊભેલાં ધુડો અને જડી પ્રેમ સરોવરમાં ડૂબકી મારે એ પહેલાં જ જાદવો વાડામાં આવી પહોંચ્યો.
"કોણ સે અલ્યા..." એમ રાડ પાડીને ધસી આવતા જાદવને જોઈ ધુડો ચેત્યો.
જડીને જલદી જલદી જુદી કરીને એ ભાગ્યો.
માથે ઓઢેલી શાલ વડે ધુડીયાએ એનું મોં ઢાંકી લીધું અને વાડાની વાડ ઠેકીને ભાગ્યો.
"અલ્યા ધોડજો...સોર સોર..." જાદવાની રાડ સાંભળીને પછીતે ઊભેલા ભીમો અને ખેમો દોડ્યા.
ધુડીયો પાછળ આવતા એ બેઉને પગલાં પામી ગયો હતો.
"મારા બેટા...ઇમના હાથમાં નો આવ્યું અટલે મનેય હખ લેવા નઈ દે...આજ જો હું હાથમાં આવી જ્યો તો મને સોર ગણીને હાળા દાઝ કાઢી નાખશે." એમ વિચારતો ધુડીયો ફૂલ સ્પીડમાં ગામની ઊભી બજારે ભાગ્યો.
ખાંચો વળીને એણે દૂર એક થાંભલે લબક-ઝબક થતા બલ્બના અજવાળે એક જણને માથે શાલ ઓઢીને હળવે હળવે જતો જોયો...એ ડોકટર લાભુ રામાણી હતા...!
ધુડો એ માણસને જોઈને આગળ દોડવાને બદલે એક ડેલા આગળ ભીંતના પડછાયામાં લપાઈ ગયો.
ખેમો અને ભીમો લાકડીઓ લઈને દોડાદોડ ધુડા પાછળ એ ખાંચામાં પ્રવેશ્યા ત્યારે એમણે શાંતિથી ચાલ્યા જતા પેલા જણને જોયો, એને ધુડો સમજીને એની પાછળ દોડ્યા...
"મારો બેટો...નિરાંતે હાલ્યો જાય સે ને...! સે કોઈની બીક ઈને...? મારો બેટો જાદવાનો પાડોશી સે એટલે ફાવી જ્યો પણ આજ ઈને બતાડી દેવું સે કે ભીમાના શિકાર આડે ઉતરવાનું પરિણામ સુ આવે સ." ભીમાએ ધીમા પડીને ધીમેથી કહ્યું.
"ભીમલા ઈ શિકાર તો ખેમાનો હતો ખેમાનો..! હાલ્ય આજ ઈ ધુડીયાની ધૂળ કાઢી નાખવી."
ખેમાએ પોતાનું નામ ક્યાંક યાદીમાંથી નીકળી જાય એટલે ભીમાને બદલે જડી પર પોતાનો અધિકાર પહેલો છે એની પ્રતીતિ ભીમાને કરાવી.
"ઠીક સે...ઈતો આપણે વેંચી ખાશું તું તારે..પણ અતારે તો આને પકડવી..તું મોઢું દાબી દેજે...જોજે હો તખુભાનું ડેલું બવ આઘું નથી...જોઈ હાળો રાડ પાડશે તો આપડા હાથમાંથી આજ સટકી જાહે!"
શાંતિથી ચાલ્યા જતા ડો. લાભુ રામાણીની પાછળ બેઉ ઉતાવળે પગલે લપકયા. ભીમાએ ડોકટરના મોં પર પોતાનો હાથ દાબીને પડખામાં જોરથી એક ગડદો ઠોક્યો. એ સાથે જ ખેમાએ પણ પાછળથી એક પાટુ પ્રહાર કર્યો.
ડોકટર કંઈ સમજે એ પહેલાં બંનેએ એમને ગુંદી નાખ્યા. ભીમાએ મોઢું દબાવી રાખ્યું હોવાથી ડોકટર ઉંકારો પણ કરી શક્યા નહીં.
ગડદા પાટુઓના અસંખ્ય પ્રહારથી ડોકટર બેહોશ થઈને ઢળી પડ્યા. ભીમાએ મોં પરથી હાથ હટાવ્યો ત્યારે ડોકટરના ચશ્માં એના હાથ સાથે અથડાયા.
