Parker Pen! books and stories free download online pdf in Gujarati

પાર્કર પેન !

એક મરા મિત્રે પોતાનું ખિસ્સું ત્રણ વખત એક જ રીતે કાપી જનારા એક ગઠિયાની વાત કરી, ત્યારથી હું મારા પહેરણની બન્ને બાજુએ ખિસ્સાનો ભ્રમ થાય, પણ ખરી રીતે ત્યાં ખિસ્સાં હોય જ નહિ, એવાં ભ્રમખિસ્સાં રાખું છું, એનાથી મને એક ફાયદો થયો છે. મારા એવા ખિસ્સામાંથી કોઈ દિવસ કાંઈ જતું નથી. એક વખત એક ગઠિયાએ પોતે પકડાઈ જવાનો છે એ જોઈને, મારા ખિસ્સામાં એક નાની ઘડિયાળ સરકાવી દીધી હતી, પણ એ તો જાહેરખબર કરતી ને ગાતીગાતી જઈ પડી નીચે, અને ન ગઠિયાને ફાયદો થયો, ન મને ફાયદો થયો ને ન એના માલિકને. એના માલિકને તો ફાયદાગેરફાયદાનો પ્રશ્ન જ ન હતો. મેં નીચે વળીને ઘડિયાળ ઉપાડીને એને પાછી આપી. ત્યારે એણે તો મારો આભાર માનવાને બદલે, કસાણું મોં કરીને ઊલટાનું એમ કહ્યું કે ‘વળી રાંડની આવી !’

મેં કહ્યું : ‘એમ કેમ બોલ્યા ?’

એણે કહ્યું : ‘એ અપશુકનિયાળ છે જ એવી. મારે એ ખોવી છે, ને કોઈ રીતે એ ખોવાતી નથી. ખવાય તો ત્રીજે દી ઘર ગોતતી આવે. એ ખોવાય તો મને નવી પણ મળે. પણ એ સાત વખત ખોવાણી છે ને સાતે વખત પાછી આવી છે ! હવે તો એ જનમારો મારે ત્યાં જ કાઢશે ! ને કાં તો મારો જનમારો જોઈને જાશે !’

ત્યારથી હું કોઈની ચીજ નીચે પડી ગઈ હોય તો પાછી આપવા જતો નથી. પણ કોઈની ચીજ લઈ લેવી એ પાપ છે, એ તો એકડિયાના માસ્તરે મને પહેલી વખત ભણાવ્યું અને પછી કોપીબૂકમાં લખાવ્યું અને અમારા ઘરના એક જુનવાણી પાંજરાના પોપટે હંમેશાં પ્રભાતસ્તોત્રની પેઠે મને સંભળાવ્યા જ કર્યું. ત્યારથી હું કોઈની ચીજ ઉપાડતો નથી. તેમ મળે તો જવા પણ દેતો નથી. પણ જવા ન દઈએ, છતાં ચીજ આપણે ઉપાડી ન કહેવાય, એ માટે મેં એક જુક્તિ ખોળી છે. એને ક્યાંક મૂકી રાખવી. તે પછી બીજે-ત્રીજે દિવસે જાણે જડી હોય તેમ મન મનાવીને લેવી. એ જુક્તિ મને આપી છે આપણી કાયદાબહાદુર સરકારે પોતે, એનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. એક વખત મારી સાઈકલે ખોટી બાજુ પકડી. અને તરત જ દેવના ફિરસ્તા જેવા કાયદાપાલક સિપાઈએ મને રોક્યો.

પાંચનો ચાંદલો થશે એ તો ખબર જ હતી, પણ સાડા ત્રણ કલાકનો એક એવા સાડા ત્રણ ધક્કા થશે, એ વાતની વધારે ભે હતી. ને છેવટે તો પેલા ખુરશી-ટેબલ ઉપર બેઠેલા, અરધો શેર એરંડિયું પીધેલા ગૃહસ્થ, પાંચ રૂપિયા, દસ રૂપિયા, પંદર રૂપિયા - એમ પંચાનો ગડિયો જ આપીને સામે બોલવાના !

