ફોન ની સ્ક્રીન ઉપર વાણી નું નામ વાચીને હિરવા દોડીને ઉપર ની રૂમ માં જતી રહી....અને રડવા લાગી....
નભય ફોન હાથ માં લઈને પાછળ આવેલા ગાર્ડન માં જતો રહ્યો....
" ક્યાં છે તું....?" વાણી ખૂબ જ ગુસ્સા માં બોલી રહી હતી...
નભય ને થોડી વાર પહેલા એની અને હિરવા વચ્ચે જે કંઈ થયું એ યાદ આવી રહી હતુ....
"તું સાંભળે પણ છે હું બોલું છું એ....હેલો....હેલો નભય...." ફોન માં સામેના છેડેથી વાણી બોલી રહી હતી ...
"હ...હા...બેબી બોલને...." વાણી નો અવાજ સાંભળીને ફોન હજી ઉપાડ્યો જ હોઈ એ રીતે નભય બોલી રહ્યો હતો...
" શું બેબી.....હું બોલું છું એ તું સાંભળે પણ છે કે નહિ....ક્યાં છે તું ....તું મને અહી લેવા આવાનો હતો ને....ક્યાંય દેખાતો કેમ નથી....ત્રણ ફોન કર્યા તને ....ક્યાં હતો..... અચ્છા હા સાહેબ તો સૂતા હશે અને ભૂલી ગયા હશે કે કોઈકને એરપોર્ટ ઉપર લેવા પણ જવાનું છે.......બોલ હવે કંઇક કે મોઢા માં મગ ભર્યા છે...." વાણી ખૂબ જ ગુસ્સા માં બોલી રહી હતી....
" હા...આવું જ છું રસ્તા માં છું...." નભય આટલું બોલીને ફોન મૂકી દે છે..
નભય દોડીને ઉપર ની રૂમ તરફ જાય છે પરંતુ હિરવા દરવાજો ખોલતી નથી....
નભય એનું બેગ લઈને ત્યાંથી ચાલ્યો જાય છે .... હિરવા અંદર રડી રહી હતી....
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
સવાર ના છ વાગી ગયા હતા....
હિરવા તૈયાર થઈને બહાર આવી અને મેગી ના વાસણ સાફ કર્યા ....ઘરમાં બાકી બધી સાફ સફાઈ કરી રહી હતી....ત્યારે ભવ્યા અને સમીર ની ગાડી આવી ....
"સરપ્રાઈઝ ........" ભવ્યા અંદર આવીને બે હાથ પહોળા કરીને જોરથી બોલી...
"અરે ....આ શું આપણે તો સરપ્રાઈઝ આપવા માટે આવ્યા હતા અને સરપ્રાઈઝ તો આપણને જ મળી ગયું...." સમીર એની બે બેગ અંદર લાવીને બોલી રહ્યો હતો...
" વેલ્કમ ....હમારે હીર ઓર રાંઝા...જી....."આટલું બોલીને હિરવા હસવા લાગે છે..
" કોઈ નથી આવ્યું..... હિરવા.....કે પછી બધા ક્યાંક બહાર ગયા છે..."ભવ્યા પૂછી રહી હતી..
ભવ્યા પહેલા કરતા થોડી જાડી થઈ ગઈ હોવાથી સારી દેખાઈ રહી હતી....એના માથા ઉપર નું લાલ સિંદૂર દૂરથી પણ દેખાઈ જાય એટલું ઘાટુ હતું...એના રેશમી વાળ ખુલ્લા હતા...એના નવા નવા લગ્ન થયા છે એ એના હાથની લાલ બંગડીઓ ઉપરથી દેખાઈ આવતું હતું.....પીળા રંગના ગોળ ડ્રેસ માં ખુબ જ સુંદર લાગી રહી હતી....
સમીર એવો ને એવો જ દેખાતો હતો....એના વાળ થોડા લાંબા હતા જેના કારણે એ સારો દેખાતો હતો ....પીળા રંગનો શર્ટ ભવ્યા સાથે મેચિંગ કરવા પહેર્યો હોઈ એવું લાગી રહ્યું હતું....કારણકે પીળો રંગ સમીર ઉપર સારો લાગતો જ ન હતો....બંનેને જોઈને દેખાઈ આવતું હતું કે બંને નવા નવા લગ્ન કરીને આવ્યા છે....
