મારાં ઘર Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારાં ઘર

*****

આજ વળી કોણ જાણે શું થયું છે તે મને મારાં ઘર યાદ આવે છે!

જેટલાં જેટલાં ઘર મેં બદલાવ્યાં ને વસાવ્યાં તે બધાંય જાણે નજર સમક્ષ તર્યા કરે છે. એમને દરેકને કાંઈ ને કાંઈ કહેવાનું છે.

સૌથી પહેલાં મારી નાનકડી ઓરડી યાદ આવે છે. એ ઓરડી ભાગ્યે જ છ ફૂટ લાંબી અને પાંચ ફૂટ પહોળી હતી. પણ એનું એક બારણું ઓશરીમાં પડતું હતું. અને એક બીજું બારણું રસ્તા ઉપર પડતું હતું. આટલી નાની ઓરડીને ય બે બારણાં હતાં, અને તેથી તે વખતે એ રાજદરબાર જેવી લાગતી. એ વખતે બે બારણાનું અસ્તિત્વ રાજદરબાર સમું જણાતું હતું. કેવો વખત ? કે પછી કેવી વૃત્તિ ? એ જે હોય તે, પણ એ ઓરડી મને મનમાં હમેશને માટે યાદ રહી ગઈ છે.

એના એક બારણા પાસે હું શણનો કોથળો નાખીને બેસતો. અને જ્યારે ચાના પ્યાલા સાથે એક-બે પૈસાનું ગાંઠિયાનું પડીકું છોડતો, ત્યારે મને ઘણી વખત લાગતું કે દુનિયાનો તમામ વૈભવ આ ઓરડીમાં વસી રહ્યો છે!

પણ એક નવી નવાઈની વાત થઈ ગઈ. બે વરસ પછી એ જ ઓરડી મને તુચ્છ લાગવા માંડી. એ તુચ્છ લાગતાં જ ત્યાં રહેનારાં માનવી પણ તુચ્છ લાગવા માંડ્યાં. નહિતર ત્યાં વસનારો અપ્તરંગી માનવમેળો કાંઈ જેવોતેવો ન હતો. ત્યાં એક વરણાગિયો રહેતો હતો. વરણાગિયો કાંઈ એનું નામ ન હતું. નામ તો હતું લવજીભાઈ. પણ એ પરણ્યો ન હતો. એનો ક્યાંય જોગ બાઝે તેમ ન હતું. તેથી એ બિચારો કાંઈક ‘કંપની’ જેવું લાગે એમ માનીને, પાડોશમાં રહેનારાં પાંચ-સાત બૈરાં સાથે વિનોદવાર્તાઓ કરતો. કાંઈક હાસ્યટુચકાઓ કાઢતો. અને વખતે મોંમાં એકાદ પાન ચાવતો કે વખતે માથામાં તેલ નાખતો, એ ઉપરથી આ બૈરક મંડળીએ એનું નામ જ ‘વરણાગિયો’ પાડી દીધું હતું.

એ તો ઠીક, પણ આ વરણાગિયો જે કાંઈ કમાતો, તેમાંથી ઓરડીનું ભાડું છ આના, દૂધના રૂપિયા પોણાબે કે બે, શાકના ત્રીસ દુ સાઠ પૈસા, અને હંમેશનો એક શેર લોટ, એનું જે થાય તે, ને લૂગડાં. જોડા તો એ પહેરતો જ નહિ. આ બધું ખર્ચ કર્યા પછી, જે બચે તે બધા પૈસા એક ભાંગલી ટ્રકમાં એ મૂકી રાખતો. ને એમાંથી વાર તહેવારે કાઢીને હનુમાનને તેલ ચડાવતો, કીડિયારું પૂરતો, આકડાના ફૂલની માળા લેતો. અને એમ કરતાં વધે તેની રેવડી ગોળી એવું એવું લઈ સોમવારે છોકરાંઓને ભેગાં કરીને વહેંચી દેતો. વરણાગિયો આ છોકરાંઓમાં ઘણું માનપાન મેળવતો. છોકરાંઓ એને લવજીકાકા કહેતાં. ને લવજીકાકા માટે માન રાખતાં.

લવજીકાકા પરચૂરણ કામ કરતા. સવારમાં સાત થાય ત્યાં ચાનો ‘કોપ’ ચડાવીને એ ઊપડી જતા. બાર વાગે આવતા. આવીને ‘ઢબો’ ટીપી નાખતા. જમતા. થોડીકવાર રામાયણ ઉઘાડીને બેસતા. જરાક આડેપડખે થતા. ચાર વાગે પાછા બહાર ઊપડી જતા. લવજીને એવી ટેવ કે જે કોઈ, જે કામ ચીંધે તે કરે. કોઈ કામ કરવાની એની ના નહિ. પૈસાની રકઝક નહિ. ખોટી તૃષ્ણા નહિ. કોઈની સાચીખોટી નહિ. કોઈની સાથે સ્પર્ધા નહિ. લવજીએ પોતાના શરીરને એક યંત્રની માફક ઘડી રાખ્યું હતું.

આ લવજી ઉપર પહેલાં તો સૌને ભાવ હતો, પણ એક દિવસ મોડી સાંજે ઘેર આવ્યો, ત્યારે કોઈ બાવણને એ ભેગી લેતો આવ્યો, બીજે દિવસથી જ ત્યાં લવજીનું માન ઘટી ગયું !

આમાં લવજીએ કાંઈ ખોટું કર્યું ન હતું. એની નાતમાં એ સત્તર વરસની તપશ્ચર્યા કરે તોપણ એનો કાંઈ પત્તો લાગે તેમ હતું નહિ. એટલે એણે એમાં કાંઈ ખોટું કર્યું ન હતું. છતાં દરેકના પોતાના ધર્મનિયમ જુદા જુદા હોય છે. એટલે આંહીં ભેગી થયેલી મંડળીમાં લવજીનો લગભગ બહિષ્કાર પોકારાઈ ગયો એમ કહીએ તો ચાલે. ઝમકુ ડોસી એની સાથે બોલતી બંધ થઈ ગઈ. જોકે એનો પોતાનો છોકરો છાકટો હતો અને છોકરાની વહુ, તે પહેલાં તો ઘર જ માંડતી ન હતી. પણ ઝમકુને લાગ્યું કે લવજીએ આ કો’ક રખડતી લાવીને એનો ભેખ અભડાવ્યો છે, માટે એની સાથે બોલવા વ્યવહાર પણ ન જોઈએ !

ઝમકુ બોલતી બંધ થઈ, એટલે ધનિયો કુંભાર પણ વ્યવહાર બંધ કરી બેઠો. દામજીએ પણ આંખ-ઓળખાણ કાઢી નાખી. શનકી, મોંઘી - બધાં પાડોશી બંધ થઈ ગયાં. આખા વાસમાં લવજીના નામ ઉપર છેકો મુકાઈ ગયો. પછી તો લવજી મારે ત્યાં ક્યારેક આવીને બેસતો. એ જ એનો સંસર્ગ રહ્યો. મને લાગ્યું કે લવજી હવે આ વાસ છોડી દેશે. માણસને જ્યાં સાચીખોટી પણ મૈત્રી જડતી નથી, ત્યાં એ બહુ લાંબો વખત ટકી શકતો નથી. અને લવજી વાસ છોડી દેવાની વાત પણ કરતો હતો.

એક દિવસની વાત છે. હું મારી ઓરડીનો દીવો ઠારીને સૂવાની તૈયારી કરતો હતો, ત્યાં બારણે બે-ત્રણ ટકોરા પડ્યા.

કોણ હશે એ કળવું મુશ્કેલ પડે તેવું ન હતું. આ ટકોરા લવજીના જ. બીજો કોઈ એમ ટકોરા ન કરે. મેં ઊઠીને બારણું ઉઘાડ્યું. સામે લવજી જ ઊભો હતો. પણ તેનો ચહેરો ફિક્કો ને વ્યગ્ર હતો. હું સમજી ગયો. લવજીને એની નવી વહુ સંબંધી કાંઈક મુશ્કેલી ઊભી થયેલી હોવી જોઈએ. ત્યાં લવજી જ બોલ્યો : ‘આવી છે આ બાજુ ?’

‘કોણ ?’ મેં કહ્યું : ‘કોની આવવાની વાત કરો છો ?’

‘ગોમતીની’ તે બોલ્યો : ‘ઘરમાં દેખાતી નથી. અને કાલ સાંજની મૂંઝાતી હતી, એટલે બીક લાગે છે !’

ગોમતી એની સાથેની બાવણનું નામ હતું એ મને ખબર હતી.

મેં કહ્યું : ‘ના, આંહીં તો કોઈ આવેલ નથી. પણ શું કાંઈ નવાજૂની થઈ છે ?’

‘કાંઈ નવી ને કાંઈ જૂની,’ તે બોલ્યો : ‘પણ પેલાએ ફરિયાદ કરી લાગે છે કે પછી ગોમતી ભડકી ગઈ લાગે છે, એટલે ભાગી ગઈ લાગે છે!’

‘પેલો ? એ વળી કોણ ?’

‘કેમ ? પેલો આંધળો વાંસળીવાળો. એનો માલિક કહો, ધણી કહો, શેઠ કહો, આશ્રયદાતા કહો, જે કહો તે. પણે, ત્યાં સ્ટેશન પાસેની ધર્મશાળામાં એ આંધળો રહે છે, ને તેની સાથે જ આ પણ રહેતી હતી. એ આ બાજુ ચડી આવ્યો હોય તેમ લાગે છે. ગોમતીએ મને સાંજે જ એ કહ્યું હતું. ને એ કહ્યું ત્યારથી એ આકુળવ્યાકુળ-બેબાકળી જેવી ગભરામણમાં પડી ગયેલી લાગતી હતી : એટલે ભાગી લાગે છે !’

‘હા...’ મને હવે અચાનક સાંભળ્યું : કાલે સાંજે આ તરફ કોઈ ગજબની મીઠાશ ભરેલી વાંસળી વગાડતો એક અંધ છોકરા જેવો ફરી રહ્યો હતો ખરો. કદાચ એની જ આ વાત લાગે છે. મેં કહ્યું : ‘કાલે કોઈક આ બાજુ વાંસળી વગાડતો આવ્યો હતો ખરો.’

‘એ જ એ હોવો જોઈએ.’ લવજી બોલ્યો. અને બોલીને કેટલીક વાર સુધી ધરતીની સામે જોઈ રહ્યો. એના હૃદયમાં કાંઈક મંથન ચાલી રહ્યું હતું.

મેં કહ્યું : ‘લવજીભાઈ ! એ તો ઠીક, પણ તમે આ ગોમતીને ક્યાં મળ્યા ? ને શા માટે આમ તમારી સાથે એને ઉપાડી લાવ્યા ? તમને એ પણ ધ્યાન ન રહ્યું કે એ આ આંધળાની લાકડી સમાન હોવી જોઈએ. કાલે મેં એ આંધળાને આ બાજુ વાંસળી વગાડતો સાંભળ્યો, ત્યારથી અત્યાર સુધી, એના ગજબના દર્દભર્યા સૂર હજી મારા મગજમાં જાણે પોતાનું સ્થાન જમાવી બેઠા છે ! અત્યાર સુધી જાણે સંભળાયા જ કરે છે ! અને લાગે છે કે એ હંમેશાં સંભળાયા કરશે ! એને આંધળાને, આ ગોમતીનો આધાર જતાં, હૃદયમાં જે વેદના થઈ ગઈ, તે કેવી હૃદયવિદારક છે એનો ચિતાર જાણે આ સૂર દ્વારા એ ઠાલવી રહ્યો હોય તેમ લાગે છે ! મને તો આમ લાગ્યું. તમને જે લાગ્યું હોય તે ખરું ! પણ તમે બધે તપાસ કરી ? બધાંને પૂછ્યું ? ક્યાંક આટલામાં જ એ રહી ગઈ ન હોય ? ને બીજી વાત. તમારી ઘરવખરી તો બરાબર છે નાં ? કાંઈ લઈ તો નથી ગઈ ? એ જોયું ? પહેલાં એ તો જુઓ !’

લવજી ફિક્કું હસ્યો : ‘મારી બાવાની મઢુલીમાંથી એ શું લઈ જવાની હતી ? તે છતાં લઈ ગઈ હોત, તો મને કાંઈક ધરપત લાગત. આ તો કાંઈ લઈ પણ નથી ગઈ. એટલે થાય છે કે, ક્યાંક મૂંઝાઈને કૂવો-તળાવ કરી નાંખે નહિ. એને આંહીં બધા ય બહુ ફિટકારવા પણ મંડ્યા’તા ! તમને તો ખબર હશે નાં ?’

‘બહુ ફિટકારવા મંડ્યા’તા ? કોની ઝમકુ ડોસીની વાત કરો છો ?’

‘બધાંયની ! ખબર પડી ગઈ, પછી કાંઈ કોઈ ઓછાં ઊતરે ? દુનિયા આખીને બીજાના ડાઘા, બહુ મોટા લાગે. ભલેને પોતે દિવસના પચાસ કાળાં-ધોળાં કરતા હોય !’

લવજીની વાત મને નવે રૂપે દેખાણી. પણ મને એમાં કાંઈ સમજ પડી નહિ. મેં એને પૂછ્યું. ‘શાની વાત કરો છો લવજીભાઈ ? શું ડાઘા ને શી વાત ? ગોમતીમાં કાંઈ કહેવા જેવું હતું ?’

‘કહેવા જેવું બીજું શું હતું ? એય બિચારો જીવતો જીવ હતો. પણ એને લાગતું હતું કે એને ચાર-છ મહિનામાં ક્યાંક મહિનો-દોઢ મહિનો ખાટલો ઢાળવો પડશે ! બીજી કોઈક હોત તો તો એમાં કાંઈ વાંધો આવત નહિ. પણ ગોમતીને દિલ ડંખતું હતું, તેનો વાંધો હતો. જાણે હાથે કરીને પોતે પોતાની વાત છતી કરતી હોય તેવું થતું હતું. પણ એને આ વાંસળીના સૂર અને પેલા જુવાનનો અંધાપો, બન્ને હરઘડીએ જાણે કહી રહ્યાં હતાં કે ભૂંડી ! આ કામો કર્યો એ તો ઠીક, પણ પાછું બિચારા આંધળાના માથામાં એને મારવું છે ? હદ છે ને નફટાઈની ? એ આ ડંખની મારી, એમ માનતી થઈ ગઈ કે તે વખતે આંધળા જુવાનનું હૈયું ફાટી જશે ! એટલે એને એની પાસેથી ગમે તે રીતે આઘુંપાછું થઈ જાવું’તું. ત્યાં હું મળ્યો !’

‘હે’ ! આવી વાત હતી ? ત્યારે તો એણે પણ હાથે કરીને અને તમે પણ હાથે કરીને...’

લવજી મારી સામે જોઈ રહ્યો. ને વધુ સ્પષ્ટ થવા મથ્યો : ‘પથ્થર થઈ ગયા વિના માણસ પોતાના ડંખને લાંબો વખત કોઈ દિવસ વેઠી શક્યો છે ખરો ? તો આ ગોમતી જેવી મુલાયમનું શું ગજું ? મેં એ જાણ્યું ત્યારથી જ મને થતું હતું કે મફતની આ ક્યાંક જીવ ખોઈ બેસશે. એટલે તો મેં એને કહ્યું કે મારી ભેગી ચાલ. મારે તને સાચવવી, જાળવવી અને પાછી આંહીં પણ મૂકી જાવી. નવો જીવ ઊગરે તો તેને પણ જાળવી લેવો. તારે ઉપાધિ નહિ. એને આ સાંભળતાં ઘણીબધી રાહત લાગી હતી. પણ કાલે સાંજે એ અંધ વાંસળીવાળાએ આ બાજુ દેખા દીધી, ને ગમે તે કારણે તે ભાગી. હવે એને મારે ક્યાં ગોતવી ? મેં મારી મરણમૂડી કાલે ચૂલામાંથી ખોદી કાઢીને એને બતાવી હતી - એને એવું આશ્વાસન આપવા, કે આટલું આપણી પાસે છે...’

‘તે એ ઉપાડી ગઈ ?’

‘કોણ ગોમતી ? ના રે ભઈ ! એ જ વાત છે નાં ? રૂપિયા બસ્સો મેં ખોદી કાઢ્યા’તા. મારા મનને એમ કે એથી એને ધરપત મળશે. એના માટે જ વાપરી કાઢવાના હતા. ને પેલા આંધળાને જાળવવા માટે વાપરવાના હતા. એણે જોયા પણ હતા. પણ એ તો એ પડ્યા એમ ને એમ !’

‘ત્યારે તો ચોક્કસ મને લાગે છે, લવજીભાઈ ! પેલી ગજબની વેદનાવાંસળીએ એને ઉપાડી લીધી...ઉપાડી શું, ખેંચી જ લીધી !’

‘ખેંચી લીધી ?’