ચશ્માં જોઈ ભીમો ભડક્યો.
"અલ્યા આ તો કોક બીજો લાગે સે..મારો હાળો ધુડીયો સટકી જ્યો અને આ કોણ હાથમાં આવી જ્યો...!" કહી એણે ડોકટરના માથેથી શાલ હટાવી.
બેહોશ થઈને પડેલા ડોક્ટરને જોઈને ખેમો અને ભીમો ભાગ્યા.
"અલ્યા જરીક જોવું'તું તો ખરા...
બીસાડો દાગતર કારણ વગરનો કુટાઈ જ્યો...પણ આટલી રાત્યે ઈ આમ માથે પસેડો નાખીને ચ્યાં જાતો હશે..? હાળો ઈય સકળવકળ તો મુવો જ સે.. ગામમાં કોકના ઘરે મેળ કર્યો હોય તો ઇ હાટું જ કદાસ જાતો હસે.. તો તો બરોબર જ કુટાણો.." ખેમાએ જતા જતા કહ્યું.
"ના ના બીસાડો એવો તો લાગતો નથી... કોક માંદુ હોય ને વિજીટેય જાતો હોય." ભીમાએ કહ્યું.
"પણ પેટી તો હાથમાં નો'તી. કોકને ન્યા દવા કરવા જાતો હોય તો પેટી હાર્યે નો હોય...?" ખેમાએ તર્ક કર્યો.
"હવે જે હોય ઈ...મૂકયને લપ...હાલ્ય ઓલ્યા ધુળીયાને ગોત્ય...મારો હાળો સટકીને નો જાવો જોવે.." ભીમાએ જલદી પગ ઉપડતા કહ્યું.
અડધી રાત સુધી બેઉએ ધુડાને શોધ્યો. અંતે થાકીને બેઉ જાદવના ઘેર ગયા. જાદવાએ જડીને મારી મારીને અધમૂવી કરી નાખી હતી.

* * *

વહેલી સવારે માનસંગ ભાનમાં આવ્યો ત્યારે એની પાસે જાગતા જ બેસી રહેલા ધીરુએ રાહતનો શ્વાસ લીધો. ગંભુ અને રવજીએ ડોક્ટરને પોલીસનું લફરું ન કરવા મનાવી લીધા હતા.
"માનસંગ...માનસંગ...તને ચીમ સે હવે...
હે ભગવાન તમારો પાડ...ઉપરવાળાએ લાજ રાખી લીધી."
ધીરુ ધમાલે માનસંગનો હાથ પકડીને કહ્યું.
"ધીરીયા...હું ચ્યાં સુ...અને તું ચીમ રાડ્યું પાડસ...મને સ્હું થિયું સે..આ મકાન કોનું સે..?" માનસંગે બેઠા થવાનો પ્રયત્ન કરતા કહ્યું.
માનસંગનો અવાજ સાંભળી ગંભુ અંદર દોડી આવ્યો. એની પાછળ રવજી પણ આવ્યો.
"હજી પીજે...આ ધીરીયાની કોથળીયું વગર તને ચેન પડતું નથી ને...મરી જા, તું મરી જા...એટલે મારે કાયમની નિરાંત થઈ જાય...આજ આ રવજી ટેમસર પોગ્યો નો હોત તો તું ઉપર પોગી જ્યો હોત... ધીરીયાએ તને ઝેરી લઠ્ઠો પાયો...માંડ તને બચાવ્યો સે...હવે જો તેં દારૂને હાથ અડાડ્યો સેને તો મરી જ્યો હમજજે." ગંભુએ ગુસ્સે થઈને કહ્યું.
માનસંગ વારાફરતી બધા સામે જોઈ રહ્યો.
ગંભુની વાત સાંભળીને એને રાતનો બનાવ યાદ આવ્યો....રોડ પર પોતે હવામાં ઉડતો ઉડતો જઈ રહ્યો હતો. અચાનક કોઈકની ગાડીએ પાડી દીધો હતો. કોઈક ઢસડી રહ્યું હતું. હા, એ ડો.લાભુ રામાણી હતા. ગાડીની હેડલાઈટના અજવાળામાં અધખુલ્લી આંખે પોતે ડોક્ટરને ઓળખ્યા હતા, પણ પછી તરત જ આંખ સામે અંધકાર છવાઈ
ગયો હતો. પછી શું થયું એ પોતાને કશું યાદ જ નહોતુ.
