15
'અમે બે ગોમતીકાંઠે ફરી ગાયત્રી મંદિર પાસે દરિયામાં પગ બોળી બેઠાં હતાં. સોના, બહાદુરને રેતીનું મંદિર બનાવી દેતી હતી. 'ઇ' માછલીઓ જોતી હતી તો હું એની ઘાટીલી, ગુલાબી પીંડીઓ પાણીમાં છબછબિયાં કરતી જોવામાં ખોવાઈ ગયેલો. એનાં ઝાંઝર પણ પાણીના છબછબ સાથે રણઝણ કરી તાલ પુરાવતાં હતાં. અમે સહેજ અંતર રાખી બેઠેલાં પણ એની કુમળી હથેળીઓને બંગડી સુધીના કાંડાંનો સ્પર્શ મારાં રુવાડાં ઊભાં કરી દેતો 'તો.
'ધ્રોળની નિશાળે મૂકી ઈ સારું કર્યું. સોના કવિતા સારી બોલી.' મેં કીધું. કાંક તો બોલવું ને?
ઈ પાણીમાં પોતાનું મુખડું જોઈ રહી. એણે હા માં ડોકી ધુણાવી.
'બાપાને બીજું કાંઈ નોતું. ભાગીયાઓ વાવણીનું કામ કરવા આવેલા તો ઓલાઓએ એને મારીને ભગાડી મુક્યા ને હાથલા થોરની વાડ રોપવા માંડી. જમીન આપણી જે ઈ બધાએ પડાવી લીધા પછી બચી ઈ. એમાં ય કાંઈ વાવવા દેતા નથી. એકવાર તો બાપાની હારોહાર હું ડાંગ લઈને ઘુમાવવા માંડેલી. બે ચારનાં માથા ફોડયાં. બાપા કયે હું જાતરાએ આવું ને વાંહેથી ઈ લોકો ભેલાણ કરી જાય.
'હું ચાર દાડા આવું છું ને! છેલ્લા એકવાર સમજાવી દઈશ. પસી નકર તૈયાર રહેજે. છોકરાં ભણી જાય ને રોટલા નીકળી જાય એટલું જોગ કરી આપીશ. પછી બધાને ધોકાવી ધોકાવીને પાંસરા કરી નાખીશ. મૂળમાં જે બાપજી છે એના તો કટકા કરી જમીનમાં જ દાટી દઈશ. જે ખાતર થયું.' મેં ધગી જઈને કીધું.
એણે મારા મોઢે હાથ મૂકી દીધો. 'થાય ત્યાં સુધી વકીલ ભલે પૈસા લૂંટી લે. આપણે તમારા દાદાએ કર્યું એવું ધીંગાણું કરવું નથી. બધા એ બાપજીને ધરમરાજના અવતાર માને છે. કોણ માનશે કે એને એક વરસ દાદા ખાટલે હતા એટલે કથાવાર્તા કરવા ગામ ભેગું કરવા ખેતરની જમીન આપી એ પોતે પડાવી લેશે ને એના મળતીયાઓ કાગળિયાં પણ બાપાને નામે અંગુઠા મારી, ઈ બાપજી મા'રાજને નામે ચડાવી આપણને આપણીજ જમીન પરથી ગેરકાયદે ઘુસેલા કહી તગેડશે?'
આ અમારી રોજીરોટી, અમારા વડવાઓને ધ્રોળના દરબારે લખી આપેલી જમીન. એ અમારી હતી પણ કાગળ ઉપર નહોતી. ઈ હોય તો હું મેટ્રિક થઈ પહેલાં ટ્રક ચલાવવાનું ને વીસ વરસથી એસટી ચલાવવાનું કામ કરૂં કે ખેતી!
ટાઈમ થતો'તો. અમે નવો ઝૂલતો પુલ બાંધ્યો છે ત્યાં રેસ્ટોરાંઓ ખુલી છે એમાં જમીને બસસ્ટેન્ડ કોર પુગ્યાં - સોરી, પહોંચ્યાં. (જીવણ મારાજનો આતમા દુઃખી થાય. ના. મારે જ ઉભડ બોલી બોલવાની ટેવ છોડવાની છે.)
હવે જમી લીધું એટલે ધ્રોળ કે'વાય. બાકી 'સામે ગામ'. ત્યાં આ ત્રણેયને ઉતારી રાજકોટ બસ મૂકી પાછા રજા ઉપર ઘેર આવવાનું હતું.
