અર્થારોહિ - 2 Sangeeta... ગીત... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્થારોહિ - 2

‌"જો બેટા, મારી વાત સાંભળ.."

‌" બસ પપ્પા, હવે કોઈ પ્રકારની દલીલ મારે નથી કરવી... એ તમે પણ જાણો છો કે મારો રસનો વિષય શું છે ? હું બળજબરીથી બીજા કોઈ વિષયમાં આગળ સ્ટડી નહિ કરું..."

‌" પરંતુ દીકરી એક વખત તો વિચાર કર કે શિક્ષકની નોકરીમાં તને શું મળશે? આ જો અત્યારે આપણો બિઝનેસ કેટલો બધો આગળ છે અને કેટલું પ્રોફીટ મળે છે... ધન,દોલત, પ્રતિષ્ઠા... શું નથી આપણી પાસે? અને એ બધું તને એ સામાન્ય પગારમાં ક્યાંથી મળવાનું ?

‌"પગાર સામાન્ય હશે પરંતુ શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો એ વાક્ય તો તમે સાંભળ્યું જ હશે પપ્પા... અને મને ધન કે દોલત મળે કે ન મળે... મારી દિલથી ઈચ્છા છે ભૂલકાઓને ભણાવવાની.. એ બાળકો વચ્ચે રહીને મારે મારી જિંદગી જીવવી છે. અને એ માટે મારે એ પ્રમાણે જ આગળ વધવું રહ્યું... હું કાલથી જ અર્થભાઈ સાથે કોલેજ જોઈન કરું છું..."

‌સૂરજ પરમાર... રાજકોટ શહેરના એક સફળ અને પ્રખ્યાત બિઝનેસમેન... રાજકારણમાં પણ ખાસ્સો પ્રભાવ હતો એમનો... જીવનમાં ખુબજ ઉતાર ચઢાવ જોયેલા. અંતે પોતાની સખત મહેનત અને નસીબના સાથે એમને એક ઉજ્જવલ મુકામે પહોંચાડ્યા હતા. પત્ની સાથે ખાલી હાથે રાજકોટ શહેરમાં આવેલા ત્યારે ખૂબ ખરાબ દિવસો જોયેલા.

‌થોડા સંઘર્ષ બાદ એક નાની કંપનીમાં નોકરી મળી... અને પછી પોતાની બુદ્ધિ અને આવડતને લીધે તેમણે રાત દિવસ જોયા વગર ખુબજ મહેનત કરી આ મુકામે પહોંચ્યા હતા.

‌સંતાનોમાં પણ ભગવાને એમને બન્ને સુખ આપ્યું હતું... મોટો દીકરો અર્થ અને નાની દીકરી કેયા... એમની ઈચ્છા હતી કે અર્થ એમબીએ કરી ને એમના બિઝનેસમાં એમની સાથે જોડાય અને બિઝનેસ ને આગળ વધારે... પરંતુ અર્થને પણ નાની બહેન કેયા ની જેમ સાહિત્યના વિષયમાં ડિગ્રી મેળવી પ્રોફેસર થવું હતું..

‌પિતાએ કેયા ની જેમ ત્યારે અર્થને પણ ઘણું સમજાવેલો... પરંતુ અર્થ પોતાના સપનાને સાકાર કરવા માંગતો હતો... એ પહેલેથી જ સ્વભાવે સ્વછંદી હતો...એને મન મારી ને કોઈ કામ કરવું ગમતું નહિ... અને જે કામ ગમતું તેમાં એ પોતાનો જીવ રેડી દેતો ... મહેનત કરવામાં જરા પણ પાછળ ફરીને જોતો નહિ.

‌ અર્થ કૉલેજથી ઘરે આવતા જ જોયું કે પપ્પા સોફાના કોર્નર પર બેઠા હતા અને કેયા એમની બાજુમાં પગ સોફા ઉપર ચડાવી એક નાનો પિલ્લો તેના ખોળામાં રાખીને એક મેગેઝિન વાંચતા વાંચતા એ પપ્પા સાથે વાતો કરી રહી હતી...

