Featured Books
શ્રેણી
શેયર કરો

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૩૧ )

ફ્લેશબેક

પાછળના પ્રકરણમાં આપણે જોયું કે સ્વાતિ મહેન્દ્રભાઈ અને સોમચંદ ત્યાં લક્ષ્મણજુલા પાસે જાય છે જ્યાં રાજેશભાઈ સાધુ સાથે એમને ભેટ થાય છે કે જે તેમનું ભૂતકાળ સારી રીતે જાણતા હતા અને હરિદ્વાર આવતા ગાયબ થઈ ગયેલો બાબુડો એમની પાસે મળે છે જે પેલા સાધુ નો શિષ્ય હતો . આ સાધુ સ્વાતિને સોમવતી નામે ઓળખે છે અને આના માટેનું કારણ નીચે મુજબ ખુલાસો આપે છે .

ભાગ ૩૧ શરૂ


( એમને આખી વાત હિન્દી-બંગાળી-ગુજરાતી એમ મિક્ષ ભાષામાં કહ્યું સરળતા માટે હવે પછીના સંવાદ ગુજરાતીમાં લખવામાં આવ્યો છે )
" ૯ મી સદીની વાત છે , ઇસ. ૮૪૯ માં એક ઘટના ઘટી હતી . હાલનો હિમાચલ પ્રદેશમાં તે સમયમાં ગુર્જર-પ્રતિહાર વંશના શાસન હેઠળ હતો જેની સ્થાપના પરાક્રમી રાજા નાગભટ્ટે માત્ર ૨૫ વર્ષની વયે ઇસ. ૭૨૫ માં કરી હતી . એમના રાજમાં ગુર્જર-પ્રતિહારનું સામ્રાજ્ય દસે દિશામાં ફેલાયું અને વિસ્તર્યું હતું .નાગભટ્ટ પછી એમના દીકરા નાગભટ્ટ બીજાએ શાસન કર્યું . ઇસ.૮૪૯માં ગુર્જર-પ્રતિહાર સામ્રાજ્યમાં રાજા રામભદ્ર ત્યારની રાજધાની કનૌજ પર શાસન કરી રહ્યા હતા . રાજા રામભદ્ર એ નાગભટ્ટનો વંશજ હોવા છતાં ડરપોક હતો. એના રાજમાં ગુર્જર-પ્રતિહારના મોટા ભાગના ક્ષેત્ર પર અરબી મુસ્લિમ શાસકો દ્વારા હુમલા થયા અને એમના પર કબજો જમાવવા લાગ્યા હતા. આક્રમણથી બચવા માટે એકમાત્ર ઉપાય સંધિ હતો . ત્યારે ત્રિકોણીય સંધી રચાઈ જેમાં પશ્ચિમ અને ઉત્તરનું પ્રતિહાર સામ્રાજ્ય , પૂર્વ બંગાળનું પાલ સામ્રાજ્ય અને દક્ષિણનું રાષ્ટ્રકુટ સામ્રાજ્ય એકસાથે જોડાયું . ત્રિકોણીય સંધી પણ નિષ્ફળ જતા ખૂબ વિકટ પરિસ્થિતિ આવી હતી. પરિસ્થિતિને વશ થઈને કનૌજના એક સાધારણ પરંતુ બહાદુર એવા જશધવનનું મહારાજ જશધવન તરીકે રાજતીલક કરાયું . જશધવન એ પરાક્રમી ભરવાડ હતો જેને માત્ર ૧૧ વર્ષની વયે એક બાળકીને સફેદ રીંછથી બચાવી હતી . જશધવનની એજ બહાદુરી ,શૌર્ય અને પરાક્રમથી મોટા ભાગના ગુર્જર-પ્રતિહાર ક્ષેત્ર સહિત અન્ય વિસ્તાર પર પણ ફરીવાર વિજયસ્થંભ લહેરાવા લાગ્યો . રાજા જશધવનની કીર્તિ હવે દશે દિશામાં જોર ઔર શોરથી પ્રસરવા લાગી હતી. રાજાના લગ્ન બલામ્પા નામની સુંદર રાજકુમારી સાથે થયા હતા .