વર્કશોપમાંથી 'પો બારબાર', PO 1212 આવી પહોંચી. નહાઈ ધોઈ પાલીસ બાલીસ કરેલી. લગન વખતે શણગારેલી દુલ્હન જેવી. મેં 'ફેમિલી'ને બેસાડયું. કાર્તિક બસ લખાવી, ચામડાનો થેલો લઈને આવી પહોંચ્યો. એણે બહાદુરને તેડીને બે વાર 'ટીનટીન' કરાવ્યું. બહાદુરની આજ્ઞા સર માથે. મેં બસ ઉપાડી. ઓખા રાજકોટ ટ્રીપ. ઓખાને બદલે આજે દ્વારકાથી ઉપડી 'તી. સાહેબ કે' ઈ બાજુ કઈંક પવનનું તોફાન હતું.
બપોર ધગતો હતો. કાર્તિકે વૉટરબેગમાંથી પાણી છાંટી ભીનો રૂમાલ આપ્યો ઈ મારી 'એણે' બહાદુરને માથે મુક્યો. બસમાં પેસેન્જરો ઝોકાં ખાતા હતા. બસનું છાપરું ઉપર કોલસા સળગાવ્યા હોય એવું ધગધગતું 'તું. કુરંગા ગ્યું. ભાટીયા કોઈ ઉતરનારું કે ચડનારું નો'તું. કોણ આ ચોરને કાંધ મારે એવા તડકે નીકળ્યું હોય? વળી એક 'ટીન' કાર્તિકે મારી ને બે બહાદુરે. 'ઈ' પાછલી સીટે જઈ એના દીયર કાર્તિકની હારે ધીમું હસીને કાંક વાતું કરતી 'તી. અફાટ ખારાપાટ વચ્ચે ત્રિશૂળ જેવો ત્રિભેટો આવ્યો. એક બાજુ પોરબંદર જાય ને બીજી ખંભાળિયા. મેં બીજી બાજુ બસ વાળી.
બીજા દસેક કિલોમીટર ગયા ત્યાં તો સામેથી જોરદાર પવન ફૂંકાવા માંડ્યો. બસ એના જોરમાં હાલકડોલક થવા માંડી. ત્યાંની પીળી ધુળની મોટા રાક્ષસ આકારની ડમરી આગળના કાચ ઉપર તડતડ અવાજ કરતી વાગવા માંડી. લોકોએ બારી બંધ કરી દીધી. સોના એની મા ના ખોળામાં માથું મુકી ઊંઘી ગઈ 'તી. બહાદુર સીટમાં લપાઈને બેઠો હતો.
દૂર સુધી ખુલ્લી જગ્યા હોઈ બસને એટલા જોરથી પવનનો માર વાગતો હતો કે આગળ જવાને બદલે બસ પાછળ ધકેલાતી હોય એવું લાગ્યું. લાઈટના થાંભલા પણ ઝૂલવા માંડ્યા ને આગળ જતાં તૂટીને નીચે લબડી પડેલા વાયરો રસ્તામાં આવ્યા. ઈ લાઈવ વાયરો હતા. બસને અડે તો જોરદાર કરંટ લાગે. બસ સળગી પણ જાય.
મેં સ્પીડ ધીમી કરી ને બસને ઈ વાયરોથી તારવી. બસની બ્રેક પકડીને સહેજ દબાવી કંટ્રોલમાં લીધી, સ્ટિયરિંગ મહામુશ્કેલીએ સીધું રાખવા ટ્રાય કર્યા કરી. ત્યાં તો ઝુહુ.. ઝુહુ.. એવો બિહામણો અવાજ કરતું વરસાદનું કાળું ડિબાંગ વાદળું બસ તરફ ધસી આવ્યું.
ગાજવીજ અને કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. કાચ પર પડતા વરસાદનો તડતડ અવાજ કાંકરાઓ મારતા હોય એમ આવવા લાગ્યો. વીજળીના કડાકા વચ્ચે એક બે વાર મારી આંખ અંજાઈ ગઈ.
અન્ફેન વાવાઝોડાંને ત્રણેક મહિના થયા હતા. ઈ પૂર્વમાં ખાનાખરાબી કરી ગ્યું તું તો આ પશ્ચિમે અરબી સમદર કોરથી આવેલું. અમારી બસને ત્રાંસી બાજુથી ધકેલતું હતું. જોરથી થપાટો મારતું હતું. વારેવારે બસ ગડથોલું ખાતાં રહી જતી હતી.
વરસાદની ઝાપટો બસની આગળનું કાંઈ જ દેખાવા દેતી નહોતી. જાણે કોઈ રાક્ષસ અમારી ઉપર કોગળો કરતો હોય એવો જ અવાજ ને એવી જ છાલકો બસની ડાબી બાજુ અને કાચ પર વાગતી હતી.
મેં બેય વાઈપરો ચાલુ કર્યાં. બસની લાઈટ પણ કરી. પીળો શેરડો આડા પડતા ધોધમાર વરસાદને વીંધી રહ્યો. જોતજોતામાં પાણી ભરાઈને રોડ ઉપરથી વહેવા માંડ્યું. આગળ જતાં દરિયાની જેમ મોજાંઓ હિલોળા લેવા માંડ્યાં. બસ એમાં તણાતી હોય એમ ઝૂલવા માંડી. જોતજોતામાં પાણી દરવાજા નીચેથી બસનાં પગથિયાં પર આવી ગ્યું.
બસમાં પેસેન્જરો ગભરાઈ ગ્યા તા. હંધાય સુનમુન થઈને મનમાં ભગવાનને યાદ કરતા હતા.
ઓચિંતો બહાદુરનો નાનકડો અવાજ ગુંજયો, 'બા, આપણે પાણીમાં ઉડતાં પ્લેનમાં બેઠાં. બાપા ઉડાડે છે. કેવી મઝા!'
બસમાં આ પરિસ્થિતિમાં પણ હાસ્યનું મોજું ફરી વળ્યું અને જાહેરાત થઈ ગઈ કે મારું ફેમિલી આ બસમાં છે.
મેં બસને રોડની વચ્ચે જ ચલાવ્યા કરવા કોશિશ કરી. પણ રોડ દેખાય તો ને! પાણીના હિલોળા રસ્તો ઓળંગી બાજુમાંથી ઘૂઘવતી નદીની જેમ જવા માંડ્યા. ખારોપાટ જોતજોતામાં ડૂબીને સમદર બની ગયો અને જાણે 'મેરામણે માઝા મૂકી.' ચારે બાજુ મેરામણ ઘૂઘવી ર્યો. સફેદ માઈલસ્ટોન તો ક્યારના વહેતાં પાણીમાં ડૂબી ગયેલા. બસનાં ટાયર પણ ડૂબવા માંડ્યાં.
વરસાદનાં ભરેલાં પાણીમાંથી બસ ઘણીવાર, લગભગ દર ચોમાસે કાઢી છે. પ્રાઇવેટ ટ્રાવેલ બંધ રહે પણ એસટીનાં પૈડાં ફરતાં રહે. પણ ઈ પાણીનો આવડો ફોર્સ ન હોય. આ તો ધસમસતું ઘોડાપૂર. છોગામાં (વધુમાં) જોશભેર ફૂંકાતો પવન. જાણે મધ દરિયે વહાણ હાલ્યું!
કોઈ પેસેન્જર સાથે કાર્તિક મારી પાસે આવ્યો. કહે, 'સાઈડમાં લઈને થોડી વાર ઉભી કાં રાખતા નથી?'
મેં કીધું, 'જહાજ મધદરિયે ઉભે? હેલિકોપ્ટર થોડું ઉભે પણ ઊંચા આકાશમાં પ્લેન ઉભે? એણે ગયા જ કરવું પડે. ઉભા તો તણાયા સમજો.
હું બને એટલી કાળજીથી બસને પાર ઉતારીશ. ચિંતા ન કરો. એક આ રસ્તો દેખાતો નથી. વાઈપર બાર્યેથી લૂછે, અંદરથી શું કરવું?'
'તો ઈમ કયો ને! હું છું ને? આ આવી તમારી ને બસની વ્હારે.' કહેતી મારી રજપુતાણી પોતાના થેલામાંથી નવી નક્કોર સાડી કાઢીને ઉતરી મારી કેબિનમાં ને ઈ સાડીનો ડૂચો કરી માંડી અંદરથી કાચ લુછવા. ઈ જોઈ કાર્તિક પણ આઈવો. સાડીના બે કટકા કરી અડધો એણે આપ્યો કાર્તિકને. એક આગલા કાચ લુછતું જાય, બીજું સાઈડના.
આવામાં બ્રેક તો લાગે જ નહીં. પાણી રસ્તા અને ટાયર વચ્ચે, ટાયર પર શીંગ પર ફોતરું હોય એમ ચોંટી રહે. મેં બ્રેક પર ખાલી પગ રાખ્યો. જરૂર પડે ખૂબ ઓછી મારતો. પણ એમાં ખાડો કે બમ્પ આવે તો બસ કુદતી.
