લેખાંક ૭ :: સંતુલનના ઉપાયો - મૂલાધાર મજબૂત, પાયો મજબૂત
લેખાંક ૬માં મૂલાધારચક્ર વિષે સમજણ મેળવી. અસંતુલનની અસરો જાણી. મહત્ત્વનું એ છે કે સંતુલિત કેમ કરવું. ચાલો એ જોઈએ. સંતુલન માટે અનેક ઉપાયો છે, ક્રમાનુસાર બધા જાણીશું. અમુક તો અત્યંત સરળ છે - જો નિયમિત રીતે કરી શકીએ તો.
ક્રોમોથેરાપી (કલર થેરાપી)
લોહી બધાનું એક જ રંગનું છે. લોહીનો રંગ તે આ ચક્રનો રંગ. રાજેશ ખન્ના 'પ્રેમનગર'માં ભલે ગાય - "યે લાલ રંગ કબ મુજે છોડેગા", ખરેખર છોડાય નહિ . આ તો શુભ રંગ છે. કપાળમાં લાલ ચાંદલો તેની સાબિતી. અનેક ફાયદા છે લાલ રંગના. મનુષ્યની આંખ જોઈ શકે તેવા રંગોમાં સૌથી લાંબા તરંગો આ રંગના છે.
આ રંગ શું દર્શાવે છે? સકારાત્મક પહેલુમાં શક્તિ, સતર્કતા (લાલ સિગ્નલ), ઉત્સાહ, હિંમત, જાતીયતા, મનોબળ, આક્રમકતા, નિર્ભયતાનો સૂચક છે. અતિરેક થાય ત્યારે ગુસ્સો, ધીરજનો અભાવ, અકળામણ, દુશ્મનાવટમાં પરિણમી શકે. કહીએ છીએ ને કે "એટલો ગુસ્સે આવ્યો કે આંખમાં લોહી ધસી આવ્યું."
ઉષ્ણ રંગ છે. સ્નાયુઓના દુ:ખાવામાં, સંધિવાની પીડામાં રાહત આપે છે, સ્નાયુઓની જડતાને ઘટાડે છે; ફલૂ અને ન્યુમોનિયા જેવી બીમારીઓ સામે લડે છે; કોલેજન નામનું પ્રોટીન બનાવે છે જે શરીરના અસ્થિતંત્ર માટે ખૂબ જરૂરી છે; ઓક્સિજન જેવા વધુ પોષક તત્ત્વો ઉત્પન્ન કરે છે. સ્વાદ, ગંધ, ધ્વનિ, સ્પર્શ અને દૃષ્ટિને સક્રિય કરે છે. વાત અને કફ રોગોમાં લાભ પ્રદાન કરે છે.
લાલ રંગની બોટલમાં સૂર્યના પ્રકાશમાં રાખેલું પાણી અત્યંત ગરમ પ્રકૃત્તિનું હોય છે. આથી તેને પીવું ન જોઈએ. માત્ર માલિશ કરવા માટે જ કરવો જોઈએ.
આ રંગનાં કપડાં, રૂમાલ, મોજાં વિગેરેનો ઉપયોગ ફાયદાકારક રહે. સ્ત્રીવર્ગ માટે તો આ રંગનાં કપડાં, લિપસ્ટિક, પર્સ, મોબાઈલ ફોન વિગેરે અનેક વિકલ્પ પ્રાપ્ય છે. સ્ત્રીઓ માટે એક વધુ વિકલ્પ - રસોડામાં જાતજાતની બોટલ્સ હોય છે; પ્લાસ્ટિકની પણ હોય છે. ત્યાં લાલ રંગ પસંદ કરી શકાય. પુરુષો કદાચ આ રંગનાં શર્ટ/પેન્ટ્સ પસંદ ન પણ કરે. તે સંજોગોમાં લાલ અંતર્વસ્ત્ર પહેરી શકાય, જેથી મૂલાધારચક્રના સ્થાનને સીધી અસર થાય. તે જ પ્રમાણે ચક્રનું તત્ત્વ 'પૃથ્વી' છે, જેની સાથે સંપર્ક પગ દ્વારા છે. માટે લાલ રંગનાં ચંપલ, સ્લીપર, બુટ વિગેરે ઉપયોગમાં લઈ શકાય. આ જ કારણથી લાલ ડોર મેટ., કાર્પેટ પણ વાપરી શકાય. સ્ટેશનરી જેવી કે સ્ટેપ્લર, પેન, પિન કુશન વિગેરેમાં આ રંગ પસંદ કરી શકાય.
આહાર
એક સાવ સરળ રસ્તો એ છે કે જરદાળુ, કેરી, નારંગી, પીચ, કોળું, લાલ સફરજન, બીટ, ટામેટાં, દાડમ, સ્ટ્રોબેરી, રાસબેરિઝ, શક્કરીયાં, ગાજર, લસણ, રાજમા, ડુંગળી, આદુ વિગેરેને શક્ય હોય તે રીતે, ઋતુ મુજબ ભોજનનો હિસ્સો બનાવી લઈએ.
યોગાસન
થોડી વધુ મહેનત કરવાની ઇચ્છા હોય તો યોગાસનો તો લાભપ્રદ છે જ. અમુક સરળ (ફાવટ હોય તો કષ્ટસાધ્ય) આસનો કરવાં જોઈએ. જયારે હવે સંપૂર્ણ વિશ્વ યોગ તરફ વળી રહ્યું છે, ત્યારે પર્વતાસન, સૂર્યનમસ્કાર, સેતુબંધઆસન, બાલાસન, અંજનેયાસન, વીરભદ્રાસન, મલાસન, પદ્માસન, ઉત્થાનાસન, જાનુ શિરાસન, તાડાસન વિગેરેમાંથી જે ફાવે તે આસનો કરવાથી આ ચક્રને ખૂબ ફાયદો થશે. કંઈ ના ફાવે તો સુખાસન એટલે કે જમીન પર પલાંઠી મારીને બેસવાથી પણ ભૂમિ સાથે સંપર્ક વધશે.
મુદ્રા
તાડગી મુદ્રા, ષણ્મુખિ મુદ્રા, પ્રાણ મુદ્રા, પૃથ્વી મુદ્રા, ધર્મચક્ર મુદ્રા આ ચક્રને સંતુલિત કરે છે.
સાઉન્ડ થેરાપી:
1. શાસ્ત્રીય સંગીત
રાગ શ્યામ કલ્યાણ તથા રાગ હંસધ્વનિ આ ચક્રને સંતુલિત કરે છે. આ બંને રાગ પર આધારિત ગીતો હિન્દી ફિલ્મમાં ઓછાં, દક્ષિણની ફિલ્મોમાં અધિક જોવા મળે છે.
બાઈનોરલ બિટ્સ, સોલફ્રેજીઓ ફ્રિક્વન્સી, તિબેટી સિંગિંગ બાઉલ્સ તથા સબલીમિનલ (Subliminal) રેકોર્ડિંગ - અચેતન સંદેશ સાથેના સંગીત વિષે મારા આગામી પુસ્તક 'ચક્રસંહિતા'ના પ્રકરણ 20માં સમજાવેલું છે. પુસ્તક હજુ પ્રિન્ટમાં છે, ૭ ચક્રો વિશેની તલસ્પર્શી માહિતી તેમાં સમાવિષ્ટ છે.
આ દરેક વિશિષ્ટ પદ્ધતિ માટેની મૂલાધારચક્રચક્ર સાથે સંબંધિત લિંક અહીં આપેલી છે.
2. બાઈનોરલ બિટ્સ
https://www.youtube.com/watch?v=pId6RKcQH3k
3. સોલફ્રેજીઓ ફ્રિક્વન્સી
https://www.youtube.com/watch?v=LU_lEl-n5Ec
396 Hz Solfeggio | Let Go FEAR & GUILT | Remove Negative Blocks | Balance Root Chakra
4. તિબેટી સિંગિંગ બાઉલ્સ
Meditation/Root Chakra with Tibetan Singing Bowls –
https://www.youtube.com/watch?v=-V0IMYlYVZQ
5. સબલીમિનલ (Subliminal) રેકોર્ડિંગ - અચેતન સંદેશ સાથેનું સંગીત
Root Chakra Subliminal Isochronic Meditation - Open The Muladhara
https://www.youtube.com/watch?v=hsk7ZChnDNk
મંત્રજાપ:
મૂલાધારચક્રનો બીજ મંત્ર છે 'લં'. તેના ઉચ્ચારણ દ્વારા સાધના કરવાથી મૂલાધારચક્ર સંતુલિત થઈ શકે. આ સાથે લિંક આપેલી છે, જેની સાથે બીજમંત્રના ઉચ્ચારણ સાથેનું ધ્યાન કરી શકો છો. https://www.youtube.com/watch?v=tiLNJPjFhz4
Soothing ROOT CHAKRA CHANTS - Seed Mantra LAM Chanting Meditation
અરોમા થેરાપી (સુગંધ ચિકિત્સા)
ખસ, સુખડ, ગાર્ડનિયા જીરેનિયમ, દેવદાર, કાળાં મરી, લોબાન, બેન્ઝોઇન, ફ્રેન્કનસેન્સ, પેચૌલી, સ્પિકનાર્ડ વિગેરે એરોમાનો ઉપયોગ કરી શકાય.
ક્રિસ્ટલ/ રત્ન / સ્ટોન
અમુક પ્રકારનાં ક્રિસ્ટલ/સ્ટોન મૂલાધારચક્ર માટે ઉપયોગી છે, સાથે રાખી ધ્યાન કરી શકાય, તેના વિવિધ આભૂષણો પહેરી શકાય. સામાન્ય રીતે એમેઝોન વિગેરે પર આ પ્રકારનાં ક્રિસ્ટલ્સ ઉપલબ્ધ હોય છે.
1) રેડ જાસ્પર
ગ્રાઉન્ડિંગ' માટે એટલે કે પૃથ્વી તત્ત્વ સાથે સંપર્ક વધારવા, લાગણીઓને સંતુલિત કરવા માટે, સ્થિરતાની લાગણી જન્માવવા/ વિકસાવવા માટે અને કુંડલિની જાગૃતિ માટે આ આદર્શ સ્ટોન ગણાય છે.
2)ઓબ્સિડિઅન:
માનસિક તણાવ, આઘાત, માનસિક ગૂંચવણ જેવી સ્થિતિમાંથી આ સ્ટોન બહાર કાઢે છે, સ્પષ્ટ દિશાસૂચન કરે છે, નકારાત્મક ઊર્જા સામે સંરક્ષણ આપે છે.
3) બ્લેક ટર્મેલાઇન:
આધ્યાત્મિક અને ભૌતિક બંને રીતે 'ગ્રાઉન્ડેડ' રહેવા માટે આ અતિ ઉપયોગી સ્ટોન છે. વ્યક્તિની ઊર્જા ફરતું એક સુરક્ષાચક્ર આ સ્ટોન દ્વારા બની જાય છે, જેને કારણે નકારાત્મક ઊર્જા જે-તે વ્યક્તિને અસર કરવાને બદલે જ્યાંથી આવી ત્યાં પાછી વળી જાય છે.
૪) બ્લડ સ્ટોન:
નામ બ્લડ સ્ટોન છે પણ ખરેખર આ ઘટ્ટ લીલા રંગનો સ્ટોન છે, તેના પર લાલ ટપકાં હોય છે. વ્યક્તિનું સ્વાભિમાન જાગૃત કરવા, નકારાત્મકતા દૂર કરવા, શારીરિક દોષો દૂર કરવા માટે ઉપયોગી છે. અકારણ થાક, અકળામણ, મૂંઝવણને દૂર કરે છે.
આજે અહીં વિરામ લઈએ. મૂલાધારચક્ર સંતુલનના અન્ય ઉપાયો વિષે તેમ જ ફક્ત એક મિનિટમાં પ્રતિદિન થઈ શકે તેવી એક અત્યંત સરળ ક્રિયા વિષે આગામી લેખમાં જાણીશું.
(ક્રમશ:)
✍🏾 જીતેન્દ્ર પટવારી ✍🏾
FB: https://www.facebook.com/jitpatwari
https://www.youtube.com/channel/UC06ie2Mc4sy0sB1vRA_KEew
Telegram Channel: https://t.me/selftunein
FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/
jitpatwari@rediffmail.com
7984581614: