Ratno Dholi books and stories free download online pdf in Gujarati

રતનો ઢોલી

અમારા એવડા નાનકડા પીપળિય ગામમાં બીજો કોણ સંગીતવિશારદ આવીને બેસવાનો હતો ? એટલે શરણાઈવાળો ગણો, બંસીવાળો ગણો, સારંગીવાળો ગણો, દિલરૂબાવાળો ગણો કે વાજાંવાળો ગણો કે જે કાંઈ ગણો તે અમારો રતનો ઢોલી ! પણ એની પાસે અનોખી વાત હતી ! ગામને છેક છેવાડે એક નાનકડી ટેકરીની તળેટીમાં ઝૂંપડું બાંધીને એ રહેતો. ઝૂંપડીની આસપાસની જમીનમાં થોડાક છોડવા વાવીને એમની હાજરીમાં બેઠો બેઠો ઢોલ વગાડતોને મજા કરતો !

ટેકરી ઉપર જૂના વખતની કેટલીક મોટી શિલાઓ પડી હતી. એ શિલાઓ જો ડગે અને પડે તો રતના ઢોલીનું ઝૂંપડું સાફ થઈ જાય. પણ રતનો કહેતો કે એ તો માતાના સતને આધારે ટકી રહી છે. એ કોઈ દી ચળે તેમ નથી. અસત્‌ દેખે તો એ ચળે. એ શિલાઓ ઝાલરની પેઠે વાગતી અને શુદ્ધ કાંસાના રણકાની યાદ આપતી ! ગામલોકો એને ઝાલિરયા પાણા કહેતા.

ઝાલરિયા ડુંગરાની પાછળ મોટી નદી વહેતી. કાંઈ કામ ન હોય ત્યારે બેઠો બેઠો રતનો પોતાનો ઢોલ બજાવતો હોય. એ ઢોલ, એની ડાંડી અને એ પોતે - ત્રણે જાણે આજન્મ મિત્રો બની ગયાં હતાં. રતનાના ઢોલમાંથી એના હૃદયની તમામ ઊર્મિઓ ઊભી થતી.

એકલો બેઠો બેઠો, ક્યારેક મરી ગયેલી માને સંભારતો હોય, ને ઢોલ બજાવતો હોય, ત્યારે લાગે કે રતનો ડાંડીની મારફત પોતાનું હૃદય આપી રહ્યો છે ! ક્યારેક કોઈ જુવાનીનો તરંગ ચડી આવે, ને ઢોલ ઉપર ડાંડી મારે, ત્યારે લગે કે હવામાંથી દરિયાનાં આનંદમોજાં આવી રહ્યાં છે ! રતનો ક્યારેક તો કોઈનું આમંત્રણ ન હોય તો પણ, નવાંનકોર લૂગડાં પહેરી, ભેટ બાંધી, નવો રેશમી સાફો લગાવી, ડોકમાં ખોટી પિત્તળની સાંકળી નાખી, ઢોલ બજાવનારને રંગે ચડી જતો. એ વખતે એ પોતાની અજબ જેવી કુશળતા બતાવતો. લાગે કે ઢોલ રડે છે, હસે છે, કૂદે છે, નાચે છે, જાણે ખિલખિલ ખીલે છે, આગાહી કરે છે, ભૂતકાળ સંભારે છે, પેલા ઝાલરિયા પથરાને બોલાવે છે !

રતનો ઢોલી પોતાના હૃદયની બધી વાત આ ઢોલને અને એની ડાંડીને કહેતો. માણસ સાથે કે સામે બોલવા માટે જાણે કે એની પાસે શબ્દો જ ન હતા ! એને વાત કહેવી હોય, વિનોદ કરવો હોય, રડવું હોય, આનંદ પ્રગટ કરવો હોય, નિરાશ જણાવવી હોય, આશા વ્યક્ત કરવી હોય - જે કાંઈ કહેવું હોય તે બધું આ ઢોલમાં !

એને પણ નવાઈ લાગતી. ઢોલ ને ડાંડી છૂટાં હોય તો કાંઈ નહિ ! ને ભેગાં થાય ત્યાં ભાષા ! શું ? એ ઢોલનો બાળક બન્યો હતો. ઢોલ વિનાનો રતનો એટલે જાણે પ્રાણ વિનાનો.

અને એની આ ઢોલીની કીર્તિ ઉપર ન્યોછાવર થઈને એક રૂપસુંદરી પણ એને આવીને મળી હતી. એનું નામ સુંદરી. સુંદરી જેવી જ હતી. અને એ ઢોલની ડાંડીએ ડાંડીએ નાચવાનું કરતી.

