મોજીસ્તાન (14)
ડો.લાભુ રામાણી ધ્રૂજતાં ધ્રૂજતાં અલ્ટો ચલાવીને એમના ક્વાર્ટર પર પહોંચ્યા ત્યારે રાત્રિના નવ વાગી ગયા હતા. અલ્ટો ક્વાર્ટરની દીવાલે પાર્ક કરીને એમણે તાળું ખોલ્યું. ઘરમાં જઈને તેઓ સોફા પર ફસડાઈ પડ્યા. હજુ એમને જમવાનું પણ બાકી હતું. એમના પત્નીએ સાથે નાસ્તો મોકલ્યો હતો પણ ડોક્ટરને ખાવાની ઇચ્છા બિલકુલ રહી નહોતી..
"હું ડોકટર છું, મારે આમ કોઈને ગબડાવીને આવતું રહેવું ન જોઈએ. સાલો એ દારૂડિયો આ ગામનો જ હોવો જોઈએ. મને ઓળખી પણ ગયો છે, એટલે ભાનમાં આવીને તરત મારું નામ આપી દેશે. આ ગામમાં માંડ હું સેટ થયો છું. એના સગાંવહાલાં મને મારવા આવશે તો ? અત્યારે રાત ન હોત તો હું પાછો અમદાવાદ ભેગો થઈ જાત... સાલી આ આંખો પણ દગો દઈ રહી છે. હવે શું થશે...?"
ડોક્ટરને પરસેવો વળવા માંડ્યો હતો.
એકાએક એમના મનમાં એક વિચાર આવ્યો. એમના ચહેરા પર રાહત ઊગી નીકળી.
"યસ..યસ..હી કેન સેવ મી..યસ હી ઈઝ."
ડોકટર બબડીને ઊભા થયા. લાઇટ બંધ કરીને તેઓ ક્વાર્ટર બહાર નીકળ્યા.
"અરે કોઈ જોઈ જશે તો તરત ઓળખી જશે." ફરી તેમને અંદર જઈને લાઇટ કરી. બેડરૂમમાં જઈ ચહેરો ન દેખાય એ રીતે એક શાલ માથા પર નાખીને શરીર ફરતે વિંટાળી લીધી.અરીસામાં એમનું પ્રતિબિંબ જોઈ ઘડીક તો એ પોતે થથરી ગયા. પછી પોતાનું પ્રતિબિંબ જ હોવાનો અહેસાસ થયો એટલે શાંતિ થઈ. લાઇટ બંધ કરી, ક્વાર્ટર બહાર નીકળી એમણે તાળું માર્યું અને હળવે પગલે તખુભાના ઘર તરફ ચાલવા લાગ્યા.
સરકારી દવાખાનું અને ડોક્ટરને રહેવા માટેના ક્વાર્ટર ગામની બહાર હતા. એ ક્વાર્ટર અને ગામની વચ્ચે સીમમાંથી વરસાદનું પાણી ખેંચી લાવતી અને માત્ર ચોમાસામાં જ નદી કહેવાતો એક મોટો પટ હતો. ગામની બજારમાંથી ખુલ્લેઆમ વહેતી ગટર આ પટમાં આવીને ફેલાઈ જતી. દવાખાનું, ઢોરને પાણી પાવા માટેનો અવેડો, ગામને પાણી પૂરું પાડતો કૂવો અને બની રહેલી મોટી ટાંકી વગેરે આ કહેવાતી નદીના સામેના કિનારે એટલે કે ક્વાર્ટર તરફ હતા. ગામમાં સ્ટ્રીટલાઇટ હતી તો ખરી પણ ઘણાં ખરાં થાંભલાઓએ પોતાને વળગીને આખી રાત સળગ્યા કરતા બલ્બને સ્વીકાર્યા નહોતા. ક્યાંક ક્યાંક કોઈ થાંભલો વળી ગામની બજારમાં ઊભા રહેવા દેવાનો આભાર માનતો હોય એમ પોતાના બલ્બને અજવાળું કરવા દેતો.
