મૃત્યુ દસ્તક - 7 Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃત્યુ દસ્તક - 7

પ્રેઝન્ટેશન ને વધારે સમય બાકી ન રહ્યો હોવાથી નેહા તેના ક્લાસ તરફ પ્રયાણ કરે છે,. ક્લાસ સુધી જતા પહેલા જ તે ત્રણ સિક્યુરિટી ગાર્ડ ને હોસ્ટેલ માં પ્રવેશ કરતા જુએ છે. તે સમજી જાય છે કે રાત્રે જે ગાર્ડ ડ્યુટી પર હતો તેને શોધવા જ જઈ રહ્યા હશે. નેહા તેને અંદેખું કરી તાત્કાલિક પોતાના ક્લાસ તરફ જતી રહે છે.

રોલ નંબર પ્રમાણે બધા ના પ્રેઝન્ટેશન ચાલુ થઇ જાય છે. નેહા નો વારો આવવાને હજુ ઘણી વાર હોય છે. એટલા માં પેલા સિક્યોરિટી ગાર્ડ ચાલુ પ્રેઝન્ટેશન માં જ ક્લાસ માં આવી ને ધીમે થી ત્યાં બેઠેલા પ્રોફેસર ને કઈક કહે છે. બધા જ વિદ્યાર્થીઓ ની નજર ત્યાં હોય છે એટલા માં પ્રોફેસર નેહા ને સંબોધી ને કહે છે,

‘નેહા, આ સિક્યોરિટી ગાર્ડ ને તારું કઈક કામ છે, અત્યારે તું તેમની સાથે જા તારું પ્રેઝન્ટેશન હું પછી લઈ લઈશ.’

નેહા આ બધું સમજી ગઈ હોય છે માટે તે ચૂપચાપ ઊભી થઈ ને ક્લાસ ની બહાર સિક્યોરિટી સાથે ચાલી જાય છે.

‘મેડમ, ગઈ કાલે રાત્રે હોસ્ટેલ માં બનેલી ઘટના ની પૂછપરછ કરવી છે. રાત્રિ ડ્યુટી ના ગાર્ડ નિલેશભાઈ ડ્યુટી પૂર્ણ થયા બાદ પણ હજુ સુધી ઘરે પહોંચ્યા નથી. હોસ્ટેલ માં તપાસ કરતા અમને રાતે બનેલી ઘટના ની જાણ થઈ છે અને બધી છોકરીઓ એ રાતે તમને કોઈ છોકરા ને છેલ્લે ગાર્ડ સાથે જોયા હતા. ’ એક સિક્યોરિટી ગાર્ડ બોલે છે.

‘તાત્કાલિક તમારી સાથે જે છોકરો હતો તેને પણ અહી બોલાવી લો અમે પોલીસ ને પણ જાણ કરી દઈએ છીએ.’ બીજો ગાર્ડ થોડા ગુસ્સા માં બોલે છે.

'હા… હું હમણાં જ બોલાવી લઉં છું, પણ મહેરબાની કરી ને પોલીસ ને આ વાત માં ન બોલાવો તો સારું આપણે પ્રિન્સિપાલ સાહેબ પાસે જઈએ અને તે જે નિર્ણય કરે તે પ્રમાણે આપણે કરીશું.’ નેહા ગાર્ડ ને શાંત પડતા કહે છે.

‘તમને જેટલું કહ્યું તેટલું કરો અમને અમારું કામ કેવીરીતે કરવું તે શીખવાડવાની જરૂર નથી.’ ગાર્ડ ઉગ્ર થઈ ને બોલે છે.

‘પ્લીઝ, તમે મારી વાત સમજવાનો પ્રયાસ કરો.’ આટલું કહી ને નેહા તપન ને ફોન લગાવે છે.

નેહા ની વાત માં હામી ભરતા બધા થી સિનિયર ગાર્ડ કાનજીભાઈ કહે છે ,

‘આ છોકરી ની વાત સાચી છે આપણે પોલીસ ને બોલાવવા પહેલા બધી હકીકત જાણવી જોઈએ અને પ્રિન્સિપાલ સાહેબ ની પરવાનગી લેવી જોઈએ.’