એમના આખા જીવન દરમિયાન એમને ઘણા ક્ષેત્રો પર વિજય મેળવ્યો અનેક સાહસી પરાક્રમોથી નામના મેળવી . એમના ખોફથી દુશ્મનો થરથર કાંપવા લાગતા તેથી ભરતદેશ હવે અરબી મુસ્લિમ આક્રમણોખોરો થી સુરક્ષિત હતો . બસ એક જ વાતનું દુઃખ હતું , રાજા જશધવન હવે વૃદ્ધ થવા આવ્યા હતા , એમની તાકાત ક્ષીણ થતી જતી હતી . લગ્નના આટલા વર્ષો પછી પણ એમને પુત્ર પ્રાપ્તિનું સુખ મળ્યું નહોતું . તેથી એમના રાજગુરુ મહર્ષિ વરુણધ્વનિએ રાજાને આશીર્વાદ આપી નંદાદેવી રાજજાત યાત્રા કરવા સૂચવ્યું. નંદાદેવી રાજજાત યાત્રા લગભગ ૨૮૦ કિલોમીટર લાંબી યાત્રા હતી જેને પગપાળા સંપન્ન કરવાની હતી . રાજા પોતાના થોડા અંગત માણસો સાથે લઈને યાત્રા કરવા નીકળી પડ્યા . આ યાત્રા પગપાળા પુરી કરવાની હતી , માત્ર એટલું જ નહિ પરંતુ લગભગ ૫૦ કિલોમીટરની યાત્રા ખુલ્લા પગે કરવાની હતી . નંદાદેવી રાજજાત યાત્રાનો માર્ગ ગાઢ જંગલો , પથરાળ રસ્તાઓ , દુર્ગમ પર્વતોની ચોટીઓ અને બરફ આચ્છાદિત પર્વતો માંથી પસાર થતો હતો . છતાં રાજાએ પોતાની હિંમત હાર્યા વગર ૧૨ દિવસ સુધી દિવસ-રાત સતત ચાલીને આ યાત્રા સંપન્ન કરી અને પાછા આવતા પહેલા જ એમની પત્ની ગર્ભવતી હોવાના શુભ સમાચાર મળ્યા . રાજાની ભક્તિથી ખુશ થઈને ખુદ માતા નંદાદેવી એક દીકરી સ્વરૂપે બલામ્પાની કુખે જન્મ લીધો હતો . દિકરી જન્મી હોવાની વાતની રાજાને ખબર પડતા જ રાજા જશધવનને ખૂબ ગુસ્સો આવે છે કારણ કે એ પોતાના સામ્રાજ્યને આગળ વધારવા માટે એક વારસદાર ઈચ્છતો હતો . ગુસ્સે ભરાયેલો રાજા બાળકીને લઈને એને મારવા માટે જાય છે , ત્યાં રાણી બલામ્પા એને રોકે છે . રાજાનો ગુસ્સો કેમે કરીને શાંત ન થતા બલામ્પા મહર્ષિ વરુણધ્વનિ પાસે મદદ માંગવા જાય છે . મહર્ષિ વરુણધ્વનિ રાજાને આ કામ (બાળકીને મારવાનું ) કાલ સવારે કરવા મનાવી લે છે . એજ રાત્રીએ મહર્ષિ વરુણધ્વનિ એ પુત્રીને રાણીની ઈચ્છા અનુસાર કનૌતથી ખૂબ દૂર લઈ જાય છે . જેને મહર્ષિ સોમવતી નામ આપે છે "