નદીના આ પટમાં ફેલાયેલી ગટરને પોતાનું કાયમી રહેઠાણ બનાવીને કેટલાક ભૂંડ કુટુંબો ત્યાં પડ્યા પાથર્યા રહેતા. ગામની બજારે ડેલા બહાર ચાટણીયામાં નાખવામાં આવતા એંઠવાડ પર નભતા ગામના કૂતરાઓને ભૂંડ સાથે કાયમની દુશ્મનાવટ હતી. કારણ કે કોઈ ડેલા બહાર નખાયેલા સ્વાદિષ્ટ એંઠવાડ નિરાંતે જમી રહેલા શ્વાનો પાસે જઈને એમની પરવાનગી તો શું એમને પૂછયા વગર જ આ ભૂંડ ટોળામાં આવીને શ્વાનોને તગેડી મૂકતાં...!!
નદીમાં ભરાયેલા ગટરના પાણીમાં કેટલેક ઠેકાણે પથ્થરો મૂકીને એ પટ પસાર કરવાની વ્યવસ્થા કરાઈ હતી. પગપાળા ચાલીને જે લોકો સામે કાંઠે જવા માંગતા હોય એમણે આ ડોલતા પથ્થરો પર હળવે હળવે પગ મૂકીને ખૂબ સાવચેતીપૂર્વક પટ પસાર કરવાનો રહેતો. ગામની યુવાન છોકરીઓ તો માથે ગાગર બેડું મૂકીને નાચતી કૂદતી જતી હોય એમ સડસડાટ ચાલી જતી.
ડો.લાભુ રામાણીને હજી સુધી આ વૈતરણી પાર કરવાનો અવસર સાંપડ્યો નહોતો, કારણ કે મોટેભાગે દર્દીઓ જ દવાખાને આવી જતા. ક્યારેક કોઈના ઘેર વિઝીટ કરવા જવાનું થાય તો એ ઘરનું કોઈ સભ્ય એમને પોતાની ગાડી લઈને લઈ જતું અને મૂકી પણ જતું.
પણ આજ આવી અંધારી રાતે, દૂર દૂર લબક ઝબક થતા બલ્બની ઝાંખી લાઇટોના અને એમના જાડા કાચનાં ચશ્માં પાછળ ઝાંખી પડી ગયેલી આંખોના સહારે એમને તખુભાનો સહારો લેવો જવાનું થયું હતું...!
હબાની દુકાનમાં મીંદડાને ઝેર કરીને કાબરી કૂતરીનું દિલ જીતવા જતા તેલનો ડબ્બો ઊંધો વાળી બેઠેલા કાળીયા કૂતરાએ હબાની લાકડીઓ પોતાના પાતળા શરીર પર ઝીલી હતી. ત્યારબાદ એણે ક્યારેય ગામમાં ન જવાનું નક્કી કર્યું હોય તેમ પોતાના અન્ય શ્વાન મિત્રો સાથે એ ગામ તરફના કાંઠે પોતાનું નિવસ્થાન બનાવીને પડ્યો પાથર્યો રહેતો.
ગટરના ગંદા પાણીના સામ્રાજ્યમાં પોતાના વિશાળ પરિવાર સાથે પડ્યાં રહેતા ભૂંડ સમ્રાટ સાથે પણ એણે હાઈ હેલોના સંબંધો પણ વિકસાવ્યાં હતાં..!
કાળુએ રાતના અંધારામાં માથા પર કપડું ઢાંકીને સામે કાંઠેથી પથ્થર પર પગ મૂકીને ગામમાં પ્રવેશવા આવી રહેલો એક આદમી જોયો. ગામના રોટલા પર નિર્ભર રહેતું શ્વાન મંડળ ગામને વફાદાર હોય જ એમાં કોઈ શંકા બિચારા ડોક્ટરને પણ નહોતી.
કાળુમંડળીને ડોક્ટરે ક્યારેય રોટલીનું બટકું નાખ્યું નહોતું, એટલે ડોક્ટરને કોઈ વિચિત્ર અને ગામને હાનિકારક તત્વ સમજી લેવામાં એ કાળીયા કૂતરાને કોઈ તકલીફ પડી નહીં.
"ભોંહ..ભોંહ..ભોંહ..." કાળુએ ઊભા થઈને ડોક્ટરને ચેતવણી આપી. ડોકટર હજી તો બે-ત્રણ પથ્થર પર પગ મૂકીને વૈતરણીના મુખમાં પ્રવેશ્યાં જ હતાં.
