છેક છેલ્લી પળે અને તે લગભગ મૃત્યુની શય્યા પર માત્ર થોડો વખત એનું મોં અનિર્વચનીય આનંદથી ઝળહળી ઊઠ્યું હતું, એમ કેટલાકે કહ્યું હતું.
એક પછી એક સઘળા ડગી ગયા હતા. જ્યારે સીતાપુર અને માણેકનગર વચ્ચે મોટરબસ શરૂ થઈ ત્યારે સઘળા ટપ્પાવાળાએ પહેલાં તો સંપ કર્યો. પછી અયોગ્ય હરીફાઈ કરી. પછી અદેખાઈ શરૂ કરી. અંતે ‘મોટર’ વિષે, પોતપોતાની રીતે, ઉતારુઓને કહેવાના ખોટા રિપોર્ટ પણ તૈયાર કર્યા. એટલું છતાં છેવટે તો હાર્યા, ભાગ્યા, ને હરીફાઈમાં ન ટકવાથી જુદે જુદે ધંધે વળગી ગયા.
કોઈએ મજૂરી શોધી લીધી; કોઈએ ઘોડો વેચીને બળદ લીધો ને એકો કર્યો. કોઈએ ઘોડાને વેચીને હાટડી માંડી. માત્ર ધનો ભગત છેવટ સુધી ટકી રહ્યો. એ પહેલેથી જ ટપ્પાવાળાની ટોળીમાં ભળ્યો ન હતો. એણે કોઈની અદેખાઈ ન કરી, હરીફાઈ ન કરી, જૂઠાણું ફેલાવ્યું નહિ. બસ, પોતાનો ટપ્પો, ધોળો ઘોડો ને પોતે - ત્રણે નિયમસર હમેશાં સ્ટેશને હાજર રહેતા. કોઈ ઉતારુ મળે તે લઈ લે. કોઈ ન આવે તો ભજન ગાતો ગાતો પાછો ફરે. ક્યારેક રાતના દસ વાગે પણ મફતનો ધક્કો થાતો; પણ ધનો ભગત પોતાનાં ભજનને સાથી માનીને આનંદથી પાછો ફરી જતો. એને પહેલેથી જ ખબર હતી કે આપણો ટપ્પો કાંઈ મોટરબસની હરીફાઈમાં ટકી શકે જ નહિ.
અને તે છતાં ધના ભગતના ટપ્પામાં બેસવાવાળા પણ નીકળતા. ઘેર મોડા પહોંચવા માટે જે કેટલાક એમાં બેસતા, તો કોઈ વળી ધના ભગતના રસિયા પણ નીકળી આવતા.
ધનો જાતનો કોળી હતો. નાનો હતો ત્યારે ચોરી કરતો. મોટો થયો ત્યારે ખાતર પાડતો. ચોમાસામાં એની વહુ ઝમકુડીની સાથે નદીકાંઠે વાડો કરે, શિયાળામાં બકાલું વેચે ને ઉનાળામાં ચોરી કરે. એમ એણે જુવાની વટાવી નાખી. એની પ્રૌઢ અવસ્થા થઈ ત્યારે ઝમકુડી હજી જુવાન જેવી હતી એટલે ધના ભગતને મૂકીને એ ભાગી ગઈ.
ધનાએ તે દિવસથી ટપ્પો કર્યો હતો. અને બાર મહિના એકધારો ધંધો મળવાથી એનું ચિત્ત કાંઈક સ્થિર થયું હતું. પછી તો એને ટપ્પાના ઘોડા સાથે મૈત્રી બની ગઈ, કારણ કે હમેશાં સવારમાં જ એના સંગમાં એને બે ઘડી આનંદ આવતો. વળી સીમમાં લહેર કરતાં ચાલ્યું જાવું ને ભજન ગાતાં જાવાં એ અનેરો આનંદ પણ એના જીવનમાં નવો રસ પૂરતાં હતાં. લોકોએ એનાં ભજન સાંભળ્યાં માટે ધનો ભગત એવું નામ આપ્યું. એને પણ પોતાના નામની સાથે જોડાયેલ ‘ભગત’ શબ્દની પ્રતિષ્ઠાનો એવો લોભ લાગ્યો કે એ ખોટો ખોટો થાતાં સાચો જ ભગત બની ગયો. એમાં એનો એકધારો કાંઈક નિરાંતનો ધંધો ને હમેશાં સીમમાં બે-ચાર માઈલનો ફેરો બહુ મદદરૂપ થઈ પડ્યાં. ધનો ચોરી કરતો, કારણ કે નવરાશનો વખત એને રહેતો અને લોકોની બેદરકારી-ભરેલી રીતભાત અને વિલાસનું પ્રદર્શન - બન્ને એને ચોરી કરવા ઉશ્કેરતાં. વળી ચોરીમાં મળેલો વિજય અને ચોરી કર્યા પછી ઝમકુડી સાથેનો આનંદ એને વધારે સાહસિક થવા પ્રેરતાં. પણ ઝમકુડીએ આપેલો વિશ્વાસઘાતનો ઘા ભૂલવા તે એકધારા ધંધામાં પડ્યો. અને તેમાંએ ઘા ભૂલવાની એને તક મળી ગઈ. ખરીરીતે તો ચોરી કરતાં તે કોઈ દિવસ પકડાયો નહિ, માટે જ ચોર થતાં રહી ગયો. પછી તો ધના ભગતનો ટપ્પો બહુ માનભર્યું સ્થાન ભોગવતો થયો. અને ધનાએ પણ જ્યારે સઘળા ટપ્પવાળા ડગી ગયા ત્યારે પણ પોતાનું ગાડું ચલાવ્યે જ રાખ્યું !
સીમમાં જ્યારે બે જણા ચાલ્યા જતા હોય - કોઈ ઉતારુ ન હોય ને ધનો તથા તેનો ટપ્પો હોય - ત્યારે ધનો ભજન લલકારે તેમાં ઓર ખૂબી આવતી. સીમમાં છુટ્ટો પવન આવતો હોય ને ધનો ગાતો હોય, એ વખતે ધોળો ઘોડો પણ ધનાને સમજતો હોય તેમ પોતાની ચાલમાં અમુક જાતનો ફેરફાર કરી નાખતો. ધનાને ખબર હતી કે ઘોડો બધુંય સમજે છે. રસ્તા પર વીસ-પચીસની કતાર ચાલતી ત્યાં પોતે એકલો જ ચાલે છે; ને એક દિવસ ધનો પણ થાકીને મને તજી દેશે ! - ધનો માનતો’તો કે ઘોડો આ વાત સમજે છે.
પણ ધનો પોતાની જરૂરિયાત વધારેમાં વધોર ઘટાડીને પણ ઘોડાને નિભાવી રહ્યો હતો, કારણ કે વિશ્વાસઘાતનો ઘા કેવો સોંસરવો નીકળી જાય છે, એ ધનાએ અનુભવ્યું હતું. ઘોડાને જિંદગી સુધી ટકાવવાની એની મહેનત પણ એ વિશ્વાસઘાતના દોષથી મુક્ત રહેવા માટે જ હતી.
હવે ટપ્પો રાખવામાં ડહાપણ તો ન જ હતું, પણ ભગતને ડહાપણ કરતાં વિશ્વાસઘાતનો ઘા વધારે ખૂંચતો હતો. એ સાચા દિલથી કહેતો કે ઈશ્વર અમને નભાવ્યે જાય છે ત્યાં સુધી તો મારે ઘોડો ક્યાંય દેવો નથી.
(ર)
પણ અંતે યંત્રની સામે જેમ હરીફાઈ મુશ્કેલ હતી તેમ ટકવું પણ મુશ્કેલ હતું. લોકોએ સમય અને સ્થળ વિશે યુગનું સ્વરૂપ સમજીને તે પ્રમાણે વર્તવામાં ડહાપણ ને સલામતી માન્યાં હતાં. એટલે એક વખત એવગો આવ્યો કે કાં તો ધનાએ ધંધાનો ત્યાગ કરીને બીજો ધંધો લેવો જોઈએ; અથવા બીજો ધંધો ચલાવીને ટપ્પાનું નામ રાખવાની ખાતર વ્યર્થ પ્રયાસ કરવો જોઈએ કે પછી પોતાની જરૂરિયાત ઓછામાં ઓછી કરીને માની લીધેલા ધર્મ માટે અગવડો વેઠવી જોઈએ.
ધનાએ ઘણું ઘણું મંથન કર્યું, પણ એનું મન કોઈ રીતે માનતું ન હતું. હું આજે આટલાં વર્ષે ઘોડાને દગો આપીશ તો દગાખોર તો નહિ ગણાઉં ? ધનાનાજીવનમાં મહાન ત્યાગનો, ભયંકર રણક્ષેત્રનો કે સાહસનો કોઈ પ્રશ્ન કયારેય આવ્યો ન હતો. એના જેવા ગરીબના જીવનમાં લાખોના ત્યાગથી કતલ થઈ જવાની પળ તો ક્યાંથી આવે ? એને તો આજે આ એક જ નાનો પર્શ્ન આવ્યો : ‘ઘોડાએ મારી ખૂબ સેવા કરી. હવે એને આ ઘોડીએ તજું તો પાપ કહેવાય કે નહિ ? - માણસ માણસ પ્રત્યે એમ કરે તો પાપ કહેવાય, ત્યારે આ કેમ નહિ ?’
અને એ બીજે દિવસે નિયમ પ્રમાણે સ્ટેશને ઊભો હતો. કેટલાકે એની મશ્કરી કરી; કેટલાકે એને ગાંડો માન્યો. ધનાએ કહ્યું કે, ‘ગમે તેમ, મને સૂઝ્યું તે હું કરું છું. ઘોડો ને ટપ્પો ચાલવાં જ જોઈએ.’
(૩)
એક દિવસ રાત અંધારી હતી.
મોટરબસ ખોટવાઈ જવાથી જરા મોડી આવી. બે ઉતારુ ઊતર્યાં ને ધના ભગતના ટપ્પામાં બેસીને ચાલી નીકળ્યાં. એક બૈરી હતી, બીજો ચૌદ-પંદર વર્ષનો છોકરો હતો.
ટપ્પો તેની મંદ ગતિ પ્રમાણે ધીમે ધીમે ચાલ્યો. ધના ભગતે રસ્તામાં ભજન ગાયાં, ઘોડા સાથે વાતો કરી : ‘બાપ, આવતી કાલે હું નહિ હોઉં તો તને કોણ જાળવશે ? તું તારે છુટ્ટો ચરી ખાજે ને ધના ભગતને ભૂલી જાજે.’
‘ભગત ! કાંઈ ઘોડાની બહુ માયા લાગી છે ? દેખાય છે તો ટારડું! ચાલવામાંય કાંઈ શુકરવાર નથી.’ ભગતની વાત ઉપર છોકરો ટીકા કર્યા વિના રહી શક્યો નહિ.
‘તું આજ જુવાન છો ના, બાપ ?’
‘હા.’
‘અને આજ તારું જોમ જોઈને તને શેઠ નોકર રાખે, ને પછી ઘરડો થા એટલે કાઢી મૂકે, ઈ ન્યા ક્યાંનો ?’
‘ગલઢા થાઈં તંઈ બે પૈસા પાસે હોય તો ખાઈં.’
‘પણ આ ઘોડું શું ખાય ? - અને એણે જુવાનીમાં શરીર તોડીને મને ખવરાવ્યું એનું શું ? અને આજ એને છોડી દઉં તો એની મૂંગી વાણી તો કાંઈ ન બોલે ?’
‘મૂંગી વાણી તો બોલતી હોય ઈ બોલે એટલે કાંઈ ટારડા પાછળ હેરાન થવાય ?’
‘ઈ તો પાળે એનો ધરમ. તમારે હેરાન ન થવાય. મારે ભગતે થાવું જોઈં.’
ભગત ત્યાર પછી કાંઈ બોલ્યો નહિ. પણ એનું મન અકારણ ઉદાસ બની ગયું હતું.
ટપ્પો ઊભો રહેવાનો વખત આવ્યો. છોકરો નીચે ઊતર્યો. બાઈ પણ પોતાનું પોટકું સંભાળીને નીચે ઊતરી. રસ્તા પરના ફાનસના ઉજાસમાં ભગતનો ચહેરો જરા જરા દેખાયો.
‘ભગત ! ઓળખો છો ? હું ઝમકુડી.’ બાઈ ભગતની સામે આવીને બોલી.
‘મને ખબર છે, બાપ ! તું ટપ્પામાં બેઠી છો, ઈ મને ખબર પડી ગઈ’તી. તારું ભાડું ન લેવું જોઈં, પણ મારા ઘોડાને શું ખવરાવવું ? તું ક્યાંથી આવી ?’
ઝમકુડી કાંઈ બોલી નહિ. પણ છોકરાના માથા પર હાથ મૂકીને ભગતની સામે જોઈ રહી : ‘આને આશીર્વાદ આપો. આ મારો છોકરો.’
ભગતે છોકરાની સામે બે પૈસા ધર્યા : ‘અત્યારે તો આટલી પહોંચ છે.’
‘રહેવા દ્યો, તમારું ભગતનું લેવાય ? રસ્તે તમારી વાત સાંભળી ઈ થોડું છે ? જુઓ ને, આને બાપે મને કાઢી મૂકી. તમને ખબર છે નાં ?’
‘એમ ? શો વાંધો પડ્યો ? મને ક્યાંથી ખબર હોય ?’
‘વાંધામાં તો ઈ જ. જુવાન ને ધોળી વધુ મળી ગઈ. એટલે મને કાઢી મૂકી. આપણું વરણ ! બાઈડિયું હાડહાડ છે ! મારી આટલાં વરસની મહેનત એણે ખાધી અને હવે કાઢી મૂકી, એટલે પાછી જુનવાણી ગામને આશરે આવી. મા-દીકરો મજૂરી કરી ખાશું.’
‘ભલે ભલે, તારે કાંઈ કામકાજ હોય તોય કહેવરાજે.’
ભગત વધારે કાંઈ બોલ્યો નહિ. અને એણે ધીમેથી ટપ્પો હંકારી લીધો. દાસી જીવણનું ભજન ગાતો ગાતો ચાલ્યો ગયો.
(૪)
‘મારો બેટો ! માંદો પડ્યો પણ વાત મૂકતો નથી.’ મોટરબસવાળા ચાનો કપ પીતાં પીતાં વાત કરી રહ્યા હતા. ભારે ચોમાસુ હતું, આઠ દિવસની હેલી હતી ને ભગત માંદો હતો. ખેંચાય તેટલું ખેંચીને સમય જાળવતો, પણ આજે આવી શક્યો ન હતો એટલે મોટરબસવાળા એની ઠેકડી કરતા હતા, ‘માોર બેટો ! જબરો છે હો !’
‘અરે ! જબરો શું ? - એકવેનીલો છે, ધૂની છે; એમાં ને એમાં મરવાનો છે !’
‘મરવા તો પડ્યો છે !’
એટલામાં તો દૂર દૂરથી ટપ્પો આવતો દેખાયો. ચાના કપ મૂકીને મોટરબસવાળા સૌ હસી પડ્યા : ‘મારો બેટો !’
બીજાં વિશેષણોને અભાવે સૌ સામસામે જોઈને આ એક જ વિશેષણ ભગતને લગવી રહ્યા હતા : ‘મારો બેટો !’
પણ ટપ્પો પાસે આવ્યો ત્યારે ખબર પડી કે ભગત નથી.
‘ભારે થઈ ! એલા ભગત તો નથી લાગતો.’
‘કોણ છે ત્યારે હથે કરીને ભૂખમરો વેઠવાવાળો ?’
‘એલા ! આ તો ઝમકુડીનો છોકરો ! મારો બેટો ભગત પણ ભારે છે. ઝમકુડીને સમજાવી લાગે છે.’ એટલામાં ટપ્પો છેક પાસે આવ્યો. ઝમકુડીનો જુવાન છોકરો નીચે ઊતર્યો. સૌ એની સામે જોઈ રહ્યા. અંદર અંદર હસવા લાગ્યા : ‘કોણે મોકલ્યો છે, પૂછો તો ખરા ?’
‘કોણે મોકલ્યો, છોકરા ? ભગત કેમ નથી આવ્યા ?’
‘ભગત બહુ માંદા છે. ઘોડો હવે અમે સંભાળી લીધો છે.’ છોકરે નિખાલસ જવાબ આપ્યો.
‘તમે ? તમે કોણ ?’
‘મારી મા અને હું.’
‘હાં, હાં, પૂછનારે જવાબ વાળ્યો. પણ એ ‘હાં હાં’ અવાજમાં તીખાશ ને કટાક્ષ બન્ને ભારોભાર ભર્યાં હતાં. એટલું ઓછું હોય તેમ છેવટના ભાગમાં મીઠાશભરેલું ઝેર પણ આવ્યું : ‘હા, મારા ભાઈ, ઘરનો ધંધો તો થયો. ને તે પણ પાંચ પૈસા મળે એવો’ - બીજા ભાઈબંધ સામે આંખ મારીને તે હસતો હસતો ખસી ગયો.
છોકરે સઘળું જોયું ન જોયું કર્યું. ટ્રેઈન આવી. કોઈ ઉતારુ એના ટપ્પા તરફ આવ્યા નહિ. પણ તેણે કાંઈ ન બન્યું હોય તેમ ટપ્પો ઘર તરફ વાળ્યો.
‘જોજો, ભાઈ ! ટપ્પાવાળાને મારગ આપો, આપણી મોટર ઊંધી વળી જાશે !’ દરેક જણ મશ્કરી કરતો ગયો. છોકરો રડવા જેવો થઈ ગયો. એટલામાં એક બાઈ ને ભાઈ તેના ટપ્પામાં ચડી બેઠાં.
અજબ સ્ફૂર્તિ અવી હોય તેમ છોકરો ટપ્પો હાંકી રહ્યો હતો !
અને છેવટના દિવસોમાં ઝમકુડી, કોઈ આંતરસ્ફુરણાથી પોતાની મેળે જ, ભગતની પથારી સાચવી રહી હતી. કદાચ ભગતના જીવનની મીઠાશ જોઈ, એણે ભૂતકાળનો ડાઘ ધોઈ નાખવા માટે આ કર્યું હોય કે પછી બીજા ધણીએ જે વિશ્વાસઘત કર્યો તેનાથી પોતે વધુ ડાહી બની હોય. પોતાના ટપ્પાને હંમેશાં નિયમિત સ્ટેશને જતો જોઈને, ભારે ચિંતાથી મુક્ત થયો હોય તેમ, ભગત મનમાં ને મનમાં ઊંડો સંતોષ અનુભવી રહ્યો.
આઠ દિવસ પછી ખબર પડી કે ભગત મરી ગયો છે. પણ મરતી વખતે તેના દિલમાં આનંદ હતો, મોં ઉપર પ્રસન્નતા હતી, ન સમજાય એવી શાંતિ હતી.