અર્થારોહિ - 1 Sangeeta... ગીત... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્થારોહિ - 1

રાજકોટ શહેરમાં આવેલી એક ખાનગી હોસ્ટેલના એક રૂમમાં ચાર બેડ, દીવાલ સાથે જ લગોલગ જોડાયેલ એક લાકડાનો મોટો કબાટ રાખેલો હતો. ફ્લોરની ટાઇલ્સ સ્વચ્છતાને લીધે ચમકી રહી હતી. રૂમની બારી પાસે એક સ્ટડી ટેબલ સુંદર રીતે ગોઠવેલું હતું. તેની ઉપર પાણીની બોટલો, પુસ્તકો,નોટબુક્સ, બોલપેન અને માર્કર પડ્યા હતા. સાઈડમાં બેસવા માટે બે ખુરશી રાખવામાં આવી હતી. ચાર જણ રહી શકે એટલી વ્યવસ્થા રૂમમાં કરવામાં આવેલી હતી.

‌ ત્યાં એક ખુરશી ઉપર બેસીને ટેબલ પર પુસ્તક રાખી આરોહી વાંચી રહી હતી. કમર સુધી પહોંચે એટલા લાંબા અને કાળા રેશમી વાળ બારીમાંથી આવતા હવાના હળવા જોકા સાથે ફરફરી રહ્યા હતા. ભૂખરી, અણીયાળી અને તેજ આંખો તથા ત્વચાનો ભૂરો રંગ તેની સુંદરતામાં અનેકગણો વધારો કરી રહ્યા હતા. પગ ઉપર પગ ટેકવીને સહેજ ટેબલ તરફ જુકેલી આરોહી લાઈટ પિંક કોટનની સાદી કુર્તી અને ડાર્ક બ્લુ લેગિસમાં મનમોહક લાગી રહી હતી.

‌ વાંચતી વખતે કોઇ ડિસ્ટર્બ ન કરે માટે પોતાનો મોબાઈલ બાજુમાં સાઇલેંટ મોડ ઉપર રાખ્યો હતો. પોતે વાંચવામાં મશગુલ હતી ત્યાં જ ફોનમાં લાઈટ ચમકી. આરોહી ની નજર સહજ રીતે ફોન પર ગઇ. મોબાઈલની સ્ક્રીન પર એક મેસેજ આવ્યો હતો. મેસેજ જોતાજ એની ગોળ, ભૂખરી આંખો સહેજ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

‌ પુસ્તક બંધ કરી તેણે ફોન હાથમાં લઈ મેસેજ જોવા માટે ફોન અનલૉક કર્યો. ફરી આશ્ચર્ય ! આ કઇ રીતે શક્ય છે ? તેનાથી પોતાની જાતને જ એક પ્રશ્ન પુછાઇ ગયો...!

‌* * * * * * * * * * * * * * * * * * * * * * * *

‌ કૉલેજનો પ્રથમ દિવસ સ્કૂલ પૂરી થયા બાદ દરેક વિદ્યાર્થી માટે એક અલગ અનુભવ અને ઉત્સુકતાવાળા વિચારોથી ભરપૂર હોય છે
‌ રાજકોટ શહેરમાં આવેલી એક ખ્યાતનામ કોલેજમાં આજે આરોહિનો પહેલો દિવસ હતો.
‌" હજુ કેટલીવાર છે યાર ! ચાલો ને હવે, પેહલા જ દિવસે મોડું કરાવશો કે " સફેદ કલરના જોર્જેટ ડ્રેસમાં રંગીન ટપકાવાળી બાંધણી ચૂંદડી સરખી કરતાં આરોહી બીજી ત્રણ રૂમ પાર્ટનર રિયા, અલ્પા અને નેહાને ઉતાવળથી કહી રહી હતી... " બસ બે જ મિનિટ " અલ્પાએ આંગળીના ઇશારાથી કહ્યું... અને પછી...

‌" ઓકે ઓકે ચાલો " બધાએ એક સાથે સુર પુરાવ્યો... કોલેજ થોડી દૂર હતી માટે બસમાં બેસીને બધા કોલેજ પહોંચ્યા...

‌આરોહી, રિયા અને અલ્પા બન્ને ને ઓળખતી ન્હોતી. એમની મુલાકાત અહીં હોસ્ટેલમાં જ થયેલી જ્યારે નેહા એની સ્કૂલની બેસ્ટ ફ્રેન્ડ હતી. નેહા દેખાવે એકદમ શ્યામ પરંતુ ચેહરાની નમણાશ અદભુત હતી. સ્વભાવે એકદમ શાંત. કોઈ કંઈ પૂછે તો જ જવાબ આપવો, વધારે પડતું બોલવું એને ગમતું નહિ. જ્યારે આરોહી એનાથી તદ્દન જુદી.

‌મસ્તીખોર,બોલકી એને થોડીવાર પણ ચૂપ રહેવું ન ગમે. એકદમ ચંચળ. વહેતા પ્રવાહ જેવી !

‌બધા કોલેજ પહોંચ્યા. વિશાળ મેદાન, સુંદર રીતે બનાવેલો બગીચો અને વૃક્ષો, વાતાવરણને આહલાદક બનાવી રહ્યા હતા. અને કોલેજની બિલ્ડિંગની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.
‌મેદાનમાં બધા સ્ટુડન્ટ અલગ અલગ જૂથમાં કોઈ બેસીને તો કોઈ ઊભા રહીને વાતોના વડા કરી રહ્યા હતા.