સુંદરીનો સાથ મળ્યા પછી રતના ઢોલીએ કમાલ કરી નાખી ! પછી તો માણસની કોઈ બોલી એવી રહી નહિ, જે એનો ઢોલ બોલી ન શકે ! પોતે અણઘડ, અભણ, પણ બોલી બતાવે બધી જ વાત ! એક વખત તો એણે મધરાતે ઢોલ વગાડ્યો અને એમાં એણે એવા તો ગજબની શૂરવીરતાના રંગપલટા આણી મૂક્યા કે ગામ આખું, કોઈ બહારવટિયા સામે ચડવાનું હોય તેમ, લાકડી, ભાલાં, ધારિયાં, જૂની તલવરો લઈને બહાર નીકળી પડ્યું ! રતનાના ઢોલે તે દિવસે બુંગિયાને ભૂલાવી દીધો !

પણ ગામ આખું બહાર નીકળીને જુએ છે તો ત્યાં કેવા બહરવટિયા ને કેવી વાત ! કોઈ કહેતાં કોઈ મળે નહિ ! રતનો ઢોલી એકલો, એની ફળીમાં એક ઝાંખો દીવો બળે, ને ઊભો ઊભો ઢોલ વગાડે. ને શૂરવીરતાના રંગે ચડેલી પેલી સુંદરી ડાંડીએ ડાંડીએ નાચે ! બીજુું કાંઈ મળે નહિ !

ગામ આખું એમ હસીને પાછું વળી ગયું કે અરે ! આ તો ગાંડો છે ગાંડો !

અને રતનો ગાંડો જ હતો. જેને જેને મહાસાગર મળે છે એ બધા જ એવા થઈ જાય છે. ડહાપણ તો ખાબોચિયામાં રહે છે ! રતનાને મહાસાગર તરવાનો મળી ગયો હતો. એને કોણ જાણે કેમ એના ઢોલમાંથી આખા ત્રિભુવનના બધા રસ્તા ઊઠતા જણાતા !

ખરેખર રતનો ગાંડો હતો !

પણ ગાંડા માણસને જ્યારે ગાંડી સ્ત્રી મળે છે ત્યારે અરધી દુનિયા ગાંડી થઈ જાય છે ! રતનાની આ તમામ ઘેલછાને ઉત્સાહનું પાણી તો પેલી સુંદરી પાતી ! એ નાચતી ત્યારે રતનાને લાગતું કે સારી સૃષ્ટિ નીચે છે. રતનાની ડાંડીની ભાષાને એ હૂબહૂ ખડી કરી દેતી !

પણ આ એની પ્રેમભક્તિએ ગામમાં ઈર્ષા પણ એવી જ પ્રગટાવી હતી. સુંદરીના હાથનો જે એક નાસીપાસ ઉમેદવાર હતો તે એમાં અગ્રણી હતો. નાકોજી એનું નામ. નાકોજી કહેતો કે ઢોલીને મન એમ છે કે એની ઢોલકી વાગી ને આ રંડકી નાચી એટલે ભયો ભયો થઈ ગયું ! પણ આંધળો એની આંખનો ઉલાલો તો જોતો જ નથી ! રંડકી તો નાચતાં નાચતાં કૈંકને પાડી દે છે ! રતનો ઢોલી એક દી ઢોલિયામાં સૂતો રહેશે ને આ રંડકી એને સૂતો મૂકીને ભાગી જશે. નાચવાનું બંધ કરે તો સારું. નકર આમાં જેવારો નથી.

ગામડામાં પહેલાં વાત ચરભડે. પછી એનો ભડકો થાય. પછી જાણે એ જ મુખ્ય બનાવ થઈ રહે !

પીપળિયામાં બીજો કોઈ મોટો બનાવ તો હમણાં બનવાનો ન હતો, એટલે આ બનાવ જ મુખ્ય બની ગયો. એમાંથી સુંદરીની નિંદા ઊપડી !

અને આ નિંદાએ મર્યાદા વટાવી. અનેકની સાથે સુંદરીનું નામ જોડાવા માંડ્યું. પછી તો જે કોઈ ઢોલીના ઘર ભણી વળે એને સુંદરીએ બોલાવ્યો હોય!

નાકોજીએ તો સુંદરીને, ધોળે દીએ, રતનાની આંખે પાટા બાંધી દીધા હોય તેમ, રખડતી પણ જોઈ હતી !

