એની સમજણ ! Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એની સમજણ !

તારીખ એકત્રીસમી ડિસેમ્બરે બરાબર સાડા નવ વાગે, બંગલાની સામેના ઉઘાડા ઝાંપામાંથી, એક વૃદ્ધ અંધ ડોસો પોતાના હાથમાં એક લાલ લાંબી વાજિંત્ર રાખવાની, ગવૈયાઓ રાખે છે તેવી મોટી કોથળી લઈને આવતો દેખાયો. તે માંડ માંડ ધીમે ધીમે પગલે ચાલી શકતો. ભાગ્યે જ ત્રણસો પગલાં આઘે પેલો મોટો બંગલો હતો. પણ એ બંગલામાંથી પગથિયાં સુધી પહોંચતાં એને ઠીક ઠીક વખત વીતી જતો. ઘણાં વર્ષોની ટેવ હતી એટલે આ રસ્તો એ અથડાવા વિના પસાર કરી શકતો.

દર વર્ષે બરાબર એકત્રીસમી ડિસેમ્બરે એ દેખાતો. સાડા નવ વાગે આવતો, અને અરધોએક કલાક બંગલાના ખખડધજ, વૃદ્ધ, જર્જરિત, બહેરા અને દેવાદાર, મુફલિસ જેવા જમીનદાર પાસે એ પોતાની સારંગી વગાડતો. અને પછી જમીનદારને નીચા વળીને નમન કરતો. જમીનદાર જે આપે તે લઈને જેમ આવતો તેમ ચાલ્યો જતો.

ડિસેમ્બરની એકત્રીસમી સિવાય એ કોઈ દિવસ ત્યાં ફરકતો નહિ. ત્યાં આસપાસ રહેનારાઓમાં જમીનદારની મુફલિસ હાલત જાણીતી હતી. પણ જેમ સિંહ તરણાં ખાઈ શકતો નથી, તેમ પોતાની મુફલિસ હાલત જાણીતી હતી છતાં, જમીનદાર પોતાની જાહોજલાલીના સમયની ઉદારતાને છોડી શકતો ન હતો. એને ત્યાં આ પ્રમાણે વર્ષાસન બાંધી આપેલા બે-પાંચ માણસો આ પ્રમાણે વરસનો એક દિવસ જાળવવા માટે જ આવી જતા. એક એનો હજામ હતો. એનો એક ધોબી હતો. એની એક આયા આવતી. એક એનો નોકર આવતો. અને નિયમ પ્રમાણે જમીનદાર એને જે આપતો તે આપ્યે જતો હતો. એ પણ બધા, આટલું મળે છે તે છોડવું નહિ, એ રીતે આવ્યે જતા. કોઈ વખત એમાંનો કોઈ ન આવતો તો એને સંભારીને જમીનદાર બોલાવતો. એની આ ઉદારતા એને ઘણી મોંઘી પડતી હતી. પણ ઘણાં વર્ષોની ટેવ એનાથી બદલાતી ન હતી.

એનો મોટો છોકરો, જે ક્યાંક પોલીસખાતામાં નોકર હતો, તે ગુસ્સે થઈને આવે વખતે બહાર આંટા માર્યા કરતો, તો કુટુંબનાં બીજાં બધાં માણસો આડાંઅવળાં થઈ જતાં. એક આંધળી આયા હતી. તે માત્ર આ ઉદારતાને સમજતી અને એ આવતા તેમના પ્રત્યે પ્રેમના શબ્દો બોલતી. પોતાની તૂટલ, જૂના વૈભવની યાદી રાખતી, આરામ ખુરશીમાં જમીનદાર ત્યાં દીવાનખંડમાં બેઠો રહેતો. સામેના આકાશમાં એની નજર, વહી ગયેલા દિવસોની યાદ જોતી જોતી ફરતી. અને એમ ને એમ એ પોતાનું જીવન પસાર કરી રહ્યો હતો. પરિવર્તન કરવાની જેમ એનામાં શક્તિ ન હતી, તેમ હવે થોડા દિવસ માટે પરિવર્તન, એમાં એનો વિનિપાત પણ હતો. પરિવર્તન એનાથી થતું ન હતું, એ જ એની મહત્તા હતી. ચાલી ગયેલી સમૃદ્ધિનો કદાચ એ જ સાચો ને છેલ્લો અવશેષ હતો. નવા જીવન સાથે એનો મેળ મળી શક્યો ન હતો.

