પુનર્જન્મ - 6 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

પુનર્જન્મ - 6

પુનર્જન્મ 06
સવારે અનિકેત ઉઠ્યો. તૈયાર થઈ અરીસા સામે ઉભો રહ્યો. ડાર્ક ગ્રે કલરનું જીન્સનું પેન્ટ , ગ્રે કલરનો બેલ્ટ , ગ્રે કલરના શૂઝ , ઉપર વ્હાઇટ શર્ટ , હાથમાં ઘડિયાળ. મોબાઈલ લઈ એણે શર્ટના ગજવામાં મુક્યો. એક લેધર પર્સ ગજવામાં મુક્યું. અને અરીસામાં એ પોતાને જોઈ રહ્યો. જેલમાં જવાથી ચહેરાની કુમાશ સ્હેજ ઓછી થઈ હતી. પણ વાંકડિયા લાંબા વ્યવસ્થિત વાળ કપાળ પર લહેરાતા હતા.

અનિકેત તમામ રૂપિયા સાથે લઈને નીકળ્યો. એ હોટલ પર રૂપિયા રાખવાનું ઉચિત સમજતો નહતો. એણે રાત્રે ખૂબ વિચાર્યું હતું. એને એક વસ્તુ મગજમાં સ્પષ્ટ હતી. એણે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની હતી. માતા પિતાના આત્માને શાંતિ આપવાની હતી. અને રૂપિયા... એ મોડી રાત સુધી વિચારતો રહ્યો. રૂપિયા વગર એનું બાળપણ સરસ જ ગયું હતું. પિતા ગરીબ હતા. પિતાના મૃત્યુ પછી પણ ગરીબી હતી. પણ છતાં ખૂબ શાંતિ ભર્યું જીવન હતું. પણ પછી સમય બદલાયો. પોતાની જોડે જે થયું એના પછી હવે જે આ તક આવી છે તેને એ છોડવા નહોતો માંગતો.
પણ આ કામ માટે એને માણસોની જરૂર પડશે. બીજી ઘણી વસ્તુઓની જરૂર પડશે. અને એણે મગજમાં એક આછી રૂપરેખા બનાવવાની કોશિશ કરી. પોતાની તૈયારી માટે તો એ કંઈક વિચારી શકતો હતો પણ સુધીર માટે એ કંઈ વિચારી શકતો નહતો.
એ એક સેકન્ડહેન્ડ ફોર વ્હિલરની મોટી દુકાન આગળ આવી ઉભો રહ્યો. એ વિચારી રહ્યો હતો , રૂપિયામાં કેટલી તાકાત છે. પોતે સ્વપ્નમાં પણ વિચારી શકતો નહતો કે પોતીની પાસે ફોર વ્હિલર કે આટલા રૂપિયા હોય. પણ એને એ પણ ખબર હતી કે આવકનો આ સ્ત્રોત હંમેશાનો નથી.
એણે ઘણીબધી ગાડીઓ જોઈ અને પોતાની જરૂરિયાત પ્રમાણે એક જીપ પસંદ કરી. એના માટે જરૂરી કાગળો આપી. રોકડ પેમેન્ટ કરી ગાડીની ડિલિવરી લઈ લીધી. કાગળો કરવા માં જ લગભગ દોઢ કલાક જેવું થયું.
ફોર વ્હિલર ચલાવે સાત વર્ષ થઈ ગયા હતા. મનમાં એક ખચવાટ થતો હતો. અનિકેતે હોટલનું એડ્રેસ આપ્યું અને સાંજે સાત વાગે હોટલ પર ડિલિવરી કરી આપવા સૂચના આપી.

બપોરનો એક વાગ્યો હતો. એ એક સારી હોટલ માં જમ્યો અને રિક્ષા કરી એ સેન્ટ્રલ જેલ પર આવી ને ઉભો રહ્યો જયાંથી છૂટે એને ગણતરીના દિવસો જ થયા હતા.