ઘણી વખત માણસ માને છે કે પોતે સાચો હોય તો એને જૂઠાનો પ્રતિકાર કરવાની જરૂર રહેતી નથી. પણ જૂઠાણાની એક નવી નવાઈની ખૂબી છે. એનો પ્રતિકાર કરો તો એ જ સાચું ઠરે. જૂઠાણું ચાલુ થયું એટલે અગ્નિ પ્રગટાવીને જ જાય.

સુંદરીના કાને આ ચડભડતી વાતો આવી. પણ એણે આ કાને સાંભળી ને આ કાને વાત પાછી કાઢી નાખી. રતનાને કાને આવી. એણે એને કાન જ દીધા નહિ. એ ઢોલ વગાડતો રહ્યો, સુંદરી નાચતી રહી, અને ગામ જોતું રહ્યું. પણ નાકોજી હાર્યો દા લેવાવાળો નહિ ! કોઈ પૂછે કે એની ઈર્ષાનું કારણ શું ? પ્રીતિનું કારણ પ્રીતિ, એના જેવી જ આ વાત સમજવી. નાસીપાસી કોઈને ખપતી નથી.

નાકોજીના મનમાં સુંદરીની ઈર્ષા હતી; પણ જ્યારે બેમાંથી એકેમાં ખટરાગ ઊભો ન થયો, ત્યારે એ ઈર્ષાએ અગ્નિનું રૂપ લીધું. હવે એને કોઈ હિસાબે જીત ભેળવવી હતી. જીત વિષેના માણસ માણસના ખ્યાલ જુદા જુદા હોય છે.

પહેલાં તો એણે સુંદરીને લલચાવી. એને કહેવરાવ્યું : ‘લંગોટિયા ઢોલને ત્યાં આવું રૂપ લઈને શું બેઠી છે ? આવી જા મારી ભામની ગાદી ઉપર. અખા ગામની ભામ મારે ત્યાં છે !’

પણ સુંદરીએ કંઈ જવાબ ન વાળ્યો. એટલે ઢોલીને સકંજામાં લેવાનું કર્યું. પણ કારી ફાવી નહિ. પણ પછી ગામમાં આ નાચણવેડા ઠીક નથી, એમ કહી પોતાની નાતને એણે ઉશ્કેરી અને એમાં એ ફાવ્યો. ગામડમાં ફાવવાનો આ એક જ રસ્તો - ધર્મને વચ્ચે લાવવો.

નાતમાં ઠરાવ થયો. ઢોલ વાગે, પણ નાચવાનો છંદ ખોટો. એમાંથી ઝાલરિયા પાણ હલી ઊઠે. માટે નાચવાનું બંધ.

ઢોલી એકલો ઢોલ વગાડવા જતો. પણ સુંદરી વિના એના ઢોલમાં એને મજા આવતી નહિ. એટલે કોઈ કોઈ શોખીન કોઈ વખત બોલાવે, તો ત્યાં નિયમભંગ કરીને પણ રતનો સુંદરીને સાથે લઈ જતો.

પણ આ નિયમભંગે ગામને ઠીક ખોરાક આપ્યો. હંમેશની હંમેશ એકની એક વાત ચાલતી રહે, તો ગમે તેવા નિર્મળ અંતઃકરણમાં પણ શંકા જન્મે જ જન્મે. રતનાના મનમાં દ્વિધાવૃત્તિ આવી ગઈ.

એક વખત રૂપાળી રાત્રિ ખીલી હતી. ઝાડપાન, પથરા દૂધમાં નાહી રહ્યા હતા. ઝાલરિયો ડુંગર ધોળો ધોળો લાગતો હતો. એ વખતે લગભગ મધરાતને સુમારે, ઢોલી રતનો ઊઠ્યો. એને ઢોલ વગાડવાનું મન થઈ આવ્યું હતું. દિવસે તો સુંદરીનું નાચવાનું બંધ જેવું થઈ ગયું હતું. એટલે એેણે અજ રાતમાં પોતાની આંતરવેદના ઠાલવવાનો નિર્ણય કર્યો. ‘ઠપકો સહી લઈશું પણ આજ એક રંગત લગાવી દેવી.’ એના મનમાં એવા ભાવ જાગ્યા હતા.

ઢોલી ઊઠ્યો એ સુંદરી ખાટલામાં પડી પડી જોઈ રહી હતી. એણે એને જતો જોયો. એટલે એ પણ પાછળ ઊઠી. ધીમે પગલે એની પછવાડે ગઈ. એને નવાઈ તો લાગી કે ઢોલીએ એને કેમ ન જગાડી ?

એટલામાં તો રતનો ભેટ બાંધી, નવાંનકોર કપડાં લગાવી, પિત્તળની સાંકળી પહેરી તૈયાર થઈને, ડોકમાં ઢોલ નાખી ત્યાં ફળીમાં ઊભો રહી ગયો હતો.