ફોન ઉપાડતાં ની સાથે જ નેહા ગભરાયેલા અવાજે બોલે છે ‘ જલ્દી થી કોલેજ આવી જા પ્રિન્સિપાલ સાહેબ ની ઓફીસ માં આવજે અને જેટલું બની શકે તેટલું જલ્દી આવ.’

‘તારું તો અત્યારે પ્રેઝન્ટેશન હતું ને તે પૂરું થઈ ગયું?’

‘ તું હું જે કહું છું તેમ કર મારી પાસે સમજવાનો સમય નથી.’

ત્રણેય ગાર્ડ સાથે નેહા પ્રિન્સિપાલ સાહેબ ની ઓફીસ માં અંદર જતા જોઈ ખુશી ને આશ્ચર્ય થાય છે તેથી તે પણ નેહા ની પાછળ પ્રિન્સિપાલ સાહેબ ની ઓફીસ માં જાય છે.

અંદર જતા તેને એક ગાર્ડ રોકવાનો પ્રયત્ન કરે છે પણ જેમતેમ કરી ને ખુશી અંદર પહોંચી જાય છે. એટલા માં તપન પણ ઓફીસ માં આવી ચડે છે. સિક્યોરિટી સાથે ત્રણ વિદ્યાર્થીઓ ને જોઈ ને પ્રિન્સિપાલ સાહેબ ડો. રજત પૂછે છે

‘કઈ પ્રોબ્લેમ થયો છે? અચાનક તમે લોકો અહી મારી ઓફીસ માં?’

સિનિયર ગાર્ડ કાનજીભાઈ જવાબ આપે છે ‘ હા, સાહેબ હોસ્ટેલ માં રાત્રિ ડ્યુટી કરતા નિલેશભાઈ નો કોઈ અતોપતો નથી અને હોસ્ટેલ માં તપાસ કરતા આ છોકરો અને આ છોકરી નેહા ને છેલ્લે તેમની સાથે જોવામાં આવ્યા હતા.’

સાહેબ નેહાની તરફ જુએ છે અને પૂછે છે,

‘ શું છે આ બધું? કોઈ મને સમજાવશે?’

નેહા રાત્રે બનેલી ઘટના નું અક્ષરસઃ વર્ણન કરે છે. ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ ના શરીર માં ભય નું લખલખું પ્રસરી જાય છે.

ખુશી નેહા તરફ જોઈ ને પૂછે છે,

‘તો તું એવું કહેવા માગે છે કે મને જે રાત્રે સપનું આવ્યું તે સપનું નહિ પણ હકીકત છે?’

‘ હા, તે મને તારા સપના વિશે કશું જ કહ્યું નથી છતાં પણ એક એક ઘટના મે તારા સપના મુજબ જ વર્ણવી છે ને?’

ખુશી ડર થી ફક્ત માથું ધુણાવી ને હામી ભરે છે.

પ્રિન્સિપાલ સાહેબ અચાનક બોલી ઊઠે છે,

‘જો તમે કહો છો તેવી કોઈ ઘટના બની હોય તો સવાર થી લાઇબ્રેરી માં કોઈ એ તો નિલેશભાઈ ને ઘાયલ કે મૃત હાલતમાં જોયા જ હોય ને?’


બધા એકબીજા ની સામે જુએ છે, સાહેબ ની વાત તો બિલકુલ સાચી છે પરંતુ કોઈ એવા સમાચાર આવ્યા જ નથી તો તેનું શું કારણ હોઈ શકે? સિનિયર ગાર્ડ પ્રિન્સિપાલ સાહેબ ની સામે જોઈ ને બોલે છે,

‘તો ચાલો ને આપણે ત્યાં જઈ ને તપાસ કરીએ અને જો આવું કંઈ સાચું હોય તો જલ્દી થી બીજું કોઈ જીવ ગુમાવે તે પહેલા હોસ્ટેલ ખાલી કરાવી દઈએ.’

બધા તાત્કાલિક લાઇબ્રેરી તરફ પ્રયાણ કરે છે. મોટી વિશાળ લાઇબ્રેરી માં શરૂઆત માં જ ટેબલ પર કોમ્પુટર સાથે મિસ. ઋજુતા બેઠા હોય છે. આમ આટલા બધા લોકો ને પ્રિન્સિપાલ સાહેબ સાથે આવતા જોઈ ને પૂછે છે,

‘કેમ આટલા બધા લોકો સિકયુરિટી ગાર્ડ સાથે લાઇબ્રેરી ની મુલાકાતે?’

પ્રિન્સિપાલ સાહેબ વધારે કઈ ન જણાવતા ખાલી એટલું કહે છે ‘અમારે એક કામ છે અત્યારે તમને સમજાવવાનો કે વાત કરવાનો સમય નથી.’

મિસ ઋજુતા નો પણ સ્વભાવ કઈક અલગ જ હતો તે સામાન્ય રીતે પોતાના કામ થી કામ રાખતા હતા તેથી તે પોતાની જગ્યા એ બેસી જાય છે, અને કોમ્પુટર માં બુક ની એન્ટ્રી નું કામ કરવા લાગે છે.

નેહા તાત્કાલિક લાઇબ્રેરી નું રજિસ્ટર જુએ છે અને બોલે છે,

‘આજે કુલ ૨૪ લોકો એ લાઇબ્રેરી ની મુલાકાત લીધી છે અને સારી વાત એ છે કે દરેક ની સામે બહાર જવાનો સમય પણ દર્જ કરેલ છે. મતલબ કે બધા સલામત છે.’

ડો રજત જવાબ આપે છે,

‘ બની શકે કે કોઈ એ જગ્યા સુધી ગયું જ ન હોય, કારણકે આપણી લાઇબ્રેરી માં જરૂરી પુસ્તકો ની ગોઠવણી આગળ ની બાજુ એ જ કરી છે અને જે જગ્યા ની તમે વાત કરો છો ત્યાં તો સામાન્ય રીતે કોલેજ ના જૂના રેકોર્ડ જ સાચવવામાં આવ્યા છે.’

ગાર્ડ સાથે બધા જ ઘટના ના સ્થળ તરફ આગળ વધે છે. જેમ જેમ લાઇબ્રેરી માં અંદર ની તરફ જતા જાય છે તેમ તેમ કુદરતી પ્રકાશ ઝાંખો થતો જાય છે અને કૃત્રિમ પ્રકાશ તે પ્રકાશ નું સ્થાન લઈ રહ્યો હોય છે. લગભગ અડધે પહોંચ્યા બાદ એક વિચિત્ર ગંધ આવવાની શરૂ થઈ જાય છે, આ ગંધ પણ આગળ જતાં તીવ્ર થતી જણાય છે. બધા ના કપાળ પર પરસેવો બિંદુ સ્વરૂપે દેખાતો હોય છે. એટલા માં એક ગાર્ડ પોતાનું મૌન તોડી ને નીરવ વાતાવરણ માં વિક્ષેભ ઉભો કરે છે,


‘સાહેબ, મારે આવતી કાલ થી રાત્રિ ડ્યુટી છે તો હું અહી થી જ પાછો જવા ઇચ્છુ છું. મારા મન માં બીક અને વહેમ બેસી જશે તો મારા માટે થોડું મુશ્કેલ થઈ જશે રાતે ડ્યુટી કરવું.’

સિનિયર ગાર્ડ કાનજીભાઈ જવાબ આપતા કહે છે ‘ જે કોઈ ને પણ અહી થી પાછું જવું હોય તે જઈ શકે છે. મને આ ભૂતડા ઓ નો ડર નથી લાગતો. બજરંગબલી મારી સાથે જ છે.’

સિનિયર ગાર્ડ કાનજીભાઈ સિવાય ના બંને બધાં ગાર્ડ પાછા ફરી જાય છે હવે માત્ર નેહા, તપન, ખુશી, ડો.રજત સાહેબ અને ગાર્ડ કાનજીભાઈ જ રહ્યા હોય છે. ધીરે ધીરે છેલ્લો કબાટ નજીક આવતો જાય છે તેમ તેમ અતિશય તીવ્ર ગંધ ફેલાતી જાય છે. બધા પોતાના નાક ને રૂમાલ વડે ઢાંકી દે છે. અચાનક ખુશી ના પગ ની નીચે કઈક આવે છે. તે નીચે તરફ નજર કરે છે તો ચીસ નીકળી જાય છે. તેના પગ નીચે લોહી થી લથબથ શરીર થી છૂટો પડી ગયેલો હાથ હોય છે. આ દૃશ્ય જોઈ ને તો ઉપસ્થિત દરેક ને ભય ઘેરી લે છે.

ક્રમશઃ