‘ત્યારે નહિ ? મારું કહેવાનું એ કે એ વેદનાવાંસળી સાંભળીને જ આ બાવણનું અંતર, પોતે ભોળા વિશ્વાસુ જુવાન પ્રેમી આંધળાને પણ દગો દીધો છે, એ વિષેની અપાર યાતના અનુભવી રહેલું હોવું જોઈએ, ને એથી જ એ ભાગી હોય ! ઘણી વખત માણસના પૂરા જીવનની ક્યારે માહિતી મળે છે ? પણ એમ હોય એ સંભવિત હતું, ને તો તો ચોક્કસ... પેલાએ એને ઉપાડી લીધી એમ જ કહેવાય નાં ?’

પણ હું કંઈ વધારે બોલું કે વાત સ્પષ્ટ કરું તે પહેલાં જ ઝમકુ ડોશીનો કઢંગો, કર્કશ, કદરૂપો અવાજ બારણા પાસે જ સંભળાયો : ‘ઈ ક્યાં ગયો છે, મારો પીટ્યો વરણાગિયો ? વાઘરણને લાવ્યો તો ઘરમાં તે હવે બહાર નીકળ ને ! એની સગી તો એ ત્યાં કૂવામાં પડી !’

હું અને લવજી બન્ને ચોંકી ગયા. અને ત્યાં તો બહાર આઘેના કૂવાના થાળા ઉપરથી માણસોના અવાજ આવી રહ્યા હતા.

લવજી તરત બહાર દોડ્યો.

કેટલીયે વાર સુધી આ વાત ઉપર ચિંતન કરતો હું ત્યાં જ બેસી રહ્ય. મને મનમાં અનેક જવાબ ન મળે તેવા પ્રશ્નો ઊઠી રહ્યા હતા; ‘ખરી રીતે ગોમતીને આવા આપઘાતના પંથે કોણે દોરી ? લોકલજ્જાએ ? આ પાડોશીઓએ ? પેલી આંધળાની વેદનાભરેલી વાંસળીએ ? કોણે ? પણ ગોમતી વિના એનો સાચો જવાબ કોણ આપી શકે ?’

હજી આ પ્રશ્નોનો મને ઉકેલ મળ્યો નથી. માત્ર મારી એ નાનકડી કોટડીની આ વાત સાંભળતાં ગોમતી સાંભરે છે, લવજી સાંભરે છે ને પેલી ગજબની વેદનાભરી વાંસળી હજી સાંભરે છે ! ને વળી સંભળાય છે ! એવી વેદના હજી સુધી તો મેં કોઈની વાંસળીમાં જોઈ નથી.’

*****

પણ ત્યાર પછી એ કોટડી મેં છોડી દીધી. બીજે રહેવા ગયો. ત્યાં અમારી એક મંડળી જામતી. તેમાં ગંગાદીન ગજબની વાતો કરનારો ગણાતો. ગંગાદીનની વાત એટલે ગંગાદીનની વાત. એ ભૂલે ટાઢા પહોરની મારતો હોય, પણ એવી રસભરેલી રીતે એ વાત કહેતો કે તમે સાંભળ્યા જ કરો !

એક વખત અમે સૌ બેઠા હતા. હું હતો, નેણશી ભોજક અમારો પાડોશી હતો, દેવજી કરમશી ખજૂરીઓ બેઠો હતો, અને ભગતરાજ વનુભા પણ ત્યાં હતા. આ વનુભાનો એકનો એક જુવાન દીકરો મરી ગયો, ત્યાર પછી એ ઘણુંખરું માળા ફેરવ્યા કરતા. અમે દેવજી કરમશીને ખજૂરીઓ એટલા માટે કહેતા કે એક વખત એ અઢીશેર ખજૂર ખાઈ ગયો હતો - ઠળિયા સોતી!

સૌ બેઠા હતા ને ગંગાદીન અચાનક બોલ્યો : ‘ગરુજી !’ એ મને ઘણું ખરું ગરુજી જ કહેતો. ‘આ તમે રહો છો નાં, એ ઘર મૂળ કો’નાં ? ખબર છે ?

મેં કહ્યું : ‘ના રે ભાઈ ! મને આગંતુક પરદેશીને એવડા મોટા ઈતિહાસની શી ખબર ? મૂળ કોનાં ?’

‘ત્યારે મૂળ ઘર, દેવુ ડોસીનાં !’

‘દેવુ ડોસી ? - એ કોણ ?’

‘એ તો મરી ગઈ છે. ને અત્યારે તો સરગાલોકમાંથી પાછી પૃથ્વી ઉપર અવતાર લેવા માટે પણ ફરી ગઈ હશે. પણ એની એક વાત છે. ભૂલી ભુલાતી નથી. કહ્યું છે નાં, માણસ જાય છે, ને વાતું રહી જાય છે, એવી આ વાત છે.

‘એ વખતે હું જુવાનજોધ. ગામમાં પહેલો જમાદાર. એ વખતે આ ગામ પણ ખોબા જેવડું. એ તો હવે આટલું બધું ચારે તરફ વધી ગયુું છે. બાકી આ વનુભાના ઘર પછવાડે તો આખું ગામ મેળો ભરતું. એ વખતે આંહીં દેવુ રહે.

‘એ દેવુનું જોબન મેં નિહાળેલું. ત્યાર પછી મેં અનેક તડકીછાંયડી દીઠી છે. પણ ભાઈના સમ, આવી જોબનવંતી નારી, જો મેં કોઈ દીઠી હોય તો ! એ જોબન જ જુદું.

‘હવે કરમસંજોગે આ દેવુને ધણી મળ્યો, તે મરતાંને મેર ન કહે એવો. આમ સાચનો કટકો. દિલનો પણ એવો કે અરધી રાતે ઊઠીને કોઈ વેણ નાખે તો એને મોંએ ના નહિ. ખેતી ચાલે, ઢોરઢાંખર, બધી ઓળખોળ, પણ દેવુની અને એની રાશ મળતી ન આવે. દેવુનું જોબન એવું કે એના નેણ ઉપર ફણીધર બેઠા છે, એમ કહેવાતું.

‘એને ને દેવુને મળતી રાશ ન આવી, તે ન આવી. ને આ બધા તો સંસાર-પ્રેમના રંગે રંગાયેલા જીવડા, એ કાંઈ થોડા આપણા જેવા લાજ મરજાદવાળા હતા ? સજ્જનને ઊભો મૂકીને દેવુ તો એક દી ભાગી ગઈ !’

‘સજ્જન કોણ ?’ મેં વચ્ચે પૂછ્યું.

‘દેવુના ધણીનું નામ સજ્જન. ને એ સાચે જ સજ્જન હતો. હવે દેવુ જેવી દેવુ ભાગી ગઈ, એટલે સજ્જનને દશે દશ ખાવા ધોડે. અરધો ગાંડો જ થઈ ગયો. ખેતી ઢળી ગઈ. ઢોરઢાંખર કાળદુકાળ... ઊતર્યાં નહિ. ખોરડાં પણ પડવા માંડ્યાં. તમે રહો છો, એ જ એનું રહેઠાણ !’

‘એમ ? ત્યારે મકાન આટલું સોઈવાળું છે. એ તો એમ જ ચાલે !’

‘અરે ! સાંભળો તો ખરા. આ તો હજી વાત શરૂ થાય છે. પછી તો સજ્જન પણ માયામૂડી બધું ખોઈ બેઠો.

‘હવે આ તરફ એવું બન્ય્‌ કે જોબનનો એંકાર શમ્યો, થોડાં વળતાં પાણી દેખાણાં, બે-ચાર વરસ વીતી ગયાં, ત્યારે દેવુને નવા અનુભવે મનમાં લાગી આવ્યું કે કહો ન કહો, પણ સજ્જન એ સજ્જન ! એટલે એ તો જેમ એકને ઊભો મૂકીને ભાગી આવી હતી, બરાબર તેમ જ, પાછી ભાગી આવી. એક અરધી રાતે આવીને સજ્જનને આંગણે ઊભી રહી. દરમ્યાનમાં તો એનો બીજો ધણી મરી ગયો અને એ સજ્જનનું ફરીને ઘર વસાવીને રહી ગઈ.’

‘આ તો મૂઆ નહિ ને પાછા થયા, એના જેવી વાત થઈ !’

‘પરંતુ આ બાઈ પણ સાચનો કટકો છે, ને આમ ઉન્માદી દેખાય છે, છતાં એનામાં પણ સાચું નારીપણું વસ્યું છે, એ ખબર તો અમને પાછળથી પડી.