કૂતરાઓના ભસવાને કારણે પેલો ભૂંડ સમ્રાટ પણ હરક્તમાં આવ્યો. પંજાબથી કેટલાક દાઢીવાળા અને પાઘડીવાળા માનવીઓ લાંબા દોરડાવાળા ચીપિયા લઈને ભૂતકાળમાં પોતાના જાતભાઈઓને પકડી ગયા હોવાનું દુઃખ અને પકડાઈ ગયેલી પોતાની પ્રાણપ્યારી માદાઓને એ ભૂલ્યો નહોતો. એવામાં પોતાના મિત્રની ચેતવણી મળી એટલે સડસડાટ એ ખાડામાંથી ઊભો થયો..અને એની પાછળ એના પરિવારના પંદરવીસ સભ્યો પણ શીતળતાનો ત્યાગ કરીને ઊઠ્યાં.
કાળીયાએ પારખેલા ભયને એના મિત્રોએ પણ પારખ્યો. એકસામટા એ બધા ગામના પાળે કાળુને સાથ આપવા આવી પહોંચ્યાં અને એમના ભસવાના અવાજોથી આખો પટ ગાજી ઊઠ્યો.
કૂતરાઓએ મચાવેલા દેકારાને કારણે ભૂંડ સમ્રાટ ભડક્યો. ડોલતા પથ્થર પર પરાણે સંતુલન જાળવીને ઊભેલા ડોક્ટરની આગળપાછળથી એનું લાવ લશ્કર લઈને કોઈ સલામત સ્થળ શોધવા સહપરિવાર દોટ મૂકી.
દૂર દૂર અલપઝલપ અજવાળું ફેંકતા બલ્બના આછા અજવાળામાં સામે કાંઠે એકધારા ભસી રહેલા આઠ-દસ કૂતરાં અને પોતાની આગળપાછળથી એકાએક ઉઠીને ભાગતા ભૂંડ જોઈને ગટરના પાણીમાં ગોઠવેલા હાલકડોલક થતા પથ્થરો પર માંડ માંડ જાળવી રાખેલું સમતોલન ડોક્ટરે ગુમાવ્યું.
પથ્થર પરથી છટકેલા પગ ગંદા પાણીના તળીયે જામેલા કાદવમાં ખૂંપી ગયા.
શરીરને પડતું બચાવવા ડોક્ટરે બંને હાથને હુકમ આપ્યો એટલે હાથ પણ પગ બની ગયા. વાંકા વળી ગયેલા ડોકટર પાણીમાં પડતા તો બચી ગયા પણ એકાએક લાગેલા ઝાટકાને કારણે એમના ચશ્માં એમનો સાથ છોડીને વૈતરણીના તળિયાની ઊંડાઈ માપવા ઉપડી ગયા...!
ડોક્ટરે જે જગ્યાએ "ડબુક" એવો અવાજ આવેલો એ જગ્યાએ તપાસ કરવા એક હાથને હુકમ કર્યો. થોડા
ખાંખાંખોળ કરતા એમના ચશ્માં તો મળી આવ્યા...પણ એટલીવારમાં તો કાદવ સાથે એ ચશ્માં દોસ્તી કરી ચૂક્યા હતા.
ભૂંડનું ટોળું દૂર જઈને ઊભું રહી ગયું હતું. માણસ હાનિકારક જણાતો નથી એમ સમજીને ખાડા સમ્રાટે એના પરિવારને હૈયાધારણ આપી હતી, પણ કાળુ હજી વધુ ચોક્સાઈ કરવા માંગતો હોવાથી એ પોતાના મિત્રોને લઈને કાંઠેથી ઊતરી આવ્યો હતો.
ડોક્ટરે વાંકા વળીને પોતાની મંડળી પર હુમલો કરવા પથ્થર લીધાનું જાણી એ ગુસ્સે ભરાયો અને બમણા જોરથી ભસવા લાગ્યો હતો.
જરૂર પડ્યે આવી રહેલા ભય સાથે ભરી પીવાની પણ એની તૈયારી હતી...!
ડોક્ટરે ગંધાતા ચશ્માં અને હાથ પોતાની શાલ વડે લૂછ્યા.
"આ સાલા કૂતરાં કરડે નહીં તો સારું...ક્વાર્ટરમાં પડેલી ટોર્ચ સાથે લેવા જેવું હતું..." એમ બબડીને તેઓ ટટ્ટાર થયા.
કૂતરાઓ હજી ભસી રહ્યા હતા.
હવે પથ્થર પર પગ મૂકવાની કોઈ જરૂર ડોક્ટરને જણાતી નહોતી.
બસ આ કૂતરાઓથી બચવું જરૂરી હતું.
"આઉ...આઉ...આઉ...ચ્ચુ ચ્ચુ ચ્ચુ..."