પેલા સફેદ દાઢી વાળા સાધુ પોતાની સામે બેઠેલા બધા વ્યક્તિ સામે દ્રષ્ટિ કરે છે . બધા આ કહાણી સાંભળી મંત્રમુગ્ધ બની ગયા હતા . જાણે ખુલ્લી આંખે સુઈ રહ્યા હોય એમ લાગતું હતુ . જાણે બધી ઘટના એમની પોતાની આંખો સામે ફરી ઘટી રહી હોય અને પોતે એ ઘટના માં કોઈ પાત્ર ભજવી રહ્યા હોય એવું અનુભવી રહ્યા હતા . એમની આંખ સામે જ બધું સાક્ષાત બની રહ્યું હતું એ હકીકત હતી કે પછી પોતાના મગજનો ભ્રમ ...!? એ કોઈ જાણતું નહોતું , પરંતુ આખી ઘટના સૌ નજરે સાક્ષી બની રહ્યા હતા .

પેલા સાધુએ વાત આગળ વધારતા કહ્યું " સોમવતીનું આગળ શુ થયું એ વાત આપડે પછીથી કરીશું . રાજા ફરીવાર આ યાત્રા કરવાનું પ્રારંભ કરે છે , પરંતુ ગુસ્સે ભરાયેલો રાજા જશધવન પોતાની સાથે રાણી બલામ્પા સહિત અન્ય નર્તકીઓ, મૂંઝરો કરનારી વેશ્યાઓ, સંગીતકારો અને અન્ય ભોગવિલાસ સાથે જોરશોરથી યાત્રા પ્રારંભ કરે છે .કહેવાય છે ગુસ્સો માણસના મગજને ભ્રષ્ટ કરી નાખે છે , રાજાનો મગજ પણ ભ્રષ્ટ થઈ ગયો હતો . મહર્ષિ વરુણધ્વનિના કહેવા પ્રમાણે આ યાત્રા એકદમ સાદગીપૂર્વક સંપન્ન કરવાની હતી જેમાં ભોગવિલાસનો સ્વપ્ને પણ વિચાર લાવવો બાધ્ય હતો . ભ્રષ્ટ થયેલ રાજા જશધવન યાત્રામાં સાથે નર્તકી અને સંગીતકારોને લાવવાનું પાપ તો આચરી ચુક્યો હતો , સાથે મદિરાના નશામાં ચૂર એને દૈવી સમાન નર્તકી ઉપર આંખ મંડાતા એની ઉપર નજર બગાડી હતી . નશામાં રાણી બલામ્પાના રોકવા છતાં જશધવન નર્તકીની નજીક જાય છે , નર્તકીને સ્પર્શ કરે તે પહેલા ક્રોધિત બનેલી રાણી રાજાને શ્રાપ આપે છે " રાજા જશધવન તારું પતન થાઓ , આ બધું ધૂળમાં મળી જશે . તારો યશ-કીર્તિ સર્વનો વિનાશ થાઓ . હવે તું અને તારી મદદ કરી રહેલી પ્રજા અને આ સ્થિતિ સુધી તને પહોંચવા દેવા માટે આડકચરી રીતે જવાબદાર હું પણ છુ તેથી હું પોતે પણ અહીંયા જ પોતાનો જીવ ગુમાવીશું અને ત્યાં સુધી ભટકતા રહીશું જ્યાં સુધી તારી પુત્રી તારો ઉદ્ધાર ના કરે " હજી આ વાક્ય પૂરું જ કર્યું હતું ત્યાં આકાશ માંથી એક ભયાનક ગડગડાટ થયો , વર્ષા પૂર્વે વાદળો ગડગડાટ કરે એનાથી પણ હજાર ગણો વધારે કાનના પડદા ફાડી નાખે તેવો અવાજ થયો ... 'કડાક....' ...અને આંખો અંજવી નાખે એવો તીવ્ર પ્રકાશ થયો . જાણે આભ ફાટી રહ્યું હોય એવું લાગતું હતું

' કડડડ....' અવાજ અને ફરી આંખ અંજવી નાખે તેવો તીવ્ર પ્રકાશ . આ ઘટના ક્રમ ચાલતો જ રહ્યો . રઘવાયો થયેલો સંઘ એકબીજા સામે ભયભીત નજરે જોઈ રહ્યો હતો . કોઈ કશું સમજતું નહોતું . આવી ડરાવની પરિસ્થિતિમાં અચાનક જ સૂર્ય આથમી ગયો હોય એમ અંધારું થઈ ગયું , જાણે સૂર્ય આડે કેતુ આવી ગયો હોય અને ગ્રહણ લાગી ગયું હોય એવું લાગતું હતું . હજી અધૂરામાં પૂરુ બાકી હોય એમ હવાની તેજ લહેરો આવવા લાવી , હવાના સુસવાટા ' સુહહહહ.... ' કાનમાં અથડાતા હતા . હવે હવાના સુસવાટા સાથે બરફનું તોફાન પણ આવાનું શરૂ થઈ ગયું હતું. જાણે બરફની આંધી આવી હોય એમ લાગતું હતું . બાજુમાં કોણ ઉભું છે એ પણ દેખાવુ મુશ્કેલ હતું . આવી પરિસ્થિતિમાં અચાનક આકાશ માંથી બરફના વજનદાર ગોળાઓ વરસવા લાગ્યા , એક પછી એક ગોળાનો વરસાદ થતો હતો અને માણસોની દર્દનાક મરણ ચીસો સંભળાઈ રહી હતી ." આઅઅઅ....ઓ માઁ....." એક પછી એક માણસ કોઈ નરસંહારની માફક બરફના ગોળાથી ઢેર થઈને પડી રહ્યો હતો . આખી ઘટના થોડી ક્ષણોમાં બની ગઈ . હવે ધીમેધીમે પરિસ્થિતિ શાંત થતી જતી હતી. બરફનું તોફાન શાંત થયું , ફરી આકાશ નીલુ થયું અને સૂર્યનો પ્રકાશ ફરી બરફની સફેદ ચાદર પર ફેલાયો . બધું પેલા જેવું જ થઈ ગયું જાણે કશું જ બન્યું જ નહોતું ....!! બસ કોઈ માણસનું નામોનિશાન રહ્યું નહોતું , ત્યાંથી બધા ગાયબ થઈ ગયા હતા......!!! એક પણ માણસના અસ્થિત્વનો નાનો સરખો પણ પુરાવો ત્યાં દેખાતો નહતો .થોડા સમય પહેલા જે ટોળું અહીં હાજર હતું એનું કોઈ નામ ઓર નિશાન પણ નહોતું . ..... " પેલા સફેદ દાઢી વાળા સાધુએ ટકોરતા હોય એમ પૂછ્યું " તમે મારી વાત સાંભળી રહ્યા છો '......??"