‘સજ્જનને આંહીં તો હવે કમાણી રહી ન હતી. ઘર એક-બે તો વેચી ખાધાં. પણ એમ બેઠાં બેઠાં તો રાજા રામના ભંડાર પણ ખૂટી જાય, એટલે એક દિવસ સજ્જને દેવુને કહ્યું કે ‘હું હવે રંગૂન જઈને બે પૈસા રળી આવું. પછી આપણે આ ઘરઆંગણે બેઠાં જિંદગી પૂરી કરી નાખીશું. ભગવાને

શેર માટીની ખોટ રાખી છે તો વાંધો નહિ, તારું નામ હું જાળવીશ, મારું નામ તું જાળવજે !

‘તમારું નામ હું તો શું જાળવવાની હતી ?’ દેવુ રોતાં રોતાં બોલીઃ ‘પણ તમે જાઓ છો એ મને ગમતું નથી. મને થાય છે કે હવે આપણે મળી રહ્યાં !’

‘અરે, જા રે ગાંડી ! એવું અપશુકનિયાળ વેણ, જાતી વખતે ન બોલીએ. હું બે વરસમાં આ આવ્યો.’ સજ્જને કહ્યું : ‘બે વરસ જાતાં વાર શી ? ને પાછા આપણી ભેગા તો મકનજીભા છે.’

‘મકનજીભા, એ વખતે આ ગામના શેઠિયા ગણાતા. ને રંગૂન વેઠીને સારો પૈસો કમાયા હતા. ગામમાં ચૂનાબંધ ત્રણ મેડિયું કરી’તી. એ મકનજીભા સાથે સજ્જન રંગૂન ગયો તે કાલની ઘડી ને આજનો દી !’

‘આ એવું છે,’ મેં કહ્યું. ‘માણસની માયા આકાશી રંગ જેટલી ઠગારી છે ! ઠીક ત્યારે...’ હું ઊભો થવા જતો હતો.

‘પણ સાંભળવાની વાત તો ગરુજી ! હવે આવે છે.’ ગંગાદીન બોલ્યો : ‘આમાં તો એક રોનક જેવી વાત બની ગઈ છે. એ જોનારો જીવે છે, ને હું જાણનારો પણ જીવું છું !’

‘શી વાત છે હવે ?’

‘આ વાતની મઘમઘતી મંજરી તો હવે આવે છે. મકનજીભા પાછા આવે છે, એવા તાર સમાચાર બે વરસ પછી એક દિવસ આવ્યા. તેની સાથે જ સજ્જન પણ આવી રહ્યો હતો. સમાચાર મળ્યા ને ઠીક કમાણી કરીને આવી રહ્યા છે, એ વાત સાંભળતાં આખા ગામને આનંદ થયો. મકનજીભા તો ગામનું નાક હતા. સજ્જનની સુવાસ બધે જાણીતી હતી.

‘તમે જ્યાં રહો છો, તે જ ઘરને આંગણે, દેવુએ તો મંગળ ઉત્સવ માંડ્યો. એ તો તે દિવસે ભાતભાતનાં ભોજન તૈયાર કરીને સજ્જનની રાહ જોતી બેઠી. તમને ખબર છે કે તમે રહો છો એ ઘર લાંબી લાંબી શેરીને છેક છેડે આવેલું છે. તે વખતે બાર વાગે ગાડી આવતી હતી.

‘બાર વાગ્યા. ગાડી આવી. એક સજ્જન જેવા માણસને મેં પોતે સગી આંખે શેરીમાં પ્રવેશતો જોયો. પણ એ એકલો હતો. મને લાગ્યું કે સરસામાન બધો મકનજીને ત્યાં મૂકી દીધો લાગે છે. પણ હું એને જોતાં ચોંકી ઊઠ્યો. હતો તો સજ્જન જ, પણ એણે કાળાં લૂગડાં પહેર્યાં હતાં. એણે કાળાં લૂગડાં કેમ પહેર્યાં હશે ? મને નવાઈ લાગી.’

‘મેં કીધું, હશે. એવી કાંઈ નવી રંગૂની ફેશન ચાલી હશે. દેવુની પાસે વધામણી ખાવા માટે હું પોતે આગળથી દોડતો ગયો. જઈને એને સમાચાર આપ્યા. દેવુ પણ અધીરી અધીરી થઈ ગઈ. તૈયાર રસોઈને ઢાંકીને એ ખડકી ઉઘાડી રાખી, રાહ જોતી ત્યાં ઓશરીમાં બેઠી. એની નજર, તો ખડકીની બહાર રસ્તા ઉપર જ મંડાઈ હતી, હમણાં સજ્જન આવે ને હમણાં હું બહાર દોડું - એવી અધીરી સાચા પ્રેમની વાણી એના અંગેઅંગમાંથી જાણે કવિતાની જેમ સ્ફૂરી રહી હતી.’

‘બન્ને જણાની વાતમાં અત્યારે આપણે આંહીં હોઈએ તે ઠીક નહિ, કરીને, હું તો બીજે રસ્તેથી બીજી તરફ વળી ગયો હતો.’

‘આ તરફ દેવુને લાગ્યું, ઝાઝીવાર થઈ. એ રહી ન શકી એટલે એ બહાર આવી. ખડકીમાંથી નજર કરીને એ શેરી તરફ જોઈ રહી. તો તેણે પણ એક માણસને આવતો દીઠો. એનો સજ્જન જ હતો. પણ એનાં કાળાં લૂગડાં જોઈને એ પણ વિમાસણમાં પડી ગઈ. છતાં એ એકદમ જ ઘરમાં તૈયારી કરવા દોડી. સજ્જનને ફૂલડાંથી વધાવી લેવા માટે એ અધીરી અધીરી બની ગઈ હતી.

‘પણ છેવટે થયું શું ? એ તો એમ ને એમ ત્યાં રાહ જોતી ઊભી જ રહી ! ઊભી જ રહી ! સજ્જન તો આવ્યો જ નહિ !’

મને ગંગાદીનની વાત સાંભળીને નવાઈ લાગી. મેં કહ્યું :

‘ક્યાં ગયો ?’

‘એ જ કોયડો છે ગરુજી ! કોઈ કહેતું નથી કે શું થયું. મકનજીભાનો બીજો તાર આવ્યો હતો તેમાં પણ હતું કે સજ્જન એકલો જ આવે છે. મેં મારી સગી આંખે સજ્જનને આવતાં જોયો હતો. માત્ર તેનાં કાળાં લૂગડાંની વાત એ વખતે પણ મને સમજાણી ન હતી. દેવુ કહેતી એણે આવતાં જોયો હતો ! એ પણ કાળાં લૂગડાંને જોઈને ભડકી ગઈ હતી ! આડોશીપાડોશી ઘણા કહેતા કે એક માણસ કાળાં લૂગડાંવાળો, છેક ઘર સુધી આવતો એમણે જોયો હતો. ખડકી પાસે એ ઊભો પણ રહ્યો હતો. પણ પછી ક્યાંય દેખાણો નહિ!’

‘ક્યાં ગયો ? શું થયું ? અને ત્યારે દેવુ ? દેવુનું શું થયું ? સજ્જન પછી ક્યારે આવ્યો ?’

‘ક્યારેય નહિ. એ કોઈ દિવસ આવ્યો જ નહિ. રવાના થયો હતો એ સાચું. પણ એ આંહીં ક્યારેય આવ્યો નહિ ! દેવુએ કહ્યું હતું તેમ જ થયું. એ પાછાં ન મળ્યાં તે ન મળ્યાં !’

‘ને દેવુ ? એ પણ પછી ક્યાંક ચાલી ગઈ હશે !’

‘અરે ! હોય સા’બ ? દેવુના ઉપર આ વાતની એવી અસર થઈ ગઈ કે એ હમેશાં, તે દિવસ પ્રમાણે, દરરોજ રસોઈ તૈયાર કરીને, ખડકીની બહાર આવીને, લાંબી શેરી ઉપર દૃષ્ટિ કરતી, રાહ જોઈને કેટલાંય વર્ષો સુધી ઊભી રહેતી ! એને એમ ઊભી રહેતી મેં જોઈ હતી. બીજાં ઘણાં યે જોઈ હતી. વળી એમાં કાંઈ ગાંડપણ પણ ન હતું. એ જાણતી હતી કે હવે કોઈ આવવાનું નથી, કોઈ આવે તેમ નથી, પણ જ્યારે પૂછો ત્યારે કહેશે : ‘મને લાગે છે કે એક દિવસ એ અચાનક આવીને ઊભા રહેશે !’

‘એ દેવુ પણ બિચારી ગયે વર્ષે જ મરી ગઈ. કેવળ એની આ એક વાર્તા રહી ગઈ.’

