Semantics - 5 books and stories free download online pdf in Gujarati

અર્થારોહિ - 5

‌ આગળના ભાગમાં જોયું કે આરોહી ભૂલથી પોતાની પાસે આવેલા અર્થના પુસ્તકને પાછું આપવા માટે લાઇબ્રેરી માં જાય છે, પરંતુ અર્થ તેને ત્યાં મળતો નથી. એ પછી તેને અર્થ વિદાય સમારોહ માં જોવા મળે છે. ત્યારે અર્થની છટાદાર સ્પીચ સાંભળી આરોહીનું મન સહેજ તેના તરફ ઝૂકે છે... હવે આગળ...

‌* * * * * * * * * * * * * * * * * * * *

‌ વિદાય સમારોહ પુરો થયા બાદ આરોહી અર્થને મળીને ભુલાયેલા પુસ્તક વિશે કહેવાની હતી... પરંતુ અર્થ એને ક્યાંય જોવા ન મળ્યો. ઘણી રાહ જોયા બાદ તે મિત્રો સાથે હોસ્ટેલ જતી રહી....

‌ હોસ્ટેલના રૂમમાં આરોહી અર્થના પુસ્તકની તપાસ કરતા નેહા પાસે જઈને બોલી...
‌" આ બુક એ છોકરાની નથી પરંતુ લાઇબ્રેરીની જ છે... એ જસ્ટ વાંચતો જ હશે ત્યાંથી લઈને... અને અજાણતાં જ મેં લીધેલી બુકો સાથે એ પણ ઇસ્યુ કરી લીધી.."

‌" તો પછી એને પરત કરવાની ઝંઝટમાં તારે શું કામને પડવું ?.. " નેહા બોલી.

‌" હું પણ એ જ વિચારું છું કે કાલે લાયબ્રેરીમાં જઈને આ બુક જમાં કરાવી આવુ.. " આરોહીએ કહ્યું

‌" બરાબર " નેહાએ માથું હલાવ્યું.

‌દિવસો આમ જ મહિનાઓ બની વીતી રહ્યા હતા... પરંતુ એક બાબત અકબંધ હતી... અર્થ કોઈ એક દિવસ પણ આરોહીની એક ઝલક જોવાનું ચૂકતો નહિ... અને આરોહી પણ તે વિદાય સમારોહના દિવસથી આજ સુધી કોઈ પણ કાર્યક્રમમાં અર્થને સાંભળવાની એક પણ તક ગુમાવતી નહિ.. બન્ને વચ્ચે એકબીજાથી બેખબર જાણે એક મૌનપ્રેમ બંધાયો હતો. જેમાં એક દિવ્ય તત્વ સામેલ હતું, જેણે બન્નેના મનને અજાણતાં જ જોડી રાખ્યા હતા...

‌ અર્થ જ્યારે સ્પીચ આપી રહ્યો હોય ત્યારે આરોહી બસ એને મંત્રમુગ્ધ બની સાંભળ્યા કરતી. એની મોટી ભાવવાહી આંખોને એ નિહાળ્યા કરતી. એક રીતે એને અર્થ ગમવા લાગ્યો હતો. પરંતુ એ લાગણી પ્રેમ છે કે પછી શું છે ? એની ખબર ખુદ આરોહી ને પણ ન્હોતી. બસ શાંત, સ્થિર, નિશબ્દ બની અર્થને એ સાંભળતી... એ એના માટે એક ગમતું કામ બની ગયું હતું...

‌ એક દિવસ કોલેજના નોટિસ બોર્ડ ઉપર એક જાહેરાત મૂકવામાં આવી. એક દિવસીય પ્રવાસની... શહેરની નજીક જ બનેલા એક પિકનિક સ્પોટ પર લઈ જવાની સૂચના હતી.

‌ ઘણા વિદ્યાર્થીઓને વાંચીને આનંદ થયો... મનમાં થોડો હાશકારો થયો કે મિત્રો સાથે ફરવા જવાનો થોડો નવીન અનુભવ મળશે.
‌અર્થ અને બીજા બે ત્રણ વિદ્યાર્થીને પ્રવાસમાં આવવા ઈચ્છતા વિદ્યાર્થીઓની માહિતી લખી તેની યાદી બનાવી પ્રિન્સિપાલ સાહેબને સોંપવાનું કહેવામાં આવ્યું.

‌ અર્થે લગભગ બધા ક્લાસ ની મુલાકાત લઈને મોટાભાગનું કામ પૂરું કરી દીધું હતું. હવે ફક્ત એક આરોહીનો ક્લાસ બાકી હતો. જેવો તે ક્લાસમાં દાખલ થયો કે પહેલી જ બેન્ચે બેઠેલી આરોહી પર તેની નજર અટકી ગઈ... પરંતુ આરોહી નોટ્સ લખી રહી હતી.... અર્થ આવ્યો એવી એને ખબર જ નહોતી.

‌ અર્થ મોટેથી જાહેરાત કરતા બોલ્યો... " હેલ્લો એવરીવન..."

‌જાણીતો અવાજ કાને પડતા જ આરોહીએ માથું ઊંચું કરીને જોયું તો સામે અર્થ ઊભો હતો.

‌ અર્થ આગળ બોલ્યો... " કાલે એકદિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે... આપ સૌને એની જાણ હશે જ... માટે જે કોઈ આ પ્રવાસમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ મને તેમનું નામ અને કોન્ટેક્ટ લખાવી દે..

‌ રિયા અને અલ્પા તૈયાર હતા જવા માટે તેણે આરોહી ને ઈશારો કર્યો.... " જવું ને ? તમે બન્ને આવો છો ને ?"

‌જવાબમાં આરોહી એ ચહેરો થોડો મચકોડીને અણગમો બતાવ્યો. આ જોઈને અલ્પા એ ઇશારાથી આંખો અને નેણ ઊંચા કરીને કહ્યું.. " પણ કેમ ? "
‌પછી આરોહી ના જવાબની રાહ જોયા વગર જ તે પાછળથી ઊભા થઈને તેની પાસે આવીને બેસી ગઈ..

‌" પાગલ, કેમ નથી આવવું તારે ? કેવી મજા આવશે ! બધા સાથે એક દિવસ ફન કરશું. અને આમ પણ અમે બધા જઈશું એટલે રૂમમાં તને એકલીને કંટાળો આવશે.. એટલે હું તો કહું છું કે તું પણ ચાલ.. " અલ્પા સહેજ દબાતા અવાજે આરોહી ને સમજાવતા બોલી.

‌ અર્થની નજર થોડી થોડી વારે આરોહી તરફ જતી હતી. જાણે એ ખુદ પણ એવું ઈચ્છતો હતો કે તે કાલે પિકનિકમાં આવે. પરંતુ આરોહી નો ચહેરો જોઈને એને એ વાત સ્પષ્ટ સમજાતી હતી કે તેને આવવામાં કોઈ રસ નથી... અને આરોહી તરફ મંડાયેલી એની નજર નિરાશ થઇને પાછી ફરતી...

‌ અર્થે પ્રવાસમાં આવવા ઈચ્છતા લગભગ બધાની માહિતી લખી લીધી હતી પરંતુ કોઈ અજાણી ઉદાસીના વાદળે એના મનને ઘેરી લીધું હતું.... અને એનું એક જ કારણ હતું કે એ યાદીમાં આરોહીનું નામ ન્હોતું.

‌ફરી બે ત્રણ વખત તેણે બધાને પૂછી જોયું કે હવે કોઈ આવવા ઈચ્છે છે એમ... પણ હવે અર્થને જવા સિવાય છૂટકો નહોતો...
‌એ બસ જઈ રહ્યો હતો ત્યાં જ પાછળથી એક અવાજે તેને રોક્યો ... " એક્સક્યુઝમી પ્લીઝ "

‌અવાજ સાંભળતા જ એ દિશા તરફ મુખ કર્યા વગર તે ઓળખી ગયો... અને તેના ચહેરા પર છવાયેલા ઉદાસીના વાદળ વિખરાઇ ગયા... એક ખુશીની લહેર જેવું સ્મિત તેના ચહેરા પર રેલાઈ ગયુ....


‌ક્રમશઃ......

બીજા રસપ્રદ વિકલ્પો