" હમમમ્.....હા ..... સાંભળી રહ્યા છીએ ....પરંતુ એ ગાયબ કેવી રીતે થઈ ગયા ... એ મરી ગયા તો એમના મૃતદેહ ક્યાં ગયા .....?? " સ્વાતિ ઉર્ફ સોમવતી એ પૂછ્યું

" એ બધા મૃતદેહ બરફની ચાદર નીચે ઢંકાઈ ગયા હતા , હજારો વર્ષોથી ઢંકાયેલા હતા . ગરમીના પ્રકોપને લીધે બરફ પીગળતા હવે એમના હાડપિંજર , ખોપડી , ઘરેણાં , માંસ વગેરે દેખાય છે જેને હજારો દંતકથાને જન્મ આપ્યો છે . હાલ ' રૂપકુંડ ' અથવા ' સ્કેલેટન લેક-હડકાઓનું તળાવ' નામે ઓળખાતા તળાવમાંમાં જે હાડપિંજર અને ખોપડીઓ દેખાય છે એ પેલા નરસંહારમાં મૃત્યુ પામેલા મૃતદેહો જ છે . એ લોકો હજી ત્યાં ભટકે છે અને શુદ્ધ મન વાળી પવિત્ર છોકરી કે જે રાજા જશધવનની પુત્રી હતી એનો ઇન્તઝાર કરે છે કે જે એમને મોક્ષ અપાવી શકે . તે છોકરીની આંખ નીચે રહેલા કાળા નિશાનથી તેની ઓળખ થશે .. "

" તો પેલી રહસ્યમય રાત્રી પછી બનેલી ક્રમબદ્ધ ઘટનાઓ માત્ર અમને અહીંયા સુધી ખેંચી લાવવા માટેની કડીમાત્ર જ હતી ...??" સ્વાતિ એ પૂછ્યું

" હા બેટા....કૈક એવુંજ સમજ ...." સાધુએ કહ્યું

" પરંતુ ભગવાન આ બધા ભટકતા માણસોને મુક્તિ આપવા માટે કોઈ નિર્દોષનો ભોગતો નજ માંગેને....?? અને કોઈ નિર્દોષને પથારીવસ પણ ના કરે ને ...? બરાબર ને ...? "

" હું જાણું છુ તું ભાવના રેડ્ડીની .... અને પેલા નિશ્ચેતન પડેલા બાબુડાની વાત કરે છે....બરાબરને ....? " પેલા સાધુએ પૂછ્યું .હજી ભાવના રેડ્ડી અને બાબુડા વિશે કોઈ વાતચીત સાધુમહારાજ સાથે થઈ નહોતી છતાં સાધુ એ ઘટનાઓ વિશે જાણતા હતા તેથી સ્વાતિને આશ્ચર્ય થયું કે આ સાધુ આના વિશે પણ કેવી રીતે જાણતા હશે ...!? જે પણ હોય આ સાધુ કોઈ સાધારણ વ્યક્તિ તો નજ હતા . તે કોઈ મહાન દિવ્ય શક્તિ ધરાવતા માણસ હતા .

તેથી સ્વાતિએ સાધુની વાતમાં સહમતી દર્શાવતાં કહ્યું " જી હા ..... એમની જ વાત કરું છુ "

" ભાવના રેડ્ડી બીજું કોઈ નહિ પણ એ સંઘમાં જોડાયેલી મુંજરો કરનારી સ્ત્રી હતી ! જેના ફળ સ્વરૂપે એને જન્મ લઈને પશ્ચાતાપ રૂપે કુરબાની આપી છે અને તમને આ મહાન કામમાં મદદ કરી . એનો આત્મા હવે મુક્ત થઈ ગયો છે . અને જ્યાં સુધી પેલા પુત્રની વાત છે .... બધું ઠીક થઈ જશે , હજીતો ઘણા સત્ય જાણવાના બાકી છે . " સાધુએ કહ્યું

" કેવા સત્ય સાધુ મહારાજ ...?? "

" સમય આવ્યે તમે બધું સમજી જશો ... સમયથી પહેલા ફળોનો રાજા કેરી પણ ખાતો સ્વાદ આપે છે "

" ઠીક છે ....પરંતુ પેલુ રહસ્યમય પુસ્તક આખી ઘટના સાથે કેવી રીતે સંકળાયેલું છે ...?? અને પેલા ગુંડાઓ અમારી પાછળ કેમ પડ્યા છે ...?? એમનો આ ઘટના સાથે શો સંબંધ છે ...? " સ્વાતિએ પૂછ્યું

"એ મારી જ એક ભૂલનું પરિણામ છે . એક વ્યક્તિ મારી પાસે આવ્યો હતો . કહી રહ્યો હતો એ મારો શિષ્ય બનવા માંગે છે , મારી પાસે જ્ઞાન ગ્રહણ કરવા માંગે છે . મેં એને મારો શિષ્ય બનાવ્યો . જ્ઞાન આપવાનું શરૂ કર્યું અને એ રહસ્યમય પુસ્તક વિશે માહિતી આપી જે થિરુવંતપુરમના મંદિર માંથી ચોરી થયું હતું અને મારી પાસે સુરક્ષિત હતું. એ પુસ્તકમાં એક નકશો છે જે નંદાદેવી રાજજાત યાત્રાનો સાચો માર્ગ છે , જ્યાં નંદાદેવીનું પૌરાણિક મંદિર આવેલું છે . ત્યાં એક અમૂલ્ય વસ્તુ છુપાયેલી છે જેની કિંમત આંકવી પણ અશક્ય છે . આ વાત એને જણાવતા એની મતી બગડી અને પુસ્તક ચીરીને ભાગી ગયો ..." સાધુએ કહ્યું

" એક મિનિટ , એક મિનિટ ...." આટલું કહી મહેન્દ્રરાયે રઘુડા અને જગતાપનો ફોટો બતાવીને પૂછ્યું " આ બન્ને માંથી કોઈ હતું ..?"

" જી હા ....આજ હતો એ દુષ્ટ .... પછી ખબર પડી કે એ બીજું કોઈ નહિ પણ દુષ્ટ પાપી જશધવન છે જેને પોતાના પાપના પશ્ચાતાપ માટે ફરી જન્મ મળ્યો હતો તેથી જ હું એને ઓળખી ના શક્યો " રઘુડા તરફ ઈશારો કરીને કહ્યું

" પરંતુ નંદાદેવી રાજજાત યાત્રા તો હાલ પણ થાય છે તો આ પુસ્તકમાં બતાવેલા યાત્રા માર્ગના નકશાની શુ જરૂર છે ...? " સ્વાતિએ વાત આગળ વધારતા કહ્યું

" જરૂર છે કારણ કે એ ઘટના પછી ગુસ્સે થયેલા માઁ નંદાદેવી બરફના દુર્ગમ પહાડોમાં છુપાઈ ગયા હતા . જેથી ફરી કોઈ પોતાની પાસે આવે નહિ અને પોતાની પાસે કશુ વરદાન માંગે નહિ . આજુબાજુના આદિવાસી લોકોને એ મંદિર ત્યાં ન દેખાતા ત્યાં બીજું મંદિર બંધાવ્યું હતું .હાલ જે મંદિર છે એ આદિવાસી લોકો દ્વારા બંધાવેલું નવું મંદિર છે. પૌરાણિક નંદાદેવી મંદિર બરફ આચ્છાદિત પર્વતોમાં ક્યાંક છુપાયેલું છે "

" પરંતુ આ પુસ્તક અમને પોળોના જંગલોમાં મળેલું , કદાચ એ માણસો એ નક્શાને અનુસરીને જ ત્યાં પહોંચ્યા હોઈ શકે છે . તો એ નકશો નંદાદેવી રાજજાત યાત્રાનો કેવી રીતે હોઈ શકે છે .. ? "

" હા એ એક ભ્રામક નકશો છે , એ નકશાને અનુસરીને અમુક લોકો ત્યાં પોળોના જંગલોમાં એટલા માટે પહોંચ્યા જેથી તમે અહીંયા આવી શકો , જેથી આ આખો ઘટનાક્રમ રચાય અને ભગવાનનો ઉદેશ્ય સિદ્ધ થાય " સાધુએ કહ્યું " થોડા સમય પહેલા તમે એક મંદિરમાં ફસાયા હતા ત્યાં એક ચર્મપત્ર મળ્યો હતો....બરાબરને...? એ ક્યાં છે ...?? "

" એ....એ મારી પાસે છે ..." પત્ર આપતા સોમચંદે કહ્યું

સાધુએ પત્ર હાથમાં લીધો એને પોતાની બાજુમાં ચાલી રહેલા અગ્નિ પાસે રાખ્યો . ગરમ થતા જ નીચેના ભાગેથી એક નાનકડા સિક્કા જેવુ કશુક બહાર ઉપસી આવ્યું . એ હાથમાં લેતા સાધુએ કહ્યું " પેલું પુસ્તક મને આપશો ...? " સોમચંદે પુસ્તક લંબાવ્યું .

દેખાવમાં જ ભયાનક લાગતા રહસ્યમય પુસ્તકને સાધુએ હાથમાં લીધું . આગળપાછળ ફેરવીને જોયું , એને પગે લાગીને પોતાના ખોળામાં મૂક્યું . પુસ્તકના મુખ્ય જાડા પૂંઠા પર રહેલા નાનકડા ગોળાકાર ભાગ પર એ સિક્કો મુક્યો . અને પુસ્તક ખોલ્યું જ્યાં નકશો દોરવામાં આવ્યો હતો . સિક્કો પેલા ગોળાકાર ભાગમાં મુકતા જ ત્યાં પાછળ રહેલા નકશાના રસ્તા બદલાઈ ગયા , સીધો જતો રસ્તો બીજે ક્યાંય જવા લાગ્યો . સીધા રસ્તાની દિશા બીજી તરફ વળી. રસ્તાનો એક ચમકતા ભાગે અંત આવતો હતો જ્યાં એક મંદિર જેવું નિશાન દોરેલું હતું . આ ઘટના પત્યા પછી સાધુએ કહ્યું
" આ રસ્તો પહેલા પોળોના જંગલોમાં એટલા માટે જતો હતો કે જો આ પુસ્તક કોઈ ખોટા હાથમાં પણ આવી જાય તો પણ એ અમૂલ્ય વસ્તુ જે નંદાદેવીના પૌરાણિક મંદિરમાં છુપાયેલી છે એ તેમના હાથમાં ના આવે અને કદાચ ત્યાં મંદિરના ભોંયતળિયે આ ચર્મપત્ર સુધી પણ પહોંચી જાયતો પણ ત્યાં કેટલું જોખમ હતું એતો તમે જાણો જ છો ..." સાધુએ કહ્યું

" એવી તો કઈ મૂલ્યવાન વસ્તુ છુપાયેલી છે એ મંદિર માં ...? " સ્વાતિ એ પૂછ્યું

" મેં થોડીવાર પહેલા શુ કહ્યું ....?? સમયથી પહેલા મીઠી કેરી પણ ખાતો સ્વાદ આપે છે ..." સાધુએ આગળ કહેલી વાત દોહરાવી

" તમારી બધી જ વાત ધીમેધીમે સમજાય છે ...પરંતુ એક વાત નથી સમજાતી ...હુ જ સોમવતી છું....કેવી રીતે ....? "

" તે રાત્રેએ મહર્ષિ વરુણધ્વનિ સોમવતીને એટલે કે રાજા જશધવનની પુત્રીને લઈને સીધા પોળોના જંગલોમાં રહેલા હિંદુ મંદિરમાં આશરો લેવા ગયા હતા એ પણ પોતાના મહર્ષિ હોવાની બાબત છુપી રાખી એક સામાન્ય મનુષ્ય તરીકે ....!! ત્યાંના દયાવન રાજા ઇન્દ્રવર્મા આ મહર્ષિને રાજ પંડિત તરીકે નીમ્યા. આ વિસ્તાર પણ ગુર્જર-પ્રતિહારનો ભાગ જ હતો અને આ રાજા અહીંનો ખંડીયો રાજા હતો . મહર્ષિ જાણતા હતા કે રાજા જસધવનનો આવોજ જ કૈક ખરાબ અંત થશે . તેથી મહર્ષિ વરુણધ્વનિએ આ પુસ્તક બનાવ્યું અને એમાં આખો ઇતિહાસ લખી ત્યાં જવાનો રસ્તો પણ એક એન્જીનીયરથી પણ સારી રીતે ચિતર્યો .અને પુસ્તકમાં એક આભાષી રસ્તો બનાવ્યો જે નંદાદેવી મંદિરને બદલે પોળોના એક મંદિરે લઈ જાય . નંદાદેવી મંદિર પર પહોંચી ત્યાંની અમૂલ્ય વસ્તુ સુધી પહોંચતા પેલા આ આભાસી નકશાથી અહીંયા મંદિર પર પહોંચવું જરૂરી હતું . આ પુસ્તકને અનુસરી કોઈ અયોગ્ય વ્યક્તિ આગળ વધે તો પણ આગળ પેલી મૂલ્યવાન વસ્તુ સુધી ના પહોંચી શકે એવી તૈયારી કરાઈ હતી .ધીમેધીમે વર્ષો વીતતા ગયા અને રાજ્ય પંડિત બનેલા વરુણધ્વનિના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ આભાપર સમૃદ્ધની સીમા વટાવી ચૂક્યું હતું. વરુણધ્વનિના કહેવા અનુસાર એક મંદિર બાંધવામાં આવ્યું જેની અંદર ત્યારના શ્રેષ્ટ ઇજનેરોને બોલાવી એક રહસ્યમય ભોંયતળિયું તૈયાર કરવામાં આવ્યું હતું . જેની અંદર પેલા ચર્મપત્રને છુપાવવામાં આવ્યું હતું કે જે આ રહસ્યમય પુસ્તકની ચાવી સમાન હતું . પુસ્તકને એમના એક સાધુ મિત્રને આપ્યું હતું જે તે સમયે થિરુવંતપુરમના મુખ્ય મંદિરના પૂજારી હતા .થિરુવંતપુરમ પોતાની જાહોજલાલી અને સમૃદ્ધિના લીધે મહાનનગર હતું અને તે સમયે એવી વાતો પણ થતી કે આખા હિન્દુસ્તાન પાસેના હીરા-ઝવેરાત-સોનુ એક તરફ અને થિરુવંતપુરમના શાસકનો ખજાનો એક તરફ ! સોમવતી હવે ૬ વર્ષની થવા આવી હતી . જશધવનના શાસન પછી અરબી મુસ્લિમોના હુમલા બંધ થઈ ગયા હતા . રાજા જશધવનના અચાનક ગાયબ થઈ જવાની ઘટના વાયુવેગે ફેલાતા ફરી મુઘલોને નવી પાંખો ફૂટી હતી . આભાપરની સમૃદ્ધિથી અંજાઈને મુઘલોના એક કાફલાએ પોળોના જંગલો અને આભાપર પર હુમલો કર્યો. આ દરમિયાન મંદિરમાં પૂજા કરી રહેલી નંદાદેવી સ્વરૂપ સોમવતીને મારવાનો પ્રયાસ કરતા જ રાજ પંડિતે પોતાની પુત્રી સોમવતી સહિત આક્રમણ સમયે મંદિરમાં હાજર સર્વે ભક્તોને પેલા ભોંયતળિયે અંદર છુપાવી દીધા . પરંતુ એ છુપા દરવાજાને ખોલવાની ચાવી સમાન સિક્કો ત્યાં બહાર જ રહી જતા સૌ ત્યાં ફસાઈ ગયા , ત્યાં જ મૃત્યુ પામ્યા અને ઇતિહાસમાં વિલીન થઈ ગયા . કોઈ જ જાણતું નહોતું કે અચાનક તેઓ ક્યાં ગાયબ થઈ ગયા .મરતા પહેલા મહર્ષિ વરુણધ્વનિએ શ્રાપ આપ્યો અને આખું મુઘલોનું ટોળું બરબાદ થઈ ત્યાંજ ઢળી પડ્યું- સર્વ આક્રમણખોરો પણ મૃત્યુ પામ્યા અને તે રાક્ષસો પણ હજી ત્યાં પોળોના જંગલમાં ભટકી રહ્યા છે "

"મતલબ ત્યાં જંગલોમાં અવાજ આવવો , પેલી બધી દંતકથાઓ બધું સત્ય હતું ...? અને પેલા ભોંયતળિયે મળેલો ચર્મપત્ર ઋષિ વરુણધ્વનિ દ્વારા જ રાખવામાં આવેલો ...? " મહેન્દ્રરાયે પૂછ્યું

" જી હા....એવું કૈક ...."

" પરંતુ અમારો અહીંયા આવવાનો ઉદેશ્ય એક એક્સ-આર્મી જોરાવરસિંઘને મળવાનો હતો અને તમે મળી ગયા . તો શુ આ બધું તમને મળવા માટે જ હતું ...? અને રઘુડો એટલે કે તમે કહ્યું એમ જશધવને પેલા એક્સ-આર્મીને કેમ મારી નાંખેલો એ વાત અકબંધ જ રહેશે ..? " સોમચંદ પૂછ્યું

" જી નહિ , એની માહિતી પણ તમને આપમેળે મળી જશે " સાધુએ જણાવ્યું

" હવે ....? હવે આગળ શુ સાધુ મહારાજ....? "

" આગળ એજ કરવાનું છે જેના માટે તમે અહીંયા આવ્યા છો .... આ નકશાનો ઉપયોગ કરી નંદાદેવી મંદિર પહોંચો , ત્યાં ગર્ભગૃહમાં રહેલી એ રહસ્યમય વસ્તુને બહાર લઈ આવો . પૂનમ પછીના દિવસે સૂર્યનું પ્રથમ કિરણ પડતાની સાથે જ બધું ઠીક થઈ જશે ..." પેલા સફેદ દાઢી વાળા સાધુએ કહ્યું અને ઉમેર્યું "તંદ્રા માંથી જાગો મારા વહાલા પુત્રો .... યશસ્વી ભવ.... તમારા કાર્યમાં સફળ થાઓ "