"તું ડોક્ટરની ગાડી હાર્યે ભટકાણો'તો...
બિચારા ડોકટર બીકના માર્યા તને સાઈડમાં હુવડાવીને ભાગી જ્યા...મેં તને ખાળીયામાંથી બાર્ય કાઢ્યો....બરોબર ઈ જ વખતે રવજી ઇની ગાડી લયને આવ્યો, પસી અમે તને ભાવનગર લાવ્યા. હવે તને ચીમ લાગે સે..?" ધીરુએ ડરતા ડરતા કહ્યું.
"તારે ઈ દારૂ વેસવાના ધંધા બંધ કરવાના હોય તો હું પોલીસ કેસ નઈ કરું, ધીરીયા. હમજી લેજે, ભગવાનની દયાથી મારો ભાઈ બસી જ્યો...બોલ, ઈ લઠ્ઠો બીજા કોને કોને પાયો સે...?"
"કાલ્ય હાંજે જ માલ આવ્યો'તો...અને માનસંગથી જ મુરત કર્યું'તું...હવે હું ઈ હંધુય ઢોળી નાખીશ...મારી માના હમ ખાઈને કવ સુ કે હવે મારા ગલ્લે પાન બીડી સિવાય બીજું કાંઈ નહીં વે'સું..ભલે હું એક ટેમ ભૂખ્યો ર'શ પણ દારૂનો ધંધો નો કરું અટલે નો જ કરું...મને માફ કરી દ્યો, ગંભુભાઈ. પોલીસ કેસ કરશો તો મારા બયરી સોકરા રઝળી પડશે..."
"મારા બયરી સોકરા તો રઝળી જ પડતને...હાળા આવો ઝેરી દારૂ તેં મને પાયો...મને? માનસંગને...? મારી નાખવો'તો? કોણે તને આવું કરવાનું કીધું'તું..? હાચું બોલજે... નહીંતર પોલીસ કેસ તો કરવો જ પડશે...હું તને મૂકવાનો નથી." માનસંગને વાત સમજાઈ જતા તે ધીરુ પર ગુસ્સે ભરાયો અને રવજી સામે જોઈ રહ્યો.
માનસંગની વાત ગંભુ તરત સમજી ગયો. માનસંગ, રવજી પર પોતાની હત્યા કરવાનું કાવતરું કરવાની શંકા કરી રહ્યો હતો. રવજીએ જ ધીરુને પૈસા આપીને પોતાને ઝેરી દારૂ પાઈને પતાવી દેવાનો કારસો કર્યો હોય એમ એ માનતો હતો,
કારણ કે રવજી અને સવજીએ પાણીની લાઇનમાં કોન્ટ્રાક્ટમાં પરાણે હિસ્સેદારી લીધી હતી.
ગંભુએ ઊભા થઈને માનસંગને એક તમાચો મારી દીધો.
"દારૂ પી પીને તારું મગજ સાવ બેડ મારી જયું સે મનીયા...સાવ સીધી વાતમાં તું નો હોય એવું વિસારવાનું બંધ કર્ય...અને સાનીમાનીનો ઘર ભેગીનો થઈ જા.તારું બીલ પણ અત્યારે આ રવજીએ જ ભર્યું સે...હમજ્યો? ખરે સમયે ઈ નો આવ્યો હોત તો તારી નનામી અમે બાંધતા હોત..
અટલે વધુ વાયડીનો થ્યા વગર મૂંગો મર્ય." ગંભુએ કહ્યું.
રવજી જઈને ડોક્ટરને બોલાવી લાવ્યો.
ડોક્ટરે માનસંગને તપાસીને કહ્યું, "હવે ખાસ વાંધો નથી, પણ હજી સાંજ સુધી આ ભાઈને રજા આપી શકાશે નહીં...
કારણ કે હજી પાંચ બાટલા ચડાવવા પડશે. ઝેરની અસર તો ઓછી થઈ ગઈ છે પણ હજી બ્લડમાં અસર છે."