‌તે બન્ને ને જોઈને અર્થને પણ લાગ્યું કે પપ્પા નારાજ છે... કેયાનું એડમિશન કોલેજમાં થયું એટલે... પોતે આ ચર્ચાનો હિસ્સો બનવા ન્હોતો માંગતો એટલે એ પોતાના રૂમ તરફ ચાલ્યો...

‌ત્યાં જ અર્થના મમ્મી શીતલબેને તેને અટકાવતા કહ્યું... " કેમ આજે વહેલો આવી ગયો ? "
‌" કોલેજમાં આજે થોડો પ્રોબ્લેમ થયેલો એટલે... હું હમણાં ફ્રેશ થઈને આવું " અર્થે એકદમ શાંત સ્વરે ટુંકમાં જવાબ આપ્યો.

‌ સ્ટીલની સુંદર રેલીંગ થી સજાવેલી સીડીના પગથિયાં એકદમ ઝડપથી અર્થ ચડી એના રૂમમાં પ્રવેશ્યો. સુંદર મજાના ઇન્ટરિયર ડિઝાઇન થી સજાવેલા રૂમમાં કોઈ વસ્તુ ની કમી ન્હોતી. એ.સી. ,લેપટોપ, ટી.વી. સ્ટડી ટેબલ, બુક શેલ્ફ જેમાં અર્થને ગમતી ઘણી બુક્સ હારબંધ રીતે ગોઠવેલી હતી... એક મીની લાઇબ્રેરી જ જાણી લો... કેમ કે એને વાંચન અતિ પ્રિય હતું... નવી નવી બુક ખરીદવી અને વાંચવી એ એનો રસનો વિષય હતો.

‌બેગ ટેબલ પર મૂકીને એ ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયો... ફ્રેશ થઈને એ સીધો બાલ્કની માં જઈને ઊભો... બહારનું વાતાવરણ આહલાદક હતું... જૂન મહિના નો એન્ડ હતો અને વરસાદના મોસમની શરૂઆત.... અર્થ બે ઘડી ત્યાં ઊભા રહી આવતી ઠંડી લહેર ને આંખો બંધ કરી માણી રહ્યો હતો... ત્યાં જ એના સ્મૃતિપટ પર આરોહી નો નમણો ચહેરો દેખાયો... અને એની આંખો ખુલી ગઈ...

‌સામે છેડે નજર સ્થિર કરી એ પોતાની જાત સાથે જ સંવાદ કરતો હોય એમ મનમાં બોલી રહ્યો.. " કોણ છે આ છોકરી ? અને શું સંબંધ છે મારે આ ચહેરા સાથે ? આ ત્રણ વર્ષમાં એકવાર પણ આવું બન્યું નથી કે કોઈનો ચહેરો મને એટલો આકર્ષિત કરી ગયો હોય.. ! કેમ એ ચહેરા ને ફરી જોવાની ઈચ્છા થઈ રહી છે...? બાહ્ય દેખાવ મારા રસનો વિષય બિલકુલ નથી છતાં કેમ એની એ કાતિલ આંખો મને એની તરફ ખેંચે રહી છે... ? આજે એવું તે શું બની ગયું છે કે મને બધું શૂન્યાવકાશ જેવું લાગે છે ? જાણે હું ક્યાંક થંભી ગયો હોય ! મારું મન ક્યાંક રોકાઈ ગયું હોય ! હું સ્થિર, નિશબ્દ બની જાણે એ આંખોને વાંચી રહ્યો હોય..! મારું મન શું કામ એટલું બેચેન બન્યું છે કે જાણે આસપાસની બધીજ બાબતો ગૌણ લાગી રહી છે...

‌બહાર પડતા ઝરમર વરસાદ ના આગમન છતાં અર્થ પોતાના મનમાં ખુબજ બફારો થતો હોય.. એવું અનુભવી રહ્યો.. અને ફરી કોઈ ચમકારો થયો હોય એમ એક વિચારે એને વધુ વિહવળ કરી દિધો..." શું આ લાગણી પ્રેમ તો નહિ હોય ને !"

‌* * * * * * * * * * * * * * * * * *

‌ક્રમશઃ......