કલાક...બે કલાક.... ચાર કલાક વીતી ત્યાં સુધી વરસાદ બંધ ના રહ્યો . ગ્રામજનો મુખીના પાછા આવવાનો અને વરસાદ બંધ થવાનો ઇન્તઝાર કરતા રહ્યા .વહેલી પ્રભાતે વરસાદ બંધ થયો . વરસાદ બંધ થતા જ ગામના શંકર મંદિરની બાજુની ધરમશાળામાં ભેગા થયેલા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો . દૂરથી કોઈ પડછાયો નજીક આવતા જોયો જે મુખી હતા .મુખીને આવતા જોઈને ગ્રામજનોના ઉત્સાહમાં વધારો થયો . મુખી નજીક આવતા તેઓ કોઈ દવાખાનાના કામમાં ગયા હતા એમ જણાવ્યું . ગ્રામજનો એ બાબુડાની વાત કરી . બાબુડાની વાત સાંભળતા જ એમને થોડો આઘાત લાગ્યો . બધા શસ્ત્રો લઈને તૈયાર થવા કહ્યું . અને થોડી જ વારમાં ગ્રામજનોનું નેતૃત્વ હાથમાં લઈને જંગલ તરફ આગળ વધવા લાગ્યા .
હવે ગ્રામજનો બાબુને શોધતા શોધતા જંગલમાં આગળ વધી રહ્યા હતા. હજી હમણાં જ વરસાદ વરસવાનું બંધ થયુ હતું. જંગલ માંથી પાણીના નાના-મોટા વહેણો ચાલુ થઈ ગયા હતા અને કોઈ જગ્યા એ આ વહેણો રમણીય ઝરણાં રૂપે વહી રહ્યા હતા . કોઈ નાના બાળકે દોરેલા ચિત્ર જેવું જ લાગતું હતું આ દ્રશ્ય.....! દૂર-દૂર સુધી અરવલ્લીની ફેલાયેલી પર્વતમાળા , કોઇકોઈ જગ્યાએ વિશાળ પથ્થરો , વરસાદને અભાવે સુકાઈ ગયેલા વૃક્ષો અને આ ઝરણાઓ , નયનરમ્ય દ્રશ્ય હતું આ . ગ્રામજનો એ શક્ય એટલા શસ્ત્રો સાથે લીધા હતા . હજી સૂર્ય ના દર્શન દુર્લભ હતા . એમને ચાલવાની એજ દિશામાં શરૂવાત કરી જ્યાંથી પેલો વિચિત્ર દર્દનાક અવાજ આવી રહ્યો હતો , જાણે ભૂતોની મંડળી માં જીવતા માણસની મિજબાની થઈ રહી હતી. મહામહેનતે હાથમાં રહેલા ફાનસ નું અજવાળું પડી રહ્યું હતું . આ પવનના સુસવાટા વચ્ચે એને હોલવાઇ જતા રોકવું ખૂબ અઘરું પડી રહ્યું હતું . બસ એ ચાલ્યા જ જાય છે ..ચાલ્યા જ જાય છે ....ચાલ્યા જ જાય છે .
ક્યાંય બાબુડાનો પતો લાગતો નહોતો .હવે ક્ષિતિજ પર સૂર્યનો આછો પ્રકાશ વર્તાતો હતો જે સૂર્યોદયની તૈયારી દર્શાવી રહ્યો હતો . આખી રાત વરસેલા વરસાદે હવે આરામ લીધો હતો . આખી રાત પોતાના માળામાં મહામહેનતે બચેલા પક્ષીઓ હવે ખુલ્લી હવામાં ટહેલવા નીકળ્યા હોય એવું જણાતું હતું .પક્ષીઓનો મધુર કલરક સંભળાય રહ્યો હતો તો ક્યાંક ક્યાંક કોયલનો મધુર સ્વર સંભળાઈ રહ્યો હતો અને ક્યાંક ક્યાંક મોર એની પૂર્ણ કળા ખોલીને નાચી રહ્યા હતા .
વરસાદ ના કારણે માટી થોડી ચીકણી અને લપસણી થઈ ગઈ હોવાથી ચાલવામાં ખૂબ તકલીફ પડી રહી હતી . આગળ ગામના મુખી અને પાછળ આખું ધાડું ચાલી રહ્યું હતું અને બાબુડાના નામની બુમાં-બૂમ થી જંગલ ગાજી રહ્યું હતું .
બાબુડા ....એ બાબુડા ... ક્યાં છે..!!??
બાબુડા ..અવાજ આવે છે કે ...!? પણ કોઈ પ્રત્યોતાર આવતો નહોતો . નજીક માં એક નાનું વહેણ જતું હતું , જે નદી કરતા ઘણું નાનું હતું . એમાં ઢીંચણ જેટલું પાણી વહી રહ્યું હતું .આગળનો રસ્તો નદીને પાર કરીને જતો હતો . એક પછી એક નદીને પાર કરીને જઇ રહ્યા હતા . પાછળ મુખીનો છોકરો મહેન્દ્રરાય અને બીજા બે ત્રણ માણસો આવી રહ્યા હતા . સૌ આજુબાજુ ની પ્રકૃતિ નિહાળતા પોતાના ગામના છોકરા બાબુડા ને ગોતી રહ્યા હતા.
અચાનક મુખીના છોકરા મહેન્દ્રરાયની નજર નદીમાં તણાઇ આવતી કોઈક વસ્તુ પર પડી. બધાને આના વિશે જાણ કરી અને બધા આ વસ્તુ શુ છે એ જાણવા ઉભા રહ્યા . નજીક આવતા એમાના એકે એને લાકડી વડે કિનારે કરી જાણે સાપને પકડી રહ્યા હોય ...!! કોઈ ગ્રંથ જેવું જણાતું હતું જેના પર લાલ રંગના ટપકાં પડ્યા હતા . એ કોઈ ધાર્મિક ગ્રંથ જણાતો હતો અને એના પરનો લાલ રંગ કુમકુમનો જણાતો હતો . આથી નિશ્વિત થઈને મુખીએ એને જોવાની હિંમત કરી .
પોતાની વર્ષો જૂની પરણેલી પ્રિયતમાને જાણે અજાણ્યા જેમ મળે એમ મુખીએ એ પુસ્તકને હાથમાં લીધું. એ ખોલતાની સાથે મુખીએ કૈક અનુભવ્યું , જાણે કોઈ એને અડકીને ચાલ્યું ગયું હોય એવું લાગ્યું . પણ મુખીએ એને મનનો વહેમ ગણીને અવગણી નાખ્યું . આખા પુસ્તકો માં બસ કોઈ સંજ્ઞા જ દોરેલી હતી જાણે કોઈ છુપી ભાષામાં લખાયેલું હતું. એને એટલી કાળજી પૂર્વક લખવામાં આવ્યું હતું કે પાણી માં રહેવા છતાં એના અક્ષરો પર કોઈ અસર નહોતી થઈ , કોણ જાણે કેટલી દૂર થી પાણી માં તણાઇ ને આવ્યું હશે ...!?? એના પૂંઠા સામાન્ય પુસ્તક થી ખૂબ જાડા ગણી શકાય તેવા હતા . અને કાગળો પર જાણે પ્લાસ્ટિક નું કવર ચડાવેલું હોય એવા લાગતા હતા કારણકે પાણી ની લેશમાત્ર અશર થઈ નહોતી. મુખીને કૈ ખબર ના પડતા બાજુમાં બીજાને આપી અને એને પણ ખબર ના પડતા ત્રીજાને આમ આખા ટોળા એ આ પુસ્તકને હાથમાં લીધું , પણ કોઈને કશી ખબર પડી નહીં . એના જાડા પૂંઠા પર થોડી આડી-અવડી લીટીઓ , થોડા ઉપરનીચે જેવા ત્રિકોણ આગળ એક નાનું લંબગોળ અને લંબગોડની અંદર નાની નાની લાઈનો કરેલી હતી આવું કૈક ચિતર્યું હતું . પહેલી નજરમાં કોઈને નાના બાળકે દોરેલા ચિત્ર જેવું જ લાગે . પણ ધ્યાન થી જોતા માલુમ પડ્યું કે આ કોઈ ખાસ જગ્યાએ જવા માટેનો નકશો હોય એવું લાગતું હતું. જેમાં આડી-અવડી લાઈનો કદાચ રસ્તો બતાવે છે , ત્રિકોણ હતા એ પર્વતો અને લંબગોળ એ કોઈ જળાશય હોવું જોઈયે . પણ શુ આ નકશો આ પોળોના જ કોઈ સ્થળ માટે બનાવવા માં આવ્યો હતો કે અન્ય કોઈ સ્થળ માટે !? એ એક મોટો પ્રશ્ન હતો .
જે પણ હોય પણ હાલ તો ગામલોકો નું એક જ લક્ષ્ય હતુ , જે પણ થાય પણ પેલા બાબુડા ને ગોતો પછી બીજી બધી વાત. ઘણો સમય વીતી ગયો હતો , અને હવે સૂર્ય મધ્યાન પર આવવાની તૈયારી માં હતો , ત્યાં દૂરથી આકાશમાં ગીધ મંડરાઈ રહ્યા હતા . કદાચ એમના મિત્રો અથવા પરિવાર જનોને મિજબાની માટે બોલાવી રહ્યા હતા . વર્ષો ના અનુભવી મુખી ને લાગ્યું કે આ ગીધ કદાચ એમના બાબુડા ને....!?' ના , ના ...બાબુડો હિંમતવાન હતો ' એને તો કઈ જ ન થાય . જેમ જેમ નજીક જતા હતા તેમ ધીમેધીમે એ ગીધનો અવાજ તીવ્ર થતો જતો હતો અને સાથે જ મુખી ની ધડકનો ....!
હવે થોડે જ દૂર એક વિશાળ ઝાડના થડની બાજુમાં કોઈ પડેલું દેખાયું , જેના પર એક-બે ગીધ ચાંચો મારી રહ્યા હતા . ત્યાં લોહીના થોડા ટપકાં આવી ગયા હતા . મુખીએ નાનો પથ્થર લઈને છુટ્ટો માર્યો અને બંને ગીધ ઉડી ગયા , બધા ભાગ્યા ઝાડની નજીક .... ત્યાં પહોંચી પ્રથમ ઊંધા પડેલા માણસ ને સીધો કર્યા જેથી એ કોણ છે તે ઓળખી શકાય . સીધો કરતા જ બધાની આખો ફાટી ગઈ ... આ તો બાબુડો હતો . પોતાનો બહાદૂર બાબુડો ....!! બધા રડમસ થઈ ગયા અને દેકારો ભણવાની તૈયારી માંજ હતા ત્યાં ટોળામાંથી કોઈ વડીલ આગળ આવ્યું . તેઓ નાડી તપાસવાનું જાણતા હતા . બાબુડાને સીધો સુવાળ્યો અને હાથની નાડી તપાસી , કાન હૃદય પાસે લઈ જઈને જોયું , એકદમ મંદ-મંદ "ધકધક-ધકધક ધકધક-ધકધક" ધડકન ચાલી રહ્યો હતો . આ વાત જાણીને સૌને આનંદ થયો .
બધા એને ભાનમાં લાવવા પ્રયત્ન કરી રહ્યા હતા . કોઈ પાણી છાંટતું હતું , તો કોઈ એને હચમચાવી રહ્યું હતું . પણ બાબુડો કેમે કરીને ભાનમાં આવતો નહોતો . ટોળામાંથી અમુક માણસો બાબુડાને ઘરે લઈ જવા જોળી જેવું કૈક બનાવવાની વ્યવસ્થામાં ગોઠવાઈ ગયા , ત્યાં અચાનક કોઈની બુમ સંભળાઈ .
" મુખી સા'બ ..."
ત્યાં જઈને તપાસયું તો એક બીજો વ્યક્તિ ત્યાં પડેલો હતો . એના દેખાવથી એ બીજા વિસ્તારનો લાગતો હતો . એના માથા પરના બધા વાળ તાજા ઉતારીને ટકો કરવામાં આવ્યો હતો બસ એક માત્ર ચોંટી હજી હતી . એના માથા પર લાલ રંગના પાંચ ચાંલ્લા કરવામાં આવ્યા હતા કદાચ એ કંકુ હતું . એના આખા શરીર પર અલગ અલગ નિશાનીઓ દોરી હતી , ક્યાંય સ્વસ્તિક ,ક્યાંક સ્ટાર ,અને બીજા અજીબ નિશાનીઓ હતી .એના ગળામાં કેમેરા લટકતો હતો .એના બંને હાથ , માથું અને છાતી પાર લાલ રંગ રંગાયેલો હતો એવો જ લાલ રંગ જેવો પેલા પુસ્તક પર હતો . તો શુ આ પુસ્તક પણ આ અજાણ્યા માણસનું હશે....!? જો એવું હોય તો કદાચ ..કદાચ આ માણસ પેલા પુસ્તકનું રહસ્ય ખોલી શકે . પણ આ માણસ પણ હાલ બેહોશ જ હતો .હવે આ બીજા માણસને થોડો હચમચાવ્યો , ઝાડની ડાળીઓ હલાવી જેથી રાતના વરસાદના પારદર્શક મોતીઓ એના પર પડ્યા અને અચાનક સફાળો જાગી ગયો . આજુબાજુ કોઈ રઘવાયા ની જેમ જોઈ રહ્યો . એનું મગજ બેલ મારી ગયું હતું. એના જુના ઘાવ પર લીધેલા ટાંકા વાળા ચહેરા પર એક ક્ષણ મીઠું સ્મિત આવી ગયું , જાણે આ લોકોએ એને મોતના મુખ માંથી બહાર કાઢ્યો હોય . એને તો પોતાની આંખો પર કદાચ વિશ્વાસ જ નહોતો થતો કે પોતે હજી જીવે છે . એવું એની આખો સાફ કહી રહી હતી .
બધા હજી એને કાલની ઘટના વિશે પૂછવા વિચારે છે ત્યાં તો "હા ..હા...હા...." રાવણ જેવું અટ્ટહાસ્ય સંભળાયું જે પેલો માણસ કરી રહ્યો હતો. કદાચ પોતે જીવતો છે એ વાત જાણીને ગાંડો થઈ ગયો ... એનું મગજ ચસ્કી ગયું ....!!! ખરેખર કાલ રાતની ઘટના ખૂબ ખોફનાક હોવી જોઈયે. આના પરથી એક વાત તો સોના જેવી શુદ્ધ હતી કે બાબુડા ના બેહોશ થવાને અને આના બેહોશ થવા વચ્ચે કોઈતો સંબંધ હોવો જોઈએ . હવે બે વ્યક્તિ જ છે જે અહીંયા શુ બન્યું એ કહી શકે .... એક આ બાબુડો જે ઉઠવાનું નામ નથી લઈ રહ્યો , અને બીજો આ કેમેરા લટકાવેલો જેમ્સ બોન્ડ .જેને પોતાને પણ હાલ ખબર નથી પોતે કોણ છે...? ક્યાં છે અહીંયા શુ કરી રહ્યો છે..?