Featured Books
શ્રેણી
શેયર કરો

સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - લેખાંક 8

મૂલાધારચક્ર સંતુલનના ઉપાયો (ગતાંકથી ચાલુ)

મૂલાધારચક્ર સંતુલન માટેના વિવિધ ઉપાયોની ચર્ચા દરમ્યાન લેખાંક ૭માં ક્રોમોથેરાપી (કલર થેરાપી), આહાર, યોગાસન, મુદ્રા, સાઉન્ડ થેરાપી, મંત્ર, અરોમા થેરાપી અને ક્રિસ્ટલ/ રત્ન / સ્ટોન થેરાપી વિશે ચર્ચા કરી. હવે અન્ય ઉપાયો પણ જોઈએ.

એફર્મેશન્સ

અર્ધજાગૃત મનમાં ઘર કરી ગયેલી બાધક (Limiting) માન્યતાઓ દૂર કરવા માટે આ એક બહુ સારી પદ્ધતિ છે. નીચે મુજબનાં વાક્યો નિયમિત રીતે બોલી મગજમાં ઉતારવાથી ધીરે-ધીરે માન્યતાઓનું સ્વરૂપ બદલાશે, મૂલાધારચક્ર પર હકારાત્મક અસર ઊભી કરશે. આ વાક્યો નજર સમક્ષ રહે તેમ કોઈ જગ્યાએ લખી પણ શકાય, જેથી વારેઘડીએ તેના પર નજર પડે.

1. હું સુરક્ષિત છું.

2 . મારા શરીરને હું પ્રેમ કરું છું.

3 હું આર્થિક રીતે સદ્ધર છું.

4 મારી તમામ જરૂરિયાતો કુદરત પૂર્ણ કરે છે.

5. હું સંતુલિત છું.

6. હું શક્તિશાળી છું.

7 . હું મારી પૂર્ણ કાળજી રાખું છું.

8 . હું દરેક કાર્ય પૂર્ણ વિશ્વાસથી કરું છું, મને મારી જાતમાં પૂર્ણ વિશ્વાસ છે.

9. હું દરેક પ્રકારે સમૃદ્ધ છું.

10. બીજા પાસેથી મદદ/આધાર મેળવવા માટે હું તૈયાર છું.

વિઝ્યુઅલાઈઝેશન (કાલ્પનિક ચિત્ર ઊભું કરવું)

શાંત થઈ, આંખ બંધ કરી કલ્પના કરીએ, નજર સમક્ષ ચિત્ર લાવીએ:

મૂલાધારચક્રના સ્થાન પર લાલ રંગનો દડો ફરી રહ્યો છે, શરીરનો તે ભાગ લાલ રંગનો થઈ રહ્યો છે, રંગ ફેલાઈ રહ્યો છે, સાથળમાં, ગોઠણમાં, તેનાથી નીચે, અંતે પગના પંજા અને તળિયાં પર પણ ફેલાઈ ગયો છે; ધીરે-ધીરે પૃથ્વી તત્ત્વ સાથે, લાલ માટી પર શરીર ચોંટી ગયું છે; બધી નકારાત્મક ઊર્જા ભૂમિ ખેંચી રહી છે; ધીરે-ધીરે જમીન માર્ગ આપી રહી છે, પગ જમીનમાં અંદર ઊતરી રહ્યા છે, ઝાડના મૂળની માફક અંદર ફેલાઈ રહ્યા છે (પૃથ્વી તત્ત્વ સાથે મજબૂત જોડાણ થઈ રહ્યું છે), શરીર પૂરું સંતુલિત છે. અનુકૂળ હોય ત્યાં સુધી આ કલ્પનામાં રહી શકાય.

તત્ત્વ આધારિત ઉપાયો

પૃથ્વી તત્ત્વ સાથે સંકળાયેલું ચક્ર હોવાથી કોઈ પણ રીતે ભૂમિ સાથેનો સંપર્ક વધારવો ફાયદાકારક રહેશે. કુદરતી સ્થળ પર અથવા તો ક્યાંય પણ ખુલ્લા પગે ચાલવું, , બાગકામ, ઘરમાં સ્લીપર પહેરવાની આદત છોડવી, માટી લેપન ચિકિત્સા - આ બધા અત્યંત સરળ રસ્તાઓ છે, જેનાથી ચક્રને વધુ ઊર્જા ગ્રહણ કરવા માટે સક્ષમ બનાવી શકાય. જમીન પર બેસવાની આદત કેળવવાથી આ ચક્રને લગતા ઘણા રોગો દવા વગર જ દૂર થઈ શકે છે.