************************

જેલમાં કેવી રીતે કામ કઢાવવુ એ એને ખબર હતી. મેઈન દરવાજાની અંદર કેદીઓને મળવા આવનાર ઉભા રહેતા. પછીનો દરવાજો પસાર કર્યા પછી જેલની ઓફિસો આવતી. એના પછી કેદીઓને અંદર લઈ જવાનો દરવાજો આવતો. જેમાં સમાજના ગુન્હેગારો , ખૂની , બળાત્કારી , ચોર , લૂંટારાને પુરવામાં આવતા જેથી સમાજ શાંતિથી રહી શકે.
પોતે પણ એક સમયે ગુન્હેગાર તરીકે આ દરવાજા ની અંદર ગયો હતો. આ જ દરવાજે થી. અંધકાર જીવન નો ભય લઈ ને... શરૂઆત માં રડી રડીને એણે દિવસો કાઢ્યા હતા. પણ એ દિવસો , ઓહ દિવસો નહિ વર્ષો પણ પુરા થયા. અને પોતે આઝાદ થયો. આજે અનિકેત એ જ દરવાજામાં પગ મૂકી ફરી જેલની ઓફીસમાં આવ્યો હતો.
એની પાસે કેટલાક નામ હતા. કેદીઓ ના.... કેટલાક જેલ માંથી છૂટી ગયા હતાં. અને કેટલાક જેલ માંથી છૂટવાના બાકી હતા. જેલના રજીસ્ટર માંથી એ એડ્રેસ કાગળમાં ટપકાવતો રહ્યો. આમ તો આ કામ મુશ્કેલ હતું. પણ હજુ એ હમણાં જ જેલ માંથી છૂટ્યો હતો. એટલે હજુ જેલર એના સારા વર્તન માટે ઓળખતા હતા.
એને આ કામ માં લગભગ બે કલાક થયા. પણ મન માં એક સંતોષ સાથે એ બહાર નીકળ્યો.
*************************

હોટલ પર એ આવ્યો ત્યારે લગભગ સાંજના પાંચ વાગ્યા હતા. કાઉન્ટર પર ઘનશ્યામ બેઠો હતો. અનિકેત એના ચહેરા પર એ જ ઉષ્મા સભર હાસ્ય સાથે ઘનશ્યામને મળ્યો. થોડી પરચુરણ વાતો કરી.
' ઘનશ્યામભાઈ તમે સવારે આઠ વાગે આવશો. '
' યસ સર.'
' કાલે હું ચેક આઉટ કરીશ. પણ તમે આવો પછી હું તમને મળીને જઈશ.તમે બિલ બનાવી રાખજો. '
' શ્યોર સર, અત્યારે કંઈ લેશો. ચ્હા કે કોફી ? '
' એક કામ કરો એક સ્ટ્રોંગ કોફી અને ડબલ ચીઝ સેન્ડવિચ. અને બીજું , કોઈ મારા નામથી આવે તો મને કોલ કરજો.હું રૂમ પર જ છું. '
' ઓકે. સર. '
અનિકેત કપડાં બદલી હાથ પગ ધોઈ બાથરૂમ માંથી બહાર આવ્યો અને દરવાજે કોઈએ નોક કર્યું.
મોહન આવ્યો. એક ટ્રે માં કોફી અને સેન્ડવિચ લાવી એણે ટીપોઈ પર મુક્યા. અનિકેતે મોહન સામે હસી ને સિગારેટ ઓફર કરી. મોહન એક સિગરેટ સળગાવી ખુશ થયો.
અનિકેતનો હસતો ચહેરો અને વર્તન કોઈને પણ વશ માં કરવા માટે પૂરતા હતા.
હાથમાં કોફીનો મગ લઈને એ વિચારતો રહ્યો. જેલ ના દરવાજાની બહાર પગ મુકતા એણે નહોતી વિચારી એવી ઘટનાઓ છેલ્લા દિવસોમાં એની સાથે બની હતી. પહેલાં પણ એવી ઘટનાઓ એના જીવનમાં બની હતી. જેની એણે કલ્પના કરી ન હતી. બસ હવે નહિ. પ્રભુ , હવે શાંતિ આપજે. ફરી એનું મન ભૂતકાળના ઉંડા ઓથાર ની નીચે ભટકવા લાગ્યું.
***************************