જીભને તાળવા સાથે અથડાવીને ડોક્ટરે કૂતરાઓની ફોજને પોતે દુશ્મન નહીં હોવાનો સંદેશો મોકલ્યો. આગેવાન કાળુએ એ અવાજ પારખ્યો. દવાખાના તરફ એ ઘણીવાર લટાર મારવા જતો ત્યારે આ માણસને એણે ગામના માણસોના મોંમાં બત્તી કરતો અને કાળા દોરડા સાથે ચોંટેલું ચકદું લોકોની છાતી પર મૂકતો જોયો હતો. ગામલોકો આ માણસ પાસે સૂઈ જતા પણ એણે એક- બે વાર બારણામાં જવા મળેલું ત્યારે જોયા હતા.
એ બધું યાદ આવતા કાળુ મંદ પડ્યો.
એના મિત્રોને પણ એણે જાણ કરી કે આવનાર માણસ ચોર નથી એટલે એ જ્યાં જવા માંગતો હોય ત્યાં જવા દેવો.
કાળુની સૂચનાથી શ્વાનમંડળ શાંત થયું.
ડોક્ટરને હવે નિરાંત થઈ. કાદવમાં ચાલતા ચાલતા તેઓએ ગટરના પાણીનો પટ પસાર કર્યો અને ગામ તરફના પાળા પર આવીને ગામમાં પ્રવેશ્યાં. એમના બૂટમાં ગટરનો કાદવ પચરક પચરક થતો હતો.
એમણે પહેરેલા મોજામાં પણ કાદવવાળું પાણી પ્રસરી ગયું હતું. નાક પર પહેરેલા ચશ્માં ફોરી રહ્યા હતા. ગંદા હાથ શાલ સાથે લૂછ્યા હોવાથી શાલ પણ બંડ પોકારી રહી હતી.
છતાં ડોક્ટરને અત્યારે તખુભાના ઘેર જવું જરૂરી લાગતું હતું.
**
ધીરુ ધમાલે માનસંગના મોઢામાંથી નીકળેલા ફીણ જોયા. શરીર પર વાગવાનું કોઈ નિશાન તો હતું નહીં, વળી લોહી પણ નીકળ્યું નહોતું એટલે મૂઢ માર વાગ્યો હોવાનું પ્રાથમિક નિદાન એણે કર્યું હતું.
"મારો બેટો ડોકટર કચરીને ભાગી ગયો...અને પાસો ખાળીયામાં પણ નાખી દીધો.હાળો દાગતર સે કે હેવાન...આ ક્યાંક મરી નો જાય." ધીરુ ધમાલ પહેલા ગભરાયો અને પછી ગુસ્સે થયો.
તરત જ એણે ગંભુને ફોન કર્યો, પણ ગંભુએ ફોન ઉપાડ્યો નહીં. ફરીવાર ધીરુએ ફોન લગાડ્યો પણ પરિણામ એનું એ જ રહ્યું. એ જ વખતે દૂરથી કોઈ વાહનની હેડલાઇટના શેરડાથી રોડ પર અજવાળું પથરાયું. ધીરુ ઝડપથી રોડ વચ્ચે હાથ ઊંચા કરીને ઊભો રહી ગયો.
રવજી ભાવનગરથી એની ઇન્ડિકા લઈને આવી રહ્યો હતો. એને પણ આજ આવવામાં મોડું થઈ ગયું હતું અને સવજી એની વાટ જોઈને બેઠો હતો. બંને ભાઈ હમેશાં સાથે જ જમવા બેસતાં, એટલે રવજી ફૂલ સ્પીડમાં આવી રહ્યો હતો.
દૂરથી રસ્તાની વચ્ચોવચ્ચ ઊભા રહી હાથ હલાવતા માણસને જોઈ રવજીએ ગાડી ધીમી પાડી.
નજીક આવતા જ એણે ધીરુને ઓળખ્યો. એ સાથે જ નીચે પડેલો એક જણ જોઈને એને ખ્યાલ આવી ગયો કે કંઈક અણધાર્યું બન્યું છે. તરત જ ગાડી સાઇડમાં લઈ એણે ઊભી રાખી.
ધીરુ દોડીને ગાડી પાસે ગયો એટલે રવજીએ કાચ ઉતારીને પૂછ્યું, "એલા.. શું થયું..? કેમ આમ રોડ વચ્ચે ઊભો છો અને આ કોણ પડ્યું છે..? વધુ પડતો પી જ્યો લાગે છે...કોણ છે...?"
"રવજીભાઈ, ઝટ કરો. માનસંગને કચરીને ડોકટર ભાગી જ્યો અને પાસો ઢહડીને ખાળીયામાં નાખી દીધો'તો. ઈતો હું વાંહોવાહય આવી જ્યો..મોઢામાંથી ફીણ નીકળી જ્યા સે...ઝટ ગાડીમાં લઈ લ્યો. આપડે દવાખાને લઈ જાવો જોશે નકર..."
ધીરુએ હાંફતા હાંફતા કહ્યું.
રવજી ઝડપથી નીચે ઉતર્યો. માનસંગ સાથે એ બંને ભાઈઓને બનતું નહીં. ગામમાં પાણીની લાઇન નાખવા બાબતે થયેલી માથાકૂટ એને યાદ આવી, પણ અત્યારે એ બધી વાતની અંટસ રાખે એવો આદમી એ નહોતો.
બંનેએ માનસંગને ઉઠાવીને ઈન્ડિકા પાછળની સીટમાં સુવડાવ્યો.
"કયા દવાખાને લઈ જાવો છે ? તું હાચું કે'છ..? ડોકટર બિચારો એવો છે તો નઈ. પણ આ માનસંગ દારૂ પી જ્યો સે ફૂલ... તારી દુકાનેથી જ કોથળી મારી હશે ને...? પછી ગાડી હાર્યે આ જ ભટકાણો હોય.બિચારા ડોકટરનો વાંક હોય નઈ..." રવજી ધીરુ ધમાલને અને એના ધંધાને સારી રીતે ઓળખતો હતો.
"અરે મેં નજરોનજર જોયું..ઇ આંધળાએ જ ગાડી માથે સડાવી દીધી. પસી હેઠે ઊતરીને આને ખાળીયામાં ધકાવી દીધો. મેં રાડ્યું પાડી એટલે ભાગી જ્યો." ધીરુએ રવજીની બાજુની સીટમાં બેસતાં કહ્યું.
"ગંભુને ફોન કર્ય...આનું હવે શું કરવું. હાલ્ય હું દવાખાને લઈ લવ....પણ સિરિયસ હોય તો તો ભાવનગર ભેગો કરવો પડે." રવજીએ ગાડી ગેરમાં નાખીને લીવર આપ્યું.
ધીરુએ ફરી ગંભુને ફોન લગાડ્યો, પણ ગંભુ કોણ જાણે કેમ ફોન ઉપાડતો નહોતો.
"આ હાળો ફોન ઉપાડતો નથી...તું સરકારી દવાખાને તો લય લે..હજુ ઈ આંધળો દાગતર પોગ્યો જ હસે...હું ધોડાધોડ્ય જઈને ગંભુને બોલાવી લાવું."
રવજીએ ઝડપથી સરકારી ક્વાર્ટર પર ગાડી લીધી. બરાબર એ વખતે ડોકટર પેલી કાદવની વૈતરણી પાર કરીને ગામની બજારમાં ચાલ્યા જતા હતા.
ક્વાર્ટર પર મારેલું તાળું અને સાઇડમાં પડેલી અલ્ટો જોઈને ધીરુ બોલ્યો, "જોયું..? મારો બેટો ભાગી જ્યો..રવજી હવે તું ઈમ કર્ય...ગાડી ગંભુનાં ઘરે જ લઈ લે...ઝટ કર્ય નકર આ માનસંગો મરી જહે." કહીને એ ગાડીમાં બેઠો.
રવજીએ ગંભુનાં ઘર આગળ જઈને ગાડી ઊભી રાખી ત્યારે દસ વાગી ગયા હતા. ગામડામાં દસ વાગ્યે તો લોકો સૂઈ જતા હોય છે. ગંભુ પણ સૂઈ ગયો હતો. એને સૂતાં પહેલા કાયમ ફોન સાયલન્ટ કરી નાખવાની ટેવ હતી. ધીરુએ ઝડપથી ઊતરીને સાંકળ ખખડાવી.
"કોણ...? " ગંભુએ અંદરથી જવાબ આપ્યો.
ત્યારબાદ થોડી જ ક્ષણોમાં ધમાલ મચી પડી. ધીરુએ ઝડપથી બનેલી ઘટનાથી ગંભુને વાકેફ કર્યો. ગંભુ રવજીને આભારથી ભરેલી આંખોથી જોઈ રહ્યો.
દસ જ મિનિટ પછી રવજીની ઇન્ડિકા માનસંગ, ગંભુ અને ધીરુને લઈને ભાવનગર જઈ રહી હતી.
રવજીએ ઘેર ફોન કરીને સવજીને જાણ કરી હતી. માનસંગ અને ગંભુનાં ઘર ખાસ દૂર નહોતા. ગંભુએ માનસંગની પત્નીને જાણ કરવાની ના પાડી હતી.
"હું યાર કાયમ આને સમજાવું છું રવા, તોય આને ટેવ જાતી નથી...જો મારા ભાઈને કાંઈ થયું સે ને તો ઈ દાગતરને તો હું જોય લઈશ પણ ધીરિયા તારો ધંધો બંધ નો કરાવું ને તો મારું નામ ગંભુ નઈ.. હાળા બીજા ધંધા ઓછા સે તે દારૂ વેસવાનો ધંધો કરછ...? કોકના જીવ લઈશ તું જીવ...તારા ભગવાનને પ્રાર્થના કર્ય કે માનસંગને કંઈ થાય નહીં." ગંભુનો પિત્તો છટક્યો હતો. એ પોતાના ખોળામાં માનસંગનું માથું રાખીને પાછળની સીટમાં બેઠો હતો.
"પણ આમાં મારો કંઈ વાંક નથી...ઈ દાગતર ગાડી ઠોકીને ભાગી જ્યો." ધીરુ વારંવાર પોતાનો બચાવ કરી રહ્યો હતો.
"તમે બેય અત્યારે શાંતિ રાખો. આપણે ભાવનગર જઈશું એટલે ડોક્ટરને ખબર પડવાની છે કે માનસંગે દારૂ પીધો છે. એક્સિડન્ટનો કેસ છે એટલે પોલીસ પણ આવશે. ભગવાન બધું સારું જ કરશે.
માનસંગને કંઈ વાંધો નહીં આવે પણ એનું બયાન તો લેવાશે જ કે ઈને દારૂ ક્યાંથી લઈને પીધો.... એટલે ધીરિયા તારો ભાંડો ફૂટ્યા વગર રે'વાનો નથી. દાગતરને આમાં કાંઈ થવાનું નથી...કારણ કે માનસંગ પીધેલો હતો. ઈતો એમ જ લખાવશે કે મારી ગાડી હાર્યે ભટકાયો એટલે લથડિયું ખાઈને ખાળીયામાં પડી જ્યો.. એમાં હું શું કરું." રવજીએ કહ્યું.
"ઇ ભલે કાંય નો કરે પણ હું બધું કરીશ. રવજી સારું કર્યું...તું આજ ટેમે આવી જ્યો..દોસ્ત તારો પાડ માનું સુ." ગંભુએ રવજીનો આભાર માનતા કહ્યું.
"અરે એમાં પાડ શેનો...આ તો મારી ફરજ કે'વાય..આપડી પાંહે સાધન સે...કોકના કામમાં નો આવે તો ઇનો કાંઈ અરથ ?" રવજીએ કહ્યું.
રાત્રે દોઢ વાગ્યે રવજીએ પોતાના એક જાણીતા ડોક્ટરની હૉસ્પિટલમાં માનસંગને દાખલ કરાવ્યો.
ઇમરજન્સીને કારણે પોતાના ઘેરથી જાગીને તાબડતોબ ડોકટર હાજર થયા.
માનસંગની હાલત જોઈ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. પોલીસકેસ કરવો જરૂરી હતો.
ડોકટરે પ્રાથમિક તપાસ કરીને જણાવ્યું કે દર્દીની આવી હાલત અકસ્માતને કારણે નહીં પણ એણે પીધેલા ઝેરી દારૂ(લઠ્ઠો)ને કારણે થયેલી છે. બચવાના ચાન્સ ફિફટી ફિફટી છે....!
આ સાંભળીને ધમાલના પેટમાં ધમાલ મચી હતી...કારણ કે બે દિવસ પહેલાં જ બનાવેલો એ દારૂ પહેલી ધારનો હોવાથી માનસંગથી જ વેચવાની શરૂઆત કરી હતી...!
એ વખતે તખુભાના ઘર તરફ જઈ રહેલા ડો.લાભુ રામાણી ઉપર જીવનું જોખમ તોળાઈ રહ્યું હતું....
( ક્રમશ :)