હૃદયપલટો Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હૃદયપલટો

હિમાલયે અનેક બચ્ચાંને પોતાની આંગળીએ વળગાડ્યાં છે. બધાં બચ્ચાં સુંદર ને રસભર્યાં લાગે છે, જાબલી નામે એક પહાડી ગામ હિમાલયની તળેટીના ડુંગરોમાં છે. મેળામાં જતા કોઈ નાના બચ્ચાની માફક વિવિધ શણગાર ધરીને તે ઊભું છે. ઝેરીલી નાગણની માફક અનેક વળાંક લઈને ફરતી કાલકાસિમલા રેલવેની લાઈન એની ઉપરના ડુંગરાઓમાંથી ચાલી જાય છે.

જાબલીની એક તરફ રમણીય ઝરાઓ અખંડ વહન કર્યા કરે છે; બીજી તરફ જલધિજલના તરંગ જેવો અનેક ડુંગરાઓ પર ‘કેલુ’ અને ‘બરાસ’નાં સુંદર રાતાં ફૂલોવાળાં વૃક્ષો ‘કેંથ’, ‘ચોળો’ ને ‘કન્નાર’ની• વચ્ચે ડોકિયાં કરે છે.

• આ બધાં પહાડી ઝાડોનાં નામ છે.

ગગનસ્પર્શી દેવદારુ વૃક્ષોથી એક તરફ ખીણ ભરાઈ ગઈ છે. તો બીજી તરફ ‘મજનૂં’ પોતાની લાંબી લાંબી ડાળીઓ છેક જમીન સુધી લંબાવીને ધરતીને ચુંબન કરતાં કરતાં હારની હરમાં નદીને કાંઠે ઊભાં છે. ભારે ઘાટી છાયાવાળાં, ‘મોરુ’ નામે વૃક્ષોથી વચ્ચે વચ્ચે આવેલાં મેદાનોના ટુકડા છવાઈ ગયા છે. અહીં પહાડી લોકો ડુંગરે ડુંગરે પોતાનાં પહાડી ગીતો ગાતાં ફર્યા છે, તળેટીમાં મધુર અવાજો થાય છે; પહાડોમાંથી ગંભીર પડઘા આવે છે. પગદંડીએ પગદંડીએ બંસીના ઘેરા સૂર છૂટે છે.

હજી તો વૈશાખના ધૂપ તાપથી દિલ્હી-આગ્રાના લોક પોતાના ઘરમાં શેકાતા હશે ત્યાં તો અહીં જાબલીના ડુંગરાઓ પર વાદળાં છવાઈ ગયાં. વાદળાંના ગોટેગોટા વનરાજિ વચ્ચે ફરવા લાગ્યા, ને મૂળે સુંદર હતું તે દૃશ્ય, આજે અત્યંત સુંદર બની ગયું. ધીમો ધીમો વરસાદ પડવો શરૂ થતો હતો. પોતાન ઘાસના ભારા લઈ લઈને પહાડી સ્ત્રીઓ ઝપાટાબંધ ઘર તરફ વળી રહી હતી; વાદળાં ઘેરાતાં હતાં. સાંજ નમતી હતી. ગાયો પાછી વળી ગઈ હતી. ને બંસીવાળા અનેક પહાડીઓ બંસી હાથમાં રાખી લઈ સાવચેતીથી પણ ઝડપથી ઊતરતા હતા.

સીમ બધી ઘર તરફ ચાલી રહી હતી, છતાં સૌથી ઊંચેના ડુંગરા ઉપર એક સ્ત્રી પોતાના ભારાને અઠિંગીને નિરાંતે બેઠી હતી. વરસાદની દરકાર ન હોય ને ઘેર જવાની ઉતાવળ ન હોય તેમ ભારા પર કોણી ટેકવીને, તે આડી પડી હતી. તેણે પોતાની હથેળી પર માથું રાખ્યું હતું. એક પગ લાંબો કરી, બીજા પગને સાથળ નીચે દાબી, તે તદ્દન બેદરકારીભરી રીતે સામેના અનેક ડુંગરઓ પર આંખ ફેરવી રહી હતી, અને વચ્ચે વચ્ચે જરાક જેટલો અવાજ આવતાં ઉપરની પગદંડી પર નજર કરી લેતી હતી : તે કોઈની રાહ જોઈ રહી હતી, જેની રાહ જોતી તે હજી આવેલ નથી એ જોઈને તેણે નિરાંતે શરીરને જરાક વધારે લંબાવ્યું : તેના માથા પર ને ગાલ પર, હાથ ને પગ પર, વરસાદની ઝીણી છાંટ પડવા લાગી. વરસાદને જાણે હાથથી ધકેલી કાઢતી હોય તેમ તેણે પોતાનો હાથ લાંબો કરીને હવામાં ચારે તરફ ફેરવ્યો.

‘અહં, દૂર થાઓ. બારે મેઘ તૂટે કે વીજળીના કડાકા થાય, પણ આજે તો એને મળીને જ જવું છે.’

કુદરત એના હૃદયને પારખી ગઈ હોય તેમ ફરવા લગી. અકાશમાં વાદળાં છૂટાં પડતાં હતાં અને ડુંગરા પરથી અનેક વાદળાં ઊંચે ચડતાં હતાં. સ્પર્શ કરવા માટે કે જોવ માટે એક વાદળું આ બેદરકાર અભિમાની સ્ત્રીને પણ વીંટાઈ વળ્યું હતું. તે વખતે ઉપરની પગદંડી પર પગરવ થયો. જરાક પેલો બંસીનો અવજ પણ સંભળાયો અને ‘કુંતી ! રાજીરાજી બી તુસે !’• એમ બોલતો એક જવાન નીચે ઊતરવા લગ્યો.

• તું રાજી છે ? તું મજામાં ને ? તું-સે-તું (પહાડી બોલી).

આવનાર જુવાનનો ચહેરો રૂપાળો, રસભર્યો અને મોહક હતો. બહુ લાંબું નહિ તેમ અત્યંત ટૂંકુ નહિ એવું સીધું; કસાયેલું, પાતળું શરીર સાદી સુરવાલ, કોટ ને સાફામાં વધારે રૂપાળું લાગતું હતું. એક ‘હિલસ્ટિક’નો અધાર લઈને તે ચાલતો હતો.