સર્વીસ ફોન પર રીંગ વાગતી હતી. અનિકેતે ફોન ઉઠાવ્યો. ઘનશ્યામનો ફોન હતો.
' સર , કોઈ વ્યક્તિ આપને બોલાવે છે. '
અનિકેત રૂમ બંધ કરી નીચે આવ્યો. એક માણસ એની રાહ જોઈ ઉભો હતો.
' અનિકેત સર. '
' યસ. '
' સર , તમારી ગાડી આવી ગઈ છે. '
' યસ , વેલ. '
હોટલના આંગણમાં ઉભેલી ગાડીને એ જોઈ રહ્યો. કાશ જો મા , બાપુ જીવતા હોત અને એક ખુશીના માહોલમાં હું એમને ગાડીમાં બેસાડી ગામમાં ફેરવતો હોત. એણે ગાડી વ્યવસ્થિત પાર્ક કરાવી અને રૂમ પર આવી ગયો.

******************************

સવારે પાંચ વાગે એ ઉઠ્યો. બ્રશ કરી , ચ્હા પી ને એ બહાર નીકળ્યો. બહાર નહિવત ટ્રાફિક હતો. ગાડી કેટલી આવડે છે એ જોવાનો આ ઉચિત સમય હતો. ગાડી પાસે આવી એ ઉભો રહ્યો. મન માં વિચાર આવ્યો. સામાન્ય સંજોગો હોત તો વ્હાલી બહેન પાસે ચાંલ્લા કરાવી , ફુલહાર ચડાવી , ગાડીને ઇગ્નિશન અપાવત. ખેર... એ આગળ વધ્યો. સાત વર્ષ ઘણો સમય હોય છે. પણ શીખેલી વસ્તુ એમ ભુલાતી નથી.
ગાડી ન્યુટ્રલ કરી. ઇગ્નિશન આપ્યું. ગાડી સ્ટાર્ટ થઈ. એણે કલચ , બ્રેક અને અકસિલેટર પર પગ મૂકી ચેક કર્યું. હેન્ડ બ્રેક રિલીઝ કરી , કલચ દબાવી ગિયર રિવર્સ માં કર્યો અને બ્રેક પર પગ તૈયાર રાખી સ્હેજ કલચ છોડ્યો. ગાડી ઝટકો ખાઈ બંધ થઈ ગઈ. એ મન માં હસ્યો. ફરી વાર ટ્રાય કર્યો. ગાડી રિવર્સમાં ગઈ. બ્રેક લગાવી , કલચ દબાવી , ગિયર ફર્સ્ટમાં મૂકી કલચ છોડ્યો. ગાડી આગળ મુવ થઈ. બ્રેક પર થી પગ ઉઠાવી એક્સિલેટર પર મુક્યો. ગાડી રોડ પર સડસડાટ આગળ ચાલી.. ગાડીમાં પેટ્રોલ નહિવત હતું.
ગાડી નવી ખરીદો , ગમે તેટલી મોંઘી ખરીદો. પણ પેટ્રોલ નહિવત જ હોય. એ પેટ્રોલ પુરાવી લગભગ બે કલાકે પાછો આવ્યો ત્યારે એનો ગાડી ચલાવવાનો આત્મવિશ્વાસ બુલંદ હતો.

************************

લગભગ સવા નવ વાગે એ એક નાની બેગમાં રૂપિયા અને ઉપર થોડા કપડાં અને બીજી બેગમાં બીજો સામાન ભરી તૈયાર થયો.
કાઉન્ટર ઉપર ઘનશ્યામ આવી ગયો હતો.
' ઘનશ્યામભાઈ , ગુડ મોર્નિગ. '
' ગુડ મોર્નિગ સર. '
' કેમ છો ? '
' ફાઇન સર , તમારું બિલ. '
અનિકેતે બિલના રૂપિયા ચૂકવ્યા. બધાને ટીપ આપી. બધો સ્ટાફ અનિકેતના સ્વભાવથી ખુશ હતો. ઘનશ્યામેં અનિકેતને પોતાનું પર્સનલ કાર્ડ આપ્યું. ' સર , ક્યારેય પણ કંઈ પણ કામ હોય તો ફોન કરજો. '
' ઓકે , ચોક્કસ.'
અનિકેત જીપમાં બન્ને બેગ મૂકી અને રવાના થયો.
( ક્રમશ : )