આગળ સ્થિર પાણી આવ્યાં. મેં બસ રિવર્સ લેવા માંડી. કાર્તિક ને બીજા નજીક આવી ગયેલા પેસેન્જર કયે શું થયું? મેં કીધું આ પાણી વહેતું નથી એટલે મોટો ખાડો કે તળાવ જેવું છે. ત્યાં જાવ તો અંદર ગરકી જ જાવ. બીજે વહેતું હોય ને એક જ જગ્યાએ સ્થિર હોય તો એમાં ક્યારેય ન જવાય.
મારી વાત સાચી હતી. એક ટેમ્પો ડૂબીને ખૂંચી ગયેલો દેખાયો. મેં માંડમાંડ જોર કરતાં કરતાં ટર્ન લીધો. પાણીમાં ટાયર ફરે કેમનાં! બાજુમાં ઝાડનું થડ વહેતું દેખાયું. ઈ અથડાય એ પહેલાં બસ સાઈડમાંથી કાઢી લીધી. પાણી સીધાં વહેતાં દેખાણાં. ઈ રસ્તો હશે. એ વહેણની પાછળ હું હળવેહળવે આગળ હાલ્યો.
ભર પાણીમાં એક્સેલરેટરનો ઉપયોગ પણ જરૂર જેટલો જ કરવાનો હોય.
આગળ કોઈ ટ્રક કે મોટાં વાહનની પાછલી લાલ લાઈટ દેખાઈ. મેં એક્સેલરેટર પેડલ પરથી પગ ઉપાડી જ લીધો. બસ ધીમી પડી રગડયે ગઈ. મોટાં વાહનથી ભર વરસાદમાં દૂર જ રેવાય. ઈ છાલક ઉડાડે તો દેખાતું હોય ઈ યે બંધ થઈ જાય. એમાં પણ ઈ બ્રેક મારે તો તમે એમાં ઘુસી જ જાઓ. બેય મરો.
મેં નજર સીધી રાખી એક સરખું ધીમે ધીમે આગળ ગ્યે રાખ્યું.
હવે એક સાઈડે ઝાડની હાર ની હાર (મોટી લાઈન) દેખાઈ. અમે સાચે રસ્તે હતાં. તોફાનનું જોર ઘટી ગ્યું તું. ખાલી ખંભાળિયા ગામ સોંસરવા જવાને બદલે બહારના રોડ ઉપરથી નીકળેલા.
આગળ એક ઢાળ હતો. એની પાસે પાણી ભરાયેલાં. એમાંથી કાઢવી ઈ તો મારા ડાબા હાથનો ખેલ હતો. હું ઢાળ ચડીને ઉતર્યો. માઈલનાં બોર્ડ દેખાયાં.
મેં ઊંડો શ્વાસ લઈને મુક્યો. મારા ધબકારા હજી ઢોલની જેમ વાગતા હતા. મને પરસેવો નીતરતો હતો. હું મારા ગમછાથી લુછવા ગ્યો ત્યાં ઠકરાણીએ એવડી ઈ અટાણે પે'રેલી ઈ જ સાડીના પાલવથી મારો પરસેવો લુછ્યો. એસટી ઈનામ આપે ન આપે, મને મારું ઇનામ મળી ગ્યું.
ઈ પાછી ડ્રાઇવર કેબિનમાંથી બહાર નીકળી અને પેસેન્જરો વચ્ચે માસ્તરાણી છોકરાંને બોલાવે એમ બોલી, 'બોલો, દ્વા..રકા ધી..શ કી..'
મોટેથી આખી બસ ગાજી ઉઠી- 'જ..ય!'.
મેં બસ ઉભી રાખી. અમુક પેસેન્જરોએ તાળી પાડી. એક સાહેબ ઉભા થયા. મારો ખભો થાબડતાં કહે, 'શાબાશ. જબરું લઈ આવ્યા પુરમાંથી. હું ધ્રોળ તાલુકાનો મામલતદાર છું. કોઈ કામ હોય તો કહેજો.'
મેં તરત કામ છે એમ કીધું. વિગત મારી ઠકરાણી કહેશે એમ કીધું. ઈ સાહેબની બાજુમાં બેસી ગઈ અને ધીમા અવાજે સાહેબને અમારી જમીનના પ્રોબ્લેમની વાત કહી. સાહેબ ડોકું હલાવતા એક ધ્યાનથી સાંભળતા રહ્યા.
મુસાફરો થોડી વાર નીચે ઉતરી 'આઘા પાછા' થયા.
કોઈનું સારું કરીએ તો આપણું સારું થાય જ.
દ્વારકાધીશનાં દર્શન ફળી રહ્યાં હતાં.
ક્રમશઃ