એના ઘરની વસ્તુઓ એક પછી એક વિદાય લેતી હતી. સોની, સુતાર, ફર્નીચરવાળા, ચાંદીસોનાના વેપારી, એક પછી એક એને ત્યાં આવતા જ રહેતા.

પણ જમીનદારનો મૂળનો વૈભવ ન જળવાય, તોપણ કાંઈક વૈભવ જાળવી શકાય એવું એક આશ્વાસન એને હતું. એનો એક છોકરો ઘણી મોટી નોકરીમાં હતો. તે બહારગામ રહેતો. પણ એ જ્યારે જ્યારે રજા ઉપર આવતો ત્યારે ત્યારે જાણે કાંઈ જ કમીના ન હોય તેમ બધું ગોઠવાઈ જતું. પણ એ રહે એટલા દિવસ જ આ રહેતું. પણ એને બાપનો આ જુનવાણી સ્વભાવ ગમતો નહિ. કોણ જાણે કેટલાં વર્ષો પહેલાં કોઈક વખત કોઈક ગવૈયો એને ત્યાં ગાવા આવ્યો, ને સૌને ખુશ કરી ગયો, માટે આજે પણ એ પ્રમાણે એ આવ્યા જ કરે, ને અર્ધો કલાક ખોટા રાગડા તાણીને પૈસા લઈ જાય, અને તે પણ એક વખત હોય તો ઠીક, આ તો વર્ષોવર્ષ લઈ જાય, એ વાત એને ગમતી ન હતી.

એ ઘણું ખરું ડિસેમ્બર મહિનામાં આવતો. ને જમીનદારના આશ્રિતોની હારાવલિ પણ ડિસેમ્બરમાં જ શરૂ થતી. એટલે કેટલીક વખત એ આ જોતો, અને એવે વખતે પિતાપુત્ર વચ્ચે કોઈ કોઈ વાર મોટા અવાજનો કહેવાય તેવો, જરાક તીખો સંવાદ પણ થઈ જતો.

જમીનદાર એવે વખતે કહેતો : ‘ભાઈ ! મને જીવનના છેલ્લા દિવસ સુધી આટલું જાળવી લેવા દે. પછી તમારે ક્યાં આપવું-લેવું છે ? અને ક્યાં કોઈને આવવું છે ? જીવનનો આ પણ એક રસ છે.’

‘અરે ! પણ આ બધા તો મુફલિસ છે...

‘મારા જેવા જ...’ વચ્ચે જમીનદાર બોલતો.

‘હા બરાબર, તમારા જેવા જ... અવ્યવહારુ ને મુફલિસ.’ એનો છોકરો જવાબ વાળતો. ‘એ અમને પણ છોડવાના નથી. આ આંધળો સારંગીવાળો ને એવા...’

‘તું ભૂલે છે ભાઈ ! એમાંનો કોઈ કેવળ પૈસા માટે આવતો હોય તેમ પણ નથી, આ ગવૈયો તો નહિ જ ! એક દિવસની જુનવાણી યાદ તાજી કરવા માટે એ આવે છે. એને એટલું જીવન ગમે છે. જીવન્ત રહેવાનો એ પણ આનંદ છે. હું નહિ હોઉં ત્યારે એ કોઈ જ નહિ ફરકે !’

ડોસાના માનની ખાતર છોકરો બોલતો નહિ. પણ એને આ વાત ગમતી ન હતી.

(ર)

આ જમીનદારને ગયે એક-બે મહિના થઈ ગયા હતા. પેલો આંધળો સારંગીવાળો બહારગામ ગયો હતો. પણ ડિસેમ્બર મહિનો આવ્યો. એકત્રીસમી ડિસેમ્બર આવી, અને સારંગીવાળો ડોસો દેખાયો.

‘અરે એ નીલમ ! નીલમ ! દોડ દોડ, પેલો ડોસો આવે છે !’ મોટા છોકરાએ અંધ ગવૈયાને આવતો જોયો, અને બૂમ પાડી. નીલમ એનો સૌથી નાનો ભાઈ હતો. એ અર્ધો ગાંડા જેવો હતો. ખરી રીતે એને પિતા પ્રત્યે અથાગ પ્રેમ હતો ને એ પ્રેમમાં ને પ્રેમમાં વિચિત્ર ગણાય તેવી વાતો એ કરી બેસતો. ઉદાહરણ તરીકે એક આશ્રિત જોશીએ કહેલું કે ફલાણો દિવસ જમીનદાર સાહેબ માટે ભારે છે, તો તે દિવસ નીલમ સવારથી ત્યાં ખડે પગે ઊભો હતો. ને એક ચોપડી કબાટમાંથી કાઢવા જેવો વ્યવહાર પણ પોતે જ કરતો હતો. એ ભણી શક્યો ન હતો, પણ એક વાતમાં ભારે પાવરધો હતો. ગમે તેના અવાજનું એ એવું તો આબેહૂબ અનુકરણ કરી શકતો કે, ઘડીભર તો ભલભલા પણ એ તફાવત જાણી ન શકે.

તેણે મોટાભાઈ સામે જોયું. એની આંખમાં ઝળઝળિયાં હતાં. ડોસો બંગલા તરફ આવવા માટે આગળ વધી રહ્યો હતો. એને અંધ માણસને પાછો કાઢવાનું ગમતું ન હતું. પણ મોટાભાઈના કડક સ્વભાવને એ જાણતો હતો.

પણ મોટા છોકરાનો અવાજ સાંભળીને પેલી આંધળી આયા તરત અંદરના ખંડમાંથી બહાર આવતી દેખાઈ.

‘મોટાભાઈ !’ તે મોટેથી બોલી : ‘અંધગવૈયો આવ્યો છે તો હવે આવવા દો !’

‘આવવા દો, જો મોટાં લખેશરી બોલ્યાં.’ મોટા છોકરાએ તેની ઊધડી લઈ લીધી. ‘અને પચાસ રૂપિયા જેવડી રકમ કયે ઝાડેથી ખરવાની છે ? બાપાજી આપતા તે પણ થોડુંઘણું નહિ, પચાસ રૂપિયા. આ મુફલિસ પચાસ છોડવાનો છે ? કેવી વાહિયાત વાત !’

‘પણ આ છેલ્લું છે નાં ? પછી એ ક્યાં આવવાનો છે ?’

‘પણ પૈસા ? પૈસા કોણ તું આપવાની છે ? મારી પાસે એવા વધારાના પૈસા નથી !’

આંધળી આયા થોડી વાર તો હેબતાઈ ગઈ, પણ પછી એણે અચાનક જ કહ્યું : ‘હું પણ આપવાની નથી, ને મોટાભાઈ ! તમારે પણ આપવા પડે તેમ નથી. બાપાજીએ મને આપી રાખ્યા છે !’

‘શું ?’

‘પૈસા. એમણે મને મરતાં પહેલાં આપ્યા હતા ને કહ્યું હતું કે આ છેલ્લી વખતના છે. અંધ ગવૈયો આવે તો તેને આપજે. પછી એ નહિ આવે. બાપાજી આ બોલ્યા, ત્યારે બાપાજીની આંખમાં આંસુ હતાં !’

‘પણ તારે આંખ નથી, છતાં તું આંસુ જોઈ શકી, એ નવી નવાઈની વાત !’

‘મોટાભાઈ ! આંખ વિનાની આંખ, હવા બને છે. બાપાજીની આંખમાં આંસુ મેં જોયાં ન હતાં, પણ કોણ જાણે કેમ, ચોક્કસ, એ ત્યાં હતાં. મેં એ જોયાં ન હતાં, જાણ્યાં હતાં !’

ત્યાં તો નીલમ બોલી ઊઠ્યો : ‘મોટાભાઈ ! પણ, મેં જોયાં હતાં!’

‘તમે બન્ને મળી ગયાં છો,’ મોટો છોકરો બોલ્યો : ‘પણ આ વખતે એ આંધળાને પૈસા આપવાની જવાબદારી તમારી છે ને આવતે વખતે હવે આવે નહિ, મફતનો ધક્કો ખાય નહિ, એવો બંદોબસ્ત કરવાની જવાબદારી પણ તમારી !’

આયા બોલી : ‘એક જવાબદારી તો મોટાભાઈ ! અમે લીધી છે. પણ બીજી જવાબદારીનો ભાર નહિ ઊપડે !’

‘તો તો દોડ, દોડ, નીલમ ! એને ઝાંપેથી જ પાછો વાળી દે. આઠ દી માંડ આનંદ કરવા આવતા હોઈએ, ત્યાં આવાં લફરાં એક પછી એક આવ્યા જ કરે. બાપાજી ગયા, તેની સાથે આ બધું બંધ. મને એ ગમતું નથી!’

‘પણ મને ગમે છે તેનું શું ?’ નીલમથી અચાનક ઉતાવળે દૃઢ શબ્દોમાં બોલતાં તો બોલી જવાયું, પણ બોલ્યા પછી એ તરત ઈચ્છી રહ્યો કે એ બોલ્યો ન હોત ! પણ બોલાઈ તો ગયું હતું. વૃદ્ધ આંધળી આયા પણ નીલમના શબ્દો સાંભળીને ધ્રૂજી ગઈ. એને મોટાભાઈના તીખા, આગ્રહી અને અમલદારી ભરેલા કડપવાળા સ્વભાવની ખબર હતી. એમાં આજ્ઞા મનાતી હોવાનું અનિવાર્ય ગણાતું. નીલમમાં કાંઈ કમાવાની તાકાત તો હતી નહિ. અને એ એને આધારે હતો - અને એની વિરુદ્ધ એ હરફ બોલે તો મોટાભાઈ સહન કરે તેવા ન હતા. એની તડફડની ટેવ જાણીતી હતી. એવી વાતને જ એ ટેવાયેલા હતા. આયાને ડર લાગ્યો કે ક્યાંક નીલમને જ એ કાઢી મૂકે નહિ. આંધળી આયા નીલમ પાસે સરી. તેણે તેના ખભા ઉપર હાથ મૂક્યો. મોટેથી બોલવા જેવો વખત ન હતો. પણ એના હાથમાં બધી ભાષા હતી. એ ભાષાને નીલમ સમજી ગયો.

‘તો બીજી જવાબદારી પણ અમારી, મોટાભાઈ ! પણ એને આવવું હોય તો ભલે આવે !’

‘હં...તું કીકલો છે. એ કીકલો નથી.’ મોટાભાઈએ કહ્યું, અને પછી તે જરાક બહાર ચાલ્યા ગયા.

(૩)

થોડી વાર પછી એ બહારથી પાછા અંદર ખંડમાં આવ્યા, ત્યારે કોઈ વખત નહિ, ને આ વખતે એને લાગ્યું કે આ આંધળો ગવૈયો પણ ગજબનો ઉસ્તાદ લાગે છે. તેને પોતાને સંગીતની કાંઈ સમજ ન હતી. તેમ અત્યારે તો સમજણ પણ પડતી ન હતી, છતાં તેને લાગતું હતું કે, બહારની જે હાવમાંથી હમણાં એ આવ્યો, તે હવામાં, ને આ હવામાં ચોક્કસ કાંઈક ફેર છે. આંહીં એ ઊભો રહ્યો, અને એને સમજાઈ ગયું કે આ અંધ ગવૈયો પોતાના જુનવાણી દિવસોની દિલભરી વાતો જાણે બોલી રહ્યો છે. ને બોલી રહ્યો છે એમ પણ નહિ, ખરી રીતે તો જાણે બાપાજીને સંભળાવી રહ્યો છે. ત્યાં નીલમને બાપાજીની ખુરશીમાં બેઠેલો એણે જોયો. એ વચ્ચે વચ્ચે ઉત્સાહજનક શબ્દો બોલતો સંભળાયો, પણ મોટાભાઈ છક્ક થઈ ગયા. નીલમનો અવાજ એ જાણે બાપાજીના અસલ અવાજનો આબેહૂબ પડઘો હતો. કોઈ જાણકાર, છતી આંખે પણ કહી ન શકે કે એ બાપાજીનો અવાજ નથી !

અને અંધ ગવૈયો પણ એમ સમજતો લાગ્યો કે જમીનદાર સાહેબ રંગમાં છે. એ જોઈને એ પણ વધુ ને વધુ તાનમાં આવી ગયેલો જણાતો હતો.

ગાન પૂરું થયું ત્યારે પણ, નીલમે, જમીનદાર બોલતા હતા એ જ ઢબમાં એ જ વાક્ય કહ્યું : ‘ખૂબ કી, ખાં સા’બ ! અજબકી દુનિયા ખડી હો ગઈ ! હવા ભી ઘડીભર સૂનને કે લિયે ઠહર ગઈ થી !’

નીલમના શબ્દો સાંભળીને અંધ ગવૈયાએ અદબભરી કુર્નિશ બજાવી. એક વખત કુર્નિશ બજાવવાથી એને સંતોષ ન થયો. બીજી વખત ને ત્રીજી વખત પણ એ બજાવી, ત્યારે જ એને કાંઈક સંતોષ થયો. જૂના દિવસોની યાદ એને આવી ગઈ હતી. જમીનદારના હૃદયની સુગંધ એને હલાવી ગઈ હતી. એણે સારંગીને પોતે જાણે જમીનદારને ચરણે ધરતો હોય તેમ ભેટ ધરી, માથું નીચે નમાવ્યું. અદબભરી એક વધુ સલામ આપી, ને પછી સારંગીને પૂરી દેવા માટેની સામગ્રી સંભાળી.

પણ આ બધો વખત હવે મોટાભાઈની મૂંઝવણ વધી રહી હતી. તેણે જોયું કે નીલમની અજબ જેવી અવાજ-અનુકરણની કારીગરીએ અંધ ગવૈયાને પણ ભૂલમાં નાખી દીધો હતો. એ બહારગામ હતો, એટલે ત્યાંથી આજે પરબારો અહીં આવેલો હોવો જોઈએ. એને બાપાજીના અવસાનની ખબર હોય તેમ લાગ્યું નહિ, અને ગાંડો નીલમ એની બેખબરીને ચાલુ રાખવા પોતે બાપાજીના જ શબ્દો ને એ જ વાક્યો એ જ અવાજમાં બોલી રહ્યો હતો. એની અવાજ-અનુકરણની કામગીરીથી મોટા ભાઈને આશ્ચર્ય થયું. પણ એ આશ્ચર્યમાં પોતાની મુદ્દાની વાત ભૂલે એવા એ ન હતા. મુદ્દાની વાત ગવૈયો હવે મફતનો ધક્કા ન ખાય તે હતી. નીલમ તો ઈચ્છી રહ્યો હતો કે ગવૈયો ભલે દર વર્ષે જીવે ત્યાં સુધી આવે. હવે એ જીવી જીવીને કેટલું જીવવાનો ? થોડાં વર્ષ માટે જીવવાનો. આ તાલ બગાડવો એ એના ઘેલા મનને રુચતી વાત ન હતી. આંધળી આયા પણ એમ જ ઈચ્છતી હતી. પણ મોટેથી બોલવાની એમનામાં શક્તિ ન હતી. એ બન્ને જતાં ઈચ્છી રહ્યાં હતાં કે હવે ગવૈયો આવે, જમીનદારની મૃત્યુતિથિએ આવે, અને પોતાના જૂના મિત્રને અંજલિ અર્પી જાય. પણ એથી શું ફાયદો એમ મોટા ભાઈ પૂછે તો એનો શું જવાબ વાળવો એની એમને ગતાગમ ન હતી. અને તેથી બન્નેમાંથી એકે પોતાનું હૃદય ખોલી શકતું ન હતું. કેટલીક વખત હૃદયનું ન ખૂલવું એ જ એના ખૂલવા બરાબર હોય છે !

એ બન્ને મૂંગાં ઊભાં રહ્યાં.

એટલામાં મોટા ભાઈ આગળ આવ્યા. એણે ગવૈયાના હાથમાં રકમ મૂકી. પછી ધીમેથી દૃઢ અવાજે કહ્યું : ‘ખાં સા’બ ! બડી અચ્છી કારીગરી દિખલાઈ. મગર આપ જાનતે હો ?’

‘ક્યા જાનને કા હય હુજૂર ?’

‘બાપાજી...’

નીલમે નાક ઉપર આંગળી મૂકી, હાથ જોડ્યા, પણ મોટા ભાઈએ વાક્ય પૂરું કરી નાખ્યું.

‘બાપાજી તો ચલે ગયે !’

‘કહાં ? કહાં ચલે ગયે ? અભી તો બોલતે થે !’

‘બોલવાવાળા તો, ખાં સા’બ ! નીલમભાઈ હતા. બાપાજી તો આસમાનમેં ચલે ગયે !’

‘આસમાનમેં ચલે ગયે ? કોણ બાપાજી ચલે ગયે ? કબ ? અરે ! તબ તો મૈં... ખાલી...’ અંધ ગવૈયાનો અવાજ થોથરાતો હતો. એના હાથમાં સારંગી ધ્રૂજતી હતી.

‘ચલે ગયે બાપાજી ? હજૂર ખુદ ચલે ગયે ? તબ તો મૈંને કિસકે લિયે ગાયા, બજાયા ? યે લીજિયે હજૂર ! અબ તો મૈં કોઈ રોજ...’ ગવૈયાએ વાક્ય પૂરું ન કર્યું. તેણે ફટ કરતીક ને હાથમાંની નોટો જમીન ઉપર મૂકી દીધી.

‘પણ આ એક વખત તો લઈ જાઓ, ઉસ્તાદજી ! હવે પછી તમારે ક્યાં લેવા આવવું છે ?’ મોટાભાઈ બોલ્યા.

‘નહિ નહિ હજૂર ! તુમ્હારી સમજ અલગ હૈ. મેરી જુદી હૈ. મેરી ભી અલગ હૈ. લેનેદેનેકી યે બાત નહિ હૈ હજૂર ! બિના જમીનદારસા’બ, દૂસરે હાથસે પૈસા લેનેકા કામ નહિ. અબ મેં કોઈ ધંધાદારી કામ તો કરતા હી નહિ. લે લીજિયે જનાબ !’

મોટાભાઈ જોતા રહ્યા ને અંધ ગવૈયો ચાલી નીકળ્યો. મોટાભાઈ કાંઈ બોલ્યા નહિ - એટલે કે બોલી શક્યા નહિ. ઘણી વખત બોલવું સહેલું નથી હોતું.