*****

ગંગાદીનની વાત પછી મારું રહેવાનું આ ઘર પણ મેં બદલ્યું હતું. નવું રહેઠાણ મેં શોધ્યું. વસ્તીની બરાબર મધ્યમાં. એમાં એક ખૂબી હતી. એ બીજે માળે હતું. અને એની એક ઘણી જ મોટી બારી બજારમાં પડતી હતી. આખું ઘર બીજી રીતે અંધારિયું, પણ બારી ઉઘાડો એટલે પ્રકાશ જ પ્રકાશ ! મને તો ઘણી વખત એમ થતું કે આ બારી પાસે જ હું બેઠો રહું, ને નીચે જતાં આવતાં લોકોને, ગાડી-ઘોડાને, માણસોની અખંડ ચાલી રહેલી પ્રવૃત્તિને, જાણે નિહાળ્યા જ કરું !

પણ એમ જોવામાં મજા તો આવે, પણ પેટનું શું થાય ? એ કાંઈ થોડું માગ્યા વિના રહેવાનું છે ? એટલે જ્યારે રજા હોય ત્યારે હું ત્યાં બેસતો. ને જતા આવતા, વાતો કરતા, હસતા, લડતા, મશ્કરી કરતા, ઉતાવળે દોડતા, ધીમે ચાલતા, એમ અનેક પ્રવૃત્તિમાં પડેલા માણસોને જોયા કરતો !

આવી રીતે માણસોને માત્ર જોવાની ખાતર જોવાનું આળસ મને વારસામાં જ મળ્યું છે. એમાંથી હું ઘણી વખત અખંડ ચાલી રહેલી માણસોની અનંત વણજારને નિહાળવાના કાલ્પનિક પંથે ચડી જાઉં છું અને એ વખતે મને સેંકડો વર્ષોના ઈતિહાસપુરુષો દૃષ્ટિએ ચડી આવે છે, અને જાણે એક અખંડ ભૂતકાળમાંથી અત્યાર સુધી ચાલી આવતી માનવની વણજાર દેખા દે છે ! એ વણજારને કોઈ દેશ નથી, કોઈ પ્રાંત નથી, કોઈ ધર્મભેદ નથી, કોઈ ભાષાતફાવત નથી. જાણે એ એક અખંડ મહાસ્ત્રોતની માફક ચાલી આવે છે ! અને કેવળ માનવતાની ભાષાને લીધે આગળ ને આગળ વધતી રહે છે ! માનવવણજાર !

પણ આ તો મારા નવા રહેઠાણની વાત કરવાને બદલે હું ફિલસૂફીમાં ચડી ગયો. આ મારા નવા રહેઠાણ પાસે એક ભાઈ રહેતા હતા. નામ કલ્યાણજીભાઈ. એમને એક વ્યસન હતું. નવ વાગે એટલે એ જમીને ઓડકાર ખાતા નીકળે. પાંચ-પચીસ ડગલાં આમ તેમ આંટા મારે. અને છેવટે કોઈકને ઘેર જઈને બેસે ત્યારે એમને અનાજ કોઠે પડે.

હું ત્યાં આવ્યો, અને મારે ત્યાં છાપાં વધુ, એટલે એમણે ધીમે ધીમે રાત્રે મુકામ નાખવો શરૂ કર્યો. ‘સાહેબજી ! કેમ છો ? ક્યારે આવ્યા ? બેઠા કે ?’ એમ નાની શરૂઆત થઈ. અને પછી ધીમે ધીમે એમણે ઝુકાવવાનું શરૂ કર્યું.

એક વખત કલ્યાણજીએ મને કહ્યું : ‘તમે તો ભૈ ભારે હિમ્મતવાળા!’

મેં કહ્યું : ‘કેમ એમ બોલ્યા ?’

કલ્યાણજી કહે : ‘આટલા દિવસ થયાં આવ્યા છો, પણ તમારી કોઈ ફરિયાદ નથી. બીજા તો જે આવતા તે ચોથે દી રાડ પાડી જાતા !’

‘શાની વાત કરો છો, કલ્યાણજીભાઈ ?’

‘તમે મધરાતે અનુભવતા નહિ હો ?’ કલ્યાણજીએ કહ્યું.

‘કાંઈ સમજાયું નહિ, વધારે સ્પષ્ટતાથી વાત કરો તો ખબર પડે. આ ઘર વિષે કાંઈ વાત છે ?’

‘નીચે ડોસીમા રહે છે તે મધરાતે જગાડતાં નથી ?’

‘હા...હં...ત્યારે એમ છે ? હું હમેશાં વિચાર કરતો હતો કે માળું આ મધરાતે રૂએ છે કોણ ? પહેલાં લડવાડ શરૂ થાય છે. સામે કોણ હોય છે એ સમજાતું નથી. પણ પછી રોવાનું શરૂ થાય છે. ત્યારે એ આ ડોસીમા જ રડતાં લાગે છે !’

‘એ ડોસીનાં જ પરાક્રમ છે. હાથનાં કર્યાં હૈયે વાગ્યાં છે. દિવસે પણ જો સામી મળે તો ભડકામણી લાગે તેવી છે !’

‘પણ એ કેમ રડે છે ? ક્યારેક વળી નથી રડતી !’

‘એનો એક ઇતિહાસ છે’ કલ્યાણજી બોલ્યો : ‘આ ડોસીમાને એક દીકરી હતી. ડોસી પાસે પૈસો સારો. ડોસીની ઈચ્છા એવી કે એકની એક દીકરી છે, એટલે કોઈક ઘરજમાઈ જેવો રાંક જુવાન મળે તો દીકરીનું ઘર પણ બંધાય, ને પોતાને પણ આધાર થાય. એ રીતે એણે કેટલાક જુવાનોને એક પછી એક આશાને દોરે લટકાવ્યા પણ ખરા ! પણ ડોસી એટલી બધી નરમ વર્તણૂકની આશા રાખનારી કે એની પરીક્ષામાં કોઈ જ પાસ ન થયો ! જરાક ઊંચે સાદે બોલે કે ડોસીની કાળી કિતાબમાં એ નોંધાઈ જાય. બીજે દિવસથી નર્મદાની વર્તણૂક પણ ફરી જાય...’

‘નર્મદા ? એ કોણ ?’

‘ડોસીની દીકરીનું નામ નર્મદા હતું. એને પણ ડોસીમા પાય તેટલું જ ભૂ પીવાનું હતું. એટલે એ બીજે દિવસથી જ એવી ઠંડા માટલા જેવી બની જાય કે પેલો જુવાન તો રાતની જ ગાડી પકડી પાડે ! ક્રોધવાળાં વેણ કરતાં પણ સ્ત્રીઓ જે ટાઢાં ટમકલાં મૂકે છે એ બહાદુરમાં બહાદુરને પણ પીછેહઠ કરાવી દે તેવી શક્તિવાળાં હોય છે. આ ડોસીમા અત્યારે એવાં બિહામણાં લાગે છે. બાકી તે સમયે એ ડાહ્યાં દેખાતાં અને એમાં પણ શાંત ધીરજભરેલી ભયંકર ઠંડીથી જ્યારે એકાદ ટાઢું ટમકલું મૂકતાં, ત્યારે માણસ જાણે હિતમાં થીજી જતો લાગે ! બન્ને મા-દીકરીએ એમ ઘણાને હાંકી કાઢ્યા હતા. પણ કહ્યું નથી, શેર માથે સવાશેર હોય જ ? એક મહા ઠગ મળી ગયો. એણે યોજના તો એવી કરેલી કે નર્મદાને ઉપાડી જવી ને ડોસીને પણ જેને આધારે એ કૂદે છે એ સોનાવિહોણી કરી મૂકવી. એટલે એની કૂદાકૂદ બંધ થઈ જાય. પણ ડોસી એમ તો જમાનાની ખાધેલ હતી. એટલે એ નર્મદાને ઉપાડી જવામાં ફાવી ગયો, પણ કંચન ન મળ્યું તે ન મળ્યું.

‘ડોસીમાને આ ઘા એવો હૃદયનો લાગ્યો કે ન પૂછો વાત. છ મહિને એ મરવા પડી. આજકાલ મરે તેવું થઈ ગયું. પણ તોય એનું મન ઘણું જ ડંખભર્યું હતું. છોકરીને ન બોલાવી તે ન જ બોલાવી. પણ એમાં જ્યારે ડૉક્ટરે કહ્યું : ‘વીજુમા ! હવે બહુ તો બાર કલાકની મુદત છે હો. તમારે કોઈને મળવું હોય તો બોલાવી લેજો.’ ત્યારે ડોશીએ દીકરીને તાર કરીને તેડાવી. પણ એના જીવાત્માને પૂરેપૂરું વેર લેવાનો આનંદ માણવાની વાસના રહી ગયેલી, એટલે એણે પોતાના પાડોશમાં રહેતા હરખા મહેતાને બોલાવીને કહ્યું કે ‘હરખા મેતા ! આ તારો છોકરડા જેવો દાક્તર મારી નાડ જોયા વિના બોલ બોલ કરે છે કે હું બાર કલાકની મહેમાન છું, પણ મારું મન મને અંદરથી હજી કહે છે કે ‘તું બાર વરસ સુધી જા એમ નથી, એટલે હું જાવાની નથી. છોકરી ભલે આવતી. પણ મારા મંદવાડમાં ઈ કસબ કરીને આંખ આંજી જાય, ને પારકાના હાથ ઠારે, ઈ થાવા દેવું નથી. એના કરતાં તો ભલે ને ધરતીમાના ખોળામાં પડ્યું ! માનું હતું ને માના ખોળામાં રહ્યું એમ કહેવાશે. પણ તારા ઉપર મારો વિશ્વાસ છે. તું બધી જણસ-વસ્તુ તારે ઘેર લઈ જા. હું સાજી થાઉં એટલે મૂકી જાજે !’

‘હરખો મહેતો ડોસીની હા એ હા કરવાવાળો હતો. ને એનું કામકાજ પણ કરતો. એટલે ડોસીએ એને બતાવ્યું તે પ્રમાણે એણે ઘરેણુંગાંઠું કાઢી લીધું. પાછી જમીન જેવી જમીન થઈ ગઈ. નર્મદા આવી, ત્યારે ડોસીમા બેશુદ્ધ જેવાં હતાં. નર્મદાને થયું કે ડોસીમા જો આમ ને આમ જાશે તો બધું ભોંમાં રહી જાશે. એટલે એણે સેવાચાકરી બરાબર કરી. ડોસીમા બેઠાં થયાં. પણ ડોસીમા જરાક બોલે એવી શક્તિ આવી કે તરત એના મનમાં જે વાત ઘર કરી રહી હતી - ટાઢો માર મારીને દીકરીને પણ ભોં ભેગી કરી નાખવાની, તે તરત પાછી, એના મન ઉપર સવાર થઈ ગઈ !’ કલ્યાણજી થોભ્યો.

‘ઓ હો હો !’ મેં કહ્યું : ‘માણસની બધી જ વાત અજબ છે હો! એની ઊંચાઈને કોઈ સીમા નથી, તો એની ખીણનો પણ કોઈ પાર નથી. આ તો ડોસીના સ્વભાવની કેટલી ઊંડી અધઃપતનની કેડી આમાં દેખાય છે ! મરવું છે, ભોગવવું નથી, છતાં કોઈ ભોગવી ન જાય, એની જ ચિંતા એને પડી હતી !’

‘ચિંતા જ માત્ર પડી ન હતી.’ કલ્યાણજી બોલ્યો : ‘એને તો પોતે જે સ્થિતિ સરજાવવા માગે છે, તેનો તીક્ષ્ણ ઘા સામાને બરાબર વાગ્યો છે એ જોવાની પણ તાલાવેલી હતી. એનો ખરો આનંદ તો એ હતો. એટલે એક દિવસ વાતવાતમાં નર્મદાએ જોખમની વાત સંભારી કે ડોસીમા તરત બોલી ઊઠ્યાં, ‘કહેજે ને તારા વાલીડાને, મારી તો ચૂલાની રાખમાંય, જેવાંતેવાં માણેકમોતી નથી. એમાંથી સૂપડું ભરીને લઈ લેજો ને !’

‘નર્મદા સમજી ગઈ. બહુ બોલાવતાં ડોસી મફતની વધારે હઠે ચડશે. એણે પછી વાત જ ઉખેડી નહિ.

‘નર્મદા ગઈ. ડોસીમા કડેધડે થયાં. લાકડી લઈને ફરતાં થયાં. ફળીમાંથી કૂતરું હંકારવા મંડ્યાં. શાકપાંદડાના ભાવ ઠરાવવા મંડ્યાં. એટલે હરખો સમજી ગયો કે હવે ‘ગચ્છન્તિ’ કરી જાવું. નહિતર આ વળગ્યા વિના નહિ રહે. ને મફતનું હાથમાં આવ્યું છે તે ખોવું પડશે.

‘એક દિવસ હરખો મહેતો ગચ્છન્તિ કરી ગયો. પાડોશમાં વાત થઈ કે હરખો મહેતો પરદેશ કમાણી કરવા ગયો છે. પણ એ ગયો તે ગયો. પાછો દેખાણો જ નહિ !

‘ડોસીમાએ પંદરેક દિવસ તો ધીરજ રાખી, પરંતુ હરખાની વહુ પણ પછી તો તાળું દઈને પિયર ચાલી ગઈ. એટલે ડોસીની ડાગળી ખસી ગઈ. પહેલાં તો આખા દિવસમાં ત્રણ-ચાર વખત ત્યાં જઈને ગાળ્યું દઈ આવવા માંડ્યાં. એમાંથી પછી મધરાતે જાગવાને રવાડે ચડી ગયાં. ત્યારથી મધરાત થાય ને ડોસીમા હરખાને ભાંડવા માંડે છે. ને હરખો જવાબ વાળતો હોય તેમ રમઝટ બોલાવે છે. ને પછી મોં વાળીને રોવા બેસે છે ! કેમ એમ જ થાય છે નાં ?’

‘હા એમ જ થાય છે.’ મેં કહ્યું : ‘પણ હરખો ક્યાં છે ?’

‘એ ત્યાં ડોસી મરવાની રાહ જુએ છે. ને ડોસી હરખો આવ્યા પહેલાં મરી ન જવાય એની સાચવણ લે છે ! ને નર્મદા ત્યાં ડોસીના તારની રાહ જુએ છે ! આ તમારું ઘર તો તપેશરી છે ભૈ ! તપેશરી ! બધાં ય ચારે તરફ તપ કરે છે !’

‘ને મારે પણ તપ જ કરવાનું આવ્યું છે નાં ?’

‘કેમ ? તમારે શાનું તપ છે ?’

‘ડોસીમા કાલે તો દાદરો ચડીને ઉપર આવ્યાં હતાં !’

‘હેં ? ખરેખર ?’

‘હા !’

‘પછી ?’

‘મનો કે’ મારે તમારો ખપ પડ્યો છે. એટલામાં સદ્‌ભાગ્યે કોઈક આવી ચડ્યું, એટલે એ ગયાં. પણ હવે એમને મારો શું ખપ પડ્યો હશે તે સમજાઈ ગયું. એને કાં દીકરીની વાત કહેવી હશે ! કાં હરખા મે’તાની વાત કરવી હશે.’

‘એમ જ !’

એટલામાં તો ડોશીમાનો અવાજ નીચેથી સંભળાયો : ‘મારો પીટ્યો હરખો ! ક્યારનો ઉપર આવીને બેઠો છે ! હેઠો ઊતરને પીટ્યા ! તારી માનું રાખીને બેઠો છે તે...’

કલ્યાણજી ને હું બન્ને એ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા.

આજે ડોસીમાએ વાત વહેલી ઉપાડી હતી.

******

અરધી રાત થાય ને ડોસીમાનું સંગીત ચાલે ! હમેશાં, ભાગ્યે જ એક દી ખાલી જાય. છેવટે એ ઘર-રહેઠાણ પણ મેં છોડી દીધું. મને લાગ્યું કે હવે જ્યાં ઓછામાં ઓછો માણસોનો વાસ હોય ત્યાં જવું. એ ઉપરથી મેં એક ઘર શોધી કાઢ્યું.

એ ગામના છેક છેવટના ભાગમાં એકાંત ઠેકાણે ખંડેર જેવું ઊભું હતું. આસપાસ વસતી પણ ઓછી હતી. અને જે હતી તે પોતપોતાના રોટલામાં માંડ રસ લે તેવી હતી. એ ઘર મને ઠીક ફાવી પણ ગયું. એક તો એ એકલાનું એકલું અને વળી વાસમાં હોય તેવું હતું. એની ચારે તરફ ફરતી છુટ્ટી જમીન હતી. વચ્ચે એક જ નાનો ખંડ હતો. એમાં રસોડું, દીવાનખંડ, સૂવાનું, બેસવાનું - બધું હતું. પણ બન્ને બાજુ જાળીવાળી નાની ઓશરી હતી. એટલે એ ઘરમાં પણ પાછું એકાંત સ્થળ હોય તેવું બની ગયું હતું.

હું તો ઘણુંખરું પાછળની ઓશરીમાં નાનકડા હીંચકા ઉપર બેસતો ને ત્યાં જ મારું બધું કામકાજ થતું. એક દિવસ આ પ્રમાણે હું ત્યાં બેઠો હતો ત્યાં એક માણસ આવી ચડ્યો. એના હાથમાં તંબૂરો હતો. એણે માથે ભગવી પાઘડી બાંધી હતી. ડોકમાં માળાઓ નાખી હતી. કપાળમાં ચાંદલો કર્યો હતો.

એ મને જોઈને કાંઈક ચમકી ગયો લાગ્યો. કોઈ દિવસ હું ખડકી ઉઘાડી મૂકતો નહિ, પણ આજે ભૂલમાં ઉઘાડી રહી ગઈ હોય તેમ લાગ્યું, એટલે એ સીધો મારી સામે આવીને ઊભો રહ્યો, ત્યારે જ મારી દૃષ્ટિ તેના ઉપર પડી.

તેણે મારી સામે જોયું અને પછી મને પૂછ્યું : ‘આત્મારામભાઈ ક્યાં છે ?’

‘આત્મારામભાઈ ? આંહીં તો કોઈ આત્મારામ નથી !’

‘તમારું નામ ?’

‘મારું નામ તો મણિલાલ. પણ તમારે કોનું કામ હતું ?’

‘આત્મારામજી ગવૈયા આંહીં રહેતા હતા. આ ઘર એનું હતું. એ ક્યાં છે ? હવે આંહીં નથી રહેતા કે શું ?’

‘આંહીં તો હું રહું છું. કોઈ આત્મારામ રહેતા નથી !’

‘પણ ત્યારે આ ઘર અત્યારે કોનું છે ?’

‘અત્યારે તો તમે જુઓ છો તેમ મારું !’

‘ના ના, પણ ઘરધણી કોણ ?’

‘ઘરધણી પે...લા સામેથી આવે. જુઓ...’ સામે ખડકીમાંથી રણછોડલાલ - અમારા પાડોશી આવી રહ્યા હતા. આ ઘર એનું હતું. એ ખડકીની જરાક જ અંદર આવીને અટકી ગયા. ત્યાં ફળીમાં ઊભા ઊભા જ બોલ્યા : ‘મોહનગીરજી ! ત્યાં નહિ, ત્યાં નહિ. હવે આપણે થાનક ફેરવ્યું છે!’

મારી સામે ઊભેલો માણસ તરત એમની તરફ ગયો : ‘અરે પણ એવું હોય કાંઈ રણછોડભાઈ ! તો તો હું આંહીંથી જ વિદાય લઈ લઉં. દીઠા દેવ ને પહોંચી જાત્રા !’

‘તમે આવો તો ખરા મારી સાથે,’ રણછોડે નરમાશથી કહ્યું : ‘તમે જુઓ તો ખરા, મહાન ગવૈયાને છાજે તેવી અમે એક હમેશની મિજલસ ઓટલી ત્યાં બંધાવી છે... અને આજે ત્યાં...’

‘એ બધું ઠીક રણછોડભાઈ !’ મોહનગીરને રણછોડની સજામવટભરી ભાષા રુચી લાગી નહિ. તેની ફરિયાદમાં કડવાશ હતી. પણ તે પછી એ બન્ને બહાર નીકળી ગયા ને રણછોડના ઘર તરફ ગયા. એટલે શી વાત હતી ને આ મોહનગીર કોણ હતો, આત્મારામ કોણ, આ ઘર કોનું, ‘ગવૈયો’ કીધો તે કોણ ?’ એ બધા પ્રશ્નો એમ ને એમ અધ્ધર જ રહી ગયા.

પણ મને લાગ્યું કે આ ઘર વિષે રણછોડલાલને અને મોહનગીરને કાંઈક મતભેદ છે. એ મતભેદને કોઈ આત્મારામ સાથે સંબંધ છે, ને એ આત્મારામને કોઈક ગવૈયાની વાત જોડે સંબંધ છે. મેં કોયડો ઉકેલવા મહેનત કરી, પણ આખી વાત કોઈ રીતે બંધ બેસી શકી નહિ.

બીજે દિવસે સાંજે હું નિરાંતે મારા ફળીમાં બેઠો હતો. મેં ફળીમાં બે-ચાર છોડ વાવ્યા હતા. તેમાં ફૂલ આવતાં હતાં તે જોઈ રહ્યો હતો. એટલામાં કોઈકે ખડકીને ધક્કો માર્યો.

‘કોણ ?’

‘એ તો હું છું રણછોડલાલ ! જરાક ઉઘાડો તો.’

મેં ઊઠીને બારણું ઉઘાડ્યું. રણછોડલાલ અંદર આવ્યો. એણે જરાક ઝીણી નજરે મને નિહાળવાનું કર્યું હોય તેવું મને લાગ્યું. પછી એ પણ પેલા છોડવા તરફ જઈ રહ્યો; ‘ગલ વાવ્યા છે ? તો તો ભાઈસા’બ ! સાપથી ચેતજો હો !’

‘આંહીં તો કોઈ દિવસ જોયો નથી. તમને કાંઈ થયો છે અનુભવ ?’

‘અનુભવ તો કાંઈ થયો નથી. પણ લોકવાયકા એવી છે નાં કે ગલનાં ફૂલ સાપને બહુ આકર્ષે, એટલે મેં ચેતાવ્યા. બાકી મેં કીધું પેલા ભૂખ ગવૈયાએ બાફ્યું છે, એટલે ભાઈને વાત કરી આવું. ને મનમાં કાંઈ શંકા થઈ આવી હોય તો કાઢી આવું !’

‘કોની વાત કરો છો ? કાલે પેલો આવ્યો’તો તેની ?’

‘હાસ્તો. એ મોહનગીરની. એ છે જરા ચક્રમ જેવો...’

‘હા, મને પણ એમ લાગ્યું’તું !’

‘ના ના, એ છે જ એવો. માણસને વહેમમાં નાખી દે...’ રણછોડલાલ ત્યાં મારી સામે બેઠો. ‘વાત એવી છે સા’બ ! કે આ ઘર છે આત્મારામનું!

‘આત્મારામ કોણ ? એ આત્મારામ ક્યાં છે ?’

‘આત્મારામ આ પંથકમાં મહાન સારંગીવાળો કહેવાઈ ગયો !’

‘એમ ? એનું આ ઘર છે ?’

‘આ મોહનગીર તો છે ચક્રમ. એટલે બધું ભૂલી જઈને આંહીં દોડી આવ્યો. નહિતર એ જાણે તો છે જ કે આત્મારામ હવે આ પૃથ્વીમાં નથી. એ ઘણો જ અજબ આદમી થઈ ગયો. આત્મારામની સારંગી એટલે આત્મારામની સારંગી. બીજા બધા ગવૈયાના હાથમાં સારંગી રહેતી, પણ આત્મારામ તો પોતે સારંગીમાં રહેતો. એની આ સારંગીનો પણ એક ઈતિહાસ હતો. આત્મારામનો બાપ આત્મારામને કહેતો કે એણે આ સારંગી દાદા પાસે જોઈ હતી. ત્યારની એ એના ઘરમાં હતી. આત્મારામ એ સારંગી ઉપર મુગ્ધ હતો. એની પાસે એ સારંગી હોય, પછી એને લાગતું કે ત્રિલોક એની પાસે બેઠાં છે. એ પોતાના તાનમાં મસ્ત માણસ હતો. પણ એનો એકનો એક પુત્ર મરણ પામ્યો, ત્યાર પછી આત્મારામને કોઈ દિવસ એ સારંગીને હાથ અડાડતાં કોઈએ જોયો ન હતો. એ એની સામો જોઈ રહેતો. એની આંખમાંથી અશ્રુધારા ચાલી જતી...અને માનશો સાહેબ ! અમે નજરોનજર જોયેલી વાત છે, આત્મારામના આ મૂક રુદનના કરુણ સ્વરો, જાણે સારંગીના તારમાંથી ઘણી વખત આપોઆપ ઊઠતા !’

‘હેં ! ખરેખર ?’

‘જોયેલી વાત છે સાહેબ !’ રણછોડલાલ બોલ્યો : બોલીને મારી સામે જોઈ રહ્યો. ‘એ એક વિરલ આત્મા થઈ ગયો. પણ પેલી કહેવત છે નાં, સાપ ગયા ને લિસોટા રહ્યા, એમ આ મોહનગીર જેવા કેટલાય તંબૂરિયા પોતાને આત્મારામના શિષ્ય ગણાવતા ગવૈયા, દર વરસે આ ઘેર ભેગા થતા.’

‘શું કરવા ?’

‘બધી વાત કહું છું. આત્મારામ પછી કોઈ દિવસ સારંગી વગાડતો નહિ. પણ એના આત્માને વેદના તો એ વાતની થઈ આવી હતી કે, એના કુટુંબમાં નહિ નહિ તો દોઢસો-બસો વર્ષથી, આ અદ્‌ભુત વાજિંત્ર હતું. એ જાણે ઘરનું સેંકડો વર્ષનું વાતાવરણ ખડું કરી દેતું હતું. પણ એ વાજિંત્રનો હવે ઘરમાં કોઈ વારસ ન હતો. આત્મારામને વેદના એ વાતની હતી...’

‘એના શિષ્યોમાં કોઈ એવો ન હતો ?...’

‘કહું... એ વાત ઉપર જ આવું છું. આ મોહનગીરને દુઃખે છે માથું ને કૂટે છે પેટ, એની જ આવાત છે... એના શિષ્યોમાં નામી માણસો પણ હતા, પણ આત્મારામનું મન માનતું ન હતું. એ માનતો કે, પોતાની પેલી પ્યારી સારંગી એ કોઈના હાથમાં ઓપે નહિ... એમાંનો કોઈ એની સારંગી કરતાં મહાન ન હતો. એને વેદના એ વાતની હતી... એ વાતની વેદના એના દિલમાં બેઠી હતી. અને એ પોતે તો હવે કેટલા દી ? પછી એની સારંગીનું શું ? આત્મારામને આ અકથ્ય ચિંતા પીડી રહી હતી. ‘એની સારંગીનું શું ?’

‘એના શિષ્યોમાં પણ એ વિષે સ્પર્ધા હતી. કાંઈક ઈર્ષા પણ હતી. એકએકથી ચડિયાતા થવાની તાલાવેલી પણ ચાલી રહી હતી. પણ કોઈ કહેતાં કોઈનો હાથ, આત્મારામનું માથું ધુણાવી શક્યો નહિ. એ તો કેવળ પોતાની સારંગીનો વારસ શોધી રહ્યો હતો... અને એવો કોઈ એની નજરે ચડતો ન હતો.’

‘એક વખતની વાત છે. આત્મારામની સારંગી વિષે સાંભળીને એક કોઈ ગવૈયો આંહીં આવેલો. એની ફૂટતી જુવાની, મોહક ચહેરો, અત્યંત મધુર એની ભાષા, એની આકર્ષક રીતભાત... સૌને લાગ્યું કે આ આત્મારામનીસારંગી મેળવી જાશે !’

‘એ આત્મારામ પાસે ગયો. આ ઘરમાં જ સાહેબ ! પેલે ઠેકાણે એક નાની મિજલસ જામી ગઈ. ભલભલાનાં માન મુકાવે એવા આ નામી ગવૈયાએ આત્મારામની પાસે એની સારંગી જરાક અજમાવી જોવા માટે માગી પણ ખરી. પણ આત્મારામના દિલમાં એ ક્યાં સારંગી રહી હતી ? એ તો એની જાણે એ પ્રાણપ્રિયા હતી. આત્મારામે માથું ધુણાવ્યું. ‘ના ભાઈ ! એ ચીજ અનોખી છે. એ તો સ્વર્ગની છે. આંહીની નથી !

‘એના વારસ વિના બીજા કોઈનો એને સ્પર્શ પણ હોઈ શકે નહિ! એ ચીજને અડવાનો અધિકાર કેવળ એના વારસને માટે જ છે !’

‘આત્મારામના શિષ્યો તો આ સાંભળીને ખુશ ખુશ થઈ ગયા. એમને મનમાં ધરપત થઈ. પણ પેલો નામી ગવૈયો અદ્‌ભુત આદમી હતો. તેણે અત્યંત નમ્રતાથી બે હાથ જોડીને માથું નમાવ્યું : ‘હું જાણું છું આત્મારામજી! તમે કહ્યું તે મેં અનુભવ્યું પણ છે. હું સમજી ગયો છું. આ વાત ન્યારી છે. આની હવા ન્યારી છે. તમારી વાત બરાબર છે...’

થોડી વાર આડીઅવળી બીજી વાત થતી રહી. પછી પેલો ગવૈયો ગયો. પણ જ્યારે એ ગયો ત્યારે આત્મારામને શિષ્યભાવે આમંત્રણ આપતો ગયો. આજે એનું વાદન જાહેરમાં થવાનું હતું.

‘આત્મારામ એને સાંભળવા માટે ત્યાં ગયો. પણ પેલા ગવૈયાએ તે દિવસે પોતાની કલા દેખાડવામાં હદ કરી નાખી ! બીજા સારંગીને રોવરાવતા. તારને રુદન કરતા કરી મૂકતા. આ નામી ગવૈયાએ હવાના અણુએ અણુને કરુણરસથી ભરી દીધું ! સૌને લાગ્યું કે આજ આ આખી પૃથ્વીમાંથી જાણે પૃથ્વીનાથ પોતે વિદાય લઈ રહ્યો છે, ને તેથી અણુએ અણુમાં શોકસાગર છલકાયો છે ! એણે હદ કરી નાખી. આત્મારામ પણ મુગ્ધ થઈ ગયો.

’આત્મારામને પ્રતીતિ થઈ ગઈ કે આ માણસ છે, ને આ સારંગીનો એ જ વારસ છે.’

‘તે વખતે તે કાંઈ બોલ્યો નહિ. ઘેર ચાલ્યો આવ્યો.’

‘પણ બીજે દિવસે વહેલી પ્રભાતે પેલા નામી ગવૈયાના મુકામ ઉપર, આત્મારામની પેલી અદ્‌ભુત સારંગી પડી હતી અને આત્મારામ -’

‘અને આત્મારામ ? એનું શું થયું ?...’ મેં ઉતાવળે પૂછ્યું.

‘એ પણ તે દિવસથી પછી ક્યાંય દેખાયો જ નહિ ! એને લાગ્યું, એણે જીવનનું કામ પૂરું કર્યું હતું. સારંગીનો વારસ શોધી કાઢ્યો હતો. પછી એને રહેવું ગમ્યું નહિ કે ગમે તેમ, એ ન દેખાયો તે ન જ દેખાયો ! ઘણા પ્રયત્ન છતાં એનો કાંઈ પત્તો લાગ્યો જ નહિ.’

‘ત્યાર પછી આ ઘરમાં મોહનગીર વગેરે દર વર્ષે મળીને જે દિવસે આત્મારામ અદૃશ્ય થઈ ગયો હતો, તે દિવસે મિજલ્સ જેવું કરતા ને રાત આખી જલસો રાખતા...’

‘એટલે એને તમારી બીજે ફેરવણીની વાત ગમી નહિ, કેમ એમ જ ના ?’

‘ના સા’બ ! એમ પણ નથી. ગવૈયાનું આ ઘર મારે ત્યાં છે. ને તે ગવૈયાએ જ મને એક પ્રસંગે લખી આપેલું છે. આ શિષ્યોને પેલી સારંગીનો વારસો પાછો મેળવવો છે. ને એની ખટપટ આમાંથી ઉપાડવાની તક કોઈક પકડે. મને લાગે છે એમ થાય, તો આત્મારામ જ્યાં હોય ત્યાં એનો આત્મા દુભાય. એ એમ ઈચ્છતો હતો કે કાં સારંગી નષ્ટ થાય, કાં એની દોઢસો-બસો વરસની એની એ ખૂબી જાળવનારના હાથમાં એ જાય. પછી એ એનો શિષ્ય હોય કે ન હોય. એ તો વિદ્યાને વર્યો હતો નાં ? એટલે મેં આ સાલથી આ ઘરમાંથી કાઢીને મારે ત્યાં જલસો ગોઠવ્યો હતો, કે જેથી એના આ સામાન્ય શિષ્યો સારંગીના વારસાનું ધતિંક કોઈક કાયદાકલમે ઊભું કરવામાં ફાવી જાય નહિ ! આ ઘર આ આત્મારામનું છે ! મોહનગીરે ચક્રમની વાતે તમને કાંઈ અસર કરી હોય તો કાઢી નાખજો. આ સિવાય બીજી કોઈ વાત નથી.’

રણછોડલાલ વાત કરીને ગયો. એ ગયો ને જે મહાન ગવૈયાના ઘરમાં હું રહેવા આવ્યો હતો, તે ઘરની હવાને હવે અનોખી રીતે હું જોઈ રહ્યો ! મને લાગ્યું કે ખરેખર એની હવા જુદી જ હતી.