‌" આપણે સીધા ક્લાસમાં જ જઈએ. ત્યાં બેસીશું."

‌આરોહીએ બધાને આદેશ આપતા સૂરમાં કહ્યું.

‌અને પોતાનો ક્લાસ શોધીને બધા અંદર ગયા. હમેશાં આગળની હરોળમાં બેસવું પસંદ કરતી આરોહીએ આગળની બેન્ચ જ પસંદ કરી.. અલ્પા અને રિયાએ આગળ બેસવાની ના કહી પાછળ જતા રહ્યા.

‌આરોહી અને નેહા સ્વભાવિક રીતે જ વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક કોઈ ઝડપથી અંદર આવ્યું અને પાછળ બીજા ત્રણ ચાર જણ પણ એનો પીછો કરતા આવ્યા. શાંત ક્લાસમાં આ લોકોના મસ્તી કરવાથી દેકારો અને અફરા તફરી મચી ગઈ. ત્યાં જ...

‌" શું માંડ્યું છે આ બધું ? અહીં સ્ટડી માટે આવ્યા છો કે બસ આમ તોફાન મસ્તી કરવા ?"

‌ નેહાની બાજુમાં બેઠેલી આરોહી એકદમ ઊભા થઈને ગુસ્સામાં બોલી રહી હતી. ગમે ત્યાં ઠઠ્ઠામશ્કરી કરતા લોકો એને બિલકુલ ના ગમે. એમ એ પાછી ગંભીર પ્રકૃતિની હતી.

‌" ઓ હેલ્લો મેડમ, તમને કદાચ ખબર નહિ હોય પણ આજે લગભગ કોઈ લેક્ચર નહિ આવે, કેમ કે ઉપરના માળે સવારે સોર્ટ સર્કિટ ના લીધે આગ લાગી હતી. અને એટલે જ બધા સ્ટુડન્ટ બહાર લોન માં બેઠા છે. લગભગ હમણાં બધાને ઘરે પણ જવાનું કહી દેશે. કેમ કે રીપેરીંગ અને ચેકિંગનું કામ ચાલુ છે એટલે. "

‌અને પછી થોડું અટકીને ઉમેર્યું...

‌ " એન્ડ બાય ધ વે અમને પણ ખબર છે કે આ કોઈ મસ્તીની પાઠશાળા નથી. અમે પણ સ્ટડી માટે જ આવ્યા છીએ. આ તો જસ્ટ એમ જ અમે બધા ફન કરી રહ્યા હતા."

‌કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા અર્થે એટલી જ કડકાઇથી જવાબ આપ્યો.

‌લેનીનનું બ્લેક શર્ટ અને લાઈટ બ્લુ જીન્સ પહેરેલ અર્થ ખુબજ આકર્ષક લાગી રહ્યો હતો. શર્ટની થોડી વાળેલી બાંયમાંથી એના મજબૂત હાથ દેખાઈ રહ્યા હતા. ગોળ ચેહરો, નમણી મોટી નશીલી આંખો, છ ફૂટ ઊંચાઈ, શ્વેત રંગ. સુંદરતાનો સુંદર સમન્વય જોઈલો જાણે !

‌" શું આરોહી તું પણ... ગમે તેની સાથે ઝઘડવા લાગે છે ? અમારી તો ઈચ્છા જ ન્હોતી ક્લાસમાં આવવાની. કેમ કે બધા બહાર જ બેઠા છે. "

‌અર્થ અને આરોહીની વાતો સાંભળીને અકળાતા રિયા બોલી.

‌" હા રિયા, તારી વાત બિલકુલ સાચી છે. ચાલો બહાર જ જઈએ. "

‌અલ્પાએ રિયાને સાથ આપતા કહ્યું.

‌આરોહીએ એકદમ તીક્ષ્ણ અને ત્રાંસી નજરથી અર્થ સામે જોયું. જાણે કંઇક કહેવા ઈચ્છતી હોય પણ ના કહી શકી. અને પોતાનું લેધરનું બ્રાઉન કલરનું બેગ ખભે રાખી તે ગુસ્સામાં જ ત્યાંથી બહાર મેદાન તરફ બધા સાથે નીકળી ગઈ.

‌" સો બ્યુટીફુલ શી...! "

‌અર્થના મિત્ર માનવથી આરોહીને જોઇને બોલાઈ ગયું.

‌" તું હવે રહેવા દે ભાઈ. તને તો કોલેજની બધીજ છોકરીઓ સુંદર જ દેખાય છે. "

‌બીજા મીત્ર રોહને માનવનો મજાક ઉડાવતા કહ્યું.

‌આમ આરોહી અને તેની મિત્રોના ગયા પછી પણ અર્થ અને તેના મિત્રોની ધમાલ તો ચાલુ જ રહી.

‌થોડીવાર મિત્રો સાથે મસ્તી કર્યા બાદ બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. પરંતુ...

‌ વાક્છટા માં કોઈને પણ પાછળ છોડી દે તેવી તીવ્ર બુદ્ધિ અને હાજર જવાબી અર્થને આરોહીની એ તીક્ષ્ણ નજરથી કંઇક અલગ જ અનુભવ થયો.

‌ક્રમશઃ......