આવીને તરત તે નીચે બેસી ગયો. કોઈ શહેનશાહબાનુ જરાક આંખ ફેરવે તેમ આંખ ફેરવીને કુંતી હોઠે આવેલું સ્મિત દબાવી ગઈ; પણ તેનાથી બોલાઈ ગયું : ‘રાજી તુસે ? બીરપાલ !’

બીરપાલ કુંતીની પાસે વધારે ઢળતો આવ્યો. કાળા પરમેટાની તંગ ઉરેબ સુરવાલવાળો પગ કુંતીએ થોડો સમાર્યો. તેના પગમાં પડેલી ‘પંજેબ’ જરાક મધુર અવાજ કરીને છાની થઈ ગઈ; મદભર્યાં તેનાં નેણ બીરપાલ તરફ ફર્યાં.

‘ઈતની દેરી ક્યૂં હો ગઈ ?’

પોતાની હિલસ્ટિક ઘાસના ભારાને અઢેલીને મૂકી દઈ બીરપાલ હજી વધારે પાસે સર્યો. તેણે ધીમેથી, હેતથી, માનથી કુંતીનો હાથ હાથમાં લીધો.

‘કુંતી ! આજ જરા દેર હો ગઈ.’

બીરપાલ એટલા વિનયથી બોલ્યો કે કુંતી હસી પડી. કુંતીએ આછા મલમલનું ફૂલગુલાબી પહેરણ પહેર્યું હતું. અને તેના પર ગાઢા વાદળી રંગનો ખુલ્લા મોંનો મખમલનો તંગ કબજો હતો. કસકસીને પહેરેલો કબજો તેના યૌવનને કંઈક ઑર પલટો આપી રહ્યો હતો. ધોળા બટનની હાર આછા આસમાની રંગની ઓઢણીમાંથી સ્પષ્ટ દેખાતી હતી. કુંતી વધારે ને વધારે હસતી ગઈ. તેના બાલ પર ચોંટેલાં વરસાદનાં બિંદુ મોતીની સેર જેવાં લાગતાં હતાં. તેમને ખંખેરી નાખવામાં બીરપાલ ગૂંથાયો.

વાદળાંના ગોટેગોટામાં બન્ને જણ ફરી છુપાઈ ગયાં. છેટે છેટે જાબલીનાં ઘરનાં છાપરા પર ઊગેલું ઘાસ દેખાતું-ન દેખાતું હતું.

‘તું સિમલા ક્યારે જાય છે, બીરપાલ ?’

‘હવે બે અઠવાડિયાં પછી.’ બીરપાલે કુંતીના બાલની એક લટ સમારતાં ઉત્તર આપ્યો. તેણે પોતાના ખિસ્સામાંથી સિગારેટ કાઢીને કુંતીને આપી, એક પોતે સળગાવી. સિગારેટના ધુમાડાના ગોટા વાદળાં સાથે મળી જવા લાગ્યા.

‘મને સાથે તેડી જશે ? - કે હું પછી આવું ?’

‘જેવી તારી મરજી.’

કુંતી ઘડીક વિચારમાં પડી તેની સામે ખીલેલું કેલું અને બરાસનાં રાતાં ફૂલ તેને મદ અને ઈશ્કનો પ્યાલો પાઈ રહ્યાં હતાં.

તે સડાપ બેઠી થઈ ગઈ. તેનું બુલાક જરા ધ્રૂજ્યું. તેણે બીરપાલ સામે તીરછી આંખે જોયું.

‘બીરપાલ ! તું મને છેવટની ઘડી સુધી નિભાવી શકીશ કે ?’

‘સૂરજ અને ચંદ્રની સાક્ષીએ.’

‘અને મારો મિજાજ ?’

‘પ્રેમથી જાળવીશ.’

કુંતીએ તેને ફરીથી ધ્રુજાવ્યો : ‘મારા જેવી ઓરત તેં કદી નહિ જોઈ હોય હોં ? તું આગને અડકી શકીશ ?

બીરપાલે કુંતીના માથાને હાથમાં લઈ તેને પોતાના ખોળામાં સુવાડી દીધું. એક હાથે બુલાક સમારી તેના હોઠ પર હાથ ફેરવ્યા : ‘કુંતી ! તું આટલી તીખી કેમ છે ? હું તને સૂરજ અને ચંદ્રની સાક્ષીએ પાળીશ.’ અને બીરપાલે પોતાનું મોં નીચું નમાવ્યું.

પણ કુંતીએ બે હાથથી પોતાનું મોં ઢાંકી દીધું હતું. તે દિવસે છેક મોડેથી એક તૂટક જર્જરિત ઝૂંપડામાં પોતાના ભારા સહિત કુંતીએ પ્રવેશ કર્યો.

પહાડી લોકો મૂળે ગરીબ તો હોય છે જ; પણ કુંતીનો પતિ તીલફુ વધારે ગરીબ હતો, હાડકાંના માળખા જેવા બે પહાડી નાના બળદ લઈ તે સવારમાં પોતાના ખેતરમાં જતો. એના ખેતરમાં કાંઠેકાંઠે એકબે સુંદર ઝરા વહેતા હતા. એણે એનાં પાણી ધોરિયા મારફત ખેતરમાં વાળી લીધાં હતાં. પોતાના ખેતરમાં ડાંગર અને ઘઉં પકાવીને તીલફુ ગુજરાન ચલાવતો. ક્યારેક ધરમપુર, સોલન કે સિમલા સુધી મજૂરીએ ચાલ્યો જતો. અને ઉનાળાના દિવસોમાં જ્યારે સિમલા ભરાઈ જતું, ત્યારે ત્યાં જઈને તે નોકરી કરી આવતો. પણ એટલું છતાં હજી એના ઘર પર પતરાને બદલે ઘાસનું છાપરું હતું. છો ઉપર કેટલાક સુંદર ફૂલછોડ તીલફુએ વાવ્યા હતા. અને કુંતીએ ઘરની ગાર ઉપર ગેરુનાં ચિત્રો કાઢ્યાં હતાં, છતાં અખા જાબલીમાં તે ઘર સૌથી ગરીબ હતું.

તીલફુ એક વખત સિમલા તરફ ગયેલો ત્યારે ત્યાંની આસપાસથી કુંતીને પરણી લાવ્યો હતો. એના જેવી ઠંડી પ્રકૃતિના માણસે આ ભારે ભૂલ કરી હતી. દિલ્હી, આગ્રા, પતિયાળા, નાભા, ફરીદકોટ વગેરે સ્થળના જમીનદાર અને રાજામહારાજાઓના નોકરો સાથે કુંતી ઊછરી હતી, તેણે સાદું જીવન અને દુઃખના દિવસો જોયા નહોતા. તેણે પુરુષોને પોતાની આસપાસ નાચતા ને નમતા જોયા હતા. તે પહાડની છતાં અનેક રીતે પહાડી મટી ગઈ હતી. તેણે ધોળાં ઘસ કે ‘કમરોડી’•ના ભારા લઈને બબ્બે હજાર ફૂટની ઊંચાઈએથી પાણીના ધોધની માફક પગદંડીએ ઊતરવાની મજા ભોગવી ન હતી, મોટો લાંબો ઝભ્ભો પહેરેલી અંગ્રેજ લોકોની આયાઓની સાથે સાથે એ પણ ફર્યા કરતી. તેનો બાપ નોકર હતો. મા પણ કોઈ લાટસાહેબને ત્યાં અયા તરીકે હતી, અને પોતાના મૂળ પહાડી સ્વભાવને તો હવે તેઓએ લગભગ વિસારી દીધો હતો. કુંતીનો વિવાહ તીલફુ સાથે થયા પછી થોડે વખતે તેનાં માતાપિતા મૃત્યુ પામ્યાં અને તે જાબલીમાં આવી તીલફુ સાથે જ રહેવા લાગી.

• એ પણ એક જાતનું ઘાસ હોય છે.

પણ તેણે પહાડી ગુણ ખોયો હતો, ડુંગરાઓ મઝા આપે એવું કસરતબાજ શરીર ને પ્રકૃતિ તેણે ગુમાવ્યાં હતાં. તેણે તો સિમલામાં ખૂબ જ સિગારેટો ફૂંકી હતી; અનેકને હસાવી-ફોસલાવીને ‘ઈમરતી’ કે બંગાળી ‘સંદેશ’ ઉડાવ્યાં હતાં, અને કોઈ કોઈ બાબુના ‘દલની આગ’ને જરી ઠંડી કરવા મચ્છીનું શાક પણ ઉડાવી આવતી. આવી કુંતીને જાબલીમાં તીલફુના સાદા ઘરમાં અને પાછું તીલફુ જેવા સાદા માણસ સાથે જીવન ગાળવું આકરું થઈ પડ્યું, સવારે ઊઠવું ને મુડદાલ જેવા બળદ હાંકી ડાંગરના ખેતરમાં જવું, પાસેના કુવામાંથી પાણી લાવવું, આલુનું શાક કરવું ને રોટલા ઘડવા; વખતે ઘાસના ભારા લેવા, ડુંગરાઓની પગદંડીએ ચડવું - આ જીવન કુંતીને ફાવ્યું નહિ. એને તો સિમલા રગેરગમાં રમી રહ્યું હતું. ‘ડાબી બાંય’, ‘ડાબી બાંય’ કરતી દોડતી રિક્ષાઓ, બૅન્ડ વાજાં અને યુરોપિયનોના નિર્લજ્જ નાચ, રોફબંધ ચાલતા લાટસાહેબો ને મેમસાહેબો, પોતાની આસપાસ ગુંજારવ કરતા અનેક પુરુષો, આવું આવું એના જીવનમાં સંસ્મરણોમાં ભર્યું હતું. હવે એને આ ઘર પોસાય તેમ હતું નહિ; છતાં એણે સુખેદુઃખે સાત-આઠ વર્ષ તો કાઢ્યાં. તે દરમિયાન તેને એક પુત્ર થયો. આજે તે પણ લગભગ સાત વર્ષનો હતો. કુંતીનો મદભર્યો અત્યંત રમણીય ચહેરો આ છોકરાને વારસામાં મળ્યો હતો. રાજવંશી ગૌરવ, અકારણ અને અસ્થાને, આ ગામડિયા છોકરામાં પ્રકટ થયું. પોતાની માને માટે મરી પડે એટલો બધો પ્યાર પણ એનામાં આવ્યો. એની મા ભારો લઈને પગદંડીએથી ઊતરતી હોય ત્યારે છોકરો એકીટશે પણ ચિંતાભરેલાં નેને એને કલાકોના કલાક અગાઉથી નિહાળતો ઊભો રહેતો. પણ જેટલી પ્રીતિ છોકરાને હતી તેટલી જ બેદરકારી માને હતી. કુંતીનો વિલાસી, અભિમાની, તીખો સ્વભાવ, તીલફુની ગરીબીથી વધારે તીખો બન્યો હતો. તે તીલફુને ઘણી વખત ધમકાવતી, છોકરાને પણ ઝાપટી કાઢતી; બન્નેને રડતા મૂકી પોતે નિરાંતે સિગારેટ ફૂંક્યા કરતી !

પણ એનો છોકરો દોલત માયાભર્યો હતો. એ આવીને છેવટે માનેગળે વળગી પડ્‌તો; અને એના હાથ પર, પગ પર, ગાલ પર, બાલ પર ચુંબનોનો વરસાદ વરસાવી મૂકતો. પોતાની વહાલસોઈ રીત પ્રમાણે વારંવર પૂછ્યા કરતો; ‘બોલની મા, તું કેમ નથી બોલતી ?’