પણ સિપાઈની એની આ તત્પરતા માટે આપણા દિલમાં બહુ માન થાય જ. એને એકાદ રૂપ્યકચંદ્રક આપવાનું મન પણ થઈ આવે તે સ્વાભાવિક છે. પણ એવો રૂપ્યકચંદ્રક આપવા જતાં, પાછો સોનામહોર ચંદ્રક આપણે ઘેર આવી ન ચોંટે, એ વાતનું પણ ધ્યાન રાખવાનું હોય છે ! કાયદો કોને કહે? ગધેડા પણ જાણે છે કે, કાયદો અમારો મોટો ભાઈ છે ! પણ આવે વખતે મુંબઈવાસીઓ શું કરે છે તેનું મને સમ્યક્‌ જ્ઞાન હતું.

એટલે મેં તો ફટ સિપાઈદાદાને કહ્યું કે હું સામેની દુકાને જરા પાન ખાઈને આ આવ્યો. પછી તમતમારે નામ નોંધી લેજો !

એણે કાંઈ વાંધો લીધો નહિ. એટલે હું પાન ખાવા દોડ્યો ગયો. પાનવાળો પણ મને જોઈને હસ્યો. ને મર્મમાં બોલ્યો : ‘આવો સા’બ ! આવો! બંગલા લેશો કે કપૂરી ? આજ તો પાનની ઘરાકી ભગવાને ઠીક ઠીક મોકલી છે !’

મેં તેના હાથમાં રૂપિયો એક રોકડો આપી દીધો અને કહ્યું : ‘મારે બદલે પાન તું ખાઈ જજે ! ને સાડાપંદર આના મારા ભલે જમે પડ્યા !’

એ તો હસી જ પડ્યો. પણ તરત બોલ્યો : ‘ભાઈ ! તમારી વાત તો હું સમજું છું. આંહીં એવા કેટલાય સાડાપંદર આના જમે છે. પણ તમારું મોં લાલ નહિ હોય, તો કોણ કાકો માનશે કે કાકાએ ચાંદલો કર્યો છે ? માટે પાન તો લેતા જાવ, સા’બ !’

આ નવા જ્ઞાન માટે તેનો ઉપકાર માનીને મેં પાન તો લીધું પણ ત્યારથી હું સમજી ગયો છું કે પાન અને સોપારી એ આપણા જીવનનાં મહામોલાં રત્નો છે. એ ઘરમાં કામ આવે. જમણ વખતે કામ આવે. શુકનમાં ગણાય. શુભ મના. લગ્ન વખતે કામ આવે. મહેમાનગીરી તો એના વિના અધૂરી. એ વળી શોખ ને સંસ્કારિતા ગણાય. પાન બનાવવામાં કલા પણ આવે. પાન બનાવનારી સુંદર આંગળીઓ તો સૃષ્ટિને પણ ડોલાવે ! આમ, પાનનો મહિમા જેટલો ગણો તેટલો ઓછો. એ પાન ઉપર સોપારી, એ તો, આવી આપત્તિમાંથી પણ તારે ! આ દેશનું ખરું કલ્યાણ ત્યારે જ થશે, જ્યારે કોઈક પાનસોપારી સરકાર, સરકાર તરીકે આવશે.

કહે છે કે સર થોમસ રૉએ પાનસોપારીનો મહિમા જાણ્યો હતો, અને વળી માણ્યો હતો; અને વળી ગાયો હતો.

બાદશાહ શાહજહાંને કન્યા આપવા માટે કન્યાના બાપે વિક્રય ન કરતાં પાન ખાઈને ઉપર સોપારી લીધી હતી ! આ ત્યારે એનું કામ થયું. એવી રીતે પાનસોપારીનો મહિમા છેક જૂના વખતથી પ્રસિદ્ધ છે.

પણ આ તો આપણે આડા ઊતરી ગયા. મૂળ વાત ઋે મારી પાર્ક પેનની. એ પેન વડે મેં ઘણું લખ્યું છે, ને જેટલું લખ્યું છે એના કરતાં વધારે લખેલું ફાડ્યું છે. આ મારી પાર્કર નસીબદાર છે એ મને ખબર હતી. પેલા ગૃહસ્થ તો એની કમનસીબ ઘડિયાળ ક્યાંક કાઢવા માગતા હતા, ને એ હઠ કરીને, અઢીપાયા છોકરીની પેઠે, પાછું પિયર શોધી લેતી હતી. પણ મારે તો આ મારી પાર્કરનો એક પળનો વિરહ સહેવો જ ન હતો. વિરહ સહેવા જતાં મેઘદૂત થાય. ને મેઘદૂત કરવા જતાં આંખમાં પાણી આવે. ને તોય મેઘદૂત ન થાય. એટલે હું તો એને મારી છાતી પાસેના ખિસ્સામાં ને એ ખિસસાના ખિસ્સામાં જાળવીને રાખતો હતો.

પણ એક વખત એક પેનબહાદુર, મારી એ પાર્ક તો ઉપાડી ગયો, પણ બીજા ઉપરથી પાઘડીના દ્રમ્મ પણ લઈ ગયો. ને એ પાછો ચોરીને નહોતો લઈ ગયો. મેં જ સામે જઈને એને આપ્યા હતા, ખૂબી તો આ હતી.

એ આખી પાર્ક પેન કથા આ પ્રમાણે બની - એક વખત હું ‘બસ’ની રાહ જોઈને ઊભો હતો. બસ તો આવી પણ એમાં માણસો બેઠાં ન હતાં. એમાં તો કીડિયારું પૂર્યું હતું. પણ તોય પેલા પર-ઉપકારી ગાડી ચલ-થોભ નિયંત્રણકારે, જે ઊભા હતા તેમને લેવાનો નિશ્ચય કર્યો.

એના આ ઉપકારનો બદલો વાળવા મેં આપણી પ્રચલિત તત્ત્વજ્ઞાની ભાષામાં ‘બે ઘડીનું કામ છે ભલા માણસ !’ એમ ફિલસૂફી હાંકી. પણ એ ફિલસૂફી સાંભળતાં જ, મારી પડખે ઊભેલાં ડોશીમાનો એક દીકરો, સમજી ગયો કે આ માણસને મન વસુધા કુટુંબ છે ને કુટુંબ વસુધા છે. ને દ્રવ્ય પથરો છે ને પથરા દ્રવ્ય છે, માટે આ સાધુ-રામ આપણી જમાતનો અન્નદાતા થાય તેમ છે. એટલે તરત પેનને સપાટાબંધ ખિસ્સામાંથી ખેંચી લીધી. પણ એ પેન કેટલી ડાહી ? એણે જતાં જતાં અવાજ કર્યો. એટલે મેં તરત જ એનો હાથ પકડવા માટે, ઉતાવળે મારો હાથ લંબાવીને એનો હાથ પકડી લીધો, અને વિજયઘોષ પણ કર્યો. પણ ત્યાં તો ‘કોણ છે ? અલ્યા એ ? પારકાં બૈરાંનો હાથ પકડતાં શરમાતો નથી ? ગાડી ઊભી રાખો એ ગાડીવાળાભાઈ ! એટલે આને પોલીસને સોંપી દઈએ !’ એવો ભયંકર, કર્કશ અવાજ આવ્યો. માર્યા બાપલ્યા ! ખાસ્સી ત્રણવેતરી ભેંશનો હોય તેવો, અવાજ સાંભળીને હું તો ચોંકી ગયો. જોઉં છું તો પાર્કર ગુમ. લેનારો ગુમ. ‘બસ’ ચાલે, ને ભેંશ બરાડે!

પેન તો પેનને ઠેકારણે રહી, ને ઊલટાનું પેલી બાઈનું મનસમાધાન કરવા માટે એની સાથેનાં એનાં ત્રણ રત્નોને બેસવાની જગ્યા આપીને, ઊભા રહેવાનું સ્ત્રીસન્માની પરાક્રમ કરવું પડ્યું ! અને ત્યારે માંડ શાંતિ થઈ !

પણ મારી પેન મને નહિ છોડે એની મને ધરપત હતી. ને ત્યાં તો પેલો પેનબહાદુર, જે ડોશીમાનો છોકરો હોવાનું મને લાગ્યું હતું, તે ડોશીમાએ પોતે જ જરાક સંકોચાઈને, મને જગ્યા આપીને, ધીમા હેતાળ અવાજે કહ્યુંઃ ‘શેઠજી ! બેસો ઈધર. તમારા નસીબની હશે તો સાત આસમાન વીંધીને પાછી આવશે ! નિરાંતે બેસો !’

ડોશીના શબ્દો મારા મનનો પડઘો પાડતા હતા, એટલે મને તો મધથી પણ મીઠા લાગ્યા. હું ત્યાં એની પાસે બેઠો. ત્યાં ડોશીમાએ ધીમેથી કહ્યું : ‘એને પીટ્યાને હું ઓળખું છું. હું ઊતરું ત્યાં તમે ઊતરજો ને ! હમણાં તમારી કલમ તમારા ખિસ્સામાં પાછી આવે. પીટ્યા શેર ગાંઠિયા સાટુ, જિંદગી જેવી જિંદગી બગાડે છે !’

‘કેમ શેર ગાંઠિયા સાટુ ?’

‘બીજું શું બેટા ?’ ડોશીમાનો અવાજ તો મા જેવો બની ગયો : ‘આ પીટ્યાનાં મોં કેટલાં ?’ અને ડોશીમાએ હાથની નિશાની કરી એમનું જરાક જેટલું મોં કરી બતાવ્યું. પછી બહુ જ ધીમેથી કહ્યું : ‘તમતારે આવોને મારા ભેગા. પાંચ રૂપરડીમાં તમારી પેન પાછી. પીટ્યા ફુલેસ તો ધક્કા ખવરાવી ખવરાવીને દમ કાઢી નાખે !’

ડોશીમાની અંતરની વાત મને સ્પર્શી ગઈ. મને કાયદાનો અનુભવ હતો. એ ગધેડાની જેમ પાછલે પગે પાટુ મારવામાં સમજતો હતો એ મને ખબર હતી. ત્રણ વરસે એ પેન પેન ન રહે, ત્યારે એ પાછી વળે તો ! ને એટલા વખતમાં ત્રણ પેન જેટલું તો ખરચ થયું હોય ! એટલે ડોશીમાની વાત મને ગમી. પાંચ રૂપિયે વાત પતતી હોય તો એ કરવા જેવું લાગ્યું.

થોડી વાર પછી ડોશીને ઊતરવાનું આવ્યું, એટલે હું પણ ત્યાં ઊતર્યો. ડોશી કહે : ‘બેટા ! તું આંહીં બેસ. હું હમણાં એને તેડીને આવું છું. એને હું સારી રીતે જાણું છું. પાંચ રૂપિયા દેખશે, એટલે કૂતરાની પેઠે પૂંછડી પટપટાવતો આવશે.’ એટલે મેં તો ડોશીમાને પાંચ રૂપિયા આપ્યા. ડોશી એ લઈને ચાલતાં થયાં. પણ જરાક જ આઘે જઈને પાછાં ફર્યાં : ‘હું હમણાં આવું છું શેઠ ! પણ જરાક વાર થાય તો મૂંઝાતા નહિ હો ! તમારી પેન સાંજ પહેલાં તમારા ખિસ્સામાં. ઈ મારા પીટ્યા પેન વટાવીને હોટલે બેઠા હશે !’

‘તો તો ચાલોને, હું ભેગો આવું !’

‘પણ એ ક્યાં ઓછા છે ? એક જણો આંહીં નાકે ઊભો હશે. અને તમને દેખશે કે તરત સિસોટી આપી દેશે. એટલે હોટલવાળો ભાગી જશે !’

ડોશી મા જાય છે તે જ ઠીક લાગે છે, એમ ભગવાન ભરોસે વાત મૂકી. અને ત્યાં આરામ માટે એક નિશાની - પથરા ઉપર ઝુકાવ્યું.

અરધો કલાક થયો, પણ કોઈ દેખાયું નહિ. કલાક ગયો. પણ કોણ નજરે જ પડે છે ? મનમાં થયું કે પાંચનો ચાંદલો આંહીં થઈ ગયો. સરકારના પવિત્ર કાયદાનો તે દિવસે દંડ ન ભર્યો, તો એ આજ ભરવો પડ્યો. પણ એટલામાં ડોશીમા આવતાં દેખાયાં. પણ એ મોઢેથી બડબડતાં જ આવ્યાં. એની પાછળ પાછળ એક ખૂમચાવાળો પણ આવતો હતો. ‘મારે પીટ્યે બશેર ચવાણું લેવા સાટુ થઈને દસ રૂપિયામાં, પચાસ પોણોસોનો માલ કાઢી નાખ્યો. મારા પીટ્યા નખોદિયા !’

‘કેમ શું થયું ડોશીમા ?’

‘આ ખૂમચાવાળો આવે એ જાણે છે શેઠ ! એની પાસેથી બશેર ચવાણું લઈને બશેર ચવાણું ફાકી ગયા. હજી એના પૈસાય આપ્યા નથી. ને સો-પોણોસોનો માલ હરામજાદીનાએ દસ રૂપિયામાં કાઢી નાખ્યો ! ક્યાં એને કામવા જાવું પડ્યું’તું ? આમ તો જાણે બાદશાહના દીકરા, મારા બેટા !’

‘તો તો હું પોલીસને ખબર કરું.’

‘તે તમે જાણો શેઠ ! હું તો કામ ન થયું, એટલે પાછી ફરી. લ્યો, આ તમારા પૈસા પાછા. મારે અણહક્કનું ખાઈને જહાન્નમમાં જવું નથી, કાં, ખૂમચાવાળા ?’

‘અરે ! એ તો સાલા છે જ એવા.’ હવે ખૂમચાવાળો બોલ્યો : ‘મારા પૈસા હજી આપ્યા નથી ને ! પણ દસ રૂપિયા સાટુ કાં પોણોસોનો માલ જાવા દ્યો ? એને શું હતું ? એ તો જે આવે તે મફતનું છે ! માલ સાવ ખૂઓ છો એના કરતાં દસ ખરચીને પેલા પાસેથી પડાવી લ્યોને ! લેનારો હમણાં આપશે. તાજી વાત છે ત્યાં. એ તો એનેય દમદાટી દેવી પડશે કે ચોરીનો માલ છે. તો હમણાં કાઢી દેશે. પછી તો એ પણ નહિ આપે.’

ડોશી કહે : ‘ના ભઈ ! હવે તો શેઠનું મન માને તો ભલે, તું પણ ભેગો આવ. નસીબની હશે તો મળી જાશે. બે પૈસા આમ કે આમ. નકર ઈ તો રાંડના ન માને. કે’શે કોણે લીધી છે ? ને કોણ જાણે છે ? ને કોણ સાક્ષી છે ?’

વાત તો એ પ્રમાણે જ થવાની એ મારા મનને ખાતરી હતી. બીજી કોઈ રીતે તો પેન પાછી ન જ મળે. ને ધક્કા થાય તે જુદા. એટલે છેવટે જે થાય તે કરીને દસ આપવાનો નિશ્ચય કર્યો.

મારું મન પીગળ્યું. મેં ખૂમચાવાળાને કહ્યું : ‘જો તું ડોશીમા ભેગો જા, તો દસ આપું. પણ પેન લઈને આવ તો તારા ચવાણાના પૈસા પણ આપું. ઠીક ?’

‘હા હા,’ ડોશીમા બોલ્યાં : ‘ગાંઠીયા ને શેઠિયા લડે એમાં શેઠિયાને જ ઘસાવાનું. પણ દસ તો દસ. એનું મારા પીટ્યાનું મોં પાંચનું છે. આ તો વટાવી ખાધું, એટલે આ મોંકાણ થઈ ! તાવડીમાંથી ઊતરે ત્યાં ખાઈ જાય એવા છે મારા બેટા, કાળના દીકરા !’

કોઈ રીતે પેન પાછી આવતી હોય તો કહીને મેં દસ આપ્યા. ને ખૂમચાવાળો પોતાનો ખૂમચો પણ મારી પાસે મૂકતો ગયો. એટલે એના પાછા આવવાની તો મને ખાતરી થઈ ગઈ.

પણ હું તો સૂનમૂન જે બાજુએ એ બન્ને ગયાં તે બાજુ નજર રાખીને બેઠો રહ્યો.

વળી અરધો કલાક ગયો. કોઈ મળે નહિ. પોણો કલાક, કોઈ નજરે પડ્યું નહિ. કલાક થઈ ગયો. પેટમાં ગલુડિયાં બોલવા મંડ્યાં. મનમાં થયું કે ખૂમચાવાળો આવશે ત્યારે એને બે-ચાર આના આપી દઈશું. ને એને કહીશું કે, બહુ ભૂખ લાગી હતી એટલે થોડું ચવાણું લીધું છે. એમ મન કરી, મારી પાછળ જ પાસે મૂકેલા ખૂમચામાં હાથ નાખ્યો, ત્યાં તો બકરીનું માથું હાથમાં આવ્યું ! હટ હટ કરીને બકરીને હાંકવા માટે ઉતાવળે ઊભો થઈ ગયો. પણ ત્યાં તો આખો ખૂમચો જ ઢળી પડ્યો ! અને જેવો એ ઢળ્યો, ત્યાં જ ચાર-પાંચ છોકરાં પડખેથી દોડતાં આવ્યાં. તે આશ્વાસન આપતાં હોય તેમ બોલવા માંડ્યાં : ‘કાકા ! એ બકરું ફલાણાનું છે હો ! અમે ઓળખીએ છીએ !’ અને એમ બોલીને ખૂમચામાં રહ્યું સહ્યું મૂઠી મૂઠી ઉપાડવા લાગ્યાં ! ને પાછાં બીજાંને સાદ દેવા લાગ્યાં : ‘એ મોતીડા ! એ વનુડી ! એ ફતુડી ! એ ગોવા! આંહીં આવો ! આંહીં આવો ! આ શેઠનો બચારાનો ચેવડો ઢળ્યો છે !’

રહ્યોસહ્યો ચેવડો બચાવવા માટે હું પણ છોકરા ભેગો ધૂળમાં પડેલું ચવાણું ઉપર ઉપરથી લેવા મંડ્યો. મનમાં તો બધાય ઉપર પાર વિનાની રીસ ચડી. પણ થાય શું ?

હસવું કે રડવું એ કોઈ વાતનો નિર્ણય થાય તે પહેલાં જ પેલો ખૂમચાવાળો પાછો આવતો દેખાયો. પણ તે એકલો જ હતો. એણે તો આવતાંવેંત મને ઊધડો લીધો. ‘શેઠ ! આ તમે શું કર્યું ? મારું ગરીબનું દસવીશ રૂપિયાનું તો ચવાણું ઢોળ્યું. ને પેલી ડોશી તો કોણ જાણે ક્યાં ગઈ ! પોળમાં પોળ ને તેમાં પોળ, ત્યાંથી કોણ જાણે ક્યાં રફુચક થઈ ગઈ ! વચ્ચે મારું ધનોતપનોત થઈ ગયું !’

‘પણ તું કહેતો’તો ને પેલાએ તારું ચવાણું ખાધું છે, ને પૈસા નથી આપ્યા. તો ચાલ એમને બતાવ ! બધું એમની પાસેથી જ વસૂલ કરીશું.’

‘અરે ! એ તો સાળી ડોકરીએ મને એક રૂપિયો ઠરાવ્યો’તો !’