પૃથ્વી તત્ત્વ સાથે સીધો સંપર્ક પગ દ્વારા થાય છે. સામાન્ય રીતે જેટલું ધ્યાન ચહેરા પર, હાથ અને અન્ય ભાગ પર આપીએ છીએ, તેના પ્રમાણમાં પગ શરીરનો ઉપેક્ષિત ભાગ રહે છે. પગને થોડા લાડ લડાવવાથી, શક્ય હોય તો પેડિક્યોર પણ કરાવવાથી મૂલાધારચક્ર વધુ સંતુલિત થશે. પેડિક્યોર પર ફક્ત સ્ત્રીવર્ગનો ઈજારો નથી, તે યાદ રાખવાનું રહે.

ધ્યાન

અતિ ઉત્તમ રસ્તો છે ‘નિયમિત ધ્યાન’. ધ્યાનની અનેક પદ્ધતિઓ છે, તેમાંથી જે સરળ અને અનુભવે અસરકારક લાગે તે અપનાવી શકાય. સાતત્ય જાળવવા એ જરૂરી છે કે 'કોઈની સાથે એટલે કે સમૂહમાં' આ પ્રકારની પ્રવૃતિઓ કરીએ, સમાન રસ ધરાવતી વ્યક્તિઓને શોધી કાઢી તેમની સાથે આ અંગે ગ્રુપ બનાવીએ, મૈત્રી કેળવીએ.

ધ્યાનની વાત આવે ત્યારે સામાન્ય રીતે બધું ધ્યાન ઉપરનાં ચક્રો પર જાય છે. કોઈ હૃદયચક્રનું ધ્યાન કરે તો કોઈ આજ્ઞાચક્રનું કે કોઈ અન્ય ઉપરી ચક્રનું. વિશેષ સતર્કતાથી મૂલાધારચક્રમાં ધ્યાન આપી, ત્યાં પણ ઊર્જા પ્રવાહિત કરવી જરૂરી છે. 7 ચક્રમાં જ જયારે સંપૂર્ણ જિંદગી હોય ત્યારે પાયાને અવગણી શકાય? પાયો હચમચતો હોય તો ઉપરના મજલાઓને મજબૂત કરવા કેટલા ફાયદાકારક રહે તે વિચારવાનો વિષય છે.

અન્ય ઉપાયો

1. માતા સાથેના સંબંધોમાં સુધાર (જરૂર જણાતી હોય તો)

2. મિત્રો, પાડોશીઓ અને અન્ય સગાંસંબંધીઓ સાથેના સંબંધમાં સુધાર

3. ઘરસજાવટ, ઘરમાં બધી વસ્તુઓની યોગ્ય ગોઠવણી, યોગ્ય સ્થળે મૂકવાની આદત. ઘર અને ઓફિસ - બંને જગ્યાએ વસ્તુઓ, અગત્યના કાગળો વિગેરેની જેટલી વ્યવસ્થિત ગોઠવણી હશે તેટલી મૂલાધારચક્ર પર હકારાત્મક અસર રહેશે.

4. આધ્યાત્મિક રીતે જોઈએ તો બાળસહજ અબોધિતા (છળકપટ વગરની માનસિકતા) ચિત્તને આધાર આપે છે, તેને નિયંત્રિત કરે છે, મૂલાધારચક્રને મજબૂત કરે છે.

5. એનર્જી હીલિંગ: રેકી, પ્રાણિક હીલિંગ, એકયુપ્રેસર, એક્યુપંક્ચર, ચી ગોંગ, તાઈ ચી વિગેરે અનેક એનર્જી હીલિંગ પદ્ધતિઓ દ્વારા ચક્ર સંતુલિત થઈ શકે.

6. કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ, આપણા શોખ મુજબની રમત અપનાવી શકાય. શરીરના નીચેના ભાગને કસરત મળે તેવી પ્રવૃત્તિ વિશેષ લાભકારી રહેશે.

૧ મિનિટની પ્રક્રિયા

ખુલ્લા પગે, ઘરમાં અથવા બહાર, બની શકે તો ઘાંસની લોન પર, ગુસ્સામાં પગ પછાડતાં હોઈએ તેમ ચાલીશું.
મુઠ્ઠી વળી, જમીન તરફ રાખી, મુક્કા મારતાં હોઈએ તેમ ચાલવાનું છે. ચાલતી વખતે મનમાં વિચારવાનું છે, અનુકૂળતા હોય તો મોટેથી બોલવાનું છે: "હું સંપૂર્ણ સુરક્ષિત છું."

અભિમન્યુના 7 કોઠામાંથી પહેલો વટાવ્યો, હવે સ્વાધિષ્ઠાનચક્રમાં પ્રવેશીશું.

(ક્રમશ:)

✍🏾 જીતેન્દ્ર પટવારી ✍🏾

FB: https://www.facebook.com/jitpatwari
https://www.youtube.com/channel/UC06ie2Mc4sy0sB1vRA_KEew
Telegarm Channel: https://t.me/selftunein
FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/
jitpatwari@rediffmail.com
Cell: 7984581614