ત્રણે જણાએ ( સ્વાતિ , મહેન્દ્રરાય અને સોમચંદ ) ધીમેધીમે આંખો ખોલી . જાણે કોઈ ઐતિહાસિક સફર કરીને આવ્યા હોય એવા ભાવ સ્પષ્ટ વર્તાઈ રહ્યા હતા એમના મોઢા પર . ક્રિષ્ના રેડ્ડી ઉર્ફ ક્રિષ્નાસ્વામી એમના મોઢાના ભાવ જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો . ધીરેધીરે ત્રણે જણા વાસ્તવિક પરિસ્થિતિમાં આવ્યા . ઘનઘોર અંધારું થઈ ગયું હતું . માણસોની ચહલપહલ તદ્દન બંધ થઈ હતી લાગતું હતું જાણે પોતે કોઈ અલગ સ્થાન પર જ હતા . થોડીવાર એમજ વીતી ત્યાં સ્વાતિએ પૂછ્યું

" અમે ક્યાં છીએ સાધુ મહારાજ .....? "

" તમેં મારા આશ્રમમાં છો....અને....અને....હું જ છુ મહર્ષિ ....મહર્ષિ વરુણધ્વનિ......!! ." આ વાત સાંભળી સૌના હોશ ઉડી ગયા . વિજ્ઞાન ભલે પૂર્વજન્મમાં માને કે નહીં પરંતુ ઈતિહાસે અવારનવાર એવા હજારો દાખલ આપ્યા છે જે પૂર્વજન્મ અને અસાધારણ શક્તિનું સમર્થન કરે છે . આગળ ઋષિ વરુણધ્વનિએ કહ્યું . " આ આશ્રમ હિમાલયમાં એવી જગ્યા પર છે જ્યાં કોઈ આવતું જતું નથી અને કોઈવાર કોઈ આવી જાય છતાં એને ધ્યાનમાં આવે નહીં " અને ઉમેર્યું " ઉપર આકાશમાં જુઓ.... આજે ચંદ્ર પોતાના સંપૂર્ણ ગોળાકાર સ્વરૂપથી બસ આટલો જ દૂર છે " ઉપર આકાશમાં રહેલા ચંદ્રને બતાવી પછી પોતાના નખનો આગળનો ભાગ બતાવતા કહ્યું .અને આગળ કહ્યું " જેમ કે તમે જાણો છો કે પેલી આત્માઓ પૂનમની રાત્રે બહાર નીકળે છે , તેથી તમારી પાસે પૂનમની રાત્રી પછીના સૂર્યોદય સુધીનો સમય છે . જો તમે નંદાદેવી મંદિર પહોંચી આ કામ કરી શકો તો ઠીક ....નહિતર ...."

"નહિતર....?? નહિતર શુ મહર્ષિ.....? " સ્વાતિએ પૂછ્યુ

" જો તમે એ કામ ના કરી શક્યા તો કદાચ તમે પણ ....તમે પણ પેલા જશધવનના કાફલા જેમ ...."

" મૃત્યુ પામીશું એમને.....? " સ્વાતિએ પૂછ્યું

" હા....જશધવન જે કામ જીવતા નહોતો કરી શક્યો એ કામ આત્મા સ્વરૂપે કરવાનો પ્રયત્ન કરશે .... પૂનમના ચંદ્રની ચાંદનીમાં એ નિષ્ક્રિય રહેશે કારણ કે રાત્રે ચાંદની રાત્રીમાં એ કાળી વિદ્યાની દેવીને રીઝવવા માં વ્યસ્થ હોય છે . જેમજેમ સૂર્યના કિરણો આકાશમાં દેખાશે એની શક્તિ વધતી જશે.... જે પણ કરવાનું છે કાલ સવારે સૂર્ય ઉગે એ પહેલા...." મહર્ષિએ કહ્યું અને ઉમેર્યું

" શુ તમે તૈયાર છો....? "

સૌ પ્રથમ સ્વાતિ અને પછી મહેન્દ્રરાય અને સોમચંદ એક સાથે બોલ્યા " અમે તૈયાર છીએ ...અમે તૈયાર છીએ "

(ક્રમશ )

તમને મનમાં થશે કહી પે નિગાહ હૈ કહી પે નિશાન....!! પોળોના જંગલોથી શરૂ થયેલી ઘટનાનો સિલસિલો ' રૂપકુંડ - હડકાનું તળાવ ' સુધી પહોંચ્યો .

આગળના ઘણા રહસ્યો જેમ કે પૂનમની રાત્રે જંગલ માંથી અવાજ આવવાની દંતકથા , અચાનક પેલા પંડિત અને અન્યનું મંદિરમાંથી ગાયબ થઈ જવું , આ પુસ્તકનું રહસ્ય , પૂર્વ જન્મ લીધેલા માણસો ... અને બીજું ઘણુંબધું આશા રાખું છું કે તમને વાંચવાનો આનંદ આવતો હશે .

સોમવતીનું આગળ શું થશે શુ એ રઘુડો એટલે કે જશધવનને હરાવી એ હજાતો આત્માઓને મુક્તિ અપાવી શકશે ...!? આગળની સફરમાં.શુ થશે ...!? જાણવા માટે વાંચતા રહો ભાગ ૩૨