‘એક રૂપિયો ડોકરીએ ઠરાવ્યો’તો ? ઓત્‌તારીની ! તો તારું ચવાણું એટલા માટે ઢળ્યું. હવે વીણી લે જા !’

પણ ચવાણાવાળો હવે આડો ફાટ્યો : ‘અરે હોય કાંઈ શેઠ ? મારો ગરીબનો રોટલો ઝૂંટવી લો છો ? ચવાણું પંદર રૂપિયાનું હતું, તમે દસ આપો. ચાલો પછી ?’

‘અરે, પણ હું શેનો આપું ?’

‘તો કોણ આપે ?’

‘આ છોકરાવને ખબર છે, કોની બકરી હતી. કોની બકરી હતી છોકરાંવ ?’

ચવાણું ખૂટી ગયું હતું ને જે હતું તે ધૂળમાં પડ્યું હતું એ જોઈને છોકરાં બધાં, એકદમ ઊભાં થઈને મોટેથી બોલતાં દોડી ગયાં : ‘બકરી હતી ચવાણાવાળાની !’

ને એ બધાં એકદમ રફુચક થઈ ગયાં.

હવે તો ત્યાં હું ને ચવાણાવાળો બે જ જણા સામસામા ઘૂરકતા ઊભા રહ્યા. ચવાણાવાળાએ રૂપિયો લેવા જતાં ચવાણું ખોયું હતું, ને મેં પેન ખોઈને એ પાછી મેળવવાના લોભમાં રૂપિયા દસ ખોયા હતા. એ ઘા મને આકરો પડી ગયો હતો. હું ચવાણાવાળાને ચોંટ્યો : ‘મેં તને દસ રૂપિયા આપ્યા હતા તે પાછા લાવ !’

‘પણ એ તો તમે ડોકરીને આપ્યા હતા. મને ક્યાં આપ્યા હતા !’

‘પણ તું ભેગો હતો નાં ? દસ રૂપિયા લાવ !’

‘તમે તમારે લોભે ડોકરીને પૈસા આપ્યા હતા મે’રબાન ! તમારી પેન ચોરાઈ ગઈ છે. એની ફરિયાદ તમે કરી નથી. ને ઉપર જાતાં મને ઊધડો લ્યો છો ? તો હું બોલાવું છું કોક પીળાં લૂગડાંવાળાને ?’

મને થયું કે આજનો દિવસ જ કરમબુંધિયાળ છે. આ વળી કોઈકને બોલાવશે તો પેલી ડોકરીની શોધમાં સપાઈદાદા આપણને ભેગા ફેરવશે. ને સાંજના છ વાગ્યે કહેેશે કે હવે કાલે અગિયાર વાગે આવજો. એટલે હવે તો ખાતર ઉપર દીવો કર્યે જ છૂટકો થાશે.

‘પણ અલ્યા ! તેં એક રૂપિયાના લોભમાં મારા દસ ખોવરાવ્યા, તેં તારું ચવાણું ખોયું. ને હવે પાછું વધારે હેરાન થાવું છે ?’

‘પણ તો ભૈસા’બ ! હું તો ગરીબ માણસ છું. સાંજે શું ખાવું એ કોયડો છે. મારે મારા ચવાણાને બદલે કાં’ક આપો ?’

ચવાણાવાળાને માંડ માંડ પાંચ રૂપિયા આપી છેવટે સમાધાનપંથે ચડાવ્યો, ને પછી બાર ઉપર ત્રણ વાગે ઘેર ગયો. ત્યાં શ્રીમતીએ સમાચાર આપ્યા : ‘અમે તો કીધું, તમે આજે ક્યાંક જમવા જ રોકાઈ ગયા. એટલે હમણાં જ બધું આપી દીધું ! જમ્યા છો કે ચૂલો પેટાવું ?’ ?’

મેં કહ્યું : ‘આજ તો પેટ ભર્યું છે. હવે સાંજે ચા પીઈશું !’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED