અધૂરપ. - ૭ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરપ. - ૭

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૭

અમૃતા અને ભાર્ગવીને જે વાત રજુ કરવી હતી એ વાત એમણે માનસકુમારને જણાવી દીધી હતી. આટલી વાત સાંભળી માનસકુમારના વિચારમાં તરત પરિવર્તન ન જ આવે એ અમૃતા ખુબ સારી રીતે સમજી શકતી હતી. છતાં પણ બંને માનસકુમારના પ્રત્યુત્તરની રાહ જોઈ રહી હતી.

માનસકુમાર પોતાની વાતને અને પોતાના વિચારને જ જકડીને વાત કરી રહ્યા હતા. એ બોલ્યા, વહેલી સવારે, મોડી રાત્રે તેમજ મન ફાવે ત્યારે તેના બોસના કોલ આવે છે. હું જયારે ગાયત્રીને કોલ કરું એનો કોલ વ્યસ્ત જ આવે, અને એ કબૂલે પણ ખરી કે બોસ સાથે વાત કરતી હતી. એને કોઈ જાતની બીક જ નહીં રહી હવે... હદ વટાવી ચુકી છે તમારી ગાયત્રી.... ખુબ ક્રોધમાં રીતસર બરાડા જ પાડી રહ્યા હતા માનસકુમાર...

અમૃતાએ વાતનો દોર તરત હાથમાં લીધો, એ વાતચીત વધુ બગડે એ પહેલા જ માનસકુમારને પોતાની વાત ગળે ઉતારવા ઈચ્છતી હતી. એ બોલ્યા, "ગાયત્રીબેનના પેટમાં પાપ કે કપટ ન હોય તો જ એ તમને સાચી વાત કહી શકે ને કે તેઓ પોતાના બોસ જોડે વાત કરી રહ્યા છે... આમ પણ વિચારી શકાયને માનસકુમાર! એના પેટમાં પાપ હોય તો તો એ ખોટું ન બોલે? હું જાણું છું કે, ગાયત્રીબેનના મોબાઈલમાં કોલ રેકોડૅર છે તો તમે ક્યારેય એ સાંભળવાનો પ્રયત્ન કર્યો ખરો કે એ બંને વચ્ચે શું વાત થાય છે? પત્ની પર વિશ્વાસ હોવો જ જોઈએ કેમ કે વિશ્વાસ વગરનો સંબંધ ટકતો નથી.. વિશ્વાસ પર જ આખી આ દુનિયા ટકેલી છે. અને એમાંય પતિ પત્ની નો સંબંધ તો ખાસ. મેં સાંભળ્યું છે કે તમારી ઓફિસે પણ ફિમેલ સ્ટાફ છે, તો શું તમારા સ્ટાફની બહેનોને તમે ક્યારેય ઓફિસ કામ માટે કોલ નહીં કર્યો?? ગાયત્રીબેનની વકાલત કરવા અમે અહીં નથી આવ્યા, અમે તમારા સંબંધની જે દોર સરકી રહી છે એને સાચવવા આવ્યા છીએ. અને તમે જો એ દોરી પર વધુ ને વધુ માખણ ચોપડશો તો તો એ બહુ જ ઝડપથી સરકી જશે. એને સરકતા વાર નહીં લાગે. તમે હજુ ઇચ્છતા હોવ તો અત્યારે મોબાઈલના કોલ અને મેસેજીસની ડીટેલ એણે જ્યારથી ઓફિસ શરુ કરી ત્યારથી અત્યાર સુધીની બધી જ માહિતી જે તે કંપનીની હેડ ઑફિસથી મંગાવી શકો છો. ટેક્નોલોજીએ હરણફાળ ભરી છે એટલે આ પણ હવે શક્ય બન્યું છે. તમારા મનના સમાધાનને માટે એ પણ જોઈ લો ને?? કારણ કે સમય પર જે ન મળે પછી એ મળે તો પણ કંઈ કામનું નહીં! તમે કોઈ જ ઉતાવળ ન કરો. શાંતિથી વિચારજો કે તમારા સંબંધમાં કે તમારી દીકરી સોનાલીના સંબંધમાં ગાયત્રીબેન થી કોઈ ત્રુટિ થઈ છે ખરી? શું એમણે અહીંની રીતભાત તમારા પર થોપી કે હજુ એમની રહેણી કરણી ભારતીય સ્ત્રી જેવી જ છે? એ શું તમારા કોલ કે મેસેજીસ ઇગ્નોર કરે છે?? ગાયત્રીબહેને ઓફિસ શરુ કરી ત્યારના પહેલા દિવસે તમારી સાથે જેમ વર્તતા હતા એમાં કોઈ ફેર આવ્યો છે ખરો?? આ દરેક વાતનો ખરો જવાબ તમે ૧૫ દિવસ પછી જયારે ગાયત્રીબેનને લેવા આવો ત્યારે વગર બોલ્યે મને તમારી આંખમાં એ દરેક ઉત્તર દેખાઈ જાય એવી આશા સાથે અમે બંને અહીં થી વિદાય લઈ રહ્યા છીએ. તમારી આતુરતા પૂર્વક હું અને અમારો આખો પરિવાર રાહ જોશું.. સરસ નિઃસ્વાર્થ હાસ્ય આપી એમણે બંનેએ ત્યાંથી વિદાય લીધી.

માનસકુમારને અમૃતાભાભીની એકએક વાત હૃદયને સ્પર્શી ગઈ. ભાભી તો ગયા પણ એમની વાત માનસકુમારના મનમાં ગુંજી જ રહી હતી. આજે એમણે ઓફિસમાં પણ રજા લેવા માટેનો મેઈલ કરી દીધો.. એમનું મન ક્યાંય લાગતું જ નહોતું ઘડીક રૂમમાં આંટા મારે, મોબાઈલ મચડે પણ મનને શાંતિ નહોતી.. એમના મનમાં બધા જ પ્રશ્નો ઉત્પાત જન્માવી રહ્યા નહોતા પણ એ દરેક પ્રશ્નો ના જવાબ ક્યાંકને ક્યાંક પોતે ખોટા છે એવું અનુભવાવી રહ્યા હતા. આમ જોવા જઈએ તો કોઈ પણ મનુષ્ય તરત પોતે ભૂલ કરી એ ન જ કબૂલે એમ માનસકુમાર પણ કબુલી શકતા નહોતા. તેમણે પોતાના અહમને સંતોષવા એ લિસ્ટ પણ મોબાઈલના જેતે હેડ ઑફિસેથી મંગાવ્યું કે જેના દ્વારા કોલ અને ટેક્સ મેસેજીસની સંપૂર્ણ માહિતી મળી શકે.. હેડ ઓફિસેથી ૧ કલાકમાં જ બધી માહિતી માનસકુમારના મોબાઈલમાં આવી ગઈ... માનસકુમારની આંખ ઉઘાડી જ રહી ગઈ કારણ કે કોલ લિસ્ટમાં માનસના નંબર અને પોતાના ઇન્ડિયાના નંબર જ વધુ હતા. અને કોલ નો સમય બોસ સાથેનો વધીને ૨/૩ મિનિટનો જ દરેક વખતે રહેતો હતો. તેમણે ધ્યાનથી જોયું તો એને એ પણ સમજાયું કે, બોસના કોલ વધુ મિસ થયેલા હતા.. આ તો હજુ એક જ માહિતી હતી કે જે માહિતીથી માનસકુમારના અડધાં ચક્ષુ તો ખુલી જ ગયાં હતા. માનસકુમારના મનમાં થોડી શાંતિ થઈ પણ હજુ એમ વહેમને થોડો તરત દૂર કરી શકાય? માનસકુમારે ગાયત્રીબેનના ટેક્સ મેસેજીસને ધ્યાનથી એક એક મેસેજને વાંચ્યા પણ દરેક મેસેજ ઑફિસની ફાઈલ કે કોઈ ડોક્યુમેન્ટ્સની ડિટેલના જ હતા.. એક પણ મેસેજ એવો નહોતો કે જેના દ્વારા બંનેના સંબંધને કોઈ આડ સંબંધનું નામ આપી શકાય.. સવારની રાત પડી આ બધી જ માહિતીની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં છતાં માનસકુમારના હાથમાં હજુ કોઈ એવી માહિતી ન આવી કે જે સાબિત કરે કે ગાયત્રી હદ વટાવી ચુકી છે. માનસ પોતે પણ હવે થાક્યો અથાગ પ્રયાસ પણ હાથમાં કઈ જ ન આવ્યું.. થાકીને કોલ્ડ્રિંસ બનાવવા ઉઠ્યો, અને ગાયત્રીએ તેને પાછળથી પકડી એના ખભા પર માથું ટેકવતા ખુબ જ પ્રેમથી કહ્યું, હજુ પણ તમને મારા પ્રેમ પર વિશ્વાસ ન બેઠો??? અચાનક જ માનસકુમારના હાથમાંથી કોલ્ડડ્રીંકનો ગ્લાસ નીચે પડયોને એના અવાજે માનસકુમારનું જાગતી આંખનું સુંદર સ્વપ્ન તોડ્યું? ખબર ન પડી માનસકુમારને કે અચાનક શું થયું? પણ હવે જાણે એમનો બધો ગુસ્સો ધીરે ધીરે છૂટી રહ્યો હતો. માનસને તરત યાદ આવ્યું કે, ઓફિસથી પોતે આવે એ પહેલા મોટેભાગે એ આવી જ ગઈ હોય અને પોતાની પસંદની ચા પણ ગાયત્રીએ બનાવી હોય પણ પીધી ન હોય કારણ કે, એ હંમેશા ચા માનસ સાથે જ પીતી... અહ્હ્હહ્!! જાણે ગાયત્રીની દરેક વાત હવે પસ્તાવો જ કરાવી રહી હતી.. માનસને હવે જાણે પોતે શું કર્યું એ અફસોસ થઈ રહ્યો હતો. પણ પુરુષ જેનું નામ. એ પોતે એમ થોડી પોતાની વાતને છોડે?? મનમાં એમ થયું સવારથી ગાયત્રીએ ચા પીધી હશે છતાં ક્યાં મને યાદ કર્યો?

આ તરફ અમૃતા અને ભાર્ગવી જેવા ઘરે પહોંચ્યા કે એમના સાસુમા શોભાબહેને વરસવાનું ચાલુ કર્યું," આવી ગઈ પાછી ધોયેલા મૂળાની જેમ! જે કામમાં મારી સલાહ ન લેવાઈ હોય એ કામ એમ થોડી પતે?"

રમેશભાઈએ આજ પહેલી વાર પોતાના પત્ની શોભાને બોલતા વચ્ચેથી જ અટકાવ્યા.. "શોભા! હજી વહુઓને ઘરમાં આવી વાત તો કરવા દો, કશું જ જાણ્યા વગર બોલો એ યોગ્ય નહીં."

અમૃતા અને ભાર્ગવી ઘરમાં પ્રવેશ્યા, બધી જ વાત જે ત્યાં માનસકુમારને કરી એ બધી જ વાત અમૃતાએ ઘરના દરેક સદસ્યને જણાવી હતી. જેવી વાત પુરી થઈ કે તરત જ શોભાબેન બોલ્યા, "આ ૧૫ દિવસમાં તું શું ઉખાડી લેવાની? માનસકુમારના પગે પડીને વિનંતી કરીને ગાયત્રીને મૂકી આવવાની જરૂર હતી.. અને ત્યાં એના સાસરે પણ ફોન કરી કહેવાની જરૂર હતી કે અમારી દીકરીથી બીજીવાર હવે કોઈ ભૂલ નહીં થાય!"

ગાયત્રી પોતાના મમ્મીના શબ્દો પચાવી ન જ શકી. આજે એનાથી પણ હવે બોલાઈ જ ગયું કે, "મમ્મી, તમારાથી જીવનમાં કોઈ ભૂલ થઈ જ નહીં?? મારી કોઈ ભૂલ નહીં છતાં તમે આમ બોલો છો. કદાચ મેં ભૂલ કરી હોય તો મારે માટે તમારા પાસે કોઈ અપેક્ષાના દ્વાર જ ન રહે ને??"

રમેશભાઈ બોલ્યા, "બેટા! શાંત રહે. મને વિશ્વાસ છે અમૃતાની વાત માનસકુમારને જરૂર સમજાશે અને એ ફરી અવશ્ય તને લેવા આવશે!"

ગાયત્રી પપ્પાને ભેટીને રડી પડી, "આમાં મારી દીકરી સોનાલીનો શું વાંક?" અમૃતાએ ગાયત્રીના આંખના આંસુ લૂછતાં કહ્યું, "સોનાલીનો કોઈ વાંક નહીં પણ ક્યારેક પૂર્વ જન્મનું લેણું જ અમુક પરિસ્થીતી ઉભી કરે છે, તમે પેલા રૂમમાં જઈને જુઓ તો ખરા ભવ્યા અને સોનાલી બંને કેવા મસ્તી તોફાન અને મોજથી રમી રહ્યા છે. આમ એ અત્યાર સુધી ક્યારેય રમી છે ખરી??" અમૃતા આટલું બોલી અને અચાનક એને ચક્કર આવી ગયા.