બંનેના પરિવાર માંથી કોઈ પણ આ બંનેના લગ્ન માટે ખુશ ન હતા....કારણ કે બંનેની જાતિ અલગ પડતી હતી જેના કારણે બંને દિલ્હી ભાગીને કોર્ટમેરેજ કરી લીધા હતા ....જેના લીધે કોઈ પણ મિત્રો ને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું....આજે અહીં બધાને મળીને જ બંનેના લગ્ન ની જાણકારી મળવાની હતી....
" ના ...હું એકલી જ આવી છું બીજું કોઈ આવ્યું જ નથી ....બસ તમારી બંનેની રાહ જોઈ રહી હતી...." હિરવા ખોટું બોલી રહી હતી પણ એણે નભય અહી હતો એ શું કામ ન કહ્યું એની જાણ હિરવા ને પણ ન હતી...
" આપણી જિંદગી કેવી હતી અને કેવી થઈ ગઈ....સ્કૂલ નું ડ્રીમ ટીમ ગ્રુપ જેટલું પ્રખ્યાત હતું આજે પણ એટલું જ હશે....પરંતુ ગ્રુપ ના મિત્રો આજે એકબીજાના સંપર્ક માં નથી....બધા પાસે હિરવા સિવાય કોઈના ફોન નંબર પણ નથી.... હિરવા એના સમય પર આવી જશે એ બધાને ખબર છે પણ પોતે રીયુનિયન માં જશે કે નહિ એની પણ એને નથી ખબર....." સમીર બોલી રહ્યો હતો...
હિરવા ના ફોન ની રીંગ વાગી ....
ફોન સમીર પાસે ટેબલ ઉપર પડ્યો હતો....
હિરવા ડરી ગઈ એ ફોન જો નભય નો હશે અને એનું નામ સમીર જોઈ લેશે તો એને શું જવાબ આપશે....
હિરવા એટલું વિચારી રહી ત્યાં સમીરે ફોન ઉપાડી લીધો...
" હા...બોલો મિસ્ટર.પનવ ...." સમીર ફોન ઉપાડીને બોલ્યો..
એ ફોન પનવ નો હતો એટલે હિરવા ને હાશકારો છૂટી ગયો...
ફોન ઉપર વાત કર્યા બાદ સમીરે જણાવ્યું કે પનવ અહી પહોંચવા જ આવ્યો છે...
"અચ્છા તો પનવ આવી રહ્યો છે.....એની સાથે અનિશા આવે છે કે....." ભવ્યા પૂછી રહી હતી ત્યાં વચ્ચે હિરવા બોલી ઉઠી..
"કેવી વાત કરે છે તું...એ એની વાઈફ ને લઈને તો આવે જ ને...."
" નક્કી ના કહેવાય આપણા પનવ નું દોસ્તો ને મળવાનું નામ સાંભળીને પ્રેગનેટ વાઈફ ને મૂકીને પણ આવતો રહે એમ છે ....." આટલું બોલીને સમીર હસવા લાગ્યો ...
"પનવ એની વાઈફ ને મૂકીને આવી શકે પરંતુ અનિશા આવવા દે તો ને..... આપણી અનિશા કેવી છે એ તો ખબર જ છે ને આપણને....." ભવ્યા બોલી રહી હતી...
અને ત્રણેય હસી પડ્યા....
"યાદ છે ને એના લગ્ન નો દિવસ ...." હિરવા બોલી....
અને ત્રણેય ભૂતકાળ માં સરી પડ્યા...
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ધોરણ બાર નું પરિણામ પણ આવ્યું ન હતું....ત્યાં અનિશા ના પરિવાર વાળા અનિશા માટે છોકરો શોધી રહ્યા હતા....
અનિશા ને લગન કરવામાં કંઈ વાંધો ન હતો પરંતુ એ પનવ ને પ્રેમ કરતી હતી....એટલે એની સાથે જ લગન કરવા માંગતી હતી ...
બીજી બાજુ પનવ ને અનિશા પસંદ હતી જ નહિ....
_________________________________________
અનિશા એક એવી છોકરી જેનું શરારત કરવામાં પહેલું નામ આવે ...સંસ્કાર નામની વસ્તુ ક્યારેક જ જોવા મળે....એના ક્લાસ ના છોકરા પણ એનાથી ખૂબ જ ડરતા હતા .... એનો ચહેરો જેટલો માસુમ દેખાતો હતો એની આંખો એટલી જ ખૂંખાર દીપડા જેવી દેખાતી હતી...એ ખૂબ જ સુંદર હતી...એના હાથ ના નખ ખૂબ જ મોટા રાખતી...જ્યારે વધારે ગુસ્સો આવી જાય ત્યારે જ એનો ઉપયોગ કરતી...એ ખૂબ જ હોશિયાર હતી...એ પનવ ને ખુબ પસંદ કરતી હતી....પરંતુ એના આવા સ્વભાવને કારણે પનવ એને પસંદ કરતો ન હતો....
ક્લાસ માં સૌથી વધારે સંસ્કારી વિદ્યાર્થી માં પનવ નું નામ આવતું હતું....પનવ કરતા વધારે શાંત અને સંસ્કારી છોકરો બીજો કોઈ હતો જ નહી....પનવ અનિશા જેટલો હોશિયાર ન હતો...ક્લાસ માં અનિશા નો ત્રીજો નંબર આવતો હતો ત્યારે પનવ પાસ પણ ન થયો હોય....
અનીશા ના લગ્ન પહેલા પનવ ને એની સાથે લગ્ન કરવા માટે કહ્યું હતું પરંતુ પનવ એક નો બે ન થયો...
અનીશા ના પરિવારના લોકો ને પણ આ વાત ની જાણ હતી કે અનીશા પનવ ને પસંદ કરે છે....પરંતુ પનવ ની હા ન હતી એટલે અનીશા માટે છોકરો શોધાઈ રહ્યો હતો...
આજે ધોરણ બાર નું પરિણામ આવ્યું હતું...અનીશા સ્કૂલ માં ત્રીજા નંબર ઉપર આવી હતી....બીજી બાજુ પનવ ધોરણ બાર માં નાપાસ થયો હતો...
પનવ નાપાસ થયો હતો જેથી એ ખૂબ જ ચિંતા માં હતો...બીજી બાજુ અનીશા નો ત્રીજો નંબર આવ્યો હતો પરંતુ એ પનવ નાપાસ થયો એના કારણે ખુશ ન હતી....
અનીશા પનવ પાસે આવી અને બોલી....
" પનવ....."
ત્યારે પનવ ને લાગ્યું કે અનીશા એના દુઃખ માં એનો સાથ આપવા માટે આવી છે....
" પનવ ....આઇ લવ યુ.....તું કેમ સમજતો નથી....હું સાચું તને પ્રેમ કરું છું....જો તું કહે તો હું મારા નખ પણ કાપી નાખવા તૈયાર છું....ખાલી હું જ નહિ મારા પરિવાર વાળા પણ તારા એક હા ની રાહ જોઈ રહ્યા છે.... પ્લીઝ પનવ માની જાને ...." આટલું બોલી રહી ત્યાં અનીશાની આંખો આછી ભીની થઈ ગઈ હતી....
પનવ જોર જોરથી હસવા લાગ્યો...
" પાગલ છે તું....આવા સમય માં પણ તું આવી વાત કરી શકે ....હું જાણું છું તું મને પ્રેમ કરે છે એ પરંતુ હું તારા લાયક નથી....હું તારી જેમ હોશિયાર નથી.... ધોરણ બાર માં નાપાસ થયો છું....હવે આગળ હું શું કરીશ એની મને પણ જાણ નથી.... તારા અને મારા લગ્ન થશે તો તું મારી સાથે ખુશ નહિ રહી શકે....સમજવાની જરૂર મારે નથી તારે છે અનીશા...." પનવ બોલી રહ્યો હતો...
પનવ ની આંખો માં આજે અનીશા ને કંઇક અલગ દેખાઈ રહ્યું હતું....
પનવ અનીશા ને પસંદ કરતો હતો પરંતુ આ બધા કારણોને લીધે એણે ક્યારેય જણાવ્યું જ ન હતું....
" પનવ ગમે એવો સમય આવશે તો પણ હું તારી સાથે ખુશ રહીશ ....કાલે મને રાજકોટથી એક છોકરો જોવા આવી રહ્યો છે.... જો તને મારી વાત સમજાઈ જાય તો કાલે મારી ઘરે પહોંચી ને મારો હાથ માંગી લેજે....જો તું નહિ આવે તો હું પેલા સાથે લગ્ન કરવા તૈયાર છું...." અનીશા એનો છેલ્લો જવાબ સંભળાવી રહી હોય એ રીતે બોલીને ત્યાંથી જતી રહી...
બીજે દિવસે અનીશા પનવ ની રાહ જોઈ રહી હતી....પરંતુ પનવ ન આવ્યો.....રાજકોટ વાળા છોકરા સાથે અનીશા ના લગ્ન નક્કી થઈ ગયા હતા...એક અઠવાડિયા માં જ લગ્ન ગોઠવી દેવામાં આવ્યા હતા....
_________________________________________
આજે અનીશા ના લગ્ન હતા ...ડ્રીમ ટીમ ગ્રુપ આખુ પહોંચી ગયું હતું.....પનવ પણ ત્યાં હાજર હતો....
અનીશા માંડવામાં બેસી ગઈ હતી....
"શું યાર પનવ... અનીશા જેવી સારી છોકરી ન મળી શકે તને....." સમીર બોલી રહ્યો હતો...
બધાને જાણ હતી કે સમીર બોલે છે એમાં કંઈ સાચું ન હતું....બધાને ધીમું ધીમું હસુ આવી રહ્યું હતું...
" અરે એ બધું છોડને....તે જે કર્યું છે એ એકદમ સારું કર્યું છે...અનીશા શું એના કરતા સારી છોકરી મળી જશે તને....આવી ક્યાંય છોકરી હોય ...જે તારી માટે એના આટલા મોટા નખ કાપી નાખે...એ નખ જે એને ખૂબ જ ગમે છે અને તારી માટે એને કાપી નાખે...આવી છોકરી સાથે ક્યાંય લગન કરાય..." રાગ બોલી રહ્યો હતો..
પનવ ધીમે ધીમે એની વાત માં આવી રહ્યો હોઈ એવુ બધાને લાગી રહ્યું હતું ...પનવ નો ચહેરો લાલ થઈ ગયો હતો....એ ખૂબ જ ઊંડા વિચાર માં જતો રહ્યો હતો....
બધાએ રાગ ને આગળ ધક્કો માર્યો અને વધારે બોલવા કહ્યું....
" જે છોકરી થી આખી સ્કૂલ ડરે છે ....એ છોકરી તારાથી પણ ડરી શકે છે....મને તો વિશ્વાસ નથી આવતો...અનીશા તો...." રાગ બોલી રહ્યો હતો ત્યાં વચ્ચે જ પનવ ત્યાંથી દોડીને જતો રહ્યો...
માંડવામાં આવીને પનવ ઊભો રહી ગયો....
"તું અહી શું કરે છે...." અનીશા બોલી ..
" હું....." પનવ બોલ્યો...
બધા પનવ ના બોલવાની રાહ જોઈ રહ્યા હતા...
" હું તને પ્રેમ કરું છું.....બોલ બોલ પનવ....." રાગ અને સમીર બંને ધીમે ધીમે બોલી રહ્યા હતા...
"હું તારા નખ જોવા આવ્યો છું...." પનવ બોલ્યો...
" હેં.......નખ જોવા......આનું તો કંઈ નહિ થાય....." સમીર બોલ્યો...
થોડી વાર બધા પનવ ની સામે જોઈ રહ્યા....
બધા હસી પડ્યા...
પનવ ને સમજાતું ન હતું કે બધા હસી શું કામ રહ્યા છે....
અનીશા ની આંખો ભીની થઈ ગઈ અને એ હસી રહી હતી....
" હું મજાક નથી કરતો સાચું તારા નખ જોવા આવ્યો છું...." પનવ ફરીવાર બોલ્યો...
બધા હસી રહ્યા હતા...
"આ જો...." અનીશા એના બંને હાથ ઊંચા કરીને બોલી..
અનીશા ના લાલ રંગેલા નખ ખૂબ જ મોટા હતા એની અંદર કંઇક અલગ ચિત્ર પણ દોરવામાં આવ્યું હતું.....એ ખૂબ સુંદર દેખાઈ રહ્યા હતા...
" રા....ગ.." પનવ જોરથી બોલ્યો...
" યેસ સર....." પનવ એનો માલિક હોય એ રીતે રાગ આવીને ટટ્ટાર ઊભો રહ્યો અને બોલ્યો...
પનવ અનીશા ના ચેહરા તરફ જોઈ રહ્યો હતો...
" જા અને નખ કાપવાનું સાધન લઈ આવ...." પનવ બોલ્યો..
