જબરું લાયા  Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જબરું લાયા 

જતીન ભટ્ટ (નિજ) રચિત એક હાસ્ય રચના :





અમારા આ જયેશ તુક્કા ને આઇડિયા આવ્યો કે,

પહેલા તો તમને અમારા બધા ની ઓળખાણ આપી દઉં,
અમે એટલે કે હું, ભગો એંગલ અને જયેશ તુક્કો..અમે ત્રણ સાથે નાને થી મોટા થયેલા, અને ધમાલિયા પણ જબરા,
મારા વિશે તમને બધાને ખ્યાલ તો છે જ, શાંત, સોબર વ્યક્તિત્વ નો માલિક (આમાં હસવાનું શું છે યાર) ,
બીજો ભગો એંગલ, એના હાથ હટપટ થયા જ કરતા હોય, અને કાયમ હાથ થી (એના જ હાથ ભાઈ) અદ્રશ્ય એંગલ બનાવ્યા કરે, એટલે નામ પડ્યું ભગો એંગલ , જેને તમે આગળ મળી ચૂક્યા છો (વાર્તા : ભગો એંગલ) ,
અને ત્રીજો આ જયેશ તુક્કો ,
આ અમારા જયેશ ને નવા નવા આઇડિયા એટલે કે તુક્કા બહુ આવે એટલે જયેશ ને જયેશ તુક્કો કહીને બોલાવીએ,
એનો તુક્કો કામ લાગી જાય તો લાગી જાય નઈ તો પછી તુક્કો જ કહેવાય ને...

તો જયેશ તુક્કા ને આઇડિયા (તુક્કો) આવ્યો કે મોટી મોટી કંપનીઓ તો ટીવી પર એડ. આપે છે,એમને તો પોસાય,
પણ નાના ધંધા વાળા નું શું? એમને પણ ટીવી પર એડ. આપવાનો હક છે.,

એટલે એણે નક્કી કર્યું કે દરજી, કેશ કર્તનકાર, પાન ના ગલ્લાવાળો વગેરે ની પણ એડ કરીએ, અને કમસે કમ લોકલ ચેનલ પર તો આપીએ?

બીજો આઇડિયા એ આયો કે એમની પાસેથી રેન્ડમલી ડાયલોગ બોલાવી દેવાના.. સ્ક્રિપ્ટ બનાવવાની જ નઈ, કેમ કે પાછું એના પણ પૈસા તો લાગે જ ને? ,
પછી એડિટિંગ માં જોઈ લઈશું,

તો પ્રસ્તુત છે જયલા ની ફોટોગ્રાફી, ડિરેક્શન અને જે તે દુકાન વાળા ના રેન્ડમલી ડાયલોગ વાળી એડ. .....,


દરજી :

કેમેરો દરજી ની દુકાન માં જાય છે, આજુબાજુ લટકાવેલા પેંટ અને શર્ટ ભણી જાય છે, ધીમે ધીમે મેઈન કલાકાર યાને માલિક યાને દરજી પાસે જઈ ને પૂછપરછ શરૂ કરી,

ડિરેક્ટર(જયેશ તુક્કો ) : 'હા તો કાનજી ભાઈ તમે જે શર્ટ બનાવો છો, તો એની શું ખાસિયત છે? '

' આમ તો સામાન્ય શર્ટ ની જેમ શર્ટ જ છે, પણ એની ખાસિયત એના કોલર માં છે'

હવે કેમેરો શર્ટ ના કોલર થી સ્ટાર્ટ થાય છે,

મોડેલ (એટલે માલિક એટલે કાનજી પોતે) : આમ તો સામાન્ય કોલર ની જેમ કોલર જ છે પણ આમાં થોડી જગ્યા રાખેલી છે'

' કેમ '

' એમાં એવી સિસ્ટમ રાખેલી છે કે, આ કોલર કોઈ બોચી એથી પકડે તો એનો હાથ લસરી જાય'

'શું વાત કરો '

'હા, કેમ કે અંદર ઓઈલ ની નાની અમસ્તી ડબ્બી મુકેલી છે '

' પણ કેમ '

' કારણકે કોઈ ઉઘરાણી વાળો આવ્યો હોય અને બોચી પકડે તો ખાલી આ દોરી ખેંચવાની એટલે કોલર પર ઓઈલ પ્રસરી જાય, એટલે પેલા લેણદાર નો હાથ ચીકણો થશે એટલે એ ચમકી ને કોલર છોડી દેહે એટલે પેલા ને ભાગવા નો ટાઈમ મળી જાહે',

'જબરું જોરદાર લાયા તમે તો,
ઓકે, હા તો કાનજીભાઈ, હવે તમે જે પેંટ બનાવી ને વેચો છો, એની શું ખાસિયત છે?'

'એક તો'

કેમેરો પેંટ ની મોરી ભણી જાય છે,

'આની મોરી જુઓ, એટલી સરસ સિલાઈ મારી છે કે કોઈ જગ્યાએથી ખુલશે જ નઈ,
અને પેન્ટ ઘસડાય તોય મોરી ને કઈ થાય નઈ'
'
'કેમ?'

'કારણ કે મોરી ને લેમિનેશન કરેલ છે!!!!!!!!
અને હવે આ ઉપર નો ભાગ જુઓ'

કેમેરો પેંટ ની ઉપર જાય છે,

કાનજી પેંટ ની ઉપરના ભાગે આંગળી મૂકીને
"આના કાંટા જુઓ, તમે પટો ગમે તેટલો પહોળો પહેરો તોય બરાબર જ આઈ જાય, અને તમારા ઘરની ખીંટી એ પણ કાંટા વળે જ પેંટ લટકાવવાનો, અને હવે આ જુઓ, પેંટ ફીટ કરવાની ક્લિપ ઈમ્પોર્ટેડ છે, અને આ અંદર નું ખિસ્સું પણ જુઓ, ચોર ને ખબર જ ના પડે, અને હવે એની ચેઈન જુઓ '

કેમેરો ચેઈન ભણી જાય છે

કાનજી ચેઇન ને ઉપર નીચે કરે છે,
' જુઓ આ ચેઇન, આ પણ ઈમ્પોર્ટેડ છે, તમને, ગમે તેટલી વખત ઈમરજન્સી આવે, ચેઈન ફટ દઈને ખુલી જ જાય, અને પછી તરત બંધ પણ થઈ જાય'

'????!!!! '

' અરે જાતે બંધ ના થાય, આપણે જ ચેઇન બંધ કરવાની ભાઈ' '.......



'એની માનું' બોલીને જયેશ તુક્કા ને બહાર જઈ ને એક પેઈન કિલર લેવી પડી, (ખિસ્સામાં રાખી જ હતી)...


ને હવે એ કેશ કર્તનકાર પાસે ગયો,

કેશ કર્તનકાર :

કેમેરો હેર સ્પા ની અંદર જાય છે,

મોડેલ (એટલે માલિક લા) આખું સ્પા બતાવે છે...
સાથે ડાયલોગ પણ ચાલુ જ હોય છે...

ડિરેક્ટર (એટલે જયેશ તુક્કો લા ભાઈ) :

હા તો રમણ, તમારી સ્પા ની કોઈ ખાસ ચીજ છે? જે તમારા સલૂન ને બીજા બધા કરતા અલગ પાડતું હોય,
મોડેલ(એટલે રમણીયો) : 'છે ને, જુઓ આ ખુરશી, આગળ પણ ઝૂલે અને તમે નઈ માનો પાછળ પણ ઝૂલે, માથું એડજસ્ટ થાય તેવો સળિયો પણ માથા પાછળ છે,
અને, આ જુઓ, આ અમારી પેન ડ્રાઇવ, એમાં અમે દુનિયાભર ના હોરર સિનેમા, ટીવી શો નાખેલા છે,'

' કેમ '

' કારણ કે કોઈ કસ્ટમર તેલ નાખી ને આવે(માથા માં જ હોય ને યાર) તો વાળ ચપ્પટ થઈ ગયેલા હોય, તો એવા વાળ ને ઉભા કરવા આ પેન ડ્રાઇવ ટીવી પર લગાવી દઈએ, એટલે શું કે વાળ કાંટા ની જેમ ઊભા થઈ જાય અને મસ્ત વાળ કપાઈ જાય , અને હા સાથે હોરર સ્ટોરીઓ ની ચોપડીઓ પણ છે'

' તમે તો જોરદાર આઇડિયા લાયા, આના સિવાય હજી કોઈ સ્પેશિયલ '

' છે ને , આખી સિટી માં અમે જ કસ્ટમર ના કાન, નાક અને _________ના વાળ કાપીએ છીએ અને એ પણ તદ્દન ફ્રી માં....!!!!!! '



બહાર નીકળી ને જયેશ તુક્કા ને બીજી પેઇન કિલર લેવી પડી...,

ચાલ રે જયલા હવે પાન ના ગલ્લા પર,...

પાનનો ગલ્લો :

કેમેરા અંદર જાય એવું છે જ નઈ,
એટલે તુક્કા એ બહાર થી જ શરૂઆત કરી,

' હા તો દેવા ભાઈ, બધા પાન ના ગલ્લા કરતા તમારો ગલ્લો કઈ રીતે અલગ પડે? '

'પહેલા તો જુઓ આ અમારો કટકો, બીજા બધા ના ગલ્લાઓ માં લાલ જ હોય , પણ અમારે ત્યાં અમે સફેદ કટકો લાવી ને લાલ કરીએ છીએ,
અને હા આ જ કટકાથી માખી હો મારીએ હોં , બીજું કે અમે જે માવો બનાવીએ છીએ તેમાં તમાકું, કીમામ, સોપારી, આ બધું ઓર્ગેનિક ખાતર વાળુ હોય, '

(જયેશ મનમાં વિચારે કે અલા પણ શરીર ને નુકશાન તો કરે જ ને)

' અચ્છા બીજી કોઈ ખાસિયત'

'છે ને, જુઓ આ સળિયો, આનાથી અમે પાન પર ચૂનો લગાવીએ અને ગુલકંદ પણ લગાવીએ, અને કોઈ વખત પીઠ પણ ખંજવાળી લઈએ,
અને બાપુ એક વાત પણ નોંધી લો, હું પાન ને જ ચૂનો લગાવું છું...બીજાને નઈ...... !!!!!!'


જયેશ તુક્કો માથું ખંજવાળતા મનોમન ;
સાલું જબરું લાયા આ લોકો તો, આ લોકો માટે તો સ્ક્રિપ્ટ બનાવવી જ પડશે,
.
.
.
.
.
.
.
.
.
.
.

..જતીન ભટ્ટ (નિજ)