(૪)

બરાબર જમીનદારની મૃત્યુતિથિ હતી. મોટાભાઈ એ ઉપર આવ્યા હતા. લોકદેખાડ માટે આમતેમ આંટા મારતા હતા. બીજાં બધાં કામમાં હતાં. નીલમ ને આયા બન્ને સૂનમૂન ઊભાં હતાં. જમીનદારને જે ચીજ વહાલી હતી-તે સિવાયની બધી જ ચીજો આંહીં થતી હતી, એ એ જોઈ રહ્યાં હતાં.

એમના મનમાં વ્યથા હતી, પણ એ દેખાડવાની એમનામાં શક્તિ ન હતી. એ અવશ જેવાં આમતેમ દીવાનખંડમાં ફરતાં હતાં. ઘડીકમાં નીલમ જમીનદારની જૂની છબી જોતો હતો. ઘડીમાં આયાને કોઈ જૂની વાત કહેતો હતો. એના જીવનવ્યવહારની વિચિત્રતા ઉપર કેટલાક છાનું હસતા હતા. કોઈ મોટેથી હસતા હતા.

બરાબર સાડા નવનો વખત થયો અને પેલો અંધ ગવૈયો ઝાંપામાં દેખાયો.

મોટાભાઈ જરાક આકુળવ્યાકુળ થતા જણાયા પણ ત્યાં એને સાંભળ્યું, કે એણે તે દિવસે પૈસા તો લીધા ન હતા. એમની પૈસાસૃષ્ટિની આકુળતા ઘડીભર માટે શાંત થઈ ગઈ.

નીલમે એ જોયું. તેણે મોટાભાઈ સામે જોયું. મોટાભાઈ એને હવે આવવા દેશે કે નહિ એ સવાલ હતો. અને ગાવા દેશે કે નહિ તે પણ કાંઈ જણાય તેવું ન હતું. એને શું કરવું તે સમજણ પડતી ન હતી. તે આયા પાસે ગયો. તેના ખભા ઉપર ધીમેથી હાથ મૂક્યો.

આયા ધીમે છાને અવાજે બોલી : ‘કેમ નીલમભાઈ ! કોણ આવે છે?

ખાં સા’બ છે ?’

નીલમ આયા સામે જોઈ રહ્યો. પણ એ આંખમાં ક્યાં તેજ હતું ? તેણે ધીમેથી કહ્યું : ‘આવે છે તો એ જ... પણ મોટાભાઈ મૂંઝાય છે.’ એટલામાં પેલો અંધ ગવૈયો ત્યાં આવી પહોંચ્યો હતો.

તેણે જમીનદાર ત્યાં બેઠા હોય તેમ કુર્નિશ બજાવી. પછી એ બેઠક કરતો હતો તેમ બેઠક લીધી. પોતાની સારંગી કાઢી. ‘ફરમાવીએ જનાબ !’ તે બોલ્યો. અને પછી જમીનદાર સાહેબને જે અત્યંત પ્રિય હતું તે ગાણું તેણે શરૂ કર્યું.

એ પૂરું થયું કે તરત જ એ ઊભો થઈ ગયો. જમીનદારની રજા લેતો હોય તેમ ઊભો રહ્યો.

‘અભી મૈં યે વખત પર હરસાલ આઉંગા હજૂર ! મંજૂર હય હજૂર?’ પછી કોઈએ જવાબ આપ્યો હોય તેમ ‘હાં મંજૂર !’ બોલ્યો. અને પછી કોઈની સાથે કાંઈ પણ બોલ્યા વિના જેમ આવ્યો હતો તેમ ચાલતો થઈ ગયો.

મોટાભાઈ બોલ્યા : ‘છે ને કોઈ પાગલ !’

નીલમ બોલ્યો : ‘અસલી જમાનાનું અણમોલ રતન !’

આયા બોલી : ‘એની આંખો, અને આપણી આંખો. એની સમજણ અને આપણી સમજણ !’