સુંદરી એક તરફ ઝાડના અંધારાને આધારે ઊભી રહી ગઈ. એનાં ઝાંઝર હથમાં રહી ગયાં હતાં. ઢોલી જેવો ડાંડી લગાડે કે એ અચાનક નાચવા મંડે એવી વાત એના મનમાં ધોળાઈ રહી હતી. એનું આખું શરીર હસી રહ્યું હતું.

પણ અરે ! આ શું ? ઢોલીનો હાથ જાણે કોઈએ પકડી રાખ્યો હોય તેમ અધર રહી ગયો હતો. એ શું ?

સુંદરી પણ એ જોઈ રહી ! એટલામાં તો ઢોલ ઉપર ડાંડી પડવાને બદલે રતના ઢોલીના હાથમાંથી ડાંડી નીચે જઈ પડી ! દોડીને, એને ડાંડી આપવા માટે સુંદરી અધીરી થઈ ગઈ. એ એમ દોડવાની જ હતી, પણ એટલામં રતનાના સ્વગત બોલાયા જેવા શબ્દો એના ઊપડતા પગને થંભાવી દીધો.

રતનો ખેદભર્યું હસીને જાણે પોતાને કહી રહ્યો હોય તેમ બોલી રહ્યો હતો : ‘રતના ! હવે નહિ, હવે નહિ; જે નાચનારી હતી તે ગઈ. સોનાની પૂતળી ગઈ. હવે તો પિત્તળનું બાવલું છે. એ નાચે તો ય શું ને ન નાચે તોય શું ? હવે નહિ રતના ! હવે નહિ ! આખું ગામ કાંઈ ખોટું હોય ? એકબે જણા ખોટા હોય ! હવે નહિ, રતના ! હવે નહિ ! બસ.’

સુંદરીના પગ તો ત્યાં ધરતી સાથે જાણે ચોંટી જ ગયા. એનું હૃદય હૃદયમાં ઊતરી ગયું. હથમાંથી ઝાંઝર નીચે જઈ પડ્યાં. રતનાની વાણીનો અર્થ સમજતાં એને વાર ન લાગી. એના હૃદયમાં એક હજાર વીંછીના ડંખ લાગ્યા. એના રતનાના દિલમાં આવી ચોરી બેઠી છે ? થઈ રહ્યું ! સુંદરીના હૈયામાં અગન લાગી ગઈ : ‘અરર ! મારે માટે આના દિલમાં આ વાત ! થઈ રહ્યું !’

બસ, એ એક ઘા તો બસ હતો.

એટલામાં રતનાએ પણ ઢોલને ઉતરીને નીચે મૂકી દીધો હતો. પણ ભાંગી ગયા હોય તેમ એ પાછો ફરી રહ્યો હતો. એક ઘડીભર એની દૃષ્ટિ ઊંચે ડુંગરા ઉપર ગઈ લાગી અને ચમકી ગયો હોય તેમ એનો પગ થંભી ગયો.

‘અરે ! આ ઝાલરિયો પણ હાલ્યો કે શું ? ચોખ્ખો હાલ્યો દેખાણો! કેમ ન હલે ? એ ક્યાં પથરો છે ? એ તો સત્‌ છે !’

રતનાનું આ વાક્ય તો ઝેર પાયેલ તીર સમું સુંદરીના હૃદયમાં પેસી ગયું. એને ખાતરી થઈ ગઈ. રતનો પણ એનો રહ્યો ન હતો !

એ આખી રાત એણે પથારીમાં રડતાં રડતાં કાઢી. પણ સવારે રતનો ઢોલી ચમકી ગયો. સુંદરીની પથારી ખાલી હતી ! સુંદરી ક્યાંય ન હતી !

આખા ગામમાં વાત ચાલી કે સુંદરી ભાગી ગઈ !

નાકોજી તાળોટા લઈ લઈને વાત કરી રહ્યો : ‘ભૈ ! અમે તો પહેલેથી જ કીધું હતું કે આ આંધળો થઈ ગયો છે, ને પેલી રંડકી બનાવી રહી છે !’

રતનો મનમાં ને મનમાં ઘા ખઈ ગયો. સુંદરી કોણ જાણે ક્યાં જતી રહી એ એને સમજાયું જ નહિ ! કાંઈ પત્તો પણ લાગ્યો નહિ. સુંદરી વિનાનું ફળી એને ખાવા દોડતું હતું ! આખો દી તપાસ કરી. કંઈ પત્તો લાગ્યો નહિ.

એ એકલો થઈ ગયો. એણે ઢોલને છોડી દીધો. ડાંડી મૂકી દીધી. એના મનમાં સુંદરી સુંદરી થઈ રહ્યું. પણ સુંદરી ત્યાં ક્યાં હતી ?

છતાં એનો રડવાનો રુદનસાગર એને એક પળની નિરાંત લેવા દેતો નહિ ! એ આમ નજર કરે ને સુંદરીને દેખે, તેમ નજર કરે ને સુંદરી નજરે પડે પણ સુંદરી ક્યાંય હોય નહિ ! હોય બધે ને હોય નહિ ક્યાંય ! એક રાતે તો એના હૃદયે, પોતાની વાત પોતાના જૂના સાથી ઢોલને કહી દેવા માટે, ભારે ઉલ્કાપાત મચાવ્યો. રતનો બહાર નીકળ્યો. ફળીમાં આવ્યો. ઝાલરિયાને જોઈ રહ્યો. એને અચાનક સાંભળ્યું. તે દિવસે એ જે બોલી ગયો હતો એ એને યાદ આવી ગયું; સુંદરીએ સાંભળ્યું હશે ?

સુંદરી બરાબર ત્યારથી જ ગુમ થઈ ગઈ હતી.

એને આખો ઈતિહાસ હવે મળતો દેખાયો ! સુંદરી ગઈ એમાં એના બોલ જવાબદાર ! એણે જ સુંદરીને કાઢી ! કાઢી મૂકી !

એણે ઢોલ ઉપાડ્યો. ડાંડી લીધી. આજ એને પોતાની વિરહકથા, વેદનાની કથા ને પશ્ચાત્તાપની કથા સુંદરીને કહેવી હતી. અને સુંદરી ક્યાંય હતી નહિ !

એણે ફળીમાં આંટો માર્યો. અચાનક પેલા ઝાડવા પાસે ફરતાં એના પગે કાંઈક ભટકાયું. નીચો નમ્યો. સુંદરીનાં બે ઝાંઝર ત્યાં પડ્યાં હતાં !

‘આહા !’ એના હૃદયમાં હવે છાનો ઘા થઈ ગયો ! એને જાણે અંધારામાં દીવો મળ્યો. વાતની કડી જડી ગઈ. સુંદરી તે દિવસે આંહીં ઊભેલી હશે - એ આ ઝાંઝર પહેરીને નાચવા માટે તૈયાર થતી હશે. પણ એના પેલા બોલે એના હાથમાંથી આ ઝાંઝર મુકવી દીધાં હશે !

રતનાના હૃદયની વેદનાનો હવે પાર ન રહ્યો. એણે જે વખતે પહેલી ડાંડી ઢોલ ઉપર મારી ત્યારે જાણે કરુણતાની અવધિના સ્વરો હવામાંથી ઊભા થયા ! અને પછી તો ઝાલરિયો પણ રડે એવી વાણી એની ડાંડીમાંથી આવવા માંડી ! ગામ આખું સાંભળી રહ્યું ! સૌને થયું કે રતનો રડે છે !

બીજે દિવસથી તો એ એ વાણીનો જ બની ગયો. કોણ જાણે કેમ એને સૂઝી આવ્યું કે સુંદરી તો ઝાલરિયાની પછવાડે વહેતા મોટા ઘરમાં સમાઈ ગઈ છે. પાણીમાં પોતાનું થાનક કર્યું છે. ધરતી એને કઠણ લાગી છે !

બસ, ત્યારથી આ રતનો ઢોલી જ્યારે જુઓ ત્યારે એ નદીને કાંઠે ઢોલ વગાડતો હોય ! અને એની આંખ પેલી સુંદરીને પ્રત્યક્ષ જોતી હોય તેમ આશ્ચર્યમાં, આનંદમાં, પ્રેમસમાધિમાં મગ્ન બની ગઈ હોય !

એવે વખતે એ અચાનક બોલી ઊઠતો : ‘આ આવી, આ આવી, આહા ! શું આજે એણે નાચ માંડ્યો છે ! આ ઊભી નીચે ! આ મારી સામે જોઈને હસે ! આ મને ઠપકો આપે ! આ મને મારવા દોડે ! આ મારો ઢોલક ખેંચી લેવા આવે !’

એ સાંભળીને હસનારા હસે ને રડનારા રડે ! પણ એનું એ પ્રત્યક્ષ દર્શન સાચું હતું એ કોણ કહી શકે ?

અને એ ખોટું હતું એમ પણ કોણ કહી શકે ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED