મૃત્યુ દસ્તક - 11 Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃત્યુ દસ્તક - 11

‘મે ડો.શર્મા ની રેકોર્ડ બુક હાથ માં લીધી. તેના પર પહેલા પેજ પર ખૂબ મોટા અક્ષરો એ લખેલું હતું. “આ બુક ખોલવી નહિ..ટોપ સિક્રેટ માહિતી “ આવું લખ્યું હોવા છતાં મે તે બુક ખોલી. તેમાં વર્ણવેલા પ્રયોગ મન ને વિચલિત કરી દે એવા હતા. ડો.શર્મા એ નિર્દોષ પલક પર કરેલા અત્યાચારો મારી આંખ સામે હતા. પણ મને એ ન સમજાયું કે પલક પર આવા અત્યાચાર ડો. શર્મા એ શા માટે કર્યા? માટે તે જાણવા માટે મે થોડી તપાસ કરી. પહેલા તો કોઈ ઓનલાઇન કેસ ન નીકળતા હતા, માટે જૂના થયેલા કેસ ને લાઇબ્રેરી માં અંદર ની બાજુ એ સંગ્રહ કરવા માં આવતા હતા.'

'હું દરરોજ કોલેજ નો સમય પૂરો થાય તે પછી પલક ના કેસ ની ફાઈલ શોધવા લાગી જતી હતી. ઘણા દિવસો શોધ્યું છતાં પણ મને તે કેસ ની ફાઈલ મળી નહિ, પછી અચાનક એકદિવસ તે ફાઈલ મને મારા ટેબલ પર મળી. હું સમજી ન શકી કે આ કેસ ની ફાઈલ મારા ટેબલ કેવીરીતે આવી. હું લાઇબ્રેરી નું ભણેલી હતી જેથી મને મેડિકલ કે વિજ્ઞાન માં ઓછી ખબર પડતી હતી છતાં મે તે કેસ ને વાંચવાનું ચાલુ કર્યું. આમતો તેમાં બધું જ મેડિકલ ની ભાષા માં લખેલું હતું જેથી મને ખબર પડતી ન હતી. હું જુદી જુદી રેફરન્સ બુક ખોલી ને સમજવાનો પ્રયત્ન કરતી હતી.’

એક દિવસે મને ખૂબ મોડું થઈ ગયું હતું, હું છતાં પણ ત્યાં બેસી ને તે કેસ ને સમજવાનો પ્રયત્ન કરતી હતી. એવા માં એક ઝાંખી આકૃતિ મારી આંખ સામે પ્રગટ થઈ. તે જોઈ ને ક્ષણભર તો હું ગભરાઈ જ ગઈ. મે મન માં હનુમાન ચાલીસાનો જાપ ચાલુ કરી દિધો. તે આકૃતિ પડઘા પડે તેવા આવાજ માં બોલી.

‘ ઋજુતા મારા થી ગભરાઈશ નહિ હું તને કોઈ નુકશાન નહિ પહોંચાડું, હું જાણું છું તું એક સારી વ્યક્તિ છે મે તને ડો. શર્મા ની રેકોર્ડ બુક વાંચતી વખતે રડતાં જોઈ છે. હું જાણું છું તને મારા માટે લાગણી છે.’

'તારું નામ પલક છે ને? મારે એ જાણવું છે કે શા માટે ડો. શર્મા એ તને આટલી યાતનાઓ આપી.’

‘ હા, તે રેકોર્ડ બુક ની યાતના ઓ મારા શરીર પર જ થઈ છે હું એ જ પલક છું.’

‘ તારે જાણવું જ હોય તો હું તને જણાવું.’ આમ કહી પલક મને તેની આપવીતી સંભળાવે છે.
પલક જણાવે છે કે,

‘ હું ખૂબ નાની હતી ત્યાર થી જ મને કોઈ વસ્તુ ની બીક લાગતી ન હતી. હું ઝેરી સાપ, અંધારું, કોઈ પણ જીવજંતુ કોઈ વસ્તુ થી ડરતી જ ન હતી. આ બધું જોઈ ને મારા માતાપિતા હું કોઈ શેતાન નો અવતાર છું તેમ માની ને મને ત્યજી દીધી હતી. હું હંમેશા પ્રેમ અને હૂંફ થી વંચિત રહી હતી. મારે પણ આ જાણવું હતું કે મને ડર શા માટે નથી લાગતો. પરંતુ મને ખબર ન હતી કે હું આ વસ્તુ ની ભાળ ક્યાં થી મેળવું. વર્ષો જતાં ગયા અને હું મોટી થતી ગઈ. પગભર થઈ ને મે અનાથ આશ્રમ છોડી દીધું, હવે હું બેંક માં નોકરી કરી ને સારું એવું કમાવવા લાગી હતી. પણ આ પ્રશ્ન મને હંમેશા સતાવતો હતો. એટલે મે નક્કી કર્યું કે કોઈ મોટા મગજ ના નિષ્ણાત ને હું મળું અને આ વાત કહું. તેની માટે મારે જે કોઈ ખર્ચો કરવો પડે તે હું કરવા તૈયાર હતી. આ નીડર જિંદગી એ મારી પાસે થી ખૂબ નાની ઉમર માં ઘણું બધું લઈ લીધું હતું. મારે કોઈ પણ સંજોગ માં આ પ્રશ્ન નું નિરાકરણ જોઈતું હતું. ‘

મે સાંભળ્યુ હતુ કે આ કોલેજ ની હોસ્પીટલ માં ઘણા સારા મગજ ના ડોક્ટરો છે માટે મે એક દિવસ અહી મુલાકાત લીધી. મારા તમામ પ્રશ્નો મે ડોક્ટર શર્મા ની સામે મૂક્યા. તેમને પણ ખૂબ આશ્ચર્ય થયું પણ તેમણે મને આ વસ્તુ નો ઈલાજ કરી આપવાની બાહેધરી આપી. હું ખૂબ ખુશ હતી, ડો. શર્મા મને જ્યારે બોલાવે ત્યારે હું તેમની પાસે આવી જતી. અમારી વધતી જતી મુલાકાતો થી મને ડો.શર્મા નો સાથ મને ગમવા લાગ્યો હતો. હું મનોમન તેમને પ્રેમ કરવા લાગી હતી. થોડા સમય બાદ શર્મા પણ મારા માં વધારે રસ લેવા લાગ્યો હોય તેવું મને લાગ્યું. પછી એક દિવસ તેમણે મને જણાવ્યું કે મારા મગજ ના રિપોર્ટ પર થી તેમને એવું જાણવા મળ્યું છે કે મનુષ્ય ના મગજ માં એક બદામ જેટલો કોઈ અવયવ આવેલો હોય છે જેને મેડિકલ ની ભાષા માં ‘એમિગલડા’ કહેવા માં આવે છે. આ ભાગ જ મનુષ્ય માં રહેલ ડર માટે જવાબદાર હોય છે. જે વ્યક્તિઓ ને આ ભાગ માં કોઈ પણ રીતે નુકશાન પહોચ્યું હોય તે લોકો ને ડર અનુભવતો નથી. આ પ્રકાર માં મેન્ટલ ડિસઓર્ડર ને. અર્બેચ વાઇથ ડીસિસ કહેવા માં આવે છે. આ પ્રકાર ના દર્દીઓ ને આજીવન ડર ની અનુભૂતિ થતી નથી.

આ બધું જાણી ને હું એકદમ સ્તબ્ધ હતી. કે કદાચ આ હકીકત મને પહેલા ખબર પડી હોત તો કદાચ મારા માતાપિતા એ મને આમ અનાથ આશ્રમ માં ન મુકી દીધી હોત. આ વિચાર સાથે મારી આંખ માં થી અશ્રુધારા વહેવા લાગી. મને રડતી જોઈ ને ડો.શર્મા એ મને શાંત પાડી અને રડવા નું કારણ પૂછ્યું મે મારી તમામ આપવીતી તેને કહી, જે સાંભળી ને તેણે તરત જ મારી સમક્ષ લગ્ન પ્રસ્તાવ મૂકી દીધો. હું તેને ના ન પાડી શકી. તે પણ અનાથ જ હતો, તેના માતા પિતા કોઈ વિમાન દુર્ધટના માં મૃત્યુ પામ્યા હતા. અમે બંને એકબીજા નો સહારો બનવા તૈયાર થઈ ગયા અને બીજા જ દિવસે અમે નજીક ના મંદિર માં જઈ ને લગ્ન કરી લીધા.’

શરુઆત ના થોડા દિવસો અમારું લગ્નજીવન ખૂબ વ્યવસ્થિત અને સુખમય ચાલ્યું. એકદિવસ અચાનક શર્મા મારી પાસે આવી ને કહ્યું કે તારા જેવી દિમાગ ની પરિસ્થિતિ ખૂબ ઓછા લોકો ને હોય છે. જો તારી પરવાનગી હોય તો હું તારા પર અમુક પ્રયોગો કરું અને આ બીમારી નો ઈલાજ શોધવાનો પ્રયત્ન કરું તો તને કોઈ વાંધો ખરો?
આ સાંભળી ને મને પણ થયું કે જો મારા જેવા અમુક લોકો ને પણ હું કામ આવી શકું તો તેમાં મને શું વાંધો હોય. અને જો શર્મા આનો ઈલાજ શોધવા માં સફળ થઈ જાય તો તેનું પણ નામ મેડિકલ ક્ષેત્રે ખૂબ મોટું થઈ જાય. માટે મે તેને હા પડી દીધી અને એ મારા જીવન ની ખૂબ મોટી ભૂલ હતી. તે પછી તેણે મને અસહ્ય યાતનાઓ આપી તેને મારી પર જરા પણ દયા આવી તે એ પણ ભૂલી ગયો હતો કે મને ડર નથી લાગતો પણ દર્દ તો થાય જ છે. બાકી નું તો તે બધું રેકોર્ડ બુક માં વાંચ્યું જ છે કે પછી શું થયું. મને પછી થી એવી પણ ખબર પડી હતી કે શર્મા એ તને પણ પ્રેમ માં દગો દીધો છે. આપણે બંને સમદુઃખીયા છીએ.

ભીની આંખો થી મે તેને કહ્યું ‘ હા, તારી વાત તો સાચી છે આપણે સમદુઃખિયા છીએ, પણ મારા લાયક કોઈ કામ હોય તે મને જણાવ જેથી તને મુક્તિ મળી શકે. ‘

‘ મુક્તિ! મારે કંઈ મુક્તિ નથી જોઇતી મારે તો શરીર જોઈએ છે. જેથી મારા અધૂરા રહેલા કર્યો અને ઈચ્છાઓ પૂર્ણ કરી શકું. ‘

‘તો મારું શરીર લઈ લે જો તેના થી તને મુક્તિ મળતી હોય તો.’ મે તેને મારું શરીર પણ સોંપવા ની તૈયારી બતાવી પરંતુ તે બોલી,
‘ હું તારા શરીર માં નહિ પ્રવેશી શકું કારણકે જે વ્યક્તિ મારા થી ડરે તેના જ શરીર માં મને પ્રવેશ મળે તે મારી કમજોરી છે. તે મને તારું શરીર સોંપવાની વાત કરી ને મારું મન જીતી લીધું. હું તને કોઈ નુકશાન નહિ પહોંચાડું તેનું વચન આપુ છું.’

આમ તેને મને નુકશાન ન પહોચાડવા નું વચન પણ આપ્યું. પછી મે તેને તેની અધૂરી ઈચ્છાઓ વિશે પૂછ્યું તો તેને ભયંકર હાસ્ય સાથે જણાવ્યું કે ‘તેની ઈચ્છાઓ માં બીજું કઈ નહિ પણ ડરતા લોકો ને ખૂબ ડરાવી ને ભયંકર મૃત્ય આપવાનું હતું.’

આ સાંભળી ને મે તેણે રોકવાનો પણ પ્રયત્ન કર્યો પણ તે મારા થી ન રોકાઈ માટે મે તાંત્રિક નો સહારો લીધો અને વિધિવત તેની આત્મા ને તે રેકોર્ડ બુક માં કેદ કરવી ને કોઈ ના હાથ માં ન આવે તેમ છૂપાવી દીધી.

તાંત્રિક ના કહેવા પ્રમાણે તે રેકોર્ડ બુક ને આ જ લાઇબ્રેરી માં છુપાવવી પડી જો તેને બીજે ક્યાંય છૂપાવવામાં આવે તો તે તેમાં થી થોડા સમય બાદ આઝાદ થઈ જાય તેમ હતી.

ગઈકાલે લગભગ મધ્યરાત્રિ એ મારા ઘર ના દરવાજા પર ટકોરા પડયા. હું જાગી ને નીચે ગઈ તો લોહી થી લથબથ કપડા માં એક છોકરી મારી સામે ઊભી હતી. હું તેને જાણતી હતી તે નીયા હતી. મે નીયા ને કહ્યું,

‘ બેટા, આ સમય એ તું અહી ક્યાંથી? અને તારા કપડા પર આ લોહી ક્યાંથી આવ્યું?’

આ સાંભળી ને નીયા એ જવાબ આપ્યો,
‘ કોણ નીયા? ભૂલી ગઈ મને હું પલક.’

ક્રમશઃ