પછી રવજીને ઉદ્દેશીને ઉમેર્યું, "જુઓ રવજીભાઈ, તમે કહ્યું એટલે મેં આવી રીતે સારવાર કરી છે હો. બાકી આવા કેસ હું લઉં પણ નહીં, કારણ કે આમાં અમારે કારણ વગર કોર્ટના ધક્કા થાય. વકીલો સાલ્લા, એવા એવા સવાલ પૂછતાં હોય છે કે કોણ જાણે અમે ડોકટર જ ગુનેગાર હોઈએ..એમાં પણ જો પેશન્ટનું ડેથ થઈ ગયું હોયને ભાઈ તો તો અમારું આવી જ બને...એટલે આવા લઠ્ઠાકાંડથી અમે દૂર જ રહીએ... પેશન્ટને સિવિલ હૉસ્પિટલ ભેગા કરી દઈએ..ત્યાં શું છે કે ડોકટર પણ સરકારી જ હોય...એટલે એ અદાલતમાં જાય તો પણ એનો પગાર તો શરૂ જ હોય. અમારે આખો દિવસ બગાડવો ન પોસાય..પણ તમારું માન મારે રાખવું પડે..એટલે જોખમ લીધું.
ભાગ્ય જોગે પેશન્ટને તમે સમયસર લઈ આવ્યા હતા એટલે બચી ગયો છે."
"તમારો ખૂબ ખૂબ પાડ માનું સુ...આ જુવાન માણસ સે...હજી સોકરા નાના સે અને અમારા ગામનો જ સે. જો કે આવી હાલતમાં તો ગમે ઈ માણહ માટે હું રાત દી' જોવ એવો નથી. એક માણહ બીજા માણહના કામમાં નો આવે તો ઈ માણહ જ નો કે'વાય...સારું થાજો તમારું ડોકટર સાહેબ." રવજીએ ડોકટરનો હાથ પકડીને આભાર માન્યો.
"તો હવે હું રજા લઉં છું. એમને આરામ કરવા દો. સાંજે તમે એમને ઘેર લઈ જઈ શકશો." કહી ડોકટર જતા રહ્યા
ગંભુને માનસંગ સાથે રહેવા દઈ રવજી અને ધીરુ ગાડી લઈને ભાવનગરથી નીકળ્યા ત્યારે સવારના સાત વાગી ગયા હતા.
ગામના બસસ્ટેન્ડ પર જ ધીરુનો ગલ્લો હતો. ગાડી ઊભી રખાવીને એ ઉતર્યો.
"રવજી, હવે તું થોડીકવાર ઊભો રે'જે.
તારી નજર હામે જ બધો માલ ઢોળી નાખું. તું સાક્ષીમાં રે'જે. હવે પસી આ ધીરુ કોઈ દી' દારૂ વેસે તો એના બાપમાં ફેર હોય." કહીને ધીરુએ દુકાન પાછળ જઈને બધા માટલા ફોડી નાખ્યા.
"શાબાશ...ધીરુ ધમાલ...હવે તેં કરી કમાલ..." કહીને રવજીએ ઇન્ડિકાને લીવર આપ્યું...!

* * *

તભાભાભાને બરાબર આજે જ પેટમાં ગરબડ થઈ હતી. તખુભાને ત્યાં કથા વાંચવા જઈ શકાય તેવી હાલત રહી નહોતી. આખા ચાર લીંબુ નીચોવીને બનાવેલું શરબત, ચાનો કાવો અને ખસખસ લસોટીને પીધી તોય પેટમાં હડુડાટ બંધ થતો નહોતો. બપોર સુધીમાં સત્તર વખત એમને 'જવું' પડ્યું હતું, તોય હજુ પોકાર ચાલુ હતો. હવે એમનાથી ઊભું પણ થઈ શકાય એવું રહ્યું નહોતું.
"કોણ જાણે ક્યાં પાપ નડી રહ્યા છે...આ શુદ્ધ અને અતિ પવિત્ર ખોળિયું આજે કેમ અચાનક ખાલી થઈ રહ્યું છે. પ્રભુ કેમ મારી ઉપર અચાનક નારાજ થઈ ગયા છે.
હવે કથા વાંચવા કેમ જવાશે. અરે રે...
અનર્થ થઈ જવાનો. પ્રભુ કોપાયમાન થશે તો આ પૃથ્વીનું શું થશે!" આવા નિસાસા મૂકી મૂકીને તભાભાભા પથારીમાં વળ ખાઈ રહ્યા હતા.