અને કુંતી હસીને તેને તેડી લેતી. એ વખતે તો કુંતી અકસ્માત જ બોલતી; પણ સાચા વહાલમાં માણસથી ક્યારેક ભવિષ્યવાણી બોલાઈ જાય છેઃ ‘બેટા ! તું મને ઉગારશે - તારશે, એમ લાગે છે.’ અને સજળ નેને મા-દીકરો એકબીજાની હૂંફમાં ઘણા ઘણા ક્લેશના પ્રસંગો ભૂલી જતાં.

પરંતુ કાલકા સિમલા રેલવે દિવસમાં બે-ચાર વખત નીકળતી ત્યારે તેની સિસોટી વાગતાં કુંતીનું મન સીમલામાં જઈ બેસતું. રૂપાળાં લૂગડાં, નાજુક ઘરેણાં, ચોખ્ખા હાથપગ અને રૂપરૂપના અંબારને વખાણનારા, પૂજનારા, એની પાસે નાચનારા અને પુરુષો - આ બધું કુંતીથી ક્યારેય ભુલાતું નહિ, ખરી રીતે તો તે એ જ જીવન જીવતી, અને હાલનું એનું જીવન ઉપરટપકાનો વ્યાપાર સમું જ હતું. છેલ્લા વર્ષમાં તો તીલફુ પણ ભયંકર ઘસારો ખમી રહ્યો હતો. મજબૂત પહાડી શરીર ઘસાતું હતું. તે મુશ્કેલીથી જેમતેમ ચલાવતો હતો; પણ હવે તેનું શરીર ટકે તેમ હતું નહિ. દોલત આ બધું ચિંતાથી જોયા કરતો ને ન ખમાય ત્યારે કોઈ ઝાડ નીચે રોઈ, ઝરણામાં આંખો ધોઈ, પાછો આવીને બાપની પથારી પાસે બેસી જતો.

પહાડી સ્ત્રીઓ સાધારણ રીતે રૂપાળી હોય છે, પણ તેમનાં શરીર ટૂંકાં હોવાથી તેઓના રૂપમાં એક જાતની ખામી રહી જાય છે. કુંતીનાં માબાપ પહાડી હતાં, પણ તેમનો પહાડનો વાસ મદાન જેવો જ હતો. છેક હિમાલયના કાંઠા પર તળેટીમાં તેઓ રહેતાં ને પાછળથી સિમલા આવી રહેલાં; એટલે કુંતીનું શરીર અત્યંત ઘાટીલું ‘ગોરાંદે’ જેવું હતું. એના રૂપમાં તેજ, તીખાશ ને મદ ભર્યાં હતાં. આંખ ઠેરવે ત્યાં પુરુષ ધ્રૂજી ઊઠે, અને ફેરવેલી આંખ એવી રૂપાળી લાગે કે તે છેવટે નમતો-ભજતો કુંતીના બાલ સમારવા બેસી જાય કે પંજેબને વારંવાર પગમાં ફેરવવા લાગે !

કુંતીના આ તેજના ચમત્કારથી પુરુષો - કેટલીક વખત તો ‘મોટા’ કહેવાતા માણસો પણ - તેના પગમાં ને પગમાં પડ્યા રહેવા લાગ્યા. એની સ્થિતિ પ્રમાણે એ વૈભવની છોળ વચ્ચે રહેતી, ‘પડઘેવાલી ચાદર’ના સોનેરી ને રૂપેરી ભરતભરેલ મખમલના કબજાના ને અનેકરંગી ઓઢણીઓના એની પાસે વગર માગ્યે ઢગ થઈ જતા. પછી એ જાબલીમાં ગઈ, પણ આગલા જીવનનાં સંસ્મરણોમાં જ જીવવા લાગી. એને પતિની પરવા ન હતી. ખરી રીતે તો દોલત એને ભારરૂપ હતો. તેણે જીવનના એવા રસાસ્વાદ લીધા હતા કે સુખી ગૃહિણી કે મમતાળુ માતા થવાની શક્તિ એણે ગુમાવી હતી. વૈભવશાળી ને સત્તાપ્રિય અભિમાની સ્ત્રી તરીકે જ તેનું જીવન ઘડાઈ ચૂક્યું હતું. એવામાં એને બીરપાલ મળ્યો. મૂળ તો એ પહાડી હતો; પણ પોતાના અનેક ભાઈઓ પર રોફ બજાવી શકે એવો ‘યુનિફોર્મ’ તેણે મેળવ્યો હતો. ધીમે ધીમે એની લાલ પાઘડીમાંથી સોનેરી કલગી ફૂટી, એ જમાદાર બન્યો, અને હવે એ સત્તાધીશની ઢબથી, ઘણી વખત પોતાના હોલબૂટમાં નેતરની સોટી પછાડતો, આમતેમ ફરતો દેખાવા લાગ્યો. જાબલીની આસપાસ તેનું રહેઠાણ હતું. એટલે એ રજા પર આવતો ત્યારે જાબલીના ડુંગરાઓમાં આ બંને ઘણી વખત મળતાં. એ પરિચયે પ્રીતનું સ્વરૂપ લીધું. કુંતીએ પોતાના કંગાલ ઘરને છોડી તેની સાથે જવા કબૂલ્યું અને બીરપાલના સિમલા ગયા પછી એક અઠવાડિયે તે ઘર છોડી ચાલી નીકળી. જાબલીનાં ગરીબ ઘરો પાછળ રાખી તે સિમલા તરફ આકર્ષાઈ.

જે દિવસે કુંતી ઘર છોડવાની હતી, તે દિવસે તેણે હંમેશ કરતાં વહેલી રસોઈ કરી લીધી હતી. મૂંગા બળદ, અરધું બોલે તેવાં ઝાડ કે જડ પથ્થર - કોઈનું આ ફેરફાર તરફ લક્ષ હતું નહિ; માત્ર એક દોલત જોઈ રહ્યો હતો કે મા ઝપાટાબંધ કામ ઉકેલે છે. તે દિવસ તો તેણે જાડો ઘઉંનો રોટલો ને આલુનું શાક દોલતને બોલાવીને હેતથી પીરસ્યાં.

આ છોકરો પ્રેમમૂર્તિ જેવો જ હતો. આજે માને આટલું વહાલ કરતી જોઈને તેની આંખમાં આંસુ આવ્યાં. કુંતીએ તે જોયાં, તેનું મન પણ ડગ્યું, પણ બીજી ક્ષણે પ્રેમનો નશો ને મદનું ઘેન વ્યાપી ગયાં. રૂપાળા સુગંધી કેશને અત્તરવાળા હાથથી સમારતો, વિલાસની મૂર્તિ જેવો બીરપાલ એની સામે ખડો થઈ ગયો. છોકરાનાં આંસુ હીનાથી રંગેલી પાનીની કલ્પનામાં ભૂંસાઈ ગયાં. ઘડીભર આવેલો પલટો તરત જ વહી ગયો. એક ખૂણામાં દુઃખથી રિબાતો તીલફુ પડ્યો હતો, તેના તરફ દૃષ્ટિ કરી કુંતીએ તરત ભ્રમર ચડાવી. હજી તો મા એની એ જ છે એ પ્રત્યાઘાતથી નિરાશ બનેલો દોલત, આલુનું ફોડવું નીચે પડી ગયું હતું એ કુંતી દેખે તે પહેલાં ઉપાડીને ઝડપથી મોંમાં મૂકી પરાણે પરાણે રોટલો ચાવવા લાગ્યો.

તે રાત્રે કુંતી ઊપડી ગઈ. સવારે પાંચ વાગ્યે જ્યારે પ્રકાશ પડવા લાગ્યો ત્યારે તીલફુ પોતાના નબળા બળદ છોડી ખેતર ભણી રવાના થયો. કુંતીને બોલાવવાની તો હિંમત ચાલી નહિ, પણ દોલતને બોલાવ્યો. છોકરો બાપનું નબળું શરીર જોતાં, તેણે જે કહ્યું તે સાંભળ્યું અને પછી પાછો પોતાની પથારીમાં થોડી વાર લોટતો પડ્યો.

પણ દોલતના જીવનમાં ગઈ કાલથી એક ભારે ફેરફાર થઈ ગયો હતો. તેણે કેવા પ્યારથી આલુનું શાક પીરસ્યું હતું, એ વાત પર ચિંતન કરતાં મા હવે હંમેશને માટે બદલાઈ ગઈ કે શું, એ વિચારમાં આજે એને બિચારાને સોનેરી સ્વપ્ના જેવી રાત વીતી હતી. સવારમાં ઊઠીને હસતા મુખથી મા જોશે એ વિચારોમાં તે આનંદી બન્યો હતો. તે ધીમેથી ઊઠ્યો અને જરા પણ અવાજ ન થાય તેમ માની પથારીમાં એને સૂતેલી નિહળવા ગયો. અંગૂઠા પર ને અંગૂઠા પર સાવચેતીથી માની પથારી સુધી ગયો. માથું છેક નીચે નમાવ્યું, શ્વાસ રૂંધ્યો, છીંક આવવાની થઈ તેને બગાસામાં ફેરવી નાખી, અને આંખો ખોલીને પથારીમાં જોયું : પથારીમાં બકરાના વાળનો ખરબચડો ધાબળો પડ્યો હતો, અને મા ત્યાં હતી નહિ !

દોલતે વિચાર્યું કે કદાચ વહેલી ઊઠીને મારે માટે આલુનું શાક તૈયાર કરતી હશે. પણ એની સામે જ ગાત્ર ઠંડાં કરે તેવો ટાઢો ચૂલો કંઈ પ્રકાશ વિના એમ ને એમ સૂતો હતો. હવે ? બાળક તો પરમ આશાવાદી હોય છે. એણે વિચાર્યું કે મા પાણી ભરવા ગઈ હશે. તે બહાર નીકળ્યો. એક શેવાળવાળો ઘડો ને એક જૂનું માટલું : પોતાના ઘરમાં એ બન્ને વાસણો એમ ને એમ બહાર પડ્યાં હતાં. એ નિરાશામાંથી પણ છેવટનો અશાનો અંકુર ફૂટ્યો. ચોક્કસ મા ધોવા ગઈ છે. ‘કેવી !’ તે મનમાં ને મનમાં મલકાયો. ‘હું ભેગો જાઉં છું માટે આજે વહેલી ચાલી ગઈ. હવે તો એ આવે ત્યારે ભેગો ન તેડી જવા માટે વહેલું વહેલું આલુનું શાક કરાવું -’ અને આ વિચાર આવતાં દોલત મનમાં મોટેથી હસી પડ્યો ને આ દંડ ભારે થશે એવા રમૂજી વિચાર કરતો કરતો, ફરીને તે તો પોતાની પથારીમાં જઈ પડ્યો. માએ કાલે જરા માયા બતાવી હતી તે પરથી તો છોકરાએ આજ પોતાના લાડની આખી વિચારમાળા મનમાં ગોઠવી હતી. પણ સવારે ઊઠીને તે મજનૂંના ઝાડ નીચે ઝરાકાંઠે ઊભો ઊભો રોશે ને પાણીની છાલકથી ધોવાતાં આંસુ ફરી ફરી ઊભરાશે, એ વાતનો એના બાળદિલને ખ્યાલ પણ ન હતો.

આ બનાવ પછી સાત લાંબા વર્ષ વહી ગયાં, અને તે દરમ્યાન તો જાબલીમાં પણ શું શું બની ગયું ? એક ઘર પડી ગયું. એક કુટુંબ શહેરમાં ભાગી ગયું. તીલફુની માશીની દીકરી પણ કુંતીની પેઠે જ નાસી ગઈ, અને તીલફુ પોતે મરણ પામ્યો. પોતે જેવો ઠંડો હતો તેવી જ ઠંડી પ્રકૃતિથી તેણે દોલતને મરતાં મરતાં આશ્વાસન આપ્યું હતું કે, ‘હશે બેટા ! આપણો લેણીદેણીનો એવો સંબંધ - હવે આ ઘર સાચવજે ને હમણં ઢોલાકાકા સાથે કામ કરતો જજે.’

કુંતીની ધાક વૃદ્ધ માણસને છેક મૃત્યુ સુધી રહી હતી, તેણે દોલતને કહ્યું હતું, ‘જોજે બેટા ! વળી તારી માને કહેતો નહિ કે હું ધખ્યો છું; નહિતર વળી એ ખીજશે. એમ કહેજે કે હશે, માણસનો દેહ છે તે ભૂલ થાય.’

બિચારો તીલફુ એ રીતે મરણ પામ્યો. દોલત તે દિવસે પણ એના પેલા પ્યારા મજનૂં વૃક્ષની નીચે જઈને રોયો. સામેની પગદંડી પરથી એની મા ઘાસની ભારી લઈને આવતી ને પોતે અહીં ઊભો નિહાળતો એ એને સાંભળી આવ્યું. એની માનું ગોરું ગોરું મોં એને ફરી સાંભર્યું, એને સાંભર્યો એનો ખોળો ને માથા પર ફરતો હાથ. આજે વગડામાં ને એકાંતમાં એ ખૂબ રોયો. ઘણાંએ કુંતીના રૂપને જોયું હશે, પણ કોઈએ એને ઈશ્વર જેવું પવિત્ર નહિ માન્યું હોય, આજે નફ્ફટ વેશ્યા જેવી પોતાની માનાં પવિત્ર રૂપને સંભારીને આ છોકરો ફરી ફરી રડ્યો. ખરે ! જ્યાં જ્યાં પ્રેમની સાચી સગાઈ હોય છે, ત્યાં ઈશ્વર પોતે હાજરાહજૂર દેખાય છે.

દોલત પોતાની માનું, આજે એ જ વખતે થયેલું મહાપતન દેખતો હશે કે નહિ, તે કહેવું અશક્ય છે; પણ અકસ્માત બે બનાવ સાથે બનતા હતા. જે વખતે દોલત માને સંભારીને રડતો હતો તે વખતે ઝેરીલી નાગણની મફક છંછેડાયેલી કુંતીએ બીરપાલને પણ છોડ્યો હતો. આ તેજીલા સ્વભાવને બીરપાલ પણ જાળવી શક્યો નહિ, અને પુરુષ પ્રત્યેના ધિક્કારમાં કુંતીએ પ્રતિજ્ઞા લીધી કે હવેથી મારે કોઈ પુરુષ ધારવો જ નથી, પુરુષને કૂતરાની માફક નચાવવાની મઝા જ લેવી છે અને એ મઝા તરફ તે વળી ગઈ.

ઘણી વખત મોજશોખ નબળાઈનું નહિ પણ થાકનું પરિણામ હોય છે. બાપના મૃત્યુ પછી થોડે વખતે દોલત પોતાનાં ઘરબાર છોડી, ખેતર, બળદ વગેરે ઢોલાકાકાની સંભાળમાં મૂકી, સિમલા આવ્યો હતો. વાંસો ફાટી જાય તેવાં તોતિંગ લાકડાં જંગલમાંથી લઈને તે છેક સાંજે પાંચ વાગે પાછો વળતો, કે વખતે થાકથી લાકડાંને રસ્તામાં છોડી ભૂખ્યો ભૂખ્યો ઘેર આવતો, ને બીજે દિવસે સવારે તે લેવા જતો. સવારના અગિયાર થયા હોય કે સાંજના પાંચ વાગ્યા હોય, ને હાથમાં રેકેટ લઈ અંગ્રેજ યુગલ ચાલ્યાં જતાં હોય, ત્યારે એ બિચારો કલાક-અરધો કલાક, છ-સાત મણનો ભાર લઈ રસ્તા પર ઊભો રહેતો ! ને ભોગેજોગે કોઈ સોલ્જર ફરતો નીકળે તો એનો જ પહાડી ભાઈ જે સિપાઈ હોય તે દોલતને કોઈ લાંબે રસ્તે જવા હુકમ કાઢે ! એ લાંબો રસ્તો એટલે બબ્બે હજાર ફૂટ ચડવા-ઊતરવાની અથાગ મહેનત. છેક સાંજે ઘેર જાય, લોટ લાવે, રોટલા કરે અને પછી ડરતો ડરતો જરાક વીજળીના દીવા જોવા નીકળે ! એનું શરીર છેક મડદાલ જેવું બની ગયું, ચહેરો લેવાઈ ગયો ને અથાગ શ્રમથી શરીર ઘસાવા લાગ્યું. એણે સિમલામાં ખૂણેખૂણા ખોળ્યા, આયાઓનાં જૂથ જોયાં, અંગ્રેજનાં ગુલાબી છોકરાં આંખે ધરાઈ ધરાઈને જોતો ફર્યો, પણ ક્યાંયે એની ગોરાંદે જેવી માનો પત્તો મળ્યો નહિ. મોટી બજાર પરથી ઘણી વખત સામેના ડુંગરા પર વાદળાં બેસે તે એ જોઈ રહેતો. પગદંડીઓનો તો તેણે પોતાના મગજમાં નકશો કાઢ્યો હતો; પણ જાબલીની જે પગદંડીથી મા આવતી એવી એક પણ પગદંડી મળી નહિ. અઢાર વર્ષનો જુવાન છતાં આઠ વર્ષના બાળકની માફક એ માનું નામ જ સંભાર્યા કરતો. જમાના પહેલાંની રોમન સ્ત્રીના જેવા ગૌરવથી નીકળતી અંગ્રેજ લલનાઓ સામે આ બિચારો પહાડી બાઘામંડળ જેવો જોઈ રહેતો. રાજપૂતાણી જેવી શીખ સ્ત્રીઓ એમનાં ભાતભાતનાં લૂગડાં પહેરી નીકળતી પણ એ કોઈનામાં એને પેલો ચહેરો મળ્યો નહિ.

આ દોલત સવારમાં ઊઠીને પોતાને માટે લાકડાં લાવ્યો, ને આઠ પહેલાં તો પાણા સારવા પહોંચી ગયો. છેક સાંજે ઘેર વળ્યો ત્યારે મોટી બજારના રસ્તા પર સાહેબલોકને ચાલતા જોઈ આ પહાડીને સિપાઈએ કાઢી મૂક્યો, ને તે ફરી ફરીને ઘેર પહોંચ્યો ત્યારે એનું મગજ તદ્દન શૂન્ય બની ગયું. એના પેટમાં લાહ્ય બળતી હતી, શરીર તપતું હતું અને આરામ માટે - જરાક ચેન માટે - એનો જીવ તલપાપડ થઈ રહ્યો હતો અને પૈસાથી વેચાતો મળે તેવો મોજશોખ ક્યાં હોય ? જરાક આરામ માટે તલપતું મન સ્ત્રીઓ તરફ ચોંટ્યું. તેણે અચાનક પોતાનો પગ વેશ્યાવાડા તરફ ઉપાડ્યો અને ધ્રૂજતો ધ્રૂજતો તે ત્યાં પહોંચ્યો.

ત્યાં માણસોની ઠઠ જામી હતી. કેટલાક ફરતા હતા. કોઈક કામનો ઢોંગ કરી ઊભા હતા. જુવાન અને પાર વિનાના માણસો અથાગ શ્રમથી ધકેલાઈને જ્યાં શાંતિ ન હતી ત્યાં શાંતિ શોધતા હતા.

દોલતની નજર પડી. ત્યાં સામેના ખંડમાં એક લાવણ્યઝરણી સ્ત્રી બેઠી બેઠી સિગારેટ ફૂંકતી હતી. દોલત ત્યાં ગયો, ફરી પાછો ફર્યો. પણ પેલીએ આવા ભિખારીદાસને પ્રોત્સાહન આપ્યું નહિ. દોલત બધી હિંમત ભેગી કરીને અંદર ગયો. એક તરફ પલંગ હતો ને તેને ઢાંકવા માટે ચારે તરફ પડદા ટીંગાતા હતા. બે-ચાર છબીઓ સામેની ભીંત પર ચોડી હતી, ને એક સગડીમાંથી કોલસાનો ધીમો તાપ ફેલાતો હતો. દોલતને એકદમ હૂંફ આવતી હોય તેમ લાગ્યું, પણ એના મોંમાંથી એકે શબ્દ નીકળ્યો નહિ... આવા પ્રસંગની અનુભવી ચતુર સ્ત્રીએ પહેલ કરી. તેણે ભ્રૂકુટિ ચડાવીને ધિક્કારથી પૂછ્યું : ‘તુમ કૌન હો ? ઈધર ક્યા કામ હૈ ?’

દોલત બોલતાં ધ્રૂજ્યો : ‘ઈધર મેં... ઈધર મેં સોચો -’

પેલી ઠસ્સાદાર સ્ત્રી હસી પડી. દોલત ભોંઠો પડીને ત્યાં જ ઊભો રહ્યો. તેણે દોલત સામે જોયું ને તિરસ્કાર તથા અભિમાનથી બોલી : ‘સુણ્ણો! તુમ કિસીકો ઢૂંઢતે હો ?’ ‘આદમી સબ કુત્તે હો ગયે,’ તેણે પાછળથી ઉમેર્યું,

આકાશમાં ઘનઘોર વાદળાં ચડ્યાં હતાં અને વીજળીના ચમકાર થતા હતા. પાસેના કોઈ મંદિરમાંથી બે ઘંટા સંભળાયા અને કોઈ લટાર મારતા મિયાંભાઈ

‘કો આસી હુવા હે બેત,

હમારે દિલકો જલાનેકુ,

જિગરમેં લગી રહી આગ,

ચાલો તોરો બુઝાનેકુ.’

એમ લાંબે રાગડે ગાતા ચાલ્યા ગયા. દોલત બાઘામંડળ જેવો હતો ત્યાં ને ત્યાં ઊભો રહ્યો. પાસેના ખંડમાંથી સારંગી અને તબલા સાથે મોહક સ્ત્રીસ્વર સંભળાતો હતો :

એક તો મેરી નવજુવાની;

ફિર પુરાની ચૂડિયાં.

વચ્ચે વચ્ચે ‘હાં હાં, જીતે રહો’ એવા ઈશ્કી પુરુષના અવાજ સાથે એની એ ટૂંક ફરી ફરી ગવાતી હતી.

‘ફિર પુરાની ચૂડિયાં.

હાંજી ચૂડિયાં...જી...તેરો

એક તો મેરી નવજુવાની.’

દોલત ધબ દઈને નીચે બેસી ગયો. તે મોટેથી બોલી ઊઠ્યો. ‘મૈં બેઠું છું. તુમ સબન હૈ સુંદર છા. તુમરો પ્યારો મૈકણી બચુલા.’•

• મૈકણી - મને; બચુલા - બચાવશે.

‘હમારી પસ તુમ્હારે લિયે પ્યાર નહિ હૈ, તુમ કિધરકે રહેનેવાલી હો બદશકલ !’

ક્યાં પોતે લઘરવઘર ભિખારી, અને ક્યાં લાવણ્યઝરતી ઝીક-સતારાની સાડીમાં સજ્જ સામે બેઠેલી સુંદરી ! વિરોધ સંભારતાં તેના પગ ઢીલા પડવા લાગ્યા. તેના બદન પર પરસેવો છૂટ્યો. તે ચળકતા દીવાઓ સામે ને સતારા સામે જોઈ રહ્યો. પેલી સ્ત્રીએ તેની સામે જોઈ ફરી ફરી હાસ્ય કર્યું, તેણે પોતાની મોતીની સેર સમારી. તંગ ઉરેબ-ચોરણીવાળો પગ લાંબો કર્યો ને પાસેની લાકડી લઈ દોલત ઉપર ફેંકી : ‘સાલે કુત્તે ! કાયકો ખડા હૈ ! કોઈ દૂસરે કુત્તે ચલે જાયેંગે !’

દોલતને ઘા લાગ્યો. તેની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં, તે અત્યંત ક્ષીણ દયાજનક અવાજે બોલ્યો : ‘મુઝે નહિ માલૂમ. મૈં ઈધર કાયકો આયા. મેં બહોત સા થક ગયા હૂં. મુઝે આરામ...

‘આરામ ! ઈધર આરામ નહિ હૈ. ઈધર તો જલ રહી હૈ આગ.’

દોલતે એક નિઃશ્વાસ મૂક્ય. તેના મનમાંથી એક વિચાર વીજળીની વેગે પસાર થઈ ગયો : બદશકલ ! હા. આ લઘરવઘર કપડાંને, ક્ષીણ શરીરને, બદસૂરત શિકલને માતા વિના કોણ ચાહે ! માતા વિના એવો નિર્મળ પ્રેમ ક્યાં મળે કે જે આ કુરૂપ શરીરને પ્રેમના સ્પર્શથી ‘સબન હૈ સુંદર’ બનાવી દે ! તેને જાબલી, પેલી પગદંડી, પેલું મજનૂંનું ઝાડ, ઝાડ-ઝરણા અને મીઠું મીઠું રુદન સાંભર્યાં. પોતાની ફાટેલી ધાબળી ખભા પર નાખી, વાંકી લાકડી લઈ તે બેઠો થયો અને અચાનક તેના મોંમાંથી શબ્દ નીકળી ગયા : ‘ઈજા ! ઈજા ! ઈજા !’+

+ માતા

અને એ શબ્દ સાંભળતાં જ પેલી સ્ત્રી જાણે અનેક વર્ષ પછી હઠીને કંઈક સાંભળતી હોય તેમ દોલતને નિહાળતી ઊભી. તેને કોઈ પરિચિત ચહેરો નજરે પડ્યો. તે એકદમ નરમ પડી ગઈ : ‘તુમ કિધરકે રહેનેવાલે !’

‘જાબલી કા,’ દોલતે શાંતિથી ઉત્તર આપ્યો.

અત્યંત દુઃખથી પેલી સ્ત્રીએ પોતાના માથા પર હાથ મૂક્યો. દોલતે પોતાની લાકડી ખખડાવી પાછા વળવાની તૈયારી કરી. પેલી સ્ત્રી ઉતાવળે બોલી ઊઠી : ‘ઠહર, ઠહર, જુવાન ! તુમ્હારી જાત કી ?’

‘જોતા.’•

• ખેડૂત

‘નામ કી ?’

‘દોલત !’

‘હેં દોલત ?’ પેલી સ્ત્રી ફિક્કી પડવા લાગી. તેની અતિ મૂલ્યવાન, ઝીકસતારાની સાડી જમીન પર રજોટાવા લાગી ને તે દોલતની પાસે આવવા લાગી. ‘તબ તો તૂ -’ તેણે ધ્રૂજતાં ધ્રૂજતાં ઉમેર્યું. દોલત તો તદ્દન શૂન્ય દશામાં હોય તેમ ભાન વિના જ બોલતો હતો : ‘તુમ મેરો મૌંતારી ? ઓ મૌંતારી...’

‘દોલત ! મૈં તુમ્હારી મા કુંતી -’

વાક્ય પૂરું થાય તે પહેલાં કુંતી દોડી, દોલત એની લાકડી પર અઠિંગીને મુડદાની પેઠે ઊભો હતો તે નીચે ઢગલો થઈ પડતો હતો. કુંતીએ દોડીને પડતા દોલતને બચાવી લીધો ને પોતાના ખોળામાં લઈ લીધો. તેની શૂન્ય આંખ કુંતી સામે ટગરટગર જોયા કરતી હતી, તેણે થાકથી, નિરાશાથી, પ્રત્યાઘાત સહન ન થવાથી પોતાનું માથું કુંતીના ખોળામાં નાખી દીધું. કુંતી આજે જિંદગીમાં પહેલવહેલી આ શૂન્ય આંખો જોઈને રડી. તેને નાનો દોલત અને તેનો પ્રેમ સાંભરી અવ્યાં. પગદંડી ઉપર નજર રાીને કલાકના કલાક તે મજનૂંના ઝાડ નીચે થોભતો તે યાદ આવ્યું. એ અકારણ માત્ર તેને જોઈને જ આનંદ પામતો : તેની સ્મૃતિ ચડી. તેની આંખમાંથી દડદડ આંસુ ચાલી નીકળ્યાં. જીવનનું બધું ઝેર એક ઘડીમાં ઓસરી ગયું.

‘દોલત ! બેટા ! મૈં તેરી માતા કુંતી...’ આંસુથી બીજા શબ્દો ઢંકાઈ જતા હતા : ‘મૈં તોરી માતા કુંતી... વેશ્યા જૈસે કામ.’

દોલત એક વાર ફરીથી એના ખોળામાં બેઠો થયો.

અત્યંત પ્યારથી તેણે કુંતીના હાથ પર પાની પર, પગ પર ચુંબન કર્યું. ‘તૂ દૂસરે કુછ નાઈ, તુમ મેરે મૌંતારી, તુમ મેરો મૈં...’ તે ગાંડાની પેઠે ચિત્તભ્રમની પેઠે લવતો હતો : ‘ઓ મૌતારી ! તુમ સબન હૈ સુંદર છા. તુમ સબન હૈ કોમલ છા. તુમ સબન હૈ પવિત્ર છા.’•

અને કુંતીના ખોળામાં માથું નાખી તે આંખો મીંચીને શાંત પડી રહ્યો.

‘બેટા ! દોલત !’ કુંતીએ અત્યંત આર્ત સ્વરે દોલતને બોલાવ્યો : ‘અલુકા શાક બનાઉ, બેટા દોલત ?’

કોઈનો અવાજ સંભળાયો નહિ. તે વારંવાર એનું એ બોલવા લાગીઃ ‘બેટા દોલત, આલુકા શાક -’

એના શબ્દો પ્રત્યુત્તર વિના ભોંઠા પડીને પાછા ફરતા હતા : ‘બેટા! દોલત -’

દોલતે કંઈ જવાબ આપ્યો નહિ.

જબરા કડાકા સાથે આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો.

• ઓ મા ! તું સર્વથી સુંદર છે, સર્વથી કોમળ છે, સર્વથી પવિત્ર છે.