" નખ કાપવાનું સાધન હાજર છે...." રાગ ને પહેલીથી જ જાણ હતી એટલે એ એની સાથે લઈને જ આવ્યો હતો એને પનવ ના હાથ માં આપ્યું...
પનવ અનીશા ના બધા નખ કાપી નાખવાની તૈયારી માં હતો....
અનિશા ની આંખો માંથી આંસુ દડદડ દડી રહ્યા હતા...
પનવ જોર જોરથી હસવા લાગ્યો..
બધા પનવ ને જોઈ રહ્યા હતા ....એ શું કરી રહ્યો છે કોઈને સમજાતું જ ન હતું...
" તું મારી માટે તારા નખ કાપવા તૈયાર થઈ ગઈ એ જ મોટી વાત કહેવાય....તારે તારા નખ જેટલા મોટા રાખવા હોઈ એ તું રાખી શકે છે...." પનવ અનિશા ના બંને હાથ પકડીને બોલી રહ્યો હતો..
" એક મિનિટ મિસ્ટર....મને તો ચોખ્ખી ના પાડી હતી નખ કાપવાની અને તમારી સામે હાથ ધરી દીધા ...તમે તો ખૂબ જ ભાગ્યશાળી છો મિસ્ટર પનવ....તમારી જોડી બેસ્ટ છે...." આટલું બોલીને રાજકોટ વાળો છોકરો પનવ ના ખંભે હાથ મૂકીને હસતો હસતો ત્યાંથી જતો રહ્યો...
બે અઠવાડિયા પછી અનીશા અને પનવ ના લગ્ન કરી દેવામાં આવ્યા.....બધા ખૂબ જ ખુશ હતા....
લગ્ન પછી....પનવ એ ધોરણ બાર ની પરિક્ષા બીજી વાર આપી દીધી અને એમાં એ પાસ થઈ ગયો હતો....
બંને એ એક કોલેજમાં એડમિશન લીધું હતું....બંને એના જીવનમાં ખૂબ જ ખુશ હતા...
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
એના લગ્ન ને યાદ કરીને હિરવા, સમીર અને ભવ્યા ત્રણેય હસી રહ્યા હતા...
" ધ્યાનથી ......" બહારથી પનવ નો અવાજ આવ્યો...
અંદર બેઠેલા ત્રણેય ને જાણ થઈ ગઈ કે પનવ અને અનિશા અહીં પહોંચી ગયા છે...અને એ અનિશા ને ધ્યાનથી ચાલવાનું કહી રહ્યો હતો...
"હેય ....તમે ત્રણ જ કેમ છો..?" અનિશા અંદર આવતા બોલી...
" અમને એમ થયું કે અમે જ મોડા છીએ પણ અહી તો કોઈ આવ્યું જ નથી ....."પનવ એની બેગ અંદર મૂકીને બોલ્યો ...
પનવ પહેલા કરતા વધારે સારો દેખાઈ રહ્યો હતો....સફેદ ટી શર્ટ એના ઉપર ખૂબ જ સારું લાગી રહ્યું હતું....પનવ ને જોઇને લાગતું જ ન હતું કે એના લગ્ન પણ થઇ ગયા હશે એ ખૂબ જ નાનો દેખાઈ રહ્યો હતો....
અનિશા પહેલા જેવી જ સુંદર દેખાઈ રહી હતી ....બ્લેક જિન્સ અને ગુલાબી ટી શર્ટ પહેર્યું હતું...એ ગર્ભાવસ્થા માં હતી એના ત્રણ મહિના થયા હતાં....એના નખ અત્યારે પણ ખૂબ જ મોટા હતા જે ગુલાબી રંગના રંગેલા હતા...
પનવ ના સવાલ નો જવાબ કોઈ આપે એ પહેલાં દરવાજામાંથી કોઈક અંદર આવ્યું હોઈ એવો અવાજ થયો ...
બધા એ પાછળ ફરીને દરવાજા તરફ જોયું....
હિરવા ના ચેહરાનો રંગ ઊડી ગયો હતો....
જેની જાણ ત્યાં હાજર તમામ લોકો ને હતી ... એ બધા એ હિરવાના ચહેરા તરફ ત્રાંસી નજરે જોઈ લીધું હતું....
દરવાજા માંથી વાણી અંદર આવી રહી હતી....
(ક્રમશઃ)