એમની દશા જોઈને શિવ પુરાણ ખોલીને વાંચવાનો દેખાવ કરી રહેલો બાબો બોલ્યો, "પિતાશ્રી, તમે શાની ચિંતા સતાવી રહી છે. આપના ઘરમાં એક અતિ ચારિત્ર્યવાન પુત્ર હોવા છતાં આપ શા માટે પીડાઈ રહ્યા છો...તખુભાના ઘરે શ્રી સત્યનારાયણ પ્રભુની કથાનું વાંચન હું કરીશ. આપ આરામથી આપના દેહને આરામ આપો. જેટલી વાર જવું પડે એટલી વાર આરામથી જાવ..ભલે સાંજ સુધી જવું પડે, તમે ગભરાયા વગર જજો."
બાબાની વાત સાંભળીને તભાભાભા ખુશ થયા. પોતાનું કામ ઉપાડી લેતા દીકરાને જોઈ કયો બાપ ખુશ ન થાય? તભાભાભાને એમ જ હતું કે પોતાનો પુત્ર શિવ પુરાણ કંઠસ્થ કરી રહ્યો હોવાથી સત્યનારાયણની કથા વાંચવાનું કામ તો એના માટે દસમા ધોરણના વિદ્યાર્થી માટે એકડા લખવા જેવું સરળ કહેવાય.
'' અરે...હા...હા...મને આજ દિવસ સુધી કેમ આ સુઝ્યું નહીં...પ્રભુની લીલા અપરંપાર છે...કદાચ બાબા પાસે જ પ્રભુ કથા વંચાવવા માંગતા હશે..એટલે જ મને આજ પથારીમાં નાખ્યો. હું પામર જીવની જેમ પ્રભુની કળા પારખી ન શક્યો. ભલે નાથ ભલે...આપની મરજી આગળ અમે કોણ..? તમે રાજી તો બગડે નહીં બાજી."
એમ વિચારીને ભાભાએ બાબાને કથા વાંચવાના શ્રી ગણેશ કરવાની સંમતિ આપી.
બાબો ગામમાં ઘરે ઘરે નોતરું આપવા ઉપડ્યો...!
''તખુભાની ડેલીમાં આજે સત્યનારાયણની કથા રાખેલ છે. કથા સાંભળવા આવવાનું તખુભાએ ખાસ કેવરાવેલ છે...તો કથા સાંભળવા જરૂરને જરૂર પધારશો..."
બાબો કથાનું નોતરું આપવા ગામમાં નીકળ્યો હતો. ગામલોકો નવાઈ પામીને એને જોઈ રહ્યા હતા.
પીળા ધોતિયા પર લાલ ઝભ્ભો, પગમાં નવા જ ચંપલ બાબાએ ચડાવ્યા હતા. ચપ્પટ વાળ ઓળીને અલગ પાડેલી ચોટલીને બાબાએ વળ દઈને બની શકે એટલી ઊંચી રાખવા પ્રયત્ન કર્યો હતો.
કપાળમાં તભાભાભા જેવું જ ત્રિપુંડ આજે એણે પહેલીવાર તાણ્યું હતું. બાબો તભાભાભાની નાની આવૃત્તિ જેવો લાગતો હતો.
કાયમ તોફાન કરતો બાબલો કેવી કથા વાંચે છે એ જાણવા આખું ગામ આજ આતુર હતું. ઘણાને વિશ્વાસ હતો કે મોરના ઈંડા ચીતરવા ન પડે, બાબો
તભાભાભાને પણ આંટી મારશે...જ્યારે ઘણા એવાય હતા કે જેમને પૂરેપૂરી શંકા હતી. એ લોકો એમ જ માનતા હતા કે બાબો તભાભાભાને આંટી મારવાને બદલે આંટીએ ચડાવશે...!

વાચક મિત્રો, તમને શું લાગે છે?
શું બાબો સત્યનારાયણની કથા સારી રીતે વાંચી સંભળાવશે ખરો? કે પછી એના તોફાની સ્વભાવ પ્રમાણે કથામાં પણ કંઈક તોફાન કરશે? અટકચાળું કર્યા પછી મૂઠિયું વાળીને ભાગતો બાબો કથામાં તો કાંઈ કપટ નહીં કરે ને...?

(ક્રમશ:)